Home Blog Page 2740

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝની રેકોર્ડ સ્તરે આગેકૂચ યથાવત

 મુંબઈ: એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સ સેગમેન્ટે આજે સાપ્તાહિક અને માસિક બંને કોન્ટ્રેક્ટની એક્સપાયરી પૂરી થતાં રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.

અગાઉના સપ્તાહના રૂ. 6,06,637 કરોડના એક્સપાયરી ટર્નઓવરથી 37 ટકા વધીને, આ સપ્તાહનું નોશનલ ટર્નઓવર રૂ. 8,28,100 કરોડ (ઓપ્શન્સમાં રૂ. 8,28,000 કરોડ અને ફ્યુચર્સમાં રૂ. 100 કરોડ) પર પહોંચી ગયું છે.

 

કુલ ઓપન ઇન્ટરેસ્ટ એક્સપાયરી પહેલાં 6.62 લાખ કોન્ટ્રાક્ટ્સ સાથે રૂ. 42,850 કરોડની મૂલ્ય પર પહોંચ્યું હતું. કુલ 1.28 કરોડ કોન્ટ્રેક્ટ ટ્રેડ થયા હતા.

 

 

 

 

 

કેન્દ્ર વિરુદ્ધ કેજરીવાલઃ બે બળિયા બાથે વળિયા

 નવી દિલ્હીઃ દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમે ફરી એક વાર અધિકારોના વિવાદને સુપ્રીમ કોર્ટમાં પહોંચાડ્યો છે. કેજરીવાલ સરકારે એક અરજી દાખલ કરીને એ વટહુકમને પડકાર આપ્યો છે, જેના દ્વારા અધિકારીઓના પોસ્ટિંગની તાકાત ફરી LGને આપવામાં આવી હતી. હવે એ વટહુકમની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ધા નાખવામાં આવી છે. એ સાથે ચોથી જુલાઈએ એ વટહુકમની કોપીને સળગાવવાની તૈયારી છે.

સુપ્રીમ કોર્ટે અધિકારોની લડાઈમાં આમ આદમી પાર્ટીને મોટી રાહત આપી હતી. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફરનો હક ચૂંટાયેલી દિલ્હી સરકારની પાસે રહેશે. કોર્ટે તર્ક આપ્યો હતો કે ચૂંટાયેલી સરકાર પ્રતિ અધિકારીઓની જવાબદારી રહેવી જરૂરી છે, પરંતુ કોર્ટના એ ચુકાદાની સામે કેન્દ્ર સરકાર એક વટહુકમ બહાર પાડ્યો હતો. એ અધ્યાદેશમાં કહેવામાં આવ્યું હતું કે અધિકારીઓના પોસ્ટિંગ અને ટ્રાન્સફરમાં અંતિમ નિર્ણય LG પાસે રહેશે.

વાસ્તવમાં કેન્દ્રએ એક સમિતિની રચના કરી હતી, જેમાં ત્રણ લોકો રહેશે- દિલ્હીના મુખ્ય પ્રધાન અને દિલ્હીના મુખ્ય સચિવ અને ગૃહપ્રધાન સચિવ. હવે આ સમિતિ જે નિર્ણય કરશે એનો અંતિમ નિર્ણય LGએ કરવાનો રહેશે. આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમને કોર્ટના ચુકાદાની વિરુદ્ધ ગણાવ્યો હતો. પાર્ટીએ એને લોકતંત્રની હત્યા પણ ગણાવી હતી.

 

 

 

રવા પકોડા

વરસાદ વરસી રહ્યો છે અને ભજીયા ખાવાનું મન થઈ રહ્યું છે! તો બનાવો રવા પકોડા! રવા પકોડા?  હાં, જલ્દી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે!

સામગ્રીઃ

  • રવો 1 કપ
  • દહીં ¼ કપ
  • કાંદો 1
  • લીલા મરચાં 3
  • આદુની પેસ્ટ 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2  ટે.સ્પૂન
  • કળીપત્તાના પાન 7-8
  • હીંગ ચપટી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બેકીંગ સોડા ¼ ટી.સ્પૂન
  • તેલ તળવા માટે

રીતઃ એક વાસણમાં રવો લો. તેમાં દહીં મિક્સ કરી લો. હવે તેમાં સમારેલી કોથમીર, ઝીણો સમારેલો કાંદો તેમજ લીલા મરચાં, આદુની પેસ્ટ મેળવી કળીપત્તાના પાનને પણ સમારીને ઉમેરો. મીઠું સ્વાદ મુજબ, હીંગ મેળવી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી મેળવીને ખીરું તૈયાર કરવું.

તૈયાર થયેલું ખીરું ઢાંકીને 10 મિનિટ માટે એકબાજુ રહેવા દો. 10 મિનિટ બાદ જો ખીરું વધુ ઘટ્ટ થયું હોય તો તેમાં જરા પાણી ઉમેરીને ભજીયાના ખીરા પ્રમાણેનું ખીરું તૈયાર કરી લો. હવે તેમાં બેકીંગ સોડા પણ મેળવી દો.

કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે આ ભજીયા સોનેરી રંગના ક્રિસ્પી તળી લો.

આ ગરમાગરમ પકોડા ટોમેટો કેચઅપ  અથવા લીલી ચટણી સાથે પીરસો.

આ પણ એસ જી હાઈવે છે…!

શહેર ના સરખેજ વિસ્તાર થી ગાંધીનગર તરફ જવા માટે વાહનોને સરળતા રહે એ માટે વ્યસ્ત જગ્યાઓ નક્કી કરી ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યા.

અમદાવાદ શહેરનો એસ.જી હાઇવે એકદમ આધુનિકં બિલ્ડિંગ, ઓફિસો, હોટલો, મોલ, ક્લબો,શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક થી લગભગ ભરાઈ ગયો છે. શૈક્ષણિક સંસ્થાઓ, મોલ જેવી જગ્યાઓ પાસે સુંદરતા વધે એ માટે ઓવરબ્રિજ, અંડર બ્રિજ, સર્કલો ની સુંદરતા નો વધારો થાય એવો પ્રયાસ કરાયો છે.

જ્યારે એસ.જી.હાઇવે ના એક છેડા સરખેજ પાસે જાણે ઓરમાયું વર્તન થયું હોય એવું લાગે છે. સરખેજ થી સાણંદ વિરમગામ તરફ જતા માર્ગ પર આવેલું સર્કલ બિસ્માર હાલતમાં છે. જ્યાર થી ઓવરબ્રિજ બનતો હતો ત્યાર પછી ખુલ્લો મુકાયા ના આજ દિન સુધી એ સર્કલ નું નવીનીકરણ શરૂ કર્યા બાદ અધુરું છે.

ઓવરબ્રિજ નવો છે,જેને રંગરોગાન પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. પરંતુ સરખેજ નું સૌને ઉડીને આંખે વળગે એવા સર્કલ પર ખાનાબદોશ લોકો નો અડ્ડો છે. એક તરફ એસ.જી હાઇવે બીજી તરફ સાણંદ વિરમગામ તરફ જવાય એવું સર્કલ બદસુરત છે.

આ સર્કલ ઘણાં સમય થી બિસ્માર અને અધુરું બનાવેલું પડ્યું છે.ઓવરબ્રિજ નીચે વ્યાપારી વાહનો પાર્ક કરવી નહીં. એવા અંગ્રેજી અને ગુજરાતી ભાષા માં પાટિયાં લગાડવા માં આવ્યા હોવા છતાં અસંખ્ય વાહનોનો અડીંગો ચોવીસ કલાક લાગેલો હોય છે.

પોશ વિસ્તારો ની એકદમ નજીકનો રાજધાની તરફ જતો ગોડાઉન અને ગેરેજથી ભરપૂર વિસ્તારમાં પણ સુંદરતા ઝંખે છે. કારણ આર્થિક સધ્ધરતા ખેતી , ઉદ્યોગ ને પ્રોત્સાહન થી જ વધે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

મૈનપુરીમાં રૂ. 10 માટે દુકાનદારની હત્યા કરાઈ

લખનઉઃ ઉત્તર પ્રદેશના મૈનપુરથી આશ્ચર્યચકિત કરનારા સમાચાર આવ્યા છે. અહીં રૂ. 10ના વિવાદમાં દુકાનદારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ હત્યા પછી આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. એ વિસ્તારમાં ગોળી ચાલવાને કારણે લોકોમાં ભય છે. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં માત્ર રૂ. 10ના વિવાદમાં એક દુકાનદાર મહેશચંદ્ર જાટવની હત્યા કરવામાં આવી છે તે દલિત હતો. તે તેની દુકાનની બહાર સૂતો હતો, ત્યારે ગુલફામ ઉર્ફે ગુલ્લા બંજારા તરીકે ઓળખાતા આરોપીએ તેના માથામાં ગોળી મારી દીધી હતી. આ મામલો 12 જૂનનો છે. હત્યા કર્યા પછી આરોપી ફરાર  થયો હતો. પોલીસે તેની તપાસ કરવા માટે ટીમ બનાવી હતી, જે પછી મંગળવારે (27 જૂને) તેની ધરપકડ કરવામાં આવી છે.

ગુલફામે ખુલાસો કરતાં કહ્યું હતું કે જાટવની દુકાન પર અન્ય સામાન સિવાય તે પેટ્રોલ પણ વેચતો હતો. ગુલફામે જાટવ પાસે પેટ્રોલ ખરીદ્યું હતું. ગુલફામના ગયા પછી જાટવને લેવડદેવડમાં રૂ. 10ની ગરબડ નજરે ચઢી. જેથી તેણે ગુલફામને બાકીના રૂ. 10 આપવા કહ્યું, પરંતુ ગુલફામે તેને પૈસા આપવાનો ઇનકાર કર્યો. બંને વચ્ચે રૂ. 10ને લઈને તૂતમૈંમૈં થઈ ગઈ. જે પછી જાટવે ગુલફામને ધમકી આપી હતી, જાટવથી ધમકી મળવા પર ગુલફામે બદલો લેવાનો નિર્ણય કર્યો. 12 જૂને જાટવ દુકાનની બહાર સૂતો હતો, ત્યારે ગુલફામે તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસે હાલ આરોપી ગુલફામની ધરપકડ કરી છે.

 

 

 

 

હાઇકોર્ટે કેન્દ્રની વિરુદ્ધ ટ્વિટરની અરજી ફગાવી, દંડ ફટકાર્યો

બેંગલુરુઃ કર્ણાટકની હાઇકોર્ટે ટ્વિટર ઇન્ક દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં કંપનીએ સામગ્રી દૂર કરવા માટે અને બ્લોક કરવા સંબંધી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના આદેશને પડકારવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે કંપનીની અરજીનો કોઈ આધાર નથી.

જસ્ટિસ કૃષ્ણ એસ. દીક્ષિતે ટ્વિટર કંપની પર રૂ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને એને 45 દિવસોની અંદર કર્ણાટક રાજ્યના કાયદાકીય સત્તાવાળાઓ પાસે જમા કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ચુકાદોનો મુખ્ય ભાગ વાંચતાં કહ્યું હતું કે ઉપરોક્ત પરિસ્થિતિઓમાં એ અરજી આધાર રહિત હોવાને કારણે અનુકરણીય દંડની સાથે ફગાવી દેવામાં આવે છે. અરજીકર્તા પર રૂ. 50 લાખનો દંડ ફટકારવામાં આવે છે, જે 45 દિવસોમાં બેંગલુરુમાં ભરવાનો છે. જો એમાં વિલંબ થશે તો એના પર પ્રતિ દિન રૂ. 5000નો વધારાનો દંડ ફટકારવામાં આવશે.

જસ્ટિસ દીક્ષિતે ટ્વિટરની અરજી ફગાવતાં કહ્યું હતું કે હું કેન્દ્રની એ દલીલ સાથે સહમત છું કે એની પાસે ટ્વીટને બ્લોક કરવાની અને એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવાની શક્તિ છે.  કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું હતું કે ટ્વિટર તેના યુઝર્સ વતી વાત કરી શકે નહીં. આ કિસ્સામાં તેને કોર્ટમાં અપીલ દાખલ કરવાનો કોઈ અધિકાર નથી. ટ્વીટ બ્લોક કરવાનો આદેશ વિવેક વગર કે એકપક્ષી રીતે લેવામાં આવ્યો ન હતો. રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખીને, ટ્વિટરને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને કારણે લિંચિંગ અને ટોળાની હિંસાની ઘટનાઓને રોકી શકાશે.

 

 

 

 

 

ફ્રાન્સમાં રસ્તાઓ પર ‘યુદ્ધ જેવી સ્થિતિ’: ઘરો-કારોને આગ લગાડાઈ

પેરિસઃ ફ્રાંસના પાટનગર પેરિસના ઉપનગર નૈંટરમાં થયેલા પોલીસ ફાયરિંગમાં એક સગીર યુવકના માર્યા ગયા પછી દેશમાં હિંસા ભડકી ગઈ છે. સતત ત્રીજા દિવસે જારી હિંસામાં સેંકડો ઘરો પર પથ્થરમારો થયો છે અથવા એમાં આગ લગાડી દેવામાં આવી છે. આ સિવાય અનેક કારો, બસો અને અન્ય વાહનોને સળગાવીને ખાખ કરી દેવામાં આવ્યાં છે. હિંસાને નિયંત્રિત કરવામાં 150થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. પોલીસે 421 દેખાવકારોની ધરપકડ કરી છે. તોફાનો પર કાબૂ મેળવવા માટે રસ્તા પર હજારો સંખ્યામાં પોલીસ અને સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યાં છે.

ફ્રાંસ પોલીસે એક 17 વર્ષના યુવકને ટ્રાફિક પોલીસે અટકાવ્યો હતો, પણ તે અટક્યો નહોતો. જેથી પોલીસે તેને ગોળી મારી દીધી હતી. ગોળી મારવાવાળા પોલીસ અધિકારી પર હત્યા કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોએ કહ્યું હતું કે આ શૂટઆઉટ અક્ષમ્ય છે. એક યુવકના મોતને તમે યોગ્ય ના ગણાવી શકો. 

આ યુવકની ગોળી મારીને હત્યા કરનાર પોલીસ અધિકારીએ પીડિત પરિવાર પાસે માફી માગી લીધી હતી. જોકે આ ઘટનાના ફુટેજ સોશિયલ મિડિયા પર વાઇરલ થયા પછી હિંસા દેશઆખામાં ફેલાઈ ગઈ હતી. ગૃહપ્રધાન ગેરાલ્ડ ડર્મે નિને કહ્યું હતું કે હિંસા દરમ્યાન ટાઉન હોલ, સ્કૂલો અને પોલીસ સ્ટેશનોમાં આગ લગાડવામાં આવી હતી.

નૈંટરે શહેરમાં દેખાવકારોએ 50 કારો અને એક બેન્કના બિલ્ડિંગમાં આગ લગાડી દીધી હતી. પોલીસ પર ગોળાઓ ફેંક્યા હતા. અનેક શહેરોમાં દેખાવો દરમ્યાન દુકાનો લૂંટફાટ થઈ હતી. અનેક શહેરોમાં દેખાવકારોએ પોલીસ સ્ટેશન, સ્કૂલ અને બસોને આંગ ચાંપવાના બનાવ બન્યા હતા.

 

 

 

 

રાજ્યમાં બારે મેઘ ખાંગાઃ ડેમોમાં નવા નીરની આવક

અમદાવાદઃ રાજ્યમાં બારે મેઘ ખાંગા થયા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા વધુ આગામી બે દિવસમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં ઓઆવી છે. રાજ્યમાં સાઇક્લોનિક બે સિસ્ટમ સક્રિય થઈ છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં 1થી 11 ઇંચ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જૂનાગઢમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તાપી જિલ્લામાં 9.4 ઈંચ વરસાદથી રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં પાંચ ગામનો સંપર્ક તૂટ્યો હતો. વરસાદને કારણે રાજ્યના મોટા ભાગના ડેમોની સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.

જૂનાગઢ તાલુકામાં પાછલા 22 કલાકમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના મેંદરડામાં 5.9 ઈંચ અને ભેસાણમાં 5.4 ઈંચ વરસાદ થયો છે.  જૂનાગઢમાં થયેલા સારા વરસાદના કારણે ખેડૂતોમાં ભારે ખુશીની લાગણી છવાયેલી છે. જૂનાગઢમાં ઠેર-ઠેર ભારે વરસાદને કારણે નદી-નાળાં તથા તળાવ સહિતની જગ્યાઓ પર નવાં જળ આવ્યાં છે. ભારે વરસાદને લીધે લોકોએ મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે.

તાપી જિલ્લામાં અનરાધાર વરસાદથી 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. સુરતના મહુવામાં 6 ઇંચ અને વ્યારામાં 5.5 ઇંચ વરસાદ ખાબકતાં ચારે બાજુ પાણી જ પાણી છે. સુરતના મહુવામાં 7.3 ઈંચ, તાપીના વાલોડમાં 6.8 ઈંચ અને વ્યારામાં 6.4 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે ગીર સોમનાથના તાલાલામાં 6.1 ઈંચ અને સૂત્રાપાડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના શહેરોમાં તંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

ભમરિયા ગામની નદીમાં ઘોડાપૂર

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ભમરિયા ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેમાં એક પરિવાર ફસાયો હતો. જોકે જીસીબી દેવદૂત બનીને આવ્યું અને તમામના જીવ બચાવી લીધા હતા.

ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક

રાજ્યના મોટા ભાગના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ શહેર અને જિલ્લાનાં તમામ ગામોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેરમાં બે ઇંચ સહિત જિલ્લામાં સાર્વત્રિક 1થી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જામકંડોરણા તાલુકામાં છ ઇંચ વરસાદ અને સૌથી ઓછો લોધિકા તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને લઈ જિલ્લાના તમામ ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ છે. જેમાં ઉપલેટનો વેણુ-2 અને ધોરાજી તાલુકાના ભૂખી પાસેનો ભાદર-2 ડેમ 80 ટકા, જ્યારે ઉપલેટાનો મોજ ડેમ 70 ટકા ભરાયો છે. એ સાથે જ ભાદર-2 ડેમના 6 દરવાજા પાંચ ફૂટ ખોલી 38,674 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે નદી કાંઠાનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે.

સુરવો ડેમ 100 ટકા ભરાયો

રાજકોટનો સુરવો ડેમ એની નિર્ધારિત સપાટીએ 100 ટકા ભરાઈ ગયો છે. ડેમમાંથી હાલ 355 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તથા ત્રણ દરવાજા બે ફૂટ ખોલાયા છે.

મોજ ડેમ 70 ટકા ભરાયો

રાજકોટનો મોજ ડેમ તેની નિર્ધારિત સપાટીએ 70 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 21,045 ક્યુસેકની આવક છે. ડેમની કુલ ઊંચાઈ 72.54 મીટર છે, જ્યારે ભરાયેલી ઊંચાઈ 71.08 મીટર છે.

 

 

 

ભૂલવાના ગુણમાં જ યાદશક્તિનું રહસ્ય સમાયેલું છે

જેને આપણે આત્મા કે ચેતનતા કહીએ છીએ. વર્તમાન સમયે પુનર્જન્મના અનેક ઉદાહરણ પ્રકાશમાં આવ્યા છે. જે દ્વારા એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે યાદશક્તિનું કેન્દ્ર મગજ જ છે, તો આત્મા દ્વારા ધારણ કરવામાં આવેલ નવા શરીરમાં, નવા મગજમાં જૂની યાદો ક્યાંથી આવી ગઈ? આ પ્રશ્નનો જવાબ રાજયોગ શિક્ષણ પદ્ધતિ ( જેને વિજ્ઞાન પણ માન્યતા આપે છે ) ના આધારે આપણે આપી શકીએ છીએ. આત્માને મગજના આધારે અનેક બાબતો યાદ રહે છે. પરંતુ મૃત્યુની સાથે જ તે જન્મની યાદોથી આત્મા ખાલી થઈ જાય છે. નવા શરીરમાં નવા મગજના માધ્યમથી નવી યાદો પોતાનામાં ભરે છે. નવા જન્મની નવી બાબતો આત્મામાં ભરવાની સાથે જ પાછલા જન્મની યાદો ભૂલવાનું શરૂ થઈ જાય છે.

આ વિધાતા દ્વારા મળેલ એક ખૂબ મોટું વરદાન છે. નહીં તો કલ્પના કરો કે અનેક જન્મોની અનેક પ્રકારની યાદો માનવ મન માં ભરેલી રહે તો તેની શું દશા થાય? ઘણાને એ પ્રશ્ન થાય છે કે આપણે કામની વાતો કેમ ભૂલી જઈએ છીએ? વાસ્તવમાં મનની પ્રવૃત્તિ હાલક-ડોલક હીંચકા જેવી છે. આ હીંચકો એક તરફ નમશે તો બીજી તરફ ઊંચો થશે. જો એક તરફ વ્યર્થ વાતોનું 50 કિલોગ્રામ વજન હોય તો તે પલડું સ્વાભાવિક રીતે નીચે જમીનને અડશે અને બીજું પલડું ઉપર જશે. આમ યાદો વાળા પલડાને ત્યારે જ નીચે લાવી શકાશે જ્યારે વ્યર્થના વજનને ઓછું કરવામાં આવશે. આ પ્રકારે ભૂલવાના ગુણમાં જ યાદશક્તિ ના વિકાસ નું રહસ્ય સમાયેલું છે. આપણે ધ્યાન રાખવાનું છે કે કોઈને ભુલક્કડ કહીને તેની ભૂલોને ભાલાની જેમ તેને દુ:ખનો અનુભવ કરાવવો એ બરાબર નથી. કારણકે હંમેશા જાગતી જ્યોત, જ્ઞાનના સાગર ભગવાન શિવ કહે છે કે – “સૌથી મોટી ભૂલ છે ભગવાનને ભૂલવા”. માટે જ જેઓ બીજાની ભૂલોને નથી ભૂલતા તેઓ તે સમયે ભગવાનને ભૂલવાની ભૂલ તો પોતે જ કરી રહ્યા હોય છે અને જે પોતે જ ભૂલ કરી રહેલ હોય છે તે બીજાને અભૂલ બનાવવાના પુરુષાર્થમાં કેવી રીતે સફળ થશે! માટે જ બીજાને ભુલક્કડ કહીને તેની મજાક ન ઉડાવીએ પરંતુ પોતે પરમાત્મા શિવપિતા ની યાદ માં રહીને પોતાને ભૂલોથી બચાવીએ.

સૃષ્ટિની શરૂઆતથી જ ગૃહસ્થ જીવન ચાલતું આવ્યું છે. માતા-પિતા અને બાળકો એ ગૃહસ્થ જીવનનું સ્વરૂપ છે. સૃષ્ટિના ભગવાન શિવ અનાદિ ગૃહસ્થી છે જેઓ વિશ્વના કરોડો આત્માઓના માતા-પિતા છે. સાકારમાં પણ તેઓ માતા-પિતા તરીકે પાલના કરે છે.

ધર્મની ગ્લાનીના સમયે તેઓ આ સૃષ્ટિ ઉપર અવતરિત થાય છે અને રાજયોગના અભ્યાસ દ્વારા માનવની બુદ્ધિને તમામ પ્રકારની હદ તથા સ્વાર્થથી બહાર લાવી દે છે. તેની સાથે સાધારણ શરીરનો આધાર લઇ એવા દિવ્ય કર્મ કરીને બતાવે છે જેનાથી આત્માઓને અનુભવ થાય છે કે તેઓ ભગવાન શિવ પરમાત્મા છે. સાથે સાથે આત્મા-આત્મા ભાઈ-ભાઈ હોવાનો પણ અનુભવ થાય છે. મનુષ્ય આત્માઓને વિકારી જીવન થી મુક્ત કરાવી દિવ્ય જન્મ આપવાનું, દિવ્ય પાલના કરવાનું તથા જ્ઞાન અને ગુણોથી સજાવી સતયુગી સમૃદ્ધિનો વારસો આપવો એ બધા દિવ્ય કામ પણ કરે છે. આ પ્રકારની ઈશ્વરીય પાલના લેનાર આત્માઓ સતયુગી દુનિયામાં દેવી-દેવતા પદ પ્રાપ્ત કરે છે તથા ગૃહસ્થ આશ્રમની ભાવના નિભાવવાના દિવ્ય સૂત્ર તથા બેહદની ભાવનાઓ પરમપિતા પરમાત્મા પાસેથી સંગમ યુગમાં શીખી લે છે, ધારણ કરી લે છે.

જે ગૃહસ્થ જીવનની આટલી બધી મહિમા કરવામાં આવે છે તેને આશ્રમ અથવા પવિત્ર સ્થાન કહેવામાં આવે છે. આપણા પૂર્વજો દેવી-દેવતાઓ શ્રીલક્ષ્મી- શ્રીનારાયણ તથા તેમની સૂર્યવંશી-ચંદ્રવંશી વંશાવલી આ પ્રકારે ગૃહસ્થાશ્રમમાં જીવતી હતી.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

વાસ્તુ: બે ઘરના મુખ્ય દરવાજા સામે સામે આવતા હોય તો એ નકારાત્મક ગણાય

મજાનું વાતાવરણ હોય અને મજાની વ્યક્તિ સાથે હોય તો કેવું લાગે? મજાનું વાતાવરણ તો બધાને ખબર પડે પણ મજાની વ્યક્તિ કેવી હોય? જે આપણા વખાણ કરે એ? જે ફૂલો આપીને સતત ચાહવાની વાતો કરે એ? જે વિશાળ હોલમાં વાયોલીન સાથે પ્રપોઝ કરે એ? કે પછી કશુજ ન બોલે કશુજ ન કરે તો પણ એના પર ભારોભાર વિશ્વાસ કરવાનું મન થાય એ? જેના વિચાર માત્રથી મન પ્રફુલ્લિત થઇ જાય અને જેના સહવાસથી જીવનના બધાજ દુખ ભૂલી જવાય એવી વ્યક્તિ મજાની કહી શકાય. આવી મજાની વ્યક્તિ ક્યાં મળે? દરેકના જીવનમાં આવી એક વ્યક્તિતો હોય જ છે. બસ જરૂર હોય છે એને ઓળખવાની. મોટાભાગે જે વ્યક્તિ બિનશરતી પ્રેમ કરે છે એ વ્યક્તિ પર ધ્યાન ઓછુ અપાય છે. જે વ્યક્તિ સતત અહેસાસ દેવરાવતી હોય એના તરફ નજર વધારે રહે છે. પણ શું એ વ્યક્તિ જરૂર પડે ત્યારે સાથ આપશે ખરી? સ્વાર્થ શબ્દ સંબંધોના મૂળને ખોતરી નાખે છે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે દર્શાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: સર કહેવાનું કેવું મધુર લાગે છે નહિ? તમારો અવાજ ખુબ અદ્ભુત છે. એને સાંભળીને મન શાંત થઇ જાય છે. તમે આધ્યાત્મિક લેકચર આપો તો કેટલા બધા લોકોને ફાયદો થાય? મારે પણ આવો અવાજ કેળવવો હોય તો શું કરવું જોઈએ? કોઈ ખાસ ક્રિયા કરવાથી આધ્યાત્મિક અવાજ થાય ખરો?

જવાબ: આધ્યાત્મ શબ્દ આત્મા સાથે જોડાયેલો છે. મારો અવાજ આપને ગમે છે એ સારી વાત છે. પણ એ મારો અવાજ છે. મારા આત્મા સાથે જોડાયેલો અવાજ છે. આપને કોઈના જેવું શા માટે થવું છે? તમારી પોતાની ઓળખ બનાવો. બની શકે લોકોને આપનો અવાજ વધારે ગમે. અવાજને કેળવવા માટે ઘણી ક્રિયા પ્રક્રિયા આપણા દેશમાં પ્રચલિત છે. પણ જયારે આધ્યાત્મિકતાનો વિચાર કરીએ ત્યારે આત્માને ન ગમે એવું કશું જ ન કરવું જોઈએ. હૃદય સાફ હશે તો આપ જે બોલશો એ સારું લાગશે. મનમાં પાપ ન હોય એ ખુબ જરૂરી છે. જયારે વ્યક્તિનું મન શાંત અને હૃદય સંતૃપ્ત હોય ત્યારે એનો અવાજ મૃદુ લાગે છે. જયારે વ્યક્તિ તણાવમાં હોય કે મનમાં સ્વાર્થ કે લોભ હોય ત્યારે એ જ વ્યક્તિનો અવાજ નથી ગમતો. આપનો અવાજ પણ વખણાશે. સાચો પ્રયત્ન કરો.

સવાલ: મારી ઉમર એકવીસની છે. મારા ઘણા મિત્રો છે. વળી સારા દેખાવના કારણે ઘણા લોકો વાત કરવા પણ આવે છે. મારા મમ્મીનું માનવું છે કે પૈસાદાર લોકો ખરાબ હોય. આવું માનવાનું કારણ શું હશે? શું એમનાથી દુર રહેવું જોઈએ?

જવાબ: દેખાવ સારો હોય એ સારી વાત છે. પણ જે લોકો માત્ર દેખાવ જોઇને મિત્રતા કરે એ સાચા મિત્ર હોઈ શકે ખરા? મિત્ર કોઈ પણ હોઈ શકે. મિત્રની કોઈ જાતી નથી હોતી. પણ જયારે જાતિવાચક શબ્દથી મિત્રને જોવાનું થાય ત્યારે વિચારવું જોઈએ. વળી દરેક પૈસાદાર વ્યક્તિ ખરાબ અને દરેક ગરીબ વ્યક્તિ સારી એવો કોઈ નિયમ નથી. આ નિર્ણય તો જે તે વ્યક્તિના અનુભવથી જ લેવાય. આપના ઘરમાં અગ્નિથી વાયવ્યનો અક્ષ નકારાત્મક છે. તેથી આપના મમ્મીને આવું લાગી શકે. કોઈ નિષ્ણાતની સલાહ લઇ અને શિવપૂજા કરો. ગુરુવારે ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ બંધો અને ઉંબરો પૂજી લો. ચોક્કસ સારું લાગશે.

સુચન: બે ઘરના મુખ્ય દરવાજા સામે સામે આવતા હોય તો એ નકારાત્મક ગણાય.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)