Home Blog Page 2721

ગૃહસ્થ જીવન સમાજની વૃદ્ધિ તથા વિકાસ માટે જરૂરી

સતયુગમાં જન્મ યોગબળથી થાય છે. જીવન કામ- ક્રોધ વગેરે વિકારોથી સંપૂર્ણ મુક્ત હતું. ત્યાં દેવતાઓ પૂરા જીવન દરમિયાન સંપૂર્ણ પાપ રહિત હતા. સ્ત્રી – પુરુષની સંખ્યા સ્વાભાવિક રીતે સરખી હતી. ત્યાં બધાને એક દીકરો, એક દીકરી હશે. બધાની આત્મિક દ્રષ્ટી-વ્રુત્તિ હોવાના કારણે કોઈપણ પ્રકારની ઈર્ષ્યા કે દ્વેષ ન હતો. ગાય પણ વાઘ થી ડરતી ન હતી. મનુષ્ય તથા પ્રાણીઓમાં પણ અહિંસાની ભાવના હતી. આ કારણે જ સર્વશ્રેષ્ઠ-નિષ્પાપ દાંપત્યજીવનના પ્રતીક સમાન શ્રી લક્ષ્મી તથા શ્રી નારાયણની આજે પણ મંદિરોમાં પૂજા થાય છે. કોઈપણ વસ્તુ હંમેશા એક સમાન નથી રહી શકતી. પરિવર્તન સંસારનો નિયમ છે. દ્વાપરયુગ આવવાથી ગૃહસ્થ જીવનમાં પાપની પ્રવેશતા થઈ. બાળકોનો જન્મ વિકારથી થવા માંડ્યો. વિકારોના કારણે ઉત્પન્ન થયેલ દુઃખ થી પરેશાન થઈ કેટલાક લોકોએ ગૃહસ્થનો સંન્યાસ કરવાની શરૂઆત કરી. તેઓ યોગી, તપસ્વી અથવા ઋષિ-મુનિ કહેવડાવવા લાગ્યા. તેઓ વિકારો થી બચવાના ઉપાયો તથા પરમાત્માને પ્રાપ્ત કરવાની દિશામાં મનન- ચિંતન કરવા લાગ્યા.

આ સમયે વિવિધ શાસ્ત્રોની પણ રચના થઈ. ભક્તિમાર્ગના શાસ્ત્રોમાં લખ્યું છે કે રાજા પરીક્ષિત કે જે પાંડવોનો ઉત્તરાધિકારી હતો તેના સમયમાં કળિયુગે સોનામાં વાસ કર્યો. આ શાસ્ત્ર મતને આધાર બનાવીને લોકો ધનને માયા માનવા લાગ્યા. તેઓ સ્ત્રી- બાળકો, ઘર-પરિવારની સાથે ધન-સંપત્તિનો સન્યાસ કરવા લાગ્યા. એવી માન્યતા બની ગઈ કે ઈશ્વર તથા શ્રેષ્ઠ ગુણોની પ્રાપ્તિમાં ઘન-સંપત્તિ વિઘ્ન રૂપ છે. પરંતુ ભગવાન શિવે પ્રજાપિતા બ્રહ્માના મખકમલ દ્વારા એ રહસ્ય ખોલ્યું કે પહેલું પાપ જે સૌથી પહેલા માનવ જાતિના પતનનું કારણ બન્યું તે ધન નહિ પણ દેહ અભિમાન દ્વારા ઉત્પન્ન કામ-વાસના છે. આ કામ-વાસના જ દેવતાઓને વામમાર્ગમાં લઇ જવા નિમિત્ત બની. કામ વિકારને જ ક્રિશ્ચિયન ગ્રંથોમાં આદમ તથા ઇવ દ્વારા પ્રતિબંધિત ફળ ખાવું તેમ કહેવાયું છે. આ કામ વિકાર રૂપી પ્રતિબંધિત ફળને ચાખી લીધા બાદ બહુજ દુઃખ અને ગરીબીના પહાડ કેવી રીતે તૂટી પડ્યા તેનુ ક્રિશ્ચન ગ્રંથોમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે. દેવતાઓ વામમાર્ગમાં ગયા તેના પરિણામે આવેલ પ્રાકૃતિક આપત્તિઓના કારણે દેવતાઓની સ્વર્ગીય સભ્યતા- સંસ્કૃતિ નાશ પામી.

“સોનાની દ્વારકા પાણીમાં જતી રહી” એમ કહીને દૈવી સભ્યતાના વિનાશનું વર્ણન કરવામાં આવેલ છે. ગૃહસ્થ જીવન સમાજની અનિવાર્ય સંસ્થા છે તથા સમાજની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. માટે ગૃહસ્થ જીવનમાં પાપની પ્રવેશતા થી સંસારની તમામ પ્રક્રિયા દુષિત બની ગઈ. એક વ્યક્તિ રાજા, મંત્રી, દ્વારપાલ, કિસાન વિગેરે કોઈ પણ હોય પરંતુ તે કોઈ ઘરનો સભ્ય તો જરૂર હોય જ છે. જન્મ પ્રક્રિયાના દુષિત બનવાના કારણે કોઈપણ આત્મા પવિત્ર રહી નથી શકતી તથા દુઃખના વિષ ચક્રમાંથી પસાર થવા માટે બંધાઈ જાય છે.

વર્તમાન સમયે આરક્ષણ નીતિ અપનાવવામાં આવેલ છે. સમાજના તે વર્ગ કે જે કમજોર છે, જેની પાસે ધન, શિક્ષણ, સાધનોની અછત છે, જે વર્ગને આગળ વધવામાં મુશ્કેલીઓ દેખાય છે તે વર્ગને આરક્ષણ આપીને આગળ વધારવામાં આવે છે. તેવી જ રીતે દ્વાપર યુગની શરૂઆતમાં ઋષિમુનિઓએ એ વસ્તુ જાણી લીધી એટલે કે આગળ જતા વિકારોનો પ્રભાવ વધી જશે. પરિણામે અનેક મુશ્કેલીઓનો સમાજે સામનો કરવો પડશે. માટે જ ઋષિ-મુનિઓએ આશ્રમ વ્યવસ્થા દ્વારા બ્રહ્મચર્યને આરક્ષિત કરી દીધું હતું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

વાસ્તુ: શું દેવસ્થાનોમાં પૈસા આપવાથી બધા પાપ ધોવાઈ જાય?

સત્તા કુદરતી અને અકુદરતી શબ્દો પણ માનવ સર્જિત છે. આપણે ત્યાં છઠ્ઠીના લેખની વાત છે. વિધાતા જે લેખ લખે એ બદલાય નહિ. થોડા સમય પહેલા જ વિશ્વના ધનાઢ્ય લોકો દરિયાના પેટાળમાં ધરબાઈ ગયા. એ સાબિત કરે છે કે ધન, સંપત્તિ, સત્તા કે ઓળખાણ એ કશું જ કુદરતના નિયમ સામે ચાલતા નથી. દેવસ્થાનમાં પૈસા મુકવાથી પુજારી રિજે. શું ઈશ્વર ક્યારેય પૈસા માંગે છે? આપણે કોઈને મદદ કરીએ છીએ એ વ્યક્તિને અને એના માટેની મદદની વસ્તુની વ્યવસ્થા પણ કુદરત જ કરે છે. માણસ બંને જગ્યાએ નિમિત જ બને છે. ક્યારેક એનો હાથ ઉપર હોય છે તો ક્યારેક નીચે. આપણે જેને અકુદરતી કહીએ છીએ એનું નિર્માણ પણ કુરતી દ્રવ્યોથી જ થાય છે ને? તેથી જ કુદરત જ સર્વ શક્તિમાન છે. માણસ સતત કુદરતને નાથવા પ્રયત્ન કરે છે. પણ શું એ એમાં સફળ થઇ શક્યો છે ખરો?

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: મારા એક ઓળખીતા ખુબ જ ધનવાન છે. મેં મારી નજર સામે એમને લોકોનું ખરાબ કરતા જોયા છે. એ દેવસ્થાનોમાં લાખો રૂપિયા આપે છે. અને સામે એમને બાંહેધરી મળે છે કે એમના બધા પાપ ધોવાઈ જશે. શું આવું શક્ય છે ખરું?

 

જવાબ: સત્તા અને સંપત્તિ હોય તો બધું જ મળે છે એવી માન્યતા જયારે પ્રસરી રહી હોય ત્યારે લોકોના મનમાં આવા વિચારો આવે. કોઈને સદમાર્ગે પૈસા કમાવાની વાત કરીએ એના કરતા ખોટા રસ્તે પૈસા કમાઈ અને પાપ ધોઈ નાખવાના રસ્તા વધારે ગમે છે. કરુણતા એ છે કે કહેવાતા ધર્માધિકારીઓ જ આવી વાતો કરે છે. ધર્મ માનવ લક્ષી નિયમો દર્શાવે છે. નહિ કે અન્યનું ખરાબ કર્યા બાદ પોતાના કર્મોને ધોવાની વાત કરે છે. વળી કર્મ એ કાઈ કાપડ થોડા છે કે એ ધોવાઈ જાય? ભોગ લગાવવાથી કે ચાદર ચડાવવાથી મનને સારું લાગે. આપણે ધરાવેલો ભોગ ઈશ્વર ખાય છે ખરા? એ તો પુજારી ખાય છે. શું કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ઈશ્વર પૈસા માંગે છે. જેણે આખી સૃષ્ટી બનાવી છે એને વળી અન્ય પાસેથી લેવાની ક્યાં જરૂર છે? આ બધી મનને મનાવવાની વાતો છે. જે લોકો ઈશ્વરને સમજતા નથી એ જ ઈશ્વરને ખરીદવાની વાતો કરી શકે. કર્મનો સિદ્ધાંત એની જગ્યાએ કામ કરે જ છે. આપ યુવાન છો. વિશ્વનું ભવિષ્ય યુવાનોના હાથમાં જ છે. ધર્મ એ કર્મ સાથે જોડાયેલ છે એ સમજવું જરૂરી છે. વળી સત્તા અને સંપતિ બંને મૃત્યુથી બચાવી નહિ શકે. એ સમજણ જયારે આવે છે ત્યારે જ જીવવાના નિયમો સમજાય છે. આપ શિવપૂજા અને ગાયત્રી પૂજા કરો. આંતરિક શક્તિનો વિકાસ જરૂર થશે.

સવાલ: હું એક મોટી અને જાણીતી સોસાયટીમાં રહું છું. અમારી સોસાયટીમાં એક બ્રાહ્મણ રહે છે. એ એવું માને છે કે એ જગતનો ઉદ્ધાર કરવા સક્ષમ છે. ક્યારેક અમે પણ અનુભવ્યું છે કે એનામાં કોઈ એવી શક્તિ છે જેના કારણે કોઈ એનું ખરાબ કરે તો જે તે વ્યક્તિને તકલીફ પડે છે. એ થોડા સમય માટે બહાર ગયા હતા ત્યારે અમે ખુબ હેરાન થયા હતા. એ લાંબા સમય સુધી પૂજા કરે છે. વળી ક્યારેક એવી પોસ્ટ મુકે છે જે વાંચીને પોતાની જાત માટે નફરત થઇ જાય. એ એવું માને છે કે નીતિથી જીવવું જોઈએ. જો રાજકારણ ન કરીએ તો જીવાય કેવી રીતે? વળી સોસાયટીના પ્રશ્નો દર્શાવીને ડરાવે છે. જે થવાનું હશે ત્યારે થશે જ. એના માટે ચેતવણીઓ આપવાની ક્યાં જરૂર છે? એક દિવસ બધાએ મરવાનું છે એ બધાને ખબર છે. તો પછી ચેતવણી આપીને ઉશ્કેરવાની ક્યાં જરૂર છે? મને તો લાગે છે કે એને આવતા ઇલેકશનમાં ઉભા રહીને સોસાયટી પચાવી પાડવી છે. આ માણસ કોઈની સાથે વાત પણ નથી કરતો. પણ અમને એનો બહુ ડર લાગે છે. શું કરી શકાય? મને વાસ્તુ વિષે જાણવામાં રસ છે. પણ હું શ્રેષ્ઠ છું. એટલે કોઈ ઉપાયની મને જરૂર લાગતી નથી. પેલા ભાઈ માટે કોઈ સુચન હોય તો જણાવશો.

જવાબ: તમે સાચે જ બહુ નકારાત્મક વિચારો ધરાવો છો. જો કે સત્ય બધા નથી સમજી શકતા. સહુથી પહેલા તો વધારે પડતું વિચારવાનું બંધ કરો. કોઈ શું વિચારે છે એ પણ તમારે વિચારવાનું? સાચા માણસને રંજાડવામાં આવે તો કુદરત એના પરિણામો દેખાડે છે. જે માણસ કોઈને મળતો પણ નથી એ ચૂંટણીમાં ભાગ લેશે? એને તમારા લોકોની ભલાઈમાં રસ છે અને તમે એને દુશ્મન માની બેઠા છો. હકીકતોને સ્વીકારતા શીખો. કાલ્પનિક ભય માંથી બહાર આવો. ભયભીત માનસના લીધે જ માનવ જાતિએ મોટાભાગના નકારાત્મક નિર્ણયો લીધા છે. તમને પોતાની જાત માટે શરમ આવે એવું કામ કરો છો જ શું કામ? વળી રાજકારણ વિના ન જીવાય? જીવવા માટે રાજકારણ જરૂરી છે એવું ક્યાં લખ્યું છે? આપ જીવનને સમજી જ નથી શક્યા. જીવનમાંથી રાજકારણ કાઢીને એકાદ દિવસ જીવી જુઓ. પરિવાર અને લાગણીઓ વિશેની સાચી સમજણ આવી જશે. જો મૃત્યુ નિશ્ચિત છે એવી સમજણ છે તો શું આપ તત્કાલ મૃત્યુ ઈચ્છશો? કોઈ ન ઈચ્છે. કોઈ સારા ભાવથી ચેતવણી આપે તો એને દુશ્મન ન માની શકાય. તમે નસીબદાર છો કે કોઈ તમને ચેતવે છે. સાચે જ તમારી દયા આવે છે. તમારા ઘરનું મુખ્ય દ્વાર નૈરુત્ય દક્ષિણમાં છે. અને અગ્નિમાં દેવસ્થાન છે. ઉત્તરમાં ટોઇલેટ છે અને દક્ષિણમાં રસોઈઘર છે. આ બધીજ બાબતોના લીધે આપ આવા વિચારો ધરાવો છો. આપણે કોઈ સૂચનની જરૂર નથી. એ સારી વાત છે. આ બધું કાર્મિક હોય છે. પેલા ભાઈ માટે એક જ સુચન છે કે સુપાત્રને દાન આપવું જોઈએ. સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ ટકી શકે. ગમે તેને સાચી સલાહ આપીને સમય અને ઉર્જાનો બગાડ ન કરાય.

આજનું સુચન: સપ્ત્પરણી અને કોનોકાર્પસના વૃક્ષ શ્વસનતંત્ર માટે હાનીકારક છે. તેથી એ ન વાવવા જોઈએ. જો કોઈ કારણથી એ વાવી દેવામાં આવ્યા હોય તો વડ, પીપળો, લીમડો જેવા વૃક્ષો વાવીને આ વૃક્ષો કાઢી નાંખવા જોઈએ. માણસ હોય કે વૃક્ષ બંને નકારાત્મક હોય તો એનાથી દુર થઇ જવું જોઈએ.

(આપના સવાલો મોકલી આપો Emai: vastunirmaan@gmail.com)

પંચાંગ 07/07/2023

કેબિનેટ અને સંગઠનમાં ફેરબદલની અટકળો વચ્ચે PM મોદીની મહત્વની બેઠક

ભાજપ સંગઠનમાં ફેરફાર અને કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પાર્ટીના નેતાઓ સાથે તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. જો કે, નડ્ડા થોડા સમય પછી બીજા કાર્યક્રમમાં હાજરી આપવા માટે નીકળી ગયા હતા. આ પછી અમિત શાહ અને પીએમ મોદીની મુલાકાત લગભગ બે કલાક સુધી ચાલી હતી.

છેલ્લા ઘણા દિવસોથી ભાજપના ટોચના નેતાઓ સતત બેઠકો કરી રહ્યા છે. શાહ, નડ્ડા અને પાર્ટીના મહાસચિવ  બીએલ સંતોષે તાજેતરમાં અનેક રાઉન્ડની બેઠકો યોજી હતી. માનવામાં આવે છે કે ત્રણેય નેતાઓએ આ વર્ષના અંતમાં યોજાનારી તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપી સંગઠનમાં ફેરફાર અંગે ચર્ચા કરી હતી.

આ સાથે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે શાહ, નડ્ડા અને બીએલ સંતોષ વચ્ચે કેબિનેટ ફેરબદલને લઈને વાતચીત થઈ હતી. આ પછી, ત્રણેય નેતાઓએ 28 જૂને પણ પીએમ મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. ત્યારબાદ પીએમ મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરી હતી.

ભાજપે સંગઠનમાં આ ફેરફારો કર્યા છે

પીએમ મોદી સાથે કેન્દ્રીય મંત્રીઓની બેઠક બાદ ભાજપે ચાર રાજ્યોમાં પ્રમુખ પદની જવાબદારી આપી છે – ઝારખંડમાં બાબુલાલ મરાંડી, પંજાબમાં સુનીલ જાખડ, આંધ્રપ્રદેશમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ડી પુરંદેશ્વરી અને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી તેલંગાણા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ટૂંક સમયમાં વધુ છ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરશે. આ રાજ્યો કર્ણાટક, ગુજરાત, કેરળ, હરિયાણા, મધ્યપ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર છે.

 

મંત્રીઓ જેપી નડ્ડાને મળ્યા

કેબિનેટમાં ફેરબદલની અટકળો વચ્ચે BJP પ્રમુખ નડ્ડાએ મંગળવાર (4 જુલાઈ) અને બુધવારે (5 જુલાઈ)ના રોજ અનેક કેન્દ્રીય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. છેલ્લા બે દિવસમાં નડ્ડા સાથે મુલાકાત કરનારાઓમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુ, કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવનો સમાવેશ થાય છે.

‘હું NCP પ્રમુખ છું’, પાર્ટીની બેઠક બાદ શરદ પવારે અજિત પવારને આપ્યો જવાબ

અજિત પવારના નેતૃત્વમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં બળવો શરૂ થયા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય તાપમાનમાં વધારો થયો છે. દરમિયાન, શરદ પવારની NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ગુરુવારે દિલ્હીમાં યોજાઈ હતી. બેઠક બાદ પૂર્વ સીએમ શરદ પવારે કહ્યું કે અજિત પવારને પાર્ટીના અધ્યક્ષ બનાવવા વિશે તેઓ જાણતા નથી. હું NCPનો પ્રમુખ છું. આવી સ્થિતિમાં જો કોઈ કહે કે હવે હું NCPનો અધ્યક્ષ છું તો તેને મહત્વ ન આપવું જોઈએ.

અજિત પવારના નિવૃત્તિના નિવેદન પર તેમણે કહ્યું કે હું 82 વર્ષનો હોઉં કે 92 વર્ષનો, તેનાથી કોઈ ફરક પડતો નથી. બેઠક બાદ એનસીપીના નેતા પીસી ચાકોએ કહ્યું કે પાર્ટીએ પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને NDA સાથે હાથ મિલાવનારા 9 ધારાસભ્યોને હાંકી કાઢવાના શરદ પવારના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. શરદ પવાર સાથે 27 રાજ્ય સમિતિઓ છે. અમે આગળની કોઈપણ કાર્યવાહી માટે શરદ પવારને અધિકૃત કર્યા છે. જણાવી દઈએ કે અજિત પવાર, છગન ભુજબળ, દિલીપ વાલસે પાટીલ અને હસન મુશ્રીફ સહિત નવ ધારાસભ્યોએ NCP સામે બળવો કર્યો હતો.

બેઠક પર અજિત પવારનું નિવેદન

આ બેઠક અંગે ડેપ્યુટી સીએમ અજિત પવારે કહ્યું કે તેની કોઈ કાનૂની માન્યતા નથી. મને પાર્ટીના ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં શરદ પવારને આવી બેઠક યોજવાનો કોઈ અધિકાર નથી.

અજિત પવારે શું કહ્યું?

અજિત પવારે બુધવારે કાકા શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું કે IAS અધિકારીઓ 60 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. રાજકારણમાં પણ ભાજપના નેતાઓની નિવૃત્તિની ઉંમર 75 વર્ષની છે. તમે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીના ઉદાહરણો જોયા હશે. તમે 83 વર્ષના છો. શું તમે રોકવાના નથી? તમારા આશીર્વાદ આપો અને અમે તમારા લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીશું. તમને જણાવી દઈએ કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, 30 જૂનના રોજ 40 ધારાસભ્યોના સમર્થનના પત્ર સાથે અજિત પવારને એનસીપીના અધ્યક્ષ બનાવવાની માહિતી ચૂંટણી પંચને મોકલવામાં આવી હતી. આ પત્ર કેન્દ્રીય ચૂંટણી પંચને 5 જુલાઈએ મળ્યો હતો.

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત મળશે કે સજા યથાવત રહેશે? આવતીકાલે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં આપવામાં આવેલી સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવશે. સુરત કોર્ટે તેને દોષિત ઠેરવતા 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી. દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. સભ્યપદેથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવાનું કામ કરી રહી છે, પરંતુ તેઓ ડરતા નથી.

કોંગ્રેસ અને ભાજપ શું કહે છે?

રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મોઢ અને તેલી સહિત ઘણા લોકો ગુજરાતમાં મોદી સરનેમ લખે છે. રાહુલના નિવેદનને દરેક સાથે જોડવું યોગ્ય નથી. અરજીકર્તાનું કહેવું છે કે દેશના 13 કરોડ લોકોની બદનામી થઈ છે. તે પોતે જ એક મજાક છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના અન્ય નેતાઓએ આ સમગ્ર મામલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં તેમણે ઓબીસી સમાજની માફી માંગવી જોઈએ.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધીના 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર ભાષણને લઈને સુરતની કોર્ટમાં તેમની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેમ છે ? કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આવું કહીને મોદી સરનેમના લોકોને બદનામ કર્યા છે.

નેધરલેન્ડ્સ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું, 11 નવેમ્બરે ભારત સાથે સામે રમશે

નેધરલેન્ડે સ્કોટલેન્ડને હરાવીને વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય કર્યું છે. વર્લ્ડ કપ ક્વોલિફાયર 2023ની મેચમાં નેધરલેન્ડે સ્કોટલેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે નેધરલેન્ડ ક્વોલિફાય થઈ ગયું. વર્લ્ડ કપમાં નેધરલેન્ડની ટીમ 11 નવેમ્બરે ભારત સામે મેચ રમશે. તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે, જે હૈદરાબાદમાં રમાશે.


ક્વોલિફાયરની સુપર સિક્સીસની 8મી મેચ નેધરલેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા સ્કોટલેન્ડે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડે 42.5 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ માટે બાસ ડી લીડે શાનદાર સદી ફટકારી હતી. તેણે 92 બોલનો સામનો કરીને 123 રન બનાવ્યા હતા. લીડની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. ઓપનર વિક્રમજીત સિંહે 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા સામેલ હતા.


વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડની પ્રથમ મેચ પાકિસ્તાન સાથે છે. આ મેચ 6 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે. આ પછી 9 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે અને 17 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે મેચ રમાશે. ટીમ 21 ઓક્ટોબરે શ્રીલંકા અને 25 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. 28 ઓક્ટોબરે નેધરલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આ પછી અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડ સાથે મેચ રમાશે. 11 નવેમ્બરે નેધરલેન્ડની ભારત સાથે મેચ રમાશે. આ મેચ બેંગ્લોરમાં રમાશે.


નેધરલેન્ડે ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમને ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તેણે અમેરિકા અને નેપાળને હરાવ્યું. તેણે નેપાળ સામે 7 વિકેટે જીત મેળવી હતી. આ પછી વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચ ટાઈ રહી હતી. નેધરલેન્ડને શ્રીલંકા સામે 21 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ઓમાન અને સ્કોટલેન્ડ પર જીત મેળવી હતી

કેદારનાથ ધામમાં પ્રપોઝ કરનાર કપલ સામે થશે કાર્યવાહી, રવીન ટંડને કહ્યું- ભગવાન ક્યારે પ્રેમની વિરુદ્ધ થયા

આ દિવસોમાં કેદારનાથ ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેદારનાથ ધામના પ્રાંગણમાં એક છોકરી જોવા મળી રહી છે, જે ઘૂંટણિયે બેસીને એક છોકરા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહી છે. છોકરી પીળી સાડીમાં અને છોકરો પીળા કુર્તા અને સફેદ ધોતીમાં જોવા મળી રહ્યો છે.


ઘણા લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ બદરી કેદારનાથ મંદિર સમિતિએ તેની ટીકા કરી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને કહ્યું હતું કે દંપતી સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે હવે ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે.


રવિના ટંડને ટ્વીટ કર્યું

રવિના ટંડને ટ્વિટર પર આ મામલે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે આપણા ભગવાન ક્યારે ભક્તને પ્રેમ અને આશીર્વાદ આપવાના વિરુદ્ધ થઈ ગયા. ભક્ત ફક્ત તે ક્ષણને પવિત્ર બનાવવા માંગતો હતો. કદાચ પશ્ચિમી માર્ગ અને પ્રપોઝ કરવાની સંસ્કૃતિ સલામત છે. ગુલાબ, મીણબત્તીઓ અને ચોકલેટ અને રિંગ્સ.

 

લોકસભા ચૂંટણી 2024: પંજાબની તમામ 13 બેઠકો પર ભાજપ એકલા હાથે ચૂંટણી લડશે

ગુજરાતના પૂર્વ સીએમ અને બીજેપી નેતા વિજય રૂપાણીએ ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભાજપ પંજાબની તમામ 13 લોકસભા સીટો પર એકલા હાથે ચૂંટણી લડશે. આગામી 2024ની ચૂંટણીમાં ભાજપ પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડશે અને દિલ્હીમાં ત્રીજી વખત સરકાર બનાવશે. આ પહેલા જ્યારે પંજાબ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખરે અકાલી દળ સાથે ગઠબંધન વિશે કહ્યું હતું ત્યારે પંજાબમાં ગઠબંધન અંગે નિર્ણય હાઈકમાન્ડે લેવાનો છે. તે જ સમયે, તેમણે કહ્યું કે હવે ભાજપ પંજાબની તમામ 13 લોકસભા અને 117 વિધાનસભા મતવિસ્તારોમાં પાર્ટીને એકમાત્ર વિકલ્પ તરીકે સ્થાપિત કરશે. એટલે કે ભાજપ પોતાની જાતને એટલી મજબૂત સ્થિતિમાં મૂકશે કે તેને કોઈ ભાગીદારના સમર્થનની જરૂર નહીં પડે.

એસએડીની બેઠકમાં ગઠબંધન અંગે ચર્ચા કરવામાં આવી હતી

જણાવી દઈએ કે શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે બુધવારે પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠકમાં ભાજપ સાથે ફરીથી ગઠબંધનની શક્યતાઓ પર ખુલ્લેઆમ ચર્ચા કરવામાં આવી હતી. પાર્ટી અધ્યક્ષે ગઠબંધન અંગે વરિષ્ઠ નેતાઓનો અભિપ્રાય માંગ્યો હતો. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રૂઢિચુસ્ત નેતાઓ ગઠબંધન માટે તૈયાર છે.

ગઠબંધનની ચર્ચા અટકી

વરિષ્ઠ નેતૃત્વનું કહેવું છે કે આગામી ચૂંટણી પહેલા ભાજપ સાથે ગઠબંધન કરવું બંને પક્ષોના પક્ષમાં રહેશે. જે અંગે પાર્ટીના નેતાઓએ SAD ચીફ બાદલને કહ્યું કે ગઠબંધનની સ્થિતિમાં વિપક્ષના હુમલાનો જવાબ આપવા માટે પણ રણનીતિ તૈયાર કરવી જોઈએ. પરંતુ ભાજપના નેતાના આ નિવેદન બાદ ગઠબંધનની ચર્ચાનો અંત આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટે મોહમ્મદ શમીને આપ્યો ઝટકો, ચાર વર્ષ જૂના કેસમાં ફરી થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ચિમ બંગાળના સેશન્સ જજને ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર એક મહિનાની અંદર સુનાવણી કરવા અને તેનો નિકાલ કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જો આ શક્ય ન હોય તો સેશન્સ જજ તેમાં ફેરફાર કરવા માટે સ્ટેનો કોઈપણ આદેશ પસાર કરી શકે છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી અને ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને મનોજ મિશ્રાની બનેલી બેન્ચે નોંધ્યું હતું કે હસીન જહાંના કેસની છેલ્લા ચાર વર્ષથી સુનાવણી થઈ નથી.

કોર્ટે નોંધ્યું હતું કે 29 ઓગસ્ટ, 2019ના રોજ અલીપોરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ આદેશને શમી દ્વારા સેશન્સ કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો, જેણે 9 સપ્ટેમ્બર, 2019 ના રોજ ધરપકડ વોરંટ અને સુનાવણી પર રોક લગાવી દીધી હતી. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે સુનાવણી થઈ નથી અને છેલ્લા ચાર વર્ષથી ટ્રાયલ પર સ્ટે ચાલુ છે. કોર્ટે સંબંધિત સેશન્સ જજને એક મહિનાની અંદર ફોજદારી રિવિઝન હાથ ધરવા અને તેનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

હસીન જહાંએ કલકત્તા હાઈકોર્ટના 28 માર્ચ 2023ના આદેશને પડકાર્યો છે, જેમાં સેશન્સ કોર્ટના આદેશને બાજુ પર રાખવાની તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. હવે હસીન જહાંએ આરોપ લગાવ્યો છે કે શમી તેની પાસેથી દહેજ માંગતો હતો. અરજી અનુસાર, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અલીપોરે 29 ઓગસ્ટ, 2019 ના રોજ શમી વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. આ આદેશને શમી દ્વારા સેશન્સ કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો, જેણે 9 સપ્ટેમ્બર, 2019 ના રોજ ધરપકડ વોરંટ અને કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. શમીની પત્નીએ કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કર્યો, પરંતુ અહીં તેને નિરાશ થવું પડ્યું. તેમણે 28 માર્ચ 2023ના રોજ કલકત્તા હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે અસ્પષ્ટ આદેશ કાયદામાં સ્પષ્ટપણે ખોટો છે, જે ઝડપી ટ્રાયલના તેમના અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

શમીની પત્નીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં ચિંતા વ્યક્ત કરી હતી કે કાયદા હેઠળ સેલિબ્રિટીઓને કોઈ વિશેષ સારવાર આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષથી ટ્રાયલ આગળ વધી નથી અને અટકી પડી છે, એમ તેમણે જણાવ્યું હતું. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, હાલના કેસમાં છેલ્લા ચાર વર્ષથી કોઈપણ વ્યાજબી કારણ વગર ફોજદારી સુનાવણી પર રોક લગાવવામાં આવી છે, શમીએ ફોજદારી ટ્રાયલ પર સ્ટે આપવા માટે અપીલ પણ કરી ન હતી. તેણે માત્ર ધરપકડ પર સ્ટે માંગ્યો હતો. આમ સેશન્સ કોર્ટે અયોગ્ય અને પૂર્વગ્રહપૂર્ણ રીતે કાર્ય કર્યું, જેના કારણે તેમના અધિકારો અને હિતોને ગંભીરપણે જોખમમાં મૂકાયું હતું.

અરજીમાં વધુમાં જણાવાયું છે કે આરોપી વ્યક્તિની તરફેણમાં આવો સ્ટે આપવાની મંજૂરી કાયદામાં ખોટી છે અને તેનાથી ગંભીર પૂર્વગ્રહ થયો છે. પીડિતા આ હાઈપ્રોફાઈલ આરોપી દ્વારા ઘાતકી હુમલો અને હિંસાનાં ગેરકાયદેસર કૃત્યનો ભોગ બનેલી છે. જિલ્લા અને સેશન્સ કોર્ટ, આલીપોર તેમજ કોલકાતા હાઈકોર્ટે આ આદેશ દ્વારા આરોપીઓને અયોગ્ય લાભ આપ્યો છે. આ માત્ર કાયદાની દૃષ્ટિએ જ ખરાબ નથી પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતની પણ વિરુદ્ધ છે.