માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને રાહત મળશે કે સજા યથાવત રહેશે? આવતીકાલે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો

મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં આપવામાં આવેલી સજા સામે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત હાઈકોર્ટ શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવશે. સુરત કોર્ટે તેને દોષિત ઠેરવતા 23 માર્ચે બે વર્ષની સજા ફટકારી હતી. દોષી ઠેરવ્યા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. સભ્યપદેથી અયોગ્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમનો અવાજ દબાવવાનું કામ કરી રહી છે, પરંતુ તેઓ ડરતા નથી.

કોંગ્રેસ અને ભાજપ શું કહે છે?

રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ એપ્રિલમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મોઢ અને તેલી સહિત ઘણા લોકો ગુજરાતમાં મોદી સરનેમ લખે છે. રાહુલના નિવેદનને દરેક સાથે જોડવું યોગ્ય નથી. અરજીકર્તાનું કહેવું છે કે દેશના 13 કરોડ લોકોની બદનામી થઈ છે. તે પોતે જ એક મજાક છે. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના અન્ય નેતાઓએ આ સમગ્ર મામલે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગ (ઓબીસી)નું અપમાન કર્યું છે. આવી સ્થિતિમાં તેમણે ઓબીસી સમાજની માફી માંગવી જોઈએ.

રાહુલ ગાંધીએ શું કહ્યું?

ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ કર્ણાટકમાં રાહુલ ગાંધીના 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર ભાષણને લઈને સુરતની કોર્ટમાં તેમની સામે માનહાનિનો દાવો દાખલ કર્યો છે, જેમાં કથિત રીતે કહેવામાં આવ્યું હતું કે, “બધા ચોરોની અટક મોદી કેમ છે ? કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ આવું કહીને મોદી સરનેમના લોકોને બદનામ કર્યા છે.