ગૃહસ્થ જીવન સમાજની વૃદ્ધિ તથા વિકાસ માટે જરૂરી

સતયુગમાં જન્મ યોગબળથી થાય છે. જીવન કામ- ક્રોધ વગેરે વિકારોથી સંપૂર્ણ મુક્ત હતું. ત્યાં દેવતાઓ પૂરા જીવન દરમિયાન સંપૂર્ણ પાપ રહિત હતા. સ્ત્રી – પુરુષની સંખ્યા સ્વાભાવિક રીતે સરખી હતી. ત્યાં બધાને એક દીકરો, એક દીકરી હશે. બધાની આત્મિક દ્રષ્ટી-વ્રુત્તિ હોવાના કારણે કોઈપણ પ્રકારની ઈર્ષ્યા કે દ્વેષ ન હતો. ગાય પણ વાઘ થી ડરતી ન હતી. મનુષ્ય તથા પ્રાણીઓમાં પણ અહિંસાની ભાવના હતી. આ કારણે જ સર્વશ્રેષ્ઠ-નિષ્પાપ દાંપત્યજીવનના પ્રતીક સમાન શ્રી લક્ષ્મી તથા શ્રી નારાયણની આજે પણ મંદિરોમાં પૂજા થાય છે. કોઈપણ વસ્તુ હંમેશા એક સમાન નથી રહી શકતી. પરિવર્તન સંસારનો નિયમ છે. દ્વાપરયુગ આવવાથી ગૃહસ્થ જીવનમાં પાપની પ્રવેશતા થઈ. બાળકોનો જન્મ વિકારથી થવા માંડ્યો. વિકારોના કારણે ઉત્પન્ન થયેલ દુઃખ થી પરેશાન થઈ કેટલાક લોકોએ ગૃહસ્થનો સંન્યાસ કરવાની શરૂઆત કરી. તેઓ યોગી, તપસ્વી અથવા ઋષિ-મુનિ કહેવડાવવા લાગ્યા. તેઓ વિકારો થી બચવાના ઉપાયો તથા પરમાત્માને પ્રાપ્ત કરવાની દિશામાં મનન- ચિંતન કરવા લાગ્યા.

આ સમયે વિવિધ શાસ્ત્રોની પણ રચના થઈ. ભક્તિમાર્ગના શાસ્ત્રોમાં લખ્યું છે કે રાજા પરીક્ષિત કે જે પાંડવોનો ઉત્તરાધિકારી હતો તેના સમયમાં કળિયુગે સોનામાં વાસ કર્યો. આ શાસ્ત્ર મતને આધાર બનાવીને લોકો ધનને માયા માનવા લાગ્યા. તેઓ સ્ત્રી- બાળકો, ઘર-પરિવારની સાથે ધન-સંપત્તિનો સન્યાસ કરવા લાગ્યા. એવી માન્યતા બની ગઈ કે ઈશ્વર તથા શ્રેષ્ઠ ગુણોની પ્રાપ્તિમાં ઘન-સંપત્તિ વિઘ્ન રૂપ છે. પરંતુ ભગવાન શિવે પ્રજાપિતા બ્રહ્માના મખકમલ દ્વારા એ રહસ્ય ખોલ્યું કે પહેલું પાપ જે સૌથી પહેલા માનવ જાતિના પતનનું કારણ બન્યું તે ધન નહિ પણ દેહ અભિમાન દ્વારા ઉત્પન્ન કામ-વાસના છે. આ કામ-વાસના જ દેવતાઓને વામમાર્ગમાં લઇ જવા નિમિત્ત બની. કામ વિકારને જ ક્રિશ્ચિયન ગ્રંથોમાં આદમ તથા ઇવ દ્વારા પ્રતિબંધિત ફળ ખાવું તેમ કહેવાયું છે. આ કામ વિકાર રૂપી પ્રતિબંધિત ફળને ચાખી લીધા બાદ બહુજ દુઃખ અને ગરીબીના પહાડ કેવી રીતે તૂટી પડ્યા તેનુ ક્રિશ્ચન ગ્રંથોમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલ છે. દેવતાઓ વામમાર્ગમાં ગયા તેના પરિણામે આવેલ પ્રાકૃતિક આપત્તિઓના કારણે દેવતાઓની સ્વર્ગીય સભ્યતા- સંસ્કૃતિ નાશ પામી.

“સોનાની દ્વારકા પાણીમાં જતી રહી” એમ કહીને દૈવી સભ્યતાના વિનાશનું વર્ણન કરવામાં આવેલ છે. ગૃહસ્થ જીવન સમાજની અનિવાર્ય સંસ્થા છે તથા સમાજની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. માટે ગૃહસ્થ જીવનમાં પાપની પ્રવેશતા થી સંસારની તમામ પ્રક્રિયા દુષિત બની ગઈ. એક વ્યક્તિ રાજા, મંત્રી, દ્વારપાલ, કિસાન વિગેરે કોઈ પણ હોય પરંતુ તે કોઈ ઘરનો સભ્ય તો જરૂર હોય જ છે. જન્મ પ્રક્રિયાના દુષિત બનવાના કારણે કોઈપણ આત્મા પવિત્ર રહી નથી શકતી તથા દુઃખના વિષ ચક્રમાંથી પસાર થવા માટે બંધાઈ જાય છે.

વર્તમાન સમયે આરક્ષણ નીતિ અપનાવવામાં આવેલ છે. સમાજના તે વર્ગ કે જે કમજોર છે, જેની પાસે ધન, શિક્ષણ, સાધનોની અછત છે, જે વર્ગને આગળ વધવામાં મુશ્કેલીઓ દેખાય છે તે વર્ગને આરક્ષણ આપીને આગળ વધારવામાં આવે છે. તેવી જ રીતે દ્વાપર યુગની શરૂઆતમાં ઋષિમુનિઓએ એ વસ્તુ જાણી લીધી એટલે કે આગળ જતા વિકારોનો પ્રભાવ વધી જશે. પરિણામે અનેક મુશ્કેલીઓનો સમાજે સામનો કરવો પડશે. માટે જ ઋષિ-મુનિઓએ આશ્રમ વ્યવસ્થા દ્વારા બ્રહ્મચર્યને આરક્ષિત કરી દીધું હતું.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)