Home Blog Page 2703

ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મેગ્નેટિક ફ્લુઇડ્સ યોજાઈ

ચાંગા: સ્પેનના ગ્રેનાડામાં આવેલી યુનિવર્સિટી ઓફ ગ્રેનાડામાં તાજેતરમાં 16મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મેગ્નેટિક ફ્લુઇડ્સ (ICMF 16) યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં 28 દેશોમાંથી લગભગ 175 વિદેશી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પાંચ દિવસમાં કુલ 11 મુખ્ય પ્રવચનો, ચાર પ્લેનરી ટોક્સ, 66 ઓરલ પ્રેઝન્ટેશન અને 102 પોસ્ટરો રજૂ કરવામાં આવ્યાં હતાં અને ત્રણ પીએચડી થિસીસ એવોર્ડ આપવામાં આવ્યા હતા.

ભારતમાંથી સાત સહભાગીઓએ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, જેમાંથી ત્રણ સહભાગી ચારુસેટના હતા. ચારુસેટના  પ્રોવોસ્ટ પ્રો. ડો. આર.  વી.  ઉપાધ્યાય,  KRADLEના હેડ ડો. કિન્નરી પારેખ અને PDF ડો. મુદ્રા જાદવે ચારુસેટ તરફથી કોન્ફરન્સમાં હાજરી આપી હતી. તેમણે ત્રણ-મૌખિક વાર્તાલાપ અને ચાર પોસ્ટર્સ રજૂ કર્યાં હતાં. પ્રોવોસ્ટ પ્રો. આર.  વી.  ઉપાધ્યાય અને  KRADLEના હેડ ડો. કિન્નરી પારેખે કોન્ફરન્સમાં બે સેશનની અધ્યક્ષતા કરી હતી.

દેશમાંથી મેગ્નેટિક ફ્લ્યુઇડના ફિલ્ડમાં યોગદાનને ધ્યાનમાં રાખતા ઇન્ટરનેશનલ સ્ટિયરિંગ કમિટી (ISC)એ મેગ્નેટિક ફ્લ્યુઇડ રિસર્ચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ચારુસેટના  પ્રોવોસ્ટ પ્રો. આર વી. ઉપાધ્યાયની ઇન્ટરનેશનલ સ્ટિયરિંગ કમિટીના સભ્ય તરીકે નિમણૂક કરી છે. ઇન્ટરનેશનલ સ્ટિયરિંગ કમિટીના સભ્યો વૈશ્વિક સ્તરે મેગ્નેટિક ફ્લ્યુઇડ રિસર્ચના વિકાસ માટે આગળ વધી રહ્યા છે અને યુવાન અને ઉત્સાહી સંશોધકોને સલાહ આપે છે.

ભાવનગર યુનિવર્સિટીના ડો. આર. વી. મહેતા ભારતમાં ફેરોફ્લુઇડ રિસર્ચના પિતામહ તરીકે ગણાતા હતા, જે અત્યારે ISCના સલાહકાર સમિતિના સભ્ય છે અને તેઓ ભારતમાંથી જ પ્રતિનિધિત્વ કરશે. યુનિવર્સિટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, રજિસ્ટ્રાર ડો. અતુલ પટેલ અને ચારુસેટ પરિવારે ભવિષ્યમાં ઉત્તરોતર પ્રગતિ માટે ડો. આર.વી. ઉપાધ્યાયને શુભેચ્છાઓ પાઠવી છે.

 

 

 

 

 

 

 

 

 

 

PM મોદી પેરિસ પહોંચ્યા, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતના ભાગરૂપે 13 અને 14 જુલાઈએ ફ્રાન્સમાં હશે. આ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રીય દિવસ બેસ્ટિલ ડેમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સહિત વિવિધ અધિકારીઓ અને ભારતીય સમુદાયને મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પેરિસના એરપોર્ટ પર ફ્રાન્સના વડા પ્રધાન એલિઝાબેથ બોર્ને સ્વાગત કર્યું હતું. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન ગુરુવારે રક્ષા મંત્રાલયે માહિતી આપી હતી કે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી) એ ભારતીય નૌકાદળની ઓપરેશનલ ક્ષમતાઓને વધારવા માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ સી પ્લેનની ખરીદીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

પીએમ મોદીની આ મુલાકાતથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો ઘણા મોરચે મજબૂત થવાની આશા છે. પીએમ મોદીએ ગુરુવારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફ્રાંસની તેમની મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપશે. તેમણે કહ્યું કે તેઓ ફ્રાન્સની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરવા આતુર છે.

ફ્રાંસ જતા પહેલા પોતાના સંદેશમાં પીએમ મોદીએ કહ્યું, હું મારા મિત્ર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર 13 થી 14 જુલાઈ સુધી ફ્રાન્સની સરકારી મુલાકાતે જઈશ. ખાસ કારણ કે મારે પેરિસમાં ફ્રેન્ચ નેશનલ ડે અથવા બેસ્ટિલ ડેની ઉજવણીમાં પ્રમુખ મેક્રોન સાથે વિશેષ અતિથિ તરીકે હાજરી આપવાનું છે. ભારતની ત્રણેય સેવાઓની ટુકડીઓ પણ બેસ્ટિલ ડે પરેડમાં ભાગ લેશે, જ્યારે ભારતીય વાયુસેના આ પ્રસંગે ફ્લાય-પાસ્ટ કરશે.

બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું, “આ વર્ષ અમારી વ્યૂહાત્મક ભાગીદારીની વર્ષગાંઠ છે. ઊંડા વિશ્વાસ અને સંકલ્પના મૂળમાં રહેલા આપણા બંને દેશો સંરક્ષણ, અવકાશ, નાગરિક પરમાણુ, વાદળી અર્થવ્યવસ્થા, વેપાર, રોકાણ, શિક્ષણ, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંપર્ક સહિત વિવિધ ક્ષેત્રોમાં ગાઢ સહકાર ધરાવે છે.

આજનું શેડ્યૂલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચી ગયા છે. તેનું પ્લેન પેરિસના ઓર્લી એરપોર્ટ પર લેન્ડ થયું છે. પીએમ મોદી ભારતીય સમય અનુસાર સાંજે લગભગ 7:30 વાગ્યે સેનેટ પહોંચશે અને સેનેટ પ્રમુખ ગેરાડ લાર્ચરને મળશે. ભારતીય સમય અનુસાર રાત્રે લગભગ 8:45 વાગ્યે પીએમ મોદી ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ન સાથે મુલાકાત કરશે. તેઓ ભારતીય સમય અનુસાર લગભગ 11 વાગે પ્રતિષ્ઠિત લા સીન મ્યુઝિકલ ખાતે ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધિત કરશે. આ પછી ભારતીય સમય અનુસાર રાત્રે 00:30 વાગ્યે, વડા પ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત ખાનગી રાત્રિભોજન માટે એલિસી પેલેસ પહોંચશે.

 

બ્રિજભૂષણ શરણ સિંહને સજા થાય એવી શક્યતા

નવી દિલ્હીઃ યૌન ઉત્પીડનના આરોપોનો સામનો કરી રહેલા ભારતીય કુશ્તી સંઘ (WFI)ના અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર પીછો કરવો અને છેડછાડ જેવા ગુનાઓ માટે કેસ ચલાવવામાં આવે એવી શક્યતા છે અને સજા પણ આપવામાં આવે એવી સંભાવના છે. દિલ્હી પોલીસની ચાર્જશીટમાં અત્યાર સુધીની તપાસને આધારે એ વાત કરવામાં આવી છે. 13 જૂનની ચાર્જશીટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સિંહની વિરુદ્ધ છ કેસોમાંથી એકમાં એ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમનું ઉત્પીડન વારંવાર જારી રહ્યું હતું.

દિલ્હી પોલીસે સિંહની વિરુદ્ધ કલમ 506 (ગુનાઇત ધમકી), 354 (મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી) 354 A (યૌન ઉત્પીડન) અને 354 D (પીછો કરવો) લગાડી છે. બ્રિજભૂષણ સિંહ ઉત્તર પ્રદેશથી ભાજપના સાંસદ છે. જો તેમને દોષી ઠેરવવામાં આવશે તો તેમને આ આરોપોમાં પાંચ વર્ષ સુધીની જેલની સજા થાય એવી શક્યતા છે.  આ ચાર્જશીટ 108 સાક્ષીઓથી જોડાયેલી તપાસ પર આધારિત છે. આમાં પહેલવાનો, કોચ અને રેફરી સહિત 15 લોકોએ ભાજપના સાંસદ પર લાગેલા આરોપોને ટેકો આપ્યો હતો.

સિંહને આ મામલે દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે શુક્રવારે હાજર થવા ફરમાન કર્યું હતું. સિંહની સામે પર્યાપ્ત પુરાવા છે. તેમને 18 જુલાઈએ કોર્ટમાં હાજર થવા નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રારંભમાં એક સગીર સહિત સાત ફરિયાદકર્તાઓએ જિલ્લા મેજિસ્ટ્રેટની સામે પોતાનાં નિવેદનો પરત લીધાં હતાં. વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, બજરંગ પૂનિયા જેવા પહેલવાનોના નેતૃત્વમાં દિલ્હીના જંતરમંતર પર ધરણાં કર્યા બાદ આ ઘટનાઓ થઈ હતી, જેમણે સિંહની ધરપકડની માગ કરી હતી.

 

 

ગુલાબ નાળિયેર ગુલકંદ લાડુ

પવિત્ર પુરુષોત્તમ માસ શ્રાવણ માસ સાથે આવી રહ્યો છે. ત્યારે ભગવાનના પ્રસાદ ધરાવવા માટે  ઘરમાં જ બનાવી લો ઈન્સ્ટન્ટ ગુલાબ નાળિયેર ગુલકંદ લાડુ! આ લાડુ ઉપવાસમાં પણ ખાઈ શકાય છે.

સામગ્રીઃ

  • કોપરાનું ખમણ 150 ગ્રામ
  • કન્ડેન્સ્ડ મિલ્ક / મિલ્કમેડ 75 ગ્રામ (¼ કપ)
  • રોઝ એસેન્સ ¼ ટી.સ્પૂન
  • લિક્વિડ ફુડ કલર પિંક 2 ટીપાં
  • ગુલકંદ 100 ગ્રામ

રીતઃ કોપરાનું ખમણ થોડું એક પ્લેટમાં કાઢી લઈ બાકીનું કોપરાનું ખમણ એક મોટા બાઉલમાં લઈ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, રોઝ એસેન્સ ફુડ કલર પિંકના 2 ટીપાં મેળવીને હાથેથી લોટ બાંધી દો. આમાંથી એક નાનો લાડુ વાળીને તેને ચપટો કરી લો. તેમાં થોડું ગુલકંદ ભરીને લાડુને ચારેતરફથી બંધ કરીને ગોળ વાળી દો.

આ વાળેલા લાડુને નાળિયેરના ખમણમાં રગદોળીને એક પ્લેટમાં ગોઠવી દો. 1 કલાક રેફ્રિજરેટરમાં મૂક્યા બાદ ખાવાના ઉપયોગમાં લો.

ફ્રાન્સ પાસેથી 26 રાફેલ જેટ, 3 સ્કોર્પીન સબમરીનની ખરીદીને કેન્દ્ર સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ ફ્રાન્સ પાસેથી નૌકાદળની આવૃત્તિવાળા 26 રાફેલ જેટ વિમાન અને ત્રણ સ્કોર્પીન વર્ગની સબમરીન ખરીદવાના પ્રસ્તાવને કેન્દ્ર સરકારે આજે મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી જ એમની બે-દિવસીય પેરિસ મુલાકાતનો આરંભ કર્યો છે.

જેટ અને સબમરીન ખરીદીના પ્રસ્તાવને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની આગેવાની હેઠળના ડીફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (ડીએસી)એ મંજૂરી આપી છે. 26માંના ચાર રાફેલ-એમ જેટ વિમાન નૌકાદળની આવૃત્તિના તૂતક-આધારિત પ્લેટફોર્મવાળા હશે. એ તાલીમી વિમાન હશે. કોન્ટ્રાક્ટ પર સહીસિક્કા કરાયા બાદ ત્રણ વર્ષની અંદર વિમાનોની ડિલીવરી શરૂ થશે. સહીસિક્કાની પ્રક્રિયા પૂરી થતાં એકાદ વર્ષ લાગશે. ભારતીય નૌકાદળ તેના દેશી ટેક્નોલોજી નિર્મિત વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંત માટે 26 ડેક-આધારિત જેટ વિમાનની ખરીદી કરવા માગે છે.

ભારતે આ પહેલાં દેશના હવાઈદળ માટે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ જેટ વિમાનની ખરીદી કરી છે.

AIને ટક્કર આપવા મસ્કે શરૂ કર્યું નવું સ્ટાર્ટઅપ x41

ન્યુ યોર્કઃ ટેસ્લાના CEO એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી આ ક્ષેત્રે નવો દાવ રમ્યો છે. મસ્કે AIને ટક્કર આપવા માટે નવુ સ્ટાર્ટઅપ XAI  લોન્ચ કર્યું છે. મસ્કે xAI બુધવારૈ વેબસાઇટને લોન્ચ કરી છે. એલન મસ્ક કેટલાય પ્રસંગોએ AIને અટકાવવાની વાત કરી ચૂક્યા છે. મસ્કે ટ્વિટર પર એની ઘોષણા કરીને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે AI સ્ટાર્ટઅપ માટે એન્જિયરોની એક ટીમ બનાવવામાં આવી છે. ટીમમાં સામેલ એન્જિનિયર્સ આલ્ફબેટની માલિકી ગૂગલથી માંડીને માઇક્રોસોફ્ટ અને ઓપન AI સુધીની કંપનીઓમાં કામ કર્યું છે.

મસ્કે ટ્વીટ કરતાં લખ્યું હતું કે વાસ્તવિકતાને સમજવા માટે @AIની રચનાની ઘોષણા કરી હતી, જ્યારે એલન મસ્કની XAIએ પોતાની વેબસાઇટના માધ્યમથી કહ્યું હતું કે x41 14 જુલાઈને એક ટ્વિટર સ્પેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે.

અહેવાલ મુજબ મસ્કે માર્ચમાં x41 Corp નામની એક કંપની રજિસ્ટર્ડ થઈ હતી. આ કંપનીમાં મસ્ક એકમાત્ર ડિરેક્ટર અને મસ્કની ફેમિલી ઓફિસના મેજિંગ ડિરેક્ટર જેરેડ બિર્ચેલને સચિવ બનાવવામાં આવ્યા છે. આ સિવાય વેબસાઇટે એ ઇચ્છુક ઉમેદવારો માટે એક અરજી પત્ર પણ લિસ્ટ કર્યું છે, જે સ્ટાર્ટઅપનો હિસ્સો બનવા ઇચ્છે છે.

x41ની હાલની ટીમનો દાવો છે કે એ લોકોને ડીપ માઇન્ડ, ઓપન AI, ગૂગલ રિસર્ચ, માઇક્રોસોફ્ટ રિસર્ચ, ટેસ્લા અને ટોરોન્ટો યુનિવર્સિટી સહિત અનેક સંગઠનોમાં કામ કર્યું છે. એપ્રિલમાં મસ્કે કહ્યું હતું કે તેઓ માઇક્રોસોફ્ટના ઓપન AIના ચેટ GPT અને ગૂગલના પ્રતિદ્વંદ્વીના રૂપે AI બનાવવા ઇચ્છે છે. જોકે તેમણે AIના નકારાત્મક અસરો વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

 

 

 

 

 

 

 

વેસ્ટ ઈન્ડિઝનો 143 કિલો વજનનો રહકીમ કોર્નવોલઃ દુનિયાનો સૌથી અનફિટ ક્રિકેટર

રોસો (ડોમિનિકા ટાપુ): ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અહીંના વિન્ડસર પાર્ક મેદાન પર બેમાંની પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના ગઈ કાલે પહેલા દિવસે ગૃહ ટીમનો પહેલો દાવ માત્ર 150 રનમાં પૂરો થઈ ગયો હતો. તેના જવાબમાં, ભારતે દિવસની રમત બંધ રહી ત્યારે તેના પહેલા દાવમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર 80 રન કર્યા હતા. નવોદિત ખેલાડી યશસ્વી જયસ્વાલ 40 અને કેપ્ટન રોહિત શર્મા 30 રન સાથે દાવમાં હતો.

ઓફ્ફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ડાબોડી સ્પિનર રવીન્દ્ર જાડેજા સામે કેરેબિયન બેટર્સ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયા હતા. અશ્વિને પાંચ અને જાડેજાએ 3 વિકેટ લીધી હતી. બે ફાસ્ટ બોલર – મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરે એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.

આ મેચની નવાઈ એ છે કે વેસ્ટ ઈન્ડિઝે તેની ઈલેવનમાં ઓલરાઉન્ડર રહકીમ કોર્નવોલને સામેલ કર્યો છે. આ ખેલાડી 2021 બાદ ઈલેવનમાં ફરી સામેલ થયો છે. 143 કિલો વજનને કારણે કોર્નવોલ દુનિયાનો સૌથી ભારેભરખમ શરીરવાળો ખેલાડી બન્યો છે. એણે 2019માં ભારત વિરુદ્ધની મેચ વખતે જ વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. એ વખતે તેનું વજન 140 કિલો હતું, હવે 143 કિલો છે.

આટલો બધો જાડો હોવા છતાં વેસ્ટ ઈન્ડિઝે તેને ટીમમાં સામેલ કર્યો છે. કોર્નવોલને દુનિયાના સૌથી અનફિટ ખેલાડી તરીકે ગણવામાં આવે છે. એનામાં તાકાત છે, પણ એને દોડવામાં તકલીફ પડતી હોય છે. ક્રિકેટ ચપળતાની રમત છે. અહીં તંદુરસ્ત ખેલાડીઓની જ જરૂર હોય છે. રહકીમ કોર્નવોલનું વજન પ્રચંડ છે. એ ક્રીઝ પર આવ્યા બાદ સ્ટ્રાઈક રોટેટ કરવાનું અને ચીકી સિંગલ્સ લેવાનું શક્ય હોતું નથી. ફિલ્ડિંગમાં પણ રન બચાવવાનું કોર્નવોલ માટે લગભગ અશક્ય હોય છે. તે છતાં વેસ્ટ ઈન્ડિઝે એને ઈલેવનમાં સામેલ કેમ કર્યો એ સૌથી મોટો સવાલ છે.

ગઈ કાલે કોર્નવોલ 9મા ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને 34 બોલનો સામનો કર્યો હતો. એ 19 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. એણે 3 બાઉન્ડરી પણ ફટકારી હતી. ત્યારબાદ ભારતના દાવ વખતે એણે ચાર ઓવર ફેંકી હતી. એ ઓફ્ફ-બ્રેક બોલર છે. ચાર ઓવરમાં એણે 17 રન આપ્યા હતા. એની બોલિંગમાં એવું ખાસ કંઈ નહોતું જે ભારતના બેટર્સને પરેશાન કરી દે. તોય ઈલેવનમાં તેની પસંદગી કેમ કરવા પાછળનું કારણ શું હશે?

યુટ્યુબ પર વિડિયો જોઈ શેરોમાં મૂડીરોકાણ કરવા પર સાવધાન

નવી દિલ્હીઃ બજાર નિયામક સેબીએ સોશિયલ મિડિયા મંચ યુટ્યુબની કેટલીય ચેનલો પર ભ્રામક વિડિયો નાખીને શાર્પલાઇન બ્રોડકાસ્ટ લિ.ની શેરની કિંમતોમાં હેરફેર કરવાને મામલે નવ કંપનીઓ પરથી પ્રતિબંધો દૂર કરવાનો ઇનકાર કર્યો હતો. સેબીએ આ માલે પ્રાથમિક તપાસને આધારે માર્ચમાં 24 કંપનીઓને શેરબજારોમાં ટ્રેડિંગ કરવાથી પ્રતિબંધિત કરી હતી. એમાં નવ કંપનીઓ પર લગાવવામાં આવેલા પ્રતિબંધની હવે એણે પુષ્ટિ કરી છે.

સેબીએ જારી કરેલા આદેશમાં કહ્યું હતું કે આ કંપનીઓ છેતરપિંડી અને ગેરકાયદે વેપાર વ્યવહાર નિષેધ (PFUTP)ના નિયમો હેઠળ પ્રાથમિક દ્રષ્ટિએ કસૂરવાર માલૂમ પડી હતી અને એને વચગાળાના આદેશને પુષ્ટ કરવામાં આવે છે. આ આદેશમાં જતિન મનુભાઈ શાહ, અંગદ એમ રાઠોડ, હેલી જતિન શાહ, દૈવિક જતિન શાહ, અશોકકુમાર અગ્રવાલ, અંશુ અગ્રવાલ, હેમંત દુસાડ અનૈ અંશુલ અગ્રવાલ કંપની HUF પર પ્રતિબંધ યથાવત્ રાખ્યો હતો. એમાંથી ચાર લોકોને સેબીએ કેટલીક છૂટછાટ આપી હતી.

સેબીને તપાસમાં માલૂમ પડ્યું હતું કે મે, 2022ના બીજા પખવાડિયામાં શાર્પલાઇન બ્રોડકાસ્ટ કંપનીના શેરો વિશે યુટ્યુબ પર કેટલાક ભ્રામક અને ખોટા વિડિયો મૂકવામાં આવ્યા હતા. આ વિડિયોમાં રોકાણકારોને આ કંપનીના શેરોમાં મૂડીરોકાણની સલાહ આપવામાં આવી હતી. આ વિડિયોથી પ્રભાવિત થઈને મોટી સંખ્યામાં રોકાણકારોએ શેરબજારમાં શાર્પાલઇનના શેરોમાં મૂડીરોકાણ કર્યું હતું.

 

 

 

 

મુઠ્ઠીઓ, અવાજ, નિતંબઃ પાંચ અજીબ વસ્તુઓનો બોલીવુડ સિતારાઓએ ઉતરાવ્યો છે વીમો

મુંબઈઃ હિન્દી ફિલ્મોનાં કલાકારો અને કસબીઓ એમના યૂએસપી (ખાસિયત, ખૂબી) આધારિત કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે. એમની ખાસિયતોને કારણે જ તેઓ દર્શકો, શ્રોતાઓમાં લોકપ્રિય થયા હોય છે, પછી તે લતા મંગેશકર અને અમિતાભ બચ્ચનનો સ્વર હોય, જોન અબ્રાહમનું ખડતલ શરીર હોય. બોલીવુડની અનેક હસ્તીઓએ તેમની આ સંપત્તિઓનો વીમો ઉતરાવ્યો છે અથવા ઉતરાવવાની ઈચ્છા ધરાવે છે.

  • મહાન ગાયિકા ‘ભારત રત્ન’ લતા મંગેશકરે એમનાં સ્વરનો અઘોષિત રકમમાં વીમો ઉતરાવ્યો હતો.
  • અમિતાભ બચ્ચન એમની એક્ટિંગ માટે પ્રસિદ્ધ થયા છે, પરંતુ એમની ગાયકી એમના વ્યક્તિત્વનું એક અલગ જમાપાસું છે. આ મહાનાયકે એમના અવાજનો પણ વીમો ઉતરાવ્યો છે.
  • દક્ષિણી ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે એમના ટ્રેડમાર્ક અવાજનો વીમો ઉતરાવ્યો છે એટલું જ નહીં, એના કોપીરાઈટ્સ પણ મેળવ્યા છે જેથી કોઈ પણ બ્રાન્ડ એમની સહમતી વગર એનો ઉપયોગ કરે નહીં.
  • ઓલિમ્પિયન બોક્સર-કમ-અભિનેતા વિજેન્દર સિંહે એમની મુઠ્ઠીઓનો વીમો ઉતરાવ્યો છે.
  • અભિનેત્રી મલ્લિકા શેરાવતે 2009માં જાહેરાત કરી હતી કે તે એની સંપૂર્ણ કાયાનો રૂ. 50 કરોડમાં વીમો ઉતરાવી રહી છે.
  • અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ એનાં સુંદર સ્માઈલનો અઘોષિત રકમમાં વીમો ઉતરાવ્યો છે.
  • અભિનેતા જોન અબ્રાહમે એક વાર કહ્યું હતું કે પોતે એના નિતંબનો વીમો ઉતરાવવા માગે છે.

સાગરદાણ કૌભાંડઃ વિપુલ ચૌધરીને સાત વર્ષની જેલ

મહેસાણાઃ સાગરદાણ કૌભાંડમાં મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના આરોપી વિપુરલ ચૌધરી સહિત 15 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. આ તમામ આરોપીને સાત વર્ષની સજા સંભળાવવામાં આવી છે,  જ્યારે ચાર આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી હતા. વિપુલ ચૌધરી રાજપા સરકારમાં ગૃહપ્રધાન રહી ચૂક્યા છે. દૂધસાગર ડેરીને રૂ. 22 કરોડનું નુકસાન થયું હતું. આ કૌભાંડના 22 આરોપીઓમાંથી ત્રણ આરોપીઓનાં ચુકાદો આવે એ પહેલાં જ મોત થયાં હતાં. જેથી હવે 19 સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં 23 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.

સાગરદાણ કૌભાંડમાં 19 પૈકી ચાર અધિકારીઓને શંકાનો લાભ મળતાં તેમને અપીલ પિરિયડ સુધીમાં 50,000ના જાત મુચરકાના જામીન પણ છોડવામાં આવ્યા છે. આ સિવાય 13 નિયામક મંડળના સભ્યો અને બે અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે, જેમાં વિપુલ ચૌઘરીનો પણ સમાવેશ થાય છે. વિપુલ ચૌધરી સહિત જે 15 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તેમના તથા સામેના એમ બન્ને પક્ષની કોર્ટ દલીલ સાંભળ્યા બાદ સજા સંભળાવી હતી.

આ કેસમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ 406 (ગુનાહિત વિશ્વાસઘાત), 420 (ઠગાઈ), 465 (ખોટો દસ્તાવેજ બનાવવા), 468 (ઠગાઈ કરવાના હેતુથી ખોટો દસ્તાવેજ બનાવવા), 471 (બનાવટી દસ્તાવેજ હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરવો), 120B (કાવતરું) અને 114 (મદદ) અંતર્ગત આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. હવે આરોપીઓને જે કલમ અંતર્ગત દોષિત ઠેરવવામાં આવ્યા તેના આધારે તેમને સજા સંભળાવવામાં આવી છે.

શું છે કેસ?

દૂધસાગર ડેરીમાંથી મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. કોઈ  પણ મંજૂરી વિના આ સાગરદાણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રની મહાનંદા ડેરીને સાગરદાણ મોકલવામાં આવ્યું હતું. જેને કારણે દૂધસાગર ડેરીને રૂપિયા 22 કરોડનું નુકસાન થયું હતું. અહેવાલ અનુસાર વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઇચ્છા હતી. જેથી તત્કાલીન કૃષિમંત્રી શરદ પવારને રીઝવવા સાગરદાણ મોકલાયાનો તેમના પર આરોપ હતો. GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મહારાષ્ટ્ર મોકલાયું હતું. સાગરદાણ મોકલવા મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ આગળ ધરવામાં આવ્યું હતું.