ચીનના વિદેશ મંત્રી કિન ગેંગને મંગળવારના રોજ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ગેંગના સ્થાને વાંગ યીને વિદેશ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અગાઉ પણ આ પદ સંભાળી ચૂક્યા છે. વાંગ યી હાલમાં બ્રિક્સ બેઠક માટે દક્ષિણ આફ્રિકામાં છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.
Wang Yi is China’s new foreign minister, Qin Gang removed
એક રિપોર્ટ અનુસાર કિન ગેંગ એક મહિલા પત્રકાર સાથેના લગ્નેતર સંબંધોના કારણે લાંબા સમયથી ગાયબ છે. તે છેલ્લે 25 જૂને રશિયાના નાયબ વિદેશ મંત્રી રુડેન્કો એન્ડ્રે યુરેવિચ સાથેની મુલાકાત દરમિયાન જોવા મળ્યા હતા. જો કે, તેના પર ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ગેંગને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, જેના કારણે તેઓ દેખાતા નથી. કિન ગેંગના હોંગકોંગના ફોનિક્સ ટીવીના પ્રખ્યાત રિપોર્ટર ફુ ઝિયાઓટીયન સાથે લગ્નેતર સંબંધ હતા. હાલમાં જ ટ્વિટર પર બંનેનો વીડિયો અને ફોટો વાયરલ થયો હતો.
નવી દિલ્હીઃ 2000 રૂપિયાની ચલણી નોટ બંધ થયા બાદ લોકોમાં એવી ચર્ચા ચાલી છે કે હવે 500 રૂપિયાની નોટ પણ બંધ થશે. પરંતુ, કેન્દ્ર સરકારે આ વિશે સ્પષ્ટતા કરી છે. તે ઉપરાંત તેણે રૂ. 1000ની નોટ ફરી શરૂ કરવા બાબતમાં પણ સ્પષ્ટતા કરી છે. સંસદમાં હાલના ચોમાસું સત્રમાં નાણાં મંત્રાલય સમક્ષ આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે નાણાં મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે 500 રૂપિયાની નોટ ચલણમાંથી દૂર કરવામાં આવનાર નથી. તે ઉપરાંત સરકારે એ પણ સ્પષ્ટ કરી દીધું કે 1000 રૂપિયાની નોટ ફરી શરૂ કરવામાં આવનાર નથી.
ઉલ્લેખનીય છે કે, સરકારે 2016માં નોટબંધી જાહેર કરી હતી અને ત્યારે 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી હટાવી લીધી હતી. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેન્કે 500 અને 2000ની નવી ચલણી નોટો વ્યવહારમાં મૂકી હતી. હવે 2000ની નોટ બંધ કરવાનો નિર્ણય સરકારે ગયા મે મહિનામાં જાહેર કરી દીધો છે. 2000ની નોટ બદલવા અને જમા કરાવી દેવા માટેની મુદત 30 સપ્ટેમ્બર સુધીની છે. સરકાર આ મુદતને લંબાવવાની નથી.
ભારતથી પાકિસ્તાન પહોંચેલી ભારતીય યુવતી અંજુ અને દિરેબાલાના નસરુલ્લાના લગ્ન થયા. અંજુએ ઈસ્લામ કબૂલ કરીને નવું ઈસ્લામિક નામ ફાતિમા રાખ્યું છે. અંજુ અને નસરુલ્લાએ ડીર અપર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં લગ્ન કર્યા. પાકિસ્તાનથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં બલિયાની અંજુએ કહ્યું કે તે માત્ર મુલાકાત માટે અને મિત્રના પરિવારમાં લગ્નમાં હાજરી આપવા માટે આવી હતી. તેણે તેની માતા અને બહેનને પાકિસ્તાન જવાની વાત કહી હતી. બાળકો સાથે સતત સંપર્કમાં છે, પરંતુ તેના પતિ સાથેના સંબંધો સારા નથી. બંને એક જ ફ્લેટમાં રહે છે, પરંતુ અલગ રૂમ છે. પાછા આવ્યા પછી તે તેના પતિ સિવાય તેના બાળકો સાથે રહેશે. તે કાયદેસર રીતે પાકિસ્તાન આવી છે અને બે-ત્રણ દિવસમાં પરત ફરશે.
ઉલ્લેખનીય છે કે, ફેસબુક પર પાકિસ્તાની યુવક નસરુલ્લા સાથેની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી, ત્યારબાદ અલવરની અંજુ તેના પતિને કહ્યા વગર ખોટું બોલીને પાકિસ્તાન જતી રહી હતી, હવે તે પણ એવી જ છે. અંજુને બે બાળકો છે, એક છોકરો અને 14 વર્ષની એક છોકરી, જોકે બંને પિતા સાથે છે. બંનેએ 2007માં લગ્ન કર્યા હતા. આ મહિલા હોન્ડા ટુ વ્હીલરમાં કામ કરતી હતી. તેના પતિને ફોન કરીને માત્ર એટલું જ કહ્યું કે તે લાહોરમાં છે અને તેના મિત્રને મળવા આવી છે. તે ત્રણ-ચાર દિવસમાં ભારત પરત આવશે. બંને વચ્ચે ચાર વર્ષ પહેલા સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા થઈ હતી. અંજુના બાળકોએ તેને પરત આવવા વિનંતી કરી છે.
મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે વોલેટિલિટી જોવા મળી હતી. બજાર સામસામા રાહે અથડાઈ હતી. એના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના ઘટકોમાંથી યુનિસ્વોપ, સોલાના, ચેઇનલિંક અને એક્સઆરપી મુખ્ય ઘટેલા કોઇન હતા.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગમાં ગયા સપ્તાહે 201.4 મિલ્યન ડોલર એકઠા કરવામાં આવ્યા હતા. અગિયાર કંપનીઓએ વેન્ચર કેપિટલ અને ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ પાસેથી નાણાં એકઠાં કર્યાં હતાં. મેટાવર્સ ક્ષેત્રના સ્ટાર્ટઅપ ફ્યુચરવર્સે એમાંથી 54 મિલ્યન ડોલર પ્રાપ્ત કર્યા હતા, જે સૌથી મોટી રકમ હતી.
બીજી બાજુ, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) લાવવા માટેના ડિજિટલ રૂબલ ખરડા પર સહી કરતાં એ કાયદો બની ગયો છે. આ કાયદો આગામી પહેલી ઓગસ્ટથી અમલી બનશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.24 ટકા (93 પોઇન્ટ) ઘટીને 38,642 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,735 ખૂલીને 38,780 પોઇન્ટની ઉપલી અને 38,191 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
અમદાવાદઃ વાડ જ ચીભડાં ગળે ત્યાં કોને કહેવું. રાજ્યના એક મકાનમાંથી મળેલા સોનાના સિક્કાથી ભરેલી બેગને પહેલાં મજૂરોએ ચોરી કરી હતી. એ પછી એ મજૂરોના ઘરેથી મધ્ય પ્રદેશના પોલીસવાળા ચોરીને લઈ ગયા. આ ઘટનાનો ખુલાસો થવા પર ચારે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના ચાર આદિવાસી મજૂરોએ 21 જુલાઈએ સ્ટેશનમાં ચાર પોલીસ કર્મચારીઓની વિરુદ્ધ સોનાના 240 સિક્કાઓ ભરેલી બેગ લૂંટવાની ફરિયાદ નોંધાવી છે. આ સિક્કાઓ પર કિંગ જ્યોર્જ પંચમની આકૃતિ બની છે. આ મજૂરો જાન્યુઆરીમાં રાજ્યમાં એક પૈતૃક ઘરને પાડવા માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં દીવાલની અંદર રાખેલા સોનાના સિક્કાઓને આ મજૂરોએ કાઢીને તેમનાં ખિસ્સામાં ભરી લીધા. પોલીસે એમાંથી એક મજૂર પાસેથી એક સિક્કો જપ્ત કર્યો અને એને સ્થાનિક જ્વેલરને બતાવ્યો તો તેણે અસલી અને કીમતી હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે કહ્યું હતું કે સિક્કા અસલી છે અને ફરાર થયેલા ચારો આરોપી પોલીસ કર્મચારી, બે અન્ય મજૂરો અને બાકીના સિક્કાઓ વિશે તપાસ કરવામાં આવી રહી છે.
આ જપ્ત થયેલા સિક્કા પર બનેલા શબ્દ અને ચિત્ર અંગ્રેજી શાસનકાળના 1911 અને 1936ના કિંગ જ્યોર્જ પંચમના જમાનાના સિક્કા મળી રહ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના બિલિમોરા ટાઉનમાં બાંદર રોડ નિવાસી શોએબ બલિયાવાલા એક ચિકન વેપારી છે. તેમના પૈતૃક મકાનમાં મજૂરોને સોનાના સિક્કાથી ભરેલી એક બેગ મળી હતી. આ બેગને મજૂરો ચોરી ગયા હતા અને આ મજૂરોને ત્યાંથી ચાર પોલીસ કર્મચારીઓ એ સિક્કાને ચોરી ગયા હતા. એક સોનાના સિક્કાની કિંમત હાલ રૂ. 44,000 આંકવામાં આવી છે. આ બેગમાં 240 સોનાના સિક્કા હતા.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે ભાજપ શાસિત રાજ્યોની વિરુદ્ધ કડક વલણ અપનાવવામાં નિષ્ફળ રહેવા બદલ કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં અનામત મુદ્દે કેન્દ્ર સરકારની વિરુદ્ધ કોર્ટે આકરી ટિપ્પણીઓ કરી છે.
કોર્ટે સવાલ કર્યો હતો કે રાજ્યમાં મહિલાઓ માટે અનામત કેમ નથી લાગુ કરવામાં આવી? કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે તમે તમારી જ પાર્ટીની રાજ્ય સરકારો વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરતા? કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે જો અન્ય રાજ્ય સરકારો વિરુદ્ધ કડક વલણ અપનાવતા હો તો જે તમારા પ્રતિ ઉત્તરદાયી નથી, પરંતુ જે રાજ્યમાં તમારી પાર્ટીની સરકાર હોય છે, ત્યાં તમે કંઈ નથી કરતા.
જસ્ટિસ કૌલે પૂછ્યું હતું કે શું મહિલાઓ માટે અનામત વિરુદ્ધ કોઈ જોગવાઈ છે? મહિલાઓની ભાગીદારીનો વિરોધ કેમ? જ્યારે જીવનનાં દરેક ક્ષેત્રોમાં મહિલાઓ સમાન રૂપે સામેલ છે. એના જવાબમાં એટર્ની જનરલ નાગાલેન્ડે કહ્યું હતું કે એવાં મહિલા સંગઠનો છે, જે કહે છે કે તેમને અનામત નથી જોઈતાં અને એની કોઈ નાનીમોટી સંખ્યા નથી. એ શિક્ષિત મહિલાઓ છે.
#SupremeCourt says that while Centre takes 'extreme stands' against non-BJP State Govts, it does nothing against BJP-backed State Govts.
જસ્ટિસ કૌલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ મુદ્દાથી કોરાણે ના મૂકી શકે. એનું કાર્ય એ તથ્યથી સરળ થઈ ગયું છે કે રાજ્યમાં રાજકીય વ્યવસ્થાના કેન્દ્રમાં રાજકીય વ્યવસ્થાને અનુરૂપ છે. આ મામલે કોર્ટે 26 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. જજે કહ્યું હતું કે જો તમે આગામી વખતે સમાધાન નહીં શોધો તો અમે મામલાની સુનાવણી કરીશું અને અંતિમ નિર્ણય લઈશું.
નવી દિલ્હીઃ મધ્ય પેસિફિક મહાસાગરમાં આવેલા માર્શલ ટાપુઓ અને પશ્ચિમી પેસિફિક મહાસાગરમાં આવેલા માઈક્રોનેશિયા ટાપુરાષ્ટ્રમાં વેચવામાં આવેલું કફ સિરપ દૂષિત હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યા બાદ ભારત સરકારે તે દવા ઉત્પાદક કંપનીનું લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. કેન્દ્રિય નાયબ આરોગ્ય પ્રધાન ભારતી પવારે આજે આમ સંસદમાં જણાવ્યું હતું.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જાહેર કર્યું છે કે પંજાબ રાજ્યની ક્યૂપી ફાર્માકેમ લિમિટેડ કંપનીએ બનાવેલા કફ સિરપના એક જૂથનાં નમૂનામાં ઝેરી તત્ત્વો ડાઈથાઈલીન ગ્લાઈકોલ અને ઈથીલીન ગ્લાઈકોલ અસ્વીકાર્ય પ્રમાણમાં હોવાનું માલૂમ પડ્યું છે, જે માનવીઓના શરીરમાં જાય તો જીવલેણ બની શકે છે. તેથી આ દવાના નમૂનાઓને હલકી ગુણવત્તાવાળા તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. દવા ઉત્પાદક કંપનીએ કહ્યું છે કે તેણે કંઈ ખોટું કર્યું નથી.
જેની દવાઓ બાળકોનાં મરણના બનાવો સાથે સંકળાયેલી છે તે ક્યૂપી ફાર્માકેમ લિમિટેડ તથા અન્ય બે કંપની – મેઈડન ફાર્માસ્યુટિકલ્સ અને મેરિઅન બાયોટેક પ્રા.લિ.નું મેન્યૂફેક્ચરિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને તેની નિકાસ અટકાવી દેવામાં આવી છે. મેઈડન અને મેરિઅન કંપનીઓએ પણ કહ્યું છે કે તેમણે કંઈ ખોટું કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ભારતની એક દવા કંપનીએ બનાવેલું કફ સિરપ પીધા બાદ ગામ્બિયા અને ઉઝબેકિસ્તાન દેશોમાં 89 બાળકોનાં મરણ નિપજ્યા હતા. એને કારણે દુનિયાના દેશોને સસ્તા દરે દવાઓ પૂરી પાડીને ‘દુનિયાની ફાર્મસી’ તરીકેની ભારતની પ્રતિષ્ઠાને ફટકો પડ્યો છે.
એશિયન ક્રિકેટનો મહાકુંભ એટલે કે એશિયા કપ 30 ઓગસ્ટ, 2023થી શરૂ થશે. ટૂર્નામેન્ટની તમામ મેચો પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. 2 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને-સામને થશે. 2023 એશિયા કપનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જોકે, BCCIએ હજુ સુધી આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. આ પહેલા જાણી લો કે આ ટૂર્નામેન્ટ માટે ભારતની 15 સભ્યોની ટીમ કેવી હોઈ શકે છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે એશિયા કપની શરૂઆત પહેલા ભારતના મુખ્ય ખેલાડીઓ ફિટ થઈ જશે. જેના કારણે BCCIએ હજુ સુધી ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી નથી. એવું માનવામાં આવે છે કે કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને જસપ્રિત બુમરાહ આ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
એશિયા કપ માટે સંભવિત ટીમમાં કે.એલ.રાહુલ, શ્રેયસ અય્યર અને જસપ્રિત બુમરાહનો સમાવેશ કર્યો છે. એશિયા કપમાં કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં વિકેટકીપર તરીકે રમતા જોવા મળી શકે છે. આ સિવાય સંજુ સેમસનને રિઝર્વ વિકેટકીપર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ યશસ્વી જયસ્વાલ, રૂતુરાજ ગાયકવાડ અને સૂર્યકુમાર યાદવ માટે એશિયા કપની ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. એશિયા કપની ટીમમાં કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને સંજુ સેમસન બેટ્સમેન હશે. જ્યારે અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર હશે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને પણ સ્થાન મળશે. આ સાથે મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર ઝડપી બોલર હશે.
26 જુલાઈ ‘કારગિલ વિજય દિવસ’ દેશના ઇતિહાસના સોનેરી પાને આલેખાયો છે. પરંતુ કોઇને જરાય વિશ્વાસ ન બેસે કે આ યુદ્ધના કારણે અનેક લોકોની દેશદાઝ છતી થઇ. તેમાંથી એક છે ગુજરાતી પ્રથમ મહિલા આર્મી ઓફિસર(વેટરન) કેપ્ટન મીરા દવે.
કારગિલ યુદ્ધની મહત્વની ભૂમિકા
માત્ર 9 વર્ષની ઉંમરે મીરાએ દેશ માટે કઇ કરી છુટવાની ભાવના સાથે આર્મીમાં જોડાવાનું સ્વપ્ન જોયું. જેને સાકાર કરી ગુજરાતની સાથે સાથે દેશની ગરિમા પણ વધારી. ભારતીય સેનાના ‘આર્મી ઓર્ડીનન્સ કોરમાં જોડાયા બાદ લેફ્ટનન્ટથી કેપ્ટન સુધીની મીરાની કારકિર્દી સૌના માટે પ્રેરણાદાયી છે.
મૂળ સુરતના કેપ્ટન મીરાના આર્મી ઓફિસર બનવાના સ્વપ્નને કારગિલ યુદ્ધે મક્કમતાની કેડી કંડારી આપી. તમામ સંઘર્ષોને પાર કરી વર્ષ ૨૦૦૬ માં ૨૩ વર્ષની ઉંમરે કેપ્ટન મીરાએ ‘સુરતની પ્રથમ ગુજરાતી મહિલા’ આર્મી ઓફિસર તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેફટનન્ટ તરીકે શપથ લીધા. ઝૂલોજીમાં સ્નાતક અભ્યાસ દરમ્યાન કેપ્ટન મીરાએ એન.સી.સી.ની તાલીમ લીધી અને બાયો ટેકનોલોજીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ ઈન્ડિયન આર્મીમાં ઓફિસર તરીકે જોડાવાની તૈયારીઓ શરૂ કરી.
હું હંમેશા આર્મી ઓફિસર બનવાનું સપનું જોતી
‘સુરતથી સરહદ સુધીની સફર’ ખેડનાર કેપ્ટન મીરા પોતાના અનુભવો વાગોળતા કહે છે કે, નાનપણમાં ચેન્નઈ ખાતે ઈન્ટરનેશનલ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ દરમ્યાન અવારનવાર ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીની બહાર લાગેલા ‘જોઈન ઈન્ડિયન આર્મી’ના પોસ્ટરો જોઈ હું હંમેશા આર્મી ઓફિસર બનવાનું સપનું જોતી હતી.” ૧૯૯૯ના કારગિલ યુદ્ધથી મળેલી પ્રેરણા અને દેશદાઝ વિષે વાત કરતા કેપ્ટન મીરાએ કહે છે, “એ સમયે હું ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. મીડિયાના માધ્યમથી કારગિલ યુદ્ધના સમાચાર સાંભળતી ત્યારે દેશ માટે કંઈક કરી છૂટવાની મારી ઈચ્છા પ્રબળ બનતી. માટે જ સ્નાતક અભ્યાસ દરમ્યાન એન.સી.સી.નું પ્રશિક્ષણ લીધું.” પસંદગીની વિશે વાત કરતા મીરા કહે છે, “પ્રથમ પ્રયાસે મારા રેકમેન્ડેશન બાદ શારીરિક પરીક્ષણ માટે પસંદગી થઈ, માથાના વાળથી લઈ પગના નખ સુધી તમામ અંગોની શારીરિક ચકાસણી થવાની સાથે જ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં અડગ માનસિક ક્ષમતાની પણ આકરી કસોટી કરવામાં આવે છે, જેમાં હું સાંગોપાંગ ઉત્તીર્ણ થઇ.
2006માં લેફટનન્ટ તરીકે પદગ્રહણ કરી રાજસ્થાન બોર્ડર પર લાલગઢ ચટ્ટામાં પ્રથમ પોસ્ટિંગ સાથે કારકિર્દીની શરૂઆત કરી. ત્યાર પછી તો જબલપુર, પૂના, લેહ લદ્દાખ, કશ્મીરમાં અલગ અલગ સ્થળે ફરજ બજાવી.”
એક યાદગાર અનુભવ..
ભારતીય સેનાના ‘આર્મી ઓર્ડીનન્સ કોર’માં જોડાયા બાદ લેફ્ટનન્ટથી કેપ્ટન સુધીની સફરનો એક યાદગાર અનુભવ વિશે વાત કરતા મીરા કહે છે, વર્ષ ૨૦૦૭થી ૨૦૦૯ માં કશ્મીરના બારામુલ્લામાં ‘ઓપરેશન સદ્દભાવના’ અંતર્ગત આતંકવાદનો ભોગ બની પોતાના ભાઈ, પિતા, પુત્ર કે પતિ ગુમાવ્યા હોય એવી કશ્મીરી પીડિત મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુ સાથે ૭ કાશ્મીરી મહિલાઓને વિશ્વાસમાં લઈ લખનૌની ઉષા એકેડમીમાં ફેશન ડિઝાઈનિંગના સર્ટિફિકેટ કોર્સ માટે મોકલી. પ્રશિક્ષિત થઈને પરત ફરેલી આ મહિલાઓએ અન્ય મહિલાઓને શિક્ષિત કરી. આવી ૧૫૦ મહિલાઓને ભારતીય સેના દ્વારા સિલાઈ મશીન અપાવી આત્મનિર્ભર બનાવી હતી. જે માટે મને ‘ગોલ્ડ મેડેલિયન ઍવોર્ડ’થી સન્માનિત કરાઈ.
કેપ્ટન મીરા દવે, ૪ ગુજરાત એન.સી.સી બટાલિયનના પ્રથમ અને એકમાત્ર મહિલા આર્મી ઓફિસર બન્યા છે, અને તેઓ ૪ ગુજરાત એન.સી.સી બટાલિયનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
આર્મી વ્યવસાય નહીં, જીવન જીવવાની કળા શીખવતું શિક્ષણકેન્દ્ર
આર્મી ઓફિસર તરીકેની વિશેષતાઓ અંગે વાત કરતા કહે છે કે, ‘આર્મી એક વ્યવસાય નહીં, પણ જીવન જીવવાની અદભૂત કળા શીખવતું શિક્ષણકેન્દ્ર છે’. શોર્ટ સર્વિસ કમિશન થકી દેશસેવાના ૧૪ વર્ષોને જીવનના સૌથી સુવર્ણ વર્ષો ગણાવતા કેપ્ટન મીરા તેમની પ્રગતિનો શ્રેય માતા પિતાના સાથ સહકાર અને પતિના માર્ગદર્શનને આપે છે.
આર્મીમાં સેવા આપ્યા બાદ કેપ્ટન મીરાએ વિશ્વપ્રસિદ્ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM, Ahmedabad)માં શિક્ષણ મેળવી કોર્પોરેટ સેકટરમાં સેવા આપી અને હવે સુરત ખાતે જ સ્થાયી થઈ પતિ સિદ્ધાર્થ દવે સાથે DMP સિક્યુરિટી કંપની અને માર્ક સક્સેસ પ્રા.લિ. ગ્લોબલ એજ્યુકેશન કંપનીનું સંચાલન કરે છે
કેપ્ટન મીરાના જીવનમાં વિજયનો દિવસ એવો ૨૬ જુલાઈ-કારગિલ વિજય દિન ખાસ મહત્વ ધરાવે છે. ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ‘ઓપરેશન વિજય’ દ્વારા પાકિસ્તાની સેના પર ઐતિહાસિક જીત હાંસલ કરતા ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને બિરદાવવા ૨૬ જૂલાઈએ દેશભરમાં ‘કારગિલ વિજય દિવસ’ અર્થાત ‘વિજય દિન’ તરીકે ઉજવાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આગામી તારીખ 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસ દરમિયાન વડાપ્રધાન અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. આ સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોને જીવાદોરી સમાન SAUNI યોજના સંબંધિત એક મોટી ભેટ આપવા જઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના હેછળ લિંક-3 પેકેજ 8 અને પેકેજ 9નું નિર્માણકાર્ય પૂર્ણ કરી લીધું છે, અને 27 જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ પ્રોજેક્ટને સૌરાષ્ટ્રની જનતાને સમર્પિત કરશે. SAUNI પ્રોજેક્ટ હેઠળ તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવેલ લિંક 3 પેકેજ 8 અને 9 થી સૌરાષ્ટ્રના 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈ અને લગભગ 98 હજાર લોકોને પીવા માટે હવે નર્મદા નદીનું પાણી મળી શકશે.
ઉલ્લેખનીય છે કે SAUNI પ્રોજેક્ટ અંતર્ગત લિંક-3ના પેકેજ 8 હેઠળ રૂ.265 કરોડના ખર્ચે ભાદર-1 અને વેરી બંધ સુધી 32.56 કિમી લંબાઈના 2500 મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન બિછાવવામાં આવી છે. તેનાથી 57 ગામોના 75,000થી વધુ લોકોને પીવાના પાણી માટે અને 42,380 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે. લિંક 3ના પેકેજ 9ની વાત કરીએ તો રૂ.129 કરોડના ખર્ચે આજી-1 બંધ અને ફોફલ-1 બંધ સુધી 36.50 કિમી લંબાઈની 2500 મિમી વ્યાસવાળી એમ.એસ. પાઇપલાઇનની ફિડર એક્સટેન્શન લાઇન બિછાવવામાં આવી છે. તેનાથી 38 ગામોના 23,000થી વધુ લોકોને પીવાના પાણી માટે અને 10,018 એકરથી વધુ જમીનને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળવા લાગશે.
સૌરાષ્ટ્રની જીવાદોરી SAUNI યોજનાના મહત્વ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “SAUNI યોજના એ વડાપ્રધાનશ્રીનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત છેલ્લા 7 વર્ષોમાં 1203 કિલોમીટર પાઇપલાઇન બિછાવવામાં આવી છે અને 95 જળાશયો, 146 ગામોના તળાવો અને 927 ચેકડેમ્સમાં કુલ અંદાજિત 71,206 મિલિયન ક્યુબિક ફીટ પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે, જેનાથી લગભગ 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઇની સુવિધાઓમાં સુધાર થયો છે અને લગભગ 80 લાખની વસ્તીને પીના માટે મા નર્મદાના પાણી મળવા લાગ્યા છે.”
SAUNI એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ સિંચાઈ યોજના સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવાદોરી સમાન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ, નર્મદા નદીમાં આવતા વધારાના 1 મિલિયન એકર ફીટ (43,500 મિલિયન ક્યુબિક ફીટ) પાણીને સૌરાષ્ટ્રના 11 દુકાળગ્રસ્ત જિલ્લાઓના 115 જળાશયોમાં ભરવાની યોજના છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવા પર 970થી વધુ ગામોના 8,24,872 એકર વિસ્તારને સિંચાઈ માટે અને 82 લાખ લોકોને પીવાના પાણી માટે નર્મદા નદીના પાણીની સુવિધા મળશે. ઉલ્લેખનીય છે કે રૂ.18,563 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલા SAUNI પ્રોજેક્ટનું 95% કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, અને બાકીનું કાર્ય પણ ઝડપી ગતિએ પૂર્ણ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની ભૌગોલિક સંરચના એવી છે કે અહીંયા ભૂગર્ભજળનું સ્તર પણ ઘણું ઓછું છે અને જળાશયોની સંગ્રહ કરવાની ક્ષમતા પણ ઓછી હોવાના કારણે વરસાદનું પાણી પણ વધુ માત્રામાં સંગ્રહ કરી શકાતું નથી. વધુમાં, મોટાભાગના વર્ષોમાં વરસાદ પણ ઓછો પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ SAUNI પ્રોજેક્ટની પરિકલ્પના કરી હતી અને આજે તે સૌરાષ્ટ્રના લોકો માટે જીવાદોરી સમાન પ્રોજેક્ટ સાબિત થઇ રહ્યો છે.