Home Blog Page 2634

પંચાંગ 05/08/2023

રાહુલની સજા પર પ્રતિબંધના ચુકાદાને ગુજરાતભરમાં કોંગ્રેસીઓનો ઉજવણી સાથે આવકાર

અમદાવાદઃ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની સજા પર રોક લગાવવાનો નામદાર સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે અને સત્ય-અહિંસાનો વિજય થયો છે ત્યારે, સમગ્ર ગુજરાતમાં ૩૩ જિલ્લા, આઠ મહાનગરપાલિકા અને ૨૪૩ તાલુકા અને નગરપાલિકા વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષના કાર્યકારો-આગેવાનોએ સાંજે ૫-૦૦ કલાકે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારવા સાથે ઉજવણી કાર્યક્રમનું જોમ-જુસ્સા સાથે આયોજન કર્યું હતું.

અમદાવાદમાં ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારની આગેવાનીમાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. તેમાં કોંગ્રેસના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકર ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈને “સત્યમેવ જયતે”, “રાહુલ ગાંધી ઝિંદાબાદ”, “નફરત છોડો, ભારત જોડો”ના સૂત્રો પોકાર્યા હતા.

નીતિન દેસાઈને આત્મહત્યા માટે મજબૂર કરવાનો એડલવાઈસ ગ્રુપના અધિકારીઓ પર આરોપ

મુંબઈઃ આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈને આત્મહત્યા કરવા માટે કથિતપણે મજબૂર કરવાનો મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાની પોલીસે એડલવાઈસ ગ્રુપના પાંચ અધિકારીઓ પર આરોપ મૂકી એમની સામે કેસ નોંધ્યો છે. નીતિન દેસાઈના પત્ની નેહા દેસાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે રાયગડ જિલ્લાના ખાલાપુર પોલીસ સ્ટેશને ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની કલમ 306 (આત્મહત્યા માટે ઉશ્કેરવા) અને કલમ 34 (સમાન ઈરાદો) અંતર્ગત એફઆઈઆર નોંધી છે. નેહા દેસાઈએ એમની ફરિયાદમાં એવો આરોપ મૂક્યો છે કે એમનાં પતિએ એમની કંપની એનડીઝ આર્ટ વર્લ્ડ પ્રા.લિ. માટે જે લોન લીધી હતી એ માટે એમની સતત માનસિક સતામણી કરવામાં આવતી હતી અને એને કારણે જ એમણે આત્મહત્યા કરી છે.

નીતિન દેસાઈના શુક્રવારે સાંજે રાયગડ જિલ્લાના કર્જત નગર સ્થિત એમના આર્ટ સ્ટુડિયો ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તે પૂર્વે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુંબઈની જે.જે. હોસ્પિટલમાં દેસાઈના પાર્થિવ શરીરના અંતિમ દર્શન કર્યા હતા

કહેવાય છે કે, દેસાઈ લોન પેટે નીકળતા રૂ. 252 કરોડની રકમ એમના લેણદારોને ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. તેથી નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની મુંબઈ બેન્ચે દેસાઈની કંપની સામે નાદારીની કાર્યવાહી શરૂ કરી હતી. દેસાઈની કંપનીએ 2016 અને 2018માં ઈસીએલ ફાઈનાન્સ કંપની પાસેથી રૂ. 185 કરોડની કુલ રકમની બે લોન લીધી હતી. પરંતુ તેઓ એ પરત કરી ન શકતા 2020ના જાન્યુઆરીથી એમની મુસીબતનો આરંભ થયો હતો. ઈસીએલ ફાઈનાન્સ તે એડલવાઈસ ગ્રુપની નોન-બેન્કિંગ ફાઈનાન્સ કંપની છે.

ઘટાડો પચાવી બજારમાં તેજીઃ સેન્સેક્સ 480 ઊછળ્યો

નવી દિલ્હીઃ સતત ત્રણ દિવસોના ઘટાડા પછી શેરબજાર તેજી સાથે બંધ થયાં હતાં. નિફ્ટી 19,500ની ઉપર બંધ થયો હતો. વૈશ્વિક માર્કેટમાં મળેલા મિશ્ર સંકેતોને પગલે IT કંપનીઓના શેરોમાં તેજીને પગલે સપ્તાહના અંતે BSE સેન્સેક્સ 481 પોઈન્ટ વધ્યો હતો. NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 135 પોઇન્ટ ઊછળીને બંધ થયો હતો. આ પહેલાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં શેરબજારમાં ઘટાડો થયો હતો. છેલ્લાં બે સેશનમાં સેન્સેક્સ અને નિફ્ટી 1.8-1.8 ટકા તૂટ્યા હતા, જે 14 માર્ચ પછી સૌથી બે દિવસનો મોટો ઘટાડો હતો.

સ્થાનિક શેરબજારોમાં BSE સેન્સેક્સ 480.57 પોઇન્ટ વધીને 65,721.25ના મથાળે બંધ થયો હતો, ટ્રેડિંગ સેશનમં સેન્સેક્સે 65,799.27ની સપાટીએ પહોંચ્યો હતો અને નીચે 65,387.18 ગયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 135.35 પોઇન્ટ વધીને 19,517ની સપાટી બંધ થયો હતો. નિફ્ટી ઇન્ટ્રા-ડેમાં 19,538.85 અને 19,436.45ની રેન્જમાં રહ્યો હતો.

શેરબજારમાં બેન્ક, કેપિટલ ગુડ્સ અને મેટલ ઇન્ડેક્સ 0.5 ટકાન ઉછાળા સાથે બંધ થયો હતો. ફાર્મા અને IT ઇન્ડેક્સમાં એક-એક ટકા ઉછાળો જોવા મળ્યો હતો. જોકે ઓટો અને પાવર ક્ષેત્રના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

શેરબજારમાં આવેલી શાનદાર તેજીના કારણે આજના ટ્રેડિંગમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 304.04 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે ગયા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 302.39 કરોડ હતું. આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.65 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો છે.

સ્થાનિક શેરબજારમાં આશરે 2177 શેરોમાં તેજી થઈ હતી, જ્યારે 1296 શેરો ઘટ્યા હતા. આ સાથે 139 શેરોમાં કોઈ ફેરફાર નહોતા થયાય મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.6 ટકાનો વધારો થયો હતો.

 

 

 

 

શું છે અવચેતન મનનું કાર્ય?

આપણું અવચેતન મન (સબકોન્શિયસ માઈન્ડ) એક શક્તિશાળી યંત્ર છે. આપણા સ્વાસ્થ્યની દેખરેખ, શ્વાસોચ્છવાસ અને શરીરના અન્ય કાર્યને નિયંત્રિત કરવા ઉપરાંત આપણા અગણિત મનુષ્ય જન્મો, જે આપણે લીધા છે, તે દરેક જન્મની નોંધપાત્ર સકારાત્મક કે નકારાત્મક ઘટનાઓની નોંધણી કરે છે અને તેને સ્ટોર કરે છે એટલે કે દરેક મહત્ત્વની માહિતીનો અવચેતન મનમાં સંગ્રહ થાય છે. ખાસ કરીને વણઉકેલાયેલી બાબતો, આઘાતજનક ઘટનાઓ કે કર્મો અવચેતન મનમાં વધુ ઊંડે સંગ્રહિત થાય છે અને પરિણામ રૂપે શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે આપણા વર્તમાન જીવનમાં તેમની અસર જોવા મળે છે. અવચેતન મનનું કામ છે કે તે આપણા બોલાયેલા દરેક શબ્દો, ઈચ્છાઓ, લાગણીઓને પૂરી કરવા માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે અને તે પ્રમાણેના સંજોગો ઉભા કરે છે, જેનાથી આપણે પ્રગટ કરેલી આપણી ઈચ્છાઓ પૂરી થઈ શકે.

અવચેતન મનમાંથી મેળવાતો તાગ

વર્તમાન જીવનમાં આપણને રિલેશનશિપ એટલે કે સંબંધોમાં તિરાડ, શારીરિક અને માનસિક રોગો, કુટુંબમાં સતત દુઃખદાયક ઘટનાઓ, પ્રગતિ અટકવી, ગભરાટ, વ્યસનો, ધ્યાન કેન્દ્રિત કરવામાં અસફળતા, આત્મહત્યાના વિચારો, ઈર્ષ્યા, અસુરક્ષિતતાની ભાવના, આત્મવિશ્વાસનો અભાવ વગેરે જોવા મળે છે, કારણ કે આપણે આ સબકોન્શિયસ મેમરી સતત એક્સેસ કરી રહ્યા છીએ અને આપણા તમામ નિર્ણયોનું સંચાલન આ અવચેતન મન ભૂતકાળના અનુભવોના આધારે કરે છે.  સભાન પણે (consciously) આપણને ખ્યાલ નથી આવતો કે આપણે જે કોઈ નિર્ણય લઈ રહ્યા છે એની પાછળ કોઈ ડર, અસલામતીની ભાવના છે કે કોઈપણ નિર્ણય સમજી વિચારીને કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગર લઈ રહ્યા છે. પણ મોટાભાગના આપણાં નિર્ણય અવચેતન મનની પ્રેરણાથી જ લેવાય છે. એટલે જ તે ખૂબ જ અગત્યનું છે કે આપણે જન્મથી લઈ આવેલા આપણા ન જોઈતા અનુભવોને એની યાદોને ભૂલીને અવચેતન મનને રી-પ્રોગ્રામ કરી શકીએ.

હજારો થેરેપિસ્ટ કાર્યરત

પાછલા જન્મોની યાત્રાનો અનુભવ પ્રાચીન સમયમાં ઘણા મહાન ઋષિઓ દ્વારા કરવામાં આવતો હતો જેમાં ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધનો પણ સમાવેશ થાય છે. ફરીથી આધુનિક સમયમાં જાગૃતિ વધવાને લીધે વિશ્વભરમાં હજારો ‘પાસ્ટ લાઈફ થેરેપિસ્ટ’ એટલે કે ફેસીલીએટર્સ સઘન અભ્યાસ સાથે નોંધપાત્ર પરિણામ બહાર લાવવામાં સફળ થયા છે. શારીરિક, ભાવનાત્મક, માનસિક અને આધ્યાત્મિક સ્તર પર ઊંડા અને સ્થાયી ફેરફારો લાવવા માટે વૈકલ્પિક ઉપચાર એટલે કે અલ્ટરનેટ મેડિસિન તરીકે પાસ્ટ લાઈફ રિગ્રેશન (Past Life Regression) થેરેપીનો ઉપયોગ થાય છે.

Sacred Soul Science Healing Services હેઠળ અમે Past Life Regression Therapists તરીકે આ પદ્ધતિ વિશે સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યાં છીએ. આ પદ્ધતિ દ્વારા તમારા કોન્શિયસ માઈન્ડ (conscious mind) એટલે કે જાગૃત મનને શાંત કરીને તમારા અવચેતન મનમાં જન્મોથી સંઘરી રહેલી વણઉકેલાયેલી યાદોને એક્સેસ કરવામાં આવે છે. જે પણ સમસ્યાથી તમે હાલમાં પીડા ભોગવી રહ્યા છો અથવા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો, તે વાતચીતના સત્ર દરમિયાન આઘાતજનક ક્ષણો બહાર આવે છે. જે જન્મથી દબાયેલી પડીને તમને શારીરિક, માનસિક, ફાઇનાન્સિયલ એવી અલગ અલગ પીડા અને સમસ્યા કે સિચ્યુએશન તમારી લાઇફમાં આવી રહી છે તેના મૂળ કારણો જાણવા મળે છે અને તેમાંથી બહાર નીકળવા માટેના રસ્તા અને માર્ગદર્શન આપણને મળે છે.

પાસ્ટ લાઈફ રિગ્રેશનના લાભ કયા?

૧)  આપણાથી થયેલી કોઈપણ ભૂલ જે જાણે-અજાણે થઈ હોય અને તેને લીધે વર્તમાન સમયમાં યાતનામય જીવન ગુજારી રહ્યા હો તો પાસ્ટ લાઈફ રિગ્રેશન સત્ર દરમિયાન એના કારણો સમજ્યા પછી એને થેરેપિસ્ટ રિલીઝ કરાવીને કાયમ માટે તેમાંથી બહાર નીકળવા તમને મદદ કરે છે.

૨) જન્મતા પહેલા માનાં ગર્ભમાં કોઈ આઘાતજનક ઘટના કે જન્મ વખતે કોઈ દુઃખદાયક પીડાનો સામનો બાળકે કરવો પડ્યો હોય અને તેને લીધે વર્તમાન સમયમાં આત્મવિશ્વાસની કમી કે રિજેક્શનના અહેસાસ એવી ઘણી આડઅસરનો સામનો બાળકો મોટા થયા પછી કરી રહ્યા હોય કે પછી કોઈ અકસ્માતને લીધે કોઈ પ્રકારનો ડર કે ફોબિયા જ હોય તો અવચેતન મનમાં તે યાદોને રિલીઝ કરીને સારા જીવન જીવવા માટેની નવી તક મળે છે.

૩) જીવનસાથી, બાળકો કે કુટુંબમાં કોઈપણ સભ્ય વચ્ચેના સંબંધોની ગુંચવણને ઉકેલવા માટે આ પદ્ધતિથી ઘણા ફાયદા જોવા મળ્યા છે. પાસ્ટ લાઈફ રિગ્રેશન સત્રમાં મૂળ સુધી જઈને આપણને બીજા પર પહેલાના જન્મમાં કરેલા અન્યાય, ઈર્ષ્યા અને અસલામતીની ભાવનાથી કરેલા ખરાબ કર્મો વિશે ખ્યાલ આવે છે અને વર્તમાન સમયમાં આપણે જે પણ ભોગવી રહ્યા છે એના શું કારણ છે એ જાણીને એમાંથી બહાર નીકળવાના રસ્તા મળે છે.

૪) શારીરિક અને માનસિક કે ન સમજાય એવી પીડા કયા જન્મોની કે કયા કર્મોથી કે કોઈ શપથ લેવાથી કે કોઈ શબ્દોથી આપણા અવચેતન મનમાં સંગ્રહ થઈ છે અને તેને લીધે વર્તમાન જીવનમાં અસલામતી, ચિંતા, ગુસ્સો, શરમ, હતાશા કે વિવિધ પ્રકારની અપરાધની ભાવના જે ઉત્પન્ન થઈ રહી છે એને સમજવાની કડી મળે છે અને એમાંથી મુક્તિ પામવાની શક્યતા છે.

૫) ઘણી બીમારીઓ પહેલાં મન ઉપર અસર કરે છે અને પછી શરીરમાં પ્રગટ થાય છે. શરીર અને મનનું જોડાણ સમજવામાં આ પદ્ધતિ ખૂબ જ મદદ કરે છે એટલે જોખમી રોગો સાજા થવાના ઉદાહરણ આ પદ્ધતિથી હીલ થતા જોવામાં આવ્યા છે.

૬) અનેક કુટુંબોમાં સતત ગરીબી, બીમારી, દુર્ઘટના, આત્મહત્યા, છુટાછેડાના કેસો એક જ પેઢીમાં રીપીટ થતા જોવા મળે છે. તેના મૂળ સુધી જઈને એમાંથી મુક્ત થવામાં આ પદ્ધતિથી ઘણી મદદ મળી છે.

૭) જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવે છે તે શું શીખવવા માટે આવી છે અને કયો રસ્તો અપનાવાથી મારા વર્તમાન જીવનમાં સુધારો આવશે એનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો આ પધ્ધતિ અવસર આપે છે.

(ધારા ગણાત્રા-દુતિયા અને મેહુલ દુતિયા)

(લેખકો ‘પાસ્ટ લાઈફ રિગ્રેશન’ના સર્ટિફાઈડ થેરેપિસ્ટ છે)

રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધથી કોંગ્રેસીઓ ખુશ

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાતની કોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પહેલાં આ કેસ અમદાવાદ હાઇકોર્ટમાં પણ પહોંચ્યો હતો, પરંતુ ત્યાંથી પણ તેમને રાહત નહોતી મળી. હવે જ્યારે રાહુલ ગાંધીની સજા પર પ્રતિબંધ લાગ્યો છે, ત્યારે સોશિયલ મિડિયા પર લોકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

કોંગ્રેસ તરફથી ટ્વીટ

કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીનો એક ફોટો શેર કરતાં લખવામાં આવ્યું હતું કે એ નફરતની વિરુદ્ધ મહોબ્બતની જીત છે. સત્યમેવ જયતે- જયહિંદ. પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે ત્રણ ચીજવસ્તુઓ વધુ છૂપી ના રહી શકે…સૂર્ય, ચંદ્રમા અને સત્ય. સુપ્રીમ કોર્ટને ન્યાયપૂર્ણ માટે આભાર. સત્યમેવ જયતે.

કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે….

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે હવે તમે સંસદમાં દરેક જગ્યાએ સત્યમેવ જયતે જોશો. રાહુલ ગાંધી વિરુદ્ધ જે ષડયંત્ર રચવામાં આવ્યું હતું, એ નિષ્ફળ રહ્યું છે. અમે સ્પીકરને પત્ર લખીશું અને ફોન પર તેમનાથી વાત કરીશું. આ રીતે કોંગ્રેસના અનેક નેતાઓએ ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.

 

 

 

ઝરૂખો: ‘અભિનયની ખાટીમીઠી’ કાર્યક્રમ માટે આમંત્રણ

મુંબઈઃ બોરીવલીની સાહિત્યિક સાંજ ‘ઝરુખો’માં ‘અભિનયની ખાટીમીઠી’ કાર્યક્રમ અંતર્ગત તખ્તા, ટીવી સિરિયલ અને ફિલ્મોના જાણીતા કલાકાર અને દિગ્દર્શક વિપુલ વિઠલાણી અભિનય અને દિગ્દર્શન સાથે જોડાયેલી કેટલીક ખાટી મીઠી વાતો શ્રોતાઓ સાથે શેર કરશે. આ ઉપરાંત યુવા કલાકારો – રાજન સોરઠિયા અને દેવ જોશી બે નાનાં નાટક રજૂ કરશે – ‘ લવ યુ જિંદગી’  અને ‘ ગુજરાતી મીડીયમ’, જેના લેખક અને દિગ્દર્શક હુસેની દવાવાલા છે.

(ડાબેથી જમણે) વિપુલ વિઠલાણી, દેવ જોશી અને રાજન સોરઠિયા

સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર ,બોરીવલી પશ્ચિમ શનિવાર તારીખ ૫ ઓગસ્ટ સાંજે ૭.૨૦ વાગે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યા કરશે. હંમેશની જેમ આ જાહેર કાર્યક્રમ રહેશે. સર્વ ભાવકોને એમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ છે.

મુંબઈ, થાણેમાં મુસળધાર વરસાદની આગાહી

મુંબઈઃ છેલ્લા અમુક દિવસોથી મુંબઈ તથા પડોશના વિસ્તારોમાં મેઘરાજાએ વિશ્રામ લીધો છે. એને કારણે નાગરિકોને ઘણી રાહત મળી છે. પરંતુ, હવે મુંબઈ સહિત કોકણ ક્ષેત્રમાં હવામાનમાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. એને કારણે આગામી 24 કલાકમાં મુંબઈ, થાણે જિલ્લાઓ તથા ઉપનગરોમાં મુસળધાર વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે.

મહારાષ્ટ્રમાં આગામી 24 કલાક માટે સાત જિલ્લાઓ માટે યેલો એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. આમાં મુંબઈ અને થાણે જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. અન્ય જિલ્લાઓ છે – રાયગડ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, સાંગલી.

દિલ્હી એક્સાઇઝ નીતિઃ મનીષ સિસોદિયાને SCમાંથી રાહત નહીં

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં મનીષ સિસોદિયાને SCથી મોટો આંચકો લાગ્યો છે. તેમને વચગાળાના જામીન નથી મળ્યા. કોર્ટે આ કેસ ચોથી સપ્ટેમ્બર સુધી ટાળી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એ અરજી કાઢી નથી મૂકતા. દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી મનીષ સિસોદિયાની ED અને CBI- બંને કેસમાં જામીન પર સુપ્રીમ કોર્ટે સુનાવણી થઈ હતી. જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે સુનાવણી કરી હતી.

જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભટ્ટીની ખંડપીઠે સિસોદિયાની પત્નીના મેડિકલ રેકોર્ડ્સનો અભ્યાસ કર્યો અને કહ્યું કે તે ‘સ્થિર’ છે. આવા કિસ્સાઓમાં નિયમિત જામીન અરજીઓ સાથે તે પૂર્વ ડેપ્યુટી સીએમની વચગાળાની જામીન અરજી પર પણ વિચાર કરશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે 14 જુલાઈએ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર CBI અને EDનો જવાબ માગ્યો હતો.આ પહેલા દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સિસોદિયાએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે 14 જુલાઈએ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર નોટિસ જારી કરી અને કહ્યું કે તે ચોથી ઓગસ્ટે તેની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ હવે મનીષ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર ચોથી સપ્ટેમ્બરે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત બે કેસમાં સુનાવણી કરશે. આ કેસોની તપાસ CBI અને ED દ્વારા કરવામાં આવી રહી છે.

દિલ્હીના ડેપ્યુટી CM રહી ચૂકેલા સિસોદિયા પાસે ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી હતી. જેમાં એક્સાઇઝ વિભાગ પણ હતો. કૌભાંડમાં તેમની કથિત ભૂમિકા બદલ CBI  દ્વારા 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે. આ બાદ EDએ તિહાર જેલમાં તેમની પૂછપરછ કર્યા પછી CBIની FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નવ માર્ચે તેમની ધરપકડ કરી હતી. તેમણે 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.

 

 

 

 

 

 

મોદી અટક કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી સામેની સજા પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે એક વચગાળાનો આદેશ આપીને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. મોદી અટક વિશે કરેલી ટિપ્પણી મામલે આ અટક ધરાવતા લોકોની બદનામી થયાના આરોપ સાથે રાહુલ સામે કરાયેલા ક્રિમિનલ માનહાનિના કેસમાં એમને ગુજરાત હાઈકોર્ટે ગુનેગાર ઠેરવતા આપેલા ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતે આજે સ્ટે ઓર્ડર આપ્યો છે.

ભાજપના સુરતમાંના વિધાનસભ્ય પૂર્ણેશ મોદીએ કરેલા માનહાનિના કેસમાં રાહુલને ગુનેગાર જાહેર કરતા નીચલી અદાલતના ચુકાદા સામે સ્ટે ઓર્ડર આપવાનો ગુજરાત હાઈકોર્ટે ઈનકાર કર્યા બાદ રાહુલે હાઈકોર્ટના ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે આપેલા ચુકાદાને પગલે લોકસભાનું સભ્યપદ પાછું મેળવવા માટેનો માર્ગ રાહુલ માટે મોકળો થયો છે. ગુજરાતની અદાલતના ચુકાદાને પગલે રાહુલનું સંસદસભ્ય પદ આપોઆપ સસ્પેન્ડ થયું હતું.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ – બી.આર. ગવઈ, પી.એસ. નરસિંહા અને સંજયકુમારની બનેલી બેન્ચે આજે તે અપીલ પર સુનાવણી શરૂ કરી હતી. રાહુલ ગાંધી વતી સિનિયર એડવોકેટ મનુ સિંઘવી ઉપસ્થિત થયા હતા. સિંઘવીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે ફરિયાદી પૂર્ણેશ મોદીની મૂળ અટક મોદી નથી. આ અટક તેમણે પાછળથી અપનાવી હતી. વળી, રાહુલ ગાંધીએ એમના ભાષણમાં એવા કોઈનું પણ વ્યક્તિગત નામ ઉચ્ચાર્યું નહોતું. મોદી અટકવાળા 13 કરોડ જેટલા લોકોનો એક સમાજ છે. જેમને રાહુલના ભાષણ સામે વાંધો પડ્યો છે તેઓ ભાજપના હોદ્દેદારો છે.