દિલ્હી એક્સાઇઝ નીતિઃ મનીષ સિસોદિયાને SCમાંથી રાહત નહીં

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં મનીષ સિસોદિયાને SCથી મોટો આંચકો લાગ્યો છે. તેમને વચગાળાના જામીન નથી મળ્યા. કોર્ટે આ કેસ ચોથી સપ્ટેમ્બર સુધી ટાળી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે એ અરજી કાઢી નથી મૂકતા. દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી મનીષ સિસોદિયાની ED અને CBI- બંને કેસમાં જામીન પર સુપ્રીમ કોર્ટે સુનાવણી થઈ હતી. જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે સુનાવણી કરી હતી.

જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભટ્ટીની ખંડપીઠે સિસોદિયાની પત્નીના મેડિકલ રેકોર્ડ્સનો અભ્યાસ કર્યો અને કહ્યું કે તે ‘સ્થિર’ છે. આવા કિસ્સાઓમાં નિયમિત જામીન અરજીઓ સાથે તે પૂર્વ ડેપ્યુટી સીએમની વચગાળાની જામીન અરજી પર પણ વિચાર કરશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે 14 જુલાઈએ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર CBI અને EDનો જવાબ માગ્યો હતો.આ પહેલા દિલ્હી હાઈકોર્ટે સિસોદિયાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સિસોદિયાએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે 14 જુલાઈએ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર નોટિસ જારી કરી અને કહ્યું કે તે ચોથી ઓગસ્ટે તેની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ હવે મનીષ સિસોદિયાની વચગાળાની જામીન અરજી પર ચોથી સપ્ટેમ્બરે દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત બે કેસમાં સુનાવણી કરશે. આ કેસોની તપાસ CBI અને ED દ્વારા કરવામાં આવી રહી છે.

દિલ્હીના ડેપ્યુટી CM રહી ચૂકેલા સિસોદિયા પાસે ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી હતી. જેમાં એક્સાઇઝ વિભાગ પણ હતો. કૌભાંડમાં તેમની કથિત ભૂમિકા બદલ CBI  દ્વારા 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે. આ બાદ EDએ તિહાર જેલમાં તેમની પૂછપરછ કર્યા પછી CBIની FIR સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં નવ માર્ચે તેમની ધરપકડ કરી હતી. તેમણે 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.