આપણા શરીરના સૌથી મહત્ત્વપૂર્ણ અંગમાંનું એક છે લીવર, તેમ છતાં દુર્ભાગ્યે લીવરની મોટા ભાગની બીમારીનાં લક્ષણો ત્યાં સુધી
દેખાતાં નથી જ્યાં સુધી એ ગંભીર તબક્કામાં ન પહોંચી જાય. આ કારણે આપણે એની સારવાર તરફ ધ્યાન આપીએ ત્યારે ઘણી વખત ઘણું મોડું થઈ ગયું હોય છે. લીવર એ એક સુપર ઑર્ગન છે અને આપણા શરીરમાં અનેક કામ કરે છે. જો કે આજની જીવનશૈલીના ભાગ સમાં પ્રોસેસ્ડ ફૂડ, જંક ફૂડ, કસરતનો અભાવ, તણાવ અને અનિયમિત જીવન લીવર પર ભારે બોજ મૂકે છે, જેથી એના કાર્યને સમજવું અને એની સંભાળ રાખવી અત્યંત જરૂરી છે.
લીવરનું કામ શરીરમાંથી ઝેરી તત્ત્વો (ટોક્સિન્સ), દવાના અવશેષો અને ચયાપચયની ક્રિયા દરમિયાન થયેલી અશુદ્ધિને બહાર કાઢવાનું છે. એ લોહીમાં રહેલા બૅક્ટેરિયાને દૂર કરવામાં પણ મદદ કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે. લીવર બાઈલ જ્યુસ એટલે કે પિત્તરસ પણ બનાવે છે. આ પ્રવાહી નાના આતરડામાં પહોંચીને ચરબી પચાવવામાં મદદ કરે છે અને વિટામિન-અ, ઉ, ઊ અને ઊં જેવાં ફૅટ-સોલ્યુબલ વિટામિન્સને શરીરમાં ભેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત, એનાં કામ છે: જરૂરી પ્રોટીનનો સંગ્રહ કરી સમય પડે ત્યારે એનો ઉપયોગ કરવો તેમ જ વિટામિન્સ અને ખનિજ તત્ત્વોનો સંગ્રહ કરવો.
આપણે જે દવા અથવા સપ્લિમેન્ટ્સ લઈએ છીએ એને શરીરમાં ઉપયોગી બનાવવાનું કાર્ય પણ લીવર કરે છે. જો લીવર નબળું પડે તો આ પ્રક્રિયા બરાબર થતી નથી. જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટયુક્ત ખોરાક, જેમ કે રોટલી, ભાત, દાળ અથવા ફ્રૂટ ખાઈએ છીએ ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. લીવર વધારાના ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવીને એનો સંગ્રહ કરે છે.જ્યારે શક્તિ અથવા કૅલરીની જરૂર પડે છે ત્યારે આ ગ્લાયકોજન ફરી ગ્લુકોઝમાં ફેરવાય છે અને ઊર્જા પૂરી પાડે છે. આથી જ લીવર યોગ્ય રીતે કામ ન કરે તો વ્યક્તિને સામાન્ય કામ કરતાં પણ ખૂબ થાક અનુભવાય છે.
લીવરને નુકસાન પહોંચાડતાં કારણો છે: વધુપડતું આલ્કોહોલનું સેવન, લાંબા સમય સુધી અમુક પ્રકારની દવાનો ઉપયોગ, જંતુનાશકો અને રાસાયણિક ખાતરનો વધુ સંપર્ક, પ્રોસેસ્ડ અને જંક ફૂડનું સેવન, વધારે ખાંડ અથવા મીઠાયુક્ત આહાર, મેદસ્વીતા, અનિયંત્રિત બ્લડ શુગર અને કૉલેસ્ટરોલ. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે દારૂની બહુ આદત હોય એમને જ ફૅટી લીવર ડિસીઝ થાય છે. જો કે જે લોકો દારૂ નથી પીતા એમને પણ આ બીમારી થઈ શકે, જે નૉન-આલ્કોહોલિક ફૅટી લીવર ડિસીઝ (ગઅઋકઉ) તરીકે ઓળખાય છે.
જો લીવર યોગ્ય રીતે કાર્ય ન કરે તો આ લક્ષણો દેખાઈ શકે છે: આંખ અને ચામડી પીળી પડવી. પગની ઘૂંટીમાં સોજો આવવો. સતત થાક લાગવો. ઘા પર રૂઝ આવવામાં વિલંબ. શરીર પર ખંજવાળ. ભૂખ ઓછી લાગવી અથવા ઊબકા આવવા. પાચનની સમસ્યા. અચાનક વજન ઘટવું… આ પ્રકારનાં લક્ષણો જણાય તો નિદાન કરાવી લેવું જરૂરી છે.
હવે લીવરને સ્વસ્થ રાખતા ખોરાક જોઈએ:
ડુંગળી (કાંદા) અને લસણમાં રહેલા સલ્ફરયુક્ત સંયોજનોમાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી અને ઍન્ટિ-માઈક્રોબિયલ ગુણ હોય છે, જે લીવરને સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે. કોબીજ, ફ્લાવર, બ્રોકોલી, મૂળા જેવાં શાકભાજી સલ્ફર અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરવામાં મદદ કરે છે. ફળો, લીલાં શાકભાજી, આખાં અનાજ, કઠોળ, નટ્સ અને બીજ પાચન સુધારે છે અને લીવર પરનો ભાર ઘટાડે છે. આંબળામાં વિટામિન-ઈ અને શક્તિશાળી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે, જે ફ્રી-રેડિકલ્સથી કોષોને સુરક્ષિત રાખે છે અને લીવરને સાજુંસારું રાખે છે. હળદરમાં રહેલું કયુરકુમીન લીવરનાં કાર્યમાં મદદ કરે છે અને સોજા ઘટાડે છે. કર્ક્યુમિનને શરીરમાં ભેળવવા માટે હળદર સાથે કાળાં મરીનું સેવન કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. બીટમાં વિટામિન-અ, ઈ, ઇ ગ્રુપ, આયર્ન અને ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે, જે લીવરની કામગીરીમાં મદદ કરે છે. ધાણા, નટ્સ અને બીજ એમાં રહેલા ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ અને હેલ્ધી ફૅટ્સ પણ લીવરના સ્વાસ્થ્યને જાળવવામાં મદદરૂપ બને છે.

લીવરને સ્વસ્થ રાખવા માટે ફક્ત સારો ખોરાક લેવો જ જરૂરી નથી એની સાથે સાથે સ્વસ્થ જીવનશૈલી જરૂરી છે, જેમ કે દરરોજ ઓછામાં ઓછા 30 થી 45 મિનિટ વ્યાયામ કરો, પૂરતું પાણી પીવો, તણાવ ઓછો રાખો, પૂરતી ઊંઘ લો, પ્રોસેસ્ડ ફૂડ, ઠંડા પીણાં, ચિપ્સ, બિસ્કિટ અને વધુ મીઠાવાળા ખોરાકથી દૂર રહો, આલ્કોહોલનું સેવન ટાળો અને લાંબા સમય સુધી કોઈ દવા લેવી પડે એમ હોય તો ડૉક્ટરની સલાહ લો.
કેટલાક લોકો ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અથવા જ્યુસ ફાસ્ટિંગ કરે છે, પણ એ દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી એટલે ડાયેટિશિયન કે નિષ્ણાંતની સલાહ વગર કોઈ પ્રકારનું ડાયેટિંગ કરવું હિતાવહ નથી.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)




