Home Blog Page 260

દેશભરમાં ઓલા, ઉબેર, રેપિડો બંધ રહેશે, ડ્રાઈવરોએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું

ઓલા, ઉબેર અને રેપિડો સાથે સંકળાયેલા ડ્રાઇવરોએ 7 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે.’ઓલ ઇન્ડિયા બ્રેકડાઉન’ તરીકે ઓળખાતી આ હડતાળમાં ડ્રાઇવરોએ તેમની મોબાઇલ એપ્લિકેશનો બંધ કરવી પડશે. આનાથી કેબ, ઓટો અને બાઇક ટેક્સી સેવાઓ પર ગંભીર અસર થવાની ધારણા છે.

જો તમે કાલે ઓલા, ઉબેર અથવા રેપિડો રાઈડ બુક કરાવવાનું વિચારી રહ્યા છો, તો સાવધાન રહેજો. આ કંપનીઓના ડ્રાઈવરોએ કાલે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. તેમણે તેને “ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન” ગણાવ્યું છે અને તેમની મોબાઈલ એપ્સ બંધ રાખશે. આનાથી કેબ, ઓટો અથવા બાઇક ટેક્સી શોધવામાં મુશ્કેલી પડી શકે છે.

હડતાળનું મુખ્ય કારણ

આ હડતાળ TGPWU (તેલંગાણા ગિગ વર્કર્સ યુનિયન) અને અન્ય સંગઠનો દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટપણે જણાવ્યું છે કે 7 ફેબ્રુઆરીએ સમગ્ર ભારતમાં ડ્રાઇવરો કામ બંધ કરશે. તેમનું કહેવું છે કે કોઈ નિશ્ચિત ભાડા કે નિયમો નથી; તેમનું ફક્ત શોષણ થઈ રહ્યું છે. યુનિયને નીતિન ગડકરી (માર્ગ પરિવહન મંત્રી) ને પત્ર લખીને તેમની ફરિયાદો રજૂ કરી છે. ડ્રાઇવરો કહે છે કે સરકારે કોઈ દર નક્કી કર્યા ન હોવાથી, કંપનીઓ પોતાની વિવેકબુદ્ધિથી વેતન કાપે છે. આનાથી ડ્રાઇવરો માટે ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બન્યું છે અને તેમની કમાણીની કોઈ ખાતરી નથી.

ડ્રાઇવરોની મુખ્ય માંગણીઓ

યુનિયન દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર તાત્કાલિક ઓટો, ટેક્સી અને બાઇક ટેક્સી માટે લઘુત્તમ ભાડું નક્કી કરે, અને આ નિર્ણય ડ્રાઇવરો સાથે પરામર્શ કર્યા પછી જ લેવો જોઈએ. તેમણે ખાનગી વાહનો (સફેદ નંબર પ્લેટવાળા) ના વાણિજ્યિક ઉપયોગ પર અથવા તેમને વાણિજ્યિક શ્રેણીમાં રૂપાંતરિત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે. વધુમાં, યુનિયન ઇચ્છે છે કે સરકાર આ કંપનીઓ પર નજીકથી નજર રાખે જેથી તેમની મનમાની રોકી શકાય અને ડ્રાઇવરોના શોષણને અટકાવી શકાય.

મુસાફરો પર શું અસર થશે?

શનિવારની હડતાળથી મુસાફરીમાં નોંધપાત્ર વિક્ષેપ પડી શકે છે. કેટલાક શહેરોમાં તેની અસર હળવી અને અન્યમાં ગંભીર હોઈ શકે છે, તેથી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ છે. પ્રથમ, ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ્લિકેશનો પર વાહન શોધવાનું ખૂબ મુશ્કેલ બનશે.

હડતાળ પહેલા પણ થઈ હતી

7 ફેબ્રુઆરીના રોજ થયેલી આ મોટી હડતાળ પહેલા પણ ડ્રાઇવરો અને ડિલિવરી પાર્ટનર્સે તેમની માંગણીઓ માટે ઘણી વખત કામ બંધ કરી દીધું છે. તાજેતરમાં 3 ફેબ્રુઆરી, 2026ના રોજ ગિગ કામદારોએ સલામતી, સારા વેતન અને ’10 -મિનિટ ડિલિવરી’સિસ્ટમ બંધ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

હડતાળના મુખ્ય કારણો

ડ્રાઇવરોના અસંતોષનું મુખ્ય કારણ ઓછી કમાણી છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, જ્યારે કંપનીઓ ડ્રાઇવરોના કમિશન ઘટાડી રહી છે. વધુમાં, તેઓ તેમની સલામતી અને નિયમો વિશે ચિંતિત છે. તેઓ “૧૦ મિનિટની ડિલિવરી” જેવા દબાણયુક્ત કામનો વિરોધ કરી રહ્યા છે અને ઇચ્છે છે કે સરકાર તેમના માટે લઘુત્તમ ભાડું નક્કી કરે.

આ મહિલા એસ્ટ્રો-આર્કિટેક્ટ બનાવે છે ઘરની કુંડળી…

જેમ દરેક વ્યક્તિની કુંડળી હોય છે તેમ દરેક ઘરની પણ કુંડળી હોય છે. તમે બરાબર વાંચ્યું છે! દરેક ઘરનું પોતાનું ગણિત, વિજ્ઞાન હોય છે. જે તેમાં રહેતી વ્યક્તિઓથી બને છે. દરેક ઘરની એનર્જી પણ અલગ-અલગ હોય છે. જ્યારે નકારાત્મક ઊર્જા ઘરમાં વધી જાય છે ત્યારે તેનાં ખરાબ પરિણામો ઘરમાં રહેતી વ્યક્તિઓના જીવનમાં જોવા મળે છે. આથી આ એનર્જીને બેલેન્સ કરવાનું કામ એટલે એસ્ટ્રો આર્કિટેક.

નીતા સિંહા, જેને લોકો પ્રેમથી નીતાજી કહે છે, તેઓ એસ્ટ્રો-આર્કિટેક્ચરના ક્ષેત્રમાં એક અગ્રણી નિષ્ણાત છે. નીતાજી વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈથી અલગ, તોડફોડ વગર ઘર કે ઓફિસની ઊર્જા બેલેન્સ કરીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું વિજ્ઞાન જાણે છે. તેમના અનુભવમાં, ઘરનું હોરોસ્કોપ બનાવવા માટે માલિકનું નામ, જન્મ તારીખ, ઘરમાં રહેતા લોકોની વિગતો અને ઘરની વિગતોનો ઉપયોગ કરીને નકારાત્મક ઊર્જાને દૂર કરવામાં આવે છે, જેનાથી વ્યક્તિના નિર્ણયો, સ્વાસ્થ્ય, સંબંધો અને કારકિર્દીમાં અદ્ભુત સુધારા જોવા મળે છે. નીતાજીએ બોલિવૂડ સ્ટાર્સના ઘર, બોલિવુડ સેટ્સ, મોટાં-મોટાં શોરૂમ, ઓફિસીસ, મોલ, ફેકટરી, હોસ્પિટલ તેમજ મોટી-મોટી શાળાઓ માટે એસ્ટ્રો-આર્કિટેક્ટનું કામ કરીને દરેક જગ્યા પર એનર્જી બેલેન્સ કરવાનું કામ કર્યું છે. દરેક વખતે તેમણે સરળ ઉપાયોથી મોટા પડકારોને પાર પાડ્યા છે.

નીતાજીના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેઓ બિહારના ધનબાદમાં જન્મેલાં-ઊછરેલાં છે. પરિવારમાં એમને મણીને દસ ભાઈ-બહેન. પિતાજી રેલવેમાં નોકરી કરે અને માતાજી ઘર તેમજ બાળકોને સાચવે. ‘પિતાજી શિસ્તપ્રિય એટલે શિસ્તતાના પાઠ નાનપણથી મળ્યા, જેનો ફાયદો મને અત્યાર સુધી મળી રહ્યો છે.’ તેમ નીતાજીનું કહેવું છે. સ્કૂલિંગ બાદ આર્ટ કૉલેજમાં ભણતાં-ભણતાં જ નીતાજીનાં અઢાર વર્ષે લગ્ન થયાં. છેલ્લાં વર્ષની પરીક્ષા વખતે એમની પહેલી દીકરીને જન્મ્યાને માંડ દસ દિવસ થયા હતા. આમ છતાં એમણે ગ્રૅજ્યુએશન પૂરું કર્યું. ત્યારે એ સિમલા રહેતાં હતાં. ત્રણેક વર્ષના અંતર બાદ દીકરો જન્મ્યો. એ બાદ મુંબઈ આવ્યાં.

નીતાજી કહે છે, ‘મારો દીકરો ત્રણ મહિનાનો હતો ત્યારે હજીય સિમલાના ઘરનો પૂરો સામાન પણ ખોલ્યો નહોતો અને ખબર પડી કે પતિની નોકરી ગઈ, કંપની બંધ થઈ ગઈ. હું તદ્દન તૂટી ગઈ હતી. એવી જ પરિસ્થિતિમાં મારા દીકરાની તબિયત લથડી. કોઈના કહેવાથી હું હોમિયોપેથિક ડૉક્ટર કુસુમા પાસે ગઈ. એમણે મારી મનઃસ્થિતિ જાણીને મારું ભવિષ્ય ભાખ્યું. તારું ઘર પણ સલામત રહેશે અને દીકરાને કંઈ નહીં થાય.’ ખરેખર એવું જ થયું. એમના પતિને બીજી નોકરી મળી ગઈ. નીતાજીનો વિશ્વાસ વધ્યો. ધીરે ધીરે ડૉક્ટર કુસુમા સાથે ઘરોબો કેળવાતાં નીતાજીને તેમની વિદ્યા વિશે જાણ થઈ અને તેમણે નક્કી કર્યુ કે તેઓ પણ આ વિદ્યા શીખશે.

નીતાજી કહે છે, ‘તે વખતે ડૉક્ટર કુસુમા ઘરની ઍસ્ટ્રોલૉજી વિશે અભ્યાસ કરી રહ્યાં હતાં. લગભગ ૩૦,૦૦૦ જેટલાં ઘરનો અભ્યાસ કરવામાં હું એમની સહાયક બની. ખૂબ શીખવા મળ્યું. ડૉ. કુસુમાના આકસ્મિક મૃત્યુ પછી મેં આ સાયન્સ વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ માટે પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.’ એ ઘડી અને આજનો દિવસ… નીતાજીએ પાછું વળીને જોવું નથી પડ્યું.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સાથે કેવી રીતે સંકળાયાં? નીતાજી એ વિશે કહે છે, ‘એ વખતે જાગતે રહો નામક ટીવી શો આવતો હતો. મેં કિરણ ખેરનો સંપર્ક કર્યો અને અમારો એક કાર્યક્રમ થાય એ વિશેનું સૂચન કર્યું. એમણે પહેલી શરત મૂકી: પહેલાં મારું ઘર કરો… ઘર તો કર્યું મેં, પણ એ ટીવી શો જ બંધ થઈ ગયો. પરંતુ કિરણજીને મારું કામ એટલું બધું ગમ્યું કે મારા એ કામને કારણે જ મને એક પછી એક ક્લાયન્ટ મળતા ગયા.’

ચાલીસ કરતાં વધુ વર્ષોથી સફળતા પ્રાપ્ત કરનારાં નીતાજીના કલાયન્ટ લિસ્ટમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, કરણ જોહર, હૃતિક રોશન, ફરહાન અખ્તર, જોન અબ્રાહમ, પ્રીતિ ઝિટા. સુનીલ શેટ્ટી, શામક દાવર, પરમેશ્વર ગોદરેજ, સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરે, કલ્યાણી ચાવલા, ફિરોઝ ગુજરાલ, નમિતા શરાફ, વગેરે જેવી અનેક હસ્તી છે. આ ઉપરાંત, ગ્રાન્ડ હયાત, જે. ડબ્લ્યુ. મેરિયેટ, ફોર સીઝન્સ જેવી ફાઈવ સ્ટાર હોટેલ્સ તથા ઑબેરોય ઈન્ટરનૅશનલ સ્કૂલ અનેપ્રેસિડન્સી સ્કૂલ જેવી શૈક્ષણિક સંસ્થા પણ એમના ક્લાયન્ટ લિસ્ટમાં છે. ઑબેરોય મૉલ, ક્રિમાયા સ્ટોર, તાઓ આર્ટ ગૅલરી, લૉજિટેક પાર્ક, નોલેજ સેન્ટર, ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી સ્ટોર, ઓરસ રેસ્ટોરાં, દિલ્હીની અશોક હૉસ્પિટલ અને મુંબઈની ક્રિટિકેર હૉસ્પિટલ, વગેરે જેવી સંસ્થા પણ નીતાજીની સેવા લે છે.

બીજી ખાસ વાત એ છે કે નીતાજી ઘરને નામ આપવામાં પણ નિષ્ણાત છે. અમિતાભ બચ્ચનના બીજા બંગલાનું નામ જલસા કે પછી શાહરુખ ખાનના બંગલાનું નામ મન્નત પણ નીતાજીએ જ આપ્યું છે. નીતાજી ઘરમાં જે ફેરફાર કરે એમાં અહીં દીવાલ તોડો કે તહીં કિચન બનાવો એવાં સૂચન નથી કરતાં. મતલબ કે સ્ટ્રક્ચરલ ચેન્જિસ-ફેરફાર નથી હોતા. આ ઉપરાંત. એ વાસ્તુશાસ્ત્ર કે ફેંગશૂઈ વિજ્ઞાનની જેમ પોઝિટિવ ચક્ર અથવા તો પિરામિડ જેવી કોઈ પ્રોડક્ટ્સ પણ ક્લાયન્ટને નથી સૂચવતાં. એમની ફિલસૂફી અલગ છે-નવીનતમ છે.

 

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)

એ વિશે એ કહે છેઃ’ લાલ, પીળો અને કેસરી રંગ ઘરના ખૂણે હોવા જોઈએ એટલે આ ત્રણેય રંગોનું આગવું મહત્ત્વ છે. અમુક બૅલેન્સમાં જો આ ત્રણેય રંગની ચીજો આપણે ઘરમાં ગોઠવીએ તો ઘણો ફેર પડે છે. જેમ કે લાલ રંગ ખૂબ ભડકીલો છે. નેગેટિવ ખૂણામાં-દિશામાં હોય તો એ નેગેટિવ એનર્જી જ આપશે અને જો પોઝિટિવ દિશામાં હશે તો ઘરમાં ખૂબ સારું થશે. એવી જ રીતે પીળો અને કેસરી સ્થિરતાના રંગ છે. ઘરમાં અરીસો, વૉટર બૉડી-ફાઉન્ટન, વિન્ડચાઈમ, વગેરે રાખવાં જોઈએ, પણ ક્યાં રાખવાં એની ચોક્કસ જગ્યા હોવી જરૂરી છે.

એસ્ટ્રો આર્કિટેક્ટ વિશે વધુ જાણવા માટે જ અમે નીતાજીને કેટલાંક પ્રશ્નો પૂછ્યા, જેનાં જવાબ નીચે મુજબ છે.

આસ્ટ્રો-આર્કિટેક્ચર શું છે? તે વાસ્તુ શાસ્ત્ર અને ફેંગ શુઈથી કેવી રીતે અલગ છે?
એસ્ટ્રો આર્કિટેક્ચર એટલે વાસ્તુમાં જે દોષો રહી ગયા હોય તેને પૂરા કરવાનું વિજ્ઞાન. વાસ્તુશાસ્ત્ર જ્યારે લખવામાં આવ્યું ત્યારે ઈલેક્ટ્રિસિટી ન હતી. પ્રાચીન સમયમાં સૂર્યપ્રકાશ અને હવાની દિશા પ્રમાણેઘરનું નિર્માણ કરવાની વાત હતી. તેના આધારે વાસ્તુશાસ્ત્ર લખાયું હતું. જો કે હવે ઈલેક્ટ્રિસિટીનો જમાનો આવી ગયો છે અને ઊંચી-ઊંચી ઈમારતો બની રહી છે. ત્યારે નેચરલ હવાનો ફ્લો અને લાઈટ પહેલાં જેટલી જરૂરિયાત રહી નથી. એક મોટી ઈમારતમાં 100 લોકો એક જ જેવાં વાસ્તુવાળા મકાનમાં રહેતા હોય છે. તેમ છતાં દરેકની સ્ટોરી અલગ હોય છે. આથી એસ્ટ્રોઆર્કિટેક એટલે કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વગર એનર્જી બેલેન્સ કરવાનું વિજ્ઞાન છે.

તમે કેવી રીતે ઘર કે ઓફિસનું હોરોસ્કોપ બનાવો છો? તેમાં જન્મ તારીખ કે મકાનની તારીખ કેવી રીતે વપરાય છે?

હું સૌથી પહેલાં જ્યાં જાઉં છું, ત્યાં ચેક કરું છું કે તે ઘરમાં કોણ રહે છે? કોના નામે ઘર છે? ઘરમાં કોણ કમાવવાવાળું છે? વ્યાપાર કરે છે કે નોકરી કરે છે? ઘર કંપનીના નામ પર છે કે ભાડાનું છે? જો મકાનમાં ત્રણ-ચાર નામ છે તો ક્યા ક્રમમાં નામ છે? આ બધી માહિતી જાણવી અમારા વિજ્ઞાનમાં બહુ જરૂરી છે. તેના આધારે ઘરનું હોરોસ્કોપ બનાવવામાં આવે છે.

તમારા અનુભવમાં ઘરની એનર્જી બેલેન્સથવાથી લોકોના જીવનમાં કયા પ્રકારના સૌથી મોટા ફેરફારો જોવા મળ્યા છે?

અમે સૌથી વધારે જોયું છે કે ઘરના વાઈબ્રેશન બેલેન્સ હોય છે તો વ્યક્તિ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લે છે. પોઝિટિવ રહેવાથી મગજ સંતુલિત રાખીને વ્યક્તિ કામ કરે છે. ઘરના બાળકોની તબિયત, બાળકોના લગ્ન, ખુશ રહેવાની વૃત્તિ… દરેક વસ્તુ ઘરની એનર્જી બેલેન્સ થવાથી યોગ્ય રીતે થાય છે. પ્રથમ દિવસથી ઘરમાં રહેતી દરેક વ્યક્તિની ઉદાસિનતા અને જીવનની મૂંઝવણો દૂર થઈ જાય છે. વ્યક્તિના અંદર અલગ જ પ્રકારની હિંમત આવી જાય છે. કારણ વગરના ખર્ચા થતા નથી. વ્યક્તિના દરેકની સાથેના સંબંધો વ્યવસ્થિત થઈ જાય છે. નાની-નાની વાતમાં ઝઘડા થતા નથી. કોઈ પણ વ્યક્તિમાં આટલી બધી વસ્તુઓ યોગ્ય થઈ જાય તો તે પોતે જ પોતાની જાતે જીવનમાં આગળ વધવાની ક્ષમતા બહાર આવે છે.

તમે બોલિવુડ સેટ્સ (જેમ કે ગંગુબાઈકઠિયાવાડી) પર પણ એનર્જી બેલેન્સિંગ કરી છે. તે અનુભવ કેવો હતો?

મોટાં ભાગે સેટ્સ પરની એનર્જી હાઈ ફ્રિકવન્સીની હોય છે. જો તમે પોતે પણ એકવાર સેટ પર પહોંચી જાવ તો એલિવેટેડ અનુભવ કરો છો. નાની-નાની વાતોને ધ્યાનમાં રાખવાથી સુચારૂં રૂપથી તેમજ સમયથી કામ સંપન્ન થાય છે. અમે સેટની એનર્જીને એ રીતે બેલેન્સ કરીએ છીએ કે ત્યાં કોઈ પણ પ્રકારની બાધા આવે નહીં. ખૂબ જ જવાબદારીનું કામ હોય છે આ, જેનું બેલેન્સિંગ અલગ પ્રકારે થાય છે. પરિણામે સેટ પર દરકે વ્યક્તિ ચાર્જ રહે છે અને દોડતો રહે છે. સેટ પર ક્યાંક મિરર લગાવી દઈએ, ક્યાંક રેડ કલર કરી દઈએ, ક્યાંક પીળો કલર કરી દેવાથી સેટની એનર્જી બેલેન્સ થઈ જાયછે. આ કામ કરવા માટે અમને અનેક-અનેક ધન્યવાદ મળે છે. તેનાથી વધારે શું જોઈએ?

 

હાઈ-પ્રોફાઇલ ક્લાયન્ટ્સ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
આ બાબતમાં હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનુ છું. હું જ્યાં પણ કામ માટે જાવ છું ત્યાં મારી અને મારા ક્લાયન્ટની વચ્ચે કોઈ પણ મિડિએટર રહેતા નથી. જેથી કામ સારી રીતે થાય. હું સામાન્ય લોકો અને સિલિબ્રીટમાં એક અંતર ખાસ જોઈ શકું છું કે તેઓ જે ડેડિકેશન અને ડિસ્પિલનથી દરેક વાતને સાંભળે-સમજે છે તે અવર્ણનીય છે. દરેક નાની વાતને ખૂબ જ સારી રીતે સમજે છે. બે વર્ષ પછી પણ તમે એ સેલિબ્રિટીના ઘરે જાવ તો જોઈ શકાય કે મેં બતાવેલી દરેક વાતનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું છે. કોઈ પણ મોટામાં મોટો સેલિબ્રિટી ઘરમાં તો એક સામાન્ય માણસ જેવો જ હોય છે. તે ખૂબ જ સેલ્ફ ડિસ્પિલન જીવન જીવે છે. તેમની પાસેથી ઘણું શીખવા મળે છે. તેઓ નાનામાં નાની વાતને પણ ઈગ્નોર કરતા નથી.

 

ઘર ખરીદતી વખતે કયા મુખ્ય આસ્ટ્રો-આર્કિટેક્ચર પોઈન્ટ્સનું ધ્યાન રાખવું જોઈએ?

એસ્ટ્રો-આર્કિટેક્ચર કોઈ જનરલ નિયમો પર આધારિત નથી. દરેક વ્યક્તિના પોતાના પ્લસ-માઈન્સ પોઈન્ટ હોય છે. કોઈ વ્યક્તિને નોર્થ-ઈસ્ટની એન્ટ્રી સૂટ કરે છે, બીજા કોઈને સૂટ ન પણ થાય. કોઈને દક્ષિણ દિશાની ઘરમાં એન્ટ્રી સૂટ થતી હોય છે. આથી સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે એ ઘર કોના નામથી છે, એ વ્યક્તિ શું કામ કરે છે. તેના આધારે અમે આપને બતાવી શકીએ કે તમે જે ઘરમાં રહો છો એ તમારા માટે યોગ્ય છે કે નહીં. જો તમે ઘરની જગ્યા બતાવી શક્તા નથી તો ઘરનો નક્શો હોય એ વાત ઉત્તમ છે. કોઈ પણ સાઈઝ કે આકારનું ઘર હોય, ટ્રેડિશનલ વાસ્તુ સાથે મેચ ન થતું હોય તો ડરવાની જરૂરિયાત નથી. ઘરમાં તોડફોડ કર્યા વગર ઘરની એનર્જીને બેલેન્સ કરી શકાય છે.

 

આજના આધુનિક હાઈ-રાઈઝ બિલ્ડિંગ્સમાં વાસ્તુના નિયમો સમાન હોવા છતાં લોકોને અલગ અલગ પરિણામ કેમ મળે છે?
મારી રિસર્ચ આ જ વાતથી શરૂ થઈ હતી. એક મોટી બિલ્ડિંગમાં બધાં જ ઘરના વસ્તુ એક જેવાં હોય છે તેમ છતાં દરેક વ્યક્તિની સ્ટોરી અલગ-અલગ હોય છે. આજની આધુનિક બિલ્ડિંગમાં તમે કોઈ પણ પ્રકારના બદલાવ કરી શકતા નથી. જ્યાંથી ઘરની એન્ટ્રી હોય છે ત્યાં જ રાખવી પડે છે, ટોયલેટ જ્યાં હોય છે, ત્યાં જ રાખવું પડે છે. તેમ છતાં દરેક વ્યક્તિને અલગ-અલગ પ્રકારનું પરિણામ એટલાં માટે મળે છે, તેનું એકમાત્ર કારણ નામ-રાશિ છે. જ્યારે હું ઘરની કુંડળી બનાવું છું ત્યારે ઘરમાં રહેતા દરેક વ્યક્તિની જાણકારી મેળવીને, ઘર કોના નામે છે તે દરેક વસ્તુનું ધ્યાન રાખીને પછી ઘરની કુંડળી બનાવું છું. ઘરની કુંડળીનો અભ્યાસ કર્યા પછી અમને ખબર પડે છે કે કેમ દરેક ઘરની સ્ટોરી અલગ હોય છે.

 

તમારી આસ્ટ્રો-આર્કિટેક્ચર પ્રેક્ટિસમાં તમને સૌથી મોટો ચેલેન્જ કયો આવ્યો છે અને તમે તેને કેવી રીતે હેન્ડલકર્યો?

દરેક સાઈટ અમારી માટે એક ચેલેન્જ હોય છે. દરેકની એનર્જી અલગ હોય છે, દરેકના પ્રોબ્લમ અલગ હોય છે. દરેકનું પ્લેસમેન્ટ અલગ હોય છે, બેલેન્સિંગ અલગ હોય છે, ડાયરેક્શન અલગ હોય છે. દરેક વસ્તુને બેલેન્સ કરવું એક આર્ટ હોય છે. ચેલેન્જ કરવાની અલગ મજા હોય છે. એક જાણીતી પર્સનાલિટીના ઘરનું બેલેન્સિંગ અમે કર્યુ હતું, જે ખરેખર ચેલેન્જિંગ હતું. બે દિવસમાં જે ઘર જપ્ત થવાનું હતું તેને અમે માત્ર નામ ચેન્જ કરીને બચાવ્યું હતું. એક ક્રિકેટરે ઘર ચેન્જ કર્યું તો એનું પર્ફોમન્સ બગાડવા લાગ્યું હતું. પછી અમે તેમના ઘરે જઈને એનર્જી બેલેન્સિંગ કર્યું તો તેઓ ફરી ટોપના પર્ફોમર બની ગયા. અમારા કામની ખાસિયત એ છે કે તેનું પરિણામ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે. એક અઠવાડિયામાં કે 10 દિવસમાં તેમાં પરિણામ પ્રાપ્ત થાય છે.

ભવિષ્યમાં આસ્ટ્રો-આર્કિટેક્ચરને વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડવાની તમારી યોજના છે? 

અમારો પ્રયત્ન તો એવો જ હોય છે કે આ વિદ્યા વધારે લોકો સુધી પહોંચે છે. મારા બાળકોને મેં આ વિદ્યા આપી છે. વધુમાં વધુ લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે અમારી સેવા કાર્યરત છે. દરેક પ્રોબ્લમનું સોલ્યુશન હોય જ છે. આથી ડરવાની જરૂર નથી. દરેક સમસ્યાને દૂર કરવાનો અમે પ્રયત્ન કરીશું.

લોકોને ઘરમાં સારી વાઈબ્સ બનાવવા માટે તમારી ટોપ 3-4 સરળ ટિપ્સ આપો.

ઘરનું જે મુખ્ય દ્વાર છે તે સોર્સ ઓફ એનર્જી છે. આથી સૌથી પહેલાં તો ત્યાં જૂતાં-ચપ્પલનો ઢગલો ન હોવો જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પાસે સુગંધી હોવી જોઈએ. કારણ કે મુખ્ય દ્વારથી જ લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે. તેને સાફ રાખવું જોઈએ. બીજું કે ઘરમાં સાંજના સમયે અંધારું ન હોવું જોઈએ. સૂર્ય આથમે ત્યારે ઓછામાં ઓછાં બે-ત્રણ કલાક માટે લાઈટ્સ ચાલુ હોવી જોઈએ. જો ઘરમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તેને રૂમ બદલવા માટે કહેવું જોઈએ અને એ વ્યક્તિ જે રૂમમાં હોય છે એ રૂમમાં પીળો કે નારંગી રંગ વધુમાં વધુ મૂકવો જોઈએ. એ રૂમમાં કોઈ અરિસો હોય તો તેને કવર કરી શકાય. ઘરમાં જેટલો સામાન ઓછો હોય એટલું ઘર વધારે સાફ રહેશે. ઘરના બધાં બારી-બારણાં દિવસમાં એકવાર ખુલ્લા કરી દેવાં જોઈએ. જેથી હવાનું આવન-જાવન થાય. સાથે જ ઘરમાં જે આખી રાતના વાઈબ્રેશન ભેગાં થયા હોય તે પણ નીકળી જાય. બાથરૂમ સાફ રાખો અને તેમાં ખરાબ દુર્ગંધ ન આવવી જોઈએ.

આ બધી જ વાતો આપણા કલ્ચરમાં પહેલાંથી જ હતી જેને આપણે ભૂલી ગયા છે. આથી તેને ફરી યાદ કરીને જીવીત કરીશું તો ચોક્કસથી બધી જ તકલીફોનો અંત આવશે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)

વાસ્તુ: મુક્તતા, બંધનો અને સમાજની બેવડી નૈતિકતા

દસ વરસ, વીસ વરસ કે પચાસ વરસનું પ્લાનિંગ કરનારને એ વિશ્વાસ હોય છે ખરું કે હવે પછીની ક્ષણે એ પોતે જીવિત રહેશે? તો પછી ઉજ્જવળ ભવિષ્ય માટે જે ક્ષણ પોતાની છે એને ખોઈને શા માટે જીવવું? પક્ષી બાળકોને જન્મ આપ્યા બાદ એ જ માળામાં આજીવન નથી રહેતા. જગત આખું પરિવર્તન સ્વીકારે છે, તો પછી માણસને શા માટે બંધનો જોઈએ છે?

એક તરફ મુક્ત વિચારોના નામે કશુંક ખોટું કરવાની મહેચ્છા દેખાય છે, તો બીજી તરફ રૂઢિ અને રિવાજોના નામે સમાજને બાંધવાનો પ્રયાસ થાય છે. જે જેવા છે, એવા જ દેખાવું જરૂરી છે. માત્ર જાહેરમાં સારા દેખાતા માણસો સમાજ માટે ઉધઈ સમાન છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય, તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સ:
હું જે જગ્યાએ રહું છું, એ જગ્યાએ મુક્ત માહોલ છે. સ્ત્રીઓ પણ ગમતા પુરુષની છેડતી કરતી મેં જોઈ છે. પુરુષોને તો કશું પણ કરવાની સત્તા હોય એવું મોટા ભાગની સ્ત્રીઓએ સ્વીકારી લીધું છે. એનું કારણ એ છે કે મોટા ભાગના લોકો ધંધાકીય માનસ ધરાવે છે, અથવા તો ભાડુઆત છે, જેમને આ લોકોની પડી નથી.

મારી ઉમર ચૌદ વર્ષની છે. અમારી સોસાયટીની કમિટીના એક ભાઈ મને જોઈને સીટી મારતા. શરૂઆતમાં મેં સહન કરી લીધું. એક દિવસ એમની પોતાની જ દીકરીએ આ જોઈ લીધું. એણે ટોળું ભેગું કર્યું અને રજૂઆત કરી કે આ યોગ્ય નથી. એક વડીલે કહ્યું કે પુરુષો એવા જ હોય. બીજાએ કહ્યું કે છોકરીમાં જ ખોટ હશે—અમને તો કોઈ સીટી નથી મારતું. હવે એ ખરાબ દેખાતા હોય એમાં મારો શું વાંક?

પણ સ્ત્રીઓ પણ સ્ત્રીઓનો સાથ ન આપે, એ વાતાવરણમાં પણ મારી મિત્રએ આગ્રહ રાખ્યો કે એના પપ્પા મારી માફી માંગે. એની જગ્યાએ અન્ય કમિટી મેમ્બરે બે હજાર રૂપિયાનો દંડ લઈને કહ્યું કે જો હવે સીટી મારશે તો પાંચસો રૂપિયાનો દંડ થશે.

મને ન્યાય આપવાના બદલે એમણે ધંધો કરી લીધો. મેં અને મારી મિત્રે વિરોધ કર્યો, પણ અમને બંનેને ધમકાવવામાં આવ્યા. મારી મિત્રએ ઘરે વાત કરી અને અંતે એ લોકો સોસાયટી છોડીને ગયા.

બે દિવસ પહેલાં અમારા ઘરઘાટીની પેન્ટમાં કોઈએ હાથ નાખી દીધો. જે બહેને આવું કર્યું, એના પતિ બાજુમાં જ ઊભા હતા. એ માત્ર એટલું જ બોલ્યા કે “આને તો છોડ.” મને મારી ચિંતા નથી, પણ મારા મમ્મી-પપ્પા અત્યંત ભોળા છે. એમની સાથે કોઈ આવું કરશે તો શું થશે? મારાથી નાનો એક ભાઈ પણ છે; એને તો દુનિયાની કોઈ સમજણ જ નથી.

ગયા વર્ષે કોઈ છોકરાને એક અંકલ અગાસી પર લઈ ગયા હતા. પછી અમારી અગાસીને ઝાળી નાખીને બંધ કરી દીધી છે. પણ એ અંકલ હવે કમિટીમાં છે. શું કરવું, કશું સમજાતું નથી. મારા મમ્મીને લાગે છે કે આવા લોકો તો બહુ ઓછા હોય. હું શું કરું?

જ:
જે વ્યક્તિ પર બળાત્કાર થયો હોય, એને સમાજ ખરાબ નજરે જુએ છે. અને કાયદો દંડ કરે એનાથી જેને તકલીફ થઈ છે એને કોઈ ફાયદો થતો નથી. વળી સ્ત્રી પોતે સારી છે એ સાબિત કરવા અન્ય સાથે થયેલા અન્યાયને ક્યારેક સમજતી જ નથી.

તમારી મિત્રને સલામ, જે પોતાના પપ્પાની ભૂલ હતી તો પણ તમારી સાથે ઊભી રહી. દુનિયાના મોટા ભાગના લોકોને કોઈની તકલીફમાં પોતાનો ફાયદો શોધવો છે. તમારા માતા-પિતા કદાચ તમને ન કહેતા હોય, પણ એમને પણ આ બધી ખબર હશે જ. વિકૃત માણસો નબળાને ટાર્ગેટ કરતા હોય છે, એટલે તમારા માતા-પિતાને કદાચ કશું ન કરે.

તમારા ભાઈને ક્યાંય એકલો ન મોકલવો જોઈએ. સમાજમાં આવા વિકૃત લોકો વધી રહ્યા છે. એનાથી બચવાનો ઉપાય એ જ છે કે ક્યાંય એકલા ન જાઓ અને અજાણ્યા પર વિશ્વાસ ન કરો.

સૂચન:
પૂર્વ-અગ્નિ દિશામાં કચરો ભેગો કરવાથી મનોવિકૃતિ આવે છે.

(આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

ધિરાણ નીતિઃ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, લોનના EMI નહીં ઘટે

નવી દિલ્હીઃ રિઝર્વ બેંકે મુખ્ય ધિરાણ દર- રેપો રેટને 5.25 ટકાએ  યથાવતે રાખ્યો છે. આ ચાલુ નાણાકીય વર્ષ માટેની કમિટીની અંતિમ દ્વિમાસિક મોનેટરી પોલિસી બેઠક હતી. RBIની મોનેટરી પોલિસી કમિટીએ ચોથીથી 6 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી બેઠકમાં પોલિસી સ્ટાન્સ ‘ન્યુટ્રલ’ જાળવી રાખ્યું છે. ‘ન્યુટ્રલ’ વલણ દર્શાવે છે કે વ્યાજ દરો થોડો સમય નીચલા સ્તરે જ રહી શકે છે. પોલિસી બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આ નિર્ણયની જાહેરાત કરી  હતી.

RBI ગવર્નરે જણાવ્યું હતું કે મોંઘવારી દર અમારા અંદાજના દાયરા અંદર છે. ઊંચી વૃદ્ધિ અને ઓછી મોંઘવારીનો સારો સમય છે. ભારતીય અર્થતંત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ અર્થતંત્રનું પ્રદર્શન મજબૂત રહ્યું છે.

RBIએ નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 7.3 ટકાથી વધારીને 7.4 ટકા કર્યો છે. નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ ત્રિમાસિક માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.7 ટકાથી વધારીને 6.9 ટકા અને બીજા ત્રિમાસિક ગાળા માટે 6.8 ટકાથી વધારીને 7 ટકા કર્યો છે. ગવર્નરે જણાવ્યું હતું કે નવી જીડીપી સિરીઝ આવવાની હોવાથી આખા વર્ષનો અંદાજ જાહેર કરવામાં આવ્યો નથી.

મોંઘવારી દર

RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે મોંઘવારીનો અંદાજ 2.1 ટકા રાખ્યો છે. જ્યારે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક માટે મોંઘવારી 4 ટકા અને બીજા ત્રિમાસિક માટે 4.2 ટકા રહેવાનો અંદાજ છે.

ફેબ્રુઆરી 2025થી વ્યાજ દરોમાં 125 બેસિસ પોઈન્ટની કપાત

ફેબ્રુઆરી 2025થી અત્યાર સુધી વ્યાજ દરોમાં કુલ 125 બેસિસ પોઈન્ટની કપાત કરવામાં આવી છે. ડિસેમ્બર બેઠકમાં MPC એ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, જેથી રેપો રેટ 5.50 ટકાથી ઘટીને 5.25 ટકા થયો હતો. બે બેઠકો સુધી દર યથાવત રાખ્યા પછી આ ઘટાડો કરવામાં આવ્યો હતો.

વુમન્સ ડે આવી રહ્યો છે…

`ડર કે આગે જીત હૈ’ આ એક સુંદર ટેગલાઈન કોઈક સોફ્ટ ડ્રિંકની જાહેરાતની છે. આજકાલ આપણે આરોગ્ય માટે હેલ્ધી ફૂડની પાછળ હોવાથી સોફ્ટ ડ્રિંક્સ અથવા પેકેજ્ડ ફૂડ ટાળીએ છીએ અને તે સારી જ વાત છે. આરોગ્ય ઉત્તમ રાખવું તે મોટે ભાગે આપણા હાથોમાં છે એ વાત બહુ મોડેથી સમજાઈ. જો કે તે સમજાતાં જ અમે અમારી અંદર બદલાવ લાવવાનું શરૂ કર્યું, શરીરથી અને મનથી. એટલે કે, વિચારોથી હેલ્ધી રહેવાનું એવું નક્કી કરી નાખ્યું અને આજ અમારી વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ ટુર્સનો પણ પાયો છે. કાળજી, ચિંતા, વિવંચના તો છે જ પણ તેમનો સામનો કરવાનો હોય તો મન પ્રસન્ન હોવું જોઈએ. મનમાં આનંદની લહેર ફરવી જોઈએ અને સંતોષના તરંગ ઊમટવા જોઈએ. જો ઘરની મહિલાનું મન પ્રસન્ન નહીં હોય, જો તેના ચહેરા પર સ્મિત નહીં ઊમટતું હોય તો તે ઘર પ્રસન્ન, સંતુષ્ટ કઈ રીતે હશે? અર્થાત નહીં જ હોય. આથી જ તેને આ આનંદનાં બહાનાં, હસવાનું નિમિત્ત મેળવી આપતી સહેલગાહ એટલે આપણી વુમન્સ સ્પેશિયલ. હસીએ, નાચીએ, ગાઈએ, ફરીએ, સજીએ, ધજીએ, ઘરની ગામની શહેરની રાજ્યની દેશની સીમા પાર કરીએ, આત્મવિશ્વાસથી એક-એક પગલું આગળ મૂકીને, જીવન આનંદિત બનાવીએ. ઘેર ઘેર ઉત્સાહના ફુવારા લાવીએ.

અગાઉ ઘણી વાર વુમન્સ સ્પેશિયલ ટુર્સ પર મહિલાઓને મળવા લેહ લદ્દાખથી લંડન સુધી, શિમલાથી સાન ફ્રાન્સિસ્કો સુધી, ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધી, ક્યાંય પણ જ્યાં વુમન્સ સ્પેશિયલ શરૂ હોય ત્યાં હું જતી. પ્રચંડ પ્રવાસ કર્યો પણ ક્યારેય થાકી નહીં, કારણ કે આ દરેક ટુર પર મહિલા જે રીતે એન્જોય કરતી, સહેલગાહ પર જે ધગધગતો ઉત્સાહ દેખાતો તે જોઈને મને શક્તિ મળતી. નવવારીથી પાંચવારી, પાંચવારીમાંથી પ્લાઝો, ચુડીદારમાંથી જીન્સ, જીન્સમાંથી સ્કર્ટ અને રીતસર સ્વિમિંગ કોશ્ચ્યુમ પહેરીને પૂલમાં મન મૂકીને પલળતી મહિલાઓનું ટ્રાન્સફોર્મેશન્સ જોઈને મને મળતા આનંદનો કોઈ પાર નથી.

આજે ખરેખર તો મને આ બધી મહિલાઓનો આભાર માનવાનું મન થાય છે, કારણ કે તેમણે મને ઊર્જા આપી. મારા જીવનને અને વ્યવસાયને અર્થ આપ્યો. કમર્શિયલી વ્યવસાય થતો હોય છે, પરંતુ તે કરતી વખતે જે એક પ્રકારનો સંતોષ મળવો જોઈએ તે આ વુમન્સ સ્પેશિયલે આપ્યો. આટલાં વર્ષોમાં મહિલાઓએ ચોકટની બહાર આવીને મુક્ત આનંદ લીધો તે જોઈને અમે સમાજની એક જરૂર પૂરી કરવામાં નાનું પણ યોગદાન આપ્યાનો સંતોષ મળ્યો. ‘હું એકલી કઈ રીતે બહાર ફરવા જાઉં? લોકો શું કહેશે? છોકરાઓને અને પતિને મૂકીને એકલી મજા કઈ રીતે કરું?’ આ ટેબુમાંથી બહાર આવવામાં ઘણાં વર્ષો વીતી ગયાં. અચાનક આ રીતે કોઈક કહેવા લાગ્યું કે ચાલો, મજા કરો, ધમાલ કરો, છતાં આપણે એકલીએ જ કઈ રીતે ધમાલ કરવાની? આ પ્રશ્ન અનેકોના મનમાં આવતો. ટુર પર પહેલા જ દિવસે કુટુંબીઓની, બાળકોની યાદોથી વ્યાકુળ થયેલી બધી જણી આગામી ચાર-પાંચ દિવસમાં આટલું મોકળું થવાનું અને ટુર પર મળેલી નવી બહેનપણીઓ વચ્ચે ખૂલવાનું કે તેમને લાવવા એરપોર્ટ પર આવેલા તેના પતિઓના ચહેરા પર આપણી ટુર પર ગયેલી પત્ની આ જ હતી કે?એવો પ્રશ્ન પડેલો જોવા મળ્યો છે.

આ બધી કરામત વુમન્સ સ્પેશિયલના જાદુઈ વાતાવરણની છે. કાયમ કોઈક જવાબદારી માથે લેનારી, કોઈક ને કોઈકની કાળજી કરનારી, કોઈકને માટે પાછળ રહેતી મહિલા જ્યારે એટલી જ દુનિયાનો અનુભવ લેવા બહાર નીકળે ત્યારે તેની પર કોઈ જવાબદારી નથી હોતી. સવારે નાસ્તો શું બનાવવાનો કે ઓફિસમાં પ્રોજેક્ટની ડેડલાઈન મિસ તો નહીં થાય ને? તેમાંથી કોઈ પણ પ્રશ્ન મનમાં નહીં રાખતાં જ્યારે તે જેસલમેરના રણમાં અથવા કેરળના બેકવોટરમાં નહિતર મોરિશિયસના સમુદ્રકિનારા પર અથવા પેરિસના સીન ક્રુઝ પર અન્ય મહિલાઓ સાથે હોય છે ત્યારે ખરા અર્થમાં તે બધી જણી પોતાની લાઈફ એન્જોય કરતી હોય છે.

દરેક ટુર પર મારા અને મહિલાઓના સંવાદમાં મારું એક જ કહેવાનું હોય છે. ‘છોકરી શીખી એટલે પ્રગતિ થઈ’ એ આપણને ખબર છે પરંતુ ‘છોકરી આનંદિત થાય તો ઘર પણ સર્વ અર્થમાં આનંદિત થાય છે’ એ ધ્યાનમાં લઈએ. આથી જ આ છોકરીઓને પર્યટનના માધ્યમથી આનંદ આપવાનો અમારો આ પ્રયાસ છે. આથી પોતાને ગિલ્ટમાં નહીં નાખો. તમે ઘરની બહાર આવી રહ્યાં છો, ધમ્માલ કરી રહ્યાં છો તે તમારી જરૂરિયાત છે. પર્યટન આપણું ચાર્જર છે. આથી ફાવે ત્યારે ત્રણ મહિને, છ મહિને અથવા વર્ષમાં કમ સે કમ એક વાર પોતાને ચાર્જ કરવાનું અને પછી હસતાં હસતાં જીવનનો સામનો કરવાનો. અમુક વર્ષે મહિલા ધીમે ધીમે તે અપરાધી મહેસૂસ કરવાની માનસિકતામાંથી બહાર આવી. આ પછીનું અમારું લક્ષ્ય હતું તે ઘરનાઓને મહિલાઓના આ પર્યટન તરફ હકારાત્મક નજરિયાથી જોવા માટે પ્રવૃત્ત કરવાનું, કારણ કે અહીં દબંગશાહી નહોતી. જે કાંઈ કરવાનું છે તે પ્રેમથી. ‘પર્યટન કરવાથી ચતુરાઈ આવે છે’ એ ઉક્તિ પ્રમાણે મહિલા એકલી પર્યટન કરવા લાગી. તેમની અંદર આવકાર્ય પરિવર્તનના પડઘા ઘરમાં પડવા લાગ્યા. ઘરમાં આનંદ વધવા લાગ્યો અને પછી ‘તું એકલી જશે?,’ ‘તું અમને છોડીને કઈ રીતે જઈ શકે?’, ‘અમે આ રીતે બાળકો અને પતિને છોડીને ભટકવા જતાં નથી,’ ‘ભેજામાં ભટકવાનું ભૂત ભરાયું છે,’ ‘આ રીતે પૈસાનો વેડફાટ કરવાની શરમ નથી આવતી?’… આવા અને તેનાથી પણ અંતિમ કમેન્ટ્સ ઓછી થવા લાગી. ટોણા મારનારી પાડોશણો અથવા સંબંધી મહિલાઓ પણ ધીમે ધીમે વુમન્સ સ્પેશિયલમાં આવવા લાગી. ઘરના લોકોને વુમન્સ સ્પેશિયલના ટોનિકનું મહત્ત્વ સમજાયું. ઘરમાં ચીડચીડ વધે એટલે ‘અરે તારે હવે વુમન્સ સ્પેશિયલમાં જવાની જરૂર છે’ એવું ઘરનાઓ કહેવા લાગ્યા અને અમને સંતોષ થયો. હવે તો ઘરનાઓ તેને વુમન્સ સ્પેશિયલ ટુર ગિફ્ટ આપી રહ્યા છે.

2006માં પહેલી વાર વુમન્સ સ્પેશિયલની સંકલ્પનાનો મેં અમલ કર્યો, સફળ કર્યું અને વીણા વર્લ્ડ થયા પછી તો હવે દર અઠવાડિયે અથવા દરરોજ વુમન્સ સ્પેશિયલ દ્વારા મહિલાઓ દેશના અથવા દુનિયાના ખૂણેખાંચરે મુક્ત વિહાર કરતી હોય છે, ધમ્માલ કરતી હોય છે, મનમાંની સુપ્ત ઈચ્છાઓ પૂર્ણ કરી લે છે. હવે મસ્ત મસ્ત કપડાં પહેરે છે, સિનેસ્ટાર્સ પ્રમાણે મોટ્ટા ગોગલ્સ પહેરે છે, અસંખ્ય ફોટોઝ ખેંચે છે, પોતાની પર પ્રેમ કરે છે, આય એમ બ્યુટિફુલ, આય એમ બોલ્ડ, આય એમ ધ ક્વીન એન્ડ આય લવ માયસેલ્ફ એવી અમારી વુમન્સ સ્પેશિયલની ક્નસેપ્ટ છે. હું મારું જીવન ખુશીથી જીવી રહી છું, તું તારું જીવન ખુશીથી જીવ અને તે માટે બંને એકબીજીને મદદ કરીએ અને જીવનની આનંદિત સફરે નીકળીએ એ સીધોસાદો ફંડા છે, જે વુમન્સ સ્પેશિયલમાં જીવવામાં આવી રહ્યો છે, પરંતુ આગળ તે જીવનભર કામ આવે છે. જીવન નાનું છે, તે બધાના માટે જેટલું આસાન છે તેટલું મુશ્કેલ પણ છે,તે ઝીલવાનું છે. જો કે તે હસતાં હસતાં ઝીલવા માટેની હકારાત્મક મનોવૃત્તિ જાગૃત કરવાનું બળ આ વુમન્સ સ્પેશિયલમાં એકબીજા પાસેથી એકબીજાને મળતું રહે છે.નિર્ધાસ્ત-બિન્ધાસ્ત-બોલ્ડ આ નારો અમે લગાવીએ છીએ છતાં આટલાં વર્ષમાં વુમન્સ સ્પેશિયલ ક્યારેય ‘ચીપ’ બની નથી તેમજ ડિસન્સી અને એલીગન્સનો સ્તર ક્યારેય પાર કર્યો નથી. આથી જ વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલની આટલી બધી સહેલગાહ ભારતમાં અને દુનિયામાં સતત ચાલી રહી છે.

આઠ માર્ચ આવી રહી છે. આપણો વુમન્સ ડે! ખરેખર તો દરેક દિવસ આપણો જ હોય છે, પરંતુ પર્યટને નીકળવા કોઈક બહાનું જોઈએ ને. પછી અમે ‘વુમન્સ ડે’ નિમિત્તે વધુમાં વધુ મહિલાઓને આ આનંદના નવા રંગમાં નાહી નીકળવા કહીએ છીએ. આ માટે અથાક તૈયારી કરીએ છીએ. અમારી ઓફિસ ટીમ્સ અને ટુર મેનેજર્સ સુસજ્જ હોય છે ‘દે ધમ્માલ’ કરાવવા. આજે મહિલાઓ તેમના યુરોપ અમેરિકા જવાના જીવનભરનાં સપનાં સાકાર કરી શકે છે, ઓસ્ટ્રેલિયાના મહાખંડની સફર કરી શકે છે, જાપાન કોરિયાની અદ્વિતીય દુનિયા જોઈ શકે છે અથવા આપણા ઈન્ક્રેડિબલ ઈન્ડિયામાંનાં અનેક રાજ્ય જોઈ શકે છે.

ત્રણ વર્ષ પૂર્વેથી વુમન્સ સ્પેશિયલની ટુર્સમાં અમે અમુક સારા ફેરફાર કરવાનું શરૂ કર્યું. શક્ય હોય ત્યાં રાફ્ટિંગ, કાયાકિંગ, હાયકિંગ, ટ્રેકિંગ, ડેઝર્ટ સફારી, વાઈલ્ડ લાઈફ સફારી, જેટબોટ રાઈડ, સનસેટ ક્રુઝ, સાયન્ટિફિક મસાજ જેવાં આકર્ષણોનો સમાવેશ કર્યો છે. ભારતીય ભોજન સાથે લોકલ ફૂડનો પણ આસ્વાદ આપવાનું શરૂ કર્યું છે. અગાઉ અમે ભારતીય ભોજન સર્વત્ર આપવાનો આગ્રહ કરતા. જો કે હવે આપણા ભારતમાં જ દુનિયાભરના ક્યુઝિન ઉપલબ્ધ થવાથી આપણી ટેસ્ટ ડેવલપ થઈ છે. આથી ‘જે તે ઠેકાણાંના લોકલ ફૂડ પણ અમને આપો’ એવી ડિમાંડ વધવા લાગી છે અને અમે તે ફેરફાર પણ કર્યો છે. અલગ અલગ એક્સપીરિયન્સીસ, એડવેન્ચર એક્ટિવિટીઝ, ફેશન શો, રેમ્પ વોક જેવી એક્ટિવિટિઝથી વુમન્સ સ્પેશિયલ ટુર્સ વધુ હેપનિંગ બની છે. ટુર પર આવતી બહેનપણીઓ બહેનપણીઓ અને ફેમિલી ગર્લફ્રેન્ડ ગ્રુપ્સ વધવા લાગ્યા છે અને વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલ લક્ઝરી નહીં રહેતાં મહિલાઓની જરૂર બની ચૂકી છે. વુમન્સ સ્પેશિયલ સહેલગાહના સાત-આઠ દિવસ એટલે આ બધી છોકરીઓ માટે(હા! વુમન્સ સ્પેશિયલ પર બધી છોકરીઓજ હોય છે વારુ!!) એક અનોખો બ્રેક નીવડે છે. અલગ અલગ શહેરની, અલગ અલગ ક્ષેત્રની અને અલગ અલગ વયજૂથની મહિલાઓમાં થતા સંવાદની અને સંસ્કૃતિની લેણદેણ મજેદાર હોય છે. આ જ અમારા વીણા વર્લ્ડ વુમન્સ સ્પેશિયલનો ફંડા છે, ખુશીનો,ઉત્સાહનો, પ્રેરણાનો, આત્મવિશ્વાસનો, સહયોગનો અને હકારાત્મકતાનો.

સો, ચાલો ગર્લ્ડ, આ વુમન્સ ડે પર અથવા આગળ વર્ષભરમાં ગમે ત્યારે બધી મળીને દેશવિદેશમાં ભટકીએ, દ્રષ્ટિકોણ વ્યાપક બનાવીએ, ધમ્માલ કરીએ, ભવિષ્ય માટે અણમોલ યાદોનો સંગ્રહ કરીએ અને જીવન હસતાં રમતાં જીવીએ… ક્યારેક મોરિશિયસના ભૂરા સમુદ્ર પર તો ક્યારેક લેહ લદ્દાખની હિમાલયી પર્વતમાળા સંગાથે, ક્યારેક અમેરિકાના ફ્રીડમ લેન્ડમાં તો ક્યારેક ઈન્ગ્લેન્ડની રાણીના રુઆબમાં, ક્યારેક યુરોપના અદ્વિતીય સૌંદર્ય સંગાથે તો ક્યારેક થાઈલેન્ડના ખળખળ વહેતા સમુદ્ર પર… ચાલો, બિન્ધાસ્ત! લેટ્સ બ્રેક બેરિયર્સ એન્ડ રોક ધ વર્લ્ડ! વી આર અનસ્ટોપેબલ!

(વીણા પાટીલ)

veena@veenaworld.com

(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)

AAP નેતા લકી ઓબેરોયની ધોળેદહાડે ગોળી મારીને હત્યા

જાલંધરઃ પંજાબના જાલંધરમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા લકી ઓબેરોયની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મોડલ ટાઉન સ્થિત ગુરુદ્વારા સાહિબ બહાર ઓબેરોય પર અનેક ગોળીઓ ચલાવવામાં આવી. તે સમયે તેઓ પોતાની કારમાં બેઠા હતા. તેમને પાંચ ગોળીઓ વાગી હતી. ત્યાર બાદ તેમને તરત જ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ ઓબેરોય ગુરુદ્વારા બહાર પોતાની કાર પાર્ક કરી રહ્યા હતા, ત્યારે હુમલાખોરો દ્વિચક્રી વાહન પર આવી પહોંચ્યા અને તેમના પર ગોળીબાર કર્યો. આ ઘટના પછી પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી. માહિતી મળતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી છે.

લકી ઓબેરોયની પત્નીએ અગાઉ નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયાં હતાં.

પ્રતાપ સિંહ બાજવાએ પંજાબ સરકારની ટીકા કરી

પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ જાલંધરમાં ઓબેરોયની ધોળેદહાડે થયેલી હત્યા બાદ રાજ્ય સરકારની આકરી ટીકા કરી. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્ય મંત્રી ભગવંત માનના શાસનમાં પંજાબની કાયદો-વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ છે.

તેમણે X પર પોસ્ટમાં લખ્યું કે ભગવંત માનના શાસનમાં પંજાબની કાયદો-વ્યવસ્થા સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. જાલંધરના એક ગુરુદ્વારા બહાર AAP નેતા લકી ઓબેરોયની ધોળદહાડે હત્યાએ ભયાનક હકીકત ઉજાગર કરી છે: જો સત્તાધારી પક્ષના નેતાઓ જ સુરક્ષિત નથી, તો સામાન્ય નાગરિકો માટે શું આશા બાકી રહે છે?

તેમણે વધુમાં કહ્યું હતું કે આજે પંજાબમાં ડર, ગેંગ હિંસા અને વહીવટી ઠપકો છવાયેલો છે, જ્યારે AAP સરકાર જનસંપર્ક અને બહાનાબાજીમાં વ્યસ્ત છે. મુખ્ય મંત્રી ભગવંત માનને જવાબ આપવો પડશે કે આ સમગ્ર વ્યવસ્થાના બગાડ માટે કોણ જવાબદાર છે?

૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬

Chitralekha Gujarati – 16 February, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 06/02/2026

મેઘાલયમાં કોલસા ખાણમાં વિસ્ફોટ, 16 કામદારોના મોત

ગુરુવારે મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લાના દૂરના વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા ખાણમાં થયેલા મોટા ડાયનામાઇટ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા. અધિકારીઓને ડર છે કે કાટમાળ નીચે વધુ કામદારો ફસાયા હોઈ શકે છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા વધી ગઈ છે.

વિસ્ફોટની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, ફોરેન્સિક નિષ્ણાતો, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને ફાયર સર્વિસ ટીમો પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મ્યાનસાંગટ થાંગસ્કો વિસ્તારમાં દોડી ગઈ હતી. પૂર્વ જયંતિયા હિલ્સના પોલીસ અધિક્ષક વિકાસ કુમારે યુનિવર્ટાને જણાવ્યું હતું કે તે ડાયનામાઇટ વિસ્ફોટ હતો. તેમણે કહ્યું કે ખાણમાંથી અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે એક ઘાયલ વ્યક્તિને દાઝી જવાથી સારવાર માટે શિલોંગ રિફર કરવામાં આવ્યો છે.

પ્રાથમિક અહેવાલો અનુસાર, એક ટેકરી પર ગેરકાયદેસર ખાણકામ ચાલી રહ્યું હતું. વિસ્ફોટના કારણે અનેક ખાણિયાઓ દટાઈ ગયા. અગાઉ, 23 ડિસેમ્બર, 2025 ના રોજ, થાંગસ્કો ગામમાં એક વિસ્ફોટ થયો હતો, જેમાં બે ખાણિયાઓ માર્યા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2014 માં, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મેઘાલયમાં ખતરનાક કોલસા ખાણકામ પર પ્રતિબંધ મૂક્યો હતો, તેના ગેરકાયદેસર અને અવૈજ્ઞાનિક સ્વભાવને કારણે. કોલસા સંબંધિત કેસોની દેખરેખ માટે મેઘાલય હાઈકોર્ટ દ્વારા નિયુક્ત ન્યાયાધીશ (નિવૃત્ત) બ્રોજેન્દ્ર પ્રસાદ કટાકેએ જણાવ્યું હતું કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે સરકારના આશ્વાસન છતાં, રાજ્યમાં ગેરકાયદેસર કોલસા ખાણકામ અને પરિવહન ચાલુ રહ્યું. જો કે, મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ તે સમયે દાવો કર્યો હતો કે જિલ્લા વહીવટીતંત્ર સતર્ક છે અને ગેરકાયદેસર ખાણકામ સંબંધિત 1,000 થી વધુ કેસ નોંધાયા છે.