Home Blog Page 2575

રાજસ્થાનમાં અમિત શાહઃ 2024ની ચૂંટણીને લઈને કર્યા સૂત્રોચ્ચાર

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગંગાપુર શહેરમાં સંબોધનમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પર નિશાન સાધ્યું હતું અને 2024ની ચૂંટણીને લઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ઈફ્કો દ્વારા આયોજિત ‘સહકાર કિસાન સંમેલન’માં તેમણે લોકોને કહ્યું કે શું તેઓ 2024માં મોદીને પીએમ બનાવવા ઈચ્છે છે કે નહીં? ગૃહમંત્રીએ કહ્યું કે ખેડૂતોએ કહ્યું છે કે રાજસ્થાનમાં વીજળી મળતી નથી. આ સાથે અશોક ગેહલોત સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે ઘરમાં કોઈ પણ ડાયરી હોય, પરંતુ તેનો રંગ લાલ ન રાખો, ગેહલોતજી ગુસ્સે થઈ જશે. લાલ ડાયરી અંગે તેમણે કહ્યું કે, “આજકાલ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત લાલ ડાયરીથી ખૂબ જ ડરે છે, પરંતુ તેઓ કેમ ડરે છે? લાલ ડાયરીની અંદર કાળા કાર્યો છુપાયેલા છે. લાલ ડાયરીમાં કરોડોના ભ્રષ્ટાચારની વિગતો છે.

અમિત શાહે કહ્યું કે જો અશોક ગેહલોતમાં હિંમત હોય તો રાજીનામું આપીને ચૂંટણી લડો અને હાથ મિલાવો. ‘સહકાર કિસાન સંમેલન’માં બોલતા અમિત શાહે તાજેતરમાં ચંદ્ર પર ઉતરેલા ચંદ્રયાન-3નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, “PM મોદીએ અમારા સ્પેસ મિશનને નવી ગતિ અને ઊર્જા આપી છે. આજે નારા લગાવનારાઓને હું કહેવા માંગુ છું કે જો નારા લગાવવાને બદલે તેમણે ચંદ્રયાનને આગળ ધકેલી દીધું હોત તો નારા લગાવવાની જરૂર ન પડી હોત. હકીકતમાં, કાર્યક્રમની શરૂઆતમાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. તેના પર અમિત શાહે કહ્યું કે શ્રી ગેહલોતે કેટલાક લોકોને મોકલ્યા છે, તેઓ થોડો સમય તેમનો કાર્યક્રમ કરીને પરત ફરશે, તેમને નારા લગાવવા દો, કોઈએ ત્યાં ન જવું જોઈએ. તેઓ થાકી જશે અને પોતાની મેળે પાછા ફરશે.

મોંઘવારી વધવાથી RBI રેપો રેટમાં વધારો કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ હાલમાં ટામેટાં, ડુંગળી સહિત શાકભાજીની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે બીજા બાજુ દાળ-ચોખાની કિંમતો પણ વધતાં મોંઘવારી દરમાં વધારો થયો છે. સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યારે ડુંગળીનો બફર સ્ટોક વધારી દીધો છે. સુગર નિકાસ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી છે, ત્યારે રિઝર્વ બેન્ક વ્યાજદરોમાં વધારો કરે એવી શક્યતા છે.

વિશ્લેષકોનું માનવું છે કે RBI શાકભાજીની કિંમતોમાં વધારાને ખાળવા માટે લિક્વિડિટી મેનેજમેન્ટ પર વિશ્વાસ કરી શકે છે, પણ જો અનાજની કિંમતો વધતાં ફુગાવો વધે તો RBI રેપો રેટમાં વધારો કરે એવી સંભાવના છે. RBIના રેટ-સેટિંગ પેનલ MPCની છેલ્લી બેઠકમાં મિનિટ્સ જારી થવાના એક દિવસ પછી વિદેશી બ્રોડરેજ HSBCએ કહ્યું હતું કે ટામેટાં જેવી કેટલીક ચીજવસ્તુઓની કિંમતો વધવાથી કેન્દ્રીય બેન્ક ફૂડ પ્રાઇસ પર નજર રાખી રહી છે.જો અનાજના ફુગાવાની આસપાસ કિંમતોમાં દબાણ થાય અને વધવી શરૂ થાય તો મધ્યસ્થ બેન્કને વ્યાજદરોમાં વધારો કરવા માટે મજબૂર થવો પડે, એમ HSBCએ કહ્યું હતું.

ઘરેલુ બ્રોકરેજ કંપની કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝએ કહ્યું હતું કે RBIની બેઠકે મિનિટ્સમાં ફુગાવાને લઈને ચેતવણી ઉચ્ચારી હતી. ઘરેલુ બ્રોકરેજ MKએ કહ્યું હતું કે MPCની અંદર ફુગાવા સંબંધી જોખમોને લઈને મતભેદો છે. આ પહેલાં ડેપ્યુટી ગવર્નર એમ.ડી પાત્રાએ કહ્યું હતું કે ફૂડ પ્રાઇસ પર અસર પડવાથી મુખ્ય ફુગાવો અનિયંત્રિત થવાની અપેક્ષા છે, જેથી રેપો રેટ યથાવત્ રાખવા માટે મતદાન કરવામાં આવ્યું હતું.

 

 

 

 

ઇન્દોર પછી દેશનું બીજું સૌથી સ્માર્ટ શહેર સુરત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલયે શુક્રવારે વર્ષ 2022 માટે ભારતનાં સ્માર્ટ સિટી એવોર્ડની ઘોષણા કરી હતી, જેમાં સૌથી પહેલું સ્થાન મધ્ય પ્રદેશના ઇન્દોર શહરેરને તો બીજું અને ત્રીજું સ્થાન સુરત અને આગ્રાને મળ્યું છે. આ એવોર્ડ 27 સપ્ટેમ્બરે ઇન્દોરમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા આપવામાં આવશે.

બીજી બાજુ રાજ્યોની શ્રેણીમાં મધ્ય પ્રદેશને સર્વશ્રેષ્ઠ એવોર્ડ જીત્યો છે, જ્યારે તામિલનાડુએ બીજુ સ્થાન હાંસલ કર્યું છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સંયુક્ત રૂપે ત્રીજા સ્થાને રહ્યાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશોની કેટેગરીમાં ચંદીગઢને નંબર વન સ્થાન મળ્યું છે.

દેશનાં 100 સ્માર્ટ શહેરોમાં ઇન્દોર અવ્વલ રહ્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોરનો જલવો કાયમ છે. ગત વર્ષે ઓક્ટોબરમાં જાહેરાત સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈન્દોર સૌથી વધુ એવોર્ડ મેળવ્યા હતા.

જોકેસુરતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે  સ્માર્ટ સિટી એવોર્ડમાં સુરત નંબર 2 બન્યું છે. આ માટે સુરતમાં મોટા પ્રોજેક્ટો, એનવાયરમેન્ટલ ડેવલપમેન્ટ, એફોર્ડબલ હાઉસિંગ, ડ્રેનેજ સ્ટ્રોમ મેનેજમેન્ટ, હેરિટેજ રિસ્ટોરેશન, માસ ટ્રાન્સપોર્ટેશન કોરોના સમયમાં પણ વખાણવા લાયક કામગીરી વગેરે બાબત ધ્યાનમાં લેવામાં આવી હતી.

શું છે સ્માર્ટ સિટી?

સ્માર્ટ સિટીનો અર્થ એવાં શહેરોથી જ્યાં પાણી અને વીજળીની સારી વ્યવસ્થા હોય. આ સાથે જે શહેરોમાં સાફસફાઈ અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા હોય, શહેરમાં વાહનવ્યવહારની સારી સુવિધા, ઈ-ગવર્નન્સ, નાગરિકોની સુરક્ષા અને વહીવટમાં નાગરિકોની ભાગીદાર જેવી સુવિધાઓ હોય.

 

 

 

 

 

 

MPમાં મંત્રીમંડળનું વિસ્તરણઃ ઉમા ભારતીના ભત્રીજાનો સમાવેશ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે, ત્યારે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. તેમણે ત્રણ મંત્રીઓને સામેલ કરીને પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. વિંધ્ય ક્ષેત્રના રાજેન્દ્ર શુક્લા અને મહાકૌશલ ક્ષેત્રના ગૌરીશંકર બિસેન તથા બંદેલખંડના રાહુલ લોધીએ રાજ્ય મંત્રી પદના શપથ લીધા હતા.  ભોપાલમાં રાજભવનમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે ત્રણે ધારાસભ્યોને મંત્રીપદની શપથ લેવડાવ્યા હતા.

મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો હાલનો કાર્યકાળ માર્ચ, 2020થી શરૂ થયો હતો. ધ્યાન ખેંચે એવી વાત એ છે કે બુંદેલખંડ ક્ષેત્રના ટિકમગઢ જિલ્લાના ખરગાપુરથી પહેલી વાર વિધાનસભ્ય બનેલા લોધીને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. લોધી ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ઉમા ભારતીના ભત્રીજા છે.

તેમણે શપથ લીધા બાદ કહ્યું કે હતું પાર્ટીએ અમારા ઉપર જે વિશ્વાસ દેખાડ્યો છે. તેના માટે અમે બુંદેલખંડમાં જેટલો સંભવ હોય એટલા પ્રયત્નો કરીશું. સારા પ્રદર્શન માટે દોઢ મહિનો જ કાફી છે. સીએમએ યોગ્ય સમય પર નિર્ણય લીધો છે. અમે અમારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. અમારી પ્રાથમિક્તા બુંદેલખંડને મજબૂત કરવા અને તેનો વિકાસ કરવાની છે. હું 150 સીટો જીતવાના પાર્ટીના લક્ષ્યની દિશામાં પ્રયત્ન કરીશ.

આ સાથે નવનિયુક્ત મંત્રી રાજેન્દ્ર શુક્લએ કહ્યું હતું કે અમે નજર રાખીશું અને સુનિશ્ચિત કરીશું કે બધા વિકાસ કાર્ય અને જન્મ કલ્યાણ યોજનાઓ નીચે સુધી પહોંચે. જ્યારે મંત્રી ગૌરીશંકર બિસેને કહ્યું હતું કે અમારી પ્રાથમિક્તા રાજ્યના વિકાસ અને લોકોના કલ્યાણ કરવાનો છે.

 

 

 

 

 

 

 

PM મોદીએ ISROના વડા મથકે વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે ISROના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. ઇસરોની ટીમને સંબોધિત કરતાં ભાવુક થયેલા વડા પ્રદાન મોદીએ  ત્રણ જાહેરાત કરી હતી. એક- દર વર્ષે 23 ઓગસ્ટે ભારત નેશનલ સ્પેસ ડેની ઉજવણી કરશે. બીજી- જે જગ્યાએ લેન્ડર ચંદ્ર પર ઊતર્યું છે એ જગ્યાને શિવશક્તિ પોઈન્ટ કહેવામાં આવશે. ત્રીજી- ચંદ્રયાન-2ના જે જગ્યા પર નિશાન છે એ પોઈન્ટને ‘તિરંગા’ નામ તરીકે ઓળખાશે.

તેમણે કહ્યું હતું કે ઇસરોના વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે તમે જે કરી બતાવ્યું છે, એ આપણા બધા માટે પ્રેરણા છે.આ દરમિયાન તેમણે ટીમના તમામ વૈજ્ઞાનિકો સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો.

આ પહેલાં ઇસરોના વડા એસ. સોમનાથે PM મોદીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. વડા પ્રધાને સોમનાથને ભેટીને તેમની પીઠ થપથપાવી હતી. સફળ ચંદ્રયાન-3 મિશન માટે તેમને અભિનંદન પાઠવ્યા હતા.  વડા પ્રધાને કહ્યું હતું કે આજે હું એક અલગ આનંદ અભનુભવી રહ્યો છું. આવા પ્રસંગો બહુ ઓછા આવે છે. ‘હું દક્ષિણ આફ્રિકામાં હતો, પણ મારું મન તમારી સાથે લાગેલું હતું.

PM મોદીની 3 મોટી જાહેરાત…

1- ચંદ્રયાન-3 જે સ્થાને ઊતર્યું એ સ્થાન હવે શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે.

2- 23 ઓગસ્ટનો દિવસ હવે અંતરિક્ષ દિવસ તરીકે ઊજવાશે.

3- ચંદ્રયાન-3ના ચંદ્ર પર જે સ્થાને પદચિહ્ન પડ્યાં હતાં,એ સ્થળ તિરંગા તરીકે ઓળખાશે.

તેમણે કહ્યું હતું કે અવકાશ વિજ્ઞાનના તમામ ગુણો અને રહસ્યો ઘણા સમય પહેલાં મળી આવ્યા હતા. આજે આખી દુનિયાએ ભારતની વૈજ્ઞાનિક શક્તિ, આપણી ટેકનોલોજી અને આપણા વૈજ્ઞાનિક સ્વભાવને લોહાના રૂપમાં સ્વીકારી લીધું છે. ચંદ્રયાન-3ની સફળતા સામાન્ય સફળતા નથી. આપણા ચંદ્ર મિશનની સફળતા વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે.

 

 

 

કોરાનાના 60 નવા કેસો, એક જણનું મોત   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 60 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,96,919 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,928 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,63,488 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 64 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1503એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 34,867 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.45 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,66,631 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 248 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

મદુરાઈ સ્ટેશન પર ટ્રેનના ડબ્બામાં આગ લાગતાં 9નાં મરણ

મદુરાઈઃ તામિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન નજીક ઉભેલી એક પેસેન્જર ટ્રેનના એક ડબ્બામાં આજે વહેલી સવારે લગભગ 5.30 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગતાં ઓછામાં ઓછા 9 જણના જાન ગયા છે અને બીજાં 20 જણને ગંભીર ઈજા થઈ છે.

મૃતકો ઉત્તર પ્રદેશનાં હતાં. આગ લાગી ત્યારે ડબ્બામાં 55 પ્રવાસીઓ હતા. આગ લાગતાં કેટલાક પ્રવાસીઓ ઝડપથી ડબ્બામાંથી ઉતરી ગયા હતા. દક્ષિણ રેલવેના નિવેદન અનુસાર, પ્રવાસીઓને એક ખાનગી પાર્ટી માટે અલાયદા રખાયેલા કોચમાં બેસાડવામાં આવ્યા હતા, પણ તેઓ ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર ડબ્બામાં લઈ ગયા હતા અને એને કારણે આગ લાગી હતી. જાણ કરાતાં તરત જ મદુરાઈ અગ્નિશમન દળના જવાનો દોડી આવ્યા હતા અને આગને બુઝાવી દીધી હતી.

ઉત્તર પ્રદેશના કમનસીબ યાત્રાળુ-પ્રવાસીઓના પ્રાઈવેટ ડબ્બાને પુણાલુર-મદુરાઈ એક્સપ્રેસ ટ્રેન (નંબર 16730) સાથે જોડવામાં આવ્યો હતો. એમની ટ્રેને ગઈ 17 ઓગસ્ટે લખનઉથી સફર શરૂ કરી હતી. ટ્રેન આજે વહેલી સવારે 3.47 વાગ્યે મદુરાઈ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. પાર્ટી કોચને તે ટ્રેનથી અલગ કરીને સ્ટેશન નજીક સ્ટેબલિંગ લાઈન પર મૂકવામાં આવ્યો હતો.

રેલવે તંત્રના જણાવ્યા મુજબ, કોઈ પણ વ્યક્તિ IRCTC પોર્ટલ મારફત પાર્ટી કોચ બુક કરાવી શકે છે. પરંતુ એમને ડબ્બામાં ગેસ સિલિન્ડર જેવી કોઈ જ્વલનશીલ ચીજવસ્તુ રાખવાની પરવાનગી અપાતી નથી. કોચનો ઉપયોગ માત્ર ટ્રાન્સપોર્ટેશન હેતુ માટે જ કરવાનો છે.

આત્મસમ્માન ના બચે એવી કમાણી કોઈ કામની નથી

ન લોકવૃત્તં વર્તેત વૃત્તિહેતોઃ કથઞ્ચન।

અજિહમામશઠાં શુદ્ધાં જીવેદ્ બ્રાહ્મણજીવિકામ્ ॥4.11॥

જીવિકા રળવા માટે બીજા લોકોની જેમ છળ-પ્રપંચ, આદિ નીચ વૃત્તિ રાખવી નહીં. ખોટી પ્રશંસા, આત્મશ્લાઘા કે દંભ અથવા કપટ, વગેરેનો ત્યાગ કરીને બ્રાહ્મણો માટે દર્શાવાયેલા માર્ગે જીવિકા પ્રાપ્ત કરવી.

તમને ‘દીવાર’ ફિલ્મનો એ ડાયલોગ યાદ છે? બાળપણનો અમિતાભ બચ્ચન શ્રીમંત લોકો જ્યાં દાવ લગાડે છે એવા રેસકોર્સની બહાર બેસીને શૂ પોલીશ કરે છે. આ ફિલ્મમાં વિલનની ભૂમિકા કરનાર ઇફ્તેખાર રહેમાન રેસ રમવા આવે છે અને નાના અમિતાભ પાસે શૂ પોલીશ કરાવીને તેના સાથીદારને કહે છે,”આને પૈસા આપી દે.”સાથીદાર અમિતાભ તરફ પૈસા ફેંકે છે અને અમિતાભ તેની વિશેષ અદામાં કહે છે,”મૈં ફેંકે હુએ પૈસે નહીં લેતા.”અમિતાભ પૈસા ઉપાડીને પોતાના હાથમાં આપવામાં આવે એવો આગ્રહ રાખે છે.

ધન કમાવા માટે કોઈના પણ તાબે થવું નહીં એવું મનુસ્મૃતિના શ્લોક ક્રમાંક 4.11માં કહેવામાં આવ્યું છે. પૈસા મેળવવા માટે કોઈની ખોટી પ્રશંસા કરવી નહિ, કોઇપણ આડું-અવળું કામ કરવું નહીં, ઢોંગ કરવો નહીં કે અધાર્મિક પ્રવૃત્તિઓ કરવી નહીં એવો બોધ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે.

આપણા શાસ્ત્રો કહે છે કે ફક્ત કાનૂની દૃષ્ટિએ કમાણી કરીએ એટલું પૂરતું નથી. આપણી કમાણી નૈતિક દૃષ્ટિએ પણ સાચી હોવી જોઈએ. સમાજમાં એવા અનેક વ્યવસાયો છે જે કાનૂની દૃષ્ટિએ માન્ય છે પરંતુ નૈતિક દૃષ્ટિએ આપણા માટે કદાચ યોગ્ય ન પણ હોય. દાખલા તરીકે ખાટકીનો વ્યવસાય. પશુનો વધ કરનાર કસાઈનું કામ ભલે કાનૂની દૃષ્ટિએ માન્ય છે, પરંતુ નૈતિક દૃષ્ટિએ આપણે એને યોગ્ય માનતા નથી. એ માણસ આખો દિવસ લોહી અને માંસની વચ્ચે રહે છે. અનેક દેશોમાં જુગાર અને રૂપજીવિનીઓનો વ્યવસાય કાનૂની છે પરંતુ આ વ્યવસાયમાં કામ કરનારા લોકોને માનસિક શાંતિ ક્યારેય પ્રાપ્ત થતી નથી.

આપણે એવા પણ દાખલાઓ જોયા છે કે નાણાકીય કૌભાંડો કરીને લોકો વિદેશ ભાગી જાય છે. ક્યારેક તેઓ અંડરગ્રાઉન્ડ પણ થઈ જાય છે. આવા લોકો પાસે ધન તો ઘણું હોય છે પરંતુ તેમના સ્વજનો તકલીફમાં રહેતા હોય છે. તેમના જીવનમાં પણ માનસિક અશાંતિ અનુભવાતી હોય છે.

આપણે બધાએ વાલિયા લૂંટારૂની વાર્તા સાંભળેલી છે વાલિયાનું બીજું નામ રત્નાકર હતું. એક દિવસ વાલિયાએ નારદમુનિ પર હુમલો કર્યો. નારદ મુનિએ તેને પૂછ્યું, “તું શું કામ લોકોને લૂંટે છે.”વાલિયાએ જવાબ આપ્યો કે પરિવારનું પાલન-પોષણ કરવા માટે એ આમ કરે છે. તેનો જવાબ સાંભળીને નારદ મુનિએ કહ્યું “વાલિયા ઘરે જા અને તારા પરિવારજનોને પૂછકે તેઓ તારા આ પાપમાં ભાગીદાર છે કે નહીં.”પરિવારજનોએ ચોખ્ખે ચોખ્ખું કહ્યું કે તેમનું પાલનપોષણ કરવાની વાલિયાની જવાબદારી છે. એ પોતે નાણાં ક્યાંથી લઇ આવે છે.તેની સાથે તેમને કોઈ નિસ્બત નથી અને તેથી જ તેઓ તેના પાપમાં જરા પણ ભાગીદાર નથી. આજ વાલિયો પછીથી મહર્ષિ વાલ્મિકી બન્યો.

ફિલ્મઉદ્યોગની અનેક દુખદ કથાઓ પણ આપણે સાંભળેલી છે, જેમાં લોકો કારકિર્દી ઘડવા માટે અભદ્ર વર્તનને પણ સહન કરે છે. પોતાના બોસ વતી લાંચ રુશ્વત લેનારા કર્મચારીઓ પણ આવું જ ખોટું કામ કરતાં હોય છે. આ બધા પ્રકારના લોકો પૈસા તો કમાય છે પરંતુ સમાજમાં ક્યારેય તેમને માન મળી શકતું નથી. એટલું જ નહીં, એમની સેવા લેનારાઓ પણ તેમની સાથે માનપૂર્વક વર્તતા નથી. વળી, તેઓ પોતાને નજરમાંથી પણ ઉતરી ગયા હોય છે અને તેમનામાં આત્મસન્માન બાકી રહ્યું હોતું નથી. આવા લોકો પાછલી જિંદગીમાં અત્યંત દુઃખ પામીને મરી જાય છે અને એ સમયે તેઓ એકલાઅટૂલા અને નિરાશાની ગર્તમાં ખોવાયેલા હોય છે.

જીવનનિર્વાહ માટે પૈસાની જરૂર હોય એ સ્વાભાવિક છે અને એ મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે ભાગ્યે જ પૈસાની ખેંચ પડતી હોય છે. મોટાભાગે તો લોકો જાતજાતનાં ભૌતિક સુખો અને ભૌતિકવાદી વસ્તુઓ ખરીદવા માટે વધુપડતાં નાણાં કમાવાની ઈચ્છા રાખે છે અને તેને પગલે અનૈતિક રીતે ધન કમાય છે. જો મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટેના પૈસા પણ ન હોય તો એક વખત ભૂખ્યા રહી જવું સારું પરંતુ ખોટું કામ કરવું નહીં જોઈએ.

પોતાની નજરમાંથી ઊતરી જવાય એ કામ ખોટું જ કહેવાય. કરચોરી કરીએ અથવા તો કરચોરી કરવા માટેની સલાહ આપીએ એ પણ અયોગ્ય છે. દુકાનદારો કે બિઝનેસમેનો પોતાના ગ્રાહકોને હલકી કક્ષાની વસ્તુઓ વેચીને છેતરે એ પણ અનૈતિક કમાણી છે. શિક્ષકો બાળકોને નાપાસ કરવાની ધમકી આપીને પરાણે ટ્યુશન રખાવે એ પણ ગેરરીતિનો જ એક પ્રકાર છે. આ બધી રીતે ભેગું કરેલું ધન મનુષ્યના પોતાના માટે ઘાતક હોય છે.

નૈતિકપણે કમાયેલું ધન જ લક્ષ્મી કહેવાય. ભગવાન વિષ્ણુ નૈતિકતાના દેવતા છે આમ, લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન એક સાથે હોય તો જ જીવન સુંદર અને સુખપૂર્ણ બને છે. ખોટી રીતે કમાયેલું ધન ચિંતા, અસલામતી, ઘમંડ, વગેરે અવગુણો નોતરે છે.

(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)

(આપનાં મંતવ્યો અને સવાલો જણાવો gmashruwala@gmail.com)

એટલે રાખી અમિતાભની ‘મા’ બની

નિર્દેશક રમેશ સિપ્પીએ રાખીને અમિતાભની માતાની ભૂમિકાવાળી ફિલ્મ ‘શક્તિ’ (૧૯૮૨) માં કામ કરવા કહ્યું ત્યારે બહુ મૂંઝવણ અનુભવી હતી. પરંતુ એક એવી તક હતી જેના કારણે હા પાડી દીધી હતી. રાખીએ અમિતાભ સાથે હીરોઈન તરીકે જ ફિલ્મો કરી હતી અને એમની જોડી બહુ સફળ રહી હતી. એટલું જ નહીં જ્યારે ‘શક્તિ’ મળી ત્યારે એ બંને ‘બરસાત કી એક રાત’ (૧૯૮૧) માં પણ હીરો-હીરોઈન તરીકે જ કામ કરી રહ્યા હતા. ‘શક્તિ’ વહેલી શરૂ થઈ હોવા છતાં એને રજૂ થવામાં સમય લાગ્યો હતો. ત્યારે ‘બેમિસાલ’ (૧૯૮૨) માં રાખી અમિતાભની ભાભી તરીકે કામ કરી રહી હતી. અમિતાભે એમાં રાખીને ‘ભાભી’ નહીં પણ ‘સખી’ તરીકે જ બોલાવી હતી. ‘શક્તિ’ વખતે પણ અમિતાભે ફેરફાર કરાવ્યો હતો.

ફિલ્મના એક દ્રશ્યમાં રાખી બીમાર પડી હતી અને અમિતાભે ‘માં’ તરીકે સંબોધન કરવાનું હતું. ત્યારે અમિતાભે ‘માં’ શબ્દનો ઉચ્ચાર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે રાખીને ‘માં’ નહીં ‘મમ્મા’ તરીકે બોલાવશે. બંને માટે મા-પુત્રના દ્રશ્યોનું શૂટિંગ કરવાનું કામ સરળ ન હતું. બંને અન્ય ફિલ્મોમાં હીરો- હીરોઈન તરીકે પણ રોમેન્ટિક દ્રશ્યોમાં કામ કરી રહ્યા હતા. રાખીએ પોતાના સહાયકોને સૂચના આપી હતી કે ‘શક્તિ’ ના અમિતાભ સાથેના શૂટિંગમાં કોઈપણ દ્રશ્ય અભિનયની રીતે ચાલુ પ્રકારનું લાગે તો એને ટોકવાની. રાખી ‘શક્તિ’ કરવી કે નહીં એની મૂંઝવણમાં હતી ત્યારે રમેશ સિપ્પી અને સલીમ-જાવેદ એને જ આગ્રહ કરી રહ્યા હતા. એમનું કહેવું હતું કે એમના સિવાય કોઈ વિકલ્પ નથી. રાખીએ બહુ વિચાર કર્યો હતો.

અસલમાં રાખીને બિમલ રૉય, ગુરુદત્ત, બલરાજ સહાની જેવા દિગ્ગજો સાથે કામ કરી ન શક્યાંનો અફસોસ હતો. હવે દિલીપકુમાર જીવતા હતા ત્યારે એમની સાથે કામ કરવાની તક ગુમાવવા જેવી લાગતી ન હતી. આ પહેલાં બી.આર. ચોપડાની ફિલ્મ ‘દાસ્તાન’ (૧૯૭૨) માં દિલીપકુમાર સાથે કામ કરવાની તક મળી હતી. નિર્દેશક રાખીને સારી છોકરી ‘મીના’ ની ભૂમિકામાં લેવા માગતા હતા. પાછળથી એ માટે શર્મિલા ટાગોરને લેવામાં આવી હતી. જ્યારે રાખી એમાં ખલનાયિકા ‘માલા’ ની ભૂમિકા ભજવવા માગતી હતી. જે પછી બિંદુએ નિભાવી હતી. ‘શક્તિ’ મળી રહી હતી ત્યારે રાખીને લાગ્યું કે દિલીપકુમારની પત્નીની આ ભૂમિકા હવે છોડી દેવા જેવી નથી. અને બધાએ એમ કહીને ના પાડી હતી કે એમાં અમિતાભની ‘માં’ બનવાથી કારકિર્દી ખતમ થઈ જશે. પણ રાખીએ માત્ર અને માત્ર દિલીપકુમાર સાથે કામ કરવા ‘શક્તિ’ સ્વીકારી લીધી હતી.

રાખીએ હંમેશા પોતાની ભૂમિકાને જ ધ્યાનમાં રાખીને ફિલ્મો સ્વીકારી છે. એ પછી તરત જ અમિતાભ સાથેની દક્ષિણના નિર્દેશક એસ. રામાનાથનની ફિલ્મ ‘મહાન’ (૧૯૮૩) માં પત્ની ‘જાનકી’ ની ભૂમિકા મળી હોવા છતાં પોતાની ભૂમિકાથી ખુશ ન હોવાથી ઠુકરાવી દીધી હતી. જે પછી વહીદા રહેમાને નિભાવી હતી. કેમકે એ માનતી હતી કે દક્ષિણના નિર્માતાની ફિલ્મમાં સહજ રહી શકે એમ ન હતી. પરંતુ દક્ષિણના નિર્દેશક વિજય રેડ્ડીની ફિલ્મ ‘શ્રીમાન શ્રીમતિ’ (૧૯૮૨) કરવી પડી હતી. કેમકે એ સમય પર રાખીના ઘરનું કામ ચાલી રહ્યું હતું અને રૂપિયાની સખત જરૂર હતી.

ચાંદ કે હમ સિકંદર…

બુધવારે આપણા પોત્તાના ચંદ્રયાન-3એ ચન્દ્રની સપાટી પર સક્સેસફુલી સૉફટ લૅન્ડિંગ કર્યું ચંદ્ર પર મુલાયમ ઉતરાણ કરનારો ભારત ચોથો, પણ ચાંદના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પહેલો દેશ. અને સોશિયલ મિડિયા પર ‘યેબ્બાત’ કહીને કૉલર ટાઈટ કરવાથી લઈને આ વિશેનાં જાતજાતનાં મશકરા મીમ્સ બન્યાં, દૂરદર્શનની નૅશનલ ચૅનલ પર આશરે સાઠ લાખ અને ઈસરોની સત્તાવાર યુટ્યુબ ચૅનલ પર સાત કરોડથી વધુ લોકોએ લાઈવ લૅન્ડિંગ જોયું. એક અહેવાલ મુજબ, યુટ્યુબ પર લાઈવ પર મળેલા આ સૌથી વધારે વ્યુઝ છે. હવે ભેજાબાજ વેપારીઓ દ્વારા ‘ઍસ્ટ્રોનટ રાખડી’થી લઈને ‘ઈસરો દિવાલી ગિફ્ટ હૅમ્પર’ લૅન્ડ કરાવવાની યોજના ચાલી રહી છે, ગણેશોત્સવ, દુર્ગા પૂજા દરમિયાન ચંદ્રયાન તથા લૅન્ડિંગને લગતા થિમ આધારિત પંડાલ બનશે.

પૉઈન્ટ એ કે સોશિયલ મિડિયાના જમાનામાં ભારતની આવી સિદ્ધિને કેવી રીતે વધાવવામાં આવી. બોલિવૂડવાળાઓ હવે આ વિષય પર ફિલ્મ બનાવવા ‘મિશન ચંદ્રયાન’, ‘ચંદ્રયાન 3’, ‘ચાંદ કી ખોજ મેં’, ‘હિંદુસ્તાન કી શાન… ચંદ્રયાન’ જેવાં ટાઈટલ્સ રજિસ્ટર કરાવવા ધક્કામુક્કી કરી રહ્યા છે. તો બીજી બાજુ સેલિબ્રિટી પોતપોતાની રીતે ‘ઈસરો’ના અધ્યક્ષ એસ. સોમનાથ અને એમની ટીમને અભિનંદન આપી રહ્યા છે. જેમ કે શાહરુખ ખાને લખ્યું કે “ચાંદ તારે તોડ લાઉં… સારી દુનિયા પર મૈં છાઉં…” આજ ઈન્ડિયા ઔર ઈસરો છા ગયા. તો અમૂલે કહ્યું, “મૂન મીઠા કરો.”

આમ તો ચાંદલિયાને અને ચંદ્રિકા એટલે કે ચાંદનીને ધ્યાનમાં રાખીને સિનેમાના શાયર, ગીતકારોએ “ખોયા ખોયા ચાંદ”થી લઈને “ચાંદ છૂપા બાદલ મેં” જેવી એક એકથી ચડિયાતી રચનાઓથી સંગીતપ્રેમીના કાનમાં રીતસરના સોનાના ચરુ ઠાલવી દીધા છે. બુધવારની ઢળતી સાંજે ભારતવાસીઓએ આવી રચનાઓનો મારો, ટ્વિટર, ફેસબુક પર, સાઈટ ક્રૅશ થઈ જાય, એ હદે ચલાવ્યો.

પર્સનલી મને આજે મોજમસ્તી અનલિમિટેડમાં જે ગીત ટાંકવું ગમે એ છેઃ “ચાઁદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર”… યસ્સ, ચંદ્રમા તરફ તાકીને જોતા ચકોર નામના પક્ષીને કેન્દ્રમાં રાખીને રચાયેલી આ રચના મને બે કારણસર ટાંકવી ગમે. પહેલું કારણઃ દેવોની ભાષા સંસ્કૃતના એક શબ્દનો, ચકોરનો વપરાશ, જેણે કવિને આ લખવાની પ્રેરણા આપી. હવે તો વિક્રમ લૅન્ડરના મૂન સફરેસ પર લૅન્ડિંગથી પ્રેરણા વાસ્તવિકતા પલટાઈ ગઈ છે.

બીજું કારણ એ કે ગીતને ગાનારા મૂકેશજીની જન્મશતાબ્દીનું આ વર્ષ. એટલે જ, 1966માં આવેલી અલ્પપ્રસિદ્ધ ફિલ્મ ‘લાલ બંગલા’ માટે ઉષા ખન્નાએ સ્વરાંકિત કરેલું આ ગીત પ્રાસંગિક બની રહે. વિશેષ તો એ જમાનામાં ચકોર પક્ષીનો ઊંડો અભ્યાસ કરીને આવું અમર ગીત રચવા બદલ કવિરાજ ઈન્દિવરને થૅન્ક્સ આપવા જ પડે.

આનાં બે વર્ષ બાદ, 1968માં કવિરાજ ઈન્દિવરના સમકાલીન એવા રાજીન્દર ક્રિશ્નએ ડિરેક્ટર એ. ભીમસિંહની ફિલ્મ ‘ગૌરી’ માટે ભજન રચ્યું, “મોર બોલે, ચકોર બોલે… આજ રાધા કે નૈનો મેં શ્યામ ડોલે” જેવું ભજન આપ્યું, જેને સંગીતથી મઢ્યું રવિએ.

ફરી પાછા ‘લાલ બંગલા’ પર પાછા ફરીએ તો, “ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર, વો બિચારા દૂર સે દેખે” એવા કવિરાજ ઈન્દિવરના શબ્દોથી વિપરીત, દૂરથી દેખવાને બદલે આપણે ઠેઠ ચંદ્ર પર પહોંચી ગયા છીએ.

દેશને અંતરીક્ષમાં મૂકી આપવાનું સપનું જોનારા દીર્ઘદ્રષ્ટા વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈને આદરાંજલિ સાથે આ ગીત એમને સમર્પિત.