મોંઘવારી વધવાથી RBI રેપો રેટમાં વધારો કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ હાલમાં ટામેટાં, ડુંગળી સહિત શાકભાજીની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે બીજા બાજુ દાળ-ચોખાની કિંમતો પણ વધતાં મોંઘવારી દરમાં વધારો થયો છે. સરકારે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે, જ્યારે ડુંગળીનો બફર સ્ટોક વધારી દીધો છે. સુગર નિકાસ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી છે, ત્યારે રિઝર્વ બેન્ક વ્યાજદરોમાં વધારો કરે એવી શક્યતા છે.

વિશ્લેષકોનું માનવું છે કે RBI શાકભાજીની કિંમતોમાં વધારાને ખાળવા માટે લિક્વિડિટી મેનેજમેન્ટ પર વિશ્વાસ કરી શકે છે, પણ જો અનાજની કિંમતો વધતાં ફુગાવો વધે તો RBI રેપો રેટમાં વધારો કરે એવી સંભાવના છે. RBIના રેટ-સેટિંગ પેનલ MPCની છેલ્લી બેઠકમાં મિનિટ્સ જારી થવાના એક દિવસ પછી વિદેશી બ્રોડરેજ HSBCએ કહ્યું હતું કે ટામેટાં જેવી કેટલીક ચીજવસ્તુઓની કિંમતો વધવાથી કેન્દ્રીય બેન્ક ફૂડ પ્રાઇસ પર નજર રાખી રહી છે.જો અનાજના ફુગાવાની આસપાસ કિંમતોમાં દબાણ થાય અને વધવી શરૂ થાય તો મધ્યસ્થ બેન્કને વ્યાજદરોમાં વધારો કરવા માટે મજબૂર થવો પડે, એમ HSBCએ કહ્યું હતું.

ઘરેલુ બ્રોકરેજ કંપની કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝએ કહ્યું હતું કે RBIની બેઠકે મિનિટ્સમાં ફુગાવાને લઈને ચેતવણી ઉચ્ચારી હતી. ઘરેલુ બ્રોકરેજ MKએ કહ્યું હતું કે MPCની અંદર ફુગાવા સંબંધી જોખમોને લઈને મતભેદો છે. આ પહેલાં ડેપ્યુટી ગવર્નર એમ.ડી પાત્રાએ કહ્યું હતું કે ફૂડ પ્રાઇસ પર અસર પડવાથી મુખ્ય ફુગાવો અનિયંત્રિત થવાની અપેક્ષા છે, જેથી રેપો રેટ યથાવત્ રાખવા માટે મતદાન કરવામાં આવ્યું હતું.