ચાંદ કે હમ સિકંદર…

બુધવારે આપણા પોત્તાના ચંદ્રયાન-3એ ચન્દ્રની સપાટી પર સક્સેસફુલી સૉફટ લૅન્ડિંગ કર્યું ચંદ્ર પર મુલાયમ ઉતરાણ કરનારો ભારત ચોથો, પણ ચાંદના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પહેલો દેશ. અને સોશિયલ મિડિયા પર ‘યેબ્બાત’ કહીને કૉલર ટાઈટ કરવાથી લઈને આ વિશેનાં જાતજાતનાં મશકરા મીમ્સ બન્યાં, દૂરદર્શનની નૅશનલ ચૅનલ પર આશરે સાઠ લાખ અને ઈસરોની સત્તાવાર યુટ્યુબ ચૅનલ પર સાત કરોડથી વધુ લોકોએ લાઈવ લૅન્ડિંગ જોયું. એક અહેવાલ મુજબ, યુટ્યુબ પર લાઈવ પર મળેલા આ સૌથી વધારે વ્યુઝ છે. હવે ભેજાબાજ વેપારીઓ દ્વારા ‘ઍસ્ટ્રોનટ રાખડી’થી લઈને ‘ઈસરો દિવાલી ગિફ્ટ હૅમ્પર’ લૅન્ડ કરાવવાની યોજના ચાલી રહી છે, ગણેશોત્સવ, દુર્ગા પૂજા દરમિયાન ચંદ્રયાન તથા લૅન્ડિંગને લગતા થિમ આધારિત પંડાલ બનશે.

પૉઈન્ટ એ કે સોશિયલ મિડિયાના જમાનામાં ભારતની આવી સિદ્ધિને કેવી રીતે વધાવવામાં આવી. બોલિવૂડવાળાઓ હવે આ વિષય પર ફિલ્મ બનાવવા ‘મિશન ચંદ્રયાન’, ‘ચંદ્રયાન 3’, ‘ચાંદ કી ખોજ મેં’, ‘હિંદુસ્તાન કી શાન… ચંદ્રયાન’ જેવાં ટાઈટલ્સ રજિસ્ટર કરાવવા ધક્કામુક્કી કરી રહ્યા છે. તો બીજી બાજુ સેલિબ્રિટી પોતપોતાની રીતે ‘ઈસરો’ના અધ્યક્ષ એસ. સોમનાથ અને એમની ટીમને અભિનંદન આપી રહ્યા છે. જેમ કે શાહરુખ ખાને લખ્યું કે “ચાંદ તારે તોડ લાઉં… સારી દુનિયા પર મૈં છાઉં…” આજ ઈન્ડિયા ઔર ઈસરો છા ગયા. તો અમૂલે કહ્યું, “મૂન મીઠા કરો.”

આમ તો ચાંદલિયાને અને ચંદ્રિકા એટલે કે ચાંદનીને ધ્યાનમાં રાખીને સિનેમાના શાયર, ગીતકારોએ “ખોયા ખોયા ચાંદ”થી લઈને “ચાંદ છૂપા બાદલ મેં” જેવી એક એકથી ચડિયાતી રચનાઓથી સંગીતપ્રેમીના કાનમાં રીતસરના સોનાના ચરુ ઠાલવી દીધા છે. બુધવારની ઢળતી સાંજે ભારતવાસીઓએ આવી રચનાઓનો મારો, ટ્વિટર, ફેસબુક પર, સાઈટ ક્રૅશ થઈ જાય, એ હદે ચલાવ્યો.

પર્સનલી મને આજે મોજમસ્તી અનલિમિટેડમાં જે ગીત ટાંકવું ગમે એ છેઃ “ચાઁદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર”… યસ્સ, ચંદ્રમા તરફ તાકીને જોતા ચકોર નામના પક્ષીને કેન્દ્રમાં રાખીને રચાયેલી આ રચના મને બે કારણસર ટાંકવી ગમે. પહેલું કારણઃ દેવોની ભાષા સંસ્કૃતના એક શબ્દનો, ચકોરનો વપરાશ, જેણે કવિને આ લખવાની પ્રેરણા આપી. હવે તો વિક્રમ લૅન્ડરના મૂન સફરેસ પર લૅન્ડિંગથી પ્રેરણા વાસ્તવિકતા પલટાઈ ગઈ છે.

બીજું કારણ એ કે ગીતને ગાનારા મૂકેશજીની જન્મશતાબ્દીનું આ વર્ષ. એટલે જ, 1966માં આવેલી અલ્પપ્રસિદ્ધ ફિલ્મ ‘લાલ બંગલા’ માટે ઉષા ખન્નાએ સ્વરાંકિત કરેલું આ ગીત પ્રાસંગિક બની રહે. વિશેષ તો એ જમાનામાં ચકોર પક્ષીનો ઊંડો અભ્યાસ કરીને આવું અમર ગીત રચવા બદલ કવિરાજ ઈન્દિવરને થૅન્ક્સ આપવા જ પડે.

આનાં બે વર્ષ બાદ, 1968માં કવિરાજ ઈન્દિવરના સમકાલીન એવા રાજીન્દર ક્રિશ્નએ ડિરેક્ટર એ. ભીમસિંહની ફિલ્મ ‘ગૌરી’ માટે ભજન રચ્યું, “મોર બોલે, ચકોર બોલે… આજ રાધા કે નૈનો મેં શ્યામ ડોલે” જેવું ભજન આપ્યું, જેને સંગીતથી મઢ્યું રવિએ.

ફરી પાછા ‘લાલ બંગલા’ પર પાછા ફરીએ તો, “ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઉસે કોઈ ચકોર, વો બિચારા દૂર સે દેખે” એવા કવિરાજ ઈન્દિવરના શબ્દોથી વિપરીત, દૂરથી દેખવાને બદલે આપણે ઠેઠ ચંદ્ર પર પહોંચી ગયા છીએ.

દેશને અંતરીક્ષમાં મૂકી આપવાનું સપનું જોનારા દીર્ઘદ્રષ્ટા વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈને આદરાંજલિ સાથે આ ગીત એમને સમર્પિત.