MPમાં મંત્રીમંડળનું વિસ્તરણઃ ઉમા ભારતીના ભત્રીજાનો સમાવેશ

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે, ત્યારે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. તેમણે ત્રણ મંત્રીઓને સામેલ કરીને પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. વિંધ્ય ક્ષેત્રના રાજેન્દ્ર શુક્લા અને મહાકૌશલ ક્ષેત્રના ગૌરીશંકર બિસેન તથા બંદેલખંડના રાહુલ લોધીએ રાજ્ય મંત્રી પદના શપથ લીધા હતા.  ભોપાલમાં રાજભવનમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે ત્રણે ધારાસભ્યોને મંત્રીપદની શપથ લેવડાવ્યા હતા.

મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો હાલનો કાર્યકાળ માર્ચ, 2020થી શરૂ થયો હતો. ધ્યાન ખેંચે એવી વાત એ છે કે બુંદેલખંડ ક્ષેત્રના ટિકમગઢ જિલ્લાના ખરગાપુરથી પહેલી વાર વિધાનસભ્ય બનેલા લોધીને રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. લોધી ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ઉમા ભારતીના ભત્રીજા છે.

તેમણે શપથ લીધા બાદ કહ્યું કે હતું પાર્ટીએ અમારા ઉપર જે વિશ્વાસ દેખાડ્યો છે. તેના માટે અમે બુંદેલખંડમાં જેટલો સંભવ હોય એટલા પ્રયત્નો કરીશું. સારા પ્રદર્શન માટે દોઢ મહિનો જ કાફી છે. સીએમએ યોગ્ય સમય પર નિર્ણય લીધો છે. અમે અમારો સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશું. અમારી પ્રાથમિક્તા બુંદેલખંડને મજબૂત કરવા અને તેનો વિકાસ કરવાની છે. હું 150 સીટો જીતવાના પાર્ટીના લક્ષ્યની દિશામાં પ્રયત્ન કરીશ.

આ સાથે નવનિયુક્ત મંત્રી રાજેન્દ્ર શુક્લએ કહ્યું હતું કે અમે નજર રાખીશું અને સુનિશ્ચિત કરીશું કે બધા વિકાસ કાર્ય અને જન્મ કલ્યાણ યોજનાઓ નીચે સુધી પહોંચે. જ્યારે મંત્રી ગૌરીશંકર બિસેને કહ્યું હતું કે અમારી પ્રાથમિક્તા રાજ્યના વિકાસ અને લોકોના કલ્યાણ કરવાનો છે.