એટલે રાખી અમિતાભની ‘મા’ બની

નિર્દેશક રમેશ સિપ્પીએ રાખીને અમિતાભની માતાની ભૂમિકાવાળી ફિલ્મ ‘શક્તિ’ (૧૯૮૨) માં કામ કરવા કહ્યું ત્યારે બહુ મૂંઝવણ અનુભવી હતી. પરંતુ એક એવી તક હતી જેના કારણે હા પાડી દીધી હતી. રાખીએ અમિતાભ સાથે હીરોઈન તરીકે જ ફિલ્મો કરી હતી અને એમની જોડી બહુ સફળ રહી હતી. એટલું જ નહીં જ્યારે ‘શક્તિ’ મળી ત્યારે એ બંને ‘બરસાત કી એક રાત’ (૧૯૮૧) માં પણ હીરો-હીરોઈન તરીકે જ કામ કરી રહ્યા હતા. ‘શક્તિ’ વહેલી શરૂ થઈ હોવા છતાં એને રજૂ થવામાં સમય લાગ્યો હતો. ત્યારે ‘બેમિસાલ’ (૧૯૮૨) માં રાખી અમિતાભની ભાભી તરીકે કામ કરી રહી હતી. અમિતાભે એમાં રાખીને ‘ભાભી’ નહીં પણ ‘સખી’ તરીકે જ બોલાવી હતી. ‘શક્તિ’ વખતે પણ અમિતાભે ફેરફાર કરાવ્યો હતો.

ફિલ્મના એક દ્રશ્યમાં રાખી બીમાર પડી હતી અને અમિતાભે ‘માં’ તરીકે સંબોધન કરવાનું હતું. ત્યારે અમિતાભે ‘માં’ શબ્દનો ઉચ્ચાર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે રાખીને ‘માં’ નહીં ‘મમ્મા’ તરીકે બોલાવશે. બંને માટે મા-પુત્રના દ્રશ્યોનું શૂટિંગ કરવાનું કામ સરળ ન હતું. બંને અન્ય ફિલ્મોમાં હીરો- હીરોઈન તરીકે પણ રોમેન્ટિક દ્રશ્યોમાં કામ કરી રહ્યા હતા. રાખીએ પોતાના સહાયકોને સૂચના આપી હતી કે ‘શક્તિ’ ના અમિતાભ સાથેના શૂટિંગમાં કોઈપણ દ્રશ્ય અભિનયની રીતે ચાલુ પ્રકારનું લાગે તો એને ટોકવાની. રાખી ‘શક્તિ’ કરવી કે નહીં એની મૂંઝવણમાં હતી ત્યારે રમેશ સિપ્પી અને સલીમ-જાવેદ એને જ આગ્રહ કરી રહ્યા હતા. એમનું કહેવું હતું કે એમના સિવાય કોઈ વિકલ્પ નથી. રાખીએ બહુ વિચાર કર્યો હતો.

અસલમાં રાખીને બિમલ રૉય, ગુરુદત્ત, બલરાજ સહાની જેવા દિગ્ગજો સાથે કામ કરી ન શક્યાંનો અફસોસ હતો. હવે દિલીપકુમાર જીવતા હતા ત્યારે એમની સાથે કામ કરવાની તક ગુમાવવા જેવી લાગતી ન હતી. આ પહેલાં બી.આર. ચોપડાની ફિલ્મ ‘દાસ્તાન’ (૧૯૭૨) માં દિલીપકુમાર સાથે કામ કરવાની તક મળી હતી. નિર્દેશક રાખીને સારી છોકરી ‘મીના’ ની ભૂમિકામાં લેવા માગતા હતા. પાછળથી એ માટે શર્મિલા ટાગોરને લેવામાં આવી હતી. જ્યારે રાખી એમાં ખલનાયિકા ‘માલા’ ની ભૂમિકા ભજવવા માગતી હતી. જે પછી બિંદુએ નિભાવી હતી. ‘શક્તિ’ મળી રહી હતી ત્યારે રાખીને લાગ્યું કે દિલીપકુમારની પત્નીની આ ભૂમિકા હવે છોડી દેવા જેવી નથી. અને બધાએ એમ કહીને ના પાડી હતી કે એમાં અમિતાભની ‘માં’ બનવાથી કારકિર્દી ખતમ થઈ જશે. પણ રાખીએ માત્ર અને માત્ર દિલીપકુમાર સાથે કામ કરવા ‘શક્તિ’ સ્વીકારી લીધી હતી.

રાખીએ હંમેશા પોતાની ભૂમિકાને જ ધ્યાનમાં રાખીને ફિલ્મો સ્વીકારી છે. એ પછી તરત જ અમિતાભ સાથેની દક્ષિણના નિર્દેશક એસ. રામાનાથનની ફિલ્મ ‘મહાન’ (૧૯૮૩) માં પત્ની ‘જાનકી’ ની ભૂમિકા મળી હોવા છતાં પોતાની ભૂમિકાથી ખુશ ન હોવાથી ઠુકરાવી દીધી હતી. જે પછી વહીદા રહેમાને નિભાવી હતી. કેમકે એ માનતી હતી કે દક્ષિણના નિર્માતાની ફિલ્મમાં સહજ રહી શકે એમ ન હતી. પરંતુ દક્ષિણના નિર્દેશક વિજય રેડ્ડીની ફિલ્મ ‘શ્રીમાન શ્રીમતિ’ (૧૯૮૨) કરવી પડી હતી. કેમકે એ સમય પર રાખીના ઘરનું કામ ચાલી રહ્યું હતું અને રૂપિયાની સખત જરૂર હતી.