Home Blog Page 2564

ચીને અરુણાચલને પોતાનો હોવાનો દાવો કરતો નકશો બહાર પાડ્યો, ભારતે વાંધો વ્યક્ત કર્યો

ચીનના નવા નકશાને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ મંગળવારે કહ્યું કે અમે રાજદ્વારી ચેનલ દ્વારા વિરોધ કર્યો છે. ચીને પોતાના નવા નકશામાં અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર જાહેર કર્યો છે. બાગચીએ કહ્યું, અમે ભારતના વિસ્તારનો દાવો કરતા ચીનના કહેવાતા પ્રમાણભૂત નકશા પર રાજદ્વારી ચેનલ દ્વારા વિરોધ નોંધાવ્યો છે. અમે આ દાવાઓને નકારીએ છીએ કારણ કે તેમનો કોઈ આધાર નથી. આવા પગલાં ચીનના પક્ષ દ્વારા સીમા પ્રશ્નના નિરાકરણને જટિલ બનાવશે. ચીને સોમવારે સત્તાવાર રીતે તેના માનક નકશાનું 2023 સંસ્કરણ બહાર પાડ્યું. તેમાં અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન ક્ષેત્ર, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગર પર તેના દાવા સહિત અન્ય વિવાદિત વિસ્તારોનો સમાવેશ થાય છે.

ચીને શું કહ્યું?

ચીનના રાજ્ય સંચાલિત ગ્લોબલ ટાઈમ્સે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું છે, “ચીનના નકશાનું 2023 વર્ઝન સોમવારે સત્તાવાર રીતે બહાર પાડવામાં આવ્યું હતું અને પ્રાકૃતિક સંસાધન મંત્રાલયની માલિકીની માનક નકશા સેવાની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું,” સમાચાર એજન્સી પીટીઆઈએ અહેવાલ આપ્યો હતો. તે જારી કરવામાં આવેલ છે. આ નકશો ચીન અને વિશ્વના વિવિધ દેશોની રાષ્ટ્રીય સીમાઓ દોરવાની પદ્ધતિના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.

શું કહ્યું વિદેશ મંત્રી એસ જયશંકરે?

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, “ચીને નકશો જારી કરીને જે વિસ્તાર પર દાવો કર્યો છે તે તેનો પોતાનો નથી.” ચીનની આદત બની ગઈ છે કે તે વારંવાર ભારતના વિસ્તાર પર દાવો કરવા માટે આવું કરે છે, પરંતુ તેનાથી કંઈપણ બદલાવાનું નથી. અમારી સરકાર ભારતના વિસ્તારને લઈને એકદમ સ્પષ્ટ છે.

ભારત શું કહે છે?

ભારત વારંવાર કહેતું આવ્યું છે કે અરુણાચલ પ્રદેશ તેનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. મે 2020 માં પૂર્વ લદ્દાખમાં બોર્ડર સ્ટેન્ડઓફ શરૂ થયા પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ ઉભો થયો.

શાળામાં બાળકોને મુકવા આવતા વાલીઓને બરમૂડા કે નાઇટડ્રેસ ન પહેરવા સૂચના આપવામાં આવી

રાજકોટના સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાનગી શાળાઓમાં હવે વાલીઓએ પુરા વસ્ત્ર પહેરીને પોતાના સંતાનને તેડવા માટે આવવું પડશે. શહેરની સ્વનિર્ભર શાળાએ વાલીઓના પહેરવેશને લઇ ટકોર કરી છે. બાળકોને શાળાએ મુકવા આવતા માતા-પિતાને શિસ્તબંધ કપડા પહેરવા સૂચન કર્યું છે. વહેલી સવારે શાળામાં બાળકોને મુકવા આવતા વાલીઓને બરમૂડા કે નાઇટડ્રેસ ન પહેરવા સૂચના આપવામાં આવી છે. સોમવારે મળેલી કારોબારીની બેઠકમાં આ મુદ્દાને લઇ ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં તમામ ખાનગી શાળામાં નિયમ લાગુ કરવામાં આવશે.


શાળાએ સંસ્કારોનું ધામ છે, શિક્ષણનું મંદિર છે ત્યારે વિદ્યાર્થીઓના જીવનમાં મહત્વનો ભાગ ભજવતી રાજકોટની શાળાઓમાં વાલીઓએ પણ શિસ્તમાં જ રહેવું પડશે. વાલીઓ હવે ટૂંકા વસ્ત્ર પહેરી વાલીઓ સ્કૂલમાં નહીં જઈ શકે. રાજકોટ શાળા સંચાલકોએ નિયમો બનાવ્યા છે. શાળા એક મંદિર છે જ્યાં નાઈટ્રેસ અને બરમુડા પહેરી ન આવી શકાય તેમ સંચાલકોએ જણાવ્યું હતું. બાળકોને પ્રેરણા મળે તેવા ડ્રેસકોડ સાથે જ કેમ્પસમાં આવવા પર વાલીઓને તાકીદ કરવામાં આવી હતી. રાજકોટ શહેરની તમામ શાળાઓ માટે આ નિયમ લાગુ કરાશે. શિસ્ત ભંગ કરતા કપડાં પહેરીને સ્કૂલ કેમ્પસમાં આવશે તો તેમને ગેટ પર જ અટકાવી દેવામાં આવશે, તેમ શાળા સંચાલકોએ જણાવ્યું હતું.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં OBCને હવે 27% અનામતનો નિર્ણય લેવામાં આવ્યો

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોની ગ્રાન્ટમાં વધારો કર્યા બાદ સરકરારે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓનું પણ વિચાર્યું છે, જેને લઈને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓના માસિક ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓને તબીબી ભથ્થા પેટે અત્યાર સુધીમાં માસિક રુ.300 મળતા જેમાં હવે રુ. 700નો વધારો કર્યો છે. જેથી હવે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના કર્મચારીઓને માસિક ભથ્થામાં રુ.1000 ચુકવાશે. ગત 24મી સપ્ટેમ્બર-2022ના રોજ રાજ્ય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરોને મળવાપાત્ર પ્રતિ માસ રૂ.300 તબીબી ભથ્થામાં વધારો કરી રૂ.1 હજાર કર્યાનો ઠરાવ પ્રસિદ્ધ થયો હતો. ત્યાર બાદ શાળા કમિશનર કચેરીમાં ગ્રાન્ટેડ શાળાના કર્મીઓએ પણ માગ કરી હતી. જે સંદર્ભે ગત ઓક્ટોબર-2022ના રોજ શિક્ષણ વિભાગે આ કર્મીઓના માસિક ભથ્થામાં પણ રૂ.700 વધારો કર્યો હતો. એ પછી પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ગત 3 મે-2023ના રોજ શિક્ષણ વિભાગમાં પત્ર કર્યો હતો કે, બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓના શૈક્ષણિક કર્મચારીઓને હાલમાં મળતાં પ્રતિ માસ રૂ.300ના તબીબી ભથ્થામાં વધારો કરી પ્રતિ માસ રૂ.1,000 ચુકવવામાં આવે. નિયામક કચેરીના આ પત્રને વંચાણે લીધા બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ કર્મારીઓને પણ માસિક રૂ.1,000નું તબીબી ભથ્થુ ચુકવાય તે અંગે સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે.

અગાઉ ગ્રાન્ટેડ સ્કૂલોને સોએ સો ટકા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી

ગ્રાન્ટેડ સ્કૂલો સાથે સરકારની ભેદભાવભરી નીતિ હતી. જે સ્કૂલનું પરિણામ ઓછું આવે એને ઓછી ગ્રાન્ટ, જેનું રિઝલ્ટ ઊંચું આવે એને ઊંચી ગ્રાન્ટ. આ નીતિ સામે લાંબા સમયથી શાળા સંચાલક મંડળનો વિરોધ ચાલતો હતો, પણ નીતિમાં ફેરફાર થયો નહીં. સરકારે હવે આ નીતિમાં ફેરફાર કરીને ગ્રાન્ટેડ સ્કૂલ સાથેનો ભેદભાવ દૂર કર્યો છે અને તમામ ગ્રાન્ટેડ સ્કૂલને સોએ સો ટકા ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. આના કારણે ગ્રાન્ટેડ સ્કૂલોમાં નવા પ્રાણનો સંચાર થઈ શકશે.

બ્રિટનમાં એરલાઈન્સ બંધ થવાને કારણે અફરાતફરી મચી ગઈ

સમગ્ર યુકેમાં એર ટ્રાફિક સેવામાં ટેકનિકલ ખામીને કારણે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે એરપોર્ટ પર અરાજકતા સર્જાઈ રહી છે. સેંકડો ફ્લાઈટ્સ ગંભીર રીતે ખોરવાઈ ગઈ છે અને હજારો મુસાફરો ફસાયેલા છે. યુકે સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તકનીકી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે, પરંતુ ફ્લાઇટ્સ પર અસર ચાલુ રહેશે કારણ કે એરલાઇન્સ તેમના સમયપત્રક પર વૈકલ્પિક ફ્લાઇટ્સ પર ફસાયેલા મુસાફરોને સમાવવા માટે સંઘર્ષ કરે છે. સોમવારે સવારે બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ કોમ્પ્યુટર સિસ્ટમમાં નેટવર્ક વ્યાપી ખામી સર્જાઈ હતી. જેના કારણે સેંકડો ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. સોશિયલ મીડિયા પર એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે બ્રિટનની ટ્રાફિક સેવા પર સાયબર હુમલો થયો છે. યુકે સરકારના મંત્રી માર્ક હાર્પર દ્વારા આવા અહેવાલોને સંપૂર્ણ રીતે નકારી કાઢવામાં આવ્યા હતા.

ટ્રાફિક કંટ્રોલની ખામી પાછળ સાયબર એટેક નથી

તેમણે કહ્યું કે સોમવારની એર ટ્રાફિક કંટ્રોલની ખામી પાછળ સાયબર એટેક નથી. હાર્પરે ધ્યાન દોર્યું કે લગભગ એક દાયકામાં આ સ્કેલ પર કંઈ થયું નથી, પરંતુ સિસ્ટમ સામાન્ય રીતે ખૂબ સારી રીતે કામ કરે છે. તેમણે કહ્યું કે અમારા ટેકનિકલ નિષ્ણાતોએ તેની તપાસ કરી છે અને તે સ્પષ્ટ છે કે તે સાયબર સુરક્ષાની ઘટના નથી.

ઘટનાની સ્વતંત્ર સમીક્ષા કરવામાં આવશે

મંત્રીએ કહ્યું કે શું થયું તેની સ્વતંત્ર સમીક્ષા કરવામાં આવશે અને આગામી દિવસોમાં રિપોર્ટની અપેક્ષા છે. સોમવારે બપોરે સિસ્ટમ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી અને વસ્તુઓ સામાન્ય થઈ રહી છે, પરંતુ દેખીતી રીતે કેટલાક વિક્ષેપ છે જે આજે લોકો માટે ચાલુ રહેશે અને મને ખબર છે કે હજારો અસરગ્રસ્ત થયા છે. એ પણ જણાવ્યું હતું કે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એરલાઇન્સ તેમની જવાબદારીઓ પર આગળ વધશે અને ખાતરી કરશે કે તેઓ લોકોને તેમના ગંતવ્ય સ્થાને લઈ જશે, તેમને વૈકલ્પિક ફ્લાઇટમાં બેસાડશે અને આ દરમિયાન ખાવા, પીવા અને રહેવાની વ્યવસ્થા કરશે.

અદાણી વિદ્યામંદિર ખાતે સુરક્ષાકર્મીઓ ‘રક્ષાકવચ’ના સ્નેહબંધનમાં બંધાયા

અમદાવાદ: અત્રેના અદાણી વિદ્યામંદિર ખાતે આ વર્ષે રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી. સ્વસ્થ અને સુલામત સમાજ માટે સદૈવ તત્પર સુરક્ષાકર્મીઓની રક્ષા માટે વિદ્યામંદિરની બહેનોએ તેમને રાખડીથી સ્નેહબંધનમાં બાંધ્યા. વ્હાલી બહેનોએ ફાયર સ્ટેશન, અર્બન હેલ્થ સેન્ટર, ટ્રાફિક પોલીસ, ફ્ઝીકલ રીસર્ચ લેબોરેટરીના વૈજ્ઞાનિકો તેમજ કેન્સર હોસ્પિટલના દર્દીઓને રાખડી બાંધી તેમના દીર્ઘાયુની કામના કરી હતી.

પોતાના સગા ભાઈને તો દુનિયાભરની સૌ બહેનો રાખડી બાંધતી હોય છે, પરંતુ વિદ્યામંદિરની બહેનોએ સમાજની રક્ષા કરતા ભાઈઓને રાખડી બધી નવો સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા સુપરહીરો સમાન ભાઈઓના સ્વસ્થ અને દીર્ઘાયુ થવાની ઈશ્વરને પ્રાર્થના કરી, તો ભાઈઓએ પણ આફતની આકરી ઘડીમાં તેમની પડખે ઉભા રહેવાનું વચન આપ્યું.

વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રાફિક પોલીસકર્મીઓને કુમકુમનો તિલક કરી હાથે રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. તમામ પોલીસ જવાનો, ડોક્ટર્સ, દર્દીઓ તેમજ વૈજ્ઞાનકોને રાખડી બાંધ્યા બાદ ભાઈઓએ પણ વ્હાલસોયી બહેનોને અનોખી ભેટ આપી હતી. એટલું જ નહી, પોલીસે તેમને જરૂરી માહિતી આપી જાગૃત કર્યા હતા.

અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરતા આપણા દેશના શૂરવીર ભાઈઓ થકી જ આપણે શાંતિ અને સલામતીપૂર્વક જીવન જીવી શકીએ છીએ. રક્ષાસૂત્રની સાથે બહેનોએ તેમની સેવાને બિરદાવતા શુભેચ્છા પત્રિકા પણ અર્પણ કરી હતી. જો કે આ સ્નેહકાર્ય માટે વિદ્યાર્થિનીઓને બે દિવસ સુધી વિવિધ સ્થળોનો પ્રવાસ ખેડવો પડ્યો હતો.

વિદ્યાર્થિનીઓના ચહેરા પર રક્ષાબંધન પર્વની ઉજવણીનો ઉત્સાહ ઉડીને આંખે વળગી રહ્યો હતો. તો ભાઈઓ પણ ઉજવણીમાં ઉત્સાહભેર સામેલ થયા હતા અને હોંશે હોંશે રાખડી બંધાવી હતી.

સ્ત્રીઓની આત્મકથા અન્ય માટે દીવાદાંડી સમાન: વર્ષા અડાલજા

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કેઈએસ, ગુજરાતી ભાષા ભવનના સહયોગથી આયોજિત પરિસંવાદ ‘કથા આત્મકથાની’ તા. ૨૭ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ કાંદિવલી ખાતે જયંતીલાલ એચ. પટેલ લૉ કૉલેજના હૉલમાં યોજાયો હતો. જેમાં વક્તા તરીકે વિખ્યાત સાહિત્યકાર-નવલકથાકાર વર્ષાબેન અડાલજા અને સંશોધક-પ્રોફેસર ડૉ. ઉર્વશી પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં.

સંયોજક સંજય પંડ્યાએ કેઈએસના ટ્રસ્ટી અને વાઈસ પ્રેસિડન્ટ મહેશ શાહનો પરિચય આપ્યો હતો. મહેશ શાહે સ્વાગત શબ્દના વિસ્તૃત અર્થ સાથે સૌને આવકાર્યા બાદ પરિસંવાદનું સંચાલન ડૉ. કવિત પંડ્યાએ કર્યુ હતું. તેમણે વર્ષાબેન અડાલજા અને ડો. ઉર્વશી પંડ્યાનો પરિચય આપ્યો હતો.

વર્ષાબેને કહ્યું, ‘આત્મકથા એ લપસણું સ્વરૂપ છે. સાહિત્યના સ્વરૂપ લેખે આત્મકથા લખવી અઘરી છે. ગુજરાતીમાં સ્ત્રીઓએ આત્મકથા કે આત્મચરિત્ર ઓછાં લખ્યાં છે, જ્યારે ભગિની ભાષાઓ – મરાઠી, બંગાળીમાં ૧૮૬૦થી વધારે આત્મચરિત્રો લખાયાં છે. ગુજરાતીમાં સ્ત્રીઓનાં આત્મલેખનની શોધ કરતાં ‘પાર્વતીકુંવર આખ્યાન‘ ગુજરાતી સ્ત્રી વિષે લખાયેલું પહેલું જ જીવનચરિત્ર છે જે તેમના પત્નીનાં મૃત્યુ બાદ મહિપતરામે ૧૮૮૧માં લખ્યું હતું. એ અરસામાં એક પારસીબહેનની આત્મકથા મળે છે. એ પછી પાંચ દાયકા બાદ ગુજરાતના પહેલા સ્નાતક શારદાબહે મહેતાની આત્મકથા – ’જીવન સંભારણા‘ પ્રગટ થઈ હતી.’

વર્ષાબેને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ‘આત્મકથા હંમેશા ફરિયાદ કે રોદણાં નથી હોતી પણ અમુક સ્ત્રીઓ કેવી કેવી પરિસ્થિતિમાં લડી, જીતી, હારી તેને વાચા આપે છે, જે અન્યો માટે દીવાદાંડી સમાન બની રહે છે. પણ દાયકાઓથી સમાજમાં અને વિશ્વના અન્ય દેશોમાં પણ સ્ત્રીઓ સેકન્ડ સિટીઝન જેવી ગણાતી હોય, જેઓ ઘરેલુ હિંસાનો ભોગ બનતી હોય, સામાન્ય અને મહત્ત્વના અધિકારો માટે ઝઝુમવું પડતું હોય, પોતાનાં દેહ માટે સ્વયંના અધિકાર માટે પણ લડવું પડતું હોય એવું જોવાયું છે. સ્ત્રીઓનું શારીરિક, માનસિક, ભાવનાત્મક શોષણ કરીને એમને હાંસિયામાં ધકેલી દેવામાં આવતી હોય છે.’ વર્ષાબેનનાં આ અત્યંત સંવેદનશીલ વક્તવ્યએ શ્રોતાઓને ભાવવિભોર કરી દીધાં હતાં.

ત્યારબાદ ડૉ. ઉર્વશી પંડ્યાએ કમળાબેન પટેલ લિખિત ‘મૂળ સોતાં ઉખડેલાં’ કૃતિ પર મનનીય વક્તવ્યમાં કૃતિનો ભાવવાહી પરિચય કરાવ્યો હતો. ‘મૂળ સોતાં ઉખડેલાં’ એ આત્મકથા નથી આલેખન છે એમ જણાવતાં તેમણે એના વિષે ઘણી વિચારપ્રેરક કરૂણતાસભર માહિતી આપી હતી.

(પૂર્ણા મોદી)

બાયોગેસ (ઈથેનોલ) પર ચાલતી દુનિયાની પહેલી કાર ભારતમાં લોન્ચ કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ આજે અહીં ઈનોવા હાઈક્રોસ કારનું ઉદઘાટન કર્યું છે, જે સંપૂર્ણપણે સસ્તા એવા ઈથેનોલ ઈંધણ (બાયોગેસ) પર ચાલે છે. ભારતમાં 100 ટકા ઈથેનોલ પર આધારિત એમપીવી સેગમેન્ટમાં ઈનોવા હાઈક્રોસને પ્રસ્તુત કરનારી ટોયોટા ઈનોવા પહેલી કંપની બની છે. ઈનોવા ઈલેક્ટ્રિક ફ્લેક્સ-ફ્યૂએલ સર્ટિફિકેટ સહિત ‘BS-6 સ્ટેજ-II’ હેઠળ આવતા વાહનોમાં આ પ્રકારની પહેલી બેઝ્ડ-મોડેલ કાર છે. આ કાર ઈથેનોલ ઉપરાંત ઈલેક્ટ્રિક વેહિકલ તરીકે પણ ચાલી શકે છે. આ કાર ટોયોટા કિર્લોસ્કર મોટર કંપનીએ બનાવી છે. આ કારના ઉદઘાટન સમયે અન્ય કેન્દ્રિય પ્રધાન – પેટ્રોલિયમ અને નેચરલ ગેસ ખાતાના પ્રધાન હરદીપસિંહ પુરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર ઈલેક્ટ્રિક પાવર જનરેટ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. ઈલેક્ટ્રીફાઈડ ઈનોવા હાઈક્રોસ દુનિયાની પહેલી જ ફ્લેક્સ-ફ્યૂએલ પ્રોટોટાઈપ મોડેલ કાર છે, જે ભારતમાં નવા એમિશન ધારાધોરણો – BS સ્ટેજ 6 નિયમાનુસાર અપડેટેડ છે. આ કાર પ્રતિ લીટર 23.34 કિલોમીટરનું માઈલેજ આપવા સક્ષમ છે.

ગડકરીએ તાજેતરમાં જ એક શિખર સંમેલન વખતે જાહેરાત કરી હતી કે દેશમાં ટૂંક સમયમાં જ સંપૂર્ણપણે ઈથેનોલ પર ચાલનારી કાર લોન્ચ કરવામાં આવશે. ટોયોટા ઈનોવા કંપની બાયો ફ્યૂએલ, હાઈડ્રોજન સહિત ઈથેનોલ મિશ્રિત ફ્લેક્સ-ફ્યૂએલના પર્યાય સમી મોટરકારોનું ઉત્પાદન કરે છે. આવી કાર બનાવવા પાછળ કંપનીનો ઉદ્દેશ્ય મોંઘા ઈંધણની આયાતને અટકાવીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું છે.

હવે ફરાળમાં પણ ફ્યૂજન..

આ વર્ષે ભક્તો માટે બે મહિના શ્રાવણ ના આવ્યા છે એક અધિક શ્રાવણ માસ અને દર વર્ષે આવતો પવિત્ર શ્રાવણ. કેટલાક ભકતો એકટાંણુ જમે, કેટલાક ફક્ત ફરાળ પર જ આખોય શ્રાવણ ભજે.

ઉપવાસ અને ફરાળમાં પણ મોર્ડનાઈઝેશન

ભૂખે ભજન ના થાય એટલે કાંઈક આરોગવું પડે એટલે પહેલાં ફરાળની વાત આવે એટલે સુકી ભાજી , રાજગરાનો સીરો પુરી, મોરૈયો અને બફ વડા સુધી ફરાળ સિમિત હતું. પણ હવે શ્રાવણ ના ઉપવાસ અને ફરાળમાં પણ મોર્ડનાઈઝેશન થયું છે. બદલાતા સમય સાથે ફરાળી વાનગીઓ પણ અપગ્રેડ બની છે. ઇન્ટરનેશનલ વિખ્યાત ફૂડ આઈટમોનું પણ ફરાળી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. મન્ચુરિયન, પાસ્તા, મોમોઝ, નુડલ્સથી લઈને પિત્ઝા પણ હવે ફરાળી સ્વરૂપે વેચાતા થયા છે. જ્યારે બીજુ બાજુ આજે પણ હોમ મેડ ફરાળનું ચલણ પણ સતત વધતું જાય છે.

ફાસ્ટફૂડે હવે ફરાળનું સ્વરૂપ લીધું

યંગ જનરેશનને ઉપવાસ કરી ભક્તિમય બનવું છે..પરંતુ કેટલાક ને એક દિવસ પણ સ્વાદિષ્ટ વાનગીઓ વગર ચાલતું નથી. માટે જ સામાન્ય દિવસોમાં મળતા ફાસ્ટફૂડે હવે ફરાળનું સ્વરૂપ લીધું છે. આ શબ્દો છે બદલાતા ટ્રેન્ડ બાબતે અમદાવાદના ફૂડ એક્સપર્ટ દિવ્યા દિપક ઠક્કરના. ચિત્રલેખા.કોમને કહે છે, યંગસ્ટર્સ શિવજી પ્રત્યે પોતાની ભક્તિ પ્રગટ કરવા આખો શ્રાવણ માસ પ્રયાસ કરે છે. પરંતુ એમને જૂના ઢબની ફરાળી આઈટમો આરોગવી થોડી મુશ્કેલ લાગે છે. આવા યુવાનો માટે જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ફરાળ માર્કેટમાં આવ્યા છે. હું તમામ પ્રકારના ફરાળી ફૂડ બનાવું છું, પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખું છે કે એ હેલ્ધી હોય. જેમ કે ફરાળી મન્યુરિયનમાં દૂધી, સુરણ, રાજગરા, શિંગોડા અને આરાના લોટના ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે મોમોઝ આજકાલ યુવાનોનું ફેવરીટ વ્યંજન છે, પછી એ ઉપવાસમાં કેમ પાછળ રહી જાય. આમ તો મોમોઝ મેંદાના લોટ બને છે. પરંતુ ફરાળ માટે મેંદાની જગ્યાએ ફરાળી લોટ, બાફેલા બટેકા અને શેકેલા સીંગદાળાનો ઉપયોગ કરવામાં આવે છે. ફરાળી નૂડલ્સમાં ટામેટા, સાબુદાણાની ચકરી હોય છે. અને એને મસાલા નાખી મજેદાર બનાવાય છે. ફરાળી પાસ્તા પણ યંગસ્ટર્સ ઉપવાસમાં ખાઈ રહ્યા છે. પાસ્તા સમગ્ર વિશ્વમાં ફેમસ ફાસ્ટ ફૂડ છે. એના ફરાળી વર્ઝનમાં બટેટા અને સાબુદાણાની ડ્રાય વેફર સળી હોય છે.

બેસ્ટ તો ફરાળી થાળી જ..

ફરાળી ફૂડ વિશે વધૂ વાત કરતા દેવલ વ્યાસ કહે છે, માર્કેટમાં ફરાળી ફૂડમાં અનેક નવી વેરાયટી આવી છે. પરંતુ મારું માનવું છે કે બેસ્ટ તો ફરાળી થાળી છે. જેમાં ફરાળી થેપલા, ફરાળી લોટના ઢોકળા , કઢી, મૌરેયાનો મસાલાવાળો ઉપમા, અંજીર ડ્રાયફૂટની ખીર, બટાકા- કોઠમીરની સુકીભાજી, વગેરે છે. આ ઉપરાંત પણ યુવાનોમાં સેન્ડવીચ, સ્પ્રીંગરોલ, કોકોનેટ હલવો, રાજગરાના પરાઠા, કોઠમીરના થેપલા ફેવરીટ છે.

ઉપવાસમાં જો ગમે તે ફૂડ ખાવામાં આવે તો શરીરને નુકશાન થાય છે. પરંતુ મોરૈયો, રાજગરો, શીંગોડાનો લોટ, શ્રીફળ (કોકોનેટ) બધાની અંદર ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ, વિટામિન્સ, પ્રોટીન, મીનરલ્સ, આયર્ન હોય છે. આ ઉપરાંત હેલ્થ માટે કોથમીર પણ ઘણી સારી છે.

ફરાળી વાનગીઓ ના બજાર મોડી રાત સુધી ચાલે છે

અમદાવાદ શહેરમાં ફરાળી વાનગીઓ અને ફરસાણના બજાર મોડી રાત સુધી ચાલે છે. લોકો અવનવી ફરાળી વાનગીઓનો ચટાકો માણે છે. મણીનગરના ફરસાણના વેપારી રસીકભાઇ માલપાણી ચિત્રલેખા.કોમને કહે છે, હવે ગુજરાતમાં જેટલી નોન-ફરાળી વાનગીઓ બને છે એટલી જ ફરાળી વાનગીઓ પણ બને છે, પીત્ઝા, બર્ગર અને દાબેલી પણ આ રેસમાં છે. જૂના સમયમાં ફરાળમાં ફળો ખવાતા, પછી મૌરેયો, રાજગરો, શીંગોડાનો લોટ, સાબુદાણા, બટેટા, શક્કરિયા, રતાળુ, સુરણનું આગમાન થયું અને હવે આ બધાથી અવનવી ફરાળી વાનગી બની રહી છે. અમારા ત્યાં ગરમાગરમ બફવડા, પેટિસ, ઢોકળા, ઢોંસા, રાજગરાના ગોટો, પુલાવ અને ભેળ જેવી અનેક ફરાળી વાનગીઓ બને છે. જ્યારે સુકા ફરાળમાં લીલો ચેવડો, સાબુદાણાનો ચેવડો, ફરારી વડા, ફુલવડી, અને કેળાની વેફરનું ધૂમ વેચાણ થાય છે.

આ વર્ષે ઉપવાસ ના બે મહિના આવતા હોવાથી ફૂડ સ્ટોલ, રેસ્ટોરન્ટ અને હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા લોકો પહેલેથી જ સજ્જ થઈ ગયા હતા. મોટા ભાગના ફૂડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોની હાટડી દુકાન ફરસાણ સ્વિટ માર્ટ કે રેસ્ટોરન્ટ પર ફરાળની વિવિધ વાનગીઓ ના બેનર્સ બોર્ડ લખાણો જોવા મળી રહ્યા છે. ભક્તોના ઉપવાસમાં પેટપુજા માટે હવે ફરાળ માં પણ ફ્યુજન જોવા મળી રહ્યું છે.

પ્રજ્ઞેશ વ્યાસ

મતદારોને ફ્રીમાં રેવડીઓઃ રાજ્યો વધુ લોન લેવા મજબૂર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારને અપેક્ષા છે કે મોટા ભાગની રાજ્ય સરકારો નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે બજારમાંથી ઉધાર લેશે. રાજ્ય સરકારો વર્ષ 2023-24માં વિના કોઈ શરતે 3.5 ટકા સુધી ઉધાર લેવાની લિમિટનો ઉપયોગ કરી શકે છે. રાજ્ય સરકારો મતદારોને આકર્ષવા માટે અનેક ચીજવસ્તુઓને મફતમાં આપવાનાં ચૂંટણી વચનો આપે છે. સ્ટેટ ડેવલપમેન્ટ લોનનો ઉપયોગ કરવામાં આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કેરળ અને પંજાબ સૌથી આગળ રહેવાની અપેક્ષા છે.FY23માં રાજ્યોએ લીધી 7.58 લાખ કરોડની લોન

પાછલા નાણાકીય વર્ષમાં રાજ્યોએ આશરે રૂ. 7.58 લાખ કરોડ ઉધાર લીધા છે. એ વર્ષ 2021-22ના રૂ. 7.01 લાખ કરોડથી વધુ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ઇકોનોમિક રિસર્ચ ડિપાર્ટમેન્ટના એક અહેવાલ મુજબ વર્ષ 2023-24માં રાજ્ય સરકારો બજારમાંથી રૂ. 8.2 લાખ કરોડ ઉધાર લે એવી શક્યતા છે. રાજ્ય સરકારો જોકે આ ઉધારી માટે કેન્દ્રથી મળનારા GSTના વળતર પર નિર્ભર છે.

એપ્રિલ-ઓગસ્ટ સુધી રાજ્યોની ઉધારી

આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટ (28 ઓગસ્ટ) સુધી રાજ્યોએ રૂ. 2.72 લાખ કરોડ ઉધાર લીધા છે, જે ચાલુ નાણાકીય વર્ષના પહેલા છમાસિકમાં નક્કી કરેલી રૂ. 4.37 લાખ કરોડની રકમ કરતાં ઓછા છે. જોકે રાજ્ય સરકારો નાબાર્ડ પાસેથી પણ ઉધાર લઈ રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર નાણાકીય પંચની સલાહને ધ્યાનમાં રાખતાં સતત રાજ્યોની ઉધાર લેવાની મર્યાદા ઘટાડી રહી છે. કેન્દ્રએ વર્ષ 2021-22માં રાજ્યોની ઉધાર લેવાની લિમિટ વધારીને પાંચ ટકા કરી હતી, પરંતુ આ નાણાકીય વર્ષમાં એને ઘટાડીને 3.5 ટકા કરી દીધી છે.

 

 

 

 

 

 

 

એક રક્ષાબંધન આવી પણ..

‘બહેનાને ભાઈ કલાઈ પે, પ્યાર બાંધા હૈ, પ્યાર કે દો તાર સે, સંસાર બાંધા હૈ, રેશમ કી ડોરી સે..સંસાર બાંધા હૈ,’ રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર.

રક્ષાબંધનનો  દિવસ ભાઈ-બહેન માટે ખાસ હોય છે. પરંતુ જે બહેનોને ભાઈ જ ન હોય તો.. ? આ બહેનો માટે પણ હવે આ તહેવાર વિશેષ બની રહ્યો છે. બે બહેનો એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનની અનોખી ઉજવણી કરે છે.

ભગવાને મને સંસારની બધીય ખુશીયો આપી દીધી

દીદી, આ વખતે તું મને રાખડી બાંધીશને, ત્યારે હું તને સરપ્રાઈઝ ગિફ્ટ આપીશ. કાલીઘેલી ભાષામાં વાત કરતા અનાયા પોતાનાથી 12 વર્ષ મોટી બહેન વ્રિતીકા પાસે બેઠી. વ્રિતીકાએ કહ્યું તું મને ગિફ્ટ કે સરપ્રાઈઝ નહીં આપે તો પણ ચાલશે. કારણ કે મારી માટે તો સૌથી મોટી સરપ્રાઈઝ તું જ છું. તને ખબર છે અનાયા જ્યારે હું નાની હતીને ત્યારે ભગવાન પાસે હંમેશા ભાઈ માંગતી, પણ ભગવાને ભાઈની જગ્યાએ તને મોકલી. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વ્રિતીકા પૂર્વેશ અગ્રવાલ કહે છે, જયારે પણ રક્ષાબંધન આવે ત્યારે હું મારા કઝીન ભાઈને રાખડી બાંધતી, મને સારું લાગતું પણ મનમાં થતું કે કાશ મારે પણ એક ભાઈ હોય તો કેવું સારું. પણ ઈશ્વરે બહેન આપી, છતાં મને આનંદ થયો. ભગવાનનો આભાર માન્યો અને કહ્યું કે ભાઈ નહીં તો હું મારી બહેનને રાખડી બાંધીશ. અને એની રક્ષા કરીશ, ક્યારેય એને તકલીફ નહીં પડવા દઉં.  હું ખૂબ જ ખુશ છું. મારી અનાયા ડોલ જેવી છે. નાની છે પણ મારી બધી વાત માને છે. મને તો એમ લાગે છે કે ભગવાને જાણે કે મને સંસારની બધીય ખુશીયો આપી દીધી. મારી માટે રક્ષાબંધન ખુબ જ વિશેષ છે.

બંને બહેનો ભાઈ બહેનના સબંધમાં અનોખી રીતે બંધાઈ ગયા

રક્ષાબંધનના પ્રેમને ઉજાગર કરતી એક જુદી જ વાત છે. મૂળ ગુજરાતની અને હાલ કેનેડામાં રહેતી બે બહેનો હીરલ કવિ અને ભૂમિકા બારોટ નામની બે બહેનોની. હીરલ-ભૂમિકા, પોતાના મમ્મી-પપ્પા અને ભાઈ સાથે નડિયાદમાં રહેતા. સુખી પરિવાર પરંતુ ઇશ્વરને કઈંક જુદુ જ મંજુર હશે માટે બે બહેનોના એકના એક ભાઈ મિતેષ બારોટનું અકસ્માતમાં મુત્યું થયું. મોટી બહેન હિરલ ખુબ ભાંગી પડી. એ સમયે ભૂમિકાએ પરિવાર અને બહેનને લાગમી સાથે સાચવ્યાં. પણ જયારે ભાઈના ગયા પછી પ્રથમ રક્ષાબંધન આવી ત્યારે હીરલ માટે કપરો સમય હતો. પરંતુ ભૂમિકાએ ભાઈ બનીને બહેન આગળ હાથ લંબાવ્યો અને કહ્યું કે હું ક્યારેય ભાઈની જગ્યા તો નહીં લઈ શકું, પણ પ્રયત્ન કરીશ કે તને ભાઈની કમી મહેસૂસ ન થાય. બસ એ દિવસથી આ બંને બહેનો ભાઈ બહેનના સબંધમાં અનોખી રીતે બંધાઈ ગયા. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા હિરલ-ભૂમિકા કહે છે, અમારા ભાઈ મિતેશેની જગ્યા તો કોઈ લઈ ન શકે, પરંતુ અમે બંને બહેનોએ હકીકતને સ્વીકારી લીધી છે. ભાઈની યાદો હંમેશા દિલમાં જીવંત રહેશે. બંને બહેનો પોતાના પતિ અને સંતાનો સાથે કેનેડામાં રહેશે. માતા-પિતા માટે પણ દિકરાની ફરજ અદા કરે છે. અને રક્ષાબંધનની અનોખી ઉજવણી પણ કરે છે.

માલે નાનો-નાનો ભઈલો આવ્યો..

આઠ વર્ષની ઝહા રક્ષાબંધનને લઈને ખુબ જ ખુશ છે, બહેન ન્યારાને સરપ્રાઈઝ આપવા માટે તૈયારીઓ કરી રહી છે. ઝહા અને ન્યારાની માતા વૈશાલી પ્રશાંત રાઠોડ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, ઝહા માટે ન્યારા એનું વિશ્વ છે, એવું વિશ્વ જેની અંદર એની દરેક ખુશીઓ રહેલી છે. જ્યારે ન્યારાનો જન્મ થયો ત્યારે ઝહા માત્ર ત્રણ વર્ષની જ હતી. પરંતુ આખીય હોસ્પિટલ માથે લીધી હતી, બધાને કહેતી માલે નાનો નાનો ભઈલો આવ્યો, કોઈએ કહ્યું પણ ખરા કે બેટા ભઈલો નહીં બહેન આવી છે. તો મારી નાનકડી ઝહાએ કહ્યું માલા માટે તો એ ભઈલો જ છે. હવે હું મારા ભઈલાને જ રાખડી બાંધીશ. પહેલી રક્ષાબંધને ઝહાએ ન્યારાને રાખડી તો બાંધી સાથે પ્રોમીસ પણ કરી કે ન્યારા હું હંમેશા તારી સાથે રહીશ અને તારી રક્ષા પણ કરીશ. અમે વિચારતા જ રહ્યાં કે આ બહેન છે કે ભાઈ. આજે તો ઝહા 8 વર્ષની થઈ ગઇ છે અને ન્યારા 5 વર્ષની છે. બંને બહેનોમાં જુદો જ પ્રેમ છે. રક્ષાબંધનના દિવસે અમારું ઘર ખુશીઓથી ભરાઈ જાય છે.

હવે આપણે રક્ષાબંધનની આ પરંપરાને પણ ગરિમાપૂર્વક અપનાવીએ. રક્ષાબંધન માત્ર રાખડી બાંધવાનો જ નહીં, પણ એકબીજા પ્રત્યે સાચી ફરજ નિભાવવાનો પણ તહેવાર છે.

હેતલ રાવ