બાયોગેસ (ઈથેનોલ) પર ચાલતી દુનિયાની પહેલી કાર ભારતમાં લોન્ચ કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ આજે અહીં ઈનોવા હાઈક્રોસ કારનું ઉદઘાટન કર્યું છે, જે સંપૂર્ણપણે સસ્તા એવા ઈથેનોલ ઈંધણ (બાયોગેસ) પર ચાલે છે. ભારતમાં 100 ટકા ઈથેનોલ પર આધારિત એમપીવી સેગમેન્ટમાં ઈનોવા હાઈક્રોસને પ્રસ્તુત કરનારી ટોયોટા ઈનોવા પહેલી કંપની બની છે. ઈનોવા ઈલેક્ટ્રિક ફ્લેક્સ-ફ્યૂએલ સર્ટિફિકેટ સહિત ‘BS-6 સ્ટેજ-II’ હેઠળ આવતા વાહનોમાં આ પ્રકારની પહેલી બેઝ્ડ-મોડેલ કાર છે. આ કાર ઈથેનોલ ઉપરાંત ઈલેક્ટ્રિક વેહિકલ તરીકે પણ ચાલી શકે છે. આ કાર ટોયોટા કિર્લોસ્કર મોટર કંપનીએ બનાવી છે. આ કારના ઉદઘાટન સમયે અન્ય કેન્દ્રિય પ્રધાન – પેટ્રોલિયમ અને નેચરલ ગેસ ખાતાના પ્રધાન હરદીપસિંહ પુરી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર ઈલેક્ટ્રિક પાવર જનરેટ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. ઈલેક્ટ્રીફાઈડ ઈનોવા હાઈક્રોસ દુનિયાની પહેલી જ ફ્લેક્સ-ફ્યૂએલ પ્રોટોટાઈપ મોડેલ કાર છે, જે ભારતમાં નવા એમિશન ધારાધોરણો – BS સ્ટેજ 6 નિયમાનુસાર અપડેટેડ છે. આ કાર પ્રતિ લીટર 23.34 કિલોમીટરનું માઈલેજ આપવા સક્ષમ છે.

ગડકરીએ તાજેતરમાં જ એક શિખર સંમેલન વખતે જાહેરાત કરી હતી કે દેશમાં ટૂંક સમયમાં જ સંપૂર્ણપણે ઈથેનોલ પર ચાલનારી કાર લોન્ચ કરવામાં આવશે. ટોયોટા ઈનોવા કંપની બાયો ફ્યૂએલ, હાઈડ્રોજન સહિત ઈથેનોલ મિશ્રિત ફ્લેક્સ-ફ્યૂએલના પર્યાય સમી મોટરકારોનું ઉત્પાદન કરે છે. આવી કાર બનાવવા પાછળ કંપનીનો ઉદ્દેશ્ય મોંઘા ઈંધણની આયાતને અટકાવીને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાનું છે.