
વિરોધઃ મરાઠા આરક્ષણની માંગ પર સીએમ એકનાથ શિંદેનું મોટું નિવેદન
જાલનામાં મરાઠા આરક્ષણ વિરોધ દરમિયાન થયેલા લાઠીચાર્જને લઈને વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. દરમિયાન સીએમ એકનાથ શિંદેએ આ મુદ્દે મુંબઈમાં બેઠક યોજી છે. બેઠક બાદ સીએમ શિંદેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે “હું આંદોલનકારી લોકોને કહેવા માંગુ છું કે જે લોકો તમને મળવા પહોંચી રહ્યા છે તેઓ માત્ર તેમની રાજનીતિ માટે જ ત્યાં પહોંચી રહ્યા છે. સીએમ શિંદેએ કહ્યું, “મરાઠા આરક્ષણને લઈને અગાઉ કુલ 58 નાના-મોટા આંદોલનો થયા હતા. તમામ આંદોલન શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવ્યા હતા. મરાઠા સમાજ શાંતિ પ્રેમી સમાજ છે. કેટલાક લોકોએ આંદોલનની આડમાં રાજ્યનું વાતાવરણ બગાડવાનું કામ કર્યું છે. જો આપણે મરાઠા આરક્ષણ માટે પ્રતિબદ્ધ ન હોત, તો દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હતા ત્યારે મરાઠા સમાજને જે અનામત મળ્યું હતું તે ન મળ્યું હોત.

મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ મળવું જોઈએ – સીએમ શિંદે
વિપક્ષ મહાવિકાસ અઘાડી ગઠબંધન પર પ્રહાર કરતા સીએમ શિંદેએ કહ્યું કે, આજે તમે રાજનીતિ કરી રહ્યા છો પરંતુ જ્યારે તમે સત્તામાં હતા ત્યારે તમને કોણે રોક્યા હતા? બોમ્બે હાઈકોર્ટે અમારા મંતવ્યો સ્વીકાર્યા હતા. મરાઠા સમાજને આરક્ષણ આપવામાં આવ્યું. પરંતુ સુપ્રીમ કોર્ટે તેને રદ્દ કરી દીધો હતો. હું સુપ્રિમ કોર્ટના નિર્ણય વિશે વધુ નહીં કહીશ. હું તમને કહી રહ્યો છું કે મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ મળવું જોઈએ. દરેક વસ્તુ કાયદાકીય માળખામાં બેસીને હોવી જોઈએ. અમે આના પર કામ કરી રહ્યા છીએ. ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. હું મરાઠા સમુદાયના લોકોને કહેવા માંગુ છું કે સરકાર તમારા હિત વિશે ઈમાનદારીથી વિચારી રહી છે. થોડી ધીરજ રાખો.

લોકોમાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે – સીએમ શિંદે
સીએમ શિંદેએ આંદોલનકારીઓને અપીલ કરતા કહ્યું કે, હું આંદોલનકારી લોકોને કહેવા માંગુ છું કે જે લોકો તમને મળવા આવી રહ્યા છે તેઓ માત્ર તેમની રાજનીતિ કરવા આવી રહ્યા છે. આવા લોકોને ટાળો. પોલીસ મહાનિર્દેશક સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. તપાસમાં જે પણ બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હું મનોજ જરાંગે પાટિલ (મરાઠા નેતા)ને કહેવા માંગુ છું કે સરકાર તમારી સાથે છે. મનોજ જરંગે પાટીલના નેતૃત્વમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અમે આંદોલનકારી લોકો પર લાઠીચાર્જનો આદેશ કેવી રીતે આપી શકીએ? લોકોમાં ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે.
સાળંગપુર વિવાદઃ સાધુ-સંતો, CM ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક
સાળંગપુરઃ સાળંગપુરમાં હનુમાનજીનાં ભીંતચિત્રોને લઈને વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિવાદ દિન-પ્રતિદિન ઉગ્ર થઈ રહ્યો છે. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે હવે ભીંતચિત્રોના વિવાદ મામલે હવે સરકાર દ્વારા સક્રિય થઈ છે છે. આ વિવાદ મામલે મુખ્ય મંત્રીના નિવાસસ્થાને ટૂંક સમયમાં સાધુ-સંતો સાથે બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો પણ હાજર છે. ગૃહ રાજ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર છે.
સાળંગપુર મંદિર ભીંતચિત્રોના વિવાદને લઇ ગઈકાલે અમદાવાદના સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટાભાગના સાધુ-સંતો હાજર રહ્યાં હતા. હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ ફેલાયો છે. સાધુ-સંતો અને હિન્દુ સંગઠન ભેગા થઈ તમામ વ્યૂહરચના બનાવી છે. જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કેટલાંક નિર્ણય લીધા છે. જેમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો સનાતન સંતોએ બહિષ્કાર કર્યો હતો. સનાતન ધર્મમાંથી સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ કિંગ્સ ઓફ સાળંગપુર પ્રતિમા લગાવવામાં આવી છે. આ પ્રતિમાની નીચે કેટલાંક ભીંતચિત્રો લગાવવામાં આવ્યા છે, જેમાં હનુમાનજીને સ્વામિનારાયણના સંતોના દાસ દર્શાવવામાં આવ્યા છે. સતત વકરી રહેલા વિવાદમાં હવે સરકાર સક્રિય થઈ છે.
આ સાથે લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક મળી હતી, જેમાં અખિલ ભારતીય સંત સમિતિના તમામ હોદ્દા પરથી નૌતમ સ્વામીને દૂર કરવામાં આવ્યા છે. સાળંગપુરમાં વિરોધ થયો, જેને અમે બિરદાવીએ છીએ. સંતો દરેક રીતે લડવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.
આ સાથએ સાણંદના લંબેનારાયણ આશ્રમમાં ડો. જ્યોતિર્નાથ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંત સંમેલનમાં 13 જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. સનાતન ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે રીતે અવારનવાર પુસ્તકોથી લઈ વિવિધ જગ્યાએ હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે, ત્યારે આ ઠરાવોને પસાર કરી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ સંત સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર છે. સંત સંમેલનમાં સાધુ-સંતો દ્વારા માટો નિર્ણય લેવામાં આવ્યો છે. સાધુ-સંતો દ્વારા સનાતન ધર્મમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સાધુ-સંતોએ નિર્ણય લીધો છે કે તેઓ હવે સ્વામિનારાયણ મંદિરમાં જશે નહીં અને સાધુ સંતોની સાથે સ્ટેજ પર પણ બેસશે નહીં. જેમાં લંબે નારાયણ આશ્રમમાં સાધુ-સંતોએ શપથ લીધા છે. સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કર્યો છે. સાધુ-સંતોએ સ્વામિનારાણના સંતોના કાર્યક્રમમાં ન જવા શપથ લીધા છે.
‘ગદર 2’એ ‘બાહુબલી’-‘પઠાણ’ને પાછળ છોડી દીધી
સની દેઓલ અને અમીષા પટેલની ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ રિલીઝના પહેલા દિવસથી જ ઘણી કમાણી કરી રહી છે અને ઘણા રેકોર્ડ પણ તોડી રહી છે. આ ફિલ્મે ચોથા સપ્તાહમાં સૌથી ઝડપી રૂ. 500 કરોડનો આંકડો પાર કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ચાલો જાણીએ કે ગદર 2 એ અત્યાર સુધીમાં કેટલા રેકોર્ડ તોડ્યા છે.

‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં કેટલા રેકોર્ડ તોડ્યા છે?
અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ગદર 2 2001ની હિટ ફિલ્મ ગદર: એક પ્રેમ કથાની સિક્વલ છે. આ ફિલ્મમાં સની દેઓલ, અમીષા પટેલ અને ઉત્કર્ષ શર્મા પણ જોવા મળ્યા છે. ગદર 2 એ તેની તોફાની ગતિથી અત્યાર સુધીમાં ઘણા રેકોર્ડ તોડ્યા છે.
- ‘ગદર 2’ એ તેની રિલીઝના પહેલા દિવસે શાહરૂખ ખાનની ‘પઠાણ’ કરતાં વધુ કબજો નોંધાવ્યો હતો.
- ‘ગદર 2’ એ તેની રિલીઝના પહેલા દિવસે 40 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું હતું. આ સાથે આ ફિલ્મ વર્ષ 2023ની બીજી સૌથી મોટી ઓપનર બની ગઈ છે.
- ‘ગદર 2’ એ સિંગલ સ્ક્રીન થિયેટરોમાં પઠાણના એડવાન્સ બુકિંગનો રેકોર્ડ તોડ્યો હતો.
- ‘ગદર 2’ એ સૌથી મોટી ઓપનિંગ સિક્વલ સાથે ફિલ્મનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે.
- ગદર 2 એ તેની રિલીઝના ત્રીજા દિવસે સૌથી વધુ 51 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને પઠાણ, બાહુબલી જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા.
- ગદર 2 સન્ની દેઓલની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી, જેણે માત્ર ત્રણ દિવસમાં આઇકોનિક રૂ. 100 કરોડની ક્લબમાં પ્રવેશ કર્યો હતો.
- ‘ગદર 2’ તેની રિલીઝના 17મા દિવસે બોક્સ ઓફિસ પર રૂ. 450 કરોડનો આંકડો પાર કરનારી સૌથી ઝડપી ફિલ્મોમાંની એક બની ગઈ છે. ફિલ્મે 27 ઓગસ્ટે આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે તેણે પઠાણ (18 દિવસ) અને બાહુબલી 2 (20 દિવસ) દ્વારા બનાવેલા રેકોર્ડ તોડી નાખ્યા.
- ડર 2 એ પહેલી હિન્દી ફિલ્મ છે જે મધ્યરાત્રિ પછી ભરચક સ્ક્રીનિંગ સાથે નાના થિયેટરોમાં બતાવવામાં આવે છે.
- ‘ગદર 2’ એ તેની રિલીઝના 21મા દિવસે 8.1 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને પઠાણનો રેકોર્ડ તોડ્યો હતો. પઠાણે તેની રિલીઝના 21માં દિવસે 5.95 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
- હવે ગદર 2 એ તેની રિલીઝના 24મા દિવસે રૂ. 500 કરોડનો આંકડો પાર કરનાર સૌથી ઝડપી બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. આ સાથે ફિલ્મે પઠાણ અને બાહુબલી 2નો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે ‘પઠાણ’ 28 દિવસમાં 500 કરોડ રૂપિયાના ક્લબમાં પ્રવેશ કરનારી સૌથી ઝડપી ફિલ્મ હતી, જ્યારે ‘બાહુબલી 2’ એ 34 દિવસમાં આ સિદ્ધિ મેળવી હતી.
વોટ્સએપ પર પાર્ટટાઇમ જોબની ઓફરઃ રૂ 42 લાખની છેતરપિંડી
નવી દિલ્હીઃ ડિજિટલ પ્લેટફોર્મ બધાં માટે અનેક કામો સરળ કરવાનું માધ્યમ બની ચૂક્યું છે, પણ એના દ્વારા અનેક પ્રકારનાં કૌભાંડો પણ થઈ રહ્યાં છે. સોશિયલ મિડિયાથી અનેક લોકો સાથેની છેતરપિંડી થતી રહે છે અને બહાર પણ આવતી રહે છે. તાજા મામલો મહારાષ્ટ્રના નાગપુરથી સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિની સાથે નોકરીને નામે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે.
મહારાષ્ટ્રના નાગપુરમાં એક શખસને ઓનલાઇન છતરપિંડી કરનારાઓએ જોબને નામે રૂ. 42 લાખથી વધુનો ચૂનો લગાડ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર એક IT પ્રોફેશનલ પીડિત પ્રફુલ્લ રગરાઓ ગોંડેકરની સાથે સરળ કમાણી કરવાને નામે છેતરપિંડી થઈ છે. ઠગોએ સરળ કમાણી કરવા માટે ઇન્ટરનેટ પર અલગ-અલગ કામોને પૂરાં કરવા માટે લાલચ આપી હતી. આ માટે તેમણે વોટ્સએપ ગ્રુપથી જોડવામાં આવ્યા અને ઓનલાઇન ટાસ્ક પૂરો કરવા માટે કહેવામાં આવ્યું હતું.
પ્રફુલ્લને વોટ્સએપ પર ઓનલાઇન પાર્ટ ટાઇમ નોકરી કરવા માટે એક લિન્ક મળી હતી. એ સાથે તેમને 35 સભ્યોવાળા LY ઓનલાઇન ટ્રેડિંગ D101 નામના ચેટ ગ્રુપમાં પણ ઉમેરવામાં આવ્યા હતા. આ ગ્રુપમાં અન્ય સભ્યોને જણાવવામાં આવ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલા મૂડીરોકાણથી બહુ લાભ થયો છે. આવામાં પીડિત પ્રફુલ્લનો વિશ્વાસ વધી ગયો, જે પછી તેણે આગળની પ્રક્રિયાને અપનાવી.
સાયબર ક્રિમિનલોએ પીડિતનો લાભ ઉઠાવવા માટે એક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરવા માટે પ્રોત્સાહિત કર્યો. રજિસ્ટ્રેશન કર્યા પછી તે કોઈ પૈસાની કમાણી નહીં કરી શક્યો, પણ તેને એવાં અનેક કામો સોંપવામાં આવ્યાં, જેમાં તે દરેક વખતે કામ પૂરું કરવામાં નિષ્ફળ રહે અને તેને પૈસાનું નુકસાન થાય. ગોંડેકરે બે મહિનામાં ક્રિમિનલોને કારણે રૂ. 42.55 લાખ સુધીનું નુકસાન થયું.
ડાઈરેક્ટ વોલીબોલની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઝળકનાર મુંબઈનિવાસી ખેલાડીઓનું સમ્માન
મુંબઈઃ તાજેતરમાં દુબઈમાં યોજાઈ ગયેલી ડાઈરેક્ટ વોલીબોલ સ્પર્ધાની વર્લ્ડ ચેમ્પિયનશિપ અને નેપાળના કાઠમંડુમાં યોજાઈ ગયેલી ત્રીજી ઈન્ડો-નેપાલ ડાઈરેક્ટ વોલીબોલ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમના મુંબઈનિવાસી સભ્યો – અસ્તાદ ફિરોઝ પાલખીવાલા, પારસ અર્દાવિરાફ દારુવાલા અને અફરિદ ફિરોઝ પાલખીવાલાનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ખેલાડીઓ દક્ષિણ મુંબઈની ગિલ્ડર લેનમાં આવેલી મર્ઝબાન કોલોનીના રહેવાસી છે.
સન્માન સમારંભમાં સમાજસેવક શ્રીમતી પેરવીન દારુવાલા, સ્થાનિક વિધાનસભ્ય અમિન પટેલ, ‘E’ વોર્ડના નગરસેવક જાવેદ જુનેજા, દિનશા મહેતા, એમના પુત્ર વિરાફ મહેતા ઉપસ્થિત રહ્યાં હતાં. મહેતા પરિવાર ઘણા વર્ષોથી મર્ઝબાન કોલોનીની વોલીબોલ ટીમને પ્રોત્સાહન આપતો આવ્યો છે અને સ્પર્ધાઓમાં સ્પોન્સર કરતો રહ્યો છે.
કાર્યક્રમમાં વિજેતા ટીમના સભ્ય ત્રણેય ખેલાડીઓને ટ્રોફી આપવામાં આવી હતી.
દુબઈમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 25 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
એશિયા કપઃ પાકિસ્તાનનું નામ નહીં હોવાથી જર્સી વિવાદ
નવી દિલ્હીઃ એશિયા કપ-2023માં ટીમ ઇન્ડિયાએ પહેલી મેચ બીજી સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયા એશિયા કપ માટે નવી જર્સીમાં મેદાન પર ઊતરી હતી. એમાં એક તરફ એશિયા કપ 2023 લખેલું હતું, પરતુ એની નીચે યજમાન અને સહ યજમાન પાકિસ્તાન અને શ્રીલંકાનું નામ નહોતું. જે પછી સવાલ ઊભા થયા છે કે જર્સીમાં યજમાન દેશોનાં નામ કેમ નથી લખેલાં.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB)એ આ બાબતે સ્પષ્ટીકરણ આપતાં જણાવ્યું હતું કે એશિયન ક્રિકેટ પરિષદે વર્ષ 2022માં આયોજિત એક બેઠકમાં જર્સી પર યજમાનોનાં નામનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક નજીકના સૂત્રએ જણાવ્યું હતું કે ગયા વર્ષે એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ક્રિકેટરોના જર્સી પર યજમાનના નામનું ચલણ બંધ કરી દેવામાં આવે. જોકે BCCIના એક સૂત્રએ આવા કોઈ પણ નિર્ણયના દાવાનું ખંડન કર્યું હતું. છેલ્લી ટુર્નામેન્ટમાં જર્સી પર શ્રીલંકા 2022 લખેલું હતું.
ટીમ ઇન્ડિયાની વિરુદ્ધ મેચમાં વરસાદના વિઘ્નને કારણે પાકિસ્તાને સુપર-ચારમાં ક્વોલિફાય કરનારી પહેલી ટીમ બની ગઈ છે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ એક પોઇન્ટ મેળવ્યો છે અને નોકઆઉટમાં આગળ વધવા માટે નેપાળ સામે જીતવું જરૂરી છે. બીજા ગ્રુપની વાત કરીએ તો બંગલાદેશની વિરુદ્ધ શાનદાર જીત પછી સહ યજમાન શ્રીલંકા સુપર ચારમાં જગ્યા બનાવી લેશે, એ નક્કી છે.
શાહરૂખ ખાન પાસે કુલ કેટલી સંપત્તિ છે?
મુંબઈઃ શાહરૂખ ખાન હિન્દી ફિલ્મોનો સુપરસ્ટાર છે. તે માત્ર એની અભિનયક્ષમતા જ નહીં, પણ એની વૈભવશાળી જીવનશૈલીને માટે પણ જાણીતો છે. આ અભિનેતા પાસે કેટલી સંપત્તિ છે તે જાણવા માટે ઘણા લોકો ઉત્સૂક હશે. તો ચાલો જાણી લો રસપ્રદ વિગત…

શાહરૂખ ખાનની સફળતામાં એની ફિલ્મ નિર્માણ કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટનું મોટું યોગદાન રહ્યું છે. આ કંપની મારફત શાહરૂખ વાર્ષિક સ્તરે 500 કરોડ રૂપિયા કમાય છે. એવી જ રીતે, ક્રિકેટ સ્પર્ધા આઈપીએલમાં શાહરૂખની એક ટીમ પણ રમે છે – કોલકાતા નાઈટ રાઈડર્સ. આ ટીમની કિંમત રૂ. 9,017 કરોડ છે. શાહરૂખ પાસે અનેક લક્ઝરી મોટરકાર છે. આ બધી કારની કુલ કિંમત 31 કરોડ રૂપિયા થાય છે. શાહરૂખ પાસે એક વેનિટી વેન પણ છે. એની કિંમત ચાર કરોડ રૂપિયા છે.
નાગ પાંચમ ની ઉજવણી..
દર વર્ષે શ્રાવણ મહિના ની વદ પાંચમ ના દિવસે ગુજરાત માં નાગ પાંચમીની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ ધર્મ, પ્રાંત, સંપ્રદાય, પરંપરા થી ભરેલો ભારત દેશ અનેક જીવોને પૂજે છે.

એમાંય હિંદુ ધર્મ માં અનેક જીવોને ભગવાન નો દરજ્જો આપી પૂજવામાં આવે છે. લાખો જીવોનું કલ્યાણ થાય, સન્માન થાય અને પૂજા થાય એવી દરેક માટે પ્રાર્થના પણ કરવામાં આવે છે. પૃથ્વી પર ના જીવ નાગ નું પૂજન નાગ પાંચમી ના દિવસે કરવામાં આવે છે.

પુરાણોમાં, દંત કથાઓ માં અને વિવિધ પ્રાંતોમાં નાગ ના મહત્વ નો ઉલ્લેખ કરવામાં આવે છે. નાગને દેવતા રૂપે રજૂ કરી એના મંદિરો બનાવી પૂજા અર્ચના પણ કરતો ભારતમાં એક મોટો વર્ગ છે.

ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ દેશના મોટા ભાગના ખેડૂત સાપ અને નાગને સકારાત્મક દ્રષ્ટિએ જૂએ છે. સંસ્કૃતિ અને આસ્થા ને કારણે ઘણાં પ્રાંત ના લોકો નાગ નું પૂજન કરે છે. આ વર્ષે શ્રાવણનો સોમવાર અને નાગ પંચમી એક સાથે હોવાથી મંદિરો માં શ્રધ્ધાળુઓ ની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી.

અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં સાબરમતી નદીના તટ પર આવેલા નાગ દેવતાના મંદિર ના પ્રાંગણ માં તેમજ શહેર ના નાના મોટા મંદિરો માં નાગ પાંચમીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.
(પ્રજ્ઞેશ વ્યાસ)








