
નિફ્ટી-50 ઈન્ડેક્સે પહેલી વાર વટાવી 20,000 પોઈન્ટ્સની સપાટી; NSEએ કરી ઉજવણી
મુંબઈ તા. 11 સપ્ટેમ્બર, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના નિફ્ટી 50 ઈન્ડેક્સે આજે પ્રથમ વાર 20,000ની સપાટી વટાવી હતી. નિફ્ટી-50નો પ્રારંભ 1000ની સપાટીથી થયો હતો અને 27 વર્ષમાં 20,000 પોઈન્ટ સુધીની મજલ કાપી છે જે દેશના મૂડીબજારમાં સ્થાનિક તેમ જ વિદેશી રોકાણકારોએ મૂકેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જના સીઈઓ અને એમડી આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું.

ચૌહાણે ઉમેર્યું હતું કે છેલ્લાં 30 વર્ષમાં દેશની બજારોમાં લોકોની સામેલગીરી સારી એવી વધી છે. હજી ઘણી મજલ કાપવાની બાકી છે. આ સારી શરૂઆત છે. ભૂતકાળની જેમ આ યાત્રામાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવશે. દેશ આગળ વધતો રહેશે અને તેનું પ્રતિબિંબ નિફ્ટી 50 ઈન્ડેક્સમાં જોઈ શકાશે. આગામી સમયમાં એનએસઈ દેશમાં ઓછા ખર્ચે ન્યાયી, કાર્યક્ષમ, પારદર્શી, સુવ્યવસ્થિત અને ઉચ્ચ ઓટોમેટેડ માર્કેટ્સ પ્લેટફોર્મ્સ પૂરાં પાડતું રહેશે.
એનએસઈમાં 7.5 કરોડ યુનિક પાન નંબર્સ નોંધાયેલા છે, જે દર્શાવે છે કે એનએસઈમાં પાંચ કરોડ કુટુંબો તેમની બચતનું સીધું રોકાણ ઈક્વિટી બજારમાં એનએસઈ મારફત કરી રહ્યા છે.
આઇસી15 ઇન્ડેક્સમાં 514 પોઇન્ટનો ઘટાડો
મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ટ્રેડરોમાં જોખમ લેવાનું માનસ ઘટ્યું હોવાને પગલે સોમવારે ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.52 ટકા (514 પોઇન્ટ) ઘટીને 33,202 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,716 ખૂલીને 33,907ની ઉપલી અને 33,068 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી તમામ કોઇન ઘટ્યા હતા, જેમાં એક્સઆરપીમાં 6.45 ટકાનો સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. પોલીગોન, સોલાના, પોલકાડોટ અને શિબા ઇનુમાં 4-5 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો.
દરમિયાન, ભારત ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બોર્ડ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની ભલામણોનો સ્વીકાર કર્યા બાદ આગામી મહિનાઓમાં ક્રીપ્ટોકરન્સી સંબંધે પોતાનું વલણ નક્કી કરશે. આમ, ભારતીય ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગ માટે કેટલાક સારા સંકેતો મળ્યા છે. બીજી બાજુ, ભારતીય સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી – ડિજિટલ રૂપીએ નવું સીમાચિહ્ન સર કર્યું છે. સીબીડીસીના આશરે 15 લાખ યુઝર્સ થયા છે અને ત્રણ લાખ વેપારીઓએ ડિજિટલ રૂપીથી પેમેન્ટ સ્વીકાર્યું છે. હાલ 26 શહેરોમાં 13 બેન્કો મારફતે ડિજિટલ રૂપીનો ઉપયોગ થઈ રહ્યો છે.
અન્ય એક અહેવાલ મુજબ જી-20 સમૂહે ક્રીપ્ટોકરન્સી માટે વૈશ્વિક નિયમનકારી માળખું ઘડવાનો વિચાર મજબૂત બનાવ્યો છે. આ સમૂહના નેતાઓએ ક્રીપ્ટો એસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્કનો ઝડપથી અમલ કરાવવાનો નિર્ણય લીધો છે. બીજી બાજુ, તાઇવાનનું ફાઇનાન્શિયલ સુપરવાઇઝરી કમિશન ગ્રાહકોના રક્ષણ માટે 10 માર્ગદર્શક સિદ્ધાંતો ઇસ્યૂ કરવાનું વિચાર્યું છે.
G20 ડિનરમાં મમતા, નીતીશકુમાર સામેલઃ INDIA એલાયન્સમાં તિરાડ?
નવી દિલ્હીઃ G20ના રાષ્ટ્રાધ્યક્ષો માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો ભોજન સમારંભ શનિવારે થઈ ચૂક્યો છે, પણ આને લઈને રાજકીય ચર્ચા અટકવાનું નામ નથી લેતી. આ ભોજન સમારંભમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારની હાજરીથી અનેક નેતાઓનાં ભવાં તણાયાં હતાં. પશ્ચિમ બંગાળમાં આ ભોજન સમારંભને લઈ રાજકારણ થઈ રહ્યું છે.
વિરોધ પક્ષોના ગઠબંધન INDIAના બે સહયોગી પક્ષો એકમેક પર હુમલો કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ આ ડિનરમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની હાજરી પર સવાલો ઊભા કર્યા છે. ત્યારે TMCએ એના પર પલટવાર કર્યો છે. ઝારખંડના CM હેમંત સૌરેન પણ આ ડિનરમાં સામેલ થયા હતા. જોકે બધાની નજર નીતીશકુમાર પર હતી. નીતીશકુમાર ડિનર માટે ખાસ પટનાથી દિલ્હી આવ્યા હતા. તેમણે કેટલાક દિવસો પહેલાં એક દેશ એક ચૂંટણીનું પણ સમર્થન કર્યું હતું. નીતીશકુમારે NDAની વિરુદ્ધ વિરોધ પક્ષોના ગઠબંધનનો પાયો નાખ્યો હતો. તેમણે પટનામાં વિપક્ષી ગઠબંધનની પહેલી બેઠક બોલાવી હતી.
President Droupadi Murmu hosted the G20 Gala Dinner in Bharat Mandapam, with special invitees including former PMs and chief ministers
Here's a glimpse of the dinner@rashtrapatibhvn @narendramodi @PMOIndia @g20org @G20_Bharat#G20Bharat2023 #G20India #G20BharatSummit #G20 pic.twitter.com/qlXUWfLA4K
— DD News (@DDNewslive) September 11, 2023
ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે પણ ડિનર ડિપ્લોમસીમાં નીતીશકુમારની હાજરીમાં સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નીતીશ દરવાજા અને બારી –બંને ખુલ્લા રાખે છે. બીજી બાજુ આ ડિનરમાં મમતા બેનરજીની હાજરી પર કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સવાલ ઊભા કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે આ ડિનરમાં સામેલ થવાથી મોદી સરકારની વિરુદ્ધ વલણ નબળું નહીં પડે? આ ડિનરમાં હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખદેવ સિંહ સુખુએ ભાગ લીધો હતો. આ ડિનરમાં આવનારા સુખુ એકલા કોંગ્રેસી મુખ્ય પ્રધાન હતા.
કેનેડામાં યોજાયો ખાલિસ્તાન-તરફી જનમત
ટોરન્ટોઃ ઉત્તર અમેરિકામાં આવેલા કેનેડા દેશમાં ભારત-વિરોધી પ્રવૃત્તિઓ ચાલુ રહી હોવા વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજી ગઈ કાલે જ નવી દિલ્હીમાં G20 શિખર સંમેલન ખાતે કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સમક્ષ ભારતની તીવ્ર ચિંતા વ્યક્ત કરી હતી, તે છતાં આજે કેનેડામાં ખાલિસ્તાન જનમતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શીખ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
ભારતમાં શીખ લોકો માટે અલગ રાષ્ટ્ર – ખાલિસ્તાનની રચના કરવા માટે સમર્થન મેળવવા માટે ગઈ કાલે રવિવારના દિવસે બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા ખાતે જનમતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જ ગુરુદ્વારામાં ગયા જૂન મહિનામાં શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરને ઠાર મારવામાં આવ્યો હતો. આ જનમતનું આયોજન ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવેલા ખાલિસ્તાન તરફી જૂથ શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા કરવામાં આવ્યું હતું. એમાં હજારો લોકો એકત્ર થયા હોવાનો ગ્લોબલ ન્યૂઝ ચેનલનો અહેવાલ છે.
ગઈ કાલે, નવી દિલ્હીમાં જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે મુઠ્ઠીભર લોકોના કૃત્યને આખા સમુદાય કે કેનેડા દેશના પ્રતિનિધિત્વ તરીકે ગણાવી શકાય નહીં. કેનેડા હંમેશાં અભિવ્યક્તિની આઝાદી, અંતરાત્માની આઝાદી અને શાંતિપૂર્ણ દેખાવોની આઝાદીનો બચાવ કરશે, પરંતુ એની સાથોસાથ, હિંસા અને નફરતને રોકવા માટે અમે હંમેશાં તત્પર રહીશું.
24 કલાક પછી રિઝર્વ દિવસે ભારત-પાક મુકાબલો ફરી શરૂ
કોલંબોઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ-2023માં સુપર-4 રાઉન્ડની ગઈ કાલે અધૂરી રહી ગયેલી મેચ વરસાદના વિઘ્નને કારણે 24 કલાકના વિલંબ બાદ આજે અનામત દિવસે મોડી શરૂ થઈ શકી છે. ટીમ દીઠ ઓવર ઘટાડવામાં આવી નથી. મેદાન પરથી પાણી દૂર કરવામાં ગ્રાઉન્ડસ્ટાફે ઘણી મહેનત કરી હતી. સાંજે 4.30 વાગ્યે સૂર્યનારાયણ ફરી દેખાતાં અને આકાશ ઘણું સાફ થતાં મેચનો પુનઃ પ્રારંભ થયો હતો. એ પહેલાં, બપોરે ક્યારેક ધીમા તો ક્યારેક ધોધમાર વરસાદ વચ્ચે બંને ટીમના ખેલાડીઓ પ્રેમદાસ સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ પીચ તથા મેદાન પર કવર્સ ઢાંકેલા હતા અને આઉટફિલ્ડ પણ ભીનું હોવાને કારણે મેચ સમયસર શરૂ કરી શકાઈ નહોતી. ગઈ આખી રાત અને આજે સવારે પણ પીચ તથા સમગ્ર મેદાન પર કવર્સ ઢાંકી રાખવામાં આવ્યા હતા તેથી પીચની અંદર પાણી ગયું નથી, પરંતુ આઉટફિલ્ડ ભીનું રહેતાં અમ્પાયરોએ મેચને સમયસર શરૂ કરાવી નથી. આઉટફિલ્ડ સૂકું થાય એની રાહ જોવાઈ રહી છે. બંને ટીમના ખેલાડીઓ પણ વરસાદ ક્યારે અટકે અને મેચ ક્યારે ફરી શરૂ થાય એ માટે ઉત્સૂક છે.
બપોરે 3.10 વાગ્યે કોલંબોમાં આકાશ સાફ હતું. પરંતુ, આખા મેદાન પર કવર્સ ઢાંકેલા રાખવા પડ્યા હતા. ગઈ કાલે, પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી. વરસાદે 24.1 ઓવર બાદ મેચ અટકાવી ત્યારે ભારતે તેના દાવમાં બે વિકેટે 147 રન કર્યા હતા. વિરાટ કોહલી 8 અને કે.એલ. રાહુલ 17 રન કરીને દાવમાં હતા. કેપ્ટન રોહિત શર્મા 56 અને શુભમન ગિલ 58 રન કરીને આઉટ થઈ ગયા છે. બંનેએ પહેલી વિકેટ માટે 121 રનની ભાગીદારી નોંધાવી હતી.












હર્ષ ભોગલેએ કોમેન્ટરી વિશ્વમાં 40 વર્ષ પૂરાં કર્યાં
નવી દિલ્હીઃ વિશ્વના શાનદાર ક્રિકેટ કોમેન્ટેટર્સનો જ્યારે પણ ઉલ્લેખ થાય છે, માં હર્ષ ભોગલેનું નામ આવે છે. તેમણે કોમેન્ટરીમાં કામ કરતાં 40 વર્ષ પૂરાં થઈ ગયાં છે. તેમણે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ દ્વારા તેમની કેરિયરની સ્ટોરી જણાવી છે. એનો પ્રારંભ 10 સપ્ટેમ્બર, 1983માં થયો હતો.
તેમણે ઇન્સ્ટાગ્રામ અને એક્સ અકાઉન્ટ પર દૂરદર્શનથી મળેલી ઇન્વિટેશનની સ્લિપ મળી હતી. તેમણે સાથે કેપ્શનમાં લખ્યું હતું કે આજથી ચાર દાયકા પહેલાં આ દવસે મને પહેલો ODIનો અનુભવ મળ્યો હતો. મને આજે પણ એ યુવક યાદ છે, જે તકોની શોધમાં હતો અને DD-હૈદરાબાદ પ્રોડ્યુસરે તેને તક આપી હતી. આગામી દિવસોમાં બે કોમેન્ટરી સ્ટિંટ્સ હતી. આગામી 14 મહિનાઓમાં મને બે અને ODI અને ટેસ્ટ મેચપર કોમેન્ટરી કરવાની કૃતક મળી. હું એ માટે આભાર વ્યક્ત કરું છું.
એ સાથે તેમણે પહેલી ODIની પે-સ્લિપ પર શેર કરી છે, જેમાં ઉપર દૂરદર્શન લખ્યું છે અને નીતે ફી તરીકે રૂ. 350 લખ્યા હતા. હર્ષ ભોગલેએ કરિયરમાં 40 વર્ષ પૂરાં થવા પર ફેન્સને શુભ્ચ્છાઓ આપી હતી. તેમણે વીતેલાં વર્ષોમાં શાદરાર કોમેન્ટરી કરી હતી. ગયા વર્ષે કોહલીએ પાકિસ્તાન સામે T20 મેચમાં ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી, એમાં ભોગલેએ કોમેન્ટરી કરી હતી. જે આજ સુધી લોકોને યાદ છે. તેમનો અવાજ ક્રિકેટપ્રેમીઓના હ્દયમાં ગૂંજતો રહેશે.