Home Blog Page 2485

‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું રાજ્યપાલ દેવવ્રતને હસ્તે લોકાર્પણ

ગાંધીનગરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડિરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ પુસ્તકનું રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને હસ્તે રાજભવનમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અતિથિ-વિશેષ તરીકેની ઉપસ્થિતિએ આ ગ્રંથપ્રાગટ્ય સમારંભને ગરિમાપૂર્ણ બનાવ્યો હતો. ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’ નવભારત પબ્લિકેશન દ્વારા ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ડી. અંબાણીએ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. આ પુસ્તકમાં ધીરુભાઈના અવસાન બાદ સમયાંતરે પરિમલ નથવાણીએ ધીરુભાઈ વિશે વિભિન્ન અખબારો વગેરેમાં લખેલા લેખોનું સંપાદન છે.

પરિમલ નથવાણીએ ઘણા લાંબા સમય સુધી કંપનીના સ્થાપક-ચેરમેન ધીરુભાઈ અંબાણી સાથે કામ કર્યું હતું. તેઓ ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેક્નોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ વગેરેથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. ધીરુભાઈ અંબાણીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓને સુપેરે આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યાં છે.

આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપતાં આ પુસ્તકના લેખકે જણાવ્યું હતું કે ધીરુભાઈ અંબાણી સાથેનો મારો નાતો જગજાહેર છે. ફલતઃ આ પુસ્તકની વિગતોમાં મારા આદર્શ પુરુષ ધીરુભાઈ અંબાણીની મારા મન પર પડેલી અસર, મારાં અવલોકનો અને મને થયેલી વિવિધ અનુભૂતિ વગેરે પ્રતિબિંબિત થઈ છે અને તે સ્વાભાવિક પણ છે.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું છે કે આ પુસ્તક લોકોને વાંચવું ગમે, પ્રેરણાદાયી બને એવું લાગે છે. અંબાણી પરિવાર તેમ જ રિલાયન્સ ઉદ્યોગ ગૃહની ઝીણી-ઝીણી કેટલીય ઘટનાઓનું સંકલન આ પુસ્તકમાં છે, જે મને લાગે છે કે પરિમલભાઈ સિવાય બીજું કોઈ સમાવી ન શક્યું હોત.આ પુસ્તક વિમોચન પ્રસંગે મંત્રી રાઘવજી પટેલ, મંત્રી મુળૂભાઈ બેરા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદો પૂનમબહેન માડમ, રાજેશ ચુડાસમા, ધારાસભ્ય શૈલેશ મહેતા, વિવિધ ઉદ્યોગ ગૃહોના વડાઓ, રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ, પ્રતિનિધિઓ અને અખબારી જગતના મહાનુભાવો સહિતના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

 

કેનેડા કેવીરીતે બન્યું મિની પંજાબ? ત્યાં શીખ, હિન્દૂઓની સંખ્યા કેટલી છે?

ઓટ્ટાવાઃ કેનેડામાં ભારતીયો ઘણી મોટી સંખ્યામાં રહે છે. ત્યાંની સંસદમાં હાઉસ ઓફ કોમન્સ ગૃહમાં ભારતીય વંશના 19 જણ ચૂંટાઈને આવ્યા છે. એમાંના 17 જણ શીખ છે અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારની લિબરલ પાર્ટીના છે.

દુનિયામાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેનેડા બીજા નંબરનો દેશ છે. ખાલિસ્તાનવાદી અલગતાવાદી, ભારત-વિરોધી તત્ત્વો, આતંકવાદીઓને આશ્રય અને સહાનુભૂતિ આપવાના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે.

2021ની વસ્તી ગણતરી અનુસાર, કેનેડામાં લોકોની કુલ વસ્તી 3 કરોડ 70 લાખ છે. એમાંના 16 લાખ એટલે કે લગભગ 4 ટકા લોકો ભારતીય મૂળનાં છે. કેનેડામાં શીખ લોકોની સંખ્યા આશરે 7 લાખ 70 હજાર છે. છેલ્લા 20 વર્ષમાં કેનેડામાં શીખ લોકોની સંખ્યા બમણી થઈ છે. એમાંના મોટા ભાગનાં શીખ ભારતના પંજાબમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અથવા નોકરી કરવાના હેતુસર સ્થળાંતર કરનારા છે. શીખ લોકોની વસ્તીની ગણતરીએ પંજાબ રાજ્ય બાદ બીજા નંબરે કેનેડા આવે છે.

કેનેડામાં ઘણા શીખ લોકો ખાલિસ્તાની ચળવળને ટેકો આપે છે. કેનેડાની સરકાર ઉપર પણ શીખધર્મીઓનો ખાસ્સો એવો પ્રભાવ છે. જસ્ટિન ટ્રુડો 2015માં પહેલી વાર વડા પ્રધાન બન્યા હતા ત્યારે એમણે શીખ સમાજના ચાર જણને પોતાની સરકારમાં પ્રધાન બનાવ્યા હતા. 1981માં કેનેડાની કુલ વસ્તીના માત્ર 4.7 ટકા નાગરિકો જ અલ્પસંખ્યક હતા. પરંતુ, એક અહેવાલ અનુસાર, 2035 સુધીમાં કેનેડામાં હિન્દૂ, મુસ્લિમ અને શીખ અલ્પસંખ્યકોની વસ્તી કેનેડાની કુલ વસ્તીનો 33 ટકા હિસ્સો બની જશે.

કેનેડામાં 388 સંસદસભ્યોમાં 18 શીખ છે. આઠ સીટ પર શીખ લોકોનું સંપૂર્ણ નિયંત્રણ છે. જ્યારે બીજા 15 મતવિસ્તારોમાં શીખ લોકોનો વોટ નિર્ણાટક બને છે. તેથી એક પણ રાજકીય પક્ષ શીખ સમાજને નારાજ કરવાનું પસંદ કરતા નથી.

દિલ્હીમાં સૌથી મોટી આશરે રૂ. 25 કરોડનાં ઘરેણાંની ચોરી

નવી દિલ્હીઃ શહેરના ભોગલ  વિસ્તારમાં આવેલા જ્વેલર્સને મોડી રાતે ચોરોની ટોળકી ત્રાટકી હતી. અહેવાલ અનુસાર આશરે રૂ. 25 કરોડ રૂપિયાની કિંમતનાં આભૂષણો પર ચોરોએ હાથ સાફ કર્યો હતો.   આ ઘટનામાં ચોરો આ ચોરી માટે જ્વેલરીના શોરૂમની છત અને દીવાલ તોડીને સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચ્યા હતા. ચોરોએ ચોથા માળેથી છતનું તાળું તોડીને નીચે આવ્યા હતા. ત્યાર બાદ તેમણે સ્ટ્રોન્ગ રૂમની દીવાલમાં બાકોરું પાડ્યું હતું અને CCTVનાં કનેક્શન કાપી દીધાં હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર શોરૂમના માલિકે રવિવારે સાંજે શોરૂમ બંધ કર્યો હતો. બીજા દિવસે પણ સોમવારે શોરૂમ બંધ રહે છે. આજે સવારે શોરૂમ ખોલ્યો, ત્યારે ચોરીની ઘટના માલૂમ પડી હતી. જે પછી એની સૂચના પોલીસને આપવામાં આવી હતી.  પોલીસ સૂચના મળતાં ઘટનાસ્થળે પહોંચ્યી હતી. નિઝામુદ્દીન પોલીસ સ્ટેશનને શક છે કે ચોરોએ રવિવારે મોડી રાતે શોરૂમમાં બાકોરું પાડ્યું હતું. પોલીસ આસપાસના લોકોને પણ પૂછપરછ કરી રહી છે.  

ઉમરાવ સિંહ જ્વલેરી શોરૂમના માલિક સંજીવ જૈને કહ્યું હતું કે આશરે રૂ. 20થી 25 કરોડની કિંમતનાં ઘરેણાં અને ઝવેરાતની ચોરી થઈ હતી. તેમણે અને કર્મચારીઓએ શોરૂમમા સ્ટ્રોન્ગ રૂમની પાસે દીવાલમાં બાકોરું જોયું હતું. તેમણે કહ્યું હતું કે ચોરો અંદર પહોંચીને શાંતિથી ચોરને ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરો સોના-ચાંદીની મોટા ભાગની કીમતી સામાન ઉઠાવીને લઈ ગયા હતા.

 

 

 

 

 

 

‘દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ માટે વહીદા રેહમાનની પસંદગી

નવી દિલ્હીઃ હિન્દી ફિલ્મોનાં પીઢ અભિનેત્રી વહીદા રેહમાનની પસંદગી આ વર્ષના ‘દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડ’ માટે કરવામાં આવી છે. ભારતીય સિનેમાને આપેલા અપ્રતિમ યોગદાનની કદરરૂપે વહીદાને આ એવોર્ડ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીદા રેહમાન ‘પ્યાસા’, ‘સાહિબ બીબી ઔર ગુલામ’, ‘કાગઝ કે ફૂલ’, ‘ગાઈડ’ સહિત અનેક ફિલ્મોમાં કરેલા અભિનય માટે લોકપ્રિય બન્યાં છે.

સાત દાયકા લાંબી કારકિર્દીમાં વહીદાજીએ અસંખ્ય ફિલ્મોમાં વિવિધ પ્રકારની યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. ‘રેશમા ઔર શેરા’ ફિલ્મમાં એમણે ભજવેલી કબીલા જાતિની મહિલાની ભૂમિકા માટે એમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ભારત સરકાર આ પૂર્વે વહીદાજીને ‘પદ્મશ્રી’ અને ‘પદ્મભૂષણ’ ખિતાબોથી સમ્માનિત કરી ચૂકી છે.

સરકારે ઓનલાઇન ગેમિંગ કંપનીઓને રૂ. 55,000 કરોડની નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ સરકાર કેસિનો અને ઓનલાઇન ગેમિંગ કંપનીઓ વિરુદ્ધ સકંજો કસી રહી છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ (DCGI)એ આશરે 12 ઓનલાઇન રિયલ-મની ગેમિંગ કંપની વિરુદ્ધ રૂ. 55,000 કરોડનાં બાકી લેણાં માટે નોટિસ જારી કરી છે.

DCGI દ્વારા કુલ ગેમિંગ આવક પર GSTની ચુકવણી ના કરવા માટે નોટિસ જારી કરવામાં આવી રહી છે. જે કેસોની તપાસ થઈ ચૂકી છે, એમાં નોટિસને સ્પષ્ટ કરવાની જરૂર છે.

ગેમિંગ યુનિકોર્ન ડ્રીમ11 (Dream11)ને રૂ. 25,000 કરોડનાં GSTની બાકી ચુકવણી માટે નોટિસ મળી છે. આ દેશમાં સૌથી મોટી પરોક્ષ ટેક્સ નોટિસ છે. જે અન્ય કંપનીઓને નોટિસ મળી છે, એમાં હેડ ડિજિટલ વર્ક્સ અને પ્લે ગેમ્સ 24*7 સામેલ છે. ઉદ્યોગ સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સપ્તાહોમાં ગેમિંગ કંપનીઓને રૂ. એક લાખ કરોડ સુધીની નોટિસો ફટકારવામાં આવવાની શક્યતા છે. આ નોટિસ સરકારે કેસિનો અને ઓનલાઇન ગેમિંગ પર 28 ટકા GST લગાવવાના નિર્ણય પછી ફટકારી છે.

જોકે Dream11એ નોટિસ મળ્યા પછી બોમ્બે હાઈકોર્ટમાં ધા નાખી હતી. બેન્ગલુરુની ઓનલાઇન ગેમિંગ કંપની ગેમ્સક્રાફ્ટ ટેક્નોલોજી પ્રા. લિ.ને સપ્ટેમ્બર 2022માં રૂ. 21,000 કરોડની ટેક્સ નોટિસ મળી હતી.

ગોવા, સિક્કિમ અને દિલ્હી સહિત કેટલાંક રાજ્યોની અસહમતી છતાં GST કાઉન્સિલે જુલાઈની બેઠકમાં સૌથી વધુ કર લગાવવાનો નિર્ણય લીધો હતો, કેમ કે મોટા ભાગનાં રાજ્યો એ માટે તરફેણમાં હતાં. સંસદે પણ શિયાળુ સત્રમાં નવી ટેક્સ પ્રણાલીને સુવિધાજનક બનાવવા માટે કેન્દ્રીય GSTમાં પ્રસ્તાવિત સંશોધનને મંજૂરી આપી હતી.

 

 

 

 

 

 

PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની ઉજવણીમાં હાજર રહેશે

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી બે દિવસ માટે ગુજરાતના મુલાકાતે છે. તેઓ તેમની મુલાકાત દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં 20 વર્ષની ઉજવણી નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને રાષ્ટ્રને સંબોધન કરશે. આ સિવાય તેઓ કરોડો રૂપિયાના અનેક પ્રોજેક્ટોનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે.

વડા પ્રધાન મોદી જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન હતા, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2003માં શરૂ થઈ હતી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO Office) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 27 સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે PM મોદી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં 20 વર્ષ પૂરા થવાની ઉજવણીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ બપોરે છોટા ઉદેપુરના બોડેલી જશે, ત્યાં તેઓ રૂ. 5200 કરોડથી વધુના પ્રોજેક્ટો રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલાન્યાસ કરશે.

વડા પ્રધાન સાયન્સ સિટીમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.  આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉદ્યોગ સંગઠનો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા સાહસિકો, ઉચ્ચ અને તક્નિકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકો પણ હાજર રહેશે.

વડા પ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ કાર્યક્રમ હેઠળ રૂ. 4500 કરોડથી વધુના કેટલાક પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને એની આધારશિલા મૂકશે. વડા પ્રધાન રાજ્યની સ્કૂલોમાં બનાવવામાં આવેલા હજારો નવા ક્લાસરૂમ, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, STEM-  સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ- અને અન્ય પાયાના માળખાને રાષ્ટ્રને સમર્પિત કરશે.

વડા પ્રધાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2ની આધારશિલા મૂકશે. આ કેન્દ્રોની બધા જિલ્લાઓમાં સ્થાપના કરાશે. વડા પ્રધાન વડોદરામાં નબળા વર્ગના લોકો માટેના આશરે 400 નવાં ઘરો સહિત રાજ્યનાં 7500 ગામોમાં વાઇફાઇ પ્રોજેક્ટ અને નવાં ઘરો રાષ્ટ્રને સમર્પિત કરશે.

 

 

 

ચીંથરે વીટાળ્યું પણ રતન

         

          ચીંથરે વીટાળ્યું પણ રતન

 

અત્યંત સામાન્ય દેખાતી વ્યક્તિ અથવા ગરીબનું ખૂબ જ તેજસ્વી સંતાન (દીકરો અથવા દીકરી), એમાં પણ ખાસ કરીને દીકરી હોય ત્યારે આ કહેવત વપરાય છે.

જેનો અર્થ અતિ સામાન્ય અથવા ગરીબ વ્યક્તિના ત્યાં અત્યંત સ્વરૂપવાન કન્યા અથવા મેઘાવી બુદ્ધિ ધરાવતો પુત્ર પેદા થયો છે એવો અર્થ થાય. ‘ચીંથરે વીંટ્યું રતન’ આની સમાનાર્થી કહેવત છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

કોરાનાના 41 નવા કેસો, એક પણ જણનું મોત નહીં      

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,98,565 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,32,031 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,66,109 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 31 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 463 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 20,860 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.53 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,71,149 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 173 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

જાવેદના ‘એક દો તીન…’ ગીતની બે વાતો

માધુરી દીક્ષિત પર ફિલ્માવવામાં આવેલું ‘તેજાબ’ (૧૯૮૮) નું જાવેદ અખ્તરે લખેલું ગીત ‘એક દો તીન…’ સંગીતકારને જ નહીં ગાયિકાને પણ પહેલાં પસંદ આવ્યું ન હતું. નિર્દેશક એન. ચંદ્રાએ ‘તેજાબ’ ના સંગીત માટે સંગીતકાર લક્ષ્મીકાન્ત -પ્યારેલાલ અને ગીતકાર જાવેદ અખ્તર સાથે એક બેઠક યોજી અને કહ્યું કે આ ગીત સ્ટેજ પર નૌટંકીના માહોલમાં ગવાય એવું બનવું જોઈએ. લક્ષ્મીકાન્તે જાવેદને એક ધૂન આપી અને એક પધ્ધતિ મુજબ ડમી શબ્દો ‘એક તો તીન… તેરા’ આપ્યા. જેથી ગીતકારને ખ્યાલ રહે કે કયા મીટર અને ધૂનમાં ગીત લખવાનું છે.

બીજા દિવસે જાવેદ ગીત લખીને લઈ ગયા અને લક્ષ્મીકાન્તને કહ્યું કે ‘એક થી તેરા’ શબ્દો એમ જ રહેવા દેશો. જાવેદની વાત સાંભળીને એ ચોંકી ગયા અને આશ્ચર્ય વ્યક્ત કરીને કહ્યું કે ‘એક દો તીન’ સુધી બરાબર છે પણ ‘તેરા’ ના આંકડા સુધી બોલવાનું બહુ અજીબ લાગશે. એમણે તો માત્ર ગીતની ધૂન સમજવા એકથી તેરા શબ્દો આપ્યા હતા. જાવેદે સ્પષ્ટતા કરી કે બાકીનું ગીત એવી રીતે લખ્યું છે કે એ એની સાથે મેળ ખાય એવું છે. એ ગીતમાં એક વાર્તા જેવી બનાવી છે જેમાં છોકરી ઇંતજાર કરે છે. અને આગળની તારીખોએ શું થાય છે એનું વર્ણન કરે છે. વળી આ નૌટંકીનું ગીત હોવા છતાં ક્યાંય અશ્લીલતા નથી. એમાં એક સાદગી છે જે લોકગીતોમાં સાંભળવા મળે છે.

જાવેદની વાતથી અને આગળના અંતરા ‘ચૌદહ કો તેરા સંદેશા આયા, પન્દ્રહ કો આઉંગા યે કહલાયા…’ વાંચ્યા પછી લક્ષ્મીકાન્તને વિશ્વાસ બેઠો અને ગીત રેકોર્ડ કરવાનું નક્કી કરી લીધું. જ્યારે ગાયિકા તરીકે અલકા યાજ્ઞિકને બોલાવવામાં આવ્યા ત્યારે એ પણ ‘એક તો તીન…’ થી સળંગ તેરા સુધીના શબ્દો સાંભળી ચમકી ગયા. એ નિરાશ થઈ ગયા કે આ કેવું ગીત બનાવ્યું છે? એમની સાથે મજાક થઈ રહી છે કે શું? પણ લક્ષ્મીકાન્તનો એમને ડર હતો. એમને કંઇ કહી શકે એમ ન હતા. એમણે મોંમાં પાન સાથે અલકાને ગાવા માટે ગીત લખાવ્યું. પણ જ્યારે અલકાએ બીજી લાઇન અને ત્રીજી લાઇન પછી અંતરા લખ્યા ત્યારે બધી નિરાશા જતી રહી અને ખ્યાલ આવ્યો કે કમાલનું ગીત છે. ગાતી વખતે પણ અલકાને મજા આવી ગઈ હતી.

આ ગીતમાં લક્ષ્મીકાન્ત- પ્યારેલાલે ૬૦ જેટલા કોરસનું આયોજન કર્યું હતું. મહેબૂબ સ્ટુડિયોમાં જગ્યા ઓછી હોવાથી અલકાએ દીવાલ સાથે અડીને ઊભા રહી ગીત ગાવું પડ્યું હતું. ગીતનું રેકોર્ડિંગ થઈ ગયા પછી અલકાને થયું હતું કે એ હજુ વધુ સારી રીતે ગાઈ શકી હોત. તેથી લક્ષ્મીકાન્તને ફરીથી રેકોર્ડિંગ કરવા સૂચન કર્યું પણ એ માન્યા નહીં. અલકાને આજે પણ એમાં ખામી રહી ગઈ હોવાનો અફસોસ સતાવે છે. અલકા યાજ્ઞિક સ્વીકારે છે કે ‘એક દો તીન…’ ગીતથી માધુરીની જ નહીં એની કેરિયર પણ આગળ વધી હતી. એ પછી માધુરીના મોટાભાગના ગીતો અલકાએ જ ગાયા હતા.

આ ગણપતિ મંદિરમાં દાદા રિદ્ધિ-સિદ્ધિ સાથે છે બિરાજમાન

ગુજરાતમાં ગણપતિ બાપ્પાના અનેક મંદિરો છે જે ક્યારેક દાદાની મૂર્તિના કારણે તો ક્યારેક બાપ્પાના આગવા અસ્તિત્વને લઈને ભાવિકોમાં પૂજનીય છે. જેમાં એક નામ છે ઉત્તર ગુજરાતમાં આવેલા દેત્રોજના રૂદાતલ ગામ. જ્યાં ગણપતિ દાદાનું 1200 વર્ષ જૂનું પ્રાચીન મંદિર આવેલું છે.

આ મંદિરમાં ભક્તો દાદાને ઘઉંના લાડુ ધરાવે છે

ગણપતિ દાદા આ મંદિરમાં રિદ્ધિ-સિદ્ધિ સાથે બિરાજમાન છે. દૂર દૂરથી લોકો બાપ્પાના દર્શન કરવા આવે છે. ભાવિકોની ગણેશ ઉત્સવમાં અહીં ભીડ જામે છે. તો અનેક ભક્તો ભક્તો ગણેશજીની ચતુર્થી ભરવા નિયમીત આવે છે. આમ તો દાદાને મોદક અને લાડુ ખુબ પ્રિય છે ત્યારે ગણપતિના આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા ઘઉંના લાડુ ધરાવે છે.

પેશ્વાઓ સમયથી પણ જૂનું છે મંદિર

 

કહેવાય છે કે આ મંદિર પેશ્વાઓના સમયથી પણ જૂનું છે. એક દંતકથા પ્રમાણે રૂદાતલની પાસે સીતાપુરના પટેલોને એક પથ્થર મળ્યો હતો જે ગાડામાં મૂક્યા બાદ ગાડું આગળ ચાલી શક્યું ન હતું. ત્યારે એક પટેલને થયું કે, આ ગાડું પથ્થરનાં કારણે આગળ જતું નથી. એમણે જેવો પથ્થર નીચે મૂક્યો અને ગાડું ચાલવા લાગ્યું હતું. ત્યાર બાદ અહીં ગણપતિના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

દુંદાળા દેવને ગામના લોકો લાડુની જાતર ધરાવે છે

દાદાને રીઝવવા ભક્તો બધુય કરી છુટવા તૈયાર હોય છે. આમ તો મોટાભાગે ગણેશ મંદિરોમાં દાદાને બુંદીના લાડુ ધરાવતા હોય છે, પરંતુ આ ગણેશ મંદિરમાં લોકો પોતાની માનતા પૂર્ણ થાય એ માટે ઘઉંના લાડુનો પ્રસાદ અર્પણ કરે છે. એટલુ જ નહીં દર વર્ષે આ મંદિરમાં દુંદાળા દેવને ગામના લોકો લાડુની જાતર ધરાવે છે.

રાત્રે સંતવાણી અને ભજનનું આયોજન થાય છે

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મંદિરના મુખ્ય આચાર્ય મહંતશ્રી બાબુગીરી ગોસ્વામી કહે છે કે, અમે ચાર પેઢીથી દાદાની સેવા કરીએ છીએ. હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે બાપ્પાના દર્શન કરવા લાંબી કતારો લાગે છે. રોજ રાત્રે સંતવાણી અને ભજનનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત વૈશાખ સુદ ચોથના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે. જેમાં હજારો લોકો દર્શન કરવા આવે છે. મંદિરમાં દાદાનું વાહન મુષક રાજાની પણ પ્રતિમા સ્થાપિત છે. અહીં બિરાજમાન ગણપતિ દાદા ચમત્કારી છે.

 

હેતલ રાવ

પ્રજ્ઞેશ વ્યાસ