ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩
શું શિવરાજ સિંહ ચૌહાણ આ વખતે વિધાનસભા ચૂંટણી નહીં લડે?
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 78 ઉમેદવારોની જાહેરાત કરી છે. હજુ સુધી પાર્ટીએ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને લઈને પોતાનો પત્તો નથી ખોલ્યો. PM મોદીએ સોમવારે ભોપાલમાં જન આશીર્વાદ યાત્રાના સમાપન કાર્યક્રમમાં એક વાર પણ સીએમ શિવરાજનું નામ લીધું ન હતું. મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. ભાજપે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ અને ફગ્ગન સિંહ કુલસ્તે સહિત 7 સાંસદોને વિધાનસભાની ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયને પણ 10 વર્ષ બાદ ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નામની જાહેરાત કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં શિવરાજસિંહ ચૌહાણ આ વખતે વિધાનસભાની ચૂંટણી લડશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.

ભાજપની ટોચની નેતાગીરી શિવરાજ સિંહ ચૌહાણના નજીકના નેતાઓને બદલે પીએમ મોદી અને અમિત શાહના વિશ્વાસુ ઉમેદવારોને પ્રાધાન્ય આપી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભોપાલને બદલે દિલ્હીથી ભાજપના ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ભાજપે જે રીતે શિવરાજસિંહ ચૌહાણની સમકક્ષ નેતાઓને વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે, તેની રાજકીય અસરો પણ છે. આ વખતે ભાજપે કોઈ નેતાને સીએમ ચહેરો બનાવ્યો નથી અને હવે દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતારીને સીએમ ચહેરાનો વિકલ્પ ખુલ્લો છોડી દીધો છે, જે શિવરાજ માટે સીધો સંકેત માનવામાં આવી રહ્યો છે.

શિવરાજ સિંહ ચૌહાણ વર્ષ 2005માં મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા, ત્યારબાદ તેઓ 2018 સુધી સતત આ પદ પર રહ્યા. ભાજપે 2008, 2013 અને 2018ની વિધાનસભા ચૂંટણીમાં શિવરાજ સિંહ ચૌહાણને સીએમ ચહેરો બનાવ્યો હતો, પરંતુ આ વખતે પાર્ટી પોતાનો પત્તો નથી ખોલી રહી. ભાજપ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાને બદલે સામૂહિક નેતૃત્વ અને પીએમ મોદીના નામે ચૂંટણી લડી રહી છે. શિવરાજ સિંહ ચૌહાણ 16 વર્ષ અને 7 મહિનાથી મુખ્યમંત્રી પદ સંભાળી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ શિવરાજ સિંહ સામે સત્તા વિરોધી લહેર આવવાનું છે.

શિવરાજ પર ચાન્સ લેવાનું ભાજપ કેમ ટાળી રહ્યું છે?
મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને જે રીતે મીડિયામાં સર્વે આવી રહ્યા છે, તેનાથી એ પણ સંકેત મળી રહ્યો છે કે ભાજપને રાજ્યમાં સત્તા વિરોધી લહેર સામે લડવું પડશે. આ જ કારણ છે કે ભાજપ આ વખતે શિવરાજ સિંહ ચૌહાણ પર દાવ લગાવવાનું ટાળી રહ્યું છે અને હવે પાર્ટીએ બીજી યાદીમાં ત્રણ કેન્દ્રીય મંત્રીઓ સહિત 7 સાંસદોને મેદાનમાં ઉતાર્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે શિવરાજ સિંહ ચૌહાણને મેદાનમાં ઉતારીને ભાજપ જોખમ લેવા માંગતી નથી. સૂત્રોનું માનીએ તો શિવરાજ સિંહ ચૌહાણ પોતે આ વખતે વિધાનસભા ચૂંટણી લડવાથી હટી શકે છે. ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એવું જોવા મળ્યું હતું કે પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પોતે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં ઉમા ભારતી, સુષ્મા સ્વરાજ, કલરાજ મિશ્રા જેવા બીજેપીના ઘણા વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી લડવાનું છોડી દીધું હતું. આ જ ફોર્મ્યુલાને અનુસરીને શિવરાજ સિંહ ચૌહાણ પણ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી શકે છે? પીએમ મોદીની મુલાકાત બાદથી આના સંકેત દેખાઈ રહ્યા છે, ત્યારબાદ ઉમેદવારોની યાદી અને શિવરાજનું નામ ન આવવાથી આ આશંકા વધુ મજબૂત થઈ રહી છે.
EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગ અંગે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો
ગાંધીનગરઃ આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેને અનુલક્ષીને ચૂંટણીપ્રક્રિયાના ભાગરૂપે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના FLC એટલે કે ફર્સ્ટ લેવલ ચેકિંગ અંગે તાલીમ અને માર્ગદર્શન માટે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો હતો.
રાજ્યના 33 જિલ્લાના ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા flc સુપરવાઇઝર્સ ને તાલીમ આપવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલા એકદિવસીય વર્કશોપમાં કેન્દ્રીય ચૂંટણી પંચના ઉપ સચિવ ઓ. પી. સહાની તથા સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ. બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા યોજાતા પ્રથમ તબક્કાના FLC વર્કશોપના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. EVMની કેટેગરી મુજબ સ્ટોરેજ, EVM વેરહાઉસની સુરક્ષા અને EVMના ટ્રાન્સપોર્ટેશન કેશિફ્ટિંગ સમયે અનુસરવાની કાર્યપદ્ધતિનો ઉલ્લેખ કરીને તેમણે ચૂંટણી પૂર્વે, ચૂંટણી સમયે અને મત ગણતરીને સમયે અનુસરવાના પ્રોટોકોલ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુખ્ય ચૂંટણી અધિકારીએ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયત કરવામાં આવેલી કાર્યપદ્ધતિનું સુચારુ પાલન થાય અને મતદારોમાં EVM વિશે જાગૃતિ કેળવાય એ માટે પ્રયાસો કરવા પણ જિલ્લા ચૂંટણી અધિકારીઓને જણાવ્યું હતું.
ચૂંટણી પંચના જયદીપ દ્વિવેદી દ્વારા EVMના મેન્યુફેક્ચરિંગ ફીચર્સ, પારદર્શિતા અને સંચાલનને લગતાં પાસાંઓ વિશે સવિસ્તર સમજ આપવામાં આવી હતી. આ સાથે તેમણે EVM મેનેજમેન્ટ સિસ્ટમ સાથે સંકળાયેલા વહીવટી પાસાં અંગે તબક્કાવાર તાલીમ આપી હતી.
સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી અને EVMના રાજ્ય સ્તરના નોડલ અધિકારી પંકજ પંચાલે EVMની FLC પ્રક્રિયા, સુપરવિઝન તથા જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રથમ તબક્કાના ચેકિંગ ઇન્ચાર્જ સહિતના અધિકારીઓની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિ.ના એન્જિયર્સ દ્વારા EVM અને VVPAT ઉપરાંત FLC યુનિટ અને સિમ્બોલ લોડિંગ યુનિટ (SLU)નું નિર્દશન અને ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી હતી. એ સાથે જિલ્લાના ચૂંટણી અધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલા સવાલોના નિષ્ણાતો દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
વિઝા-મંજૂરી પ્રક્રિયા ઝડપી બનાવો: ભારતીય ઉદ્યોગપતિઓની અમેરિકાને વિનંતી
નવીદિલ્હીઃ ભારતના ઉદ્યોગજગતના મહારથીઓએ એવી ઈચ્છા દર્શાવી છે કે અમેરિકામાં વ્યાપાર કરવા અને મૂડીરોકાણ કરવા માટેની તકોની ખોજ કરવા માટે અમેરિકાની મુલાકાતે આવવા ઈચ્છતા ઉદ્યોગપતિઓ-વેપારીઓને વિઝા ઈસ્યૂ કરવાની પ્રક્રિયાને અમેરિકાની સરકારે ઝડપી બનાવવાની જરૂર છે. આ વિનંતી ઈન્ડો-અમેરિકન ચેંબર ઓફ કોમર્સના પ્રમુખ લલિત ભાસિને દિલ્હીમાં ભારત-અમેરિકા વ્યાપાર-ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં ઉચ્ચારી હતી.
તે કાર્યક્રમમાં ભારત ખાતે અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટી પણ ઉપસ્થિત હતા.
ભાસિને કહ્યું કે, વ્યાપાર અને મૂડીરોકાણના અવસર માટે અમેરિકાની મુલાકાત લેવા ઈચ્છે છે તે ભારતીય ઉદ્યોગપતિઓ વિઝા મંજૂરીમાં ઘણો બધો વિલંબ થવાની તકલીફથી પરેશાન રહે છે. તેથી વિઝા-મંજૂરી પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થવાની અમે રાજદૂત ગાર્સેટીને વિનંતી કરીએ છીએ.
ગાર્સેટીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારત અને અમેરિકાએ ઘર્ષણરહિત સંબંધ બનાવવા માટે એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ, જેને કારણે માત્ર આપણા બંને દેશમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં સમૃદ્ધિ વધશે.
PM મોદીએ મનમોહન સિંહ સાથે ફોન પર વાત કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સાથે ફોન પર વાત કરી અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. આ પહેલા પીએમ મોદીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનમોહન સિંહને તેમના જન્મદિવસ પર સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા X પર લખ્યું, પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ જીને જન્મદિવસની શુભેચ્છા” હું તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. મનમોહન સિંહ મંગળવારે 91 વર્ષના થયા. તેમનો જન્મ 1932માં પંજાબના ગાહ ગામમાં થયો હતો, જે હવે પાકિસ્તાનનો ભાગ છે.
Birthday wishes to former PM Dr. Manmohan Singh Ji. I pray for his long life and good health.
— Narendra Modi (@narendramodi) September 26, 2023
દસ વર્ષ સુધી પીએમ રહ્યા
મનમોહન સિંહ, જેઓ દસ વર્ષ (2004 થી 2014) સુધી દેશના વડા પ્રધાન હતા, તેમને 1990 ના દાયકામાં આર્થિક સુધારામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર તરીકે ઓળખવામાં આવે છે.
દૂધી મેથીના મુઠિયા
આ મુઠીયા નાસ્તામાં અથવા રાત્રે હળવા ડિનર માટે પણ સારો અને સ્વાદિષ્ટ વિકલ્પ છે. મુઠીયા બાફીને રાખ્યા હોય તો 2-3 કલાક બાદ તેને વઘારીને ગરમ કરીને પીરસી શકાય છે. અથવા ફ્રીજમાં થોડ કલાક માટે પણ રાખીને ફરીથી થોડાં ગરમ કર્યા બાદ વઘારીને પીરસી શકાય છે.

સામગ્રીઃ
- દૂધી છીણેલી 2 કપ
- લીલી મેથીના પાન 1 કપ
- કોથમીર 1 કપ
- તીખાં લીલાં મરચાં 2
- લસણની કળી 4-5
- આદુનો ટુકડો 1 ઈંચ
- હીંગ ¼ ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- અજમો 1 ટી.સ્પૂન
- લાલ મરચાં પાવડર 1 ટી.સ્પૂન
- ધાણાજીરુ 2 ટી.સ્પૂન
- ગરમ મસાલો,
- હળદર પાવડર ¼ ટી.સ્પૂન
- વરિયાળી 1 ટી.સ્પૂન
- સફેદ તલ 2 ટે.સ્પૂન
- 1 લીંબુનો રસ
- સાકર અથવા ગોળ 1 ટી.સ્પૂન (અથવા તમને જોઈએ તે પ્રમાણે)
- ઘઉંનો લોટ ¼ કપ
- ઘઉંનો કરકરો લોટ ¼ કપ
- ચણાનો લોટ ¼ કપ
- જુવાર અથવા બાજરીનો લોટ ¼ કપ

વઘાર માટેઃ
- તેલ 1 ટે.સ્પૂન
- સફેદ તલ 1 ટે.સ્પૂન
- રાઈ 1 ટી.સ્પૂન
- મીઠા લીમડાના પાન 6-7
- ધોઈને ઝીણી સમારેલી કોથમીર
રીતઃ દૂધીને છોલીને ધોઈને છીણી લો. મેથીના પાન તેમજ કોથમીર અલગ અલગ 2-3 પાણીએથી ધોઈને સમારી લો. એક બાઉલમાં છીણેલી દૂધી, મેથી, કોથમીર, તલ, બધાં સૂકા મસાલા, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું, તેમજ અજમો હાથેથી થોડો મસડીને નાખી દો.

હવે તેમાં બધા સૂકા લોટ મેળવી દો અને પાણી નાખ્યા વગર કણક બાંધી દો. કેમ કે, દૂધીમાં તેમજ મેથી કોથમીરમાં રહેલાં પાણી વડે લોટ બંધાઈ જશે.
મુઠીયા બાફવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો અને મુઠીયા મૂકવા માટેની ડીશ અથવા થાળીને તેલ ચોપડી દો. હાથમાં તેલ ચોપડી લો. મુઠીયાના લોટમાંથી નાના લૂવા હાથમાં લઈ લંબગોળ રોલ વાળીને તેલ ચોપડેલી થાળીમાં મુઠીયા ગોઠવી દો. મુઠીયા બાફવાના વાસણમાં પાણી ગરમ થઈ જાય એટલે તૈયાર થાળી તેમાં ગોઠવી દો. વાસણને ઢાંકીને 20 મિનિટ સુધી મુઠીયા બફાવા દો.
ત્યારબાદ ગેસ બંધ કરીને મુઠીયા ઉતારી લો. પાંચેક મિનિટ બાદ મુઠીયાને તેમાંથી કાઢી લઈ તેના કટકા કરી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરી રાઈ તતડાવો. તેમાં મીઠો લીમડો વઘારીને ગેસ ધીમો કરીને તલનો વઘાર હળવેથી કરી તરત જ કટ કરેલા મુઠીયા તેમાં ઉમેરી દો. જેથી ગરમ તેલમાંના તલ ઉડે નહીં. ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દો.
આ મુઠીયા લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસો.

સરકારની મધ્યમ વર્ગને સસ્તા આવાસ આપવાની યોજના
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર મધ્યમ વર્ગ માટે એક મોટી યોજના લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ પહેલાં સરકારે મધ્યમ વર્ગને રાહત આપવા માટે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં રૂ. 200નો કાપ મૂક્યો હતો. કેન્દ્ર સરકારે મોંઘવારી દરમાં કાબૂ મેળવવાના ઉદ્ધેશથી રાંધણ ગેસની કિંમતોમાં 18 ટકાનો ઘટાડો કર્યો હતો.
કેન્દ્ર સરકાર શહેરી મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના લોન્ચ કરવાની છે. વડા પ્રધાને 15 ઓગસ્ટે કરેલા ભાષણમાં આ યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. સરકાર આ નવી આવાસ યોજનામાં આગામી પાંચ વર્ષમાં રૂ. 600 અબજ (7.2 અબજ ડોલર) ખર્ચ કરશે. આ યોજના હેઠળ રૂ. નવ લાખની લોન પર સરકાર 3-6.5 ટકાના દરથી વ્યાજ સબસિડી આપશે. આ યોજનામાં 20 વર્ષના સમયગાળા માટે લેવામાં આવેલી રૂ. 50 લાખ કે તેથી ઓછી હોમ લોનવાળી વ્યક્તિ પાત્ર હશે. હોમ લોન લાભાર્થીઓના ખાતામાં એડવાન્સ જમા કરવામાં આવશે. આ યોજના 2028 સુધી લાગુ કરવામાં આવશે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે વ્યાજ સબસિડી હોમ લોનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળશે એ પછી લાગુ કરવામાં આવશે. આ યોજનાને અંતિમ રૂપ આપવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ શહેરી વિસ્તારોમાં ઓછી આવકવાળા એ લોકોને મળશે, જે લોન લેવા ઇચ્છે છે. જોકે સબસિડી કેટલી મળશે એ એવાં ઘરોની માગ પર નિર્ભર રહેશે.
સરકારે પોતાના સ્તરે લાભાર્થીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું છે. આ વર્ષના અંત સુધીમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. જ્યારે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે.
એશિયન ગેમ્સ-2023: ઘોડેસવારીમાં ભારતીય ટીમે ગોલ્ડ મેડલ જીત્યો
હાંગ્ઝોઃ અહીં રમાતી 19મી એશિયન ગેમ્સમાં આજે ઘોડેસવારીની રમતમાં ભારતને ટીમ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ડ્રેસેજ ટીમ ફાઈનલ હરીફાઈમાં ભારતને પ્રથમ સ્થાન અપાવીને સુવર્ણ ચંદ્રક જિતાડનાર ઘોડેસવારો છેઃ સુદીપ્તી હાજેલા, દિવ્યાકૃતિ સિંહ, અનુષ અગ્રવાલા અને હૃદય વિપુલ છેડા. આ ચારેય રમતવીરોએ ઈતિહાસ સર્જ્યો છે. ભારતને આ રમતમાં 41 વર્ષ પછી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો છે.
ભારતના રમતવીરોએ કુલ 209.205 પોઈન્ટ્સ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. બીજા ક્રમે ચીન (204.882 પોઈન્ટ) અને ત્રીજા ક્રમે હોંગકોંગ (204.852 પોઈન્ટ) છે.
આ વર્ષની એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં આ ચોથો સુવર્ણ ચંદ્રક મળ્યો છે.
ઘોડેસવારીની રમતને 1900ની સાલમાં ઓલિમ્પિક રમત તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો. એશિયન ગેમ્સમાં આ રમતને 1982માં દિલ્હી ગેમ્સ વખતે સામેલ કરવામાં આવી હતી. છેલ્લા અમુક વર્ષોથી આ રમત પર જાપાનનું વર્ચસ્વ રહ્યું છે. એણે અત્યાર સુધીમાં 18 સુવર્ણ સહિત 43 ચંદ્રક જીત્યા છે. દક્ષિણ કોરિયાએ 15 સુવર્ણ ચંદ્રક જીત્યા છે. ભારત ભૂતકાળમાં આ રમતમાં ત્રણ સુવર્ણ ચંદ્રક, ત્રણ રજત અને છ કાંસ્ય ચંદ્રક જીત્યું હતું. ત્રણેય સુવર્ણ ચંદ્રક 1982ની ગેમ્સમાં મળ્યા હતા. એ વખતે રઘુબીર સિંહ વ્યક્તિગત હરીફાઈમાં ચેમ્પિયન બન્યા હતા. એ પછી તેમણે ગુલામ મોહમ્મદ ખાન, વિશાલ સિંહ અને મિલ્ખા સિંહ સાથે ટીમ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ જ ગેમ્સમાં રુપિન્દર સિંહ બરાડે વ્યક્તિગત ટેન્ટ પેગિંગ હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2018ની જકાર્તા એશિયન ગેમ્સમાં ભારતના ફવાદ મિર્ઝાએ વ્યક્તિગત હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો હતો. જ્યારે ટીમ હરીફાઈમાં રાકેશ કુમાર, આશિષ મલિક, જિતેન્દર સિંહ અને ફવાદ મિર્ઝાની ટીમે રજત ચંદ્રક જીત્યો હતો.
નૌકાયન રમતમાં નેહા ઠાકૂરે જિત્યો સિલ્વર, ઈબાદ અલીને કાંસ્ય
નૌકાયન (સેલિંગ) રમતમાં ભારતને મેડલ મળવાનું ચાલુ રહ્યું છે. આજે 17 વર્ષની નાવિક નેહા ઠાકૂરે ડિંગી – ILCA4 હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો છે. આ જ રમતમાં, પુરુષોની વિન્ડસર્ફર હરીફાઈમાં ભારતને ઈબાદ અલીએ કાંસ્ય ચંદ્રક જીત્યો છે.
જાણો.. વહીદા રહેમાનની ફિલ્મી સફર અને અંગત જીવન વિશે
દાદાસાહેબ ફાળકે પુરસ્કાર લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સિનેમા જગતનો સૌથી મોટો પુરસ્કાર માનવામાં આવે છે. હાલમાં આ એવોર્ડ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે વહીદા રહેમાનને 53મા ફિલ્મ એવોર્ડ માટે પસંદ કરવામાં આવી છે. ત્યારે જાણીએ એમની ફિલ્મી સફર અને અંગત જીવન વિશે..

1950થી 1970 સુધીનો સમયગાળો હિન્દી સિનેમાનો સુવર્ણકાળ ગણાય છે. આ સમયગાળા દરમિયાન, જ્યારે સિનેમામાં ઘણા પ્રયોગો થયા હતા, ત્યારે આ વખતે ઘણા શ્રેષ્ઠ કલાકારોની દમદાર અભિનય પણ જોવા મળ્યો હતો. જેમાંની એક અભિનેત્રી છે વહીદા રહેમાન.
અભિનયના જાદુથી સિનેમાના દર્શકોને મોહિત કર્યા

ફિલ્મ જગત પર વહીદા રહેમાને લાંબા સમય રાજ કર્યુ. એમણે નિર્દોષતા, સુંદરતા અને ઉત્તમ અભિનયના જાદુથી હિન્દી સિનેમાના દર્શકોને મોહિત કર્યા. વહીદા રહેમાનના અભિનયને કારણે જ એ સમયના મોટાભાગના કલાકારો એમની સાથે કામ કરવા માંગતા હતા. વર્ષ 1955માં તેલુગુ સિનેમા ‘જયસિમ્હા’થી શરૂ થયેલી વહીદા રહેમાનની ફિલ્મી સફર ‘રંગ દે બસંતી’ અને ‘દિલ્હી 6’માં સુધી અવરિત છે.

વહીદા રહેમાનનો જન્મ 3 ફેબ્રુઆરી 1938ના રોજ તમિલનાડુ રાજ્યના ચેંગલપટ્ટુમાં એક સુશિક્ષિત તમિલ-મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા જિલ્લા મેજિસ્ટ્રેટ જેવી ઉચ્ચ પોસ્ટ પર તૈનાત હતા. પરંતુ વહીદાના પિતાનું મૃત્યુ તેમના જન્મના 9 વર્ષ પછી એટલે કે વર્ષ 1948માં થયું હતું. પિતાના મૃત્યુના સાત વર્ષ બાદ તેમની માતાનું પણ અવસાન થયું હતું. તેમના પિતાના મૃત્યુના એક વર્ષ પછી, વહીદાએ તેલુગુ ફિલ્મ ‘રોજુલુ મારાઈ’માં બાળ કલાકારની ભૂમિકા સાથે સિનેમા જગતમાં પ્રવેશ કર્યો. આ સમય સુધીમાં એ ભરત નાટ્યમની ઉત્તમ નૃત્યાંગના બની ગયા હતા. હવે એમણે ભારતીય સિનેમાના મુખ્ય પ્રવાહમાં પ્રવેશવાનો પ્રયાસ શરૂ કર્યો. આ સમય દરમિયાન, એ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અને નિર્માતા-નિર્દેશક ગુરુ દત્તના સંપર્કમાં આવ્યા અને સિનેમાના સિલ્વર સ્ક્રીન પર છવાઈ ગયા.
વહીદા રહેમાનની અભિનય યાત્રા

વર્ષ 1956માં, ગુરુ દત્તે દેવ આનંદની સામે ‘સીઆઈડી’માં વહીદા રહેમાનને વિલનની ભૂમિકામાં કાસ્ટ કર્યા હતા અને આ ફિલ્મ બોક્સ-ઓફિસ પર સુપરહિટ રહી હતી. આ પછી વર્ષ 1957માં ગુરુ દત્ત અને વહીદા રહેમાનની ક્લાસિક ફિલ્મ ‘પ્યાસા’ રીલિઝ થઈ હતી. ગુરુ દત્ત અને વહીદા વચ્ચેના પ્રેમ સંબંધને કારણે આ ફિલ્મની ખૂબ ચર્ચા થઈ હતી. કહેવાય છે કે 1959માં રિલીઝ થયેલી ગુરુ દત્તની ફિલ્મ ‘કાગઝ કે ફૂલ’ તેમની નિષ્ફળ પ્રેમ કહાની પર આધારિત હતી. જો કે, પછીના વર્ષોમાં પણ વહીદા રહેમાને ગુરુ દત્ત સાથે બીજી બે ફિલ્મો કરી. તેમાં 1960ની ‘ચૌધવીન કા ચાંદ’ અને 1962ની ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ મુખ્ય હતી. આ સિવાય વહીદા પાસે ગુરુ દત્ત સાથે બે અન્ય ક્લાસિક ફિલ્મો પણ છે, ’12 ઓ’ ક્લોક’ (1958) અને ‘ફુલ મૂન’ (1961).

દેવ આનંદ સાથે વહીદા રહેમાનની જોડી ફિલ્મોમાં ખૂબ જ લોકપ્રિય હતી. આ બંનેએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પાંચ સુપરહિટ ફિલ્મો આપી હતી. આ ફિલ્મો છે C.I.D., સોલવાસાલ, કાલા બજાર, બાત એક રાત કી અને ગાઈડ કરી હતી. આ સિવાય બંનેએ વધુ બે ફિલ્મો ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ અને ‘પ્રેમ પૂજારી’ કરી હતી, પરંતુ કમનસીબે, સમીક્ષકોની પ્રશંસા છતાં, બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ.
1962માં ગુરુ દત્તની ટીમથી અલગ થયા બાદ વહીદા રહેમાને નિર્માતા-નિર્દેશક સત્યજીત રેની ફિલ્મ ‘અભિજાન’માં કામ કર્યું હતું. તે જ વર્ષે એમની બીજી સુપરહિટ ફિલ્મ ‘બીસ સાલ બાદ’ રિલીઝ થઈ. ત્યારબાદ વર્ષ 1964માં આવેલી ‘કોહરા’એ પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી હતી. વહીદા રહેમાનની કારકિર્દી માટે 1960નું દશક ખૂબ જ સફળ રહ્યું. આ સમયગાળા દરમિયાન, એમણે હિટ ફિલ્મો આપવામાં એમની સમકાલીન અભિનેત્રીઓમાં મોખરે હતા. આ ઉપરાંત અન્ય હિટ ફિલ્મોમાં વર્ષ 1967માં રિલીઝ થયેલી ‘રામ ઔર શ્યામ’ અને ‘પત્થર કે સનમ’, પ્રખ્યાત અભિનેતા સુનીલ દત્ત અભિનીત એક ફૂલ ચાર કાંટે, મુઝે જીને દો, મેરી ભાભી અને દર્પણનો સમાવેશ થાય છે.

એવું નથી કે વહીદાની ફિલ્મોએ આ સમયગાળામાં નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો ન હતો. ફિલ્મ વિવેચકોની મજબૂત સ્ટોરી અને વખાણ હોવા છતાં, 1966માં ‘તીસરી કસમ’ અને 1971માં ‘રેશ્મા ઔર શેરા’ની બોક્સ-ઓફિસ નિષ્ફળતા દરેકની સમજની બહાર હતી. એટલું જ નહીં, 1974માં તત્કાલિન સુપરસ્ટાર અભિનેતા રાજેશ ખન્ના સાથે વહીદાની ફિલ્મ ‘ખામોશી’ આવી, જે બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી. વર્ષ 1959 થી 1964 દરમિયાન, વહીદા રહેમાન સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓની યાદીમાં ત્રીજા સ્થાને હતી અને વર્ષ 1966 થી 1969 દરમિયાન, તે સમકાલીન અભિનેત્રીઓ નંદા અને નૂતન સાથે આ યાદીમાં બીજા સ્થાને હતી. અભિનેત્રી નંદા વહીદાની સૌથી નજીકની મિત્રોમાંની એક હતી. આ બંનેએ 1960માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાલા બજાર’માં કો-સ્ટારની ભૂમિકા ભજવી હતી.
1974 માં લગ્ન કર્યા પછી, વહીદા રહેમાને ફિલ્મોમાં કામ કરવાનું ઓછુ કરી દીધું. 1976 થી 1994 ની વચ્ચે, એમણે લગભગ 24 ફિલ્મોમાં નાની ભૂમિકાઓ કરી. જેમાં મુખ્ય ફિલ્મો હતી – અદાલત, કભી કભી, ત્રિશુલ, નમક હલાલ, હિમ્મતવાલા, કુલી, મશાલ, અલ્લાહ રખા, ચાંદની અને લમ્હેં. ત્યારબાદ વર્ષ 2000માં એમના પતિના અવસાન બાદ એ ફરી એકવાર અભિનયની દુનિયામાં પરત ફર્યા. ‘રંગ દે બસંતી’ અને ‘દિલ્હી 6’ જેવી સફળ ફિલ્મો સહિત 9 ફિલ્મોમાં પાત્ર અભિનેત્રીની ભૂમિકા ભજવી છે.
વહીદા રહેમાનનું અંગત જીવન

અભિનેતા અને નિર્માતા-નિર્દેશક ગુરુ દત્ત સાથેના નિષ્ફળ પ્રેમ સંબંધ પછી અને એમની ટીમ છોડીને, વહીદા રહેમાને વર્ષ 1964માં ‘શગુન’ નામની ફિલ્મ કરી. આ ફિલ્મમાં એમનો કો-સ્ટાર કમલજીત સિંહ હતો. આ ફિલ્મ ચાલી નહીં પણ એમના દિલ મળ્યા. ત્યારબાદ વર્ષ 1974માં બંનેએ લગ્ન કરી લીધા અને મુંબઈ છોડીને બેંગ્લોર પાસે એક ફાર્મ હાઉસ બનાવી લીધું. કમલજીત સિંહનું સાચું નામ શશી રેઠી હતું. 1960ના દાયકામાં તેઓ ફિલ્મોમાં સફળતા મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ એ નિષ્ફળ ગયો અને આખરે બિઝનેશની દુનિયામાં એ પરત ફર્યા. બેંગ્લોરમાં ફાર્મ હાઉસમાં રહેતાં એમની પુત્રી કાશવી રેખી અને પુત્ર સોહેલ રેઠીનો જન્મ થયો હતો. વર્ષ 2000 દરમિયાન, કમલજીતની માંદગીને કારણે, વહીદા રહેમાન એમના પરિવાર સાથે મુંબઈ પરત ફર્યા અને ફરીથી મુંબઈના બાંદ્રા બેન્ડસ્ટેન્ડ સ્થિત ‘સાહિલ’માં પોતાનું ઘર બનાવ્યું. અહીં 21 નવેમ્બર 2000ના રોજ કમલજીતનું અવસાન થયું હતું. વહીદા રહેમાનનો દીકરો સોહેલ રેખી એમબીએ કર્યા પછી બહુરાષ્ટ્રીય કંપનીમાં નોકરી કરે છે, જ્યારે એમની પુત્રી કાશવી રેખી જ્વેલરી ડિઝાઈનર છે. કાશવીએ વર્ષ 2005માં બનેલી ફિલ્મ ‘મંગલ પાંડે’માં ‘સ્ક્રીપ્ટ સુપરવાઈઝર’ના રોલથી ફિલ્મી દુનિયામાં આવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આ ફિલ્મ પછી એ ઈન્ડસ્ટ્રીથી દૂર રહી.

એવોર્ડ અને સન્માન
- એવોર્ડ્સ અને ઓનર્સ ફિલ્મ વર્ષ
- ફિલ્મફેર ગાઈડ 1966
- બંગાળી ફિલ્મ સંઘ એવોર્ડ તીસરી કસમ 1967
- ફિલ્મફેર નીલકમલ 1968
- રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર રેશ્મા ઔર શેરા 1971
- નાગરિક પુરસ્કાર – પદ્મશ્રી – 1972
- ફિલ્મફેર – લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ – 1994
- NTR રાષ્ટ્રીય પુરસ્કાર – આંધ્ર પ્રદેશ સરકાર – 2006
- નાગરિક પુરસ્કાર – પદ્મ ભૂષણ – 2011






