સરકારની મધ્યમ વર્ગને સસ્તા આવાસ આપવાની યોજના

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર મધ્યમ વર્ગ માટે એક મોટી યોજના લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ પહેલાં સરકારે મધ્યમ વર્ગને રાહત આપવા માટે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં રૂ. 200નો કાપ મૂક્યો હતો. કેન્દ્ર સરકારે મોંઘવારી દરમાં કાબૂ મેળવવાના ઉદ્ધેશથી રાંધણ ગેસની કિંમતોમાં 18 ટકાનો ઘટાડો કર્યો હતો.

કેન્દ્ર સરકાર શહેરી મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજના લોન્ચ કરવાની છે. વડા પ્રધાને 15 ઓગસ્ટે કરેલા ભાષણમાં આ યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો. સરકાર આ નવી આવાસ યોજનામાં આગામી પાંચ વર્ષમાં રૂ. 600 અબજ (7.2 અબજ ડોલર) ખર્ચ કરશે. આ યોજના હેઠળ રૂ. નવ લાખની લોન પર સરકાર 3-6.5 ટકાના દરથી વ્યાજ સબસિડી આપશે. આ યોજનામાં 20 વર્ષના સમયગાળા માટે લેવામાં આવેલી રૂ. 50 લાખ કે તેથી ઓછી હોમ લોનવાળી વ્યક્તિ પાત્ર હશે. હોમ લોન લાભાર્થીઓના ખાતામાં એડવાન્સ જમા કરવામાં આવશે. આ યોજના 2028 સુધી લાગુ કરવામાં આવશે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે વ્યાજ સબસિડી હોમ લોનને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળશે એ પછી લાગુ કરવામાં આવશે. આ યોજનાને અંતિમ રૂપ આપવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ શહેરી વિસ્તારોમાં ઓછી આવકવાળા એ લોકોને મળશે, જે લોન લેવા ઇચ્છે છે. જોકે સબસિડી કેટલી મળશે એ એવાં ઘરોની માગ પર નિર્ભર રહેશે.

સરકારે પોતાના સ્તરે લાભાર્થીઓની ઓળખ કરવાનું શરૂ કર્યું છે. આ વર્ષના અંત સુધીમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. જ્યારે આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પ્રસ્તાવિત છે.