કેનેડા કેવીરીતે બન્યું મિની પંજાબ? ત્યાં શીખ, હિન્દૂઓની સંખ્યા કેટલી છે?

ઓટ્ટાવાઃ કેનેડામાં ભારતીયો ઘણી મોટી સંખ્યામાં રહે છે. ત્યાંની સંસદમાં હાઉસ ઓફ કોમન્સ ગૃહમાં ભારતીય વંશના 19 જણ ચૂંટાઈને આવ્યા છે. એમાંના 17 જણ શીખ છે અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારની લિબરલ પાર્ટીના છે.

દુનિયામાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેનેડા બીજા નંબરનો દેશ છે. ખાલિસ્તાનવાદી અલગતાવાદી, ભારત-વિરોધી તત્ત્વો, આતંકવાદીઓને આશ્રય અને સહાનુભૂતિ આપવાના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ ઊભી થઈ છે.

2021ની વસ્તી ગણતરી અનુસાર, કેનેડામાં લોકોની કુલ વસ્તી 3 કરોડ 70 લાખ છે. એમાંના 16 લાખ એટલે કે લગભગ 4 ટકા લોકો ભારતીય મૂળનાં છે. કેનેડામાં શીખ લોકોની સંખ્યા આશરે 7 લાખ 70 હજાર છે. છેલ્લા 20 વર્ષમાં કેનેડામાં શીખ લોકોની સંખ્યા બમણી થઈ છે. એમાંના મોટા ભાગનાં શીખ ભારતના પંજાબમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અથવા નોકરી કરવાના હેતુસર સ્થળાંતર કરનારા છે. શીખ લોકોની વસ્તીની ગણતરીએ પંજાબ રાજ્ય બાદ બીજા નંબરે કેનેડા આવે છે.

કેનેડામાં ઘણા શીખ લોકો ખાલિસ્તાની ચળવળને ટેકો આપે છે. કેનેડાની સરકાર ઉપર પણ શીખધર્મીઓનો ખાસ્સો એવો પ્રભાવ છે. જસ્ટિન ટ્રુડો 2015માં પહેલી વાર વડા પ્રધાન બન્યા હતા ત્યારે એમણે શીખ સમાજના ચાર જણને પોતાની સરકારમાં પ્રધાન બનાવ્યા હતા. 1981માં કેનેડાની કુલ વસ્તીના માત્ર 4.7 ટકા નાગરિકો જ અલ્પસંખ્યક હતા. પરંતુ, એક અહેવાલ અનુસાર, 2035 સુધીમાં કેનેડામાં હિન્દૂ, મુસ્લિમ અને શીખ અલ્પસંખ્યકોની વસ્તી કેનેડાની કુલ વસ્તીનો 33 ટકા હિસ્સો બની જશે.

કેનેડામાં 388 સંસદસભ્યોમાં 18 શીખ છે. આઠ સીટ પર શીખ લોકોનું સંપૂર્ણ નિયંત્રણ છે. જ્યારે બીજા 15 મતવિસ્તારોમાં શીખ લોકોનો વોટ નિર્ણાટક બને છે. તેથી એક પણ રાજકીય પક્ષ શીખ સમાજને નારાજ કરવાનું પસંદ કરતા નથી.