Home Blog Page 2449

અક્ષરધામના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજને અપાઈ ભવ્ય અંજલિ  

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની પ્રત્યેની વિરલ ભક્તિનું દર્શન, તેઓના BAPS સ્વામિનારાયણ અક્ષરધામરૂપી સંકલ્પ અને સર્જન દ્વારા થઈ રહ્યું છે, તેની ઝાંખી કરાવતો વિશિષ્ટ કાર્યક્રમ યોજાઇ ગયો. તા:8 ઓક્ટોબર, 2023ના રોજ BAPS સ્વામિનારાયણ અક્ષરધામના ભવ્ય ઉદઘાટન નિમિત્તે યોજાઈ રહેલા નવદિવસીય વિશિષ્ટ કાર્યક્રમોની શૃંખલાના ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રમુખસ્વામી મહારાજનું જીવન એ વાતની ગવાહી પૂરે છે કે નિઃસ્વાર્થ સેવા અને ભક્તિ અસંખ્ય લોકોના જીવનમાં કેવું પરિવર્તન લાવી શકે છે. BAPS ના અનેક સંતોએ તેઓના આધ્યાત્મિક જીવન પર પ્રમુખસ્વામી મહારાજના ઊંડા પ્રભાવની સ્વાનુભૂતિઓ રજૂ કરી.

BAPS ના પૂજ્ય જ્ઞાનવત્સલદાસ સ્વામીએ તેમના સંબોધનમાં જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજને ‘માસ્ટર બિલ્ડર’ તરીકે સન્માનવામાં આવ્યા, તે એટલા માટે નહીં કે તેમના હસ્તે આ મંદિરોના ઉદ્ઘાટન થયા, પરંતુ એટલા માટે કે તેઓ પ્રત્યેક મંદિરની શરૂઆતથી લઈને, તેના સમગ્ર સર્જનમાં છેક અંત સુધી સંકળાયેલા રહેતા. જે-તે સમુદાયોની જરૂરિયાત અનુસાર મંદિરોના નિર્માણની સાથે-સાથે તેઓએ આ મંદિરોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરતાં અસંખ્ય લોકોના જીવનઘડતરમાં સક્રિય રસ લીધો.”

અનેક સંતોએ આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના અગાધ સ્નેહ, નમ્રતા, નિસ્વાર્થ સેવા જેવા અનેક દિવ્ય ગુણોનું સ્મરણ કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના અનેક  કલ્યાણકારી અને પ્રેરણાદાયી ગુણોનું રહસ્ય હતું: પરમાત્મા સાથે નિરંતર અનુસંધાન.

શ્રીમદ રાજચંદ્ર મિશનના આધ્યાત્મિક વડા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીએ તેઓના સંબોધનમાં જણાવ્યું,

“મને પ્રમુખસ્વામી મહારાજની સૌથી વધારે જો કોઈ વાત સ્પર્શી ગઈ હોય તો તે હતી આધ્યાત્મિક નિયમપાલન પ્રત્યે તેઓની મક્કમતા. તેમણે ક્યારેય મૂલ્યો સાથે બાંધછોડ ન કરી, જે મને સૌથી વધુ સ્પર્શે છે.”

અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને મૂલ્યોના વૈશ્વિક પ્રભાવ, માનવસેવા પ્રત્યે તેઓની પ્રતિબદ્ધતા અને અક્ષરધામના ભવ્ય વિઝન વિષયક તેઓના ઉદ્ગારો વ્યક્ત કર્યા.

વૉશિંગ્ટન ડીસીમાં બાહરીન કિંગડમની એમ્બેસીના ડેપ્યુટી એમ્બેસેડર યુસુફ અહેમદે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ વિશે જણાવ્યું, “આ અક્ષરધામ સુંદર સફેદ કમળની જેમ અહીં ગાર્ડન સ્ટેટ એવા ન્યૂજર્સીમાં ખીલી ઉઠ્યું છે, તે અદભૂત છે! હું બાહરીન તરફથી શુભેચ્છાઓ પાઠવું છું. આ એક ઐતિહાસિક પ્રસંગ છે અને હું આપ સૌના આનંદમાં સહભાગી થવાને મારો આનંદ સમજુ છું.”

ઇલિનોઇસના કોંગ્રેસમેન, જોનાથન જેક્સને જણાવ્યું, “અક્ષરધામ શ્રદ્ધાનું મૂર્ત સ્વરૂપ છે. તમારી શ્રદ્ધા અને આ મંદિર શુભ છે, જીવંત છે, સમૃદ્ધ છે.”

ન્યુ જર્સીના કોંગ્રેસમેન જેફ વેન ડ્રુ તરફથી અક્ષરધામ તેમજ મહંત સ્વામી મહારાજ માટે ઘોષણપત્ર રજૂ કરતાં જણાવવામાં આવ્યું, “તમે અહીં જે  કાર્ય કર્યું છે તેનું હું સન્માન કરું છું. આ સન્માન માત્ર ન્યૂજર્સી માટે જ નહીં, પરંતુ સમગ્ર અમેરિકા માટે બેહદ ગૌરવની વાત છે.”

BAPS ના વડા મહંતસ્વામી મહારાજે તેઓના આશીર્વચનમાં જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજ આજીવન નિરંતર સેવા કરતા રહ્યા અને સૌને સુલભ બનીને માર્ગદર્શન આપતા રહ્યા. પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશ સરળ, છતાં ગહન હતો, ‘બીજાના આનંદમાં આપણો આનંદ છે.’ કેટલું સરળ વાક્ય! છતાં એટલું શક્તિશાળી કે તે વિશ્વને બદલી શકે. અક્ષરધામ આપણને નિઃસ્વાર્થપણે બીજાની સેવા કરવાનું અને મદદ કરવાનું શીખવે છે. તે આપણને શીખવે છે – સારા માનવી  બનવાનું, ભગવાનના આદર્શ ભક્ત બનવાનું અને અક્ષરધામ જેવું શુદ્ધ હૃદય બનાવવાનું,  જ્યાં ભગવાન કાયમ નિવાસ કરી શકે.”

અક્ષરધામ અનુભૂતિ છે –  પ્રમુખ સ્વામી મહારાજની દીર્ઘદ્રષ્ટિની. તે શાંતિ અને પ્રેરણાનું ધામ છે. વિશ્વભરમાંથી સ્વયંસેવકોએ તેઓના આ સંકલ્પને સાકાર કરવા ભગીરથ પુરુષાર્થ આદરી તેઓને મહાન અંજલિ આપી છે. પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમ, શ્રદ્ધા અને નિસ્વાર્થ સેવાનો મૂલ્યવારસો અક્ષરધામ દ્વારા ચિરંતન કાળ સુધી જીવંત રહેશે.

એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ પુરુષ ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ

હાંગજોઉઃ અફઘાનિસ્તાનની વિરુદ્ધ ફાઇનલ મેચમાં વરસાદને કારણે રદ થવાથી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. એ સાથે હવે ભારતના 27 ગોલ્ડ મેડલ થયા છે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવી છે.

એશિયન ગેમ્સ 2023ની ફાઇનલ મેચમાં ભારત (IND vs AFG)નો સામનો અફઘાનિસ્તાન સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતાં અફઘાનિસ્તાને 18.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. આ પછી વરસાદને કારણે આગળની રમત રમાઈ શકી ન હતી અને વધુ સારી રેન્કિંગના આધારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ સાથે જ અફઘાનિસ્તાને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે ભારત પાસે 27 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ આવી ગયા છે.

અફઘાનિસ્તાનનો પ્રારંભ ઘણો ખરાબ રહ્યો હતો. ટીમે પ્રારંભમાં ચાર ઓવરમાં 12 રને ત્રણ વિકેટ ગુમાવી હતી. અફઘાનિસ્તાનના ઓપનર ઝુબેદ અકબરીએ પાંચ રન, મોહમ્મદ શહઝાદે ચાર રન બનાવ્યા હતા, આ સિવાય નૂર અલી ઝદરાન એક રન બનાવીને રનઆઉટ થયો હતો. આ મેચમાં માત્ર શાહિદુલ્લા કમાલ 49 રન બનાવીને અણનમ રહ્યો હતો.

એશિયન ગેમ્સ 2023ના 14 દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે એશિયન ગેમ્સના ઇતિહાસમાં આજે પ્રથમ વખત 100 મેડલનો આંકડો પાર કરી લીધો છે. ભારત માટે 101મો મેડલ ગોલ્ડના રૂપમાં આવ્યો હતો. ભારતીય બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ ભારત માટે બેડમિન્ટન ડબલ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

 

 

ફ્લાઇટ ટિકિટ બુક કરવા વખતે પૈસા બચાવવાનો આ રહ્યો ઉપાય…

નવી દિલ્હીઃ શું તમે ફ્લાઇટ બુક કરવા માટે ગૂગલ પર Flights to delhi  જેવું લખો છો, ત્યારે તમે સર્ચ રિઝલ્ટના ઉપર એક કાર્ડ જરૂર જોયું હશે. સામાન્ય રીતે લોકો આ કાર્ડને સ્ક્રોલ કરીને આગળ વધી જાય છે અને પસંદગીની વેબસાઇટ પર જતા રહે છે, પરંતુ શું તમને માલૂમ છે કે આવું કરવાથી તમે તમારા ડેસ્ટિનેશન માટે સૌથી સસ્તી ફ્લાઇટ મળવાનો ચાન્સ ગુમાવી દો છો.

જે કાર્ડને તમે સ્ક્રોલ કરીને આગળ વધી જાઓ છે એ કાર્ડ Google Flights નામની વેબસાઇટને રિડિરેક્ટ કરે છે. એ સાઇટ તમને ટ્રાવેલ દરમ્યાન બુકિંગમાં ઘણી બચત કરાવી શકે છે.

ગૂગલ ફ્લાઇટ્સ ગૂગલ ટ્રાવેલને ભાગ છે અને એક ઓનલાઇન સર્વિસ છે. આ વેબસાઇટથી યુઝર્સ થર્ડ પાર્ટી બુકિંગ વેબસાઇટ દ્વારા ફ્લાઇટ બુક કરી શકે છે. આ ગૂગલ ફ્લાઇટ્સ પર એક ફીચર સૌથી શાનદાર છે અને એ છે Explore ફીચર, એ ફીચર એક મેપ દર્શાવે છે, જેના પર વિશ્વના લોકપ્રિય ટ્રાવેલ ડેસ્ટિનેશન અને એ ટ્રિપના ખર્ચની માહિતી જોઈ શકાય છે.

જ્યારે તમે ગૂગલ પર ફ્લાઇટ સર્ચ કરો છે, ત્યારે ગૂગલ ફ્લાઇટ્સનો વિકલ્પ ઓટોમેટિકલી તમને સામે દેશાશે. એ સાથે એક કાર્ડ પણ જનરેટ થાય છે, જે વેબ રિઝલ્ટ્સની ઉપર રહે છે. આ કાર્ડ પર ટેપ કરવાથી તમે ગૂગલ ફ્લાઇટ્સ પેડ પર રિડિરેક્ટ થઈ જશો. અહીં તમને ફ્લાઇટ્સથી જોડાયેલી વધુ માહિતી મળશે.

 

 

 

 

 

PM મોદીને હસ્તે 10 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાતનું ઉદઘાટન

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત શિખર સમિટ 10થી 12 જાન્યુઆરી રાજ્યના ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં યોજાવાની છે. એ આયોજન રોકાણકારોને ગુજરાત સાથે જોડાવા અને વિકાસ અને સમૃદ્ધિ માટે એક સોનેરી તક છે. વડા પ્રધાન મોદી વાઇબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિનું ઉદઘાટન 10 જાન્યુઆરીએ કરશે. આ મૂડીરોકાણની સમિટનું આયોજન મહત્ત્વનું છે, કેમ કે એ દેશના વિકાસ પર ભાર આપતાં પ્રધાન મંત્રીના વિકસિત ભારત @2047ના દ્રષ્ટિકોણને સુસંગત છે. વળી, રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યને આદર્શ મૂડીરોકાણ સ્થળ તરીકે સ્થાન આપ્યું છે. ગુજરાત ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય –બંને રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ છે.

10મી વાઇબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનની થિમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ રાખવામાં આવી છે. આ વિષય ભવિષ્ય માટે રાજ્યની દ્રષ્ટિ અને મૂડીરોકાણ અને વિકાસની તકોના પ્રવેશદ્વાર તરીકેની ભૂમિકા દર્શાવે છે.

બીજી બાજુ, પ્રોએક્ટિવ પોલિસિઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડી રોકાણકારો માટે સાનુકૂળ માહોલ, સુગ્રથિત ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉચ્ચ જીવનધોરણ જેવા પરિબળો થકી ગુજરાત આજે દુનિયાભરના મૂડી રોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે.’

આગામી 10 જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડા પ્રધાનના હસ્તે પ્રારંભ થનારા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિ અંતર્ગત ગુજરાત સરકારે નવી દિલ્હીમાં ડિપ્લોમેટ્સ મીટનું આયોજન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના 119 જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે.

તેમણે કહ્યું હતું કે પાછલા બે દાયકામાં ગુજરાતે 55 બિલિયન યુ.એસ. ડોલરની ક્યુમ્યુલેટિવ FDI મેળવ્યું છે. વર્લ્ડ ક્લાસ રોડ, રેલવે, પોર્ટ અને એરપોર્ટ કનેક્ટિવિટીને કારણે ગુજરાતની પહોંચ દેશમાં જ નહીં પરંતુ એશિયા, આફ્રિકા, મિડલ ઇસ્ટ અને યુરોપીય દેશોની બજારો સુધી છે. ફોર્ચ્યુન ફાઇવ હન્ડ્રેડ કંપનીઓમાંથી ૧૦૦ જેટલી કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે.

 

અહીં માત્ર પુરુષો જ રમે છે ગરબા !

કહેવાય છે કે બાર ગામે બોલી બદલાય એવું કઇંક નવરાત્રિનું પણ છે. જુદા-જુદા શહેરો નવરાત્રિને લઈને જુદી-જુદી પરંપરાઓ જોવા મળે છે. ત્યારે આજે વાત કરીએ અમદાવાદમાં આવેલી કોઠની પોળ વિશે..

કોઠની પોળમાં વર્ષોથી નવરાત્રિમાં એક અનોખી પરંપરાનું પાલન કરવામાં આવે છે. આ પરંપરા મુજબ અહીંના સ્થાનિક પુરુષો ગરબે ગરબે ઘૂમે છે. આ પરંપરાનું નાવીન્ય અને શ્રદ્ધાને લઇને અનેરું મહત્ત્વ ધરાવે છે.

હકીકતમામાં અમદાવાદની ભૂતની આંબલી પાસે આવેલી કોઠની પોળની માંડવી 200 વર્ષ કરતાંયે વધારે જૂની હોવાનું માનવામાં આવે છે. આ માંડવીની આસપાસ ફક્ત પુરુષો જ ગરબા રમે છે.

નવરાત્રિમાં રોજ રાત્રે આ પોળમાં પુરુષોના ગરબા યોજાય છે. જેમાં પુરુષો પોતે જ ગરબા ગાય છે અને ગરબે પણ ધૂમે છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિતલભાઈ ભાવસાર કહે છે, અમારા ઘરેથી જ બધુ સંચાલન કરવામાં આવે છે. જેમાં એકમથી પાંચમ સુધી સિંગલ માંડવી હોય છે, પછી દિવાવાળી માંડવી હોય છે અને આઠમથી લઈ દસમ સુધી ફુલવાળી માંડવી હોય છે. આ માંડવીને ફરતે માત્ર પુરુષો જ ગરબા રમે છે. માંડવીને ખસેડી લીધા બાદ જ સ્ત્રીઓ ગરબે ધૂમી શકે છે.

 

દર વર્ષે શારદીય નવરાત્રિના સાતમથી દશેરા સુધી માંડવીને સુંદર રીતે શણગારવામાં આવે છે. આ શણગાર તથા સુંદર ફુલોની રંગોળી બનાવવાનું કામ પુરુષોજ કરે છે. અહીંયા દશેરાની આખી રાત ગરબા થાય છે. અને અગિયારસના દિવસે માંડવીને વળાવવામાં આવે છે. કહેવાય છે કે માંડવીની આસપાસ મહિલાઓ ગરબે રમે કે નહીં એ માટે માતાજીના ફોટા આગળ ચારથી પાંચ વખત ચિઠ્ઠી ઉછાળવામાં આવે છે. જેમાં વધુ વખતે ચિઠ્ઠીમાં ના જ લખેલી હોય છે. જો કે માતાની માંડવીને ક્રોસ કરીને કે પછી માંડવી ઉઠાવી લીધા પછી મહિલાઓ ગરબે ઘુમી શકે છે. પરંતુ જ્યાં સુધી માંડવી હોય ત્યાં સુધી મહિલાઓ ગરબા નથી રમતી.

ઉપરાંત માતાજીની માંડવી શણગારવાથી લઇને તમામ કાર્ય પુરુષો દ્ધારા જ કરવામાં આવે છે. અમદાવાદની પોળમાં થતી આ યુનિક નવરાત્રિને જોવા લોકો દૂર દૂરથી આવે છે.

(હેતલ રાવ-અમદાવાદ)

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

વિડીયો જોવા માટે કરો ક્લિક:

નવરાત્રિ સ્પેશ્યલઃ પ્રોટીન શેક અને ગુંદર લાડુ

નવરાત્રિ સ્પેશ્યલ રેસિપી

 

આ નવરાત્રિ માટે સ્વાસ્થ્યપ્રદ એનર્જી પીણું તેમજ લાડુની ખાસ રેસિપીઃ

ફ્રુટ્સ એન્ડ નટ્સ પ્રોટીન શેક

સામગ્રીઃ

કેળા 1, એપલ ½, ખજૂર 2, અંજીર 1, કાજુ 4-5, બદામ 5, અખરોટ 3-4, કિસમિસ 10, મિક્સ બિયાં 1 ટે.સ્પૂન, પ્રોટીન પાઉડર (optional) / ઓટ્સ 1 ટે.સ્પૂન, દૂધ/દહીં/નાળિયેરનું દૂધ, વેનિલા એસેન્સ 3-4 ડ્રોપ્સ (optional), ચિયા સિડ્સ 1 ટે.સ્પૂન

રીતઃ ખજૂર, અંજીર, નટ્સ અને સિડ્સને આખી રાત માટે પાણીમાં ભીંજવી રાખો. ચિયા સિડ્સને ફક્ત 1 કલાક માટે પ્રોટીન શેક બનાવવા અગાઉ પાણીમાં પલાળી રાખો.

હવે ચિયા સિડ્સ સિવાયની બધી સામગ્રીને મિક્સીમાં ફેરવીને જાડું શેક બનાવી લો. જો તમે ઈચ્છો તો તેમાં બરફના ટુકડા તેમજ મધ પણ મેળવી શકો છો. તૈયાર થયેલા શેકમાં ચિયા સિડ્સ મેળવી દો અને આ શક્તિદાયક પીણું પીને નવરાત્રિમાં આખી રાત ગરબાની રમઝટ જમાવો.

શિંગોડાનો લોટ અને ગુંદરના લાડુ

સામગ્રીઃ શિંગોડાનો લોટ 250 ગ્રા., મિસરી પાવડર 250 ગ્રા., મખાણાના ફૂલ 1 કપ, સૂકા નાળિયેરની છીણ 1 કપ, ગુંદર 4 ટે.સ્પૂન, બદામ ¼ કપ, કાજુ ¼ કપ, પિસ્તા ¼ કપ, એલચી પાવડર 1 ટી.સ્પૂન, મગજતરીના બીજ 2 ટે.સ્પૂન, ઘી 200 ગ્રા.,

રીતઃ બધા ડ્રાય ફ્રુટ્સ તેમજ મખાણાના ફૂલને થોડા ઘીમાં તળી લો.

ત્યારબાદ બાકી રહેલા ઘીમાં ગુંદરને પણ તળીને ફુલાવી લો. આ ફુલેલા ગુંદરને ખાંડણીમાં નાના નાના ટુકડામાં તોડી લો અથવા મિક્સીમાં પલ્સ મોડમાં બારીક ટુકડા કરી લો.

હવે શિંગોડાનો લોટ શેકી લો. અડધો શેકાઈ ગયા બાદ તેમાં નાળિયેરની છીણ ભેળવી દો. લોટ તેમજ છીણ ગોલ્ડન રંગના શેકાઈ જાય એટલે નીચે ઉતારીને એક વાસણમાં કાઢી લો.

ડ્રાય ફ્રુટ્સને ટુકડામાં કટ કરી લો. મખાણાને પણ ખાંડણીમાં નાના ટુકડા કરી લો.

લોટ થોડો ઠંડો થયા બાદ તેમાં મિસરી પાવડર, ડ્રાય ફ્રુટ્સ, મખાણા તેમજ ગુંદરના ટુકડા, એલચી પાવડર તેમજ ઘી ઉમેરીને લાડુ બનાવી લો.

નવરાત્રીમાં રોજ એક લાડુ ગરબા રમવા જવા પહેલાં ખાઈ લો. તમારે કોઈ જંક ફુડ ખાવાની ભૂખ નહીં લાગે અને એનર્જી પણ ભરપૂર મળશે.

(રીના મોહનોત)

(સાયન્સ ગ્રેજ્યુએટ રીના મોહનોતને એમની પેશન રાજસ્થાની રસોઈકળા તરફ દોરી ગઈ અને નિર્માણ થયું ક્લાઉડ કિચન, ધોરા!  જે અમદાવાદના સ્વાદ રસિયાઓને પીરસે છે અસલ પરંપરાગત રાજસ્થાની સ્વાદિષ્ટ વાનગીઓ! અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ ક્લાઉડ કિચન ચાલુ રાખવાના મક્કમ નિર્ધારને કારણે રીનાબહેન ટાઈમ્સ ફુડ એવોર્ડ, રાષ્ટ્રવ્યાપી મેરીટ એવોર્ડ અને મહિલાપ્રેન્યોર જેવા અનેક એવોર્ડના સતત વિજેતા રહ્યાં છે!)

રાસ ગરબાની તાલીમ સાથે વિવિધ ડે ની ઉજવણી

નવરાત્રિ મહોત્સવના આગમનને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાસ ગરબાની રમઝટ માણવા ખેલૈયા જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે.

નવરાત્રિ પહેલા ગરબા રમવાનો ક્લાસિસમાં જોડાઈ ટ્રેઈનિંગ લેવાનો ટ્રેન્ડ સતત વધતો જાય છે. હવે નોરતા પહેલા ગરબાની તાલીમ દરમિયાન પણ જુદા જુદા ડે ની ઉજવણી થઈ રહી છે.

શહેરના રમઝટ ખેલૈયા રીલોડેડના હિમાંશુ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે અમારા ત્યાં જુદી જુદી વય જુથ ના ચારસો જેટલા લોકો રાસ ગરબાની તાલીમ લેવા માટે આવે છે. જુદા જુદા ઉદ્દેશ સાથે ગરબાની તાલીમ લેવા લોકો જોડાય છે. કેટલાક શારિરીક સૌષ્ઠવ માટે આવે છે. તો કેટલાક પધ્ધતિસર ગરબાની તાલીમ લઈ અવનવી સ્ટાઈલ શીખવા માટે આવે છે.

અહીં તમામ વય જુથના અને જુદા જુદા પ્રોફેશનના લોકો આવતા હોવાથી અમે નવરાત્રિ પહેલાં જુદા જુદા ડે ઉજવી એમને જોડવાનો પ્રયાસ કરીએ છીએ. જે દિવસની ઉજવણી કરવામાં આવે એ મુજબના  પોશાકમાં સજ્જ થઈને લોકો આવે છે.

ગરબામાં તાલીમ લીધા પછી એક સરસ ગૃપ તૈયાર થઈ જાય છે. એ તાલીમબધ્ધ ગૃપના લોકો જ્યારે ગરબે રમે ત્યારે સૌ અચંબિત થઈ જાય છે. આ વર્ષે અમે રેડ ડે, બ્લ્યુ ડે, શહીદ દિવસ, ટ્વિન્સ ડે, ગૃપ ડે , સિગ્નેચર ડે રાખ્યા છે.

પરંપરાગત વસ્ત્રો સાથે પણ સૌને પરફોર્મ કરાવી સ્પર્ધા પણ રાખીએ. જેથી સૌ તાલીમાર્થી માં નવું કરવાની ભાવના અને ઉત્સાહ જળવાઈ રહે. એક વર્ગ એવો છે જેમણે કદી પણ શૈક્ષણિક કાર્ય દરમિયાન કે જીવનમાં ક્યારેય ડે ની ઉજવણી કરી નથી. એ લોકો ખૂબ જ એન્જોય કરે છે.

ગરબાની તાલીમ લેતાં પ્રિયંકા ચિત્રલેખા.કોમને કહે છે જુદા જુદા ડે ની ઉજવણી પછી એક મજબુત ગૃપ બને છે. અહીં રાસ ગરબાની સાથે અનેક સ્ટાઈલ શીખવા મળે છે.

સાદા ગરબા સૌને આવડી જાય પરંતુ પરફેક્શન સાથેના ગરબા તાલીમથી જ આવડે. આ સાથે આંખોના હાવભાવ અને એક્સક્લુઝિવ પર્ફોર્મન્સ માટે ગરબાની તાલીમથી ખેલૈયા બધાથી અલગ જ તરી આવે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

હે, હાલો.. રમીએ સંસ્કૃત ગરબા..!

સંસ્કૃતમાં પણ કઇ ગરબા હોય? ગુજરાતી ગરબાને મોડીફાઇડ કરી હિન્દી બનાવવાનો પ્રયત્ન થાય છે. પણ સંસ્કૃતમાં ગરબા હોય..! તો જવાબ છે હા. કારણ કે હવે એક આખો વર્ગ છે જે સંસ્કૃત ગરબા ગાય છે, રમે છે, સાંભળે છે અને એની મજા પણ લે છે. આવો જાણીએ સંસ્કૃત ગરબાને.

‘ત્વાં વિના શ્યામ અહમ એકાંતિ ભવામિ,રાસક્રીડાયૈ આગમ્યતામ..,’ ‘મા ગિરિવરાત ત્વાં અવતિર્ણા મહા કાલી રે..’ આ બંને ગરબાનું સંસ્કૃત વર્જન છે. ‘તારા વિના શ્યામ અને મા પાવાતે ગઢથી નિસર્યા રે મહાકાળી..’ ગરબા આપણી સંસ્કૃતિ, આસ્થા અને અધ્યાત્મનનું પ્રતિક છે. એવી જ રીતે સંસ્કૃત આપણી દેવભાષા છે અથવા એવુ પણ કહી શકાય કે સંસ્કૃત દરેક ભાષાની માતા છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદના એકલવ્ય સંસ્કૃત એકેડેમીના ડિરેક્ટર મિહીરભાઈ ઉપાધ્યાય કહે છે કે, “આજથી 14 વર્ષ પહેલા અમે પ્રથમ પ્રયત્ન કર્યો. નવરાત્રી દરમિયાન અમે એક દિવસ એવો નક્કી કર્યો જ્યારે સંસ્કૃત ગરબા ગવાય. ગુજરાતી ગરબાનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો અને પછી દોઢ કલાક સુધી અમે સતત રાગ,તાલ અને ઢાળ સાથે સંસ્કૃતમાં ગરબા ગાયા. જ્યારે અમે ગરબા ગાતા ત્યારે એક પળ માટે પણ અમને એવુ નહોતુ લાગ્યુ કે મજા નથી આવતી. એમ લાગતુ હતુ કે જાણે શક્તિની ભક્તિમાં અમે લીન થઇ ગયા. ગરબા શરૂ કર્યા હતા ત્યારે માંડ ત્રીસેક જેટલા લોકો હતા. ધીમે ધીમે સંખ્યા વધતી ગઇ અને આજે એ સંખ્યા 900થી 1000 લોકો આવે છે. અમને ખુશી છે કે અમારી મહેનત રંગ લાવી. હવે સતત ચાર કલાક સુધી સંસ્કૃત ગરબા ગાવામાં આવે છે.

વધુમાં મિહીરભાઈ કહે છે, 35થી પણ વધુ ગરબાની કૃતિઓ તૈયાર કરવામાં આવી છે. સાથે જ સંસ્કૃતમાં જ ભાંગડા અને સનેડાની પણ રમઝટ જામશે. ખુશીની વાત તો એ છે કે અનેક વિકલ્પ હોવા છતા પણ લોકો હવે સંસ્કૃત ગરબામાં આવવાનું પસંદ કરે છે.

આ વર્ષે પણ નવરાત્રીના પ્રથમ દિવસે સંસ્કૃત ગરબાનું આયોજન છે જે એકલવ્ય સંસ્કૃત એકેડમીમાં કરાયું છે જ્યારે દશેરાના દિવસે મોટા પાયે આયોજન છે જે સોલા ભાગવતમાં માંગલિયા વાટિકામાં સંસકૃત વિધા પ્રતિષ્ઠામ્ ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદ સંસ્કૃત એકેડમી અને એકલવ્ય સંસ્કૃત એકેડમી દ્ધારા કરવામાં આવ્યું છે. જેમાં અનેક ગુજરાતી ગરબાનો સંસ્કૃતમાં આવિર્ભાવ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે આજે જ્યારે ગરબાની સાથે ફિલ્મી ગીતોનું મિશ્રણ જોવા મળે છે એવા સમયે સંસ્કૃત ગરબામાં શિવતાંડવ સ્ત્રોત, મધુરાષ્ટકમ્ જેવા સ્ત્રોતો વગાડીને ગરબા સંસ્કૃતિની પરંપરાની સાત્વિક્તાને જાળવી રાખવામાં આવી રહી છે.

(હેતલ રાવ-અમદાવાદ)

(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)

મહિલા કબડ્ડી ટીમે જીત્યો ગોલ્ડ મેડલઃ એશિયાડમાં મેડલની સદી

નવી દિલ્હીઃ એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા ટીમે કબડ્ડીની ફાઇનલમાં ચીની તાઇપેને હરાવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ જીત સાથે ભારતે સૌપ્રથમ વાર એશિયન ગેમ્સમાં મેડલની સદી વટાવી છે. એશિયન ગેમ્સમાં આ ગોલ્ડ મેડલ ભારતનો 25મો ગોલ્ડ છે.

મહિલા કબડ્ડી ચીની તાઇપેએ રોમાંચક ફાઇનલમાં 26.25થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય મહિલા કબડ્ડી ટીમનો આ ત્રીજો મેડલ છે. આ પહેલાં જાકાર્તામાં ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલ મેચમાં ચીની તાઇપેએ ટફ ફાઇટ આપી હતી, પરંતુ ભારતે એક પોઇન્ટથી મેચ જીતી લીધી હતી.

આ સાથે એશિયન ગેમ્સના 14મા દિવસે તીરંદાજી કમ્પાઉન્ડમાં ભારતને ચાર મેડલ મળ્યા. જેમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે. દિવસનો પ્રારંભ તીરંદાજીની કમ્પાઉન્ડ વ્યક્તિગત મહિલા ઇવેન્ટમાં બે મેડલ સાથે થઈ હતી. ભારતે મેન્સ કમ્પાઉન્ડ ઈવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર બંને જીત્યા છે. ફાઇનલમાં ઓજસ દેવતલેએ અભિષેક વર્માને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે અભિષેકને પણ  સિલ્વર મેડલ મળ્યો હતો. આ પહેલા 14માં દિવસે તીરંદાજીમાં પણ પહેલો મેડલ જીત્યો હતો. શનિવારે, અદિતિ ગોપીચંદ સ્વામીએ કમ્પાઉન્ડ વ્યક્તિગત મહિલા તીરંદાજીમાં ભારતનો પહેલો મેડલ જીત્યો. અદિતિએ બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ઇન્ડોનેશિયાની રતિહ ફડલીને 146-140થી હરાવ્યો.આ સાથે વડા પ્રધાન મોદીએ પણ ભારતના 100 મેડલ થવા પર ટ્વીટ કરીને ખુશી વ્યક્ત કરી હતી.

આ સાથે જ ભારતને આ જ ઈવેન્ટમાં બીજો મેડલ પણ મળ્યો. ભારતની જ્યોતિ સુરેખા વેન્નમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ગોલ્ડ માટે સાઉથ કોરિયાની સો ચાવોનને 149-145થી હરાવ્યો. ચાવોનને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો.

 

 

 

 

 

 

અહીં ગરુડમાં બેસી ગરબે રમવા ઉતરે છે બાળાઓ

સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિતના મોટા શહેરોમાં અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ગરબીનું પણ ભારે આકર્ષણ છે. રાજકોટમાં રામનાથપરા ચોકમાં રાજાશાહીના સમયથી પ્રાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે.

આ ગરબી મંડળનું વિશેષ આકર્ષણ એ છે કે બાળાઓને ચોકમાં આકાશમાંથી જેમ માતાજી ઉતરતા હોય તેવા ભાવ સાથે ગરુડની મદદથી ચોકમાં લાવવામાં આવે છે. આ દ્રશ્ય જોવા લોકો કલાકો અગાઉથી ઊભા રહી જાય છે.

 

રાજકોટની આ ગરુડની ગરબી ખૂબ પ્રસિદ્ધ છે લોકો દૂર દૂરથી જોવા આવે છે. સૌરાષ્ટ્રમાં ગરબે રમતી બાળાઓને આ રીતે ચાચર ચોકમાં ઉતારવામાં આવતી હોય તેવી આ પહેલી ગરબી છે. જય અંબે ગરબી મંડળ દ્વારા રાજકોટના રાજવી પેલેસની નજીક આ ગરબી યોજાય છે. આયોજકોએ જણાવ્યું હતું કે “ લગભગ ૧૦૦ વર્ષ કરતાં વધુ સમયથી આ ગરબી થાય છે વર્ષો પહેલા ગરબી ચોકમાં દોરડાઓની મદદથી બાળાઓને ઉતારવામાં આવતી હતી પછી લાકડાની મદદથી સાત – આઠ ફૂટનું ગરુડ પક્ષીની પ્રતિકૃતી બનાવવામાં આવે છે અને તેને લોખંડના તારની મદદથી નીચે લાવવામાં આવે છે.

જય અંબે ગરબી મંડળ દ્વારા આ આયોજન થાય છે. આયોજક ટીમના વરિષ્ઠ સભ્ય સહદેવભાઈ ડોડીયાએ ચિત્રલેખા. કોમ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે “ ચોક નજીક અંબે માતાજીનું મંદિર છે તેના ઉપરથી ગરુડ નીચે ઉતરે છે ભાવિકો આકાશમાંથી માતાજી ગરબે રમવા આવ્યા તેવું અનુભવી એક અલૌકિક અનુભવ કરે છે. પહેલા રાસમાં બાળાઓ ને ક્રમશ નીચે ઉતારવામાં આવે છે. એક વખતમાં બે – ત્રણ બાળાઓ આવે છે. ગરબે રમતી બાળાઓ જ નહીં ગરબી જોવા આવતા બાળકોને પણ ગરુડમાં બેસી ઉડવાનો અનુભવ કરવી તેમને ખુશ કરવામાં આવે છે.

રાજકોટની આ ગરબીમાં ગરુડનું લોકોમાં અનેરું આકર્ષણ જોવા મળે છે. નવરાત્રિમાં કલાકો પહેલા લોકો આ ચોકમાં ગરુડમાંથી ઊતરતી બાળાઓ જોવા માટે ભીડ જમાવે છે. આ ગરબી મંડળનો ભુવા રાસ , રાંદલમાંનો રાસ, બેડા રાસ પણ શહેરીજનોમાં ખૂબ લોકપ્રિય છે. રાજકોટના રાજવી લાખાજીરાજે આ ગરબી મંડળની સ્થાપના કરવી હતી. લગભગ એક સદી કરતાં જૂની આ ગરબી આજે પણ તેના પ્રાચીન રાસને કારણે લોકોમાં જાણીતી છે.

(દેવેન્દ્ર જાની-રાજકોટ)

 (તસવીરઃ નિશુ કાચા)