આજે રાજ્યના 13 જિલ્લામાં રેડ એલર્ટ, 3 કલાક ભારે વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરાયું છે. મોડી રાતે અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર સહિત 7 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે. ખાસ કરીને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને 31 જુલાઈના રોજ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 9 જિલ્લામાં સ્કૂલ-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.

હાલ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે.

1. ડીપ ડિપ્રેશન

2. મોનસૂન ટ્રફ

3. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન

4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને થંડરસ્ટ્રોમની પણ શક્યતા છે. આગામી દિવસોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની રહેશે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.