એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ પુરુષ ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ

હાંગજોઉઃ અફઘાનિસ્તાનની વિરુદ્ધ ફાઇનલ મેચમાં વરસાદને કારણે રદ થવાથી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો. એ સાથે હવે ભારતના 27 ગોલ્ડ મેડલ થયા છે. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશિપમાં ભારતીય ટીમને વિજેતા જાહેર કરવામાં આવી છે.

એશિયન ગેમ્સ 2023ની ફાઇનલ મેચમાં ભારત (IND vs AFG)નો સામનો અફઘાનિસ્તાન સામે થયો હતો. પ્રથમ બેટિંગ કરતાં અફઘાનિસ્તાને 18.5 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 112 રન બનાવ્યા હતા. આ પછી વરસાદને કારણે આગળની રમત રમાઈ શકી ન હતી અને વધુ સારી રેન્કિંગના આધારે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમને ગોલ્ડ મેડલ મળ્યો છે. આ સાથે જ અફઘાનિસ્તાને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો. આ સાથે ભારત પાસે 27 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ મેડલ આવી ગયા છે.

અફઘાનિસ્તાનનો પ્રારંભ ઘણો ખરાબ રહ્યો હતો. ટીમે પ્રારંભમાં ચાર ઓવરમાં 12 રને ત્રણ વિકેટ ગુમાવી હતી. અફઘાનિસ્તાનના ઓપનર ઝુબેદ અકબરીએ પાંચ રન, મોહમ્મદ શહઝાદે ચાર રન બનાવ્યા હતા, આ સિવાય નૂર અલી ઝદરાન એક રન બનાવીને રનઆઉટ થયો હતો. આ મેચમાં માત્ર શાહિદુલ્લા કમાલ 49 રન બનાવીને અણનમ રહ્યો હતો.

એશિયન ગેમ્સ 2023ના 14 દિવસે ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતે એશિયન ગેમ્સના ઇતિહાસમાં આજે પ્રથમ વખત 100 મેડલનો આંકડો પાર કરી લીધો છે. ભારત માટે 101મો મેડલ ગોલ્ડના રૂપમાં આવ્યો હતો. ભારતીય બેડમિન્ટન જોડી સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીએ ભારત માટે બેડમિન્ટન ડબલ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.