Home Blog Page 2418

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથે બેઠક કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે Google CEO સુંદર પિચાઈ સાથે વાત કરી. બંને વચ્ચે આ વાતચીત વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન થઈ હતી. Google CEO સાથેની બેઠક દરમિયાન PM મોદીએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વિસ્તારવા માટે Googleની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી. આ દરમિયાન પીએમ મોદીએ સુંદર પિચાઈ પાસેથી ગૂગલની ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં Chromebooks બનાવવા માટે HP સાથે Googleની ભાગીદારીની પણ પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે AI ટૂલ્સમાં ભારતીય ભાષાઓને સપોર્ટ કરવાના પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે તેમણે ટેક જાયન્ટ ગૂગલને સુશાસન માટે AI ટૂલ્સ પર કામ કરવાનું ચાલુ રાખવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

 

પીએમ મોદીએ આમંત્રણ આપ્યું હતું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગૂગલની યોજનાને આવકારી છે જેમાં કંપનીએ ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ખાતે વૈશ્વિક ફિનટેક ઓપરેશન્સ સેન્ટર ખોલવાનું નક્કી કર્યું છે. તમને જણાવી દઈએ કે ભારત ડિસેમ્બર 2023માં AI સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. PM નરેન્દ્ર મોદીએ આ AI સમિટમાં હાજરી આપવા માટે Google CEO સુંદર પિચાઈને આમંત્રણ આપ્યું છે.  બીજી તરફ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ GPay અને UPIની શક્તિ અને પહોંચનો લાભ લઈને ભારતમાં Googleની આગામી યોજનાઓ વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી. તેમણે ભારતના વિકાસમાં યોગદાન આપવા માટે ગૂગલ દ્વારા અત્યાર સુધી લેવામાં આવેલા નિર્ણયો અને ભવિષ્ય વિશે માહિતી આપી હતી. આ વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પિચાઈએ પીએમ મોદીની યુએસ મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી.

વિધાનસભા ચૂંટણી 2023: ‘કોંગ્રેસ પાંચેય રાજ્યોમાં જીતશે’ : રાહુલ ગાંધી

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને મોટો દાવો કરતા કહ્યું છે કે આ તમામ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી જ સરકાર બનાવશે. તેમણે કહ્યું, મારા શબ્દો નોંધી લો. કોંગ્રેસ પાર્ટી તેલંગાણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને મિઝોરમમાં જીતવા જઈ રહી છે. મિઝોરમમાં એક જાહેર સભાને સંબોધતા, કોંગ્રેસ નેતાએ કહ્યું, કોંગ્રેસ પક્ષ હંમેશા જનતા માટે કામ કરે છે. રાજસ્થાનમાં શ્રેષ્ઠ આરોગ્યસંભાળ નીતિ છે, કર્ણાટક અજોડ સામાજિક સુરક્ષા જાળ પ્રદાન કરે છે, જ્યારે છત્તીસગઢ મજબૂત નીતિઓ સાથે ઉદ્યોગસાહસિકોને સમર્થન આપે છે. અમે કરીશું. મધ્યપ્રદેશમાં ભ્રષ્ટ ભાજપ સરકારને હટાવી દો અને અમારી 6 ગેરંટી તેલંગાણામાં પ્રચંડ જીત સુનિશ્ચિત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, મિઝોરમને મોડલ રાજ્ય બનાવવાની કોંગ્રેસની સ્પષ્ટ યોજના છે. અમારી પહેલોમાં ₹2,500 માસિક વૃદ્ધાવસ્થા પેન્શન, ₹750માં LPG સિલિન્ડર અને તાંગ પુઇહાના આર્થિક વિકાસ પહેલનો સમાવેશ થાય છે. ભાજપથી વિપરીત કોંગ્રેસ પાસે તમામ ભારતીયો માટે એક વિઝન છે.  આ પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે મણિપુર હિંસા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ ઈઝરાયેલને લઈને વધુ ચિંતિત છે. ભાજપ માત્ર નફરત ફેલાવવાનું કામ કરી રહી છે. મિઝોરમ ચૂંટણી માટે રાજ્યની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ આઈઝોલમાં રાજભવન પાસે એક રેલીને સંબોધતા કહ્યું, “મણિપુર હવે એક રાજ્ય નથી રહ્યું, પરંતુ જાતિના આધારે બે રાજ્યોમાં વહેંચાઈ ગયું છે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૭ ઓક્ટોબર, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૭ ઓક્ટોબર, ૨૦૨૩

NDDBના ચેરમેન, MD ડો. મીનેશ શાહ IDFના બોર્ડમાં ચૂંટાયા

આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના ચેરમેન અને MD ડો. મીનેશ શાહ ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF)ના બોર્ડમાં ચૂંટાઈ આવ્યા હતા. IDFના પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરતાં ડો. મીનેશ શાહે જણાવ્યું હતું કે વિશ્વમાં દૂધના કુલ ઉત્પાદનમાં 23 ટકાથી વધારેનું યોગદાન આપનારા ભારતનો એક પ્રતિનિધિ હવે IDFના બોર્ડમાં છે. તેનાથી સ્મોલ હોલ્ડર-આધારિત ડેરીઇંગ ઇકોસિસ્ટમના લાખો પશુપાલકો વૈશ્વિક ફોરમ પર તેમની વાતને રજૂ કરી શકશે તથા તેમને અનુકૂળ આવે તેવી નીતિઓ, ફ્રેમવર્ક, સિસ્ટમ અને પ્રક્રિયાની રચના કરવામાં મદદરૂપ થઈ શકશે.

તેમણે જણાવ્યું હતું કે અન્ય દેશોની સાથે સામૂહિક રીતે આગળ વધવાથી વિશ્વના ડેરી સેક્ટર માટે શ્રેષ્ઠ પરિણામો લાવવામાં મદદ મળી રહેશે. ભારતના ડેરી ક્ષેત્રને વધુ કાર્યક્ષમ, અસરકારક અને સ્થાયી બનાવવા માટે વૈજ્ઞાનિક ઉકેલો અને ટેકનોલોજીઓને આગળ વધારવા અન્ય દેશોની કુશળતાનો પણ લાભ ઉઠાવી શકશે.

તેઓ અલગ-અલગ પદો પર ઘણા લાંબા સમયથી IDFની સાથે સંકળાયેલા છે. તેઓ ઇન્ડિયન નેશનલ કમિટીના સભ્ય સચિવ છે અને ડેરી પોલિસી એન્ડ ઇકોનોમિક્સની સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પણ છે. તેમના નેતૃત્ત્વ હેઠળ ભારતમાં સપ્ટેમ્બર, 2022માં વિશ્વની સૌથી મોટી ડેરી કોન્ફરન્સ IDFWDS 2022નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદઘાટન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના અને વિદેશોના મંત્રીઓ, નીતિ ઘડનારાઓ, નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના

અમદાવાદ: એક હરિયાળી પહેલ કરતાં રત્નાકર ગ્રૂપે બાર્કવિલે ફાઉન્ડેશ દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે ગ્રીન ઓએસિસની રચના કરવા માટે સહયોગ કર્યો છે. આ પ્રયાસથી આપવામાં આવેલો સંદેશ સ્પષ્ટ કરે છે કે “પૃથ્વી દરેક માટે છે.”

આ વિશિષ્ટ પહેલ અંતર્ગત લીમડાથી લઇને ડ્રમસ્ટિક, બિલીપત્ર, માડુડો, ચંપા અને જાસુદ જેવી વિવિધ પ્રજાતિના એક હજાર વૃક્ષોનું વાવેતર કરાયું હતું. જેના માટે વિસ્તારની કાળજીપૂર્વક તૈયારી કરાઇ હતી, જેમાં વાવેતર માટે ખેડાણ અને ખાડા તૈયાર કરવા તથા રક્ષણાત્મક વાડ લગાવવી વગેરે સામેલ હતું. આ ઉપરાંત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે ટપક સિંચાઇ પદ્ધતિ પણ ગોઠવવામાં આવી હતી, જેથી નવા રોપાયેલા વૃક્ષોના વિકાસને વેગ આપી શકાય.

રત્નાકર ગ્રૂપના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર નિશાંત શાહે કહ્યું હતું કે, “આપણી પૃથ્વી અને તેના રહેવાસીઓની કાળજી રાખવી એ માત્ર જવાબદારી જ નહીં, પરંતુ આપણો વિશેષાધિકાર છે. બાર્કવિલે ફાઉન્ડેશન સાથે ભાગીદારી દ્વારા બચાવેલા પ્રાણીઓ માટે અમે ગ્રીન ઓએસિસનું સંવર્ધન કરી રહ્યાં છીએ. આ અભ્યારણ્ય અદભાવ અને સહ-અસ્તિત્વની ભાવનાનું પ્રતિક છે. અમે સાથે મળીને કરૂણા અને ટકાઉપણાના બીજનું વાવેતર કર્યું છે, જેથી વર્તમાન અને ભાવિ પેઢીઓ માટે “પૃથ્વી દરેક માટે છે”ની ભાવના સુનિશ્ચિત કરી શકાય.”

હાલમાં બાર્કવિલે 85 ત્યજી દેવાયેલા પાલતુ શ્વાનને આશ્રય આપે છે, જેમાં લેબ્રાડોર્સ, જર્મન શેફર્ડ્સ, રોટવેઇલર્સ, સેન્ટ બર્નાર્ડ્સ, બીગલ્સ, પિટબુલ અને વિવિધ મિશ્ર જાતુઓ સામેલ છે. શ્વાન ઉપરાંત આ સુવિધામાં ગાય, ઘોડા, બિલાડીના બચ્ચા, સસલા અને અસંખ્ય પક્ષીઓ પણ રહે છે. આ સંયુક્ત પહેલનો ઉદ્દેશ્ય બાર્કવિલે કેમ્પસમાં નિર્ધારિત જગ્યામાં વાડની સુરક્ષા સાથે વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવાનો છે, જેથી પ્રાણીઓ માટે સુરક્ષિત માહોલની રચના કરી શકાય.

આલિયા, કૃતિએ સંયુક્ત રીતે મેળવ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર

નવી દિલ્હીઃ 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-2023 સમારોહનું આજે બપોરે અહીં વિજ્ઞાન ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં હસ્તે વિજેતા કલાકારોને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

બોલીવુડ અભિનેત્રીઓ – આલિયા ભટ્ટ અને કૃતિ સેનને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ સંયુક્ત રીતે પ્રાપ્ત કર્યો છે. આલિયાએ ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ માટે જ્યારે કૃતિએ ‘મિમી’ ફિલ્મ માટે આ એવોર્ડ જીત્યો છે. આલિયાએ આજના પ્રસંગે આઈવરી રંગની સાડી પહેરી હતી, જે તેણે લગ્નના દિવસે પહેરી હતી. એવોર્ડ સમારોહમાં તેનો અભિનેતા પતિ રણબીર કપૂર પણ ઉપસ્થિત રહ્યો હતો. કૃતિ સેનન તેનાં માતા-પિતા સાથે આવી હતી.

શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અલ્લૂ અર્જુને તેલુગુ ફિલ્મ ‘પુષ્પા’માં ભજવેલી ભૂમિકા માટે જીત્યો છે. તેણે પણ રાષ્ટ્રપતિ મુર્મુનાં હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો. તે એની પત્ની સ્નેહા રેડ્ડી સાથે આવ્યો હતો.

શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ તામિલ, હિન્દી અને અંગ્રેજીમાં રિલીઝ કરાયેલી ‘રોકેટ્રીઃ ધ નંબી ઈફેક્ટ’ ફિલ્મને મળ્યો છે. ફિલ્મના દિગ્દર્શક અને અભિનેતા આર. માધવને આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

પંકજ ત્રિપાઠીએ શ્રેષ્ઠ સહાયક અભિનેતા (મિમી) અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ પલ્લવી જોશી (ધ કશ્મીર ફાઈલ્સ)એ મેળવ્યો હતો. પલ્લવી તેનાં પતિ અને ‘કશ્મીર ફાઈલ્સ’ના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી સાથે આવી હતી.

પીઢ અભિનેત્રી વહીદા રેહમાનનું ‘દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ’થી સમ્માન કરવામાં આવ્યું હતું. વહીદાએ રાષ્ટ્રપતિનાં હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ વર્ષે સંપૂર્ણ મનોરંજન પ્રદાન કરનાર શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ તેલુગુ ફિલ્મ ‘RRR’ ને આપવામાં આવ્યો છે. શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ નીખિલ મહાજનને મરાઠી ફિલ્મ ‘ગોદાવરી’ માટે આપવામાં આવ્યો છે. ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને રાષ્ટ્રીય એકતા વિષય પર આધારિત શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટેના ‘નરગિસ દત્ત એવોર્ડ’ માટે પસંદ કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને પણ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. ભાવિન રબારીએ શ્રેષ્ઠ બાળકલાકાર એવોર્ડ વિજેતા તરીકે ઘોષિત કરાયો છે.

EPFOએ છેતરપિંડીથી બચવા માટે એલર્ટ જાહેર કર્યું

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા તમામ પીએફ ખાતાધારકો માટે ચેતવણી જારી કરવામાં આવી છે. આ એલર્ટમાં EPFOએ તમામ સભ્યોને કોઈપણ સંભવિત છેતરપિંડીથી બચવા માટે સૂચન કર્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે EPFO ​​ક્યારેય કોઈ સભ્ય પાસેથી ફોન અને ઈમેલ પર કોઈ અંગત માહિતી માંગતું નથી. EPFO દ્વારા તેના ઓફિશિયલ ‘X’ હેન્ડલ પર આપવામાં આવેલી માહિતીમાં સભ્યોને ફેક કોલ અને મેસેજથી સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે. EPFO ક્યારેય કોઈ સભ્ય પાસેથી ફોન, ઈ-મેલ અને સોશિયલ મીડિયા દ્વારા અંગત માહિતી માંગતું નથી. આ મેસેજ સાથે EPFO ​​દ્વારા એક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે, જેમાં લખ્યું છે ‘સાવધાન રહો, સાવધાન રહો’. તમારા UAN/પાસવર્ડ/PAN/આધાર/બેંક ખાતાની વિગતો/OTP અથવા અન્ય કોઈપણ વ્યક્તિગત કે નાણાકીય વિગતો ક્યારેય કોઈની સાથે શેર કરશો નહીં.

 

જો તમને નકલી કોલ્સ અને મેસેજ આવે તો અહીં ફરિયાદ કરો

EPFOએ પોસ્ટરમાં વધુમાં જણાવ્યું છે કે સંસ્થા અને તેના કર્મચારીઓ ક્યારેય મેસેજ, ફોન, ઈ-મેલ, વોટ્સએપ, સોશિયલ મીડિયા દ્વારા અંગત વિગતો પૂછતા નથી. જો કે, જો તમને આવા નકલી કોલ્સ/સંદેશાઓ મળે તો તમારે તાત્કાલિક સ્થાનિક પોલીસ/સાયબર ક્રાઈમ બ્રાન્ચને જાણ કરવી જોઈએ.

EPFO હેલ્પલાઇનનો સંપર્ક કરો

જો તમે EPFOની અન્ય કોઈ સેવા વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોવ તો તમે EPFOની હેલ્પલાઈન 14470 પર કૉલ કરીને માહિતી મેળવી શકો છો. આ સેવા સવારે 7 થી 9 વાગ્યા સુધી ઉપલબ્ધ છે. EPFOની આ હેલ્પલાઇન પર તમે હિન્દી, ગુજરાતી, મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ, બંગાળી, આસામી અને અંગ્રેજીમાં માહિતી મેળવી શકો છો.

મનોવિજ્ઞાન અને વાતાવરણમાં થતાં પરિવર્તનોને જોડતો ‘ગ્રીન રિસર્ચ પ્રોજેક્ટ’

ગ્રીન રિસર્ચ પ્રોજેક્ટ(The Green Research Project) ની શરૂઆત એપ્રિલ ૨૦૨૩માં ભારતના સૌથી યુવા લેખક અને પ્રકાશકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર નડિયાદના વેદાંત બ્રહ્મભટ્ટે કરી હતી.

મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના 22 સંશોધક આ રીસર્ચ સાથે સંકળાયેલા હતા. મનોવિજ્ઞાન અને વાતાવરણમાં થતાં પરિવર્તનોને જોડતું આ પ્રકારનો પ્રકલ્પ કદાચ પહેલીવાર જ થતો હશે. ઑક્ટોબર ૨૦૨૩માંપ્રથમ ચરણની સમાપ્તિ થઈ છે. હવે આ જ પ્રકલ્પને મોટા પાયે લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મુખ્ય સંશોધક વેદાંત બ્રહ્મભટ્ટ કહે છે, “The Green Research Project” એ ક્લાયમેટ ચેન્જ અને મનોવિજ્ઞાનને એકીકૃત કરવા તરફનું પ્રથમ પગલું છે.આ પ્રોજેક્ટનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વિદ્યાર્થીઓમાં એમના સ્નાતક વર્ષનાં પ્રારંભિક તબક્કામાં ક્લાયમેટ ચેન્જ સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.

વધુમાં વેદાંત કહે છે, અમે મુખ્ય યુનિવર્સિટીઓમાં સ્ટુડન્ટ ક્લબ રાખવાની ઇચ્છા ધરાવીએ છીએ અને આ ક્લબો ક્લાઇમેટ ચેન્જના ક્ષેત્રમાં અભ્યાસ, સંશોધન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. અમે વિદ્યાર્થીઓને દરેક તબક્કે સુવિધા આપીશું, તેમને સંસાધનો અને સંશોધન કેવી રીતે કરવામાં આવે છે એની તાલીમ આપીશું. અભ્યાસના એ ક્ષેત્રમાં લાયક શિક્ષકો દ્વારા એની સમીક્ષા કર્યા પછી આ અભ્યાસોને પ્રકાશિત કરવા માટે એક માધ્યમ પ્રદાન કરવાનું છે.

નોંધનીય છે કે વેદાંતે આ સંશોધન પ્રોજેક્ટની શરૂઆત આબોહવા પરિવર્તનને ઉકેલવાના વૈકલ્પિક માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કરી હતી. મનોવિજ્ઞાનનો ઉપયોગએ આવું કરવા માટે સૌથી વધુ સુલભ અને અસરકારક પદ્ધતિ છે. વેદાંતે બરોડાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સાયકોલોજી અને Consumer Behaviorના ક્ષેત્રમાં અભ્યાસ કર્યો છે.

PM મોદીએ 23000 કરોડના સમુદ્રી પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ મુંબઈના MMRDA ગ્રાઉન્ડમાં આયોજિત થયેલા ત્રીજા વૈશ્વિક સમુદ્રી ભારત શિખર સંમેલન-2023નું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યુ હતું. આ સૌથી મોટા સમુદ્રી કાર્યક્રમનું આયોજન, જળમાર્ગ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન રૂ. 23,000 કરોડના સમુદ્રી પ્રોજેક્ટોનો પ્રારંભ કર્યો હતો અને એ સાથે બ્લુ ઇકોનોમી માટે લોન્ગ ટર્મ વિઝન ડોક્યુમેન્ટ જારી કર્યું હતું.

આમાં પોર્ટની સુવિધાઓમાં વધારો, ટુરિઝમ, આંતરરાષ્ટ્રીય સહયોગને સુવિધાજનક બનાવવાના હેતુથી વ્યૂહાત્મક પહેલની રૂપરેખા તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે આ બ્લુ ઇકોનોમી માટે રૂ. 23,000 કરોડથી વધુના પ્રોજેક્ટોનું ઉદઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા અથવા શિલાન્યાસ કર્યો હતો.આ શિખર સંમેલનમાં ભવિષ્યના પોર્ટ સહિત સમુદ્ર ક્ષેત્રથી જોડાયેલા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે આંતરદેશીય જળ પ્રોજેક્ટ, સબમરીન, નાણાં, સમુદ્રી પર્યટન વગેરે મુદ્દાઓ પર પણ વિચારવિમર્શ કરવામાં આવશે.

વડા પ્રધાન મોદીએ સમુદ્રી ક્ષેત્રમાં વૈશ્વિક અને રાષ્ટ્રીય ભાગીદારી માટે આશરે રૂ. 7.16 લાખ કરોડના 300થી વધુ સમજૂતી કરાર (MoU) પણ કર્યા છે. આ શિખર સંમેલનમાં યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયા (મધ્ય એશિયા, મધ્ય-પૂર્વ અને બિમ્સટેક ક્ષેત્ર સહિત)ના વિવિધ દેશોના મંત્રી ભાગ લેશે. આ શિખર સંમેલનમાં કેટલાંય રાજ્યોનું પણ પ્રતિનિધિત્વ હશે.

 

 

 

 

 

 

ઓલિમ્પિક્સ-2028માં રમવાનું રોહિત, વિરાટ જેવા ખેલાડીઓ માટે કઠિન

મુંબઈઃ ક્રિકેટની રમત ઓલિમ્પિક રમતોત્સવનો સત્તાવાર રીતે એક હિસ્સો બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશને આપેલી માન્યતાને પગલે 2028ની સાલમાં અમેરિકાના લોસ એન્જેલીસ શહેરમાં યોજાનાર ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટની રમતનો સમાવેશ કરાશે. આશરે 128 વર્ષ પછી ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો પણ જાદૂ જોવા મળશે. પરંતુ એ સ્પર્ધામાં રમવાનું ભારતના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ માટે કઠિન છે.

વધતી ઉંમરને કારણે ભારતના અનેક સ્ટાર ક્રિકેટરો લોસ એન્જેલિસ 2028 ઓલિમ્પિક્સમાં રમી નહીં શકે. ત્યાં સુધીમાં હાલના અનેક ભારતીય ખેલાડીઓ કાં તો ક્રિકેટની રમતને અલવિદા કરી ચૂક્યા હશે અથવા નિવૃત્તિની નિકટ આવી ગયા હશે. રોહિત શર્માની ઉંમર હાલ 36 વર્ષ છે. 2028ની ઓલિમ્પિક્સ વખતે એ 41 વર્ષનો હશે. તે સ્થિતિમાં એને માટે ઓલિમ્પિક્સમાં રમવાનું મુશ્કેલ બનશે. એવી જ રીતે, વિરાટ કોહલી હાલ 34 વર્ષનો છે અને લોસ એન્જેલિસ ઓલિમ્પિક્સમાં રમવાનું તેને માટે પણ કઠિન બનશે. રવીન્દ્ર જાડેજા હાલ 34 વર્ષનો અને સૂર્યકુમાર યાદવ 33 વર્ષનો છે.

ઓલિમ્પિક-2028 વખતે ભારતીય ખેલાડીઓની ઉંમર આ હશેઃ

રોહિત શર્મા – 40 વર્ષ

વિરાટ કોહલી – 38 વર્ષ

સૂર્યકુમાર યાદવ – 37 વર્ષ

શુભમન ગિલ – 28 વર્ષ

જસપ્રિત બુમરાહ – 33 વર્ષ

હાર્દિક પંડ્યા – 34 વર્ષ

કુલદીપ યાદવ – 32 વર્ષ

મોહમ્મદ સિરાજ – 33 વર્ષ

રિષભ પંત – 30 વર્ષ

રવીન્દ્ર જાડેજા – 38 વર્ષ