Home Blog Page 2386

આ ફિલ્મના વિષયવસ્તુ અવશ્ય વાઈરલ થવા જોઈએ…

ગયા વરસની વાતઃ નોકિયા ફોન માટે વિશ્વવિખ્યાત એવા ફિનલૅન્ડનાં વડાં પ્રધાન સના મેરિન એક પ્રાઈવેટ પાર્ટીમાં મસ્તીમાં નાચી રહ્યાં હતાં. 37 વર્ષી સનાબહેનનો એ વિડિયો વૉટ્સઍપ પર ફરી વળ્યો. દેશઆખામાં હોબાળો મચી ગયોઃ આ કેવું? એક મહિલા અને એમાંયે દેશનાં પ્રાઈમ મિનિસ્ટર? એમનાથી આવું તે કંઈ કરાતું હશે?

આ ઘટનાના લગભગ એક વર્ષ બાદ આજે (27 ઑક્ટબરે) ‘રોન્ગસાઈડ રાજુ’ માટે નૅશનલ એવૉર્ડથી સમ્માનિત ડિરેક્ટર મિખિલ મુસળે ‘સજની શિંદે કા વાઈરલ વિડિયો’ સાથે હાજર છે. ભાઈ મિખિલ અને પરિંદા જોશી લિખિત થ્રિલરના હાર્દમાં છે જવાન સ્કૂલટીચર સજની શિંદે (રાધિકા માદન)નો વાઈરલ વિડિયો.

પુણેની એક નામાંકિત સ્કૂલની તેજસ્વી સાયન્સ ટીચર સજની પોતાની બર્થડે પાર્ટીમાં ટકીલા શૉટ્સ પીને બારમાં નાચી રહી છે એવો વિડિયો વાઈરલ થાય છે, પુણેકરો વૉટ્સઍપ પર ફૉરવર્ડ થયેલો વિડિયો જોઈને મજા લે છે, અખબારમાં પહેલા પાને સમાચાર ચમકે છેઃ ‘પુણે ટીચર ગોઝ રૉન્ચી.’ બાળકોનાં પૅરન્ટ્સ તથા ટ્રસ્ટીમંડળના દબાણ હેઠળ પ્રિન્સિપાલ (ભાગ્યશ્રી) સજનીને નોકરીમાંથી કાઢી મૂકે છે, સજનીનો મંગેતર સિદ્ધાંત (સોહમ મજુમદાર) વિડિયો જોઈને સજનીને એલફેલ બોલી નાખે છે. રંગભૂમિના અતિલોકપ્રિય કલાકાર, પણ ઘરપરિવારમાં આપખુદી શાસન ચલાવતા સજનીના પિતા સૂર્યકાંત શિંદે (સુબોધ ભાવે)નો ગુસ્સો તો 12મા આસમાને છે… ચોમેરથી ઘેરાયેલી સજની એક ચિઠ્ઠી લખીને ગાયબ થઈ જાય છે. ચિઠ્ઠીમાં એ પોતાના પિતાને અને મંગેતરને જવાબદાર ઠેરવે છે… શું સજનીનું મર્ડર થયું? કે એણે આત્મહત્યા કરી? કે આ બધાંથી દૂર જતી રહી? સજની-મામલાની તપાસ મહિલા સુરક્ષા દળનાં બેલા બારોટ (નિમ્રત કૌર)ને સોંપવામાં આવે છે. એક પછી એક શકમંદોને મળી એ આ ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરે છે. બેલાને નવાઈ એ વાતની લાગે છે કે સજનીના ગુમ થવા કરતાં બધાને પોતાની ઈજ્જતની પડી છે.

મધ્યાંતર પહેલાં ફિલ્મની ગતિ થોડી મંદ છે, ડિરેક્ટરને જાણે કોઈ ઉતાવળ નથી. સજનીનો પરિવાર, એનો મંગેતર, સ્કૂલનાં પ્રિન્સિપાલ તથા અન્ય સ્ટાફની પૂછતાછમાં એક પછી સત્ય ને તથ્ય બહાર આવતાં જાય છે, બેલા અને એના સહાયક રામચંદ્રને કડી મળતી જાય છે. મધ્યાંતર બાદ સિદ્ધાંતના લૉયર (લલિત ગાંધી), સૂર્યકાંત શિંદેના લૉયર (કિરણ કર્મારકર) જેવાં નવાં પાત્ર ઉમેરાય છે, ગતિ તેજ થાય છે અને…

મને ગમી ગયેલી વાતઃ સ્ટ્રોન્ગ ઍક્ટિંગ ડિપાર્ટમેન્ટ. સજની, સિદ્ધાંત, બેલા બારોટનાં પાત્રલેખન. દેશના બીજા પ્રાંતમાંથી પુણે આવેલી બેલા બારોટ બાહોશ અફ્સર હોવા છતાં એને વીમેન’સ સેલમાં નિયુક્ત કરવામાં આવે છે એનો એને ધોખો છે. પુરુષ અફસરની કડકાઈથી એ ઈન્ટરોગેશન કરે છે અને બારીક નિરીક્ષણથી તપાસને એક અલગ લેવલ પર લઈ જાય છે.

-અને સંવાદ. પછી એ સજનીના કૅરેક્ટરનું વર્ણન કરતો ડાયલોગ હોય (“એક પરફેક્ટ બેટી, એક પરફેક્ટ મંગેતર, એક પરફેક્ટ ટીચર”), સ્ત્રી સશક્તિકરણની ઠાલી વાતો કરતી સોશિયલ વર્કરને ઘઘલાવતી બેલા બારોટ હોય (“ઔરત કંઈ આધાર કાર્ડ નથી કે ગમે ત્યાં ચલાવો”)… સજની મિસિંગ કેસના ઈન્વેસ્ટિગેશન માટે બેલાને એક આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર રામચંદ્ર પવાર (ચિન્મય માંડલેકર) આપવામાં આવે છે, જેણે પોતાના ફોનમાં બેલાનો નંબર ‘ડુબરમાન મૅડમ’ના નામે સેવ કર્યો છે. બેલાને ખબર પડે છે કે ડિપાર્ટમેન્ટમાં બધા એને આ નામે ઓળખે છે ત્યારે ગુસ્સે થવાને બદલે એ પવારને કહે છેઃ “અલ્યા ઢગા, ડોબરમૅન કહેવાય ડુબરમાન નહીં. સ્પેલિંગ તો સરખો લખ!” હૅવી સબ્જેક્ટ હોવાના લીધે આવા રમૂજના ચમકારા લેખક-દિગ્દર્શકે મૂક્યા છે.

ન ગમેલી વાતઃ ક્લાઈમેક્સ. ફિલ્મના ધી એન્ડથી હું જરા નિરાશ થયો. અપેક્ષા તો એવી હતી કે આવો સનસનાટીભર્યો કેસ સૉલ્વ થાય ત્યારે કંઈ હલબલાવી નાખે એવું બનશે, પણ… ખેર. જેવી રાઈટર-ડિરેક્ટરની મરજી.

આ ફિલ્મ આજના ઘોર સોશિયલ મિડિયા યુગનું વરવું સત્ય રજૂ કરે છે, પણ પોતે કંઈ સ્ટેન્ડ લેતી નથી કે નથી કોઈ ઉપદેશ આપતી. આમાંથી શું બોધપાઠ લેવાનો એ નક્કી પ્રેક્ષકે કરવાનું. જો ‘સજની શિંદે કા વાઈરલ વિડિયો’ને મારે ગુણાંક આપવા હોય તો પાંચમાંથી અઢી આપું અને એક નવા, વિચારોત્તેજક વિષય માટે જોવાની ભલામણ પણ કરું.

સાઇકલસવારના મોતને મામલે ભારતીય મૂળની વ્યક્તિને જેલ

સિંગાપુરઃ સિંગાપુરમાં 2021માં થયેલા અકસ્માતના મોત કેસમાં ભારતીય મૂળની 70 વર્ષીય વ્યક્તિને 12 સપ્તાહની જેલની સજા થઈ હતી. આ વ્યક્તિને લીધે અકસ્માતમાં સાઇકલચાલકનું મોત થયું હતું. આ ઉપરાંત જેલમાં છૂટ્યા પછી આઠ વર્ષ સુધી તેને ડ્રાઇવિંગ લાયસન્સ પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.  

ભારતીય મૂળના 65 વર્ષીય ભગવાન તુલસીદાસ બિનવાનીઅ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ નહોતું કરાવ્યું અને તે ત્રણ વર્ષથી લાઇસન્સ વગર કાર ચલાવ્યે રાખતો હતો. કોર્ટે તેના પર 3800 સિંગાપુર ડોલરનો દંડ પણ ફટકાર્યો હતો. તેણે 54 વર્ષીય બાંધકામ મજૂર શ્રમિક ખાન સુરુઝના મોતના એક આરોપનો પહેલાં સ્વીકાર કર્યો હતો. એ પછી તેણે વિના લાઇસન્સ અને વીમા વગરની કાર ચલાવવાના અન્ય બે આરોપનો પણ સ્વીકાર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર 27 ડિસેમ્બર, 2021એ સાંજે પાંચ કલાકે બિનવાની સિંગાપોરના પશ્ચિમી ઓદ્યૌગિક ક્ષેત્રમાં કોર્પોરેશન રોડની દિશામાં એક વેન ચલાવી રહ્યો હતો. તેણે જાલાન અહેમદ ઇબ્રાહિમ રસ્તા તરફ વળ્યો હતો અને તેણે ઝેબ્રા ક્રોસિંગ પર પણ કાર ધીમી નહેતી પાડી, જેથી તેની કાર સાઇકલસવાર સુરુજ સાથે અથડાઈ હતી. આ ટક્કર લાગવાથી સુરુજ પડી ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને બ્રેન હેમરેજ થતાં તેનું મોત થયું હતું.

 

 

 

 

શિયાળાની આ મોસમમાં મુંબઈ એરપોર્ટ 115 સ્થળોને કનેક્ટિવિટી પ્રદાન કરશે

મુંબઈઃ અહીંનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આ વખતના શિયાળાની મોસમના સમયપત્રકમાં જુદા જુદા 115 સ્થળો માટે પ્રવાસીઓને કનેક્ટિવિટી પૂરી પાડશે અને દરરોજ 975 ફ્લાઈટ્સનું સંચાલન કરશે. મુંબઈમાં શિયાળાની મોસમનું સમયપત્રક 29 ઓક્ટોબરથી શરૂ થશે અને 2024ની 30 માર્ચ સુધી ચાલશે.

(તસવીર સૌજન્યઃ @CSMIA_Official)

2022ના શિયાળાની મોસમની સરખામણીમાં આ વર્ષે ઘણા નવા ડેસ્ટિનેશન્સ તથા દૈનિક ફ્લાઈટ્સની સંખ્યામાં 8 ટકાનો વધારો થશે. મુંબઈ એરપોર્ટ કઝાખસ્તાનના અલમાટી અને ઈન્ડોનેશિયાના બાલી જેવા નવા ઈન્ટરનેશનલ રૂટ માટે ફ્લાઈટ સંચાલન કામગીરીનું વિસ્તરણ કરશે. આ ઉપરાંત એર કેનેડા અને એઝરબૈજન એરલાઈન્સની સેવાઓને પણ ફરી શરૂ કરશે, જેથી આ બે એરલાઈન્સ દ્વારા પ્રવાસ કરનારાઓને સુવિધા મળશે.

કનેક્ટિવિટી પ્રાપ્ત કરનાર નવા સ્થળોમાં આફ્રિકાના એન્ટેબી, લાગોસ, માલદીવ, વિયેટનામના હો ચી મિન અને હેનોઈ શહેરો, મોરિશ્યસ અને સેશેલ્સ જેવા ટાપુરાષ્ટ્રોનો સમાવેશ થાય છે. મુંબઈ એરપોર્ટથી વિમાનસેવા માર્કેટમાં સૌથી મોટો હિસ્સો ઈન્ડીગોનો છે – 38 ટકા. તે પછીના નંબરે એર ઈન્ડિયા (18 ટકા) અને વિસ્તારા (15 ટકા) આવે છે.

હાઇકોર્ટે રખડતા ઢોર, ટ્રાફિક મુદ્દે જેતે અધિકારીઓને ઠમઠોર્યા

અમદાવાદઃ રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા, પાર્કિંગ અને ટ્રાફિકને મુદ્દે અને હાઇકોર્ટના આદેશને પગલે અમદાવાદ કોર્પોરેશનના મ્યુનિસિપિલ કમિશનર, પોલીસ કમિશનર તેમ જ શહેરી વિકાસ વિભાગના મુખ્ય સેક્રેટરીને હાજર રહ્યા હતા.  કોર્ટે આ મુદ્દે અધિકારીઓને આડે હાથ લીધા હતા.

હાઇકોર્ટે આ સુનાવણીમાં પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે રાજ્યમાં કાયદાવિહીન શાસન નહીં ચાલે માત્ર કાગળ પર કાર્યવાહી નહીં ચાલે. અમે તમને હજી  સ્થિતિ સુધારવા એક સપ્તાહનો સમય આપીએ છીએ.

પોલીસે અને અધિકારીઓએ તેમનું કામ ગંભીરતાથી કરવું જ પડશે. કાયદો વ્યવસ્થા જાળવવાની તંત્રની જવાબદારી છે. સાત નવેમ્બર સુધીમાં અધિકારીઓએ કડક કાર્યવાહી કરવી જ પડશે, નહીં તો ચલાવી લેવામાં નહીં આવે. માત્ર કાગળ પર કામગીરી દેખાય એવું હવે નહીં ચાલે એમ કોર્ટે કહ્યું હતું. હાઇકોર્ટે કહ્યું હતું કે કાયદાની મર્યાદામાં રહીને જે લોકો નિયમો તોડે છે, નીતિને જે અટકાવે છે તેમની સામે કડક પગલાં લો. આના કારણે નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાય છે.

દેશના નાગરિકોની સુરક્ષા બોર્ડર પર ઊભેલી સેનાની છે તેમ રાજ્યમાં રહેતા નાગરિકોની જવાબદારી પોલીસની છે. પોલીસને જે જુદી- જુદી રેન્ક આપવામાં આવે છે તેનાથી પાવરની સાથે જવાબદારી પણ આવે છે. એટલે લોકોની સુરક્ષાની જવાબદારી પોલીસની હોય છે જે સારી રીતે નિભાવવામાં આવે નહીં તો કોર્ટ ઘણી જ ગંભીર છે અને જરૂર પડવા પર કોર્ટ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના ચાર્જીસ પણ કરશે.

હાઇકોર્ટે સાત નવેમ્બર સુધીનો સમય આપતા AMCના કમિશનરને નિર્દેશ આપતાં કહ્યું હતું કે તમે શું કરી રહ્યા છો. સ્થિતિ સુધારવા વધુ એક સપ્તાહનો સમય આપીએ છીએ. અમે સપ્તાહ બાદ સ્થિતિની સમીક્ષા કરીશું અને ફરક નહીં દેખાય તો આકરાં પગલાં લઈશું.

અમદાવામાં રખડતા ઢોર, ખરાબ રસ્તા અને ટ્રાફિક મામલે હાઇકોર્ટે વારંવાર ટકોર કરી છે. તેમ છતાં પરિણામ રસ્તા પર ન દેખતા હાઇકોર્ટે અધિકારીઓને ઠમઠોર્યા હતા છે. કોર્પોરેશને કોર્ટમાં ઢોર પકડતી ટીમ પર હુમલા થતા હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું. હાઈકોર્ટે વર્ષ 2017થી ચાલી રહેલી જાહેર હિતની અરજી પર યોગ્ય કાર્યવાહી ન થતાં નારાજગી વ્યક્ત કરી હતી.

 

 

 

 

કાંદાના ભાવ 57% વધી જતાં કેન્દ્ર સરકારે પગલાં લીધા

નવી દિલ્હીઃ દેશભરમાં કાંદાના ભાવમાં 57 ટકાનો વધારો થયો છે. એક કિલો કાંદા 47-48 રૂપિયે વેચાઈ રહ્યા છે. ગ્રાહકોને રાહત પૂરી પાડવાના હેતુથી કેન્દ્ર સરકારે છૂટક બજારોમાં કાંદાના બફર જથ્થાનું 25 રૂપિયે કિલોના પડતર ભાવે કરાતું વેચાણ વધારવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કાંદા 30 રૂપિયે કિલો મળતા હતા. કેન્દ્ર સરકારના ગ્રાહકોની બાબતોના વિભાગના સચિવ રોહિતકુમાર સિંહે કહ્યું કે અમે ગયા ઓગસ્ટ મહિનાથી કાંદાનો બફર સ્ટોક છૂટક બજારોમાં વેચી રહ્યા છીએ અને લોકોને રાહત પૂરી પાડવા આ વેચાણ અમે વધારી રહ્યા છીએ.

રીટેલ બજારોમાં બફર સ્ટોકના કાંદા બે સહકારી સંસ્થા મારફત ઉતારવામાં આવે છે – NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યૂમર્સીસ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ) અને NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ).

હવામાનમાં બગાડો થવાને કારણે ખરીફ કાંદાની વાવણીમાં વિલંબ થયો હતો. એને કારણે ઉત્પાદન ઓછું થયું છે અને બજારોમાં કાંદા મોડા આવ્યા છે. નવા ખરીફ કાંદાનો સ્ટોક બજારોમાં અત્યાર સુધીમાં આવી જવો જોઈતો હતો, પણ હજી આવ્યો નથી.

વાસ્તુ: ઘર બનાવતી કે રીનોવેશન કરતી વખતે કોઈનું મન ન દુભાવવું

યુદ્ધ એટલે શું? એક રોમાંચક કથા? ઇતિહાસમાં લખાયેલા વર્ણન અને સાહીત્યકારોની રચનાઓમાં તો ઉદ્ધનું વર્ણન ભવ્ય જ લાગે. પણ જે લોકો યુદ્ધનો ભાગ બન્યા હોય એમને જ યુદ્ધનો અનુભવ હોય. નાનીનાની વાતમાં વ્યક્તિ ઉશ્કેરાઈ જતી હોય ત્યારે વિચાર આવે કે આનું કારણ શું? માણસની જીજીવીશાઓ એને મારે છે. જયારે ઈચ્છાઓ પૂરી નથી થતી ત્યારે માણસ અધીરો બને છે. કોઈ પણ રીતે પોતાની ઈચ્છા પુરી કરવા એ ઝઝૂમે છે. અને અંતે? વિનાશ? કોનો? એ યુદ્ધ પહેલા નક્કી નથી હોતું. પણ ઈચ્છાઓ જે તે વ્યક્તિનો તો વિનાશ કરે જ છે. શું ઈચ્છાઓ અને જરૂરિયાતોનો ભેદ  સમજી અને જીવી ન શકાય? અબજો રૂપિયાની સંપતિ મુકીને વ્યક્તિ ક્યારે જતી રહેશે એ ખબર નથી પણ વ્યક્તિ અસ્તિત્વ માટે લડતી રહે છે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપને કોઈ સવાલ કે સમસ્યા હોય તો આપ પણ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: સાહેબ, આ અસ્તિત્વની લડાઈ ક્યાં સુધી ચાલતી રહેશે? સોસાયટીનો મેનેજર માને છે કે સતાધીશો એને જ સર્વસ્વ મને છે. એ આંખો મીચીને સહીઓ કરે છે. અને પછી જયારે કોર્ટમાં જવાનું થાય ત્યારે કોઈ એના પાપમાં ભાગીદાર નથી થતું. સંસ્થાઓમાં પણ કોઈને મોટા બનાવીને કામ કરાવી લેવાય છે. ખાસ તો પૈસાની લેવડ દેવડમાં એનો ઉપયોગ થાય છે. અને પછી એને જ છાપરે ચડાવાય છે. પરિવારમાં જેને સમજણ નથી એની પાસે કોઈને કોઈ અપેક્ષા જ નથી. એ જરાક કૈક લખી પણ દે તો વાહ વાહ થઇ જાય છે. અને જે માણસ ઢસડાય છે એ એકાદ જગ્યાએ ન પહોંચી વળે તો એનો દેકારો થઇ જાય. આ તો કેવી વ્યવસ્થામાં આપણે જીવીએ છીએ.

મારો ભાઈ જવાબદારી શબ્દ સમજ્યો જ નથી. એને ખાલી સારી સારી વાતો કરતા આવડે. હું બધા માટે તન મન ધનથી ખેંચાઉં. બધા સારા માઠા પ્રસંગોમાં વ્યવહાર પણ મેં એકલાએ કર્યા. એ ન પણ આવે. પણ ફોન કરીને એવી સરસ વાત કરે કે સામે વાળા પલળી જાય. એ બધાને વોટ્સેપ પર સમયસર મેસેજ કરી દે. સમજાવે કે મારે તો આવવું જ હતું પણ રજા નથી. મારી તબિયત ખરાબ હતી અને હું દવાખાનામાં હતો. એક જગ્યાએ ન જઈ શક્યો. બધાએ સંબંધ કાપી નાખ્યો. મારા મમ્મીએ પણ એમનો પક્ષ લઈને સમજાવ્યું કે જો તારો ભાઈ કેવો સંબંધ રાખે છે. તે કર્યું છે શું? મને કશુજ સમજાતું નથી. પ્લીઝ મદદ કરો.

જવાબ: ભાઈ શ્રી. માણસ હવે ભૌતિક્તાવાદી બની ગયો છે. તમારો આખો પત્ર સમાવી નથી શક્યા. દુખદ સ્થિતિ છે. પણ એ જ હકીકત છે. સત્ય ન સમજાય અને દેખાડો જ ચાલે એવો સમાજ ઉભો થઇ ચુક્યો છે. સમાજને નહિ બદલી શકાય. બસ તમારા ભાઈ જેવા થઇ જાવ. એમની રીતે જ સંબંધ રાખો. વોટ્સેપ ગ્રુપમાં સહુથી પહેલા બધાને જન્મદિવસની શુભેચ્છાઓ આપો. ભેટના ફોટા પણ મુકો. અવનવી વાનગીના ફોટા મુકીને લખો કે તમારા માટે જ બનાવી હતી. પણ હવે તમને યાદ કરીને હું ખાઈ લઉં છું. એમને સતત દેખાડો ગમે છે. તમે એ કરો. તમારા મમ્મી પણ કદાચ આવું જ કૈક સમજાવવા માંગતા હોય. જ્યાં સન્માન ન હોય ત્યાં ન જ જવાય એ નિયમ બનાવી દો. જે તમારા નથી એમનું દુખ શાનું? વળી એમણે સંબંધ કાપ્યો છે. તમે નહિ. ગમે તેટલા પૈસા હોય સાચા ટાણે તો અંગત લોકો જ ઉભા રહે છે. માણસને આભાસી સન્માન ગમે છે. અને એના માટે એ કશું પણ કરવા તૈયાર થઇ જાય છે. સોસાયટીનો મેનેજર માલિકની ખુરસી પર બેસે ત્યારે એ સાતમાં આસમાનમાં હોય એટલે એને સત્ય ન જ સમજાય. એને સમજાવવા પણ ન જવાય. કોઈ ગમે તેટલું ચડાવે હકીકતોને સમજીને જ જવાબદારી લેવાય. માણસને વસ્તુ સમજવાવાળા લોકો વધી રહ્યા છે. મૃત્યુ સમયે ચાર ખભા પામવા માણસ આખી જિંદગી એવા સંબંધોનો બોજ સહન કરે છે જે એના છે જ નહિ. ચિંતામુક્ત થઇ જાવ.

તમે બુધવારે શિવલિંગ પર દહીંમાં કાળા તલથી અભિષેક કરો. સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચડાવો. પરિસ્થિતિમાં ચોક્કસ ફર્ક પડશે.

સવાલ: તમારા ફિલોસોફીના શો જોયા. તમે આટલા બધા ક્ષેત્રમાં માહેર છો. એનું રહસ્ય પણ સમજાયું. તમે કહ્યું કે તમે ખુબ નસીબદાર છો. તો શું તમારા જીવનમાં કોઈ તકલીફ આવી જ નથી? અને જો આવી છે તો તમે એમાંથી બહાર કેવી રીતે આવ્યા?

જવાબ: સામાન્ય રીતે અંગત સવાલના જવાબ હું નથી આપતો. પણ આનો જવાબ કદાચ અન્ય લોકોને પણ કામ લાગી શકે એ આશયથી હું આનો જવાબ આપું છું.

જેનો જન્મ થયો છે એને કોઈને કોઈ તકલીફ તો પડે જ છે. મને વધારે લોકો મળ્યા છે તો એમાં સારા અને ખરાબ બંને પ્રકારના લોકો મળ્યા જ હોય. વળી આજે ભૌતિકતાના પુજારીઓ વધી રહ્યા છે. ત્યારે છેતરાવાનું પણ બને જ. માણસોના મન આળા થઇ રહ્યા છે એટલે નાનીનાની વાતમાં અલગ અર્થ લેવા વાળા પણ મળે જ. પણ જે થયું એને છોડીને આગળ વધતા રહો. જો કોઈ જગ્યાએ ઉભા રહી ગયા તો નકારાત્મકતા તમારા પર સવાર થઇ જશે. બીજું ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. એ જરૂર મદદ કરશે.

સુચન: ઘર બનાવતી વખતે અને રીનોવેશન કરતી વખતે કોઈનું મન દુભાવવામાં આવે તો ગમે તેટલા સુંદર ઘરમાં પણ સુખની ઓછપ રહે એવું બની શકે.

(આપના સવાલો મોકલી આપો vastunirmaan@gmail.com)

જિયો દ્વારા પ્રથમ સેટેલાઇટ આધારિત ગિગાબાઇટ બ્રોડબેન્ડ લોન્ચ

નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા પ્રાઇવેટ મોબાઇલ ડેટા નેટવર્ક રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે અત્યંત દુર્ગમ ગણાતા ભૌગોલિક વિસ્તારોમાં હાઇસ્પીડ બ્રોડબેન્ડ સર્વિસીઝ પૂરી પાડવા માટે ભારતની પ્રથમ સેટેલાઇટ-આધારિત ગિગા ફાઇબર સર્વિસીઝ સફળતાપૂર્વક લોન્ચ કરી છે. કંપની હવે જમીન, હવા, સમુદ્ર અને અવકાશમાં દરેક જગ્યાએ દરેક વસ્તુને જોડશે. કંપનીએ શુક્રવારે ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં જિયોસ્પેસફાઇબર નામના તેના નવા સેટેલાઇટ બ્રોડબેન્ડની રજૂઆત કરી હતી. આ સેવા દેશમાં અત્યંત પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે.

રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ શુક્રવારે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના જિયો પેવેલિયનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જિયોસ્પેસફાઇબર સહિતની સ્વદેશી ટેકનોલોજી અને ઉત્પાદનો વિશેની માહિતી આપી હતી.

કંપની 450 મિલિયનથી વધુ ભારતીય ગ્રાહકોને હાઇસ્પીડ બ્રોડબેન્ડ ફિક્સ્ડ લાઇન અને વાયરલેસ સેવાઓ પૂરી પાડી રહી છે. કંપનીને લીધે ગ્રાહકો અને વ્યવસાયોને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના વિશ્વસનીય, ઓછી વિલંબિતતા સાથેની અને હાઇસ્પીડ ઇન્ટરનેટ તથા મનોરંજન સેવાઓની અભૂતપૂર્વ સગવડ મળી છે. હવે સેટેલાઇટ નેટવર્ક મોબાઇલ બેકહોલ માટે વધારાની ક્ષમતાને પણ સંચાલિત કરશે અને તે દેશના અંતરિયાળ વિસ્તારોમાં જિયો ટ્રુફાઇવGની ઉપલબ્ધતા અને ક્ષમતાને વધુ વિસ્તારશે.

કંપની વિશ્વની અદ્યતન મિડિયમ અર્થ ઓર્બિટ (MEO) સેટેલાઇટ ટેક્નોલોજીનો લાભ લેવા માટે SES સાથે ભાગીદારી કરી રહી છે, જે એકમાત્ર MEO કોન્સ્ટેલેશન છે, જે અવકાશમાંથી ખરેખર યુનિક ગિગાબાઇટ, ફાઇબર જેવી સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ છે. કંપની પાસે SESના ઓ3બી અને નવા ઓ3બી એમપાવર ઉપગ્રહોના સંયોજનની એક્સેસ છે તે સાથે તે એકમાત્ર એવી કંપની છે, જે ગેમ-ચેન્જિંગ ટેક્નોલોજી આપે છે.

જિયોએ ભારતમાં લાખો ઘરો અને વ્યવસાયોને પ્રથમ વખત બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો અનુભવ કરવા માટે સક્ષમ બનાવ્યા છે. જિયોસ્પેસફાઇબર સાથે અમે હજી સુધી નહીં જોડાયેલા લાખો લોકોને આવરી લેવા માટે અમારી પહોંચને વિસ્તારીએ છીએ, એમ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું.

“જિયો સાથે મળીને અમે એક યુનિક સોલ્યૂશન સાથે ભારત સરકારની ડિજિટલ ઈન્ડિયા પહેલને સમર્થન આપવા બદલ ખુશ છીએ, આ ટેક્નોલોજીનો ઉદ્દેશ ભારતમાં કોઈ પણ સ્થાને મલ્ટિપલ ગિગાબાઇટ્સ પર સેકન્ડ ઓફ થ્રૂપૂટ પહોંચાડવાનો છે, એમ SESના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર જ્હોન-પોલ હેમિંગ્વેએ જણાવ્યું હતું.

 

 

 

 

 

કરવા ચોથે બની રહ્યો છે શુભ મહાસંયોગ

નવી દિલ્હીઃ  હિન્દુ ધર્મમાં કરવા ચોથનું વિશેષ મહત્વ છે. કરવા ચોથ એ પરિણીત મહિલાઓ માટે ખાસ તહેવાર છે.  દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચોથની તિથિએ કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. કરવા ચોથે ભગવાન શિવ, માતા પાર્વતી, ગણેશ અને કાર્તિકેયજી સિવાય કરવા માતાની પૂજાનું પણ મહત્ત્વ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કરવા ચોથે વ્રત કરવાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવે છે.

હિન્દુ ધર્મમાં કરવા ચોથે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આ દિવસે ખૂબ જ શુભ સંયોગ રચાઈ રહ્યો છે. આ વર્ષે કરવા ચોથ 1 નવેમ્બર, 2023એ ઊજવવામાં આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે કરવા ચોથ પર એક મહાન સંયોગ બની રહ્યો છે. વાસ્તવમાં આ દિવસે મંગળ અને બુધ અને સૂર્ય તુલા રાશિમાં હોય છે. આ સાથે જ સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે, મંગળ અને સૂર્ય મળીને મંગલ આદિત્ય યોગ બની રહ્યો છે. આ સાથે આ દિવસે શિવ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યો છે.

આ વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 31મી ઓક્ટોબરે રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થશે અને 1લી નવેમ્બરે રાત્રે 9.19 વાગ્યે સમાપ્ત થશે. કરવા ચોથ માટે ઉદયા તિથિ માન્ય છે, તેથી કરવા ચોથ પહેલી નવેમ્બરે બુધવારે ઊજવવામાં આવશે. કરવા ચોથના દિવસે વ્રત રાખતી મહિલાઓ સાંજે ‘કરવા’ માતા અને ભગવાન ગણેશની પૂજા કરે છે અને જ્યારે ચંદ્ર ઊગે છે ત્યારે તેને અર્ઘ્ય આપે છે. 1 નવેમ્બરે કરવા ચોથ વ્રતનો સમય સવારે 6:36 કલાકથી 8:26 કલાકનો છે. કરવા ચોથની પૂજાનો સમય સાંજે 5:44 કલાકથી 7:02 કલાક અને ચંદ્રોદયનો સમય રાત્રે 8:26 કલાકનો છે.

 

 

 

 

કોરાનાના 24 નવા કેસો, એક પણ મોત નહીં        

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 24 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,150 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,293 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,626 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 18 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 257 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 16,094 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,74,574 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 110 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ટીમ મેનેજમેન્ટને હાર્દિક પંડ્યાની બદલીમાં બીજો કોઈ ખેલાડી જોઈતો નથી

બેંગલુરુઃ વર્લ્ડ કપ-2023ની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ અત્રે નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં નીતિન પટેલના નેતૃત્ત્વ હેઠળની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. પંડ્યાને ડાબા પગના ઘૂંટણ અને પગની એડીમાં ઈજા થઈ છે. અગાઉ કરતાં હવે એની ઈજા ગંભીર પ્રકારની જણાય છે. એનો સ્નાયુ (લિગામેન્ટ) ફાટી ગયો છે. ડોક્ટરોએ આને ગ્રેડ-1 ‘લિગામેન્ટ ટોર્ન’ તરીકે ઓળખાવ્યું છે. આ ઈજામાંથી સાજા થતાં પંડ્યાને લગભગ બે અઠવાડિયા લાગશે.

(ફાઈલ તસવીર)

દરમિયાન, ભારતનું ટીમ મેનેજમેન્ટ પંડ્યાની જગ્યાએ બીજા કોઈ ખેલાડીને વર્લ્ડ કપ-2023 ટીમમાં સામેલ કરવા માગતું નથી. તે હાર્દિકના સાજા થવાની રાહ જોવા તૈયાર છે. ગઈ કાલે એવા અહેવાલો હતા કે પંડ્યાની જગ્યાએ ટીમમાં અક્ષર પટેલને સામેલ કરવામાં આવશે, પરંતુ એ સમાચારને સત્તાવાર રીતે કોઈ સમર્થન મળ્યું નથી.

પંડ્યાને આ ઈજા પુણેમાં બાંગ્લાદેશ સામેની મેચ વખતે થઈ હતી. તે બોલિંગમાં હતો અને બેટરે ફટકારેલા બોલને જમણા પગથી અટકાવવા જતાં એ લપસી પડ્યો હતો અને શરીરનો બધો ભાર ડાબા ઘૂંટણ પર આવી ગયો હતો. હાર્દિકે હજી તો બોલિંગની શરૂઆત જ કરી હતી અને ત્રણ જ બોલ ફેંક્યા હતા. ઈજા થતાં એને પેવિલિયનમાં પાછા ફરવું પડ્યું હતું અને તે પછી વર્લ્ડ કપની એકેય મેચમાં રમ્યો નથી.