કાંદાના ભાવ 57% વધી જતાં કેન્દ્ર સરકારે પગલાં લીધા

નવી દિલ્હીઃ દેશભરમાં કાંદાના ભાવમાં 57 ટકાનો વધારો થયો છે. એક કિલો કાંદા 47-48 રૂપિયે વેચાઈ રહ્યા છે. ગ્રાહકોને રાહત પૂરી પાડવાના હેતુથી કેન્દ્ર સરકારે છૂટક બજારોમાં કાંદાના બફર જથ્થાનું 25 રૂપિયે કિલોના પડતર ભાવે કરાતું વેચાણ વધારવાનો નિર્ણય લીધો છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કાંદા 30 રૂપિયે કિલો મળતા હતા. કેન્દ્ર સરકારના ગ્રાહકોની બાબતોના વિભાગના સચિવ રોહિતકુમાર સિંહે કહ્યું કે અમે ગયા ઓગસ્ટ મહિનાથી કાંદાનો બફર સ્ટોક છૂટક બજારોમાં વેચી રહ્યા છીએ અને લોકોને રાહત પૂરી પાડવા આ વેચાણ અમે વધારી રહ્યા છીએ.

રીટેલ બજારોમાં બફર સ્ટોકના કાંદા બે સહકારી સંસ્થા મારફત ઉતારવામાં આવે છે – NCCF (નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યૂમર્સીસ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ) અને NAFED (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ).

હવામાનમાં બગાડો થવાને કારણે ખરીફ કાંદાની વાવણીમાં વિલંબ થયો હતો. એને કારણે ઉત્પાદન ઓછું થયું છે અને બજારોમાં કાંદા મોડા આવ્યા છે. નવા ખરીફ કાંદાનો સ્ટોક બજારોમાં અત્યાર સુધીમાં આવી જવો જોઈતો હતો, પણ હજી આવ્યો નથી.