Home Blog Page 2364

લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ, ભાજપ વચ્ચે સેમી ફાઇનલ

નવી દિલ્હીઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે, પણ એ પહેલાં આ મહિને દેશનાં પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણી સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસના નેતૃત્વ INDIA એલાયન્સની વચ્ચે એક પ્રકારે સેમી ફાઇનલ મેચની જેમ જોવામાં આવી રહી છે.

ત્રણ રાજ્યો- છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બંને પક્ષો વચ્ચે સીધો મુકાબલો છે, જ્યારે તેલંગાણા અને મિઝોરમમાં કોંગ્રેસની સામે સત્તારૂઢ ક્ષેત્રીય પક્ષો છે. જો ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરશે તો એને ભાજપની સામે સારો રાજકીય લાભ મળશે. વડા પ્રધાન મોદી માટે કોંગ્રેસમુક્ત ભારતના પોતાના વચનને પૂરું કરવાની પરીક્ષા છે.

પાંચ વર્ષ પહેલાં પાછલી ચૂંટણીમાં કોંગ્રેસ તેલંગાણા ને મિઝોરમમાં ખરાબ રીતે હારી ગઈ હતી, જ્યારે છત્તીસગઢ, મધ્ય પ્રદેસ ને રાજસ્થાનમાં પાર્ટીને લાભ થયો હતો અને ભાજપને સત્તાથી બેદખલ કર્યો હતો. જોકે ભાજપે એક વર્ષ પછી કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાને પક્ષમાં લઈને મધ્ય પ્રદેશમાં ફરીથી સત્તા પલટી હતી.

રાજસ્થાનમાં કોંગ્રેસના CM અશોક ગહેલોતને સત્તાવિરોધી અને નારાજ પ્રતિદ્વન્દ્વી સચિન પાઇલટની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. બંને પક્ષોમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં આંતરિક કલહ સપાટી પર આવ્યા છે. ત્રણે રાજ્યોમાં ભાજપ ચૂંટણીપ્રચારમાં વડા પ્રધાન મોદીને નામે મત માગી રહ્યો છે, જ્યારે કોંગ્રેસે તેના CM ઉમેદવારો પસંદ કરી લીધા છે.

હવે રસપ્રદ બાબત એ છે કે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે આ સત્તાની  સેમી ફાઇનલમાં કોણ બાજી મારી જાય છે.

 

 

 

દિલ્હીમાં હચમચાવી નાખે તેવો અકસ્માત, વીડિયો આવ્યો સામે

રોહિણીમાં ડીટીસી બસે અનેક વાહનોને ટક્કર મારી. જેના કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બે ઘાયલ હોવાનું કહેવાય છે. એક ડઝનથી વધુ ટુ-વ્હીલર અને કારને નુકસાન થયું હતું. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. માહિતી આપતાં દિલ્હી પોલીસે જણાવ્યું કે બસની ટક્કરથી એક વ્યક્તિનું મોત થયું છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતનો વીડિયો પણ સામે આવ્યો છે.

મુકેશ અંબાણી પાસે ખંડણી માગનાર આરોપીની ધરપકડ

નવી દિલ્હીઃ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા યુવકની ધરપકડ થઈ છે. પોલીસે તેલંગાણાથી એક 19 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. તેણ ત્રણ-ત્રણ વાર અંબાણીને મેઇલ કર્યા હતા. એ મેઇલમાં તેણે ખંડણીની માગી હતી.  

આ આરોપીની ઓળખ ગણેશ રમેશ તરીકે થઈ છે, જેણે ઓળખ બદલીને મુકેશ અંબાણીને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા. તેણે ખુદને શાદાબ ખાન જણાવ્યો હતો. અને તેણે સૌથી પહેલો મેસેજ 27 ઓક્ટોબરે અંબાણીને મોકલ્યો હતો. એ મેસેજમાં તેણે લખ્યું હતું કે જો રૂ. 20 કરોડ નહીં આપવામાં આવે તો તેમને જાનથી મારી નાખવામાં આવશે. તેણે મેઇલમાં લખ્યું હતું કે તેની પાસે સારા શૂટર છે.

ત્યાર બાદ તેણે બીજા મેઇલમાં ઉદ્યોગપતિ પાસે રૂ. 200 કરોડની ખંડણી માગી હતી. એ પછી તેને 30 ઓક્ટોબરે ત્રીજો ધમકીભર્યો મેઇલ મોકલીને રૂ. 400 કરોડની માગ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીની આજે ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને આઠ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એવું લાગે છે કે કેટલાક કિશોરો દ્વારા શરારત કરવામાં આવી છે. હાલમાં અમારી તપાસ ચાલી રહી છે અને અમે મામલાના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીશું. મુકેશ અંબાણીને કુલ ત્રણ ઇમેલ મળ્યા હતા, જેમાં તેમની પાસેથી કુલ રૂ. 400 કરોડની ખંડણીની માગ કરવામાં આવી હતી. પરંતુ આરોપી કંઈ કરે તે પહેલા જ તેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે.

 

 

 

 

 

 

 

ફ્રી રાશન સ્કીમઃ PM મોદીએ 80 કરોડ લોકોને દિવાળીની ભેટ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશના કરોડો ગરીબોને દિવાળીની ભેટ આપી હતી. તેમણે કેન્દ્ર સરકારની મફત રાશન યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને 5 વર્ષ માટે લંબાવવાની જાહેરાત કરી. આ યોજના હેઠળ દેશના કરોડો ગરીબોને સરકાર દ્વારા રાશન આપવામાં આવે છે. આ યોજનાના વિસ્તરણની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે દિવાળીનો તહેવાર એક સપ્તાહ બાદ છે.

 

PMએ છત્તીસગઢમાં જાહેરાત કરી

વડાપ્રધાન છત્તીસગઢના દુર્ગમાં જનસભાને સંબોધી રહ્યા હતા. આ સમય દરમિયાન તેમણે મફત રાશન યોજનાને પાંચ વર્ષ સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. આ મહિને છત્તીસગઢમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. 90 સીટોવાળી છત્તીસગઢ વિધાનસભા માટે 7 નવેમ્બર અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન થવાનું છે. આવી સ્થિતિમાં પીએમ મોદીની જાહેરાતને ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે.

રોગચાળા પછી શરૂ થયું

કેન્દ્ર સરકારે કોરોના મહામારી બાદ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી હતી. કોરોના મહામારી બાદ લોકડાઉન સહિત અનેક કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. જેના કારણે લોકોની રોજીરોટી પર અસર પડી હતી. ખાસ કરીને ગરીબોને ખાવા-પીવાની કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં પીએમ મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે ગરીબ લોકોની મદદ માટે મફત રાશન યોજના શરૂ કરી હતી. કહેવાય છે કે 80 કરોડ દેશવાસીઓ આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

ડિસેમ્બરમાં સમય પૂરો થઈ રહ્યો હતો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભાર્થીઓને પાંચ કિલો ઘઉં અથવા ચોખા મળે છે. લાભાર્થીઓને આ અનાજ મફતમાં મળે છે. કેન્દ્ર સરકારે તેની શરૂઆત 30 જૂન 2020ના રોજ કરી હતી. તે પછી તેને અનેક પ્રસંગોએ લંબાવવામાં આવી છે. હાલમાં આ સ્કીમ ડિસેમ્બર 2023માં એટલે કે આવતા મહિને સમાપ્ત થવા જઈ રહી હતી. હવે 5 વર્ષના વિસ્તરણ પછી, લોકોને ડિસેમ્બર 2028 સુધી આ યોજનાનો લાભ મળતો રહેશે.

વડાપ્રધાને આ વાત કહી

જનસભાને સંબોધતા પીએમ મોદીએ પીએમ ગરીબ કલ્યાણ યોજના વિશે કહ્યું કે, મેં નક્કી કર્યું છે કે ભાજપ સરકાર હવે દેશના 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપવાની યોજનાને વધુ 5 વર્ષ સુધી લંબાવશે. તમારો પ્રેમ અને આશીર્વાદ મને હંમેશા પવિત્ર નિર્ણયો લેવાની શક્તિ આપે છે.

ગુજરાત સાયન્સ સિટીમાં વેલનેસ ગાર્ડન પર વર્કશોપ યોજાયો

અમદાવાદઃ ગુજરાત સાયન્સ સિટીમાં ચોથી નવેમ્બરે વેલનેસ ગાર્ડન પર ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈકો લાઈફ નેચર ક્લબ ઓફ સાયન્સ સિટી તથા ‘ટ્રી વોક’ સંસ્થાના સહયોગથી આયોજિત આ વર્કશોપમાં આશરે 100 જેટલા વિદ્યાર્થીઓ અને પર્યાવરણપ્રેમીઓ જોડાયા હતા.

ટ્રી વોકના ફાઉન્ડર લોકેન્દ્ર બાલાસરિયાએ વિદ્યાર્થીઓને સરગવો, પોઈ, નગોડ, મીઠો લીમડો, તુલસી, ફુદીનો, લાલ જાસૂદ અને પત્થરચટ્ટોવ વગેરે જેવી વિવિધ વનસ્પતિઓના ઔષધીય ગુણો વિશે વિસ્તારથી માહિતી આપી હતી. વધુમાં તેમણે પ્રાકૃતિક આરોગ્યમાં ઝાડ-પાનના મહત્વ વિશે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું. 

આ વર્કશોપ અંતર્ગત તમામ સહભાગીઓ અને સાયન્સ સિટીના સ્ટાફ મિત્રોએ સાયન્સ સિટીના લાઈફ સાયન્સ પાર્કમાં વેલનેસ પ્લાન્ટ્સનુ વાવેતર કર્યું હતું. ગુજરાત સાયન્સ સિટી અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે.

 

 

 

 

 

 

નિફ્ટ, દ્વારા કારીગરો માટે ત્રિદિવસીય જાગરુકતા વર્કશોપનું આયોજન

ગાંધીનગરઃ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી-ગાંધીનગરના ફેશન મેનેજમેન્ટ વિભાગે પહેલીથી ત્રીજી નવેમ્બર દરમ્યાન કારીગરો માટે જાગરુકતા વર્કશોપનું આયોજન કર્યું હતું. સંસ્થાના ડિરેક્ટર પ્રોફેસર સમીર સુદે અને ગાંધીનગરના સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસે સંયુક્ત રીતે આ વર્કશોપનું ઉદઘાટન કર્યું હતું.

સંસ્થાના ડિરેક્ટર સુદે જણાવ્યું હતું કે વિવિધ ક્રાફ્ટ ક્લસ્ટર્સમાંથી આ વર્કશોપમાં ભાગ લેવા કારીગરો આવ્યા હતા, એ બધા કારીગરોને વર્કશોપમાં શીખવાની પ્રક્રિયા માટે આ વર્કશોપ માટે આવકાર્યા હતા. આ વર્કશોપમાં માતાની પછેડી, કચ્છ જેવી એમ્બ્રોઇડરી, રત્ન જડતર, ઢાબળા, ધુરી અને કાળા કોટન જેવી કારીગરી કારીગરોને બતાવવામાં આવી હતી.

સંસ્થાએ કારીગરો માટે ‘ક્રાફ્ટ કોમર્સ કોન્ફ્લુઅન્સઃ બિઝનેસ એક્સપાન્શન ઇન ક્રાફ્ટ સેક્ટર’ પર એક સેમિનારનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે નીતેશ ભાર્ગવ, નીલેશ પ્રિયદર્શી, જય કાકાણી અને ચંદ્રમૌલી પાઠક હાજર રહ્યા હતા.

આ સેમિનારમાં લાંબા વિચારવિમર્શ બાદ પરંપરાગત ભારતીય ક્રાફ્ટના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા સાથે કારીગરો સાથે મુલાકાત યોજવામાં આવી હતી.

આ વર્કશોપમાં આવેલાં કચ્છી એમ્બ્રોઇડરીનાં કલાકાર શીલાબહેનને માર્કેટિંગના પડકારોનો સામનો કરતા હતા, જ્યારે કારીગર અજીભાઈ ભાટી કચ્છના નરમ ચામડા કામના પ્રવીણ હતા, જ્યારે વણકર પરવેઝ અને તેમનો પરિવાર પરંપરાગત ઢાબળા વિવિંગમાં નિપુણ હતા. આ વર્કશોપમાં કારીગરોએ તેમનું કૌશલ બતાવ્યું હતું.

 

 

 

 

 

 

…અને અંતમાં fade થવાનું: અમેરિકાસ્થિત કવિ ચંદ્રકાંત શાહનું નિધન

શનિવારની મધરાતે (4 નવેમ્બરે) જેમનું 67 વર્ષની વયે અમદાવાદમાં અકાળ અવસાન થયું એ ચંદ્રકાંત હંસરાજ શાહ યારોના યાર, દિલદાર હતા. સુપ્રસિદ્ધ હાસ્યકાર તારક મહેતાના જમાઈ અને મિત્રો માટે ચંદુભાઈ બોસ્ટનવાલે છેલ્લા પખવાડિયાથી અમદાવાદની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આવતી કાલે (રવિવાર, પાંચ નવેમ્બરે) અમદાવાદમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પત્ની ઈશાની તથા પુત્રી શૈલી હાલ અમદાવાદમાં છે, જ્યારે પુત્ર કુશાન સૅન ફ્રાન્સિસ્કોથી અમદાવાદ આવવા રવાના થઈ ગયા છે.

આપણો બહુરૂપી શબ્દ એકદમ ફિટ થાય. 1984માં મુંબઈથી અમેરિકા પ્રસ્થાન કરી ગયેલા અને બોસ્ટન શહેરમાં વસતા ચંદુ શાહ મૂળ કવિજીવ, પણ એ અચાનક રૂપ બદલીને નાટ્યકાર બની જાય તો ક્યારેક અભિનેતા… યાદ કરો, ‘નર્મદ.’ અને મૂડ બની જાય તો ગોલ્ફ રમવા પહોંચી જાય, ને પ્રોડ્યુસર પણ બની જાય અને ડિરેક્ટર પણ. એ ‘અક્ષય પાત્ર ફાઉન્ડેશન’ સાથે સંકળાયેલા હતા. ‘અક્ષય પાત્ર’ ભારતની સાડાછ હજારથી વધુ સ્કૂલોના ૧૩ લાખ છાત્રોને નિ:શુલ્ક મધ્યાહન ભોજન ઉપ્લબ્ધ કરે છે.

થોડા જ સમય પહેલાં ચંદુભાઈએ પોતાની મિડિયા કંપની ‘ડિપિક્શન મિડિયા’ના નેજા હેઠળ હોલિવૂડમાં આધુનિક ચિત્રકાર સાલ્વાદોર દાલીના જીવન પર આધારિત ફિલ્મનું નિર્માણ કર્યું- ‘દાલિલેન્ડ,’ જેમાં સાલ્વાદોર દાલીની ભૂમિકા ભજવી છે બેન કિંગ્સલેએ.

ચંદુભાઈનો ગુજરાતી રંગભૂમિ પર પ્રવેશ થયો ૧૯૮૦માં પીટર શેફરના ‘ઈક્વસ’ પર આધારિત કાબરો નાટક સાથે. ‘કાબરો’ના દિગ્દર્શક હતા સ્વર્ગસ્થ મહેન્દ્ર જોશી. નાટ્યલેખક અને નાટ્યગીતકાર તરીકે એ પછી એમણે ‘ખેલૈયા,’ ‘એક હતી રૂપલી,’ ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ તથા ‘માસ્ટર ફૂલમણિ’ જેવાં નાટક આપ્યાં. ઉલ્લેખનીય છે કે ‘ચિત્રલેખા’ના ૨૦૦૮ના દિવાળી અંકમાં એમણે ‘સદગતિ’ શીર્ષક હેઠળ સરસ મજાનું નાટક લખેલું. એમના બે કાવ્યસંગ્રહ – ‘અને થોડાં સપનાં’ તથા ‘બ્લુ જીન્સ’ પ્રકાશિત થયા છે.

અંતે, ચંદુભાઈના અતિપ્રસિદ્ધ કાવ્યસંગ્રહ બ્લુ જીન્સની વાત. કટાવ માત્રામેળ છંદના આવર્તનમાં લખાયેલાં આ સંગ્રહનાં મોટા ભાગનાં ગીતમાં અમેરિકામાં જિવાતા જીવનની વાતો છે. માદરે વતનથી હજારો માઇલ દૂર જઈ વસેલા ગુજરાતીઓની રૂટ્સની ખોજ, એકલતા, કરુણતા… આપણે રોજબરોજના જીવનમાં જે જીન્સ પહેરીએ છીએ અને આપણું જિવાતું જીવન- આ બેની સરખામણી કરતી આ અદભુત રચનાઓમાંની એક એટલે: પ્રસ્તાવના એ કે જન્મ્યા એટલે shrink થવાના wrinkle ઢગલાબંધ પડવાની અને અંતમાં fade થવાનું…

 (કેતન મિસ્ત્રી, મુંબઈ) 

કોકિલાબહેન અંબાણી હોસ્પિટલ દ્વારા ‘થેલેસેમિયા’ના વિશેષ સત્રનું આયોજન

મુંબઈઃ કોકિલાબહેનન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલે આજે ‘થેલેસેમિયા, વે ફોર્વર્ડ’ પર એક વિશેષ સત્રનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટનો ઉદ્દેશ આનુવંશિક રક્ત વિકાર થેલેસેમિયાની સારવારમાં લેવામાં આવેલા પગલાં પર પ્રકાશ પાડવાનો હતો. આ સ્થિતિ સામે ઝઝૂમી રહેલા દર્દીઓને મદદ કરવા માટેની સરકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવાનો હતો. આ અવસરે ભારતના માર્ગ પરિવહન અને હાઈ-વે મંત્રી નીતિન ગડકરી હતા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. એમણે હેલ્થકેરને આગળ વધારવામાં જાહેર અને ખાનગી ક્ષેત્રો વચ્ચેના સહયોગ પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે કોકિલાબહેન ધીરુબાઈ અંબાણી હોસ્પિટલનાં ચેરપર્સન ટીના અંબાણીએ થેલેસેમિયા પ્રોજેક્ટ હેઠળ લેવામાં આવનારાં પગલાંની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે અમારું ધ્યાન માત્ર ઉચ્ચ સ્તરની તબીબી સંભાળ પૂરી પાડવા તરફ જ નથી, પરંતુ બીમારીથી બચવા માટે યોગ્ય પગલાં અને વિશાળ સમુદાય સુધી પહોંચવાના કાર્યક્રમો પર પણ કેન્દ્રિત છે. અમે દરેક બાળકને શ્રેષ્ઠ સારવાર મળી રહે એ માટે અમારાથી બનતા તમામ પ્રયાસ કરવાની ખાતરી આપીએ છીએ.
થેલેસેમિયાને કારણે ગંભીર એનિમિયા, થાક અને વિવિધ પડકારોનો સામનો કરવો પડે છે, જેના દર્દીઓને આજીવન લોહી ચડાવવું પડે છે તથા વ્યાપક તબીબી ઉપચારની જરૂર પડે છે. ભારતમાં દર વર્ષે 10,000થી વધુ બાળકો આ સ્થિતિ સાથે જન્મે છે. થેલેસેમિયાને હંમેશ માટે મટાડતી એકમાત્ર સારવાર સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન છે, જેને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન (BMT) તરીકે પણ ઓળખવામાં આવે છે.

કોકિલાબહેન હોસ્પિટલને જાહેર ક્ષેત્રની કંપની કોલ ઇન્ડિયાના CSR ફંડનો ટેકો છે. આથી હોસ્પિટલના હેમેટોપોએટિક સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને ટેકો આપવા અને એના ખર્ચને આવરી લેવા તથા આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા થેલેસેમિયા દર્દીઓને મદદ કરવાનો વિશેષાધિકાર ધરાવે છે.

 

 

 

 

 

 

નેપાળમાં 154નાં મોતઃ હજી મોટા ભૂકંપની આશંકા

કાઠમંડુઃ નેપાળમાં શુક્રવારે મધ્યરાત્રિએ શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ 6.4ની તીવ્રતાનો હતો. આ ભૂકંપના આંચકા દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક ભાગોમાં અનુભવાયા હતા. ઉત્તર-પશ્ચિમી નેપાળના જિલ્લાઓમાં આ ભૂકંપને લીધે મૃતકોની સંખ્યા સતત વધતી જાય છે. અત્યાર સુધી આ ભૂકંપને લીધે 154 લોકોનાં મોત થયાં છે અને 140થી વધુ ઘાયલ થયા છે.  

આ ભૂકંપને કારણે નેપાળમાં જાનમાલનું ભારે નુકસાન થયું હતું. અનેક ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. પહાડી ગામોમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ દુર્ઘટનામાં દેશના ઉત્તર-પશ્ચિમ જિલ્લાઓમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયાં હતાં. મૃત્યુઆંક વધવાની આશંકા છે.રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળના અયોધ્યાથી લગભગ 227 કિલોમીટર ઉત્તર અને કાઠમાંડુથી 331 કિલોમીટર પશ્વિમ ઉત્તર-પશ્વિમમાં જાજરકોટમાં 10 કિલોમીટરની ઊંડે હતું. નેપાળમાં એક મહિનામાં આ ત્રીજી વખત ભૂકંપ આવ્યો છે.

નેપાળમાં આવેલા ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર સહિત આખા ઉત્તર ભારતમાં જોવા મળી છે. બિહારના પટણા અને મધ્ય પ્રદેશના ભોપાલ સુધી ભૂકંપના સામાન્ય ઝટકા અનુભવાયા હતા. આ ભૂકપની અસર ભારત અને ચીનમાં પણ અનુભવાઇ હતી. ભારતમાં પણ 40 સેકન્ડ સુધી ઝટકા અનુભવાયા હતા.

વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર આપણે મોટા ભૂકંપ માટે તૈયાર રહેવું જોઈએ. હિમાલયના ક્ષેત્રમાં ઇન્ડિયન ટેક્ટોનિક અને યુરેશિયન પ્લેટની વચ્ચે ટક્કરને કારણે ક્યારેય પણ મોટો ભૂકંપ આવી શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે ઇન્ડિયન પ્લેટ હવે ઉત્તર તરફ સરકી રહી છે. આવામાં હિમાલયની નીચે ઉપરની તરફ દબાણ બની રહ્યું છે.આ દબાણ કોઈ પણ સમયે મોટો ભૂકંપ લાવી શકે છે.

 

 

 

 

 

 

જુબિન નૌટિયાલ ‘લાઇવ ઇન કોન્સર્ટ’ નવ ડિસેમ્બરે યોજાશે

અમદાવાદઃ દહેરાદૂનના એક નાના શહેરનો રહેવાસી જુબિન એવા કલાકારોમાંનો એક છે જેણે પોતાના મંત્રમુગ્ધ અવાજ અને ભાવપૂર્ણ સંગીતથી લોકોનાં દિલ જીત્યા છે. દહેરાદૂનના ગાયક અને ગીતકાર, જુબિન નૌટિયાલનો સંગીત પ્રત્યેનો પ્રેમ ચાર વર્ષની ઉંમરે શરૂ થયો હતો અને તેણે ગાયક બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું હતું.

પ્રસિદ્ધ ગાયક જુબીન નૌટિયાલ સંખ્યાબંધ સફળ ગીતો સાથે એક અનુભવી કલાકાર છે. ફોર્બ્સની 30 અંડર 30ની યાદીમાં સામેલ થયેલા જુબિન નૌટિયાલે તેની એક દાયકાની સંગીત સફર દ્વારા પોતાનું એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. તેણે ‘રાતા લંબિયાં’, ‘લૂંટ ગયે’, ‘મેરી આશિકી’, ‘તુઝે કિતને ચાહને લગે હમ’, ‘તુમ હી આના’, ‘બેવફા તેરા મસૂન ચેહરા’, ‘કુછ તો બાતા’ (બજરંગી ભાઇજાન), ‘ઈક વારી આ’ (રાબતા) અને ‘કાબિલ હું’ (કાબિલ), અખ લડ જાવે (લવયાત્રી), હમનવા મેરે (સિંગલ), વગેરે જેવાં હિટ ગીતો સાથે ભારતીય મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર પોતાને નિશ્ચિતપણે સ્થાપિત કરી છે.

તેમણે તેમના કોલેજના દિવસોથી જ શાસ્ત્રીય સંગીતમાં પોતાનો એક આધાર બનાવ્યો એટલું જ નહીં, પરંતુ ગિટાર, પિયાનો, હાર્મોનિયમ અને ડ્રમ જેવા વાદ્યો વગાડવાનું પણ શીખ્યા. ભારતીય સંગીત ઇન્ડસ્ટ્રીમાં તેમની સફર શરૂ કરતાં પહેલા, 32 વર્ષીય ગાયકે ચાર વર્ષ સંગીતમાં તેમની કુશળતાને નિખારવા અને દેશભરના વિવિધ સંગીતકારો સાથે યાત્રા કરવામાં ગાળ્યા હતા.

જુબિને એ.આર. રહેમાન, પ્રીતમ, મિથુન, તનિષ્ક બાગચી, રોચક કોહલી જેવા ભારતના સૌથી પ્રખ્યાત સંગીત દિગ્દર્શકો માટે ગાયું છે અને મેગા ચાર્ટબસ્ટર આપ્યા છે. લાઇવ પર્ફોર્મન્સમાં ગાયક જુબિન નૌટિયાલ સૌથી મોટા કલાકારોમાંનો એક છે.

તેમનું “લૂંટ ગયે” ગ્લોબલ યુટ્યુબ સોંગ્સ ચાર્ટમાં નંબર 1 પર છે, 2022માં ‘શેરશાહ’ ફિલ્મનું તેમનું ગીત ‘રાતા લંબિયા’ ઇન્ટરનેટ પર એટલું હિટ હતું કે તે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અન્ય ભાગોમાં પણ લોકપ્રિય રીલ ઓડિયો બની ગયું હતું. ‘હમનવા મેરે, દિલ ગલતી કર બેઠા હૈ, ઓ આસમાન વાલે’, ‘કુછ બાતેં, બેવફા તેરા મુસ્કુરાના, વફા ના રહા, મૈં જિસ દિન ભૂલા દું’ અને ‘દિલ પે ઝકમ’ જેવાં તેમનાં ઇન્ડિપેન્ડેન્ટ ગીતો તેમના હૃદયસ્પર્શી અવાજથી દેશભરના દિલો પર રાજ કરી રહ્યા છે.