નવી મુંબઈઃ મુંબઈની પડોશના નવી મુંબઈ શહેરમાં પોલીસે ચાર જણની ધરપકડ કરી છે. તેઓ મોબાઈલ ફોન ચોરનારાઓ છે. એમની પાસેથી 29 હેન્ડસેટ્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ ચાર જણની ધરપકડ સાથે મોબાઈલ ફોનની ચોરી વિશે પનવેલ તાલુકા, કામોઠે, તળોજા, પનવેલ શહેર, ખાંદેશ્વર, કલંબોલી, ખારઘર અને સીબીડી બેલાપુર વિસ્તારોમાં નોંધાયેલી અનેક ફરિયાદોનો ઉકેલ આવી ગયો છે.
ચારેય ચોર 19-24 વર્ષની વય જૂથના છે. તેઓ મહારાષ્ટ્રના જાલના, હિંગોળી, યવતમાળ, સતારાના રહેવાસીઓ છે. તેઓ નવી મુંબઈમાં કડિયાનું કામ કરે છે. ગુપ્તચર વિભાગ અને ટેક્નિકલ માહિતીના આધારે તેમજ સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને પોલીસે આ ચાર ચોરની ધરપકડ કરી છે.
અમદાવાદઃ રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત્ છે. રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ ચારનું મોત થયું છે. વેસુ અને ડિંડોલીમાં સિક્યોરિટી ગાર્ડ અને પાંડેસરામાં 45 વર્ષીય યુવકનું હાર્ટ-એટેકથી મોત થયું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોરબીના નાની વાવડી ગામે શિક્ષકને હાર્ટ એટેક આવતા મોત થયું છે. દીપકભાઈ મોરબીના નાની વાવડી ગામે ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં. તેમના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છે.
સુરતમાં ચાની દુકાન સામે જ સિક્યોરિટી ગાર્ડને હાર્ટ એટેક આવતાં મોત થયું છે. સુરતના વેસુ વિસ્તારમાં આ ઘટના બની છે. ચા પીતાં-પીતાં તબીયત બગડી હતી. ત્યાર બાદ સિક્યોરિટી ગાર્ડ બેભાન થઈ ગયો હતો. જે પછી હોસ્પિટલ લઈ જવામાં આવતાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયાનો અંદાજ છે.
રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ-એટેકના બનાવો સામાન્ય લોકોથી લઈને સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં હાર્ટ-એટેકથી નાની ઉંમરે યુવકો અને બાળકો પણ મોતને ભેટી રહ્યાં છે. કોઈ પણ પ્રકારની બીમારી ન હોય એમ છતાં અનેક લોકો હાર્ટ-એટેકનો શિકાર બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ ચારનાં શંકાસ્પદ હાર્ટ-એટેકથી મોત થયાં છે.
હાર્ટ એટેકના કેસને લઇને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર અભિષેક ત્રિપાઠીએ કહ્યું કે હાર્ટ એટેક આવવાનું એક કારણ અપૂરતી ઊંઘ છે. જો વ્યક્તિ પૂરતી ઊંઘ ન લે તો હાર્ટ એટેકનો શિકાર બની શકે છે. અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીના જનરલના પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ છ કલાકથી ઓછી ઊંઘ લેનારા લોકોને હાર્ટ એટેક આવવાનું જોખમ 32 ટકા વધારે હતું.
કોપનહેગનઃ 2030ની સાલ સુધીમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ વાયુનો ફેલાવો ઓછો કરે એવા સંપૂર્ણપણે સુરક્ષિત અને ટકાઉ ઈંધણના ઉપયોગ વડે તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન કરી શકાય એ માટે ડેન્માર્કમાં સરકાર એરલાઈન ઉદ્યોગને આર્થિક રીતે મદદરૂપ થવા માગે છે. એ માટે તેણે વિમાન પ્રવાસ ઉપર 100 ડેનિશ ક્રાઉન (14.35 યૂએસ ડોલર)ની રકમનો સરેરાશ ટેક્સ લાદવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
આ ટેક્સને લીધે વર્ષેદહાડે જે આવક થશે તેના અડધા ભાગની રકમનો ઉપયોગ આ દાયકાના અંત સુધીમાં તમામ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે માત્ર પર્યાવરણ અનુકૂળ ઈંઘણનો જ ઉપયોગ કરવાની મહત્ત્વાકાંક્ષી યોજના માટે કરવામાં આવશે. ગ્રીન ટેક્નોલોજીઝ એટલે હાઈડ્રોજન અને બાયો ફ્યૂઅલ વગેરે. આવકના બીજા અડધા ભાગનો ઉપયોગ દેશમાં વસતા વૃદ્ધ નાગરિકોને રોકડ રકમની સહાયતા માટે કરવામાં આવશે. ગ્રીન પેસેન્જર ટેક્સ 2025ની સાલથી તબક્કાવાર લાદવામાં આવશે. 2030ની સાલ સુધીમાં યૂરોપ ખંડની અંદર વિમાન પ્રવાસ માટે 9 ડોલર, મધ્યમ-અંતરની ફ્લાઈટ્સ માટે 34 ડોલર અને લાંબા અંતરની ફ્લાઈટ્સ માટે 56 ડોલર લાગુ કરાશે. (1 યૂએસ ડોલર સામે ડેનિશ ક્રાઉનની કિંમત 6.9706 થાય છે)
ડેન્માર્કના ક્લાઈમેટ, એનર્જી ખાતાના પ્રધાન લાર્સ આગાર્ડે કહ્યું છે કે દેશમાં અન્ય તમામ ઉદ્યોગક્ષેત્રોની જેમ એવિએશન ઉદ્યોગે પણ હરિત ભવિષ્ય (પર્યાવરણ માટે સુરક્ષિત હોય એવા ભવિષ્ય) તરફ આગળ વધવું જ પડશે.
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભામાં 75 ટકા અનામત સંશોધન બિલ કાર્યવાહી શરૂ પાસ કરી દેવામાં આવ્યું હતું જે પછી જાતિગત ક્વોટા સુપ્રીમ કોર્ટની નક્કી કરેલી મર્યાદાથી આગળ વધી ગયું છે. આ સંશોધન રાજ્ય સરકારની નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત માટેની નવી જોગવાઈ છે.
આ બિલ મુજબ બિહારમાં અત્યાર સુધી પછાત વર્ગ, અત્યંત પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિને 65 ટકા અનામત મળવાની જોગવાઈ છે, જે પછી અનામત વધારીને 75 ટકા લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં બિહારમાં આરક્ષણ મર્યાદા 50 ટકા છે. EWSને આનાથી અલગથી 10 ટકા અનામત મળતી હતી. હવે આ બિલ પસાર થવાથી 50 ટકાની અનામતની મર્યાદા તૂટી ગઈ છે. હવે બિહારમાં કુલ 65 ટકા અનામત મળશે. આ સિવાય EWS માટે 10 ટકા અનામત અલગ રહેશે. એટલે કે હવે અનામતનો વ્યાપ 60 ટકાથી વધીને 75 ટકા થયો છે. આ પહેલાં બિહારમાં નીતીશકુમારની કેબિનેટે અનામતનો વિસ્તાર વધારવાની મંજૂરી આપી હતી.
બિહાર વિધાનસભામાંથી અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના પ્રસ્તાવને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અત્યંત પછાત અને પછાત વર્ગને 30 ટકા અનામત મળતી હતી, પરંતુ નવી મંજૂરી મળ્યા બાદ તેમને 43 ટકા અનામતનો લાભ મળશે. એ જ રીતે અગાઉ અનુસૂચિત જાતિ વર્ગને 16 ટકા અનામત હતી, જે હવે તેમને 20 ટકા મળશે. અનુસૂચિત જનજાતિ વર્ગને એક ટકા અનામત હતી, જે હવે તેમને બે ટકા અનામતનો લાભ મળશે. આ સિવાય કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી આર્થિક રીતે પછાત જનરલ કેટેગરી (EWS) માટે 10 ટકા અનામત ઉમેરીને કુલ 75 ટકા કરવામાં આવી છે.
લક્ઝરી લાઈફસ્ટાઈલનું આયોજન કરતી લાઈફસ્ટાઈલ એશિયા કંપની દ્વારા 8 નવેમ્બર, બુધવારે દિવાળી તહેવાર નિમિત્તે મુંબઈમાં ફિલ્મ અભિનેત્રીઓ માટે રેડ કાર્પેટ સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે અભિનેત્રીઓ સુંદર રીતે સજીધજીને આ પાર્ટીમાં આવી હતી અને ખૂબ સ્ટાઈલિશ લાગતી હતી. ઉપરની તસવીરમાં માનુષી છિલ્લર છે – ક્લાસી એલિગન્ટ લુક. (તસવીર, વીડિયોઃ માનસ સોમપુરા)
આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર દિવાળી ઉત્સવ નિમિત્તે ૧૦ નવેમ્બર- ૧૪ નવેમ્બર દરમ્યાન ગુજરાત આવી રહ્યાં છે.
શ્રી શ્રી રવિશંકર સમગ્ર વિશ્વમાં શાંતિ, ઐક્ય તથા વિવિધ માનવીય મૂલ્યો નાં પુનરુત્થાન માટે અવિરત પ્રયાસ કરી રહ્યા છે, તેમના વસુધૈવ કુટુમ્બકમ ના અભિગમ ને અનુલક્ષીને, સમાજ ના વિવિધ વર્ગો સાથે પરિષદ અને સંવાદ, તથા વિવિધ વૈદિક પૂજા, યજ્ઞ અને સત્સંગ નું શ્રી શ્રી ગુજરાત આશ્રમ -વાસદ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
ગુરુકુળ-ઉદ્ઘાટનઃ ગુજરાત આશ્રમ-વાસદ ખાતે પણ ગુરુકુળનું સંચાલન થઈ રહ્યું છે, તેનું વિધિવત ઉદ્ઘાટન ૪:૩૦ સાંજે થશે.
ડીગ્નીટરી મીટઃ સમાજનાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ( દક્ષિણ ગુજરાત) સાથે શ્રી શ્રી રવિશંકર વાર્તાલાપ કરશે.
ધન્વંતરિ હોમ અને સત્સંગઃ ધનતેરસ ના શુભ દિવસે શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા વિધિપૂર્વક ધન્વંતરિ હોમ કરવામાં આવશે.
ફાર્મર્સ મીટ(૧૧/૧૧/૨૦૨૩) : ગુજરાત રાજ્યના ખેડૂતો સાથે, સવારે ૧૦ વાગે. યોજાનાર પરિષદમાં શ્રી શ્રી રવિશંકર સંવાદ કરશે. અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લેશે.
જ્ઞાન-ગંગાઃ આ કાર્યક્રમમાં સાંજે ૩:૩૦ કલાકે શ્રી શ્રી રવિશંકર સાધકોના જીવન અને અધ્યાત્મ સંબંધિત વિવિધ પ્રશ્નોના ઉત્તર આપશે.
ગુજરાત ક્રિએટર્સ મીટઃશ્રી શ્રી રવિશંકર ગુજરાત યાત્રા દરમિયાન રાજ્યના કલાકારો અને સર્જકો સાથે, સાંજે ૫:૦૦ વાગ્યે સંવાદ કરશે અને આશીર્વચન કહેશે.
સત્સંગ: ચતુર્દશીની સંધ્યાએ ભજન-કીર્તન-ધ્યાન-જ્ઞાન સાથે, શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.
સંત-પરિષદ(૧૨/૧૧/૨૦૨૩) :દિપાવલીનાં શુભ દિવસે સવારે ૧૦:૦૦ કલાકે શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં ગુજરાતના આદરણીય સંતો સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતના અગ્રણીઓ સાથે બેઠક નું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી મહાલક્ષ્મી હોમ અને સત્સંગઃ દિપાવલીની પાવન સંધ્યાએ શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં વિધિપૂર્વક શ્રી મહાલક્ષ્મી હોમ કરવામાં આવશે.
૧૩/૧૧/૨૦૨૩ : શ્રી શ્રી રવિશંકર સૌરાષ્ટ્ર-કચ્છ ના અગ્રણીઓ સાથે સંવાદ કરશે, તથા આર્ટ ઓફ લિવિંગ-ગુજરાત ના પ્રશિક્ષકોને મળશે.
શ્રી મહા ગણપતિ હોમ (૧૪/૧૧/૨૦૨૩): નૂતન વર્ષનો શુભારંભ શ્રી શ્રી રવિશંકરની ઉપસ્થિતિમાં શ્રી મહા ગણપતિ હોમ દ્વારા થશે. ત્યાર પછી મધ્ય ગુજરાતના અગ્રણીઓ સાથે વિચાર-વિમર્શનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની સાથે શ્રી શ્રી રવિશંકરની ગુજરાત યાત્રા સંપન્ન થશે.
નવી દિલ્હીઃ ‘સતર્કતા જાગરુકતા સપ્તાહ’ હેઠળ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ કાર્યક્રમો જેવા કે સ્વચ્છતા અભિયાન, સ્વસ્થ સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં બેન્ક દ્વારા સ્વસ્થ સંમેલનમાં વેબિનાર અને વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બેન્કે આ નિમિત્તે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં પાંચ નવેમ્બરે મિની મેરેથોન-વિજિથોનનું પણ આયોજન કર્યું હતું.
બેન્ક દ્વારા આયોજિત વિજિથોન દરમ્યાન બેન્કની દિલ્હીની ઝોનલની બધી શાખાઓના કર્મચારીઓ, ગ્રાહકો અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે બેન્કના ચીફ જનરલ મેનેજર કબીર ભટ્ટાચાર્ય દ્વારા સતર્કતા જાગરુકતા અને કાર્યો વિશે ભાગ લેનારાઓને વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે કે. એમ. રેડ્ડી, વિકાસ વિનીત અને પ્રભાસ શંકર ડેપ્યુટી જનરલ મેનેજર્સ, ગણેશ પ્રસાદ- નવી દિલ્હી-સાઉથ રિજિયોનલ હેડ, ગોવિંદ મિશ્રા, રિજિયોનલ હેડ ન્યુ દિલ્હી, પી રામનાથ દીવાકર, રિજિયોનલ હેડ નવી દિલ્હી નોર્થ, ગુરુગ્રામ, પી. કે. અવસ્થી રિજિયોનલ હેડ ગુરુગ્રામ, રાજેશકુમાર સિંહ, ગાઝિયાબાદના રિજિયોનલ હેડે પણ આ વિજિથોનમાં ભાગ લીધો હતો.
આ વિજિથોનમાં વિજેતાઓમાં કામતા પહેલા ક્રમાંકે, ગોપાલને બીજા ક્રમાંકે અને માસુમરજા ત્રીજા ક્રમાંકે આવ્યા હતા. આ વિજિથોનમાં મહિલાઓની કેટેગરીમાં શ્રદ્ધા પહેલા, પ્રતિભા બીજા અને દિવ્યા ત્રીજા ક્રમાંકે વિજેતા રહ્યા હતા, જ્યારે બેન્કના કર્મચારીઓમાં સુનીલ પહેલા, ઉપેન્દ્ર બીજા અને સચિન શર્મા ત્રીજા ક્રમાંકે વિજેતા થયા હતા.
નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના અમલદારોએ માનવ તસ્કરીની ગેરપ્રવૃત્તિઓ વિરુદ્ધ મોટા પાયે સપાટો બોલાવ્યો છે. તેમણે દેશમાં એક સાથે 10 રાજ્યોમાં ઓપરેશન હાથ ધરીને આ ગેરપ્રવૃત્તિઓમાં સંડોવાયેલી પાંચ આંતરરાષ્ટ્રીય સ્તરની ટોળકીઓનો પર્દાફાશ કર્યો અને તેના 44 બદમાશોની ધરપકડ કરી છે. એનઆઈએ અમલદારોએ ગઈ કાલથી આ ટોળકીઓના સ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે.
આ દરોડા એનઆઈએ, સીમા સુરક્ષા દળ અને સંબંધિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ દ્વારા સંયુક્ત રીતે પાડવામાં આવ્યા છે. આ ટોળકીઓ માનવીઓની હેરાફેરી તેમજ ભારત-બાંગ્લાદેશ સરહદ પારથી ગેરકાયદેસર વસાહતીઓને ભારતમાં ઘૂસાડી દેશમાં એમનો વસવાટ કરાવવા જેવી ગેરપ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે.
એનઆઈએ દ્વારા આ દરોડા ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ, તેલંગણા, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ અને કશ્મીર તથા પુડુચેરી (કેન્દ્રશાસિત પ્રદેશો)માં પાડવામાં આવ્યા છે. અમલદારોએ જે 44 જણને પકડ્યા છે એમાંના 21ને ત્રિપુરામાં, કર્ણાટકમાં 10, આસામમાં પાંચ, પશ્ચિમ બંગાળમાં 3, તામિલનાડુમાં બે તથા પુડુચેરી, તેલંગણા અને હરિયાણામાં એક-એક જણનો સમાવેશ થાય છે.
ગાંધીનગરઃ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ તરત જ તેમણે પ્રધાનસેવક તરીકે દેશની જનતા સાથે સંવાદ દ્વારા લોકતંત્રને મજબૂત અને ઉજ્જવળ બનાવવા “મન કી બાત” નામથી રેડિયો વાર્તાલાપ શરૂ કર્યો હતો, આ કાર્યક્રમ આકાશવાણીના માધ્યમથી તેમની વાત કરોડો દેશવાસીઓના મનની વાત બની ગઈ છે.
રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલેને હસ્તે “મન કી બાત ૧.૦”પુસ્તકનું વિમોચન થયું હતું. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ સંવાદને પ્રાધાન્ય આપતા રહ્યા છે. તેઓ જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે “સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ” થકી જનતા જનાર્દન સાથે સંવાદ સાધીને રાજ્યની જનતા સાથે જોડાઈ રહ્યા હતા.
અનસ્ટોપેબલ ઇન્ડિયા ફાઉન્ડેશન (Unstoppable India Foundation)ના ચેરમેન મેહુલ મકવાણાએ જણાવ્યું હતું કે “મન કી બાત 1.0” સ્મૃતિસંગ્રહ અલગ-અલગ વિષયો, શક્તિઓ, વ્યક્તિઓ અંગેના તેમના વિચારને સરળ ભાષા અને શૈલીમાં તૈયાર કરી છે. “મન કી બાત 1.0” સ્મૃતિસંગ્રહ કોઈ પુસ્તક નથી, પણ સ્મૃતિઓનો સંગ્રહ છે. જે વરસો વરસ સુધી આપણને સૌને, દેશ અને દુનિયાને પથ દર્શાવતો રહેશે, માર્ગદર્શિત કરાવતો રહેશે તેવી મને શ્રદ્ધા છે.
નવી દિલ્હીઃ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ગ્લેન મેક્સવેલે અફઘાનિસ્તાન સામે ડબલ સેન્ચુરી બનાવી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો. ગૌતમ ગંભીરે મેક્સવેલની પ્રશંસા કરતાં વિરાટ કોહલી પર નિશાન સાધ્યું હતું. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ICC વનડે વિશ્વ કપમાં દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ મેચમાં સદી ફટકારીને દિગ્ગજ સચિન તેંડુલકરની 49મી વનડે સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. કોહલીએ 121 બોલમાં 101 રન ફટકાર્યા હતા, જે તેની કેરિયરની ધીમી ઇનિંગ્સોમાંથી એક હતી જોકે તેના ફેન્સે તેની ભરપૂર પ્રશંસા કરી હતી, પણ વિશ્લેષકોએ તેની ટીકા કરી હતી.
ગંભીરે કહ્યું હતું કે વિરાટે જો મેક્સવેલે બનાવેલા 195 રનની જગ્યાએ હોત તો તેણે સિંગલ્સ લઈને ડબલ્સ સેન્ચ્યુરી પૂરી કરી હોત, પણ મેક્સવેલે સિક્સ મારીને બેવડી સદી પૂરી કરી હતી- આ તફાવત છે બંને ક્રિકેટરોમાં. ગંભીરે સચિનની બરોબરી કરવા માટે વિરાટની પ્રશંસા કરી હતી, પણ તેણે ધીમી સદી ફટકારવા બદલ ટીકા પણ કરી હતી.
તેણે કહ્યું હતું કે વિરાટની ધીમી રમતથી ભારતને નુકસાન થવાની શક્યતા હતી. તેણે કહ્યું હતું કે કોહલીએ મેચમાં છેલ્લી પાંચ-છ ઓવરો ધીમી રમ્યો હતો. એ એટલા માટે કે તે સદીની નજીક હતો પણ મારું માનવું છે કે સ્કોર બોર્ડ પર પર્યાપ્ત રન હતા. તેઓ સારી પિચ પર બેટિંગ કરી રહ્યા હતા. વિરાટ અને ગંભીરના સંબંધોમાં થોડી ખટાશ આવી ગઈ છે.