ગાંધીનગર: રાજ્યના સરકારી કર્મચારીઓની આ દિવાળીએ સુધરી ગઈ છે. રાજ્ય સરકારે જેલ વિભાગના કર્મચારીઓનો પગારવધારો કર્યો છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં વધારો કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા રૂ. 13.22 કરોડનો વધારાનો ખર્ચ કરી જેલ વિભાગના વર્ગ-3ના કર્મચારીઓના ભથ્થામાં નોંધપાત્ર વધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ગ-3ના કર્મચારીઓનાં વિવિધ ભથ્થાંમાં વધારો કરવામાં આવતાં ખુશીનો માહોલ છવાયો છે. સરકારે જેલના કર્મચારીઓને અનેક લાભ આપ્યા છે, જેમાં 1979માં અપાતા રૂ. 60ના જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થામાં 3500થી 5000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જેલ ખાતાના કર્મયોગીઓને મળતા વિવિધ ભથ્થામાં માતબર વધારો કરવાનો મહત્ત્વનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આ નિર્ણય જેલ ખાતાના કર્મીઓના પરિવારમાં દિવાળી પર્વે સુખાકારીનો પ્રકાશ પ્રસરાવનારો બની રહેશે. pic.twitter.com/sYqKHxrVlo
સરકાર દ્વારા ફિક્સ પગારના જેલ સહાયકને હવે 35, સિપાઈને રૂ. 4000, હવાલદારને રૂ. 4500 અને સુબેદારને રૂ. 5000નું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ખાસ વળતર ભથ્થું આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ફિક્સ પગારના કર્મચારીઓને જાહેર રજા વળતરમાં મળતા રૂ. 150માં વધારો કરીને રજા પેટે રૂ. 665 રૂપિયા ચૂકવાશે.
આ સાથે જેલ સિપાહી, હવાલદાર, સુબેદારને રૂ. 500 વોશિંગ એલાઉન્સ અપાશે. આ ઉપરાંત ફિક્સ પગારના કર્મચારીઓના જાહેર રજાના વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. ફિક્સ પગારના જેલ સહાયકોના પગારમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. આ વધારો પોલીસના ભથ્થામાં થયેલા વધારાની તારીખથી અમલ થશે. આ ઉપરાંત અનેક વિભાગમાં બઢતી અને બદલીથી અધિકારીઓ ખુશખુશ થઈ ગયા છે.
અમદાવાદઃ શુક્રવારે શેરબજાર બંધ થવાની સાથે ટ્રેડર્સ, રોકાણકારો માટે સંવંત 2079 પણ પૂરું થઈ ગયું અને હવે દિવાળીના દિવસથી નવા સંવંત 2080નો પ્રારંભ થશે. રોકાણકારો માટે વીતેલું સંવંત સમૃદ્ધિનું પ્રતીક રહ્યું હતું. ગયા વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 46 લાખ કરોડનો વધારો થયો હતો. વર્ષ દરમ્યાન બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. હિન્દુ કેલેન્ડર વર્ષમાં નિફ્ટી 1849 પોઇન્ટ અથવા 10.5 ટકા વધીને 19,425ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 9.4 ટકાની તેજી સાથે 64,905ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગયા વર્ષ દિવાળી 24 ઓક્ટોબરે હતી, એ પહેલાં 21 ઓક્ટોબરે ટ્રેડિંગ થયાં હતાં અને એ દિવસે BSEમાં લિસ્ટ થયેલી બધી કંપનીઓનું કુલ બજાર મૂલ્ય રૂ. 2,74,41,800 કરોડ હતું, જે હાલ બજાર મૂલ્ય રૂ. 3,20,29,232ના સ્તરે છે. આમ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોની કુલ સંપત્તિમાં 45,87,432 કરોડનો વધારો થયો હતો. સંવંત 2079માં નિફ્ટી મિડકેપે 32 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સે 37 ટકા શાનદાર રિટર્ન આપ્યું હતું. જે છેલ્લા નવ વર્ષમાં સૌથી શ્રેષ્ઠ દેખાવ છે. બજારમાં આવેલી તેજીએ ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો અને રિટેલ રોકાણકારોને આભારી હતી.
સંવંત 2079માં બજારે ઊંચા ફુગાવા, વ્યાજદરોમાં વધારો, ભૌગોલિક ટેન્શન ને અમેરિકામાં બેન્કિંગ સંકટ જેવી અડચણોનો સામનો કરવો પડ્યો હતો. ડિસેમ્બર, 2022થી ફેબ્રુઆરી, 2023ની વચ્ચે અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં FIIની વેચવાલી છતાં ઘરેલુ બજારો અપેક્ષા મુજબ દેખાવ કરવામાં સફળ રહ્યાં હતાં.માર્ચમાં ઇન્ડેક્સ આઠ મહિનાના નીચલા સ્તરે પહોંચ્યા હતા. જોકે US ફેડે વ્યાજદર વધુ નહીં વધારતા સંસ્થાકીય રોકાણકારો બજારમાં પરત ફર્યા હતા. સપ્ટેમ્બરમાં નિફ્ટીએ 20,222ની અને સેન્સેક્સે 67,927ની મહત્તમ સપાટી સર કરી હતી.
અયોધ્યાઃ અયોધ્યામાં આ વખતે દીપોત્સવ પર 51 ઘાટો પર રેકોર્ડ 24 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. સરયૂ નદીના તટ પર રામ કી પૈડીમાં આ દીપોત્સવ સાતમી વાર આયોજિત થઈ રહ્યો છે. સરયૂ નદી વિશ્વના એકમાત્ર સૌથી મોટા દીપ અને આસ્થાનું પ્રતીકનું સાક્ષી બનશે. દીપકોની વધતી સંખ્યા ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સ બનતા જઈ રહ્યા છે. ગિનીઝ બુકની ટીમ અયોધ્યાના સરયૂ તટ પર બધા 51 ઘાટો પર જઈને દીવાઓની ગણતરી કરશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાંજે સાત કલાકે દીપોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરશે.
આ દીપોત્સવ કાર્યક્રમમાં 41 દેશના એમ્બેસેડર પણ હાજર રહેશે. અયોધ્યાના જિલ્લાધિકારી નીતીશકુમારે જણાવ્યું હતું કે 41 દેશના આશરે 61 VVIP આ દીપોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. અયોધ્યામાં સાતમા દીપોત્સવ અવધ યુનિવર્સિટીના 25,000 સ્વયંસેવકો 24 લાખ દીવા પ્રજ્વલિત કરીને એક નવો ઇતિહાસ રચશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન ભગવાન શ્રીરામનું રાજતિલક કરશે.
अयोध्या दीपोत्सव उस रामराज्य की संकल्पना को आगे बढ़ाने की दिशा में ही एक प्रयास है, जो भेदभाव रहित समरस समाज का द्योतक है।
સરયુના કિનારે લેસર શો દ્વારા શ્રી રામના જીવનની ઝલક રજૂ કરવામાં આવશે. દીપોત્સવમાં રશિયા, શ્રીલંકા, સિંગાપોર અને નેપાળના કલાકારો રામલીલાનું મંચન કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર અયોધ્યામાં ત્રેતાયુગ જોવા મળશે. ઋષિ-મુનિઓથી લઈને સામાન્ય લોકો સુધી દરેક રામ ભક્ત રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યા હતા અને હવે આ રાહનો અંત આવવાનો છે. તેથી આ વખતે અયોધ્યામાં ભવ્ય દિવાળી ઊજવવામાં આવશે.
આ કાર્યક્રમનું આયોજન આશરે 25,000 સ્વયંસેવકોની મદદથી 12 સરકારી વિભાગો અને જિલ્લા વહીવટી તંત્રના સામૂહિક પ્રયાસોથી થશે. આ ઉત્તર પ્રદેશની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રદર્શિત કરવાની તક હશે. ત્યાર બાદ વિવિધ પ્રકારે આ સમારંભ આયોજિત કરવામાં આવશે અને એ બધું દેશની સૌથી મોટી ડિજિટલ સ્ક્રીન પર પ્રદર્શિત કરવામાં આવશે. આ વાર્ષિક આયોજન છેલ્લાં છ વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. પાછલા વર્ષે અયોધ્યાના ઘાટો પર 15 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
સુરતઃ તહેવારોની સીઝન શરૂ થતાની સાથે જ ટ્રેનોમાં મુસાફરોનો ધસારો વધી જાય છે. રેલવે યાત્રીઓનો સ્ટેશનો પર ભારે ધસારો જોવા મળે છે. આવી સ્થિતિમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને નિયંત્રિત કરવી રેલવે માટે ઘણી વખત મુશ્કેલ બની જાય છે. શહેરમાં રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી ગઈ હતી. સુરત રેલવે સ્ટેશન પર સર્જાયેલી સ્થિતિએ તંત્ર માટે ચિંતાજનક પરિસ્થિતિ સર્જી હતી.
1700 સીટ ધરાવતી છપરા જતી તપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ પર આવી તો અફરાતરફી મચી ગઈ હતી. ભીડ ટ્રેનમાં ચઢવા બેકાબૂ બની જતાં ચાર લોકો ગભરામણથી બેભાન થઈ ગયા હતા. આ ભાગદોડમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ટ્રેનમાં ચઢવા પેસેન્જરો ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા. ટ્રેન આવતાની સાથે સ્ટેશન પર અરાજકતા સર્જાઈ હતી. ટ્રેનના ટ્રેક પર વિખેરાયેલી ચપ્પલો અને પ્લેટફોર્મ પર બેભાન પડેલા લોકોની મદદે પોલીસ દોડી આવી હતી. 108 ની ટીમ પણ મદદે આવી ગઈ હતી.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પણ આ ઘટનાની જાણ થતાં તેમણે રેલવે સ્ટેશને વધુ પોલીસ ફોર્સ મોકલી આપી હતી. તેમણે પણ રેલવે સ્ટેશને પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
દિવાળીને લીધે સૌકોઈ ઘરે જલદી પહોંચવા માગતા હતા, જેને કારણે અરાજકતા ફેલાઈ હતી. આ અરાજકાતાને લીધે દોડધામ મચી જતાં ચારથી વધુ લોકોના શ્વાસ રૂંધાયા હતા.અહીં પ્રવાસીઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે ટિકિટ કન્ફર્મ હોવા છતાં પણ ભીડ અને ધસારાના કારણે પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા તો કેટલાક લોકો ચાલતી ટ્રેને પણ ભીડમાં ટ્રેનમાં જીવના જોખમે ચઢવા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 10 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,419 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,005 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 139 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.59 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,76,050 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 85 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
અમિતાભ સાથેની ફિલ્મોથી નિર્દેશક તરીકે જબરદસ્ત સફળતા મેળવનાર પ્રકાશ મહેરાએ મુંબઇ આવીને બહુ ગરીબી અને મુશ્કેલીમાં દિવસો વીતાવ્યા હતા. ઉત્તરપ્રદેશના બીજનોરમાં મેટ્રિક પાસ કરી ફિલ્મોના શોખને કારણે રૂ.૪૨ લઈ ૧૯૫૮ માં મુંબઇ આવ્યા હતા. પહેલાં એમના દૂરના એક મામા મરીન ડ્રાઈવ પર રહેતા હતા એમને ત્યાં રોકાયા હતા. મામાના ઘર નજીક એક બિલ્ડીંગમાં સંગીતકાર ઓ.પી. નૈયર રહેતા હતા. એમને ત્યાં સંગીત સાંભળવા જતાં હતા ત્યારે પોતાને લેખનનો શોખ હોવાનું જણાવ્યું હતું. એક દિવસ એમણે ગીતો લખવા કહ્યું અને પ્રકાશે સંભળાવ્યા એ પછી કહ્યું કે તારામાં કાબેલિયત છે. એ ત્યારે વ્યસ્ત હોવાથી એક મહિના પછી મળવા કહ્યું હતું. દરમ્યાનમાં મામાના પુત્રને આર્મીમાં જવું હોવાથી પ્રકાશને પણ વહેલી સવારે એની સાથે દોડવા મોકલતા હતા. એ વાતથી કંટાળીને એમનું ઘર છોડી દીધું હતું.
કોઈ ઠેકાણું ન હોવાથી ફૂટપાથ પર કે રેલવે સ્ટેશન પર ચણા ખાઈને રહેતા હતા. ક્યારેક મુંબઈ એરપોર્ટ પર કુલી તરીકે કામ કર્યું હતું એ વાતનો ઉલ્લેખ પણ એમણે ‘ઉજાલે ઉનકી યાદોં કે’ રેડિયો કાર્યક્રમમાં કર્યો હતો. એ એટલા ખુદ્દાર હતા કે પાછા મામાને ત્યાં જવા માગતા ન હતા. દરમ્યાનમાં તે લેખક બનવા માગતા હોવાથી કામ શોધવા ફિલ્મ ડિવિઝનમાં જતા રહેતા હતા. ત્યારે મોર્યા નામના એક ભાઈ સાથે ઉત્તેરપ્રદેશના હોવાથી કોઈએ ઓળખાણ કરાવી હતી. મોર્યાને ખબર પડી કે વિનોદ દેસાઈને ફિલ્મના કેટલાક શૉટ લેવા યુવાનની જરૂર છે. ત્યારે પ્રોડકશન મેનેજર તરીકે કામ કરતા પ્રકાશની એક લેખક તરીકે પણ ઓળખ આપી. એ સાથે એમ પણ કહ્યું કે મારી પાસે સામાન્ય કામ કરવા કરતાં તમારી સાથે કરશે તો એ વધારે હોશિયાર બનશે.
વિનોદ દેસાઇએ નિર્દેશક મનમોહન દેસાઇ પર એક પત્ર લખી આપ્યો. પ્રકાશ મનમોહન પાસે પહોંચ્યા અને એમણે એક દ્રશ્ય લખવાની પરીક્ષા લીધી. પ્રકાશે લખેલો સીન સાંભળી મનમોહન પ્રભાવિત થઈ ગયા અને રૂ.૧૫૦ ના પગારથી નોકરીએ રાખી લીધા. એટલું જ નહીં પોતાના જ ફ્લેટમાં કાચથી બંધ કરેલી બાલ્કનીમાં સોફા કમ બેડ સાથે રહેવાની વ્યવસ્થા કરી આપી. ત્યારે મનમોહનથી એમની પત્ની અલગ થઈ ગઈ હતી અને એ પુત્ર સાથે રહેતા હતા. પ્રકાશે ત્યાં રહેવા ગયા પછી જોયું કે પાંચમા માળે નિર્દેશક મોહન સહગલ રહેતા હતા. એમની ફિલ્મ ‘ન્યુ દિલ્હી’ (૧૯૫૬) થી એટલા પ્રભાવિત હતા કે સાથે કામ કરવાની તમન્ના હતી.
વિનોદ દેસાઈની ભલામણથી એમને ત્યાં પણ કામ મળી ગયું. દરમ્યાનમાં ઇન્દુભૂષણ નામનો માલેતુજાર માણસ મળ્યો અને પોતે પૈસા રોકશે પણ પ્રકાશને કમર્શિયલ ફિલ્મ બનાવવા કહ્યું હતું. ત્યારે પ્રકાશ મહેરાએ મિત્ર એસ.એમ. અબ્બાસ પાસે ‘હસીના માન જાયેગી’ ની વાર્તા હોવાથી એના પર ફિલ્મ બનાવવા નક્કી કર્યું હતું. પણ એક વર્ષ પોતે મોહન સહગલને ત્યાં ફિલ્મ સંબંધી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવી લે ત્યાં સુધી ઇન્દુભૂષણને રોકાવા કહ્યું હતું. મોહન સહગલને ત્યાં કામ શીખતા હતા ત્યારે કોઈએ વખાણ કર્યા હશે એટલે નિર્માતા ગૌરીશંકર ગોયલ અને જગદીશ શર્માએ રૂ.૫૦૦૦૦ આપીને કહ્યું કે સાથે તમને એક ફિયાટ કાર અને ફ્લેટ આપીશ પણ નિરૂપા રોય અને જયરાજને લઈને ઐતિહાસિક ફિલ્મ ‘અમરસિંહ રાઠોડ’ બનાવો. પ્રકાશ મહેરા ગૂંચવાઈ ગયા. નિર્દેશક તરીકે પહેલી જ ઓફર બહુ મોટી હતી.
(આગામી લેખમાં વાંચો: પ્રકાશ મહેરાએ શું નિર્ણય લીધો હતો? ‘હસીના માન જાયેગી’ કેવી રીતે બનાવી? અને પછી ફિલ્મ ‘આન બાન’ થી શાન કેવી રીતે ગુમાવી?)
દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયો અત્યારે દિવાળી મૂડમાં અને ‘મોડ’માં છે. પ્રકાશનો આ ઉત્સવ હિન્દુઓનું નવું વર્ષ પણ છે. લક્ષ્મીજીની આરાધનાનું પણ આ પર્વ છે. આપણાં શાસ્ત્રોમાં લક્ષ્મીમાતાની પરિકલ્પના સર્વાંગી અને વ્યાપક છે. તેમની આરાધના કરતાં પહેલાં અનેક તૈયારીઓ કરવાની હોય છે અને તેના ફળસ્વરૂપે જ ધન (લાભ) પ્રાપ્ત થાય છે. લક્ષ્મીજીની પૂજાની વિવિધ પ્રકારની તૈયારીઓ કરવાની હોય છે. આપણા ઋષિમુનિઓએ દિવાળીના દરેક દિવસની ઉજવણી વિશે લખેલી વાતોને જાણીને સમજવાનો આ લેખનો પ્રયાસ છે.
દિવાળીની ઊજવણી વાઘ બારસથી શરૂ થાય છે. મૂળ શબ્દ તો વાક બારસ છે. આસો મહિનાના કૃષ્ણ પક્ષનો આ બારમો દિવસ છે. વાક એટલે કે વાણી. વાણી શબ્દ આપણી વાચા સાથે સંકળાયેલો છે. વાણી સરસ્વતી માતાની દેન છે, કારણકે તેઓ જ્ઞાનની દેવી છે. આથી લક્ષ્મીજીને જાણતાં પહેલાં સરસ્વતી માતા વિશે જાણી લેવું જરૂરી છે. વર્તમાન સંદર્ભમાં કહીએ તો, રોકાણ કરતાં પહેલાં નાણાકીય શિક્ષણ જરૂરી હોય છે. જોકે, આપણાં શાસ્ત્રોમાં તેનાથી પણ વધારે ગહન અર્થઘટન કરવામાં આવ્યું છે.
ત્યાર પછી આવે છે ધનતેરસ. આનો પણ મૂળ શબ્દ અલગ છે. એ છે ધન્વંતરી ત્રયોદશી. મહર્ષિ ધન્વંતરીએ આયુર્વેદ આપ્યું. આપણે આયુર્વેદની વ્યાખ્યામાં ઉંડા ઉતરવાને બદલે અત્યારે આ દિવસ પૂરતું તેનું મહત્ત્વ સમજીએ. ધન્વંતરી ત્રયોદશીના દિવસનું મહત્ત્વ આરોગ્યની દૃષ્ટિએ ઘણું છે. આપણે શારીરિક રીતે સક્ષમ ન હોઈએ, એટલે કે સંપૂર્ણપણે તંદુરસ્ત ન હોઈએ તો લક્ષ્મીજીની આરાધના કરી શકીએ નહીં. આજના સંદર્ભમાં આને આપણે આરોગ્યવીમા સાથે સરખાવી શકાય.
ધનતેરસ પછીનો દિવસ છે કાળી ચૌદશ. કાળી ચૌદશના દિવસે કકળાટ કાઢવાની આપણી પરંપરા રહી છે. લક્ષ્મીજીને આવકારતાં પહેલાં ધન વિશેના ખોટા અને નઠારા વિચારોને દૂર કરવાની આ વાત છે. તેમાં ઘમંડ, ઈર્ષ્યા, ચિંતા, અસલામતી તથા બીજી અનેક લાગણીઓનો સમાવેશ થાય છે. આજના યુગમાં આ વાત બિહેવિયરલ ફાઇનાન્સ દ્વારા કહેવામાં આવે છે. અહીં નોંધવું રહ્યું કે આજકાલ જે બિહેવિયરલ ફાઇનાન્સની ચર્ચા થાય છે તેની તુલનાએ આપણા શાસ્ત્રાર્થ ઘણા ઉંડા છે.
પછી આવે છે મુખ્ય દિવસ. એટલે કે દિવાળી એટલે કે લક્ષ્મીપૂજન. આપણી પાસે નાણાકીય જ્ઞાન, તંદુરસ્તી અને સ્વચ્છ મન હોય ત્યારે જ આપણે લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ. તેના વગરના ક્રિયાકાંડ ધાર્યું પરિણામ આપી શકતાં નથી.
અને હા, દિવાળીનો તહેવાર લક્ષ્મીપૂજન સાથે પૂરો થઈ જતો નથી. દિવાળીના દિવસે લક્ષ્મીપૂજન કરતી વખતે આપણે દેવીનું આવાહન કરીએ છીએ, પરંતુ અમુક કાર્યો કર્યા વગર તે પરિપૂર્ણ થતું નથી. આથી જ બીજો દિવસ બેસતા વર્ષનો હોય છે. આ દિવસે બધા લોકો પોતપોતાના કામ-ધંધે જઈને પૂજા કરે છે. માલિકો કર્મચારીઓને બોનસ આપે છે. વર્તમાન યુગમાં ઈસોપ (એમ્પ્લોયીઝ સ્ટોક ઓપ્શન પ્લાન) તરીકે તે પ્રચલિત છે. જોયું, આપણા ઋષિ-મુનિઓ સદીઓ પહેલાં ઈસોપનો વિચાર લઈને આવ્યા હતા! કોઈ પણ બિઝનેસ કર્મચારીઓની મદદથી જ ચાલતો હોય છે અને તેથી તેમને નફામાં હિસ્સો આપવો જ જોઈએ. દિવાળીના દિવસે હિસાબનું વર્ષ પૂરું થયે બીજા દિવસે કર્મચારીઓમાં નફાની વહેંચણી કરવાની પરિકલ્પના આપવામાં આવી છે.
પછી આવે છે ભાઈબીજ. આ દિવસ મહિલાઓના આર્થિક સ્વાતંત્ર્યનો છે. બધી જ દીકરીઓને પારિવારિક બિઝનેસમાં હક મળે છે. હિસાબના વર્ષના અંતે થયેલા નફાનો બહેનના ભાગનો હિસ્સો લઈને ભાઈ બહેનના ઘરે જાય છે અને તેને એ આપે છે. મહિલાઓની આર્થિક સલામતી માટે આ વ્યવસ્થા સર્જવામાં આવી હતી. બહેનને આપવામાં આવેલો હિસ્સો કોઈ ભેટ કે દાન નથી, તેના હકની વાત છે.
આ બધી પ્રવૃત્તિઓ કર્યા પછી હિન્દુઓના નવા વર્ષના પાંચમા દિવસે એટલે કે લાભ પાંચમે વાસ્તવિક આર્થિક લાભ પ્રાપ્ત કરી શકાય છે.
લક્ષ્મીમાતાની આવી આસ્થા, પૂજા અને આધ્યાત્મિકતાનાં દર્શન ભારત સિવાય બીજે ક્યાંય થતાં નથી. આજની તારીખે પણ એ બધાનું જતન થયેલું છે. આથી આ બધા તહેવારોની ઉજવણી મિત્રો અને પરિવારજનો સાથે આનંદપૂર્વક કરવાનું માહાત્મ્ય છે. પરિવારના તમામ સભ્યોને આર્થિક જાણકારી હોય એવી તેની પાછળની ભાવના છે. આથી જ કહેવાયું છે કે ભારતમાં મનુષ્ય જન્મ લેવો એ દુર્લભ વાત છે. જેમણે અગાઉનાં જન્મોમાં સારાં કર્મ કર્યાં હોય તેમને જ ભારતમાં જન્મ લેવા મળે છે.
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
મુંબઈઃ શહેરમાં બાંધકામ સ્થળોએથી કાટમાળનું વાહનો દ્વારા વહન કરવા પર લાદવામાં આવેલા નિયંત્રણને મુંબઈ હાઈકોર્ટે 19 નવેમ્બર સુધી ચાલુ રાખવાનો આજે આદેશ આપ્યો છે. વધુમાં, હાઈકોર્ટે દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવા પર મૂકેલા સમય-નિયંત્રણ સંબંધિત પોતાના જ અગાઉના આદેશમાં ફેરફાર કર્યો છે. હવે તેણે ફટાકડા ફોડવાની પરવાનગીનો સમય રાતે 8થી 10 સુધીનો કર્યો છે. કોર્ટે અગાઉના ઓર્ડરમાં આ પરવાનગી રાતે 7-10 સુધી – ત્રણ કલાક માટે આપી હતી. શહેરમાં હવાના પ્રદૂષણની બગડેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને લક્ષમાં રાખીને કોર્ટે ફટાકડા ફોડવાનો સમય એક કલાક ઘટાડ્યો છે.
મુંબઈનાં લોકો કંઈ ઘણા બધા ફટાકડા ફોડતાં નથી એવી એટર્ની જનરલે દલીલ કરી હતી, પણ ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાયે એવી વળતી ટકોર કરી હતી કે, સાચી વાત છે, પણ મુંબઈ દિલ્હી બની ન જાય એનું ધ્યાન રાખીએ. આપણે મુંબઈકર જ રહીએ.
ગઈ 6 નવેમ્બરે પોતાના ઓર્ડરમાં હાઈકોર્ટે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું કે મુંબઈવાસીઓની જિંદગી વધારે મહત્ત્વની છે. બાંધકામના સ્થળોએ ઉડતી ધૂળ હવાના પ્રદૂષણનું મોટું કારણ છે. શહેરમાં હવાની ગુણવત્તા જોઈએ એવી સુધરી નથી. જો ચાર દિવસમાં એમાં નોંધનીય સુધારો નહીં થાય દિવાળીના દિવસોમાં બાંધકામના સ્થળોના કાટમાળના ટ્રાન્સપોર્ટેશન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાશે. શહેરમાં હવાની ગુણવત્તામાં થયેલા બગાડા અને પ્રદૂષણમાં થયેલા વધારાની બાબતને સ્વયં લક્ષમાં લઈને કેસ બનાવી સુનાવણી કરી છે.