Home Blog Page 2300

IPL 2024 પહેલાં હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સમાં પરત

મુંબઈ: MI પલટન ફેન્સનો હંમેશને માટે મનપસંદ ખેલાડી ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા IPL 2024 પહેલાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે ફરી જોડાઈ જશે. તેણે છેલ્લી બે સીઝન ગુજરાત માટે કેપ્ટન તરીકે રમી હતી. આ દરમિયાન પંડ્યાએ ટીમને એક વાર ચેમ્પિયન બનાવીને એક વખત ટીમ રનર્સઅપ રહી હતી. પંડ્યાને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈએ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ટ્રેડ કર્યો હતો.

નીતા એમ. અંબાણીએ કહ્યું હતું કે હાર્દિકને ઘરે પાછો આવકારતાં અમે રોમાંચ અનુભવીએ છીએ. મુંબઈ ઇન્ડિયન્સના અમારા પરિવાર સાથે આ એક હ્રદયસ્પર્શી પુનર્મિલન છે. મુંબઈ ઇન્ડિયન્સની યુવા પ્રતિભા બનવાથી લઈને હવે ટીમ ઇન્ડિયાના સ્ટાર બનવા સુધી હાર્દિકે ઘણી લાંબી મજલ કાપી છે તથા તેના અને મુંબઈ ઇન્ડિયન્સના ભાવિ માટે અમે ઉત્સાહિત છીએ.

હાર્દિકની વાપસી વિશે બોલતાં આકાશ અંબાણીએ કહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પાછો ફરતાં મને ખૂબ આનંદ થાય છે. આ એક સુખદ ઘરવાપસી છે. તે જે પણ ટીમ માટે રમે છે તેને શ્રેષ્ઠ સંતુલન પૂરું પાડે છે. MI પરિવાર સાથે હાર્દિકનો પ્રથમ કાર્યકાળ ખૂબ જ સફળ રહ્યો હતો અને અમે આશા રાખીએ છીએ કે તેના બીજા કાર્યકાળમાં તે વધુ સફળતા હાંસલ કરશે.

હાર્દિક #OneFamilyમાં પરત ફરતાં તે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને ટીમ સાથે રમશે. આ અગાઉ તે MI માટે રમીને પ્રસિદ્ધિમાં આવ્યો અને તે પછી 2016માં તેણે ભારતીય ટીમમાં પદાર્પણ કર્યું હતું.ભારતના અગ્રણી ઓલરાઉન્ડરે 2015થી 2021 વચ્ચે IPLમાં MIના ચાર ટાઇટલ વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

 

 

 

ફિલ્મફેર OTT એવોર્ડ્સઃ આલિયા ભટ્ટ મનોજ બાજપેયીએ મારી બાજી

મુંબઈઃ ફિલ્મફેર OTT એવોર્ડ્સનું આયોજન રવિવારની સાંજે મુંબઈમાં કરવામાં આવ્યું હતું. એમાં વિવિધ કેટેગરીમાં OTT પર રિલીઝ થનારી ફિલ્મો અને વેબ સિરીઝને એવોર્ડ આપવામાં આવ્યા હતા. એમાં ‘સ્કૂપ’, ‘જ્યુબિલી’ અને ‘કોહરા’ જેવી વેબ સિરીઝોનો જલવો જોવા મળ્યો હતો. એ સાથે આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્ર્સે અને મનોજ વાજપેયીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.ફિલ્મફેર OTT એવોડ્સ 2023માં બેસ્ટ સિરીઝનો એવોર્ડ કરિશ્મા તન્નાની ‘સ્કૂપ’ને આપવામાં આવ્યો હતો. આ સાચી ઘટના પર આધારિત હતી. ‘ટ્રાયલ બાય ફાય’રને બેસ્ટ સિરીઝ (ક્રિટિક્સ)ને એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યુબિલીના વિક્રમાદિત્યને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ એનાયત થયો હતો, જ્યારે રણદીપ ઝાને બેસ્ટ ડિરેક્ટર રણદીપ (ક્રિટિક્સ- કોહરા)ને આપવામાં આવ્યો હતો.

બેસ્ટ એક્ટર ક્રિટિક્સ ચોઇસ માટે વિજય વર્માની પસંદગી કરવામાં આવી હતી. તેમને આ એવોર્ડ ફિલ્મ ‘દહાડ’ માટે આપવામાં આવ્યો હતો. એ સાથે એક્ટ્રેસ ડ્રામા સિરીઝ ફીમેલ (ક્રિટિક્સ) કરિશ્મા તન્ન્ને ‘સ્કૂપ’ ને સોનાક્ષી સિંહને ‘દહાડ’ માટે પસંદ કરવામાં આવી હતી. કોમેડી ભૂમિકામાં એક્ટર અભિષેક બેનરજી છવાઈ ગયો હતો. તેને ‘ધ ગ્રેટ વેડિંગ્સ ઓફ મુન્ને’ માટે કોમેડી સિરીઝ મેલનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ એક્ટર કોમેડી સિરીઝ ફીમેલ માટે માનવી ગગરુને પસંદ કરવામાં આવી હતી. તેને ટીવીએફ ટ્રિપલિંગ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

એ સાથે બેસ્ટ OTT ફિલ્મની યાદીમાં મનોજ બાજપેયીની ફિલ્મ ‘એક બંદા કાફી’ છેની બોલબાલા જોવા મળી હતી. એ ફિલ્મને બેસ્ટ OTT ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બેસ્ટ ડિરેક્ટર વેબ ઓરિજિનલ ફિલ્મમો એવોર્ડ અપૂર્વ કાર્કીને આપવામાં આવ્યો હતો. તેને આ એવોર્ડ સિર્ફ ‘એક બંદા કાફી છે’. જ્યારે રાજકુમાર રાવને ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ ફિલ્મ માટે બેસ્ટ એક્ટર મેલ (ક્રિટિક્સ) માટે આપવામાં આવ્યો હતો.

 

 

 

છ અક્ષરના નામનો ગદ્યના ગઢેથી હોંકારો…

આ લખાઇ રહ્યું છે ત્યારે બહાર ભરશિયાળે વરસાદ માવઠું બનીને વરસી રહ્યો છે અને કમ્પ્યુટર ધીમા અવાજે ગણગણી રહ્યું છેઃ આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે… 

અને યોગાનુયોગ, ગુજરાતી ભાવજગતને આજે બીજુ કોઇક પણ ભીંજવી રહ્યું છે, અનરાધાર વરસીને. સાંઇ મકરંદ દવેના શબ્દો યાદ આવે છે કે, ‘રમેશ ગુજરાતી પ્રજા પર અમૃત મેઘ બનીને વરસ્યો છે!’

રમેશ પારેખ. છ અક્ષરનું નામ. ખરા અર્થમાં ગુજરાતી ભાવકો પર વરસીને એમના ભાવવિશ્વને તરબોળ કરી દેનાર અમૃત મેઘ.

પણ, પણ, પણ…. આ અમૃત મેઘમાંથી થયેલી પદ્યની ધારામાં તો આપણે બધા બહુ ભીંજાયા, પરંતુ સાંવરિયો રે મારો સાંવરીયો, કે કાગળ હરી લખે તો બને કે પછી એક છોકરીના હાથમાંથી રૂમાલ પડે નીચે ને લેવા આખું ગામ વળે નીચે…. સુધીની સર્જનની અદભૂત રેન્જ જેમના ભાથામાં હતી એ રમેશ પારેખ પદ્યની સાથે ગદ્યમાં પણ અજવાળું કરતા ગયા છે એ વિશે ઘણા બધા રમેશપ્રેમીઓ પણ હજુ અંધારામાં છે.

ગીતોના ગઢમાં બીરાજતા આ પદ્યસ્વામી પદ્યની સાથે એમના સ્વભાવ જેવી જ સીધી, સરળ અને છતાંય એટલી જ રસાળ શૈલીમાં જ્યારે ગઢના કાંગરેથી ગદ્યનો હોંકારો કરે તો બે ઘડી એમાંય વિહાર કરવાની મજા આવે જ આવે.

000                            000                            000

એટલે જ આજે વાત કરવી છે એમના બહુ ઓછા જાણીતા પુસ્તક ‘હોંકારો આપો તો કહું’ ની. બહુ ઓછા વાચકો રમેશ પારેખને કોલમ કે કટારલેખક તરીકે ઓળખતા હશે, પણ એ જાણી લ્યો કે એક સમયે એમણે કોલમ લેખન પર ય હાથ અજમાવેલો! 1 ફેબ્રુઆરી 1984ના રોજ જનસત્તામાં ‘હોંકારો આપો તો કહું’ એ નામે કોલમના શ્રીગણેશ કર્યા પછી તો સમકાલીનમાં ‘કોફીના કપમાં વસંત’ અને ફૂલછાબમાં ‘મને ગમ્યું તે મારું કોલમ’ પણ લખી. કવિની કલમે લખાયેલા આ લેખોનો સંગ્રહ એટલે ‘હોંકારો આપો તો કહું.’

જૂન 1994માં પ્રકાશિત થયેલા આ સંગ્રહમાં રમેશ પારેખનું ગદ્ય પણ કેટલું વૈવિધ્યસભર છે અને આ સર્જકની નિરીક્ષણશક્તિ અને રમૂજવૃત્તિ કેટલી તીવ્ર છે એનો પરિચય થાય છે. એ સુરેશ દલાલના કાવ્ય મંદિર સાથે પરણી, મીરાં રાજમહેલથી છૂટી રે… વિશે પણ લખે છે અને પોતાના જ એક કાવ્ય ભરત ભરતી પુત્રીને માતા પિતાનો ઠપકો વિશે પણ લખે. એમની કવિતાઓ વિશે બીજા લખે એ ઠીક છે, પણ આ કવિ ખુદ જ્યારે પોતાની કવિતા વિશે લખે ત્યારે કેવી મજા આવે?!

વળી, એમણે પોતાની કોલમમાં ફક્ત કવિતાઓ વિશે જ નથી લખ્યું. એ ભગવત ગીતા પર પણ લખે છે અને સાથે ઉગતા સર્જકોના ધ્યાનમાં રાખીને લેખકની પ્રતિબધ્ધતા વિશે પણ લખે છે. એ ખટારાના પાટીયા પર લખાયેલા પ્રેમપત્રો પર અને માધવે વિનોદનું ટ્યુશન રાખ્યું છે એવું પણ હળવી શૈલીમાં લખી શકે છે, એ લખીને કવિ માધવ રામાનુજના વ્યક્તિત્વનું એક પાસું પણ અદભૂત રીતે ખોલી શકે છે. પુસ્તકમાં રાધેશ્યામ શર્માએ લીધેલો એમનો ઇન્ટરવ્યૂ પણ સામેલ છે. એમાં કવિ એક સવાલના જવાબમાં કહે છે કે, ‘અપેક્ષિત પારિતોષિક ન મળે ત્યારે એમને નિરાશાની લાગણી થાય છે’ એ વાંચીને એમની નિખાલસતા પર માન ઉપજે છે. આ જ ઇન્ટરવ્યૂમાં એ પોતાની લેખક તરીકેની પ્રતિબધ્ધતા કેવી એનો અદભૂત જવાબ આપે છેઃ ‘લખવું-શ્રેષ્ઠ, શ્રેષ્ઠતર અને શ્રેષ્ઠતમ…’

આ જ પુસ્તકમાં, 21 સપ્ટેમ્બર 1991ના રોજ એમને રણજિતરામ ચંદ્રક મળ્યો એ પ્રસંગે એમણે આપેલા વક્તવ્યની કેફિયત પણ છે. એમાં એ કહે છેઃ શબ્દ માણસને ઘડે છે કે માણસ શબ્દને કાઢે છે એ રહસ્ય હું ઉકેલી શક્યો નથી. હું કેવળ શબ્દ પરની શ્રદ્ધા અને શબ્દની શક્તિ પરની શ્રદ્ધાના કારણે લગભગ પચીસ વર્ષથી તરતો રહ્યો છું…

(તસવીરઃ કવિ તુષાર શુક્લની ફેસબુક પોસ્ટમાંથી સાભાર)

કોઈ સર્જક પારિતોષિકનો સ્વીકાર કે અસ્વીકાર કરે એ મુદ્દે આપણા સર્જકો સામસામી છાવણીમાં વર્ષોથી ખાંડા ખખડાવતા આવ્યા છે ત્યારે પદક કે પારિતોષિક વિશે પોતાની સમજને આ કવિએ એક લેખમાં બહુ નિખાલસતાથી રજૂ કરી છેઃ પદક કે પારિતોષિક સ્વીકારતી વખતે સર્જક એક ચેલેન્જ પણ સ્વીકારતો હોય છે. એ ચેલેન્જ છે પોતાની સર્જનની ગતિનું સાતત્ય નહીં તૂટવા દેવાની ચેલેન્જ! એ કહેવાની જરૂર નથી કે, કવિએ પોતે અનેક પારિતોષિકો પછી ય આ પડકાર સફળતાપૂર્વક ઝીલી બતાવ્યો છે.

પણ, પણ, પણ થોભો જરાક.

આ કલમનવેશ ગીત લખે, કવિતા લખે કે નિબંધ લખે કે પછી કંઈ પણ લખે એ તો વાચકોને ગમે જ, પણ હાડોહાડ રમેશપ્રેમીઓને તો સદીઓથી જે સવાલ સતાવે છે, એનો પણ જવાબ આ પુસ્તકમાં કવિ આપે છે. સવા કરોડનો આ સવાલ એ છે કે એમની કવિતામાં ‘ધીમે ધીમે ઢાળ ઉતરતી ટેકરીઓની સાથે જેને ફૂલ દીધાનું યાદ’ છે એ સોનલ છેવટે છે કોણ???

રમેશપ્રેમીઓનું કૂતુહલ સંતોષવા ખુદ રમેશ પારેખ ફોડ પાડે છે કે, સસલા જેવી, ચાબુક જેવી, સફરજન જેવી આ સોનલ કોણ છે!

કવિ લખે છેઃ ‘એ દિવસો જ હતા છાતી કાઢીને ફરવાના. તોફાનોની બિરાદરીના. કોઈ પૂછતું કે, તમારી પેલી સોનલ કોણ છે તો જવાબ માટે જ્યારે અમારા બંધ પરબીડિયા જેવા હોઠની કિનાર લગરિક ઊંચકાતી તો તેમાં સો-સો ડોકિયાં થતા, અમારા ચહેરાને માઇક્રોસ્કોપ નીચે મૂકી તપાસાતો. અમારા વાળ ફરકે તોય સો-સો અફવાઓ જન્મી પડતી. કૂતુહલપસંદો સુગંધના શોખીન થઈ જતા ને અમારા પગો સૂંઘતા…

… વેણીભાઈ પુરોહિત અને અમૃત ઘાયલ જેવા જૈફો, મનોજ-અનિલ જેવા રોમેન્ટિક સમવયસ્કો, વિનોદ ભટ્ટ, નિરંજન ત્રિવેદી ને અશોક દવે જેવા પરોપજીવી દુષ્ટાત્માઓ, મુક્ત પ્રાધ્યાપકો, લીમડાની છાલ જેવા સુક્કાભઠ્ઠ વિવેચકો, ગુલાબની થપ્પી જેવી કાચી કાચી છોકરીઓ- સૌ પૂછતાં, ચૂંથતા, ખોલતાં, ખખડાવતાં, ખોદતાં, ઉલેચતાં, ચીરતાં, પટાવતાં કે, સોનલ કોણ છે?

… સિક્કાઓ પડતા સોનલના નામના! પાંચ લીવરના તાળા જેવો સામો માણસ આખેઆખો ઊઘડી પડતો આપોઆપ- હેંહેંહેં, આ સોનલ કોણ છે હેં?’

જો કે, લેખના અંતે કવિ આ સોનલ વિશે જે ફોડ પાડે છે એ નથી કહેવું. એ માટે તો તમારે આ લેખ વાંચવો જ પડશે.

એમ તો ઘણા રમેશપ્રેમીઓને એ ય જાણી લેવું છે કે જે ચંદુ સાથે કવિ બાળપણમાં કાતરીયામાં છૂપાતા (હું ને ચંદુ છાનામાના…) એ ચંદુ ય કોણ છે? ધીરજ રાખો, ઓ રમેશપ્રમીઓ! કવિએ આ પુસ્તકમાં ચંદુનીય ઓળખાણ કરાવી છે.

અમરેલીના એક મુરબ્બી સાહિત્યમર્મી અને નિવૃત્ત અધ્યાપક છેલભાઈ વ્યાસ સરસ લખે છેઃ ‘પદ્યના લયહિલ્લોળ પર ગુજરાતી કવિતાને અઢી દાયકાથી ઝુલાવી રહેલો ગુર્જરીનો આ લાડીલો ગદ્યમાંય દોમદોમ સમૃદ્ધિ ઠાલવી ગયો છે… કવિતાની નમણી વેલને સિંચતા સિંચતા પડખેનો આ છોડ બળ કરી ગયો એ કંઈ નાનોસૂનો ચમત્કાર છે?’

000                            000                            000

બરાબર 83 વર્ષ પહેલાં, 27 નવેમ્બર 1940ના રોજ લીલીછમ વેલી અમરેલીમાં નર્મદાબેન મોહનભાઈ પારેખની કુખેથી એક પુત્રનો જન્મ થયો એ ફક્ત એક પુત્રજન્મની ઘટના નહોતી. ગુજરાતી કવિતાવિશ્વની ઘટના હતી, જે ભવિષ્યમાં ગુજરાતીઓના ભાવવિશ્વમાં અમર થઇ જવાની હતી.

આ કવિએ પોતાની ગીતોથી ગુજરાતીઓને ડોલાવ્યા છે. આજ સવારે આંગળીઓને સાવ અવાચક મેલી, ને મુઠ્ઠીમાંથી ખડીંગ દઈને ખરી પડ્યું અમરેલી ગાઇને પોતાના વતન અમરેલીને બેશૂમાર પ્રેમ કર્યો છે. પોતાની મૂછોને પોતાના ચહેરાનું ઘરેણું ગણાવનાર આ કવિ ખુદ ગુજરાતી સાહિત્યજગતનું અણમોલ ઘરેણું છે. એને ઘણી ખમ્મા આજના જન્મદિવસે!

છેલભાઈની વાત સાચી જ છે. છ અક્ષરનું આ નામ ગુજરાતી કવિતાનો એક ચમત્કાર જ છે!

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

‘મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં પાછા ફર્યાનો મને આનંદ થયો છે’: હાર્દિક પંડ્યાના પ્રત્યાઘાત

મુંબઈઃ આઈપીએલ સ્પર્ધાની ટીમ મુંબઈ ઈન્ડિયન્સે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે કે આવતા વર્ષે રમાનાર સ્પર્ધા પૂર્વે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની ટીમમાં પાછો ફર્યો છે. આમ, તે ગુજરાત ટાઈટન્સ ટીમમાંથી છૂટો થયો છે. બીજી બાજુ, પંડ્યાએ પણ એવું કહીને પ્રત્યાઘાત આપ્યા છે કે મુંબઈ ટીમમાં પાછા ફર્યાનો તેને આનંદ થયો છે. આમ કહીને તેણે મુંબઈ ટીમે એને પહેલી વાર પસંદ કર્યો હતો તે સમયની યાદ તાજી કરી છે.

વડોદરામાં જન્મેલા પંડ્યાએ 2015માં તેની આઈપીએલ કારકિર્દી મુંબઈ ઈન્ડિયન્સ સાથે શરૂ કરી હતી. મુંબઈએ 2015, 2017, 2019 અને 2021માં વિજેતાપદ હાંસલ કર્યું હતું. એ ચારેય વખત પંડ્યા મુંબઈ ટીમનો સભ્ય હતો. મુંબઈ ટીમે પંડ્યાને રૂ.15 કરોડની કિંમતે ગુજરાત ટાઈટન્સ પાસેથી પાછો ખરીદ્યો છે. મુંબઈ ટીમના માલિકોએ એક અન્ય ઓલરાઉન્ડર – કેમરન ગ્રીનને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ પાસેથી ખરીદી લીધો છે.

IPL 2024: શુભમન ગિલ બન્યો ગુજરાત ટાઇટન્સનો નવો કેપ્ટન

નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યાએ ગુજરાત ટાઇટન્સ (GT)નો સાથ છોડી દીધો છે. હવે તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમશે. એ સાથે ગુજરાતે નવા કેપ્ટનની જાહેરાત પણ કરી દીધી છે. ગુજરાત ફ્રેન્ચાઇઝી તરફથી સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે કે શુભમન ગિલ IPLની આગામી સીઝન માટે ટીમનો કેપ્ટન હશે.

ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલે કેપ્ટનશિપને લઈને કહ્યું હતું કે હું બહુ ખુશ છું અને ગર્વ અનુભવી રહ્યો છું. મારી પર વિશ્વાસ દર્શાવવા માટે ફ્રેન્ચાઇઝીનો આભાર વ્યક્ત કરું છું. અમારી બે સીઝન શાનદાર રહી હતી અને ટીમને લીડ કરવા અને શાનદાર ક્રિકેટ રમવા માટે ઉત્સાહિત છું.

રવિવારે હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સથી મુંબઈ ઇન્ડિયન્સમાં ચાલ્યો ગયો હતો. મુંબઈએ IPL ઇતિહાસમાં સૌથી મોટો ટ્રેડ કરતાં રૂ. 15 કરોડમાં હાર્દિકને પોતાની સાથે જોડ્યો હતો. હાર્દિકે કેરિયરનો પ્રારંભ એ ટીમ સાથે જ કર્યો હતો. તે વર્ષ 2021માં લીગમાં સૌપ્રથમ વાર ગુજરાત ટાઇટન્સમાં કેપ્ટન તરીકે જોડાયો હતો. તે GTમાં હતો, ત્યારે ટીમ બે વાર ફાઇનલમાં પહોંચી હતી અને એક વાર ચેમ્પિયન પણ બની હતી.

GTના ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકીએ કહ્યું હતું કે શુભમન ગિલ છેલ્લા બે વર્ષોમાં ઘણો ગ્રોથ દેખાડ્યો છએ. અમે તેને માત્ર એક બેટ્સમેન જ નહીં, પણ એક લીડત તરીકે પણ પરિપક્વ થતા જોયો છે. તેણે વર્ષ 2022 અને 2023માં ફીલ્ડ પર ટીમ માટે ઘણુંબધું કર્યું છે.

 

 

 

 

 

ન્યૂયોર્કમાં ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાનીઓએ ભારતીય રાજદૂતને ધક્કે ચઢાવ્યા

ન્યૂયોર્કઃ અહીંના એક ગુરુદ્વારાની બહાર ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત તરનજીતસિંહ સંધુ સાથે ધક્કામુક્કી કરી હતી અને એવો આરોપ મૂક્યો હતો કે તમે શીખ અલગતાવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરાવી છે અને (પ્રતિબંધિત સંગઠન) શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે)ના (ઘોષિત આતંકવાદી) ગુરપતવંતસિંહ પન્નૂનની હત્યાનું ષડયંત્ર પણ તમે ઘડ્યું હતું.

આ બનાવ ભારતના વિદેશ ખાતાના પ્રવક્તા અરિંદમ બાગ્ચીએ ગઈ 22 નવેમ્બરે કરેલા એક નિવેદનના થોડાક દિવસો બાદ બન્યો છે. બાગ્ચીએ ત્યારે કહ્યું હતું કે અમેરિકી સત્તાવાળાઓએ એમને એવી જાણ કરી હતી કે અમેરિકામાં સંગઠિત અપરાધીઓ, બંદૂકોના તસ્કરો, આતંકવાદીઓ તથા અન્યો વચ્ચે સાંઠગાંઠ પ્રવર્તે છે જે બંને દેશ માટે ચિંતાનું કારણ છે અને અમેરિકાના સત્તાવાળાઓએ આવા લોકો સામે જરૂરી પગલું ભરવાનો નિર્ણય લીધો છે. પરંતુ ન્યૂયોર્કમાં હિક્સવિલ ગુરુદ્વારાની બહાર બનેલા બનાવે વધુ ચિંતા ઉપજાવી છે. એમાં એક વ્યક્તિ રાજદૂત સંધુને મોટા અવાજે એવું કહેતા સંભળાયો હતો કે તમે નિજ્જરની હત્યા કરાવી છે.

ઉલ્લેખનીય છે કે નિજ્જરને આ વર્ષના જૂન મહિનામાં કેનેડામાં અજ્ઞાત વ્યક્તિઓએ ઠાર માર્યો હતો.

રાજદૂત સંધુને ઘેરી વળીને બૂમો પાડતા લોકોનો એક વીડિયો ભાજપના પ્રવક્તા આર.પી. સિંહ ખાલસાએ આજે X (ટ્વિટર) પર શેર કર્યો છે. એમણે લખ્યું છે, ‘ખાલિસ્તાનીઓએ ભારતીય રાજદૂત તરનજિતસિંહ સંધૂને ધક્કે ચડાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગુરપતવંતસિંહની નિષ્ફળ ગયેલી હત્યાનું ષડયંત્ર ઘડવાનો એમની પર આરોપ મૂક્યો હતો. હિક્સવિલ ગુરુદ્વારા ખાતે ખાલિસ્તાની સમર્થકોની આગેવાની હિંમતસિંહે લીધી હતી.’

કોઈ અસામાન્ય કે નવી બીમારી સામે નથી આવીઃ ચીન

બીજિંગઃ ચીનમાં કોરોના વાઇરસ પછી ઝડપથી ફેલાઈ રહેલી એક નવી રહસ્યમય બીમારીએ વિશ્વને ફરી એક વાર ચિંતામાં મૂકી દીધું છે. વિશ્વ આરોગ્ય સંગઠન પણ એ માટે ચેતવણી જારી કરી ચૂક્યું છે. આ નવી બીમારી બાળકોને વધુ શિકાર બનાવી રહી છે. એને પગલે 7000 બાળકો પ્રતિ દિન હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા ચીનથી શ્વસન સંબંધી બીમારીઓ અને ન્યુમોનિયાના મામલાઓમાં સંભવિત ચિંતાજનક વૃદ્ધિ વિશે માહિતી આપવાની સત્તાવાર વિનંતી કર્યા બાદ ચીની અધિકારીઓએ કહ્યું હતું કે તેમના દેશમાં કોઈ અસામાન્ય કે નવી બીમારી સામે નથી આવી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સ્થિતિ પર કડક નિગરાની રાખવાની જરૂર છે, પરંતુ તેઓ એ વાતા પાકે પાયે નથી કહી શકતા કે ચીનમાં શ્વસન સંબંધી બીમારીઓમાં હાલમાં થઈ રહેલો વધારો કોઈ નવો વૈશ્વિક સંક્રમણના પ્રારંભનો સંકેત છે કે નહીં.

રોગચાળો ફેલાવી શકતા વાઇરસ કે સંક્રમણનો પ્રારંભ સામાન્ય રીતે શ્વાસ સંબંધી બીમારીના અજાયા સ્વરૂપથી પ્રારંભ થાય છે. સાર્સ અને કોવિડ 19- બંનેને સૌથી પહેલાં અસામાન્ય પ્રકાર ન્યુમોનિયા બતાવવામાં આવ્યો હતો.

WHOએ કહ્યું હતું કે રાષ્ટ્રીય આરોગ્ય પંચના અધિકારીઓએ શ્વસન સંબંધી બીમારીઓમાં વધારોની માહિતી આપી હતી. પંચના અધિકારી કહ્યું હતું કેં શ્વાસ સંબંધી બીમારીઓ એટલે વધી રહી છે, કેમ કે કોવિડ-19થી નીપટવા માટે લાગુ કરવામાં લોકડાઉન સંબંધિત પ્રતિબંધો બધા હટાવી દેવામાં આવ્યા છે.

ચીની અધિકારીઓએ કહ્યું હતું કે તેમના દેશમાં કોઈ અસામાન્ય કે નવી બીમારી સામે નથી અને એમના દેશની હોસ્પિટલો પર કોઈ વધારાનો બોજ નથી વધ્યો.

 

 

 

 

 

 

અમેરિકાએ TCS પાસે 21 કરોડ ડોલર માગ્યા, જાણો કેમ?…

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી IT કંપની TCSને અમેરિકામાં આંચકો લાગ્યો છે. અમેરિકાની એક જ્યુરીએ કંપનીને 21 કરોડ ડોલર એટલે કે રૂ. 17,50,01,08,500ની ચુકવણી કરવા માટે આદેશ આપ્યો છે. ટાટા ગ્રુપની કંપની પર આરોપ છે કે કંપનીએ સોફ્ટવેર પ્લેટફોર્મ TCS Bancs ને વિકસાવવા માટે અમેરિકાની IT સર્વિસિસ કંપની ડીએક્સસી (DXC)નો સોર્સ કોડનો દુરુપયોગ કર્યો હતો.

DXCને પહેલાં CSCને નામે ઓળખાતી હતી. જ્યુરીએ કહ્યું હતું કે TCSએ CSCના પ્રોપ્રાઇટરી પ્લેટફોર્મમાં ઘૂસીને ટ્રેડ સિક્રેટને એક્સેસ કર્યું હતું.

TCSને અમેરિકામાં આ બીજો આંચકો છે. આ પહેલાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે પણ કંપનીને 14 કરોડ ડોલરની ચુકવણી કરવા માટે આદેશ આપ્યો હતો. એ મામલેમાં કંપની પર આરોપ હતો કે એને ઓથોરાઇઝેશન વિના એપિક સિસ્ટમ્સના વેબ પોર્ટલને એક્સેસ કર્યું હતું. એ વિશે કંપનીએ કહ્યું હતું કે કંપની જ્યુરીના ચુકાદાથી સહમત નથી. આ મામલાનો ચુકાદો હવે કોર્ટમાં થશે. જેથી બધા પક્ષો પાસે માહિતી મગાઈ છે. કંપની આ મામલે કાનૂની લડાઈ જારી રાખશે.

 વર્ષ 2018માં કંપનીને ટ્રાન્સઅમેરિકા પાસેથી 2.5 અબજ ડોલરનો સોદો મળ્યો હતો, પરંતુ આ વર્ષે જૂનમાં ટ્રાન્સઅમેરિકાએ કંપનીની સાથે બે અબજ ડોલરનો સોસો ખતમ કર્યો હતો. કંપનીએ આ માટે મેક્રોઇકોનોમિક પરિસ્થિતિઓનો હવાલો આપ્યો હતો.

 

 

 

 

 

 

કોરાનાના 21 નવા કેસો, એક પણ મોત નહીં   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 21 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,785 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,298 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,236 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 19 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 251 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,77,328 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 34 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ઉત્તરકાશી ટનલ બચાવકાર્ય: વર્ટિકલ ડ્રિલિંગમાં પ્રગતિ, બે દિવસમાં ખુશખબરની ધારણા

ઉત્તરકાશી (ઉત્તરાખંડ): ગઈ દિવાળીના દિવસથી અહીંની બાંધકામ હેઠળની સિલક્યારા ટનલમાં ફસાઈ ગયેલા 41 કામદારોને બચાવવાની કામગીરીનો આજે 16મો દિવસ છે. મોટી ભેખડ (પહાડ) ધસી પડવાને કારણે ટનલનું પ્રવેશદ્વાર બંધ થઈ ગયું છે અને કામદારો અંદર ફસાઈ ગયા છે. પહાડની ટોચ પરથી વર્ટિકલ (ઊભું) ડ્રિલિંગ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 31 મીટરનું ડ્રિલિંગ કામ પૂરું થઈ ગયું છે. કામદારો 86 મીટરના અંતરે છે. કામદારોને બચાવવા માટે 1.2 મીટર ડાયામીટરની પાઈપલાઈન નાખવા માટે આ ડ્રિલિંગ વર્ક કરવામાં આવી રહ્યું છે.

હોરિઝોન્ટલ (આડા) ડ્રિલિંગ કામ માટે ઉપયોગમાં લેવામાં આવેલું અમેરિકન ઓગર મશીન તૂટી જતાં વર્ટિકલ ડ્રિલિંગનો વિકલ્પ હાથ ધરાયો છે. ટનલના કાટમાળમાં ફસાઈ ગયા બાદ ઓગર મશીનના ટૂકડા થઈ ગયા હતા. મશીન જ કાટમાળમાં ફસાઈ ગયું હતું. પણ એન્જિનિયરો તે મશીનને કાટમાળમાંથી હટાવી દેવામાં આજે સવારે સફળ થયા છે. હવે જો કોઈ અવરોધ ન આવે તો શ્રમિકો સુધી બે જ દિવસમાં પહોંચી શકાશે. વર્ટિકલ ડ્રિલિંગ કામ માટે 100 કલાકનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. દરમિયાન, લાઈફલાઈન (150 વ્યાસની પાઈપલાઈન) મારફત શ્રમિકોને નિયમિત રીતે તાજું તેમજ સૂકું ભોજન, ફળ, દવાઓ મોકલવામાં આવી રહ્યા છે.