Home Blog Page 2190

દિલ્હીથી પંજાબ સુધી ગાઢ ધુમ્મસઃ 20 જણનાં મોત

નવી દિલ્હીઃ ઉત્તર ભારતનાં રાજ્યોમાં ડિસેમ્બર પૂરો થતાં-થતાં ગાઢા ધુમ્મસનો પ્રારંભ થયો છે. નવી દિલ્હી સહિત કેટલાંય રાજ્યોમાં ધુમ્મસનો કહેર જોવા મળી રહ્યો છે. નવી દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે. ધુમ્મસને કારણે રસ્તો પર ટ્રાફિક ધીમો થઈ ગયો છે. ઉત્તર ભારતની સાથે મધ્ય ભારતમાં પણ ધુમ્મસ છવાયેલું જોવા મળી રહ્યું છે. આકરી ઠંડી અને ભારે ધુમ્મસને કારણે લોકોની મુશ્કેલી વધી છે.

દિલ્હી-એનસીઆરમાં ઠંડીની સાથે રોડ પર ધુમ્મસ પણ જોવા મળી હતી. સવારના સમયે યમુના નદીના કિનારે ધુમ્મસના સ્તર જોવા મળ્યા હતા. ઠંડી અને તેના કારણે થયેલા અકસ્માતોની ઘટનામાં છેલ્લા 24 કલાકમાં 20 લોકોના મોત થયાં છે.

દિલ્હી અને કાશ્મીરથી લઈને દક્ષિણ ભારતના તેલંગણા અને દક્ષિણ-પૂર્વના ઓડિશા સુધીનાં 11 રાજ્યોમાં ધુમ્મસને કારણે વાહનોની અવરજવરની ગતિ ધીમી પડી ગઈ હતી. ધુમ્મસ છવાઈ જવાથી જોવામાં તકલીફ પડતાં રોડથી લઈને રેલવે તથા વિમાનોની ઉડાણ પ્રભાવિત થઈ હતી.  ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને તેલંગાણામાં માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે. જમ્મુ-કાશ્મીરમાં કેટલીયે જગ્યાએ તાપમાનનો પારો શૂન્યથી નીચે(માઈનસમાં) પહોંચી ગયો છે. જમ્મુ-કાશ્મીરનું પહલગામ સૌથી ઠંડું રહ્યું છે.

હવામાન નિષ્ણાતોના કહેવા પ્રમાણે વર્ષના છેલ્લા દિવસોમાં હવામાનમાં પલટાને કારણે યુપી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને તમિલનાડુમાં વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશના હાપુડમાં ભારે ધુમમસને પગલે નેશનલ હાઈવે પર એક પછી એક 18 વાહનો અસરપરસ ટકરાયા હતા. જેના કારણે કેટલીક કારોને નુકસાન થયું હતું. દુર્ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાજ્યમાં ટ્રેનોની અવરજવર ધીમી પડી. હાથરસમાં પણ આઠ વાહનોની ટક્કરમાં 28 લોકો ઘાયલ થયા છે. ઝાંસીમાં ત્રણ વાહનો ટકરાયા હતા. પ્રવાસી બસની ટ્રક સાથે ટક્કર થતાં બે લોકોના મોત થયા છે, જ્યારે 15 ઘાયલ થયા છે.

 

 

 

 

 

 

કેન્દ્રએ મુસ્લિમ લીગ (JK) પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અલગાવવાદી કામકાજમાં સામેલ અને આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપનારી મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસર્રત આલમ જૂથ) (MLJK-MA)ને બુધવારે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે એક્સ (ટ્વિટર) પર લખ્યું કે આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રવિરોધી અને અલગતાવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપે છે અને જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે લોકોને ઉશ્કેરે છે.

ગૃહમંત્રી અમિત શાહે કારણ પણ જણાવતા લખ્યું કે આ સંગઠન ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ છે અને લોકોને જમ્મુ-કાશ્મીરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે ઉશ્કેરે છે. ગૃહપ્રધાને લખ્યું છે કે સરકારનો સંદેશ જોરદાર અને સ્પષ્ટ છે કે આપણા રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાની વિરુદ્ધ કામ કરનાર કોઈ પણ વ્યક્તિ કે સંગઠનને છોડવામાં નહીં આવે અને તેને કાનૂનના પૂર્ણ પ્રકોપનો સામનો કરવો પડશે. મસરત આલમ 2019થી જેલમાં બંધ છે.

કોણ છે મસરત આલમ?

મસરત આલમ ભટ 2019થી દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે, તેને 2021માં કાશ્મીરી કટ્ટરપંથી અલગાવવાદી જૂથ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સ (APHC)નો અધ્યક્ષ બનાવવામાં આવ્યો હતો. NIAએ 50 ટેરર ફંડિંગ કેસમાં કેસ નોંધ્યો ત્યારથી તે તિહાડ જેલમાં છે. આ પહેલાં પણ મસરત આલમની 2010માં ધરપકડ કરવામાં આવી હતી.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આલમ સામે 27 FIR નોંધાયેલી છે અને 36 વખત PSA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

 

 

 

 

તેજીનો આખલો ભૂરાંટો થયોઃ સેન્સેક્સ, નિફ્ટીમાં રેકોર્ડતોડ તેજી

અમદાવાદઃ સ્થાનિક સ્ટોક માર્કેટમાં સતત ચોથા દિવસે આગઝરતી તેજી થઈ હતી. જેથી ઘરેલુ BSE સેન્સેક્સ, નિફ્ટી 50 અને બેન્ક નિફ્ટી રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે. ડિસેમ્બર એફ એન્ડ ઓ એક્સપાયરીથી ઠીક પહેલાં સ્ટોક માર્કેટ નવા શિખરે બંધ થયાં હતાં. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ધૂમ લેવાલી જોવા મળી હતી. સેન્સેક્સ સૌપ્રથમ વાર 72,000 અને નિફ્ટી 21,600ને પાર પહોંચ્યો છે.

BSE પર લિસ્ટેડ બધી કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 361 લાખ કરોડને પાર પહોંચ્યું છે. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ 701.63 પોઇન્ટ ઊછળી 72,038.43 અને નિફ્ટી 213.50 પોઇન્ટના મથાળે બંધ રહ્યા હતા. રોકાણકારોએ બજારની તેજીમાં રૂ. 2.29 લાખ કરોડની કમાણી કરી હતી. જ્યારે ચાર દિવસમાં રોકાણકારોએ રૂ. 11 લાખ કરોડની કમાણી કરી હતી, જ્યારે ડિસેમ્બરમાં રોકાણકારોએ અત્યાર સુધી રૂ. 26 લાખ કરોડની કમાણી કરી હતી.

અમેરિકાની ફેડ બેન્કે વ્યાજદરોમાં કાપના સંકેત આપ્યા છે. એ સાથે અમેરિકામાં મોંઘવારી દરમાં નરમ વલણ છે. ફેડ રિઝર્વ આગામી વર્ષે માર્ચમાં વ્યાજદરોમાં કાપ મૂકે એવી શક્યતા છે. જેથી નાણાકીય સિસ્ટમમાં રોકડની તરલતામાં વધારો થશે. એનાથી કંપનીઓનો નફામાં પણ વધારો થવાની શક્યતા છે.

આ સાથે ભારતીય અર્થતંત્રનું આઉટલૂક મજબૂત રહેવાની સંભાવના છે. ફિચના અંદાજ અનુસાર ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રમાં સામેલ થશે. વર્ષ 2024-25 સુધી ભારતનો GDP 6.5 ટકા રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એ 6.9 ટકા રહેવાનો અંદાજ છે.

નવેમ્બરમાં FIIએ ભારતીય શેરબજારોમાં રૂ. 24,546 કરોડ ઠાલવ્યા પછી ડિસેમ્બરમાં અત્યાર સુધી FPIsએ રૂ. 78,903 કરોડનું મૂડીરોકાણ કર્યું છે. સ્મોલકેપ અને મિડકેપમાં સતત તેજી જારી છે, ત્યારે હવે લાર્જકેપ શેરોમાં પણ તેજીની આગેકૂચ થઈ રહી છે.

 

 

 

 

 

 

દેશમાં કોરોનાના JN.1 વેરિયન્ટના સૌથી વધુ કેસ ગુજરાતમાં

અમદાવાદઃ કોરોના રોગચાળાએ ફરી એક વાર રાજ્યમાં ચિંતા વધારી છે. દેશમાં JN.1ના સૌથી વધુ કેસ જોવા રાજ્યમાં જોવા મળ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ રાજ્યમાં ઝડપથી પ્રસરી રહ્યો છે. રાજ્યમાં હાલ JN.1 વેરિયન્ટના 36 કેસ સક્રિય છે. કેરળ-રાજસ્થાન સહિત આઠ રાજ્યોમાં કુલ 109 કેસ છે, જેમાં ગુજરાત સૌથી ટોચ પર છે. જોકે કોરોનાના નવા વેરિયન્ટના એક પણ કેસ હોવાનો કોઈ જ સત્તાવાર રિપોર્ટ અમારી પાસે નથી, તેવું કોર્પોરેશનના ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો ભાવિન સોલંકીએ જણાવ્યું હતું.

દેશમાં કોરોનાનો નવા JN.1. વેરિયન્ટના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 109 પર પહોંચી ગઈ છે, જ્યારે આંકડા અનુસાર રાજ્યમાં JN.1 વેરિયન્ટના સૌથી વધુ 36 કેસ ગુજરાતમાં છે. આ ઉપરાંત ગોવામાં 18 કેસ, કર્ણાટકમાં 8 કેસ, મહારાષ્ટ્રમાં 7, કેરળ અને રાજસ્થાનમાં 5-5, તામિલનાડુમાં 4 અને તેલંગાનામાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે.દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 529 કેસ સામે આવ્યા છે. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4093 પાર થઈ ગઈ છે. તો ત્રણ સંક્રમિત દર્દીઓના મોત થયા છે. જેમાં બે કર્ણાટકના દર્દી અને એક દર્દી ગુજરાતનો છે.

અમદાવાદમાં ૩૫ કુલ કોરોના એક્ટિવ કેસ નવા ઉમેરાયા હતા. આ સાથે જ શહેરમાં હાલ કોવિડના 42 એક્ટિવ કેસ થયા છે. નવા કેસ નવરંગપુરા, નારણપુરા , જોધપુર, થલતેજ, સરખેજ અને ગોતામાં નોંધાયા છે. જેમાં એક દર્દી હોસ્પિટલમાં જયારે 41 દર્દી હોમ આસોલેશનમાં સારવાર હેઠળ છે. સંક્રમિત થયેલા બે દર્દી USથી દુબઈથી આવ્યા હતા.

 

 

 

 

 

બોયફ્રેન્ડ સાથે લગ્નની અફવા પર શ્રુતિ હાસને પ્રતિક્રિયા આપી

નવી દિલ્હીઃ એક્ટ્રેસ શ્રુતિ હાસન છેલ્લા કેટલા દિવસોથી પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે ચૂપચાપ લગ્ન કરી લીધાં હોવાના સમાચાર છે. બોલીવૂડ સેલિબ્રિટી ઓરીએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ લખી હતી, જેમાં તેમણે તેના બોયફ્રેન્ડને પતિ ગણાવ્યો હતો. ઓરીએ રેડિટ પર આસ્ક મી એનિથિંગ સેશનમાં શ્રુતિ હાસનને લઈને અનેક નિવેદનો કર્યાં હતાં.

એ સેશનમાં તેમણે ખુલાસો કર્યો હતો કે એક કાર્યક્રમમાં શ્રુતિ હાસને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. એ વાતચીતમાં તેમણે શ્રુતિ હાસનના પ્રેમી શાંતનુ હઝારિકાને તેના પતિ તરીકે સંબોધિત કર્યો હતો, જેથી એક્ટ્રેસે ચૂપચાપ લગ્ન કરી લીધા હોવાની અફવાઓ વહેતી થઈ હતી. હવે હાલમાં એ વાત પર શ્રતિ હાસને એક પોસ્ટ શેર કરીને મૌન ભંગ કર્યું છે. શ્રુતિએ ઇન્સ્ટા પર એક પોસ્ટમાં લખ્યું છે. મેં લગ્ન નથી કર્યા. એવી વ્યક્તિ જે દરેક બાબતે ખુલ્લો છે તો પછી હું એને કઈ રીતે છુપાવું? જે લોકો મને બિલકુલ નથી જાણતા, કૃપયા શાંત થઈ જાય.

બીજી બાજુ, શ્રુતિ હાસનના બોયફ્રેન્ડ શાંતનુ હઝારિકાએ પણ ઇન્સ્ટા પર એક પોસ્ટમાં લગ્નની અફવા વિશે સ્પષ્ટતા કરી છે. તેણે લખ્યું છે કે તમારે શાંત થવું પડશે. જે લોકો અમને નથી ઓળખતા, કૃપયા અફવા ફેલાવવાનું બંધ કરે. શ્રુતિનો બોયફ્રેન્ડ ડૂડલ આર્ટિસ્ટ છે. જે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના મોટા કલાકાર રફતાર, ડિવાઇન, રિત્વિજ જેવા કલાકારો સાથે કામ કરી ચૂક્યો છે. તેઓ બંને એકમેકને વર્ષ 2018થી જાણે છે અને ડેટ કરી રહ્યા છે.

 

 

ફ્રાન્સથી પરત ફરેલા પેસેન્જરો સાથે ગુજરાત પોલીસ કરશે સમન્વય

અમદાવાદઃ ગુજરાત પોલીસે એજન્ટોથી જોડાયેલા એક સંદિગ્ધ ગેરકાયદે ઇમિગ્રેશન નેટવર્કની તપાસ  કરવા માટે ટીમોની રચના કરી છે અને ફ્રાન્સથી મુંબઈમાં ઊતરનારા વિમાનના પ્રવાસીઓની સાથે સમન્વય કરશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી. આ વિમાનમાં કેટલાય પ્રવાસી ગુજરાતથી છે.

એરબસ A340માં 276 પેસેન્જરો હતા, જેમાં મોટા ભાગના ભારતીય હતા. તેમને માનવ દાણચોરીના સંદેહમાં ચાર દિવસો માટે ફ્રાંસમાં અટકાવવામાં આવ્યા હતા. તેમને મંગળવારે સવારે મુંબઈમાં ઉતારવામાં આવ્યા હતા.

CID ક્રાઇમ એ એજન્ટોની વિરુદ્ધ કાર્યવાહી કરવા ઇચ્છે છે, જેમણે પીડિતોને અમેરિકા અને અન્ય દેશોમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરવામાં મદદ કરવાનાં વચનો આપ્યાં હતા. અમે ચાર ટીમો બનાવી છે, જે પીડિતોથી એ એજન્ટો દ્વારા તેમને કરવામાં આવેલાં વચનો વિશે માહિતી એકત્ર કરે એમ CID ક્રાઇમના સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ સંજય ખરાતે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ફ્રાંસથી પરત પરત ફરેલા ચાર્ટર્ડ પ્લેનમાં મોટા ભાગના પેસેન્જરો ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જિલ્લાના હતા. પેસેન્જરો જ્યારે મુંબઈથી ગુજરાત પહોંચશે તો પોલીસ તેમની સાથે સમન્વય કરશે, જેથી એમાં સામેલ એજન્ટો અને એજન્સીઓ વિશે માહિતી મળી શકે અને એ પણ માલૂમ પડે કે શું તેમને અમેરિકા અને અન્ય દેશોમાં પ્રવાસ માટે આપવામાં આવેલા દસ્તાવેજો નકલી છે? વળી, કેટલા લોકોને આ રીતે વિદેસ મોકલવામાં આવ્યા છે અને કોણ લોકો છે, જે આ પ્રકારે પ્રવાસ કરવાનું ઇચ્છે છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

kL રાહુલ માટે ‘બોક્સિંગ ડે’ એટલે કે 26 ડિસેમ્બરની તારીખ લકી

નવી દિલ્હીઃ kL રાહુલ માટે બોક્સિંગ ડે એટલે કે 26 ડિસેમ્બરની તારીખ દરેક વખતે લકી રહી છે. સેન્ચુરિયનમાં ટેસ્ટના પહેલા દિવસે પર KL રાહુલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. આ પહેલાં 26 ડિસેમ્બર, 2014એ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ તેણે મેલબોર્નમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2012માં તેણે સેન્ચુરિયનમાં જ આ જ તારીખે 123 રનની શાનદાર ઇનિંગ્સ આફ્રિકી ટીમ સામે રમી રહી હતી. આ તેના માટે 26 ડિસેમ્બર, 2023ની તારીખ પણ લકી રહી છે.

KL રાહુલે સેન્ચુરિયનમાં સદી ફટકારી હતી, જેથી ભારતે પહેલી ટેસ્ટ જીતી હતી, પણ સિરીઝ 1-2થી હારી ગઈ હતી. મંગળવારે તેને એક નવી જવાબદારી સોંપવામાં આવી હતી, જેના પર ભારતીય ક્રિકેટ વિશ્વમાં એક નવી ડીબેટ છેડાઈ હતી. 31 વર્ષીય ક્રિકેટરે 48મી ટેસ્ટમાં વિકેટકીપર કમ બેટ્સમેન તરીકેની હાજરી નોંધાવી હતી. એક વર્ષ પહેલાં ઋષભ પંતના થયેલા રોડ એક્સિડન્ટ બાદ આ પદે એ ત્રીજો ક્રિકેટર હતો.

સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા 5 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. યશસ્વી જયસ્વાલ 17 અને શુભમન ગિલ 2 રને આઉટ થયા હતા. આમ ભારતે 24 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી અને ઐયરે 68 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. જોકે લંચ પછી શ્રેયસ ઐયર (31 )અને વિરાટ કોહલી (38) જલદી આઉટ થઈ ગયા હતા. ભારતે 107 રને પાંચમી વિકેટ ગુમાવી હતી. અશ્વિન 8 અને શાર્દુલ ઠાકુર 24 રને આઉટ થયા હતા. કેએલ રાહુલે અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. કેએલ રાહુલ 105 બોલમાં 10 ફોર 2 સિક્સર સાથે 70 રન સાથે ક્રીઝ પર છે. દક્ષિણ આફ્રિકા તરફથી રબાડાએ સૌથી વધારે પાંચ વિકેટ ઝડપી હતી.

 

 

 

કોરાનાના 529 નવા કેસો, ત્રણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 69 દર્દી મળી ચૂક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 529 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,10,189 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,340 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,72,756 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 603 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4093 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.

હાલમાં WHO અને ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે JN.1 ને વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લગાવવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ શકે છે. જોકે રાજ્યમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

લોકોને ક્રિસમસ અને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.

 

 

 

 

 

 

 

તૃપ્તિને મળી ‘આશિકી 3’; કાર્તિક સાથે કરશે રોમાન્સ

મુંબઈઃ રણબીર કપૂર અભિનીત અને સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત ‘એનિમલ’ ફિલ્મ આ વર્ષમાં સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. એણે ભારતમાં અત્યાર સુધીમાં રૂ. 640 કરોડ અને વિશ્વસ્તરે રૂ. 875 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં ‘ઝોયા’નો રોલ કરનાર અભિનેત્રી તૃપ્તિ ડિમરી સૌનું ધ્યાન આકર્ષિત કરી ગઈ છે. ‘એનિમલ’થી એને મોટો ફાયદો થયો છે. એને મોટા બજેટવાળી એક નવી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મળી છે.

અહેવાલો અનુસાર, તૃપ્તિને ‘આશિકી 3’ ફિલ્મમાં કાર્તિક આર્યનની હિરોઈનનો રોલ મળ્યો છે. મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ ‘આશિકી’ની એ ત્રીજી આવૃત્તિ હશે. આનું દિગ્દર્શન અનુરાગ બાસુ કરવાના છે, જેઓ અગાઉ ‘બરફી’, ‘જગ્ગા જાસૂસ’ અને ‘ગેંગસ્ટર’ ફિલ્મો બનાવી ચૂક્યા છે. ‘આશિકી 3’નું શૂટિંગ 2024ના પહેલા ક્વાર્ટરમાં શરૂ કરાશે. ફિલ્મની રિલીઝ તારીખ હજી જાહેર કરાઈ નથી.

મૂળ ‘આશિકી’ ફિલ્મ 1990માં મહેશ ભટ્ટે બનાવી હતી. એમાં રાહુલ રોય અને અનૂ અગ્રવાલની રોમેન્ટિક જોડી હતી. ફિલ્મના ગીતોએ દેશભરના સંગીતપ્રેમીઓને ઘેલું લગાડ્યું હતું. તે પછી 2013માં ‘આશિકી 2’ ફિલ્મ આવી હતી, જેનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું હતું. તેમાં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની જોડી હતી. તે ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ થઈ હતી.

30મીએ પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટે રામનગરી અયોધ્યા સજ્જ

અયોધ્યાઃ આવતી 30 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે અયોધ્યા નગર સજ્જ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે તૈયારીઓમાં કોઈ કચાશ રાખી નથી. એ દિવસે વડા પ્રધાન મોદી અયોધ્યામાં ‘મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ’નું ઉદઘાટન કરવાના છે. ઉદઘાટન કર્યા બાદ મોદી એરપોર્ટ નજીકના સ્થળે એક જાહેર સભાને સંબોધિત કરશે. ત્યાંથી તેઓ અયોધ્યા નગર તરફ જશે. એ માટે 15 કિલોમીટર લાંબા રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડશોના રૂટને ‘ધરમ પથ’ નામ આપવામાં આવ્યું છે. રોડશો રૂટ અયોધ્યા એરપોર્ટથી લતા મંગેશકર ક્રોસિંગ અને અયોધ્યા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થશે. સમગ્ર રૂટ પર અયોધ્યાના વિવિધ મઠ તથા મંદિરોના સાધુસંતો અને સ્થાનિક લોકો મોદીનું સ્વાગત કરશે. મોદી પર પુષ્પવર્ષા કરવામાં આવશે.

રોડશોમાં ત્રણ લાખ જેટલા લોકો સામેલ થાય એવી ધારણા છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર, સમગ્ર રૂટ પર ડેકોરેશન કરવામાં આવશે. રામાયણ કથાના પ્રકરણો અને ભગવાન શ્રી રામના જીવન સંબંધિત ઘટનાઓનું વર્ણન દર્શાવતા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે.