Home Blog Page 2084

અમદાવાદની આ પોળો પારકાને પાર્કિંગ નહીં કરવા દે

અમદાવાદઃ શહેરમાં આ જૂની કહેવત વારંવાર બોલાતી ‘ખાળે ડૂચા ને પોળો ઉઘાડી’  અને બીજે બોલાય છે, ‘ખાળે ડૂચા અને દરવાજા ઉઘાડા’ હવે ગીચ થતી શહેરની સાંકડી ગલીઓની પોળોના દરવાજા બંધ કરવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે શહેરમાં વધતાં વાહનો, રહેણાક વિસ્તારનો કોમર્શિયલ ઉપયોગ, ઘર ગોડાઉનમાં ફેરવાઈ રહ્યા છે.

અમદાવાદના માણેકચોક વિસ્તાર પાસે આવેલી સાંકડી શેરીની ઝૂંપડીની પોળનો દરવાજો ત્યાંના રહીશ સિવાયના લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બંગલા અને ફ્લેટની જેમ દરવાજા સભ્યો માટે જ ખુલ્લા.

માણેકચોક ઝૂંપડીની પોળના નાકે બેઠેલા જયેન્દ્ર કંસારા ચિત્રલેખા.કોમને કહે છે, શહેરની સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. વાહન વધતાં જાય છે રહેણાક વિસ્તારનું સ્વરૂપ માર્કેટમાં ફેરવાઈ ગયું છે. આડેધડ ટેમ્પા અને વાહનો માર્ગો પર દોડ્યા કરે છે. શહેરની મધ્યનું બજાર હોવાને કારણે લોકો ગમે ત્યાં પાર્કિંગ કરી જતા રહે છે. અન્ય માર્કેટમાં જવાનું હોય તેમ જ છતાં બીજાની પોળો ગલીઓમાં લોકો બીજાના આંગણામાં પાર્કિંગ કરી જતા રહે. જેથી એ ઘરનો માલિક જ પોતાનું વાહન પાર્ક ના કરી શકે એવી સ્થિતિ સર્જાય છે.

વધુમાં કહે છે, વાહન હટાવવાનું કે અન્ય સ્થળે પાર્કિંગ કરવાનું કહીએ તો દાદાગીરી, ઝઘડા અને હુંસાતુંસી થાય. પોળોમાં આડેધડ પાર્કિંગની સમસ્યાનું નિવારણ લાવવા દરવાજા લગાડવામાં આવ્યા છે. જેથી બહારનાં વાહનોને પોળમાં પ્રવેશ અપાતો નથી. જેથી સભ્યો વ્યવસ્થિત પાર્કિંગ કરી શકે.

રાયપુરના એક રહીશ કહે છે, હેરિટેજ સિટી થયું એટલે પ્રવાસન ઉદ્યોગ પણ વધ્યો છે. કેટલીક પોળો શેરીઓમાં પહેલાં જૂના દરવાજા હતા જ હવે નવી સમસ્યાઓ ઊભી થતા ફેરફારો થવા માંડ્યા છે. કેટલીક પોળોમાં તો કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી દરવાજા નખાવવામાં આવ્યા છે, એટલે હવે સોસાયટીઓની જેમ પોળોમાં પણ દરવાજા લાગવા માંડ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

‘તેરી બાતોં મેં ઉલઝા જિયા’ની સ્ક્રીનિંગમાં સ્ટાર્સનો મેળો

બોલીવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન અને શાહિદ કપૂર સ્ટારર ‘તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા’ની રિલીઝ પહેલાં ફિલ્મનિર્માતાઓએ મુંબઈમાં આઠ ફેબ્રુઆરીએ ઇન્ડસ્ટ્રીના લોકો માટે એક સ્ક્રીનિંગ આયોજિત કરી હતી. આ સ્ક્રીનિંગમાં ફિલ્મના લીડ એક્ટર કૃતિ અને શાહિદ કપૂરની સાથે B ટાઉનની અનેક હસ્તીઓ હાજર રહી હતી.

આ સ્ક્રીનિંગમાં શાહિદ કપૂર, મીરા રાજપૂત, કુણાલ ખેમુ, કૃતિ સેનન, રકુલ પ્રીત સિંહ અને જાન્હવી કપૂર PVR જુહુ ખાતે હાજર રહી હતી.

 

 

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા યોજાશે આ કાર્યક્રમ

મલયાનિલની ‘ ગોવાલણી ‘ ટૂંકી વાર્તાથી આરંભાયેલી ગુજરાતી ટૂંકી વાર્તામાં સદી દરમિયાન ઘણા પડાવ આવ્યા છે. ધૂમકેતુ, ર.વ.દેસાઈ, પન્નાલાલ પટેલથી માંડીને આજના વાર્તાકારે પ્લોટ, શૈલી, પાત્રાલેખન, પરિવેશ વગેરેમાં પોતાના હસ્તાક્ષર મૂક્યા છે.

 

આજનાં ત્રણ વાર્તાકાર, ડૉ.સેજલ શાહ, સતીશ વ્યાસ અને પ્રેરણા કે.લીમડી ૧૦ ફેબ્રુઆરી શનિવાર સાંજે ૭ વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં વાર્તાપઠન કરશે. એમની સાથે ગોષ્ઠી કરશે નવનીત સમર્પણના સંપાદક દીપક દોશી. કવિ રાજેશ રાજગોર અન્ય ભાષાની એક વાર્તાના ગુજરાતી અનુવાદનું વાચિકમ કરશે.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કવિ સંજય પંડ્યાનાં છે. દેસાઈજી બંગલો, હરિશંકર જોષી રોડ, મધુરમ હૉલની સામે, દેવરાજ શોપિંગ મૉલની પાછળ, દહિસર પૂર્વનાં સરનામે ભાવકો આ જાહેર કાર્યક્રમ માણી શકશે . સર્વનું સ્વાગત!

રાધનપુરમાં મોતિયાના ઓપરેશન બાદ પાંચ દર્દીઓને અંધાપાની અસર

રાધનપુરઃ રાધનપુરમાં આંખની હોસ્પિટલ હોસ્પિટલમાં આંખની સારવાર બાદ પાંચ દર્દીઓને અંધાપાની અસર થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે, જેમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓ ભોગ બન્યા છે. 45થી 70 વર્ષની વ્યક્તિઓની આંખોની દ્રષ્ટિને અસર થઈ છે. અંધાપાથી અસરગ્રસ્ત દર્દીઓને વઘુ સારવાર અર્થે ગઈ કાલે રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ દર્દીઓએ બીજી ફેબ્રુઆરીએ સારવાર કરાવી હતી, જે બાદ ઇન્ફેકશન થતાં ચોથી ફેબ્રુઆરીએ સિવિલ દાખલ કરાયા હતા. ઓપરેશન બાદ પાંચ જેટલા દર્દીઓને આંખમાં દુખાવાની ફરિયાદ હતી. આ સાથે આંખ લાલ રહેવી, આંખમાંથી પાણી પડવાની પણ સમસ્યા થઈ હતી. જોકે આ મામલે કોઈ ફરિયાદ થઈ નથી.

આ પહેલાં જાન્યુઆરીમાં માંડલની હોસ્પિટલમાં 17 જેટલા દર્દીઓને આંખનાં મોતિયાનાં ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયું હતું. ત્યારે હવે તેના થોડા દિવસોમાં જ રાજ્યમાં ફરી એક અંધાપાકાંડની ઘટના સામે આવી છે. આ ઘટના પાટણ જિલ્લાના રાધનપુરમાં બની છે. અહીં આંખની હોસ્પિટલમાં સારવાર બાદ પાંચ દર્દીઓને અંધાપાની અસર થતાં તાત્કાલિક ધોરણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા.

માંડલમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં ઓપરેશન કરાવનાર દર્દીઓ સુરેન્દ્રનગર, પાટણ અને અમદાવાદ જિલ્લાના હતા. કુલ 25 દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાંથી 17 દર્દીઓને ઈન્ફેક્શન લાગ્યું હતું જેમાંથી પાંચ દર્દીઓને દેખાવાનું બંધ થઈ જતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં.

માંડલ અંધાપાકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ થઇ હતી. હાઇકોર્ટે આરોગ્ય વિભાગની ઝાટકણી કાઢી હતી. ત્યાં હવે ફરી રાજ્યમાં અંધાપાકાંડની ઘટના સામે આવી છે.

 

 

 

 

 

પિતા વિરુદ્ધ પુત્રઃ વહાલ વર્સિસ વેદનાની ઇનિંગ્સ

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 15 વર્ષ પૂરાં કરી લીધા છે, ત્યારે જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમની હૈયાવરાળ ઠાલવી છે. તેમણે કહ્યું હતું કે મારે રવિ  કે એની પત્ની (રિવાબા જાડેજા) સાથે કોઈ સંબંધ નથી. હું તેની સાથે નથી બોલતો અને એ મને નથી બોલાવતા. રવીન્દ્રના લગ્નનાં બે-ત્રણ મહિનામાં જ મન ઊંચા થયાં હતાં.

હું જામનગરમાં એકલો રહુ છું જ્યારે રવીન્દ્રનો પંચવટી બંગલો અલગ છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ દીકરા રવીન્દ્ર સાથેના સંબંધને લઈને અનેક ખુલાસા આ વાતચીતમાં કર્યા છે. તેમણે પુત્રવધૂ રિવાબા વિશે કહ્યું કે તેણે ખટપટ કરીને પરિવારને જુદો કરી નાખ્યો, તેને પરિવાર જોઈતો નથી. તેને બધું સ્વતંત્ર જોઈએ છે. તેણે કોઈની સાથે વ્યવહાર જ રાખવા દીધો નથી.

તેમણે કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષથી અમે રવીન્દ્રની દીકરીનું મોઢું પણ જોયું નથી. રવિના સાસુ-સસરા જ બધો વહીવટ કરે છે. એમની દખલગીરી ખૂબ જ છે. મારી પાસે ગામડે જમીન પણ છે અને રૂ. 20,000નું પેન્શન આવે છે. જેમાંથી મારો ખર્ચ નીકળે છે. હું ટુ BHKના ફ્લેટમાં એકલો રહું છું. હું મારી જિંદગી મારી રીતે જીવુ છું.

પિતા અનિરુદ્ધસિંહના ઇન્ટરવ્યુ પર જાડેજાએ પ્રતિક્રિયા આપતાં ‘X’ પર પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે કહ્યું કે પિતાના ઈન્ટરવ્યૂમાં જણાવેલી તમામ બાબતો તથ્યહીન છે. તેણે કહ્યું હતું કે વાહિયાત ઇન્ટરવ્યુમાં જણાવેલી તમામ બાબતો અર્થહીન તેમ જ અસત્ય છે. એક પક્ષે કહેવાયલી વાત છે. જેને હું નકારું છું. મારા ધર્મપત્નીની છબી ખરડાવવાના જે પ્રયાસો કરવામાં આવ્યો છે તે ખરેખર નિંદનીય તેમ જ અશોભનીય છે. મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ના કહું ત્યાં સુધી જ સારું છે.

 

 

 

 

 

 

 

 

 

 

ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિંહા રાવ અને ડો. સ્વામિનાથનને ભારત રત્ન

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિંહા રાવ અને મશહૂર વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામિનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે ચૌધરી ચરણ સિંહે ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું.

તેમણે એક અન્ય પોસ્ટમાં કહ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિંહા રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. તેમના દૂરદર્શી નેતૃત્વમાં ભારતને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે, દેશને સમૃદ્ધિ અને વિકાસ માટે એક નક્કર પાયો રાખવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત સિંહ ચૌધરીએ દાદા ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવામાં આવતા ખુશી જાહેર કરી હતી. તેમણે આ ખુશી વડા પ્રધાન મોદીની X પર પોસ્ટને રિટ્વીટ પણ કરી હતી.

વડા પ્રધાને એમએસ સ્વામિનાથનને ભારત રત્ન આપવાની ઘોષણા કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં દેશમાં નોંધપાત્ર યોગદાન માટે ડોક્ટરે એમએસ સ્વામિનાથનજીને ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે અને ભારતીય કૃષિને આધુનિક બનાવવાની દિશામાં ઉત્કૃષ્ટ પ્રયાસ કર્યા હતા.

આપણે તેમને એક અન્વેષક અને સંરક્ષક તરીકે કેટલાય વિદ્યાર્થીની વચ્ચે શીખવા અને અનુસંધાનને પ્રોત્સાહિત કરવાવાળા તેમના અમૂલ્ય કામને પણ ઓળખીએ છીએ. તેમના દૂરદર્શી નેતૃત્વએ ના માત્ર ભારતીય કૃષિને બદલી નાખી છે, બલકે દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરી છે. તેઓ એવી વ્યક્તિ હતી, જેમને હું અંગત રીતે જાણતો હતો અને હું હંમેશાં તેમની અંતરદ્રષ્ટિ અને ઇનપુટને મહત્ત્વ આપતો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ફેઈલ એક્સપરિમેન્ટ જેવી તેરી બાતોં મેં વગેરે વગેરે

શુક્રવારે વહેલી સવારે ‘તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા’ જોઈને જિગરી દોસ્ત સાથે ચાય પે ચર્ચા કરતી વેળા મેં કહ્યું, યાર, આ ફિલ્મના રાઈટર-ડિરેક્ટર અમીત જોશી અને કો રાઈટર આરાધના સાહ પ્રોડ્યુસરને કેવી રીતે રાજી કર્યા હશે એ દશ્ય હું કલ્પી શકું છું- “અમારો એકદમ નવો સ્ટોરી-આઈડિયા હૈઃ માનવ અને મશીનની (રૉબોની) પ્રણયકથા. આજના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના જમાનામાં આવી લવસ્ટોરીને યંગ જનરેશન બે હાથે વધાવી લેશે. ફિલ્મની માવજત આપણે પારિવારિક મનોરંજન તરીકે કરીશું એટલે યંગસ્ટર્સ ઉપરાંત બધા વર્ગના લોકો જોવા જશે. સુપડુપર હિટ. બોલો, શું કહો છો”?

પ્રોડ્યુસર રાજી રાજી થતાં કહે છે, “ક્યાબ્બાત. ગો અહેડ. સ્ટારકાસ્ટ-બજેટ ડિસ્કસ કર લેતે હૈં”.

-અને આમ, વૅલેન્ટાઈન્સ ડેની પૂર્વસંધ્યાએ સર્જકોએ રિલીઝ કરીઃ ‘તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા’. સાયન્સ ફિક્શનની વાર્તાવાળો રોમાન્ટિક પારિવારિક ડ્રામા, જેમાં ન તો સાયન્સ છે, ન કૉમેડી ન રોમાન્સ. તર્કવિહોણી વાર્તા અને સુસ્ત પટકથા. બલકે વિવેકભાનની હદ વટાવી દેતી બે કલાક, પચીસ મિનિટની ફિલ્મ એક તબક્કે ધીરજની કસોટી કરે છે.

નિર્માતાને કન્વિન્સ કરવા રચાયેલી વાર્તા આવી છેઃ આર્યન અગ્નિહોત્રી અથવા આરુ (શાહીદ કપૂર) રૉબોટિક્સ એક્સપર્ટ છે. એ કામમાં એટલો રચ્યોપચ્યો રહે છે કે પ્યાર-મોહબ્બત-શાદી વિશે વિચારવાનો ટાઈમ જ નથી. આરુનાં ઊર્મિલા માસી (ડિમ્પલ કાપડિયા)ની અમેરિકામાં રૉબોટિક્સ કંપની છે. અમેરિકામાં આરુ કુમાર મળે છે સિફરા નામની હ્યુમનોઈડ ફિમેલ રૉબોને. એવો રૉબો, જેને લાગણી છે. કૃતિ સેનન બની છે સિફરા (સુપર ઈન્ટેલિજન્ટ ફિમેલ રોબો ઑટોમેશન). રૉબોના ટેસ્ટિંગ પ્રોસેસ દરમિયાન આરુભાઈ પ્રેમમાં પડે છે. પાછળથી આરુને ખબર પડે છે કે પોતે જેના પ્રેમમાં ઊંધે કાંધ અને સિફરા સાથે શાદી રચાવવા માગે છે. અડધું મૂવી પત્યા બાદ રૉબોટિકસ એક્સપર્ટ હીરો સિફરાને સંયુક્ત કુટુંબવાળા ઘરમાં લઈ આવે છે. જ્યાં કોઈને ખબર નથી કે અમારી ભાવિ બહુ સિફરા ખરેખર તો રૉબો છે… એટલે હ્યુમનોઈડ રૉબો અને હાડમાંસના બનેલા માનવી, વિશાળ પંજાબી જૉઈન્ટ ફૅમિલીના કલ્ચરલ ડિફરન્સના લીધે કહેવાતી રમૂજ નિષ્પન્ન થાય છે. છેલ્લી 20-25 મિનિટ ફિલ્મ અણધાર્યો વળાંક લે છે, જેમાંની અમુક પળ માણવા જેવી છે.

આ ફિલ્મ જોઈને મને આ જ વિષય પરથી સર્જાયેલી કેટલીક કૃતિ યાદ આવી ગઈ. જેવી કે, ‘બહુ હમારી રજનીકાંત’ ટીવીસિરિયલ, જેમાં એક વિજ્ઞાની રજની નામની સર્વગુણસંપન્ન હ્યુમનૉઈડ સર્જી એને પોતાના પરિવારમાં પત્ની તરીકે ઈન્ટ્રોડ્યુસ કરે છે. કલ્ચરલ ડિફરન્સના લીધે દરરોજ જાતજાતની કોમિક સિચ્યુએશન્સ નિષ્પન્ન થતી રહે છે. 1980ના દાયકાની અમેરિકન ટીવીસિરીઝ ‘સ્મૉલ વન્ડર’ અને એની દેશી આવૃત્તિ ‘કરિશ્મા કા કરિશ્મા’. તમિળ સુપરસ્ટાર રજનીકાંતની શંકર દિગ્દર્શિત અને ચિટ્ટી નામનો ‘રૉબો’. આ ઉપરાંત ‘રા.વન’, ‘લવસ્ટોરી 2025’, ‘કોઈ મિલ ગયા’, વગેરે.

વારુ. અમીત જોશી સર્જિત ફિલ્મની વાત કરીએ તો, ફૅમિલી એન્ટરટેનરના નામે એમાં દાદા (ધર્મેન્દ્ર) દાદી-ફોઈ-ફુઆ સગાઈ-સંગીતના પ્રસંગમાં ડિઝાઈનર કુરતાં-જાકીટ પહેરીને લો-કટ બ્લાઉઝધારિણી અને સુગોળ નિતંબિનીને તાકે છે, પત્ની વિશે કઢંગી જોક્સ મારે છે, જે જોઈને સિફરાની જેમ આપણે પણ પરાણે હસવું પડે છે. હા, ક્વચિત એકાદ જોક હસાવે છે, પણ ધૅટ્સિટ. અને તનીશ્કના સ્વરાંકનવાળું ‘લાલ પીલી અખિયાં’ સરસ બન્યું છે, એનું ચિત્રીકરણ પણ ભવ્ય છે. શીર્ષક ગીત પણ મજેદાર છે. શાહીદ-કૃતિ સરસ છે, ખાસ તો કૃતિ.

થોડા સમય પહેલાં ‘ઍનિમલ’ના વિરોધનો બચાવ કરવા રણબીર કપૂરે કહ્યું કે “સમાજસુધારણા માટે ખરાબ માણસો વિશે ફિલ્મ બનવી જોઈએ… બૂરી ચીજ, કઢંગી ચીજ પરદા પર બતાવો તો જ ખબર પડે કે સારું શું ને ખરાબ શું”. રણબીરના સ્ટેટમેન્ટનો આશરો લઈને કહેવું હોય તો નાવીન્યના અભાવવાળી, વિજ્ઞાનીના નિષ્ફળ પ્રયોગ જેવી અને ક્રિએટિવ રાઈટિંગ કેવું ન હોવું જોઈએ એ સમજાવવા બની છે ‘તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા.’

શ્રેષ્ઠ વિચાર: પુણ્યનું ખાતું જમા કરવાનો આધાર

આ પ્રભાવ જન્મો જન્મ આત્માની સાથે રહે છે અને વારંવાર તેને પાપ કરવા તરફ લઈ જશે. પરિણામે પ્રભાવ ખૂબ ઊંડો બનતો જશે તથા આ રીતે ખરાબ વિચાર, ખરાબ દ્રષ્ટિ તથા ખરાબ વર્તનનું ઉકેલી ન શકાય તેવું ખરાબ ચક્ર બની જશે.

જેવી રીતે પાપનો આધાર ખરાબ વિચાર છે તે જ રીતે પુણ્યનું ખાતું જમા કરવાનો આધાર શ્રેષ્ઠ વિચાર છે, જે પવિત્રતા તથા ભગવાનની યાદ સાથે સંબંધિત હોય છે. આ પ્રકારના વિચારોના નિર્માણ દ્વારા વ્યક્તિમાં પવિત્રતાનું બળ તથા યોગનું બળ જમા થઈ જાય છે. બંને બળ સંસાર રૂપી સાગરને પાર કરાવવા વાળી નાવ ના બે હલેસા સમાન હોય છે. જેને આપણે બે પાંખો પણ કહી શકીએ છીએ, જે આત્માને હલકા, ફરિસ્તા સમાન બનાવીને સ્થૂળ સંસારથી ઉપર ઉડાવીને લઈ જાય છે. આ બંને બળ કાતરના બે ભાગ બરાબર પણ છે જે અનેક જન્મોના વિકર્મોના સંસ્કારોની દોરીઓને કાપી આત્માને સંપૂર્ણતાની ચમકીલી ડ્રેસ થી સજાવી દે છે.

એ તો પાક્કું છે કે જ્યારે કોઈ વ્યક્તિ દુઃખ આપનાર કાર્ય કરે છે તો તે દેહ ભાન રૂપી ભૂતના વશમાં તથા વિકારોની હાથકડીમાં જકડાયેલ હોય છે. પાપના સંકલ્પ તથા કર્મો તેની આત્મામાં જમા શક્તિને તે રીતે નષ્ટ કરે છે જે રીતે એક કીડો અનાજના દાણાને અંદરથી ખોખલો કરી દે છે. આ પ્રકારના દાણાને જો જમીનમાં વાવવામાં આવે તે જમીનમાંથી જરૂરી તત્વોને લેવા માટે અસમર્થ હોવાના કારણે પોતાને વિકસિત નથી કરી શકતો. તેવી જ રીતે આત્મા પણ બીજ છે, વિકર્મો કરીને જો તે આંતરિક શક્તિ ગુમાવી દે છે તો શરીર છોડ્યા પછી પણ માતાના ગર્ભમાં પ્રવેશ કર્યા બાદ પણ પોતાના શરીરનો પૂરો વિકાસ કરી શકતો નથી. પરિણામે આવી આત્મા અંધ, લંગડી, લુલી કે અન્ય કોઈ વિકૃતિ સાથે જન્મ લે છે. પ્યારા શિવબાબા એ ઘણીવાર પોતાના મહાવાક્યોમાં કહ્યું છે કે ખરાબ દ્રષ્ટિ રાખવા વાળી વ્યક્તિ બીજા જન્મમાં લુલી-લંગડી બની જાય છે.

ખરાબ દ્રષ્ટિ એતો કોઈ ખરાબ વિચારનું પહેલું પ્રત્યક્ષ પરિણામ છે. જો ખરાબ દ્રષ્ટિ રાખવા વાળી વ્યક્તિ બીજા જન્મમાં લુલી- લંગડી બને છે તો વ્યક્તિ જ્યારે ખરાબ દ્રષ્ટિ બાદ ખરાબ વચન, ખરાબ કર્મ સુધી પહોંચી જાય છે, તો તેની સજા કેવી ભયંકર ભોગવવી પડશે? બીજી બાજુ દેવતાઓનું દિવ્ય શરીર પણ આપણે જોઈએ છે તેમના ચિત્રોની સમક્ષ આપણે નમન કરીએ છીએ તેમની સુંદરતા તથા પવિત્રતાને ને પોતાને ધન્ય માનીએ છીએ. આટલું દિવ્ય સ્વસ્થ સુંદર શરીર તે જ આત્મા ધારણ કરી શકે છે કે જેના સંકલ્પમાં પણ કામ, ક્રોધ વગેરે વિકારો નથી હોતા. આવી આત્મા જ વિષ્ણુના કુળમાં જન્મ લે છે. વિષ્ણુનો અર્થ જ છે જહેર (વિષ)ને અણુની જેમ અદ્રશ્ય કરી સમાપ્ત કરવા વાળી વ્યક્તિ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

શું ખોટા છે બોલીવૂડ એકટ્રેસ અનુષ્કાની પ્રેગનન્સીના સમાચાર?

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બોલીવૂડના લોકપ્રિય કપલોમાંના છે. બંનેની જોડીને દર્શકો ઘણી પસંદ કરે છે. છેલ્લા ઘણા સમયથી કપલના બીજી વાર માતાપિતા બનવાના સમાચાર સતત આવતા રહ્યા છે. જેથી તેમના ફેન્સ ઘણા ખુશ થયા હતા. હાલમાં દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર એબી ડિવિલિયર્સે કપલને બીજી વાર માતાપિતા બનવાને લઈ પુષ્ટિ કરી હતી. જોકે હવે તે એની વાતથી પલટી ગયો છે અને તેણે તેના સ્ટેટમેન્ટ માટે માફી માગી છે.

હાલમાં એબી ડિવિલયર્સે યુટ્યુબ ચેનલ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લઈને કહ્યું હતું કે વિરાટ કોહલી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે અને તે ટૂંક સમયમાં બાળકને વેલકમ કરવાનો છે. એબી  ડિલિયર્સના આ નિવેદન પછી સતત કપલ બીજી વાર પેન્ટ્સ બનવાના સમાચારોએ જોર પકડ્યું હતું. જોકે વિરાટ અને અનુષ્કાએ આ સમાચારોને લઈ કોઈ પુષ્ટિ નહોતી કરી.

આ પહેલાં અનુષ્કાના બીજી વાર માતા બનવાના સમાચાર આવી ચૂક્યા હતા. વર્લ્ડ કપ દરમ્યાન અનુષ્કાની પ્રેગનન્સીના સમાચાર આવ્યા હતા, જેમાં વિરાટની સાથે અનુષ્કા તેના બેબી બમ્પને છુપાવતા નજરે ચઢી હતી. જોકે આ બાબતે પણ કપલે કોઈ પુષ્ટિ નહોતી કરી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા જલદી ફિલ્મ ચકદા એક્સપ્રેસમાં નજરે ચઢશે, જે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આ ફિલ્મ મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીના જીવન પર આધારિત છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

પાકિસ્તાન ચૂંટણીઃ નવાઝ શરીફ 55,000 મતોથી વિજયી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પછી મતોની ગણતરી જારી છે. વડા પ્રધાન બનવાની તૈયારી કરી રહેલા નવાઝ શરીફ, તેમના ભાઈ શહબાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ ચૂંટણી જીતી ચૂક્યા છે. અત્યાર સુધી આવેલાં પરિણામો મુજબ 10 સીટો પર ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ ઇન્સાફ (PTI)ના નિર્દલીય ઉમેદવાર જીતી ચૂક્યા છે. 

નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ (PMLN)ને આઠ સીટો પર જીત મળી છે, જ્યારે પાંચ સીટો પર બિલાવલ ભુટ્ટોની પાર્ટી (PPP)એ જીત હાંસલ કરી છે. આ પહેલાં પાકિસ્તાની મિડિયાએ દાવો કર્યો હતો કે 154 સીટો પર ઇમરાનની પાર્ટી આગળ ચાલી રહી છે, પણ હવે પરિણામોમાં બદલાઈ રહ્યાં છે. આ પહેલાં પાકિસ્તાની મિડિયાએ દાવો કર્યો હતો કે 154 સીટો પર ઇમરાનની પાર્ટી આઘળ ચાલી રહી છે.

પાકિસ્તાનમાં મતગણતરીની વચ્ચે પાકિસ્તાનમાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. પાકિસ્તાનના મુખ્ય ચૂંટણી કમિશનરના ગાયબ થવાની વાત કહેવામાં આવી રહી છે. આ દાવામાં પાકિસ્તાનમાં ચૂંટણીના કાવતરાની આશંકા વધી ગઈ છે. આ પહેલાં મુખ્ય ચૂંટણી કમિશનર સિકંદર સુલતાન રાજાએ બધા રિટર્નિંગ ઓફિસર (RO)એ અંતિમ પરિણામ આપવા માટે 30 મિનિટનો સમય વધારી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આવું ના કરવા પર સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવશે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો પર ચૂંટણી થઈ છે. જોકે આમાંથી 266 સીટો પર ચૂંટણી દ્વારા ઉમેદવાર ચૂંટાઈ આવશે. એસેમ્બલીની 70 સીટો અનામત છે, એમાંથી 60 મહિલાઓ માટે જ્યારે 10 બિન મુસલમાનો માટે આરક્ષિત છે.