Home Blog Page 2041

૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪

૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪

માનસિક પૅરાલિસીસ વિશે સાંભળ્યું છે?

થોડા સમય પહેલાં એક વિડિયો વાયરલ થયેલો, જેમાં યુનાઈટેડ કિંગડમના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જૉન્સન લંડનની ટ્રેનમાંથી ઊતરે છે. એમના બન્ને હાથમાં સામાન. બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર તથા એ પહેલાં લંડનના મેયર તેમ જ વિદેશ સચિવ રહી ચૂકેલા બોરિસને કશાયે ક્ષોભ કે સંકોચ વિના સામાન્ય બ્રિટિશરની જેમ હરતાફરતા જોઈ ઘણાને નવાઈ લાગેલી.

આનાથી સાવ વિરુદ્ધનો એક પ્રસંગ. સારંગપુર મંદિરે બે કિશોર મળવા આવ્યા. એકે કહ્યું, ‘મને બહુ મોટી મુશ્કેલી છે.’

‘શું?’

‘હાઈટ જરા ટૂંકી છે! મારા મિત્રો બધા ઊંચા છે. હું એમની બાજુમાં ઊભો હોઉં તો મને શરમ આવે છે. આશીર્વાદ આપો કે મારી હાઈટ વધે!’

તે પછી કિશોર નંબર બેને પૂછ્યું: ‘કેમ ચાલે છે ઘરનો વહેવાર’?

‘ઠીક ઠીક… પપ્પા બીમાર છે. મમ્મી કપડાં-વાસણ કરવા બે-ત્રણ ઘરે જાય છે. માંડ પૂરું થાય. એક ભાઈ ચોથામાં છે, એક ભાઈ પાંચમામાં.’

‘તું કંઈ નાનુંમોટું કામ કરતો હોય તો? માતાને ટેકો રહેને… છાપાં નાખવાં, હૉટેલમાં, સ્ટોરમાં…’

‘હું એવાં કામ કરું? ક્યારેય નહીં. મારા ફ્રેન્ડસ જુએ તો ઈજ્જત જાય.’

આને કહેવાય માનસિક પૅરાલિસીસઃ ઉછીની શરમનું પૅરાલિસીસ !

મુનશી પ્રેમચંદ એટલે હિન્દી સાહિત્યગગનના ચમકતા ચંદ્ર હતા. એ પોતાના ગદ્યમાં ઘણું કરીને બાબુગીરીની સખત ઝાટકણી કાઢતા. કોટ-પેન્ટ-ટાઈ પહેરીને વિદેશી જેવા દેખાવા મથતા તત્કાલીન ભારતીય યુવકોને દંભ અને દેખાવથી દૂર રહેવાની સલાહ તેમણે આપેલી.

માત્ર ખુરશી ઉપર જ બેસીને કામ કરવાની ટેવવાળા, કેડ નમાવવામાં શરમ અનુભવતા યુવકોની વધતી સંખ્યા આજે પણ ચિંતા અને ચિંતનનો વિષય છે.

મારી આબરૂ જાય અથવા મને ક્ષોભ થાય અથવા મને શરમ આવે એ પાશ્ચાત્ય સભ્યતા (વેસ્ટર્ન કલ્ચર)ના દબાણમાં વાગતું ભારતીય ગાન છે. નવાઈની વાત એ છે કે વેસ્ટમાં કોઈને કંઈ પણ કામ કરવામાં નાનમ લાગતી નથી, જ્યારે આપણે ત્યાં યુવાનોને જાણે ઊણપની આગમાં સળગ્યા કરવાની તરકીબ જડી ગઈ છેઃ હું આવું ન કરી શકું.

આ યુવાનો પાસે ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં,’ની આખી કહેવત હવામાં ઓગળી જાય છે. હા, મહત્ત્વાકાંક્ષા ભલે હોય, પણ શરમ? અને તે પણ શ્રમમાં? શું ઉચ્ચ જીવન સાદાઈથી જીવવા માટે પણ ભાઈબંધોની નજરમાંથી બચતા રહેવું પડે? હા, જમાના સાથે તાલ મિલાવીને નવી વિદ્યાઓ, નવા દૃષ્ટિકોણ જીવંત રાખવા જરૂરથી સમયરથને સત્કારવો રહ્યો. જ્ઞાનની વિકસતી ક્ષિતિજો સામેની દૌડમાં હરહંમેશ માથું મારીને આગળ આવવું જ રહ્યું, પરંતુ શ્રમ અને સાદાઈ જેવાં મૂલ્યોની પણ એક કિંમત છે. જેની શરૂઆત આ ઉંમરમાં જ કરવી પડે છે અને ફ્ળ જોવા વીસેક વર્ષની રાહ જોવી પડે! યાદ રહે, શરમનો લકવો શરીર જ નહીં, મન પણ જકડી રાખે છે. જેને દોડવું છે એને લકવો પણ રોકી શકતો નથી.

સત્પુરુષોનાં જીવન આપણને શીખવે છે કે શરમ ભૌતિક સાધનોની ઊણપથી નહીં, પરંતુ સદગુણોના સત્યાનાશથી આવવી જોઈએ. હા, આ સત્પુરુષોએ બાહ્ય સાધનોને ક્યારેય ન્યૂનતમ ઉપયોગની રેખાથી આગળ વધવા દીધાં નથી. ૧૯૮૪માં પ્રમુખસ્વામી મહારાજ પોપ પૉલ (બીજા)ને મળવાના હતા. આગલી રાત્રે પત્રકારે પૂછ્યું: ‘કાલે પોપને મળવા જતાં આપ કયાં કપડાં પહેરશો?’

સ્વામીશ્રીએ ક્ષણાર્ધમાં કહ્યું હતું: ‘અમારે તો જિંદગીભર આ જ કપડાં અને આ જ ડિઝાઈન!’

ભૌતિક ક્ષેત્રમાં પણ મહાન માનવીઓએ સાદગી, શ્રમ અને સંયમના આધા વિશ્વના ઇતિહાસમાં પોતાના નામનું સુવર્ણ પૃષ્ઠ ઉમેર્યું છે. બાળપણમાં અબ્દુલ કલામ સાહેબને છાપાં વેચવામાં તો વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ચા વેચવામાં શરમ નથી લાગી. આ બંને મહાનુભાવો મોટા થઈને અતિ પ્રભાવશાળી વ્યક્તિ થઈ તે જગજાહેર છે.

તો હવે આપણે શું કરવું છે? તોફાન સમા ધસમસતા યૌવનને પૅરાલિસીસમાં જકડી રાખવું હોય તો ‘મને શરમ આવે’ના કાતિલ પ્રવાહમાં વહ્યા કરીએ…પરંતુ પ્રગતિના પંથે દોડતા રહેવું હોય તો મહાપુરુષોના માર્ગે ચાલવા માંડીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

રાશિ ભવિષ્ય 29/02/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબ કે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘર કે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમ ન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પંચાંગ 29/02/2024

ઝારખંડના જામતારામાં ટ્રેનની અડફેટે આવ્યા 12 લોકો; 2 ના મૃત્યુ

ઝારખંડના જામતારા જિલ્લામાં બુધવારે રાત્રે એક દર્દનાક ટ્રેન અકસ્માત થયો હતો. કાલઝરિયા પાસે 12 લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા, જેમાંથી 2ના મોત થયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. જેમાંથી ઘણાની હાલત નાજુક છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ આસનસોલ-ઝાઝા પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ટેક્નિકલ ખામીના કારણે ટ્રેન કાલઝરિયા પાસે રોકાઈ ગઈ હતી. આ દરમિયાન લોકો ટ્રેનમાંથી નીચે ઉતરીને રેલવે ટ્રેક પર ઉભા રહી ગયા હતા. ત્યારે સામેથી આવતી ભાગલપુર-યસવંતપુર એક્સપ્રેસે તેને ટક્કર મારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર જામતારા-કરમટાંડના કાલઝરિયા પાસે ટ્રેનની અડફેટે આવી જતાં 12 જેટલા લોકોના કરૂણ મોત થયા છે. આ અકસ્માતમાં અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ટ્રેન દુર્ઘટના બાદ રેલ્વે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. પોલીસ-પ્રશાસનને મદદ કરવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ઘટનાસ્થળે હાજર છે.

રાજકીય ગરમાવા વચ્ચે મંત્રી વિક્રમાદિત્ય સિંહે રાજીનામું પાછું ખેંચ્યું

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પાસે બહુમતી હોવા છતાં રાજ્યસભાની બેઠક ભાજપને જવાથી રાજ્યમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. જાહેર બાંધકામ મંત્રી વિક્રમાદિત્ય સિંહે સવારે કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું, પરંતુ સાંજે તેને પાછું ખેંચી લીધું હતું. ભાજપના 15 ધારાસભ્યોને ગૃહ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રાજ્ય કોંગ્રેસમાં રાજકીય ખળભળાટ બાદ સુખુ સરકારમાં જાહેર બાંધકામ અને શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહે બુધવારે સવારે મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને મોડી સાંજે તેને પરત લઈ લીધું હતું. પાર્ટી નિરીક્ષકોને મળ્યા બાદ વિક્રમાદિત્યએ કહ્યું કે મુખ્યમંત્રી અને પાર્ટી હાઈકમાન્ડ સાથે ચર્ચા કર્યા બાદ તેમણે રાજીનામું પાછું ખેંચવાનો નિર્ણય કર્યો છે. પક્ષ સર્વોચ્ચ છે. જે મુદ્દાઓને લઈને હું નારાજ હતો તેની મેં મુખ્યમંત્રી અને હાઈકમાન્ડને જાણ કરી છે. હિમાચલમાં પાર્ટી સંપૂર્ણ રીતે એક થઈ ગઈ છે.

નિરીક્ષકો સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીએ કહ્યું- અમારી સરકાર સુરક્ષિત

નિરીક્ષકો સાથે બેઠક પૂરી કર્યા બાદ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું કે અમારી સરકાર સુરક્ષિત છે. તેમણે કહ્યું કે બેઠકમાં ચૂંટણી સંબંધિત ચર્ચા થઈ હતી.

ગેંગસ્ટર કપિલ સાંગવાને INLD નેતા નફે સિંહની હત્યાની જવાબદારી લીધી

લંડન સ્થિત ગેંગસ્ટર કપિલ સાંગવાન ઉર્ફે નંદુએ હરિયાણાના ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના નેતા નફે સિંહ રાઠીની હત્યાની જવાબદારી લીધી છે. તેણે સોશિયલ મીડિયા પર કહ્યું કે તેણે જ નફે સિંહને માર્યો હતો. કપિલે કહ્યું કે નફે સિંહની ગેંગસ્ટર મનજીત મહેલ સાથે ગાઢ મિત્રતા હતી. નફે સિંઘ મનજીત મહેલના ભાઈ સંજય સાથે મિલકતનો કબજો લેવાનું કામ કરતો હતો. તેણે કહ્યું કે જે કોઈ મારા દુશ્મન સાથે હાથ મિલાવશે તેનું પરિણામ પણ એ જ આવશે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં રવિવારે અજાણ્યા હુમલાખોરોએ 68 વર્ષીય પૂર્વ ધારાસભ્ય અને INLD નેતા નફે સિંહ રાઠીની તેમના એક સમર્થક સાથે ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

તેણે પોતાની પોસ્ટમાં કહ્યું કે રાઠીએ મારા સાળા અને મારા મિત્રોની હત્યામાં મનજીત મહેલનું સમર્થન કર્યું હતું. હું તેમની મિત્રતાનો ફોટો સામેલ કરું છું. જે મારા દુશ્મનોનું સમર્થન કરશે, તેના દુશ્મનોને સમર્થન આપશે અને 50 ગોળીઓ તેની રાહ જોશે. તેમણે કહ્યું કે સમગ્ર બહાદુરગઢ જાણે છે કે નફે સિંહે સત્તામાં હતા ત્યારે કેટલા લોકોને પકડ્યા અને માર્યા, પરંતુ કોઈ કંઈ ભૂલી શક્યું નથી. તેણે કહ્યું કે જો પોલીસ મારા સાળા અને મારા મિત્રોની હત્યા પર આટલી સક્રિય હોત તો મારે આ કરવાની જરૂર ન પડી હોત. બીજી તરફ પોલીસ આ પોસ્ટની તપાસ કરી રહી છે.

હેમંત સોરેનને ઝારખંડ હાઈકોર્ટ તરફથી મોટો ફટકો લાગ્યો

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને ઝારખંડ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હેમંત સોરેને વિધાનસભાના બજેટ સત્રમાં હાજરી આપવા માટે પરવાનગી માંગી હતી. જોકે, ઝારખંડ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા હેમંત સોરેને ED કોર્ટ પાસે બજેટ સત્રમાં હાજરી આપવા માટે પરવાનગી માંગી હતી. ઇડી કોર્ટે તેની અરજી પણ ફગાવી દીધી હતી.આ પછી હેમંત સોરેન વતી ED કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જોકે હાઈકોર્ટમાંથી પણ તેમને રાહત મળી શકી નથી.

સેન્સેક્સ, નિફ્ટીમાં ભારે ઘટાડોઃ રોકાણકારોના 6.24 લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ ફેબ્રુઆરી સિરીઝની એક્સપાયરીના એક દિવસ પહેલાં ઘરેલુ શેરબજારમાં ભારે નફારૂપી વેચવાલી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી આશરે એક ટકાથી વધુ તૂટ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપમાં સૌથી વધુ બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. BSEના બધા સેક્ટર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી. એનર્જી, રિયલ્ટી અને મેટલ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. ઓટો, ફાર્મા અને IT શેરોમાં પણ વેચવાલીનું દબાણ હતું.મિડકેપ ઇન્ડેક્સના આશરે 80 ટકા શેરો ઘટાડા સાથે બંધ થયા હતા. BSEના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. છ લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. PSU ઇન્ડેક્સમાં આશરે બે ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. BSEના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. 6.24 લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે સરકારી કંપનીઓના કુલ માર્કેટ કેપમાં આશરે રૂ. 1.5 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

બજાર વિશ્લેષકનું કહેવું હતું કે જે સંસ્થાકીય રોકાણકારોએ વધુ નફો રળ્યો છે, એ નફારૂપી વેચવાલી કરી રહ્યા છે. બજાર GDP ડેટા, PCE પ્રાઇસ ડેટા અને અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ PMI નંબર જેવા કેટલાક ઇકોનોમિક ઇન્ડિકેટર્સને પગલે બજારમાં ગભરાટ રહ્યો છે. વળી, US ગવર્નમેન્ટ પર વિના સ્પેન્ડિંગ બિલના એક માર્ચે પાર્શિયલ શટડાઉનનું જોખમ ઝળૂંબી રહ્યું છે.

સ્થાનિક બજારમાં ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 790 પોઇન્ટ તૂટીને 72,305ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 247 પોઇન્ટ તૂટીને 21,951ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી બેન્કમાં 625નો ઘટાડા સાથે 45,963ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 952 પોઇન્ટ તૂટીને 48,089ના સ્તરે બંધ થયો હતો.

 

 

 

 

 

ભૂતપૂર્વ સાંસદ જયા પ્રદા ભાગેડુ જાહેર, ધરપકડનો આદેશ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના રામપુરની કોર્ટે 27 ફેબ્રુઆરીએ ભૂતપૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને ચૂંટણીની આચાર સંહિતાના ઉલ્લંઘનના બે કેસમાં ભાગેડુ જાહેર કરી છે અને પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ભૂતપૂર્વ સાંસદને છઠ્ઠી માર્ચે કોર્ટમાં હાજર કરવાનો આદેશ આપ્યો છે.

સિનિયર પ્રોસિક્યુશન અધિકારી અમરનાથ તિવારીએ જણાવ્યું હતું કે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમ્યાન આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપમાં રામપુરના ભૂતપૂર્વ સાંસદની વિરુદ્ધ કેમરી અને સ્વાર પોલીસ સ્ટેશનોમાં બે કેસ નોંધવામાં આવ્યા હતા.

આ કેસોમાં MP-MLA કોર્ટે તેને કેટલીય વાર સમન્સ જારી કર્યા હતા, પણ તે કોર્ટમાં હાજર નહોતી થઈ. ત્યાર બાદ તેની વિરુદ્ધ સાત વાર બિનજામીનપાત્ર વોરન્ટ જારી થયાં હતાં, પરંતુ પોલીસ તેને કોર્ટમાં હાજર નહોતી કરી શકી.

અભિનેત્રી દ્વારા વારંવાર કોર્ટના આદેશની અવગણના થતાં કોર્ટે છેલ્લે જયા પ્રદાને ભાગેડુ જાહેર કરી તેની સામે 82 સીઆરપીસી હેઠળ કાર્યવાહી કરી ડેપ્યુટી એસ.પી હેઠળ એક ટીમ બનાવી છ માર્ચ, 2024 સુધી જયા પ્રદાને અદાલતમાં હાજર કરવાનો આદેશ બહાર પડ્યો હતો. તેને વારંવાર વોરંટ જાહેર કર્યા છતાં અભિનેત્રી અદાલત સમક્ષ હાજર થઈ નહોતી અને સુનાવણીથી બચવા માટે તેણે પોતાનો મોબાઇલ પણ બંધ કરી દીધો છે.

કોર્ટના આદેશ છતાં આરોપી કોર્ટમાં હાજર ન રહે ત્યારે તેમની હાજરી સુનિશ્ચિત કરવા માટે કોર્ટ દ્વારા જાહેરનામાની કાર્યવાહી કરવામાં આવે છે. આવી કાર્યાવહીને 82 સીઆરપીસીની કહેવામાં આવે છે, એવું એક અધિકારીએ કહ્યું હતું.