Home Blog Page 2005

સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટેની નવી પોલિસી જાહેર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નવી ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસીને મંજૂરી આપી છે. એનો હેતુ ભારતને ઇલેક્ટ્રિક વેહિકલના ઉત્પાદનનું હબ બનાવવાનો છે. એનો હેતુ આ ક્ષેત્રે કંપનીઓનું મૂડીરોકાણ આકર્ષવાનો છે. નવી પોલિસી હેઠળ કંપનીઓએ દેશમાં કમસે કમ રૂ. 4150 કરોડનું મૂડીરોકાણ કરવાનું રહેશે ને ત્રણ વર્ષની અંદર સ્થાનિક ઉત્પાદન સુવિધા સ્થાપિત કરવાની રહેશે. એ સાથે કંપનીઓએ કમસે કમ 25 ટકા કોમ્પોનન્ટ ઘરેલુ કંપની પાસેથી લેવાના રહેશે.

ટેસ્લા (Tesla) સહિત વિશ્વભરની ઇલેક્ટ્રી વાહન બનાવતી કંપનીઓ આ પોલિસીની રાહ જોઈ રહી હતી, તેથી તેમાં સૌથી વધુ વિદેશી રોકાણ પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત નવી પોલિસી હેઠળ વિદેશી કંપનીઓના પ્રવેશ બાદ ઈવી ટેકનોલોજી પ્રોડક્શન ક્ષેત્રે ભારતનો નોંધપાત્ર વિકાસ થશે.

નવી નીતિ હેઠળ કંપનીઓને ઓછી આયાત ડ્યુટીએ (15 ટકા)એ 8000 ઇલેક્ટ્રિક વેહિકલ વાર્ષિક આયાત કરવાની મંજૂરી રહેશે. આ નિયમ 35,000 ડોલર અને ઉપરની કિંમતવાળી કારો પર લાગુ થશે.  ભારત આયાતી કારો પર 70 ટકા કે 100 ટકા ટેક્સ લગાવે છે. જોકે સરકારની નવી નીતિ થકી મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને પ્રોત્સાહન મળશે.

સરકારના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે ઈ-વેહિકલ સેગમેન્ટમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ભારતમાં લાવવાનો પ્રયાસ કરાશે. આ પોલિસીથી દેશમાં ઈવી ઈકેસિસ્ટમ મજબૂત બનશે. આ ઉપરાંત ઈવી સેગમેન્ટની એડવાન્સ ટેકનોલોજી પણ ભારતમાં આવશે.

નવી પોલિસીથી ટાટા મોટર્સ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે ઝટકારૂપ છે. આ સ્થાનિક કંપનીઓ ઈવી આયાત પર ટેક્સ મુક્તિનો વિરોધ કરી રહ્યા હતા. આ આ કંપનીઓનું માનવું છે કે ટેક્સ ઘટ્યા બાદ ગ્લોબલ કંપનીઓને મોંઘી ઈવી કાર ભારતમાં લાવવાની સરળતા રહેશે.. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારત કોઈના પણ દબાણમાં આવ્યા વગર સ્વતંત્ર પોલિસી બનાવશે. અમે કોઈ એક કંપનીને ધ્યાને રાખી પોલિસી બનાવીશું નહીં. અમારો પ્રયાસ  વિશ્વભરની તમામ ઈવી કંપનીઓને ભારત લાવવામાં રહેશે.

 

 

 

 

 

 

USની ટિપ્પણી પર ભારતનો જવાબઃ CAA ભારતનો આંતરિક મામલો છે

નવી દિલ્હીઃ સિટિઝન એમેડમેન્ટ એક્ટ (CAA)ને લઈને અમેરિકાના નિવેદન પર મોદી સરકારે આકરી પ્રતિક્રિયા આપી છે. CAA કાયદા પર અમેરિકાની ચિંતા ખોટી, અયોગ્ય અને અનપેક્ષિત છે. CAA ભારતનો આંતરિક મામલો છે. CAA નાગરિકતા આપતો કાયદો છે, લેવાવાળો નહીં, એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું.

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણ બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતા આપે છે. અલ્પસંખ્યકો પ્રત્યે ચિંતાનો કોઈ આધાર નથી. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે CAA પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે એક સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે અમે 11 માર્ચે નાગરિકતા સંસોધન કાનૂન હોવાથી ચિંતિત છીએ. ધાર્મિક સ્વતંત્રતાનું સન્માન અને કાનૂન હેઠળ બધા સમાજો પ્રત્યે સમાન વ્યવહાર મૌલિક લોકતાંત્રિત સિદ્ધાંત છે.

અમેરિકાને સ્પષ્ટ જવાબ આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે CAA અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બંગલાદેશના હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયોથી સંબંધિત અલ્પસંખ્યકોને સુરક્ષિત આશ્રય આપે છે. એનાથી કોઈની નાગરિકતા છીનવાતી નથી. CAA રાજ્ય વિહીનતાને મુદ્દે સંબોધિત કરે છે. માનવીય ગરિમા પ્રદાન કરે છે અને માનવાધિકારોનું સમર્થન કરે છે.

જ્યાં સુધી અમેરિકી વિદેશ વિભાગના નિવેદનને સંબંધ છે, ભારતનું બંધારણ બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાની ગેરન્ટી આપે છે. અલ્પસંખ્યકો પ્રતિ કોઈ પણ ચિંતા અથવા વ્યવહારનો કોઈ આધાર નથી. મત બેન્કના રાજકારણના સંકટમાં ફસાયેલા લોકોની મદદ માટે એક પ્રશંસનીય પહેલ વિશે વિચાર નિર્ધારિત નહીં કરવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

કભી ટરબ્યુલન્સ… કભી સ્મૂધ

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ એમની એક સ્પીચમાં કહેલું કે “સરકારેં આતી-જાતી રહેંગી, નેતા આતે-જાતે રહેંગે… કોઈ રહેં યા ન રહે, પર યે દેશ રહના ચાહિયે”… આ શુક્રવારે રિલીઝ થયેલી યોદ્ધાની વાર્તાના કેન્દ્રમાં અટલજીનું આ વાક્ય છે, જે હીરો સિદ્ધાર્થ મલ્હોત્રાને લાગુ પડે છે.

એક સમયનો ચૉકલેટ બૉય સિદ્ધાર્થ મલ્હોત્રા ઘણા વખતથી યુનિફૉર્મધારી સચ્ચા દેશભક્ત બનતો રહ્યો છે. 2018માં આવેલી અય્યારીથી લઈને શેરશાહમિશન મજનૂઈન્ડિયન પોલીસ ઑફિસર અને હવે ‘યોદ્ધા’… જેમાં એ જાંબાઝ દેશભક્ત આર્મી અફ્સર અર્જુન કાટ્યાલની ભૂમિકા ભજવે છે. અર્જુનના પપ્પા સુરીન્દર કાટ્યલે (રોનિત રૉયે) સ્થાપેલી ભારતીય લશ્કર દળની યોદ્ધા ટાસ્ક ફૉર્સ યુનિટનો અર્જુન બહાદુર અફ્સર છે. એક મોબાઈલ પરથી બીજા મોબાઈલ પર વૉટ્સઍપ મેસેજ પહોંચે એટલી ઝડપે તો એ અઘરાં મિશન પાર પાડી દે છે. એટલે જ્યારે ભારતીય વિમાનનું અપહરણ થાય છે ને એ ઈંધણ ભરાવવા અમૃતસર ઍરપૉર્ટ ઊતરે છે ત્યારે મૅગી નૂડલ્સની ઝડપે અરુણ સિચ્યુએશન પોતાના હાથમાં લઈ લે છે. નવી દિલ્હીના કન્ટ્રોલ રૂમમાં ઉપસ્થિત એક લાયક નહીં એવા રાજકારણીના લીધે મિશન અસફળ રહે છે, ભારતસરકારે ઘણાં સમાધાન કરવાં પડે છે. આ ઘોર નિષ્ફળતા બાદ યોદ્ધા ટાસ્ક ફૉર્સને સંકેલી લેવામાં આવે છે, અરુણ અને એની ટીમને સસ્પેન્ડ કરવામાં આવે છે, યુનિફૉર્મ, નોકરી, આબરૂ, સરકારની પત્ની પ્રિયંવદા, વગેરે (રાશિ ખન્ના) બધું જ ખોવું પડે છે… પત્ની સરકારની સત્તાવાર નેગોશિયટર છે, જે અપહરણ જેવી સિચ્યુએશનમાં ત્રાસવાદીઓ સાથે વાટાઘાટ કરે છે.

-અને આ દુર્ઘટના બાદ પરદા પર આપણને વાંચવા મળે છેઃ કૂછ સાલ બાદઃ અ ફ્યુ યર્સ લેટર. દિલ્હીથી લંડન જઈ રહેલા વિમાનમાં સાદા વેશમાં ઍર કમાન્ડર તરીકે ફરજ બજાવતા અરુણ સામે ફરી એક ચુનૌતી આવી પડે છે, ફરી વિમાન-અપહરણની સિચ્યુએશન છે, ને અર્જુન મંડી પડે છે. તે પછીની ફિલ્મ મિડઍર ડ્રામા પર આધારિત છે. અપહરણની આ બીજી સિચ્યુએશનને તેજ ગતિએ ભાગતો ડ્રામો બનાવવાની કોશિશમાં અનેક ઠેકાણે ફિલ્મ કોમિક બની ગઈ છે… દિશા પટણી બની છે આ વિમાનની ઍર હૉસ્ટેસ.

સાગર આમ્બ્રે-પુષ્કર ઓઝા દિગ્દર્શિત (સાગર સાહેબે ફિલ્મની વાર્તા પણ લખી છે) આ ઍક્શન થ્રિલરની પટકથામાં ખૂબ બધા ઝોલઝાલ છે. દાખલા તરીકે, ત્રાસવાદીઓ હાઈજૅક થયેલું પેટ્રોલ વિનાના વિમાનને અમૃતસર ઍરપૉર્ટ પરથી ઉડાડવા કહે છે, પાઈલટ કહે છે આપણે આમ ઈંધણ વિના ઊડી જ ન શકીએ, પ્લેનના કાર્ગો એરિયાનો દરવાજો ખુલ્લો છે, ત્રાસવાદી અરુણને વિમાનની બહાર ફંગોળી મૂકે છે… છતાં વિમાન ટેકઓફ્ફ થાય છે, પણ પછી એનું શું થાય છે? એ સર્જકો આપણને કહેતા નથી. વધુ હાસ્યાસ્પદ તો એ છે કે જાનના જોખમે અરુણ વિમાનનો દરવાજો ઉઘાડી એક મહત્વના પાત્રને બહાર કૂદી પડવા કહે છે, છતાં પેલો પોતાની જગ્યાએથી હાલતો નથી. શું કામ? ભઈ, પ્રેક્ષકોને ટેન્શન આપવાનું છે.

આવી ઊડી ને આંખે વળગે એવી ભૂલો તથા ઍરોનોટિક સાયન્સના અઢળક ગોટાળાને બાજુએ મૂકીને જોશો તો ‘યોદ્ધા’ માણી શકાય એવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાના કારકિર્દીનો કદાચ આ બેસ્ટ પરફોરમન્સ હશે. ટીવીએફની ‘સંદીપ ભૈય્યા’માં શીર્ષક ભૂમિકા ભજવનાર સની હિંદુજા અચંબામાં પાડી દે એવી ભૂમિકામાં છે. દિશા પટણી અને રાશિ ખન્ના ઓક્કે.

ઈન શૉર્ટ, કમજોર ટેકઓફ્ફ, ભારત-પાકિસ્તાનના સંબંધ વિશેના ઉભડક સીન્સ, તથા કથાકથનમાં અનેક ઠેકાણે ટરબ્યુલન્સ હોવા છતાં એન્ડમાં તમને આ એવરેજ ઍક્શન થ્રિલરની ફ્લાઈટ લેવાનો રંજ થતો નથી.

દુર્લભ ખગોળીય ઘટનાઃ સૂર્યગ્રહણ 50 વર્ષમાં સૌથી લાંબું હશે

નવી દિલ્હીઃ આગામી મહિને એક દુર્લભ ખગોળીય ઘટના બનવાની છે. આઠ એપ્રિલ, 2024એ પૂર્ણ સૂર્યગ્રહણ થવાનું છે. એ ખગોળવિદો માટે બહુ ખાસ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર વર્ષ 2024નું પૂર્ણ સૂર્યગ્રહણ છેલ્લાં 50 વર્ષોમાં સૌથી લાંબું સૂર્યગ્રહણ હશે. પૂર્ણ સૂર્યગ્રહણ એક દુર્લભ ખગોળીય ઘટના છે. આ પ્રકારની ઘટના ક્યારેક-ક્યારેક જ થાય છે.

દિવસ પહેલાં ચંદ્રમા પોતાના નજીકના બિંદુ પર પૃથ્વીની નજીક આવશે. બંને વચ્ચે અંતર 3.60 લાખ કિલોમીટર રહી જશે. પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય છે, જ્યારે ચંદ્રમા પૃથ્વી અને સૂર્યની વચ્ચેથી પસાર થાય છે. એ દરમ્યાન ચંદ્રમા સૂર્યને પૂરી રીતે ઢાંકી લે છે, જેનાથી સૂર્યનાં કિરણો પૃથ્વી સુધી નથી પહોંચતા. આવું થોડાક સમય માટે થાય છે. ગ્રહણને દિવસે પૃથ્વી અને ચંદ્રમાની સૂર્યથી સરેરાશ અંતર આશરે 15 કરોડ કિલોમીટર છે

પૂર્ણ સૂર્યગ્રહણના અદભુત નજારો 50 વર્ષ પહેલાં જોવા મળ્યો હતો. હવે આવો દુર્લભ સંયોગ આ વર્ષે જ ફરીથી જોવા મળી શકે છે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ આશરે 7.5 મિનિટ ચાલશે. એ બપોરે 2.14 કલાકે શરૂ થઈને 2.22 સુધી ચાલશે. ગયા વખતે વર્ષ 2017માં સૂર્યગ્રહણ લાગ્યું હતું, પણ આ વખતનું સૂર્ય ગ્રહણ ઘણું અલગ હશે.આ વર્ષનું એ પહેલું સૂર્યગ્રહણ અમેરિકામાં દેખાશે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં સૂરજ કાળો થતા જોઈ શકાશે. જોકે ભારતમાં આ દુર્લભ ઘટના જોવા નહીં મળે.

 

 

 

 

 

 

 

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન આવતી કાલે

નવી દિલ્હીઃ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓનો ચૂંટણી કાર્યક્રમની ઘોષણા શનિવારે થશે, એમ ચૂંટણી પંચે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એની માહિતી આપી હતી. ચૂંટણી પંચ બપોરે ત્રણ કલાકે ચૂંટણીના કાર્યક્રમને લઈને પત્રકાર પરિષદ યોજશે, જેમાં તારીખોનું એલાન કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની સાથે-સાથે સિક્કિમ, ઓડિશા, અરણાચલ પ્રદેશ, આંધ્ર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન થશે.

 લોકસભા ચૂંટણી 2024નું શેડ્યૂલ આવતીકાલે એટલે કે શનિવાર (16 માર્ચ, 2024) આવશે. ચૂંટણી પંચ (EC) દ્વારા બપોરે 3 વાગ્યે આની જાહેરાત કરવામાં આવશે. આ સમય દરમિયાન, EC અધિકારીઓ વતી એક પ્રેસ કોન્ફરન્સ થશે, જેમાં એ જણાવવામાં આવશે કે લોકસભા ચૂંટણી 2024 અને કેટલાંક રાજ્યોની વિધાનસભા ચૂંટણી ક્યારે અને કેટલા તબક્કામાં યોજાશે.હાલની લોકસભાનો કાર્યકાળ 16 જૂને ખતમ થશે અને નવી લોકસભાની રચના એ પહેલાં થશે. ચૂંટણીની તારીખોની જાહેરાત પછી તરત જ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવશે અને તેને કારણે સરકાર કોઈ નવી નીતિ કે નિર્ણય જાહેર કરી શકશે નહીં.

લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે, 2024 વચ્ચે આઠ તબક્કામાં યોજવામાં આવે એવી શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની NDA સરકાર સતત ત્રીજી વખત સત્તામાં પરત ફરવાની આશા રાખી રહી છે. જ્યારે વિપક્ષી ગઠબંધન ચૂંટણી જીતવા પ્રયાસો કરશે.

વર્ષ 2019માં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી અને 11 એપ્રિલથી 19 મે દરમ્યાન યોજવામાં આવી હતી. અને મતોની ગણતરી 23 મેએ થઈ હતી. વર્ષ 2019માં સામાન્ય ચૂંટણીની 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી.

 

 

 

 

બોલીવૂડ એક્ટર અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી થઈ

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની એન્જિયોપ્લાસ્ટી થઈ છે. 81 વર્ષના બિગ Bને શુક્રવારે સવારે છ કલાકે મુંબઈની કોકિલાબહેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એમ સૂત્રોએ જણાવ્યું હતું. વર્ષ 2018ની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તા’માં એક એક્શન સીન કરતી વખતે તેમને ખભા પર ઇજા થઈ હતી. જોકે એ ઇજા ગંભીર નહોતી. વર્ષ 2022માં ‘કૌન બનેગા કરોડપતિ’ 14ના શૂટિંગ દરમ્યાન અમિતાભ બચ્ચનના પગની નસ એક મેટલના ટુકડાથી કપાઈ ગઈ હતી. સેટ પર તેમને ત્યાંથી બહુ લોહી નીકળ્યું હતું, જે પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અમિતાભે 2020માં ટ્વીટ કરીને માહિતી આપી હતી કે તેઓ કોવિડ સંક્રમિત છે. તેમના પુત્ર અભિષેક પણ પોઝિટિવ છે. તેઓ સારવાર માટે ત્યારે બે મહિના સુધી બિગ B હોસ્પિટલમાં રહ્યા હતા. ત્યાર બાદ 2022માં પણ તેઓ કોરોના સંક્રમિત થયા હતા.

વર્ષ 2000માં અમિતાભને માલૂમ પડ્યું હતું કે તેમને હેપેટાઇટ્સ B છે. વાસ્તવમાં એ બીમારી એક બેદરકારીનું પરિણામ હતી. જ્યારે ‘કુલી’ના સેટ પર થયેલી ઘટના પછી બિગ Bને લોહીની જરૂર પડી ત્યારે બ્લડ ડોનરની ભીડ લાગી હતી. 200 ડોનર દ્વારા તેમને 60 બોટલ લોહી ચઢાવવામાં આવ્યું હતું. એ વખતે બિગ Bને હેપેટાઇટિસ Bથી સંક્રમિત વ્યક્તિનું લોહી બેદરકારીથી ચઢાવવામાં આવ્યું હતું. જેથી તેઓ પણ એના શિકાર થયા હતા. એ વાત તેમણે આરોગ્ય મંત્રાલય દ્વારા હેપેટાઇટિસ Bના કેમ્પેનના બ્રાંડ એમ્બેસેડર બનવા પર જણાવી હતી.

 

 

 

 

 

ચૂંટણી બોન્ડ નંબરોનો ખુલાસો કરવાના કેસમાં SCની SBIને નોટિસ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ મામલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવતાં નોટિસ જારી કરી છે. કોર્ટે બેન્કે સવાલ કર્યો છે કે બોન્ક નંબરોનો ખુલાસો કેમ નથી કર્યો? બેન્કે આલ્ફા ન્યુમરિક નંબર કેમ નથી જણાવ્યા? કોર્ટના આદેશને સીલ કવરમાં રાખવામાં આવેલો ડેટા ચૂંટણી પંચને આપવામાં આવે, કેમ કે એ ડેટાને અપલોડ કરવાનો છે. કોર્ટે કહ્યું છે કે બોન્ડ ખરીદવા અને રિડમ્પશનની તારીખ જણાવવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ECમાં અપલોડ કરવા માટે ડેટા જરૂરી છે. કોર્ટનું કહેવું છે કે બોન્ડ નંબરોથી માલૂમ પડશે કે દાનદાતાએ કઈ પાર્ટીને દાન આપ્યું છે. હવે આ મામલે આગામી સુનાવણી સોમવારે -18 માર્ચે થશે. પહેલાં આ મામલે આજે જ સુનાવણી થવાની હતી અને એની લાઇન સ્ટ્રિમિંગ પણ થવાની હતી, પરંતુ હવે સોમવારે આ મામલાની સુનાવણી થશે.

SBI અને ચૂંટણી પંચે કોર્ટમાં બધા દસ્તાવેજ રજૂ કર્યા હતા. ચૂંટણી પંચે ચૂંટણી બોન્ડ મામલે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાથી પ્રાપ્ત થયેલો ડેટા વેબસાઇટ પર અપલોડ કરી દીધો હતો.ચૂંટણી પંચની વેબસાઇટમાં 763 પાનાંના બે લિસ્ટમાં રાજકીય પાર્ટીઓને મળેલા બોન્ડની વિગતો છે. ચૂંટણી પંચની વેબસાઇટમાં અપલોડ કરવામાં આવેલી ત્રણ મૂલ્ય વર્ગના બોન્ડની ખરીદીથી જોડાયેલી છે.

ચૂંટણી બોન્ડ રૂ. એક લાખ, રૂ. 10 લાખ અને રૂ. એક કરોડનાં ખરીદવામાં આવ્યાં હતાં. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે 15 ફેબ્રુઆરીએ ચૂંટણી બોન્ડના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કોર્ટે SBIને મંગળવાર સાંજ સુધી ચૂંટણી બોન્ડનો પૂરો ડેટા સોંપવા માટે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

કોરાનાના 199 નવા કેસો, ચારનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 199 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ચાર જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,31,897 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,514 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,97,726 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 213 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1078 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,18,718 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 3702 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

નિઃસ્વાર્થભાવે કોઈની તરફ હાથ લંબાવ્યો છે?

બે’એક દિવસ પહેલાં એક સમાચાર વાંચવામાં આવ્યા. દુબઈમાં વસતા 66 વર્ષી ભારતીય બિઝનેસમૅન અને દાનવીર ફિરોઝ મર્ચન્ટે દસ લાખ દિરહામ (આશરે સવાબે કરોડ રૂપિયા) રૂપિયા ભરીને ખાડી દેશોની વિવિધ જેલમાં સબડતા 900 જેટલા કેદીઓને છોડાવ્યા.

આ સમાચાર વાંચીને ફર્સ્ટ વર્લ્ડ વૉરનો એક પ્રસંગ સાંભરી આવ્યો. સન 1892ની વાત. આર્થિક દૃષ્ટિએ નબળા એવા બે વિદ્યાર્થી અમેરિકાની સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. ઘરની સ્થિતિ એવી કે યુનિવર્સિટીની ફી ભરી શકવાના વાંધા હતા. ફીના પૈસા કાઢવા બન્નેએ મળીને અમેરિકાના પ્રખ્યાત પિયાનોવાદક ઈગ્નેસી પૅડરેસ્ટીના એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કર્યું. તે સમયે પૅડરેસ્ટી આવા એક લાઈવ કન્સર્ટ માટે 2000 ડૉલર ચાર્જ કરતા. પેલા બન્નેએ વિચાર્યું કે પૅડરેસ્ટીને 2000 ડૉલર આપ્યા પછી પણ ટિકિટમાંથી આપણને કમાણી થવાની જ છે. એમાંથી ફી ભરી શકાશે અને સરળતાથી અભ્યાસ કરી શકાશે, પરંતુ જીવનમાં બધું આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. ઘણી વાર આપણે ધારીએ કંઈક અને થાય કંઈક અલગ. આ બંને વિદ્યાર્થીઓ સાથે પણ કંઈ એવું જ બન્યું. આખા ઈવેન્ટના અંતે બંનેને માત્ર ૧૬૦૦ ડૉલર જ મળ્યા. સામે આપવાના હતા ૨૦૦૦ ડૉલર, પિયાનોવાદકની ફી. બંને મૂંઝાતાં મૂંઝાતાં પૅડરેસ્કી પાસે ગયા અને કહ્યું, ‘અમારે તમને 2000 ડૉલર આપવાના હતા, પણ માફ કરજો, અમે આ કન્સર્ટમાંથી માત્ર 1600 ડૉલર જ એકઠા કરી શક્યા છીએ. પણ તમે ચિંતા નહીં કરતા. અમે ભણવાનું છોડી દઈશું, નોકરી કરીશું ને તમારા બાકીના ૪૦૦ ડૉલર આપી દઈશું.’

ઈગ્નેસી પૅડરેસ્કીએ બન્ને જુવાન સ્ટુડન્ટ્સની વાત સાંભળી 1600 ડૉલર પાછા આપતાં કહ્યું, ‘તમે ભણવાનું ચાલુ રાખો. મારે તમારી કોઈ ફી નથી જોઈતી. બન્ને વિદ્યાર્થીઓએ પૅડરેસ્ટ્રીનો ખૂબ આભાર માન્યો.

કાળાંતરે મશહૂર પિયાનોવાદક ઈગ્નસી પૅડરેસ્કી પોલૅન્ડના વડા પ્રધાન બન્યા. ૧૯૧૯માં પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્ણ થયા બાદ સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ પોલૅન્ડની હતી. ત્યાંની પ્રજા અનાજ વગર ભૂખમરાના ભરડામાં ફ્સાયેલી હતી. પોતાની પ્રજાને બચાવવા વડા પ્રધાને વિશ્વના જુદા જુદા દેશો પાસે મદદ માટે દરખાસ્તો કરી. જો કે તે સમય ખૂબ કપરો હતો. વિશ્વના બીજા દેશોની સ્થિતિ પણ સારી નહોતી. એટલે કોઈ જગ્યાએથી મદદ ન મળી. અંતિમ ઉપાય તરીકે પૅડરેસ્કીએ અમેરિકન ફૂડ ઓર્ગેનાઈઝેશનને મદદ માટે વિનંતી કરી. તે સમયે અમેરિકન ફૂડ ઓર્ગેનાઈઝેશનના વડા તરીકે હર્બટ હુવર ફરજ બજાવતા હતા. હર્બટ હુવરે પોલૅન્ડ અને વડા પ્રધાન ઈગ્નસી પૅડરેસ્કીની કલ્પના બહારની મદદ કરી અને પોલૅન્ડની પ્રજાને ભૂખમરાથી બચાવી લીધી.

પ્રાઈમ મિનિસ્ટર ઈગ્નેસી પૅડરેસ્ટી ખાસ આ દરિયાદિલીનો આભાર માનવા અમેરિકા ગયા ને હર્બટને રૂબરૂ મળ્યા ત્યારે હર્બટે કહ્યું, ‘મિ.પ્રાઈમ મિનિસ્ટર… આભાર માનવાની કોઈ જરૂર નથી. 1892માં તમે આર્થિક મુશ્કેલીમાં આવેલા સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓને મદદ કરીને એમનો અભ્યાસ ચાલુ રખાવ્યો હતો, તે બે વિદ્યાર્થી પૈકીનો એક હું પોતે જ છું.’

ખરેખર, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કોઈને કરેલી મદદ ક્યારેય પણ વ્યર્થ નથી જતી. ફેંકાયેલું બૂમરેંગ જેમ હંમેશાં આપણી તરફ પાછું ફરે છે તેમ નિઃસ્વાર્થ ભાવે કરેલી મદદ હંમેશાં એક યા બીજા સ્વરૂપે પરત ફરે જ છે. લેવાની તો બધાને મજા આવે, પરંતુ ક્યારેક આપવાનો આનંદ પણ લેવા જેવો છે. સ્વાર્થ માટે તો બધા બધું કરે જ છે, થોડું બીજા માટે પણ કરી લઈએ.

આજે પણ વિશ્વના માંધાતા, ઉમરાવો, મોટા-મોટા ઑફ્સિરોથી લઈને નાના ગામડાનો સામાન્ય માનવી પ્રમુખસ્વામીજીને યાદ કરે છે, કારણ કે આ મહાન સંતે કરેલી મદદ આજે પણ લાખો લોકોનાં હૃદયમાં જાગ્રત છે. આવા પરોપકારી સંતના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે આપણી જાતને રોજ એક પ્રશ્ન પૂછવા જેવો છે – શું આજે મેં કોઇને નિઃસ્વાર્થભાવે મદદ કરી?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો