કભી ટરબ્યુલન્સ… કભી સ્મૂધ

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ એમની એક સ્પીચમાં કહેલું કે “સરકારેં આતી-જાતી રહેંગી, નેતા આતે-જાતે રહેંગે… કોઈ રહેં યા ન રહે, પર યે દેશ રહના ચાહિયે”… આ શુક્રવારે રિલીઝ થયેલી યોદ્ધાની વાર્તાના કેન્દ્રમાં અટલજીનું આ વાક્ય છે, જે હીરો સિદ્ધાર્થ મલ્હોત્રાને લાગુ પડે છે.

એક સમયનો ચૉકલેટ બૉય સિદ્ધાર્થ મલ્હોત્રા ઘણા વખતથી યુનિફૉર્મધારી સચ્ચા દેશભક્ત બનતો રહ્યો છે. 2018માં આવેલી અય્યારીથી લઈને શેરશાહમિશન મજનૂઈન્ડિયન પોલીસ ઑફિસર અને હવે ‘યોદ્ધા’… જેમાં એ જાંબાઝ દેશભક્ત આર્મી અફ્સર અર્જુન કાટ્યાલની ભૂમિકા ભજવે છે. અર્જુનના પપ્પા સુરીન્દર કાટ્યલે (રોનિત રૉયે) સ્થાપેલી ભારતીય લશ્કર દળની યોદ્ધા ટાસ્ક ફૉર્સ યુનિટનો અર્જુન બહાદુર અફ્સર છે. એક મોબાઈલ પરથી બીજા મોબાઈલ પર વૉટ્સઍપ મેસેજ પહોંચે એટલી ઝડપે તો એ અઘરાં મિશન પાર પાડી દે છે. એટલે જ્યારે ભારતીય વિમાનનું અપહરણ થાય છે ને એ ઈંધણ ભરાવવા અમૃતસર ઍરપૉર્ટ ઊતરે છે ત્યારે મૅગી નૂડલ્સની ઝડપે અરુણ સિચ્યુએશન પોતાના હાથમાં લઈ લે છે. નવી દિલ્હીના કન્ટ્રોલ રૂમમાં ઉપસ્થિત એક લાયક નહીં એવા રાજકારણીના લીધે મિશન અસફળ રહે છે, ભારતસરકારે ઘણાં સમાધાન કરવાં પડે છે. આ ઘોર નિષ્ફળતા બાદ યોદ્ધા ટાસ્ક ફૉર્સને સંકેલી લેવામાં આવે છે, અરુણ અને એની ટીમને સસ્પેન્ડ કરવામાં આવે છે, યુનિફૉર્મ, નોકરી, આબરૂ, સરકારની પત્ની પ્રિયંવદા, વગેરે (રાશિ ખન્ના) બધું જ ખોવું પડે છે… પત્ની સરકારની સત્તાવાર નેગોશિયટર છે, જે અપહરણ જેવી સિચ્યુએશનમાં ત્રાસવાદીઓ સાથે વાટાઘાટ કરે છે.

-અને આ દુર્ઘટના બાદ પરદા પર આપણને વાંચવા મળે છેઃ કૂછ સાલ બાદઃ અ ફ્યુ યર્સ લેટર. દિલ્હીથી લંડન જઈ રહેલા વિમાનમાં સાદા વેશમાં ઍર કમાન્ડર તરીકે ફરજ બજાવતા અરુણ સામે ફરી એક ચુનૌતી આવી પડે છે, ફરી વિમાન-અપહરણની સિચ્યુએશન છે, ને અર્જુન મંડી પડે છે. તે પછીની ફિલ્મ મિડઍર ડ્રામા પર આધારિત છે. અપહરણની આ બીજી સિચ્યુએશનને તેજ ગતિએ ભાગતો ડ્રામો બનાવવાની કોશિશમાં અનેક ઠેકાણે ફિલ્મ કોમિક બની ગઈ છે… દિશા પટણી બની છે આ વિમાનની ઍર હૉસ્ટેસ.

સાગર આમ્બ્રે-પુષ્કર ઓઝા દિગ્દર્શિત (સાગર સાહેબે ફિલ્મની વાર્તા પણ લખી છે) આ ઍક્શન થ્રિલરની પટકથામાં ખૂબ બધા ઝોલઝાલ છે. દાખલા તરીકે, ત્રાસવાદીઓ હાઈજૅક થયેલું પેટ્રોલ વિનાના વિમાનને અમૃતસર ઍરપૉર્ટ પરથી ઉડાડવા કહે છે, પાઈલટ કહે છે આપણે આમ ઈંધણ વિના ઊડી જ ન શકીએ, પ્લેનના કાર્ગો એરિયાનો દરવાજો ખુલ્લો છે, ત્રાસવાદી અરુણને વિમાનની બહાર ફંગોળી મૂકે છે… છતાં વિમાન ટેકઓફ્ફ થાય છે, પણ પછી એનું શું થાય છે? એ સર્જકો આપણને કહેતા નથી. વધુ હાસ્યાસ્પદ તો એ છે કે જાનના જોખમે અરુણ વિમાનનો દરવાજો ઉઘાડી એક મહત્વના પાત્રને બહાર કૂદી પડવા કહે છે, છતાં પેલો પોતાની જગ્યાએથી હાલતો નથી. શું કામ? ભઈ, પ્રેક્ષકોને ટેન્શન આપવાનું છે.

આવી ઊડી ને આંખે વળગે એવી ભૂલો તથા ઍરોનોટિક સાયન્સના અઢળક ગોટાળાને બાજુએ મૂકીને જોશો તો ‘યોદ્ધા’ માણી શકાય એવી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાના કારકિર્દીનો કદાચ આ બેસ્ટ પરફોરમન્સ હશે. ટીવીએફની ‘સંદીપ ભૈય્યા’માં શીર્ષક ભૂમિકા ભજવનાર સની હિંદુજા અચંબામાં પાડી દે એવી ભૂમિકામાં છે. દિશા પટણી અને રાશિ ખન્ના ઓક્કે.

ઈન શૉર્ટ, કમજોર ટેકઓફ્ફ, ભારત-પાકિસ્તાનના સંબંધ વિશેના ઉભડક સીન્સ, તથા કથાકથનમાં અનેક ઠેકાણે ટરબ્યુલન્સ હોવા છતાં એન્ડમાં તમને આ એવરેજ ઍક્શન થ્રિલરની ફ્લાઈટ લેવાનો રંજ થતો નથી.