Home Blog Page 1994

ટિકિટ કેન્સલ થકી રેલવેની કમાણી રૂ. 1230 કરોડ

નવી દિલ્હીઃ ક્યારેક-ક્યારેક આપણે જલદીમાં હોઈએ છીએ, ત્યારે યાત્રા માટે ટ્રેનમાં વેટિંગ ટિકિટ લઈ લઈએ છીએ, પણ ક્યારે-ક્યારેક વેટિંગ વધુ હોવાથી આપણી ટિકિટ કન્ફર્મ નથી થતી, ત્યારે ટિકિટ કેન્સલ પણ કરાવવી પડે છે. વેટિંગ લિસ્ટની કેન્સલ થતી ટિકિટોથી પણ રેલવેને નોંધપાત્ર કમાણી થાય છે. શું તમને માલૂમ છે કે માત્ર દિવાળી પર કેન્સલ ટિકિટથી રેલવેએ કેટલા કરોડની કમાણી કરી?

મધ્ય પ્રદેશ સ્થિત RTI એક્ટિવિસ્ટ વિવેક પાંડેએ રેલવેને અરજી દાખલ કરી હતી. RTIના જવાબમાં ઘણી વાતો સામે આવી.

ભારતીય રેલવેએ વેટિંગ લિસ્ટની કેન્સલ્ડ ટિકિટોથી થયેલી કમાણીની માહિતી આપી હતી. RTIથી પ્રાપ્ત માહિતી અનુસાર રેલવેને વર્ષ 2021, 2022 અને 2023ના વેટિંગ લિસ્ટની કેન્સલ્ડ ટિકિટોથી કુલ રૂ. 1229.85 કરોડની કમાણી કરી હતી. આ સિવાય વર્ષ 2024ના જાન્યુઆરી મહિનામાં કુલ રૂ. 45.86 લાખ કેન્સલ્ડ ટિકિટોથી રેલવેને રૂ. 43 કરોડની આવક થઈ છે.

વર્ષ 2021માં વેટિંગ લિસ્ટની કુલ 2.53 કરોડ ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી, જેનાથી રેલવેને કુલ રૂ. 242.68 કરોડની કમાણી થઈ, જ્યારે વર્ષ 2022 અને 2023માં ક્રમશઃ 4.6 કરોડ અને 5.26 કરોડ ટિકિટ કેન્સલ કરવામાં આવી હતી, જેનાથી રેલવેને બંને વર્ષોમાં રૂ. 439.16 કરોડ અને રૂ. 505 કરોડની કમાણી થઈ હતી.

ટિકિટ કેન્સલ કરાવવા પર પૈસા કપાવાનો નિયમ

IRCTCના નિયમ મુજબ જો RAC અથવા વેટિંગ લિસ્ટની ટિકિટ કેન્સલ કરવામાં આવે તો રૂ. 60 રિફંડથી કાપવામાં આવે છે. જો કન્ફર્મ ઈટિકિટ 48 કલાક પહેલાં રદ કરવામાં આવે તો AC ફર્સ્ટ ક્લાસમાં રૂ. 240, AC-2 ટિયરમાં રૂ. 240, AC-2 ટિયરમાં રૂ. 200, AC-3 ટિયરમાં રૂ. 180, સ્લીપરમાં રૂ. 120 અને સેકન્ડ ક્લાસમાં રૂ. 60 કાપવામાં આવે છે. જો ટ્રેન શેડ્યુએલના 48-12 કલાકની અંદર કેન્સલ કરવામાં આવે તો ટિકિટ ભાડાના 25 ટકા રિફંડથી કાપવામાં આવે છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

કોંગ્રેસ અધ્યક્ષે PM મોદી પર લદ્દાખ સાથે વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે અને તેમના પર લદ્દાખની જનતા સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે લદ્દાખના લોકોએ બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ સુરક્ષાની માંગ કરી છે. પરંતુ અન્ય ગેરંટીઓની જેમ બંધારણીય અધિકારો સુનિશ્ચિત કરવાની ‘મોદીની ગેરંટી’ નકલી અને ચીની છે. ખડગેએ દાવો કર્યો કે ચીની સેનાએ હજુ પણ અમારા વિસ્તારો પર કબજો જમાવ્યો છે.

 

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં છઠ્ઠી અનુસૂચિ હેઠળ રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. બંધારણની છઠ્ઠી અનુસૂચિ જે અંતર્ગત રક્ષણ માંગવામાં આવી રહ્યું છે તે આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ માટે છે. 2019 માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યું હતું, જેમાંથી એક જમ્મુ અને કાશ્મીર અને બીજો લદ્દાખ હતો. જો કે હવે લોકોએ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી છે.

મોદીની ગેરંટી એ મોટો વિશ્વાસઘાત છેઃ ખડગે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અંગ્રેજી અખબારના સમાચાર શેર કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, લદ્દાખમાં બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ આદિવાસી સમુદાયોના રક્ષણની માંગ છે. તેને મજબૂત જન સમર્થન મળી રહ્યું છે. પરંતુ અન્ય તમામ ગેરંટીઓની જેમ, લદ્દાખના લોકોને બંધારણીય અધિકારો સુનિશ્ચિત કરવાની જરૂર છે.  ‘મોદીની ગેરંટી’ એક મોટો વિશ્વાસઘાત છે. તે નકલી અને ચાઈનીઝ સિવાય બીજું કંઈ નથી.

PMની ક્લીન ચીટ બાદ ચીનને પ્રોત્સાહન મળ્યુંઃ કોંગ્રેસ અધ્યક્ષ

મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે, મોદી સરકાર લદ્દાખના પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ હિમાલયન ગ્લેશિયર્સનું શોષણ કરવા અને તેના નજીકના મિત્રોને ફાયદો કરાવવા માંગે છે. તેમણે આગળ કહ્યું, “ગલવાન ખીણમાં આપણા 20 બહાદુર જવાનોના બલિદાન પછી, પીએમ મોદીએ ચીનને ક્લીન ચીટ આપી હતી. તેના કારણે આપણી વ્યૂહાત્મક સરહદો પર ચીનના વિસ્તરણવાદી સ્વભાવને પ્રોત્સાહન મળ્યું છે. સરકારની નિંદા કરતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, એક તરફ મોદી સરકારે આપણી પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં મૂકી દીધી છે તો બીજી તરફ તે લદ્દાખના આપણા જ નાગરિકોના બંધારણીય અધિકારો પર હુમલો કરી રહી છે.

2024માં એમેઝોન પ્રાઈમ પર જોવા મળશે ધમાકેદાર 69 ટાઈટલ્સ

મુંબઈ: એમેઝોન પ્રાઇમ વીડિયોએ મંગળવારે 2024 માટે 69 ટાઇટલ્સ સ્લેટની જાહેરાત કરી. જેમાં અગ્રણી ભારતીય અભિનેતાઓ અને દિગ્દર્શકોના નવા શો અને ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ફિલ્મ નિર્માતા કરણ જોહર દ્વારા મુંબઈમાં આયોજિત ‘પ્રાઇમ વીડિયો પ્રેઝન્ટ્સ ઇવેન્ટ’ દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. સાંતાક્રુઝ ખાતે ગ્રાન્ડ હયાતમાં આયોજીત કાર્યક્રમમાં હિન્દી અને દક્ષિણ સિનેમાના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

કરણ જોહર, વરુણ ધવન અને શાહિદ કપૂરે આ કાર્યક્રમનું હોસ્ટિંગ કર્યું હતું.

કાર્યક્રમમાં અનિલ કપૂર, અભિષેક બચ્ચન, પૂજા હેગડે, મ્રુણાલ ઠાકુર, અનન્યા પાંડે અને શ્રદ્ધા કપૂર જેવી હસ્તીઓએ હાજરી આપી હતી.

આ વર્ષે પ્રાઈમ પર હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં 27 નવા શો, પાંચ રીટર્નિંગ સિરીઝ, આઠ મૂળ મૂવીઝ અને 29 ફીચર્સ સિરીઝનો સમાવેશ થયો છે. જે તેમના થિયેટ્રિકલ રન પછી પ્રાઇમ વિડિયો પર ઉપલબ્ધ થશે.

નવા શોમાં વરુણ ધવનનો ‘સિટાડેલ: હની બન્ની’, અનન્યા પાંડેના ‘કૉલ મી BAE’ અને ભૂમિ પેડનેકરના દાલદાલનો સમાવેશ થાય છે. ફિલ્મોમાં અભિષેક બચ્ચનની બી હેપ્પી અને અનિલ કપૂરની સુબેદારનો સમાવેશ થાય છે.

એમેઝોન પ્રાઇમ વિડિયો પર પોસ્ટ-થિયેટ્રિકલ રિલીઝ તરીકે રિલીઝ થનારી લાઇસન્સવાળી ફિલ્મોમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની યોધા, શાહિદ કપૂર અને કૃતિ સેનન-સ્ટારર તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા, ટાઈગર શ્રોફની બાગી 4, વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી-સ્ટાર, ડોન, રણવીર સિંઘ, 3નો સમાવેશ થાય છે.

રામ ચરણની ગેમ ચેન્જર, પવન કલ્યાણની ઉસ્તાદ ભગત સિંહ, અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ સ્ટારર હાઉસફુલ 5, અજય દેવગણની સિંઘમ અગેઈન અને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ સ્ત્રી 2 પણ આ વર્ષે પ્રાઈમ પર જોવા મળશે.

એમેઝોઈ પ્રાઈમ પર પોસ્ટ-થિયેટ્રિકલ રીલિઝમાં દક્ષિણ ભારતીય ફિલ્મોમાં સુર્યાની કંગુવા, ઋષભ શેટ્ટીની કંતારાઃ એ લિજેન્ડ ચેપ્ટર 1 પણ છે.

(તસવીરો: માનસ સોમપુરા)

110 યુનિકોર્નની સાથે ભારત ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ ભારત મંડપમમાં સ્ટાર્ટઅપ મહાકુંભ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે 1.25 લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ અને 110 યુનિકોર્નની સાથે ભારત વિશ્વની ત્રીજી મોટી સ્ટાર્ટઅપ ઇકોલોજી તરીકે ઊભર્યું છે. સ્ટાર્ટઅપ મેટ્રો સિટી સુધી સીમિત નથી, એ હવે એક સામાજિક સંસ્કૃતિ બની ચૂકી છે. ભારત ત્રીજા કાર્યકાળમાં વિશ્વનું સૌથી ત્રીજું અર્થતંત્ર બનશે, એમ તેમણે કહ્યું હતું.

દેશના યુવાઓએ રોજગાર માગવાને બદલે રોજગાર પેદા કરવાવાળો રસ્તો પસંદ કર્યો છે. દેશમાં 1.25 લાખ થી વધુ સ્ટાર્ટઅપ છે. એમાંથી 110 યુનિકોર્ન બની ચૂક્યા છે. મહિલાઓની પાસે 45 ટકા સ્ટાર્ટઅપની કમાન છે. ભારતે ટેક્નોલોજીનું લોકતંત્રીકણ કરી દીધું છે. આ ક્ષેત્રમાં સાધન-સંપન્ન અને વંચિતનો સિદ્ધાંત કામ નથી કરતો. અંતરિમ બજેટમાં સંશોધન માટે ઘોષિત રૂ. એક લાખ કરોડના ફંડથી જેતે ક્ષેત્રોને મદદ મળશે.

સ્ટાર્ટઅપ દેશની પ્રગતિમાં મોટી ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું હતું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલે નવા વિચારોને મંચ આપ્યો અને ઉદ્યોગ સાહસિકો અને એકમોને નાણાકીય ફંડથી સાંકળ્યા. એનાથી દેશ ગર્વથી કહી શકે છે કે અમારી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માત્ર મોટા મેટ્રો શહેર સુધી સીમિત નથી. દેશની સ્ટાર્ટઅપ ક્રાંતિનું નેતૃત્વ દેશના નાનાં શહેરોના યુવા કરી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે સ્ટાર્ટઅપ માત્ર બેંગલુરૂ ઊભા થાય છે એમ માનવાની જરૂર નથી. દેશના ૬૦૦ જીલ્લામાંથી ૧.૨૫ લાખ સ્ટાર્ટઅપ તૈયાર થયા છે. દશ વર્ષ પહેલાં માંડ ૧૦૦ સ્ટાર્ટઅપ હતા, તે આજે સવા લાખ ઉપર પહોંચ્યા છે.

 

 

 

 

 

 

 

ખેસારી લાલની ફિલ્મ ‘રંગ દે બસંતી’ વિવાદોમાં ફસાઈ

નવી દિલ્હીઃ ભોજપુરીના ટ્રેડિંગ સ્ટાર ખેસારી લાલ યાદવ ફિલ્મ ‘રંગ દે બસંતી’ની રિલીઝને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 22 માર્ચે હોળીએ રિલીઝ થવાની હતી, પરંતુ ટાઇટલને કારણે એ સર્ટિફિકેશન બોર્ડમાં અટકી ગઈ છે. એના પર પહેલાં CBFCએ કાતર ચલાવી હતી, જેથી ફિલ્મમેકર રોશન સિંહે બોમ્બે હાઇકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.

હવે કોર્ટ તરફથી CBFCને આદેશ આપ્યો છે કે એ આ મામલાને 10 દિવસોની અંદર સુલઝાવે. ખેસારી લાલની ફિલ્મ ‘રંગ દે બસંતી’ને પહેલાં U (યુનિવર્સલ) સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ CBFCના અધ્યક્ષ પ્રસૂન જોશીના વલણને કારણે રિલીઝ ડેટ પાછળ ઠેલવામાં આવી હતી. ટ્રેડ પંડિતોના જણાવ્યાનુસાર રિલીઝ ડેટ ટાળવાથી આ ફિલ્મને રૂ. 10 કરોડનું નુકસાન થયું છે.

‘રંગ દે બસંતી’ના નિર્માતા રોશન સિંહે પ્રસૂન જોશી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે જાણીબૂજીને સેન્સરની પ્રક્રિયામાં વિલંબ કર્યો. તેમણે કહ્યું હતું કે પ્રસૂન જોશીનું ખેસારીની ફિલ્મના ટાઇટલને લઈને કહ્યું હતું કે 2006માં આમિર ખાન અભિનિત હિન્દી ફિલ્મનું ટાઇટલ સેમ હતું. ફિલ્મમેકરનું કહેવું છે કે તેમણે આવું એટલા માટે કર્યું, કેમ કે એ હિન્દી ફિલ્મ સાથે ગીતકાર તરીકે જોડાયા છે. રોશન સિંહના આરોપોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ત્યાર બાદ CBFCએ નિર્માતાઓને કટ્સની એક લિસ્ટ સોંપી છે. જોકે એમાં નામ બદલવાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. CBFCની તપાસ સમિતિ દ્વારા માગવામાં આવેલાં સંસોધનોને નિર્માતાઓએ ગેરકાયદે માન્યાં છે.

ખેસારી લાક યાદવની ફિલ્મ ‘રંગ દે બસંતી’ આશરે 500 સ્ક્રીન્સ પર રિલીઝ થવાની હતી. ટ્રેડ પંડિતો એને ભોજપુરીની સૌથી મોટી ફિલ્મ બતાવી રહ્યા છે. ખેસારી લાલની સાથે આ ફિલ્મમાં રતિ પાંડે, ડાયના ખાન છે. એનું ડિરેક્શન પ્રેમાંશુ સિંહે કર્યું છે.

 

 

 

 

 

 

પ્રિયંકા ચોપરા પતિ અને પુત્રી માલતી સાથે અયોધ્યા પહોંચી

પ્રિયંકા ચોપરા તાજેતરમાં એક ઇવેન્ટમાં હાજરી આપવા માટે પુત્રી માલતી મેરી સાથે મુંબઈ આવી હતી. પ્રિયંકાએ મુંબઈ આવતાની સાથે જ આ ઈવેન્ટમાં હાજરી આપી હતી. પ્રિયંકા અને માલતી બાદ તેનો પતિ નિક જોનાસ પણ ભારત આવ્યો હતો. નિક ભારત આવ્યા બાદ પ્રિયંકા તેના પરિવાર સાથે રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી છે. પ્રિયંકાની સાથે તેની માતા મધુ ચોપરા પણ અયોધ્યા ગઈ છે. પ્રિયંકાના ફેમિલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

પ્રિયંકાનો અયોધ્યાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકા યલો કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે. નિક જોનાસ પણ સફેદ રંગના કુર્તા-પાયજામામાં પરંપરાગત અવતારમાં જોવા મળ્યો હતો. પ્રિયંકાની માતા મધુએ રેડ કલરની સાડી પહેરી હતી. માલતી પણ ટ્રેડિશનલ અવતારમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે

પ્રિયંકાના વાયરલ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એકે લખ્યું- ‘ભક્તિમાં જ શક્તિ છે.’ કેટલાક લોકો હાર્ટ ઇમોજીસ પોસ્ટ કરી રહ્યા છે. પ્રિયંકાની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

બલ્ગારીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો

પ્રિયંકા ગયા અઠવાડિયે જ ઈન્ડિયા ઈવેન્ટમાં હાજરી આપવા આવી હતી. તેની ઈવેન્ટની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જે બાદ પ્રિયંકા ઈશા અંબાણીની હોળી પાર્ટીમાં ગઈ હતી. નિક જોનાસ પણ આ વર્ષે પ્રિયંકા અને માલતી સાથે હોળીની ઉજવણી કરવા ભારત આવ્યો છે. નિક ભારત આવતાની સાથે જ ચાહકોને લાગ્યું કે આ વર્ષે કપલ અહીં હોળી ઉજવશે. માલતીની ભારતમાં આ પહેલી હોળી હશે.

 

હાઇકોર્ટથી CM અરવિંદ કેજરીવાલને રાહત ના મળી

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં ED દ્વારા વારંવાર સમન્સ મોકલવાને લઈને હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઇકોર્ટમાં કેજરીવાલની અરજી પર સુનાવણી થઈ હતી. કેજરીવાલ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ ધરપકડમાંથી રાહત માગી છે. એના પર EDએ કહ્યું હતું કે કેજરીવાલ તપાસ એજન્સીની સામે હાજર થવાથી બચી રહ્યા છે અને બહાનાં બનાવી રહ્યા છે. જેથી હાઇકોર્ટમાંથી કેજરીવાલને રાહત નથી મળી.

કોર્ટે સવાલ કર્યો હતો કે તેઓ એજન્સી સામે હાજર કેમ નથી થઈ રહ્યા? એના જવાબમાં સિંધવીએ કહ્યું હતું કે તેમને એજન્સી સામે હાજર થવામાં કોઈ મુશ્કેલી નથી, પણ તેમની ધરપકડ થવાની શક્યતા છે.

સિંધવીએ કેજરીવાલનો પક્ષ રાખતાં કોર્ટને જણાવ્યું હતું કે તેમને 10 સમન્સ જારી કરવામાં આવ્યા છે. તેમણે એનો જવાબ પણ આપ્યો અને પૂછપરછ માટે વર્ચ્યુઅલી હાજર થવા તૈયાર છે, પણ તેમને ધરપકડ સામે પ્રોટેક્શન જોઈએ છે. સિંધવીએ કહ્યું હતું કે EDના બધા સમન્સ કાયદાકીય પ્રક્રિયા અને જોગવાઈ અનુસાર નથી.

સિંધવીએ સૌથી પહેલાં કેજરીવાલની ધરપકડમાંથી રાહત આપવા માટે વિનંતી કરી હતી. સિંધવીએ કહ્યું હતું કે રાજકીય પક્ષ PMLA એક્ટમાં વ્યાખ્યાયિત નથી કરવામાં આવ્યા.

આ સુનાવણી દરમ્યાન EDએ કહ્યું હતું કે દિલ્હીના CM તરફથી જે અરજી દાખલ કરવામાં આવી છે, એની સુનાવણી યોગ્ય નથી. કેજરીવાલ ખુદને ખાસ વ્યક્તિ માને છે. તેઓ પોતાના માટે વિશેષ અધિકાર માગી રહ્યા છે. હાઈકોર્ટમાં EDએ કહ્યું હતું કે અમે એના પર જવાબ દાખલ કરીશું.

 

 

 

 

 

 

 

કોરાનાના 99 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 99 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,32,870 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,527 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,98,475 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 239 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1027 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,47,052 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10,313 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

નોટ આઉટ @ 99 : રસિકલાલ પરીખ

બેન્ક ઓફ ઇન્ડિયામાં ક્લાર્ક તરીકે જોડાઈ બ્રાન્ચ-મેનેજર તરીકે વટભેર નોકરી પૂરી કરી એવા કર્તવ્યનિષ્ઠ, શિસ્તના આગ્રહી અને દૂરંદેશી વડીલ રસિકલાલ પરીખની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ આતરસુંબામાં થયો. એક નાનો ભાઈ, એક નાની બહેન. પ્રાથમિક અભ્યાસ આતરસુંબામાં કર્યો. મેટ્રિક સુધીનો અભ્યાસ પિતરાઇ ભાઈને ઘેર રહી  વડોદરામાં કર્યો. કર્મભૂમિ અમદાવાદ. રેશનિંગની દુકાનમાં નોકરી શરૂ કરી. નાના ભાઈને મુંબઈથી અમદાવાદ બોલાવી, દુકાન, ઘર વગેરે કરાવી સેટ કર્યા. વિલાસતારાબહેન સાથે લગ્ન થયા. તેમને ત્રણ દીકરા: હર્ષદ, જયેશ અને જયપ્રકાશ. બાળકો સારો અભ્યાસ કરે તે તેમનું સ્વપ્ન હતું. તેને માટે જરૂરી દરેક ફરજ તેમણે બજાવી. તેમને ઉચ્ચ-શિક્ષણ અપાવ્યું. તેમનો આગ્રહ કે દીકરાઓ જુદા-જુદા ક્ષેત્રમાં ઉચ્ચ-ડિગ્રી પ્રાપ્ત કરે. ત્રણે દીકરાઓ સરસ ભણ્યા. મોટા દીકરા હર્ષદભાઈએ એન્જિનિયર થઈ પરદેશમાં PhD કર્યું. વચેટ દીકરા જયેશભાઈ ડોક્ટર થયા અને આગળ  MD સુધી અભ્યાસ કર્યો. નાના દીકરા જયપ્રકાશભાઈએ અહીં કોમર્સમાં CA, ICWAનો અભ્યાસ કર્યો અને અમેરિકા જઈ CPA કર્યું.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

8:00 વાગે ઊઠે, રાતથી તાંબાના લોટામાં રાખેલું પાણી સવારે પીએ, નાહી-ધોઈ ચા-નાસ્તો કરે. ઘરમાં આવતાં બધાં છાપાં અક્ષરેઅક્ષર વાંચે! દોઢ-બે કલાક થાય. જમીને આરામ કરે. 4:30 વાગે ઊઠી ચા પીએ. ફિઝિયોથેરેપીસ્ટ આવે તેની સાથે કસરત કરે. સાંજે કુટુંબના સભ્યો અને મહેમાનો સાથે વાતચીત કરી રાતના 8:00 વાગે જમે. આજે પણ ચમચી અને ફોર્કથી જમે છે! જમતાં-જમતાં હાથ બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખે. ઢોકળા પણ ફોર્કથી ખાય! અને હાંડવો, મુઠીયા વગેરે ફરસાણ સાથે કોકો-કોલા તો જોઈએ જ! કપડાં ઇસ્ત્રીવાળાં જ પહેરવાનાં, પણ જાતે ઇસ્ત્રી કરવાની! ટીવી જોતાં-જોતાં દસેક વાગે સુઈ જાય.

શોખના વિષયો: 

ચાલવાનો ખૂબ શોખ. રોજ પાંચ કિલોમીટર ચાલતા. મિત્રો સાથે ગપાટા મારવા ગમે. ટીવી જોવું ગમે. શેર-બજારમાં રસ, પણ ક્યારેય સટ્ટો કરતા નહીં. ક્રિકેટ-મેચ જોવી ગમે, નાની સ્ક્રીન પર નહીં, મોટા ટીવી પર! હંમેશા ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખતા. અક્ષરો એકદમ સરસ, લખાણમાં વ્યાકરણ કે સ્પેલિંગની કોઈ ભૂલ નહીં.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

ચાલવાના શોખને લીધે તબિયત ઘણી સારી છે. કોઈ રોગ નથી. થોડું ઓછું સંભળાય છે અને પાર્કિંસનની શરૂઆત હોય તેવું લાગે છે. દીકરો જ ડોક્ટર, પછી શું તકલીફ હોય?

યાદગાર પ્રસંગ:  

બેંકમાં ક્લોઝિંગ ચાલતું હતું. તેઓ રીલીફ-રોડ બ્રાન્ચમાં. રાતના ઘણું મોડું થઈ ગયું. એ વખતે ઘેરઘેર ફોન તો હતા નહીં! પાડોશીને ઘેરથી તેમને બેંકમાં ફોન કર્યો તો કહે: “હજી તો રાતના ત્રણ જ વાગ્યા છે! મને મારું કામ શાંતિથી કરવા દો!” કામની ચિવટ અને કર્તવ્યનિષ્ઠાને કારણે તેઓ બેંકમાં “CP લગડી” તરીકે જાણીતા! ઉપરી-અધિકારીઓને માન આપતા પણ તેમની ખુશામત ક્યારેય ન કરતા. તેમના બા-બાપુજીનું બહુ ધ્યાન રાખતા. બાપુજીના અવસાન પછી બા તેમની સાથે જ રહેતાં. આજે તેમનાં બાળકો તેમનું બહુ ધ્યાન રાખે છે. વહુઓ તો દીકરીની જેમ સેવા કરે છે!

પોતે માત્ર મેટ્રિક સુધી જ ભણેલા પણ બાળકો વધુ ભણે તેવું તેમનું સ્વપ્ન. બાળકોને સારામાં સારી સ્કૂલ અને કોલેજમાં મૂક્યા. દર મહિને 100 રૂપિયાની FD કરતા, જેથી મોટો દીકરો ભણતર માટે સહેલાઈથી અમેરિકા જઈ શક્યો.

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

સમયની સાથે ચાલે છે! નવી ટેકનોલોજી વાપરી જાણે છે. અમેરિકા હતા ત્યારે કોમ્પ્યુટર ઉપર ગુજરાત સમાચાર વાંચતા અને અહીંના બધા સમાચાર મેળવતા! ‘બેસણા’ના સમાચાર વાંચી યોગ્ય માણસોને ફોન પણ કરતા!

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

20 રૂપિયાના પગારથી શરૂઆત કરી છે એટલે આજના ખર્ચા તેમને બિનજરૂરી લાગે છે. ‘બાળકો ખોટા ખર્ચા કરે છે’ તેવું તેમને ઘણી વાર લાગે છે. જરૂરિયાતવાળા માણસોને મદદ કરે. મંદિરમાં ભેટ ન આપે પણ NGOમાં મદદ ચોક્કસ કરે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો?  

બાળકો અને યુવાનો સાથે વાતો કરવી ગમે. પુત્રો, વહુઓ, પૌત્રો-પૌત્રીઓ, પ્રપૌત્રો-પ્રપૌત્રીઓ અને કુટુંબનાં બધાં સભ્યો સાથે વાતો કરવી ગમે. કુટુંબના દરેક માણસને વાર-તહેવારે રોકડ રકમની ગિફ્ટ આપે! બાળકો સાથે ડિઝની-વર્લ્ડની દરેક રાઈડ એન્જોય કરે. જાતજાતનું ખાવાનું ભાવે. પીઝા અને મેક્સિકન-ફૂડ પણ ભાવે!

સંદેશો :  

કર્તવ્યનિષ્ઠ બનો, શિસ્ત જાળવો, ભણતર ઉપર ધ્યાન આપો. ચાલતા રહો તો જીવન પણ ચાલતું રહેશે!

૨૦ માર્ચ, ૨૦૨૪

૨૦ માર્ચ, ૨૦૨૪