નવી દિલ્હીઃ EDએ લિકર પોલિસી કેસમાં દિલ્હીના CM કેજરીવાલની ધરપકડ કરી છે. મોદી સરકારના સત્તામાં આવ્યા પછી વિપક્ષી નેતાઓની વિરુદ્ધ EDના કેસ વધ્યા છે. UPA શાસનની તુલનાએ નેતાઓની વિરુદ્ધ EDના કેસોમાં ચાર ગણો વધારો થયો છે. આ રિપોર્ટ કોર્ટના રેકોર્ડ, એજન્સીના નિવેદનો અને ED દ્વારા ધરપકડ કરવામાં આવેલા નેતાઓ કે દરોડા કે પૂછપરછ કરવામાં આવેલા નેતાઓના રિપોર્ટના અભ્યાસ પર આધારિત છે.
તપાસથી માલૂમ પડ્યું હતું કે 2014 અને 2022ની વચ્ચે 121 મુખ્ય નેતાઓ EDની તપાસના દાયરામાં આવ્યા હતા, જેમાંથી 115 વિપક્ષી નેતા હતા. આ નેતાઓ પર કેસ નોંધવામાં આવ્યા હતા. દરોડા પાડવામાં આવ્યા હતા. પૂછપરછ કરવામાં અથવા ધરપકડ કરવામાં આવી હતી. આ UPA શાસન (2004થી 2014) હેઠળ એજન્સી દ્વારા બુક કરવામાં આવેલા મામલાઓથી બિલકુલ વિપરીત હતું. એમાં 14 વિપક્ષી નેતા હતા.
વર્ષ 2014 અને સપ્ટેમ્બર, 2022ની વચ્ચે EDના દાયરામાં આવેલા વિપક્ષના નેતાઓની પાર્ટી વાર વિગતો આ પ્રકારે છે- કોંગ્રેસ-24, TMC-19, NCP-11, શિવસેના-આઠ, DMK-છ, BJD-છ, RJD-પાંચ, BSP- પાંચ, SP-પાંચ, TDP-પાંચ, AAP -ચાર INLD-3 ,YSRCP-3, CPM-2, NC-2, PDP- 2 Ind-2 , AIDMK-1, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એક, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી એક અને BRS એક.
આ પ્રકારે નારદ સ્ટિંગ ઓપરેશન મામલામાં ભૂતપૂર્વ TMC નેતા સુવેન્દુ અધિકારી અને મુકુલ રોયને CBI અને EDએ તપાસના દાયરામાં રાખ્યા હતા. અધિકારી અને રોય 2017માં પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં ભાજપમાં સામેલ થઈ ગયા હતા, જે પછી તેમની વિરુદ્ધ આ કેસોમાં નોંધપાત્ર પ્રગતિ નથી જોવા મળી.
પૃથ્વી પર પાણી ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અને આપણે બધા જ જળ સંકટનો સામનો કરી રહ્યા છીએ એ તો હકીકત છે. એમ તો જ્યારે વર્લ્ડ વોટર ડે ની ઉજવણી થાય ત્યારે તો જ્યાં ને ત્યાં પાણી બચાવો ના નારા સાથે રેલીઓ અને કાર્યક્રમો યોજાય છે, પણ ઉજવણી પછી ફરી જૈસે થે સ્થિતિ જોવા મળે છે. ત્યારે આજે વર્લ્ડ વોટર ડે ના દિવસે વાત કરીએ એક પાણીદાર કોર્પોરેટરની.
જો કે આજે અહીં એક એવી વ્યક્તિની વાત છે, જે પાણીનો બગાડ ન થાય એ માટે છેલ્લા ત્રણ વર્ષથી દરરોજ કામ કરે છે. વાત અમદાવાદના ખાડિયા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર પંકજ ભટ્ટની. પાણીદાર પંકજભાઇની!
પાણી ટપકતું દેખાય તો..
મહાનગરપાલિકાના ચૂંટાયેલા ભાજપી કોર્પોરેટર પંકજ ભટ્ટ છેલ્લા ત્રણ વર્ષથી રોજ સવારે પાણીનો બગાડ અટકાવવા માટે એક અનોખી ઝુંબેશ ચલાવે છે. ખાડિયા વિસ્તારમાં રોજ સવારે બરાબર સાતના ટકોરે એ લોકસંર્પક માટે રાઉન્ડ પર નીકળે ત્યારે એમનો મુખ્ય આશય તો જ્યાં પાણીની લાઈન લીકેજ હોય એનું સમારકામ કરવાનો હોય છે. રસ્તામાં જ્યાં પણ નળમાંથી પાણી ટપકતું દેખાય તો તરત જ ખિસ્સામાંથી બુચ કાઢીને નળને લગાવી દે છે.
પ્લમ્બરને પણ રાખે છે સાથે
પંકજભાઇ એમની સાથે પ્લમ્બરને ય રાખે છે. કોઈ બંધ મકાનની પાઇપ સડી ગઈ હોય તો ત્યાં જાતે ધ્યાન રાખીને પ્લમ્બર પાસે એનું રીપેરીંગ કરાવે છે. અત્યાર સુધીમાં એમણે લગભગ 10000 જેટલા નળમાં બુચ લગાવીને પાણીનો બગાડ અટકાવ્યો છે. 217 થી વધારે પોળમાં ફરીને 1629 થી પણ વધારે કપલીન, પાઈપ, સોલ્યુશન્સ લગાવ્યાં છે. પોળોમાં વાસણ, કપડાં ધોવા અને અન્ય કામ માટે ભરી રાખેલા પાણીમાં પોરા પડતાં અટકાવવા પાણીમાં દવા નાખવાનું કામ પણ કરે છે. યાદ રહે, આ બધું કામ પંકજભાઈ જાતે જ કરે છે!
સમસ્યાઓનું સમાધાન એ મારી જવાબદારી
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા પંકજ ભટ્ટ કહે છે, “બાળપણથી જ હું શીખ્યો છું કે કોઈપણ વસ્તુનો બગાડ ન થવો જોઈએ. જ્યારે કોર્પોરેટર બન્યો છું ત્યારે મારા વોર્ડમાં પાણી સહિત કોઇપણ સ્ત્રોતનો બગાડ ન થાય અને મારો વોર્ડ સ્વચ્છ રહે એ જોવાનું અને કોઇ સમસ્યા હોય તો એનું નિરાકરણ લાવવાનું કામ મારું છે. મને આનંદ અને સંતોષ છે કે પાણી બચાવો ઝુંબેશ અંતર્ગત કરોડો લિટરથી વધારે પાણી વેડફાતું અટકાવવાનો મેં જે પ્રયાસ કર્યો એમાં મને સફળતા મળી.”
માઈક દ્ધારા કરે છે માહિતગાર
સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ઘરનો લીલો અને સૂકો કચરો અલગ રાખીને આપવો, કચરો જાહેરમાં ન નાખવો, ગંદકી ન કરવી જેવી બાબતોમાં લોકજાગૃતિ કેળવવા એ રોજ પોતાના વિસ્તારમાં માઇક ફેરવે છે. ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા દેખાય તો જાતે જ સફાઈ શરૂ કરે છે.
આમ કરતી વખતે લોકો એમને કહે કે, કચરો ઉપાડવા માટે અમે માણસને બોલાવ્યો છે. તમે ના કરશો ત્યારે પંકજભાઈ હસતા હસતા એટલું જ કહે છે, હું પણ માણસ છું. મારું ઘર અને મારો વિસ્તાર સ્વચ્છ રાખવાની મારી જ જવાબદારી છે. એમની આ વાત સાંભળીને પોળના લોકો પણ સ્વચ્છતાનો આગ્રહ રાખતા થયા છે.
સેવાલક્ષી અનેક કાર્યો
પાણી બચાવવા ઉપરાંત પંકજભાઇએ 27 હજારથી પણ વધારે PMJY કાર્ડ, વિધવા સહાય અને અન્ય સરકારી યોજનાની વિસ્તૃત માહિતીની પત્રિકા ધરે ધરે ફરીને લોકો સુધી પહોંચાડીને લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે. છે ને પાણીદાર કોર્પોરેટર?
આપણી મહાન ગુજરાતી ભાષામાં એક કહેવત છેઃ ‘શેઠ, આવ્યા નાખો વખારે’… એ જ રીતે નબળી ફિલ્મ છે? નાખી દો ઓટીટી પર. મારી આ ધારણા મોટા ભાગના કેસમાં સાચી પડી છે. દસેક વર્ષ પહેલાં ‘એક થી ડાયન’ બનાવનારા કન્નન અય્યર દિગ્દર્શિત ‘અય વતન મેરે વતન’ને ‘અમેઝોન પ્રાઈમ’ પર મૂકવામાં આવી છે. 1940ના દાયકાના સ્વાતંત્ર્યસંગ્રામનો ચરમ, તે વખતની રાજકીય પરિસ્થિતિ, અંગ્રેજોનો અત્યાચાર તથા તે સમયના ભારતીય નેતાઓ આદિ બતાવવાનો ડિરેક્ટર કન્નને પ્રયાસ કર્યો છે, પણ નબળી કથા-પટકથા, અધકચરું ડિરેક્શન, ભયાનક કાસ્ટિંગ અને કલ્પનાના અભાવવાળા પ્રોડક્શન ડિઝાઈનિંગના કારણે ફિલ્મ સ્પર્શતી નથીઃ ન તો રંજન કરે છે, ન તો ઈતિહાસને સશક્ત રીતે દર્શાવે છે.
પંકજ ત્રિપાઠીવાળી ‘મૈં અટલ હૂં’ બાદ ને આજે રિલીઝ થયેલી ‘સાવરકર’ની હારોહાર આવેલી ‘અય વતન મેરે વતન’ની વાર્તાનો સમયકાળ છેઃ 1942ના ભારત છોડો આંદોલન વખતનો. અંગ્રેજોએ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ સહિત લગભગ બધા મોટા ગજાના નેતાઓને જેલમાં પૂરી દીધેલા, સ્થાનિક રેડિયો પર બૅન મૂકી દેવામાં આવેલો. આવા કપરા સમયમાં અને ક્વિટ ઈન્ડિયાનો જુસ્સો બરકરાર રાખવા યુવા કાર્યકર, ઉષા મહેતા (સારા અલી ખાન) સ્વતંત્રતાસેનાની રામ મનોહર લોહિયા (ઈમરાન હાશમી) અને એના મિત્રો સાથે મળીને કૉન્ગ્રેસ રેડિયો નામનું છૂપું રેડિયો સ્ટેશન ચલાવે છે. આ રેડિયો સ્ટેશનના માધ્યમથી ઉષાબહેન કાળકોટડીમાં કેદ નેતાના અવાજ દેશભમાં પહોંચાડે છે. અર્થાત્ 22 વર્ષની ઉંમરે આજની અમુક કન્યા ફાવે તે સ્થળે જઈને વિડિયો-રીલ્સ બનાવવામાં ને સોશિયલ મિડિયા પર વક્ત બરબાદ કરે છે એ ઉંમરમાં ઉષાબહેને આવું ક્રાંતિકારી કદમ ઉઠાવેલું. આનાથી ગુસ્સે ભરાયેલી અંગ્રેજી હકૂમત શું કરે છે એ જાણવા ફિલ્મ જોવી પડે.
સન 2000માં જેમનું અવસાન થયું એ ઉષા મહેતાને 1998માં પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવેલાં. ઉષાબહેનનું સિનેમા સાથેનું કનેક્શન, એમના જીવન પર ફિલ્મ બની એટલા પૂરતું જ નથી. ગાંધીજીના કહેવાથી એ આજીવન કુંવારાં રહ્યાં, પણ એમના ત્રણ ભત્રીજા સાથે એમનો બહુ નિકટનો સંબંધ રહ્યો. ત્રણમાંના એક એટલે કેતન મહેતા.
1980માં ‘ભવની ભવાઈ’ બનાવીને હિંદી સિનેમામાં નૉખો ચૉકો રચનારા કેતન મહેતાનાં ઉષાબહેન ફઈબા થાય. વિધિની વક્રતા જુઓઃ આટલાં વર્ષોમાં કેતનભાઈને આઝાદીની લડાઈમાં ફોઈબાના પ્રદાન વિશે ફિલ્મ બનાવવાનું ન સૂઝ્યું. કોઈ બીજા ગુજરાતી સર્જકને પણ આ વિચાર આવ્યો નહીં? અને કેતનભાઈને જ્યારે આ વિચાર આવ્યો ને મુલ્ક, થપ્પડ, ભીડ જેવી ફિલ્મના સર્જક અનુભવ સિંહા સાથે મળીને ઉષા મહેતા અને એમના કૉન્ગ્રેસ રેડિયોના વિષય પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, ત્યાં તો કન્નન અય્યરની આ ફિલ્મ આવી ગઈ. હતાશ કેતનલાલે હાલ પૂરતો આ વિષય અભરાઈ પર ચડાવી દીધો છે.
ઓક્કે, સ્વાતંત્રયસંગ્રામના ઈતિહાસના એક ખાસ જાણીતા નહીં એવા પ્રકરણ વિશેની એ ખરેખર એ સારો વિચાર છે. કમનસીબે, માત્ર સારા વિચારથી સારી ફિલ્મ બની જતી નથી. એ માટે સશક્ત કથા-પટકથા-સંવાદ અને ડિરેક્ટરની દીર્ઘદષ્ટિ જોઈએ, જેનો સદંતર અભાવ ‘અય વતન મેરે વતન’માં જોવા મળે છે. ઈન ફૅક્ટ ફિલ્મ એટલી બાલિશ છે કે એના કરતાં સ્કૂલમાં 15 ઑગસ્ટના દિવસે થતાં આઝાદી વિશેનાં નાટક સારાં લાગે.
ફિલ્મની અનેક સમસ્યામાં એક કાસ્ટિંગની પણ છે. સ્વાતંત્ર્યસેનાની, ગાંધીવાદી ઉષા મહેતાની ભૂમિકામાં સારા અલી ખાન? પણ ફિલ્મ કરણ જોહરે બનાવી છે એટલે “ઓહ, તો એમ વાત છે? કહીને મન મનાવી લીધું. સીન કોઈ બી હોય, હાવભાવ એકસરખા રાખવા માટે જાણીતી સારાએ એ પરંપરા અહીં જાળવી રાખી છે. છેલ્લે ‘મર્ડર મુબારક’માં પણ એ આ પ્રથાને જ વળગી રહી.
સારા સિવાય ફિલ્મમાં ઈમરાન હાશમી, આનંદ તિવારી, સચીન ખેડેકર (બાહોશ બેરિસ્ટર અને ઉષાબહેનના પિતા હરિમોહન મહેતાની ભૂમિકામાં), અભય વર્મા તથા સ્પર્શ શ્રીવાસ્તવ છે… આ બધા કલાકારોનાં પાત્રો એ રીતે લખાયાં છે કે એ પાત્રો અથવા આઝાદીના લડવૈયા કરતાં વેશભૂષા હરીફાઈમાં ભાગ લેનારા કલાકારો લાગે છે.
રાજકોટ: લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ ચૂંટણી જંગ રસપ્રદ બની રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષો તેમના બાકી રહેલા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બનાવી રહ્યા છે. કોંગ્રેસે ગુરૂવારે ગુજરાતના જે ઉમેદવારો જાહેર કર્યા તેમાં અમરેલી બેઠકે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતના રાજકારણની પ્રથમ એવી ઘટના બની છે કે એક જ બેઠક ઉપર એક પક્ષે પિતા, માતા અને હવે પુત્રીને ટિકિટ આપી હોય.
અમરેલી બેઠક માટે કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને ટિકિટ આપી છે. અગાઉ લોકસભાની આ બેઠક પર વર્ષ 2004માં વિરજીભાઈ ઠુમ્મર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. બાદમાં 2009માં આ બેઠક પર કોંગ્રેસે વિરજીભાઈના પત્ની નીલાબેનને ટિકિટ આપી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા. હવે 20024માં વિરજીભાઈના દીકરી જેનીબેન ઠુમ્મરને કોંગ્રેસે ટિકિટ આપી છે.
લેઉવા પટેલનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક ઉપર કોંગ્રેસે ફરી એક પાટીદાર મહિલાને મેદાનમાં ઉતાર્યા છે. જેનીબેન માત્ર 31 વર્ષની વયે અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા. તેઓ હાલ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ છે અને હવે 39 વર્ષની ઉમ્મરે તેમને લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટ મળી છે.
ગુજરાતના રાજકારણમાં પિતા બાદ પુત્ર અથવા પત્નીને ટિકિટ મળી હોય તેવા દાખલા છે. અમરસિંહ ચૌધરીના પરિવારમાં આ રીતે ટિકિટ મળી છે. સગા ભાઈઓને પણ ટિકિટ મળી છે. હીરાભાઈ અને પરસોતમ સોલંકીનું ઉદાહરણ તાજુ છે. પરંતુ પિતા, માતા અને પુત્રીને એક જ પાર્ટીએ એક જ બેઠક ઉપર ટિકિટ આપી હોય તેવું ગુજરાતમાં ભાગ્યેજ બન્યું હશે. અમરેલી લોકસભામાં હજુ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા નથી. નારણ કાછડીયા ત્રણ ટર્મથી ચૂંટાયા છે. ભાજપ હવે જેની બેન સામે કોને ટિકિટ આપે છે તે જોવાનું રહ્યું.
ટિકિટ મળ્યા બાદ જેનીબેન ઠુમ્મરે એક સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી છે. જેમાં તેમણે કહ્યું છે કે, “૩૧ વર્ષની ઉંમરે જીલ્લા પંચાયનાં પ્રમુખ તરીકે મને બેસાડી અને ૩૯મા વર્ષે લોકસભાની ટિકિટ મળી એટલે અમરેલીએ તો મને જે આપી શકે એ આપી દીધું જ છે. મારે કઇ લેવાનું રહેતું જ નથી. અમરેલીના ઝંખતા વિકાસનું નિમિત્ત બની મારે હવે મારી આ જન્મભૂમિની માટી અને માનવીઓના કામ કરી જિલ્લાના વિકાસના કામ કેમ થાય એ સાબિત કરવાની ફરજ બજાવવાની છે. આપના વિશ્વાસમાં પોઝિટિવ એટીટ્યુડ સાથે અમરેલીની (દીકરી-બેન) હું ઉત્તીર્ણ થઈ બતાવીશ. અમરેલીના દરેક વર્ગનો મારા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રચાર રૂપી સહકાર ઈચ્છું છું.”
અમદાવાદઃ રાજ્યમાં મોરબીમાં 30 ઓક્ટોબર, 2022એ એક સસ્પેશન પૂલ તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોનાં મોત થયાં હતાં.આ મામલે બ્રિજનું મેઇનટેનન્સ કરવાવાલી કંપની ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ છેલ્લા 14 મહિનાથી જેલમાં હતા. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં તેમની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે તેમને શરતી જામીન આપી દીધા હતા. જોકે તેઓ વિદેશ નહીં જઈ શકે.
આ પૂલ દુર્ઘટના બાદ જયસુખ પટેલ મહિનાઓ સુધી ગુમ થઈ ગયા હતા, પરંતુ તેઓ 2023માં જાન્યુઆરીમાં હાજર થયા હતા અને ત્યારથી તેઓ જેલમાં બંધ હતા. જયસુખ પટેલે જામીન માટે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. તેથી તેમણે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના વકીલ મુકુલ રોહતગી અને ગુજરાતના વકીલ નિરુપમ નાણાવટીએ દલીલો કરી હતી. સુપ્રીમ કોર્ટની બે જજોની બેંચે જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે.
આ કેસમાં 5000 પાનાનો તપાસ અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો હતો. રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી સામે આવી હતી. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું હતુ. ઘટના માટે બ્રિજનું સંચાલન અને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો જવાબદાર છે. MD જયસુખ પટેલ, મેનેજર દિનેશ દવે, મેનેજર દિપક પારેખ સહિતના લોકો ઘટના માટે જવાબદાર હોવાનું SITનો રિપોર્ટ છે.
જયસુખ પટેલને જામીન મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા પણ હાઈકોર્ટને અપીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, જયસુખ પટેલને જામીન મળે તેની સામે સરકારને કોઈ વાંધો નથી. સરકારના આ વલણથી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો ઘણા નારાજ થયા હતા. તેમણે આ કેસના સરકારી વકીલ મિતેશ અમીનને હટાવવાની માગણી કરતો એક પત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો હતો.
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની EDએ ધરપકડ કર્યા પછી પક્ષા કાર્યકર્તાઓ અને સમર્થકોએ વિરોધ દર્શન કરી રહ્યા છે. દિલ્હીના ITO અને આમ આદમી પાર્ટી ઓફિસ અને ભાજપની ઓફિસની બહાર સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે ભાજપ ઓફિસ જતા માર્ગ પર પણ પોલીસ કર્મચારીઓને તહેનાત કર્યા છે. કેજરીવાલના ઘરેથી ગઈ કાલે મહત્ત્વના દસ્તાવેજો મળ્યા છે.
દિલ્હી લિકર કેસમાં ED આપ પાર્ટીને પક્ષકાર બનાવશે. એજન્સી થોડી વારમાં કેજરીવાલને કોર્ટમાં હાજર કરશે અને 10 દિવસના રિમાન્ડ માગશે. જોકે કેજરીવાલે ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે, જેના પર આજે સુનાવણી થશે.કેજરીવાલની ધરપકડ પછી દિલ્હી સરકારમાં મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીની ઘોષણા પછી તરત કેજરીવાલની ધરપકડથી માલૂમ પડે છે કે વડા પ્રધાન મોદી તેમનાથી કેટલા ભયભીત છે. અમે ધરપકડની વિરુદ્ધ રસ્તા પર ઊતરીશું. દિલ્હીના મુખ્ય મંત્રીની ધરપકડ એ લોકતંત્રની હત્યા છે, એમ તેમણે કહ્યું હતું.
EDએ કેજરીવાલ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ કેવિયેટ અરજીમાં EDએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કોઈ પણ આદેશ આપતાં પહેલાં તેમની દલીલો પણ સાંભળશે. EDએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ કોઈ આદેશ આપતાં પહેલાં તેમનો પક્ષ પણ સાંભળે.
ED કેજરીવાલની 10 દિવસોની કસ્ટડી માગશે. ED વાસ્તવમાં શરત રેડ્ડી, સમીર મહેન્દ્રુ, રાઘવ રેડ્ડીનાં નિવેદનોને આધારે કેજરીવાલની કસ્ટડી માગશે. આ બધા આરોપીઓએ EDને જણાવ્યું હતું કે રૂ. 100 કરોડની લાંચમાં કેજરીવાલની ભૂમિકા હતી, જેમાં કેજરીવાલે કહ્યું હતું કે વિજય નાયર મારો માણસ છે. તમે એના પર વિશ્વાસ કરી શકો છો.
ફાગણી પૂનમ એટલે હોળી. ઇકો ફ્રેન્ડલી હોળી, અને ધુળેટીની વાતો થયા પછી રેઇન ડાન્સ કરીને ઉજવણી પૂરી કરાય ત્યારે વિચાર આવે કે વરસાદના છાંટાથી ગભરાઈને છત્રીઓ ખોલી નાખતા હોય એવા લોકો પણ રેઇન ડાન્સની મજા લેતા હોય ત્યારે ઇકો ફ્રેન્ડલી કોને કહેવું? શું ભારતીય હોવાનો ડોળ અને સાચા અર્થમાં ભારતીય હોવું એ બંનેને સમાન ગણી શકાય? કેસુડાના ફૂલ સુકાઈને જમીન પર પડી રાહ જોતા હોય કે કદાચ કોઈ મને પારખીને લઇ જશે અને કેમિકલ વાળા રંગો છવાઈ રહ્યા હોય ત્યારે દિશા તરફની ઉદાસીનતા પણ સમજાય. સાચા અર્થમાં ભારતીય બનવા માટે આપણી પરંપરાઓ પાછળના વિજ્ઞાનને સમજવું જરૂરી છે. બદલાતા વાતાવરણની નકારાત્મક અસરને નિવારવા આયુર્વેદ અને મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને ધૂળેટી રમવાની પ્રથા આવી હોય એવું બને. પણ હોળી છે એટલે કશું પણ ચાલે એવું તો ન જ ચાલે.
આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: નમસ્તે. અમે નાના હતા ત્યારે દરેક તહેવારની સાથે જોડાયેલી એક વાત ઘરના વડીલો અમને કહેતા. એ વાર્તાને સમજ્યા વિના અમે એને માની લેતા. આપના લેખ વાંચ્યા પછી એ વાર્તાઓ પાછળનું વિજ્ઞાન શોધવાની ટેવ પડી. થોડા સમયથી એક મુંજવણ ચાલી રહી છે. જાત જાતની રીલ્સ નજરે ચડે છે. જેમાં કોઈ આધાર વિનાની માહિતી જોવા મળે છે. અને લાખો લોકો એને લાઈક પણ કરે છે. પણ મને સતત ડર લાગે છે કે આવી રીલ્સ જોઇને આપણું યુવા ધન ક્યાં પહોંચશે? અંધશ્રદ્ધા, કાલ્પનિક ભય અને ફેલાતું અસત્ય જ્યાં આધાર હોય ત્યાં આપણા શાસ્ત્રોની વાત કોણ સમજશે? વાકછટા અને દેખાડાની દુનિયામાં શાસ્ત્રોની સાચી સમજણ ક્યાંથી મળશે? હોળીના દિવસે કઈ રાશિના લોકોએ કેટલા વાગે રમવું અને કેવા રંગના કપડા પહેરવા એ વાતો હાસ્યાસ્પદ લાગે છે. શું ખરેખર આવું હોય ખરું? વળી અમુક જગ્યાએ તો દરેક ગ્રહની ચાલને પણ ડરામણી બનાવીને લાઈક મેળવવામાં આવે છે. ભય ફેલાવ્યા વિના વાત ન થાય?હોળી દરમિયાન વાસ્તુના કોઈ નિયમોથી ફાયદો થાય ખરો?
જવાબ: પ્રણામ. એક તરફ તમે સમાજની નકારાત્મક દિશાની વાત કરો છો અને તમે જ અંતમાં એ પ્રકારનો સવાલ પૂછો છો? સ્વાર્થ પણ ભય સાથે જોડાયેલો છે. રીલ્સ માત્ર મનોરંજન માટે હોય છે. શું કોઈ રીલ્સ જોઇને પોતાનું ઓપરેશન કરશે? જોવામાં તો એ પણ સરળ જ હોય છે. પણ જે વિષય સાથે જીવનની ઉર્જા જોડાયેલી છે એમાં અખતરા ચોક્કસ કરશે. જયારે આખો સમાજ જ સત્યથી વિમુખ હોય ત્યારે રીલ્સ અભ્યાસનું સાધન બની શકે.
આપણા દરેક તહેવાર પાછળ કોઈ વિજ્ઞાન રહેલું છે. પણ આપણને એનું જ્ઞાન છે એવું કહેવામાં નાનપ આવે છે. એક વ્યક્તિને મેં એવું કહેતા સાંભળ્યા હતા કે બિચારા બ્રાહ્મણોને તો શિક્ષણ આપીને ગુજરાન ચલાવવું પડે છે. જયારે સમાજમાં શિક્ષક પ્રત્યેનું સન્માન ઘટે ત્યારે આવા વિચારો ધરાવતો સમાજ દેખાય. પણ આગળની પેઢી કશુક ચુકી ગઈ જેના લીધે આવી વિચારધારા આવી. જયારે ઘરે ઘરે શાસ્ત્રો વિષે સન્માન જાગશે અને વેદને સમજવાની વૃત્તિ જાગશે ત્યારે આપણી દિશા બદલાઈ શકશે.
ધૂળેટી રમવા માટે માત્ર ઉત્સાહ અને આનંદ જરૂરો છે. હા, કોઈને પરાણે રંગીને હોળી છે એટલે બધું ચાલે એવું ન કરાય. સહુને હોળીની શુભેચ્છા.
સુચન: જળ એ જીવન છે. ભારતીય વાસ્તુ નિયમ અનુસાર પાણીનો વેડફાટ નકારાત્મક ઉર્જાને જાગૃત કરે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 131 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,33,332 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,535 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,98,805 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 139 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 992 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,60,992 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 5671 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.