દર્શક માટે સહન કરવાનો સંઘર્ષ બની રહે છે અય વતન મેરે વતન…

આપણી મહાન ગુજરાતી ભાષામાં એક કહેવત છેઃ ‘શેઠ, આવ્યા નાખો વખારે’… એ જ રીતે નબળી ફિલ્મ છે? નાખી દો ઓટીટી પર. મારી આ ધારણા મોટા ભાગના કેસમાં સાચી પડી છે. દસેક વર્ષ પહેલાં ‘એક થી ડાયન’ બનાવનારા કન્નન અય્યર દિગ્દર્શિત ‘અય વતન મેરે વતન’ને ‘અમેઝોન પ્રાઈમ’ પર મૂકવામાં આવી છે. 1940ના દાયકાના સ્વાતંત્ર્યસંગ્રામનો ચરમ, તે વખતની રાજકીય પરિસ્થિતિ, અંગ્રેજોનો અત્યાચાર તથા તે સમયના ભારતીય નેતાઓ આદિ બતાવવાનો ડિરેક્ટર કન્નને પ્રયાસ કર્યો છે, પણ નબળી કથા-પટકથા, અધકચરું ડિરેક્શન, ભયાનક કાસ્ટિંગ અને કલ્પનાના અભાવવાળા પ્રોડક્શન ડિઝાઈનિંગના કારણે ફિલ્મ સ્પર્શતી નથીઃ ન તો  રંજન કરે છે, ન તો ઈતિહાસને સશક્ત રીતે દર્શાવે છે.

પંકજ ત્રિપાઠીવાળી ‘મૈં અટલ હૂં’ બાદ ને આજે રિલીઝ થયેલી ‘સાવરકર’ની હારોહાર આવેલી ‘અય વતન મેરે વતન’ની વાર્તાનો સમયકાળ છેઃ 1942ના ભારત છોડો આંદોલન વખતનો. અંગ્રેજોએ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ સહિત લગભગ બધા મોટા ગજાના નેતાઓને જેલમાં પૂરી દીધેલા, સ્થાનિક રેડિયો પર બૅન મૂકી દેવામાં આવેલો. આવા કપરા સમયમાં અને ક્વિટ ઈન્ડિયાનો જુસ્સો બરકરાર રાખવા યુવા કાર્યકર, ઉષા મહેતા (સારા અલી ખાન) સ્વતંત્રતાસેનાની રામ મનોહર લોહિયા (ઈમરાન હાશમી) અને એના મિત્રો સાથે મળીને કૉન્ગ્રેસ રેડિયો નામનું છૂપું રેડિયો સ્ટેશન ચલાવે છે. આ રેડિયો સ્ટેશનના માધ્યમથી ઉષાબહેન કાળકોટડીમાં કેદ નેતાના અવાજ દેશભમાં પહોંચાડે છે. અર્થાત્ 22 વર્ષની ઉંમરે આજની અમુક કન્યા ફાવે તે સ્થળે જઈને વિડિયો-રીલ્સ બનાવવામાં ને સોશિયલ મિડિયા પર વક્ત બરબાદ કરે છે એ ઉંમરમાં ઉષાબહેને આવું ક્રાંતિકારી કદમ ઉઠાવેલું. આનાથી ગુસ્સે ભરાયેલી અંગ્રેજી હકૂમત શું કરે છે એ જાણવા ફિલ્મ જોવી પડે.

સન 2000માં જેમનું અવસાન થયું એ ઉષા મહેતાને 1998માં પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવેલાં. ઉષાબહેનનું સિનેમા સાથેનું કનેક્શન, એમના જીવન પર ફિલ્મ બની એટલા પૂરતું જ નથી. ગાંધીજીના કહેવાથી એ આજીવન કુંવારાં રહ્યાં, પણ એમના ત્રણ ભત્રીજા સાથે એમનો બહુ નિકટનો સંબંધ રહ્યો. ત્રણમાંના એક એટલે કેતન મહેતા.

1980માં ‘ભવની ભવાઈ’ બનાવીને હિંદી સિનેમામાં નૉખો ચૉકો રચનારા કેતન મહેતાનાં ઉષાબહેન ફઈબા થાય. વિધિની વક્રતા જુઓઃ આટલાં વર્ષોમાં કેતનભાઈને આઝાદીની લડાઈમાં ફોઈબાના પ્રદાન વિશે ફિલ્મ બનાવવાનું ન સૂઝ્યું. કોઈ બીજા ગુજરાતી સર્જકને પણ આ વિચાર આવ્યો નહીં? અને કેતનભાઈને જ્યારે આ વિચાર આવ્યો ને મુલ્ક, થપ્પડ, ભીડ જેવી ફિલ્મના સર્જક અનુભવ સિંહા સાથે મળીને ઉષા મહેતા અને એમના કૉન્ગ્રેસ રેડિયોના વિષય પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, ત્યાં તો કન્નન અય્યરની આ ફિલ્મ આવી ગઈ. હતાશ કેતનલાલે હાલ પૂરતો આ વિષય અભરાઈ પર ચડાવી દીધો છે.

ઓક્કે, સ્વાતંત્રયસંગ્રામના ઈતિહાસના એક ખાસ જાણીતા નહીં એવા પ્રકરણ વિશેની એ ખરેખર એ સારો વિચાર છે. કમનસીબે, માત્ર સારા વિચારથી સારી ફિલ્મ બની જતી નથી. એ માટે સશક્ત કથા-પટકથા-સંવાદ અને ડિરેક્ટરની દીર્ઘદષ્ટિ જોઈએ, જેનો સદંતર અભાવ ‘અય વતન મેરે વતન’માં જોવા મળે છે. ઈન ફૅક્ટ ફિલ્મ એટલી બાલિશ છે કે એના કરતાં સ્કૂલમાં 15 ઑગસ્ટના દિવસે થતાં આઝાદી વિશેનાં નાટક સારાં લાગે.

ટૂંકમાં આપણા મહાન નેતાઓને સ્વાતંત્ર્ય મેળવવામાં જેટલો સંઘર્ષ વેઠવો પડ્યો એટલો જ સારા અલી ખાનના અભિનયવાળી ‘અય વતન મેરે વતન’ જોવામાં વેઠવો પડ્યો. સવારના પહોરમાં આશરે સવાબે કલાકની ફિલ્મ જોતાં જોતાં જાણે 4-5 એપિસોડ્સની વેબસિરીઝ જોતી વખતે લાગે એટલો થાક લાગ્યો.

ફિલ્મની અનેક સમસ્યામાં એક કાસ્ટિંગની પણ છે. સ્વાતંત્ર્યસેનાની, ગાંધીવાદી ઉષા મહેતાની ભૂમિકામાં સારા અલી ખાન? પણ ફિલ્મ કરણ જોહરે બનાવી છે એટલે “ઓહ, તો એમ વાત છે? કહીને મન મનાવી લીધું. સીન કોઈ બી હોય, હાવભાવ એકસરખા રાખવા માટે જાણીતી સારાએ એ પરંપરા અહીં જાળવી રાખી છે. છેલ્લે ‘મર્ડર મુબારક’માં પણ એ આ પ્રથાને જ વળગી રહી.

સારા સિવાય ફિલ્મમાં ઈમરાન હાશમી, આનંદ તિવારી, સચીન ખેડેકર (બાહોશ બેરિસ્ટર અને ઉષાબહેનના પિતા હરિમોહન મહેતાની ભૂમિકામાં), અભય વર્મા તથા સ્પર્શ શ્રીવાસ્તવ છે… આ બધા કલાકારોનાં પાત્રો એ રીતે લખાયાં છે કે એ પાત્રો અથવા આઝાદીના લડવૈયા કરતાં વેશભૂષા હરીફાઈમાં ભાગ લેનારા કલાકારો લાગે છે.