Home Blog Page 1891

CM મમતા બેનર્જી હેલિકોપ્ટરમાં ચઢતા સમયે પડી ગયા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચ્યા હતા. જ્યાં હેલિકોપ્ટરમાં બેસતા સમયે પડી ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા લપસીને હેલિકોપ્ટરની અંદર પડી ગયા. જણાવવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

દુર્ગાપુરથી આસનસોલ જવા માટે હેલિકોપ્ટર મમતાની રાહ જોઈ રહ્યું હતું. ઉપર ચઢવા માટે તેની બહાર સીડીઓ લગાવવામાં આવી હતી અને હેલિકોપ્ટરની અંદર બેસવા માટે તેને ચડવું પડતું હતું. મમતા સીડીઓ ચઢીને હેલિકોપ્ટરમાં ચઢવા જઈ રહી હતી પરંતુ તે સમયે તેનો પગ હેલિકોપ્ટરના ગેટ પર લપસી ગયો અને તે તેની અંદર પડી ગયા. સીએમના સુરક્ષાકર્મીઓએ તેમને તરત જ ઉપાડી લીધા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે. આ જ કારણ હતું કે તેણે આસનસોલ સુધીનો પ્રવાસ પૂરો કર્યો.

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને કોર્ટે જામીન ન આપ્યા

ઝારખંડ જમીન કૌભાંડ કેસઃ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને વચગાળાના જામીન મળ્યા નથી. રાંચીની વિશેષ પીએમએલએ કોર્ટે જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેને તેમના કાકાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કોર્ટ પાસેથી 13 દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા, જે મામલે કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

હેમંત સોરેનને વચગાળાના જામીન મળ્યા નથી

પૂર્વ સીએમ હેમંત સોરેને આજે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેમના કાકા રાજારામ સોરેનનું 27 એપ્રિલના રોજ અવસાન થયું હતું. તેને તેના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધમાં ભાગ લેવાની છૂટ આપવી જોઈએ. આ માટે તેણે 13 દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી.

નોટાનું બટન દબાવવામાં ગુજરાતીઓ આગળ!

લોકશાહીના ઉત્સવ સમી લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ગઈ છે. 19મી એપ્રિલથી શરૂ થયેલા મતદાનમાં દરેક પક્ષના ઉમેદવારોના  ભાવિનો નિર્ણય થશે. પરંતુ ચૂંટણી દરમિયાન જો મત આપતી વખતે, જો તમને લાગે કે કોઈ ઉમેદવાર યોગ્ય નથી તો તમે NOTA બટન દબાવીને તમારો વિરોધ નોંધાવી શકો છો. પરંતુ, શું તમે જાણો છો કે NOTA (None Of The Abov)નું બટન દબાવવામાં ગુજરાતીઓ પણ પાછા પડે એમ નથી.

ગત લોકસભા ચૂંટણી એટલે કે 2019માં NOTAનું બટન દબાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમાંકે હતું. ગુજરાતમાં કુલ 1.38 ટકા મતદાનમાંથી 4 લાખ મત નોટાના ફાળે ગયા હતા. દેશની વાત કરીએ તો બિહારમાં સૌથી વધુ 1.86 લાખ મતદારોએ કોઈ પક્ષને પસંદ કરવાની જગ્યાએ નોટા વિકલ્પને માન્ય ગણ્યો.

મતદારોએ દર્શાવ્યો વિરોધ

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 13 બેઠકો એવી હતી જ્યાં 15 હજારથી વધારે મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. અહીં એ વાત સમજવા જેવી છે કે ગુજરાતમાં દરેક બેઠક પર સરેરાશ 13થી 14 ઉમેદવારો હોય છે. પરંતુ મતદારો નોટા પસંદ કરે છે. ગત બંને લોકસભા ચૂંટણીમાં 26માંથી 17-17 બેઠકો પર નોટા વિકલ્પ ત્રીજા ક્રમે રહ્યો. નોંધનીય છે કે બંને ચૂંટમીમાં કુલ 8.55 લાખ મતદારોએ નોટા બટન બદાવી ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો તરફ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

 આ વિસ્તારમાં નોટાનો ઉપયોગ વધારે

ગુજરાતની લોકસભા બેઠકોમાં આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ નોટાનું બટન દબાવવામાં આવ્યું હતું. આ બેઠકોમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વલસાડ અને બારડોલીનો સમાવેશ થાય છે. બંને ચૂંટણી દરમિયાન 2014 અને 2019 પૈકી દાહોદ અને છોટાઉદેપુર બેઠક પર સૌથી વધારે 32-32 હજાર વોટ નોટાને ફાળે ગયા હતા. સમગ્ર દેશની વાત કરીએ તો 2019માં 65.22 લાખ મતદારોએ નોટાનું બટન દબાવવાનું ઉચિત માન્યું હતું.

નોટાનો ઉપયોગ કરવામાં આ બેઠકો ત્રીજા ક્રમે

ગત 2014 અને 2019 બંને લોકસભા ચૂંટણીમાં વડોદરા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ, ખેડા, બારડોલી, અમરેલી, આણંદ અને રાજકોટ બેઠકો ઉમેદવારોની સરખાણીએ નોટાનું પ્રમાણ ત્રીજા ક્રમે હતું. આ 12 બેઠકો પર 2014માં 2.50 લાખ નોટા વોટ પડયા હતા. જ્યારે 2019માં આ જ બેઠકો પર 2.44 લાખ મત નોટામાં નોંધાયા હતા. નોંધનીય છે કે 2014માં કુલ નોટા વોટ 55 ટકાથી વધારે અને 2019માં 61 ટકા નોટા વોટ ગણી શકાય. 2014 અને 2019 બંનેમાં 17 એવી બેઠકો હતી જ્યાં નોટા વોટ ત્રીજા ક્રમે રહ્યું હતું.

કોંગ્રેસ અને નોટા વચ્ચે મતનું અંતર

નોટાનું અને કોંગ્રેસ મતોનું અંતર 2019 લોકસભા ચૂંટણીમાં 5 હજારથી ઓછું હતું. જેમાં અમદાવાદ પશ્વિમમાં 4691, મહેસાણામાં 2555, રાજકોટમાં 2930, વલસાડમાં 2948 અને સુરતમાં 4797 મતોનું અંતર કોંગ્રેસ ને નોટા મત વચ્ચે હતું. એવી જ રીતે 2024માં પણ જૂનાગઢમાં 348, પોરબંદરમાં 4263, પાટણમાં, 2168, અમદાવાદ પૂર્વમાં 3009, દાહોદમાં 3347, અમરેલીમાં 3623 અને મહેસાણામાં 1849માં કોંગ્રેસ અને નોટા વચ્ચેનું અંતર પાંચ હજારથી ઓછું હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે રાજકીય પાર્ટીને પસંદ કરવા કરતા લોકો નોટાનું બટન દબાવી દરેક પક્ષ સામે પોતાની નારાજગી વ્યક્ત કરે છે.

2019માં રાજ્યમાં કુલ મતદાનમાં નોટાની ટકાવારી

નોટા વોટ ટકાવારી
બિહાર 8.16 લાખ 2 ટકા
આંધ્ર પ્રદેશ 4.68 લાખ 1.48 ટકા
ગોવા 12.4 હજાર 1.46 ટકા
છત્તીસગઢ 1.96 લાખ 1.44 ટકા
ગુજરાત 4 લાખ 1.38 ટકા
ભારત 62.22 લાખ 1.6 ટકા

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ફેમ અભિનેતા ગુરુચરણ સિંહ 4 દિવસથી ગૂમ

મુંબઈ: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહના રોલ માટે જાણીતા અભિનેતા ગુરુચરણ સિંહ કથિત રીતે ગુમ થઈ ગયા છે. આ સમાચાર બહાર આવતા જ અભિનેતાના ચાહકોમા નિરાશા ફેલાઈ ગઈ છે. આ સમાચારથી ચાહકો અને કો-સ્ટાર્સને ચોંકી ગયા છે. ગુરુચરણ સિંહ ભારતીય ટેલિવિઝનની દુનિયામાં જાણીતું નામ છે. રોશન સિંહ સોઢીને તેના પાત્રને કારણે ઘણી લોકપ્રિયતા મળી રહી છે. શો છોડ્યા પછી પણ લોકો તેને ભૂલી શક્યા નહોતા. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હોય છે અને તેની લાઈફ અપડેટ્સ શેર કરતા હોય છે,પરંતુ ચાર દિવસથી કોઈ નવી પોસ્ટ સામે આવી નથી.

ગુરુચરણને છેલ્લે અહીં દેખાયા હતા

ગુરચરણ સિંહ છેલ્લે 22 એપ્રિલે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ગુરચરણ સિંહ મુંબઈ જવા રવાના થઈ રહ્યા હતા, પરંતુ તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા ન હતા અને ન તો ઘરે પાછા ફર્યા હતા. તેના ગુમ થવાથી ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. તેની ઉંમર 50 વર્ષ છે અને તે માનસિક રીતે એકદમ સ્વસ્થ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનો ફોન પણ સ્વીચ ઓફ છે.

પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી

એક અહેવાલ અનુસાર ગુરુચરણ સિંહના વૃદ્ધ પિતાએ દિલ્હીમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવતા કહ્યું, ‘મારો પુત્ર ગુરુચરણ સિંહ, ઉંમર: 50 વર્ષ, 22 એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયા હતા. પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછા ફર્યા. તેમનો ફોન પણ ઉપલબ્ધ નથી. તે માનસિક રીતે સ્થિર છે અને અમે તેને શોધી રહ્યા હતા પણ હવે તે ગુમ છે!’

શોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢી તરીકેની ગુરુચરણ સિંહ ટેલિવિઝન સ્ક્રીન દ્વારા ભારતીય પરિવારોનો એક ભાગ બની ગયા હતા. શો છોડવાના તેના નિર્ણયે લોકોને ઘણા નિરાશ કર્યા હતા. આજે પણ લોકો તેના પરત આવવાની રાહ જુએ છે. અહેવાલ છે કે તેણે તેના પિતાની તબિયતને કારણે શો છોડી દીધો હતો. તેને સમયસર પેમેન્ટ ન મળ્યું હોવાનું પણ જણાવાયું હતું. જોકે, શૉ છોડવાનું કારણ ગમે તે હોય પરંતુ શોમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

પોરબંદર: પાટીદાર સમાજ પર કોનું પ્રભુત્વ?

પોરબંદર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ તરીકે આ શહેર પ્રખ્યાત છે. પોરબંદર લોકસભા બેઠક પર મોટાભાગે પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આ વિસ્તારમાં મોટાભાગે લોકો ખેતી અને પશુપાલન સહિત માછીમારી પર નિર્ભર છે. બીજી તરફ જેતપુરમાં સાડી ઉદ્યોગ પણ ધમધમી રહ્યો છે. આ લોકસભા બેઠક 1977માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર સંતોકબેન જાડેજા, કાંધલ જાડેજા અને વિઠ્ઠલ રાદડિયા જેવાં લડાયક નેતાઓ ભૂતકાળમાં જોવા મળ્યા હતા. પોરબંદર બેઠક નવા સીમાંકન બાદ લેઉવા પટેલની સીટ ગણાય છે. અગાઉ આ બેઠક ઉપરથી કડવા પટેલ આગેવાનને મેદાનમાં ઉતારવામાં આવતા હતા. પરંતુ ૨૦૦૯ની ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયા ચૂંટણી જીત્યા બાદ રાજકીય સમીકરણો બદલાયા છે.

ઉમેદવાર:–

ભાજપ- મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયાનો જન્મ ભાવનગરના હનોલ ગામમાં 1 જુલાઈ 1972ના રોજ થયો હતો. તેઓ લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. તેમને પ્રાણીશાસ્ત્રમાં રસ હોવાથી વેટરનરી ડૉક્ટર અને રાજકીય વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. મનસુખ માંડવિયા વિદ્યાર્થીકાળથી જ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાયા હતા. એ પહેલાં તેમણે ભાજપની વિદ્યાર્થી વિંગ ABVPના સદસ્ય તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી.  2002ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. વર્ષ 2012માં મનસુખ માંડવિયા સૌપ્રથમવાર રાજ્યસભામાં ચૂંટાયા હતા.

કોંગ્રેસ– લલિત વસોયા

લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેઓ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસ. વાય. બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો હતો. લલિત વસોયાને રાજકારણ ક્ષેત્રે 30 વર્ષનો અનુભવ છે. 2017ના પાટીદાર અનામત આંદોલનમાં લલિત વસોયાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. જેની અસરને લઈને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભારે બહુમતી સાથે જીત મળી હતી.  2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા રમેશ ધડૂક સામે તેઓની હાર થઈ હતી.

PROFILE:-

  • પોરબંદર લોકસભા બેઠકમાં પોરબંદર, કુતિયાણા, કેશોદ, ગોંડલ, ધોરાજી, જેતપુર અને માણાવદર વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના રમેશ ધડુક આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ વોટની લીડથી જીત્યા હતા.

 

  • મતદારોની સંખ્યા
  • કુલ મતદારો   17,62,602
  • પુરુષ મતદાર 9,09,529
  • સ્ત્રી મતદાર   8,53,050

વિધાનસભા બેઠકોની સ્થિતિ

બેઠક વિજેતા પક્ષ વોટ લીડ
પોરબંદર અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ 82,056 8,181
કુતિયાણા કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી 60,744 26,712
કેશોદ દેવા માલમ ભાજપ 55,802 4,208
ગોંડલ ગીતાબા જાડેજા ભાજપ 86,062 43,313
ધોરાજી મહેન્દ્ર  પાડલિયા ભાજપ 66,430 12,248
જેતપુર જયેશ રાદડિયા ભાજપ 1,06,471 76,926
માણાવદર અરવિંદ લાડાણી કોંગ્રેસ 64,690 61,237

પોરબંદર અને માણાવદર બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા હતા. જો કે બંન્નેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા છે. આથી આ બેઠકો પેટા ચૂંટણી યોજાવાની છે.

બેઠકની વિશેષતા

  • આ બેઠક પર પાટીદાર, મહેર અને ખારવા સમાજના મતદારોનું વર્ચસ્વ વધારે છે.
  • 1977થી અસ્તિત્વમાં આવેલી પોરબંદર બેઠક પર સૌપ્રથમ વખત ભારતીય લોકદળના ધરમશી પટેલ સાંસદ બન્યા હતા.
  • 1984 પછી કોંગ્રેસને આ બેઠક પર માત્ર એક જ વાર જીતનો સ્વાદ ચાખ્યો.
  • 1996, 1998 અને 1999 એમ ત્રણ ચૂંટણીમાં ભાજપના ગોરધનભાઈ જાવિયા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા.

NRIs કરશે ભાજપ માટે પ્રચાર, નમોનો ડંકો વગાડશે ગામે-ગામ!

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતાના ઉમેદાવાર માટે પ્રચાર કરતા હોય છે. ગુજરાતમાં પણ કેન્દ્રીય નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં વિદેશમાં રહેતા મૂળ ભારતીયોએ PM નરેન્દ્ર મોદીના સમર્થનમાં કાર રેલીનું આયોજન કર્યું છે. ભાજપના નોન રેસિડેન્ટ ઓફ ઈન્ડિયન (NRI) સમર્થકો ગુજરાતમાં ભાજપના સમર્થનમાં એક રેલી કરવા જઈ રહ્યા છે. NRI4NAMO દ્વારા એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર રેલીનું આયોજન નિરવ પટેલ અને અનાર મહેતા (US) દ્વારા કરવામાં આવ્યું છે.

આ કાર રેલી અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થશે. જેનું સમાપન નવસારીમાં થશે. આ રેલીની શરૂઆત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. જે બાદ રેલી અમદાવાદથી આણંદ, વડોદરા, ભરૂચ, સુરત થઈ અંતે નવસારીમાં રેલીનુ સમાપન થશે. આ રેલીમાં લગભગ 150-200 જેટલા NRIs જોડાશે. લગભગ 270 કિમીને આવરી લેતી આ રેલી નવ લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. રેલી દરમિયાન ભાજપના NRI સમર્થકો દરેક શહેરમાં મોદી સરકારના કાર્યો વિષે જન જાગૃતિ આપશે. આ સાથે મોદી સરકારની ગેરંટી વિશે પણ લોકો સાથે વાત કરશે. દિવસના અંતે નવસારીમાં સી.આર.પાટીલ NRI લોકો સાથે બેઠક કરી રેલીનું સમાપન કરાવશે.

જ્યારે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અનાર મહેતાએ જણાવ્યું કે અમે વર્ષોછી દરેક દેશમાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં રેલીનું આયોજન કરીએ છે. હાલ સુધીમાં અમે અમેરીકા, UK, આફ્રિકા, દુબઈ જેવા દેશમાં રેલી કરી ચૂક્યા છે. જ્યાં ગુજરાતમાં આ અમારી પ્રથમ રેલી છે.

શું પ્રતિ મહિને રૂ. 18,000 આપશે સરકાર?, જાણો…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સામાન્ય જનતાન હિતમાં કેટલાય પ્રકારની યોજના ચલાવે છે. આ યોજનાઓની માહિતી લોકોને યુટ્યુબથી માંડીને વેબસાઇટ અને સોશિયલ મિડિયા પર આવે છે. કેટલાક સરકારનાં નામને ગુમરાહ કરવાના સમાચાર શેર કરવામાં લાગ્યા છે. હાલમાં સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર પ્રતિ મહિને રૂ. 18,000 આપશે. આવો જાણીએ છીએ શું છે સત્ય…

યુટ્યુબ ચેનલ sarkarikhabar21નો એક વિડિયો થંબનેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે 24 એપ્રિલ, 2024થી સરકાર પ્રત્યેક વ્યક્તિને પ્રતિ મહિને રૂ. 18,000 આપશે. PIBએ આ વાયરલ મેસેજનું સત્ય જાણવા પ્રયાસ કર્યા હતા. જે પછી PIBએ આ વાઇરલ મેસેજ પર ખુલાસો કર્યો છે.

સરકારની પ્રેસ એજન્સી PIBએ જ્યારે આ દાવાના મૂળ સુધી જવાના પ્રયાસ કર્યા તો ચોંકાવનારો ખુલાસો થયો હતો. PIBએ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહેલા દાવાને સંપૂર્ણ રીતે ખોટો બતાવ્યો હતો. PIBએ લોકોને કહ્યું હતું કે સરકાર દ્વારા એવી કોઈ ઘોષણા નથી કરવામાં આવી. સરકારી એજન્સીએ આ પ્રકારની ભ્રામક પોસ્ટ અને વિડિયોથી દૂર રહેવાની અપીલ કરી હતી. એનું માનવું છે કે આ પ્રકારના મેસેજના ચક્કરમાં આવીને તમે છેતરપિંડીનો શિકાર થઈ શકો છો. સરકાર બધી યોજનાઓની ખુદ પ્રેસ રિલીઝ જારી કરી દે છે. જેથી ભ્રામક પોસ્ટની માયાજાળમાં ફસાવું નહીં.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અમેરિકી નિયામકે રિપબ્લિક ફર્સ્ટ બેન્ક બંધ કરી

ન્યુ યોર્કઃ અમેરિકી નિયામકે અમેરિકાની એક બેન્ક રિપબ્લિક ફર્સ્ટ બેન્કને બંધ કરી દીધી છે. એ એક રિજનલ ધિરાણકર્તા હતી, જેનો બિઝનેસ ન્યુ યોર્ક, ન્યુ જર્સી અને પેન્સિલવેનિયા જેવાં મોટાં શહેરોમાં ફેલાયેલો હતો. ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (FDIC)એ શુક્રવારે કહ્યું હતું કે ફિલાડેલ્ફિયાની રિપબ્લિક બેન્કને સીઝ કરી દેવામાં આવી છે. બેન્કની પાસે 31 જાન્યુઆરી સુધી 400 કરોડ ડોલરની ડિપોઝિટ હતી અને 600 કરોડ ડોલરની એસેટ્સ હતી.

એજન્સીએ જણાવ્યું હતું કે પેન્સિલવેનિયાના લેન્ચેસ્ટરમાં સ્થિત ફુલ્ટન બેન્કે આ બેન્કની બધી જમા રકમને પર્યાપ્ત રૂપે લઈને અને એની બધી સંપત્તિ ખરીદવા માટે સહમત થઈ છે. ફુલ્ટન બેન્કે રિપબ્લિક બેન્કની બધી ડિપોઝિટ્સ અને એસેટ્સ લેવા માટે સહમતી આપી છે. હવે શનિવારથી રિપબ્લિક બેન્કની બધી 32 શાખા ફુલ્ટન બેન્કની બ્રાન્ચ તરીકે ખૂલશે. FDICએ કહ્યું હતું કે જે પૈસા રિપબ્લિક ફર્સ્ટ બેન્કમાં જમા છે. એ શુક્રવારે રાતે ચેક કે ATM દ્વારા કાઢી શકે છે.

રિપબ્લિક બેન્કના બંધ થવાથી ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ફંડને 66.7 કરોડ ડોલરનો આંચકો લાગવાની શક્યતા છે. આ વર્ષે એ પહેલી બેન્ક છે, જે બંધ થઈ છે અને FDIC હેઠળ હતી. હાલ વધતા વ્યાજદરો અને કોમર્શિયલ પ્રોપર્ટીઝની કિંમતોમાં ઘટાડાને કારણે રિજનલ અને કો-ઓપરેટિવ બેન્કો માટે નાણાકીય જોખમ વધારી દીધું છે. બેન્ક માટે જે મિલકત સામે લોન આપી હતી, એ મિલકતને પગલે રિફાઇનાન્સમાં મુશ્કેલીઓ આવી રહી છે.

 

 

 

 

બીજા તબક્કામાં કેટલું થયું મતદાન?, ગરમીથી 9ના મોત

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તારીખ 26 એપ્રિલના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે તમામ EVM ખામી બોગસ મતદાના આરોપો વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન શુક્રવારે પૂર્ણ થઇ ગયું છે. બીજા તબક્કામાં સરેરાશ મતદાન 61 ટકા નોંધાયું છે.

મતદાન પ્રક્રિયા દરમિયાન EVM સાથે ચેડા અને બોગસ વોટિંગના કેટલાક આરોપો થયા હતા. ઉત્તર પ્રદેશના મથુરા, રાજસ્થાનના બાંસવાડા અને મહારાષ્ટ્રના પરભાનીમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોના લોકોએ વિવિધ પ્રશ્નોને લઇને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ સાથે જ મતદાન દરમિયાન કોઈ પણ હિંસાના બનાવો બન્યા ન હતા. તો બીજી બાજુ લોકસાહિના પર્વની ઉજવણી કરતા 9 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો પ્રમાણે ભારે ગરમી અને ઉંમરના કારણે 9 લોકોના મોત થયા છે.

ત્યારે ત્રિપુરામાં સૌથી વધુ 78.53, મણિપુરમાં 77.18 જ્યારે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મામૂલી 53 ટકા જેટલું મતદાન થયું છે. પ્રાપ્ત આંકડા અનુસાર સરેરાશ મતદાનની ટકાવારી 60.96 સુધી પહોંચી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આંકડો હજુ વધી શકે છે. કેરળની તમામ 20 બેઠકો પર, કર્ણાટકની 28, રાજસ્થાનની 13, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની 8-8, મધ્ય પ્રદેશની 6 આસામ અને બિહારની 5-5, છત્તીસગઢ અને બંગાળની 3-3 બેઠકો પર મતદાન યોજાયું હતું. જ્યારે મણીપુર, ત્રિપુરા, જમ્મુ કાશ્મીરમાં 1-1 બેઠક પર મતદાન થયું હતું.

જ્યારે કેરળની વાત કરીએ તો કેરળમાં કુલ 65.23 ટકા મતદાન થયું હતું. જેમાં કેટલા વિસ્તારોમાં EVM ખરાબ થયા સાથે બોગસ વોટિંગ થવાના આરોપ લાગ્યા હોવાનું સામે આવ્યું. આરોપા બાદ કેટલાક પ્રભાવિત મતદાન મથકો પર મતદાન પ્રક્રિયાને અસર પહોંચી હતી. લોકશાહિના મહા પર્વમાં ભાગ લેવા ભારે ગરમીનો સામનો કરી મતદાન મથક પહોંચ્યા હતા. જેમાંથી ગરમી અને વધુ ઉંમરને કારણએ 8 જેટલા લોકોના મૃત્યું થયા હોવાનું સામે આવ્યું.  આ ઉપરાંત એક પોલિંગ એજન્ટનું મોત થયાનું સામે આવ્યું છે. કર્ણાટકમાં 64.85 ટકા મતદાન થયું હતું અહીંયા બેંગ્લોર દક્ષિણના ભાજપના વર્તમાન સાંસદ અને ઉમેદવાર તેજસ્વી સૂર્યા સામે ધર્મના નામે મત માગવા બદલ ફરિયાદ દાખલ થયાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું.

મારી ભૂલની સજા PM મોદીને ના આપતાઃ રૂપાલા

રાજકોટઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગઈ કાલે પૂરું થયું છે. ગુજરાતની રાજકોટની લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માગી છે. જસદણમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં રૂપાલાએ કહ્યું હતું કે ભૂલ મેં કરી હતી, જાહેરમાં માફી પણ માગી છે. મારે કોઈ ભૂલ કરવાનો ઇરાદો નહોતો. મેં ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને ક્ષમાયાચના માગી છે. તેમણે મને પ્રતિસાદ પણ આપ્યો હતો, પરંતુ વડા પ્રધાન મોદીનો વિરોધ કેમ?

તેમણે કહ્યું હતું કે તમે તમારા રાષ્ટ્રના યોગદાનને યાદ કરો. ભાજપના વિકાસમાં તમારું મોટું યોગદાન છે. 18 કલાક કામ કરવાવાળા વડા પ્રધાન મોદી જ્યારે દેશ સિવાય કંઈ ના વિચારતા હોય, ત્યારે 140 કરોડ લોકોને પોતાનો પરિવાર સમજતા હોય, ત્યારે તેમનો વિરોધ મારે કારણે કેમ ? મોદીની વિકાસ યાત્રામાં અનેક ક્ષત્રિય સાથે રહ્યા છે. મારી ભૂલ હું સ્વીકારું છું, પણ વડા પ્રધાન મોદીની વિરુદ્ધ ક્ષત્રિય સમાજને ઊભો કરવો એ મને યોગ્ય નથી લાગતું. તેમની સામે દર્શાવવામાં આવી રહેલા આક્રોશને લઈને પુનર્વિચાર કરો, એમ તેમણે કહ્યું હતું.

ભાજપના ડેમેજ કન્ટ્રોલના તમામ પ્રયાસો છતાં ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો. છેલ્લા કેટલાંક સપ્તાહોમાં આ રાજ્યોમાં ભાજપની વિરુદ્ધ સમાજ તરફથી વિરોધ-પ્રદર્શન જોવા મળ્યું હતું. જેથી ભાજપના કોર વોટ બેન્ક રાજપૂત પહેલા બે તબક્કામાં મતદાન કેન્દ્રોથી દૂર રહ્યા છે.