Home Blog Page 1847

બોમ્બ બ્લાસ્ટના મેઈલમાં થયા મોટા ખુલાસા, જાણો ક્યાંથી મળી ધમકી

રાજ્યમાં લોકસભા ચૂંટણીના એક દિવસ પહેલા એટલે કે 6 મેના રોજ અમદાવાદની 23 જેટલી શાળામાં એક ધમકી ભર્યો ઈમેઈલ આવ્યો હતો. જેમાં 23 શાળામાં બોમ્બ હોવાનો ઉલ્લેખ હતો. ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર એક્શન મોડ આવ્યું હતું. મેઈલને લઈને શોધખોળ હાથ ધરી હતી. જ્યારે આ વચ્ચે લોકસભાની ચૂંટણી પર કોઈ અસર પડતી જોવા મળી ના હતી.

હવે ધમકી ભર્યા ઈમેઈલને લઈ ક્રાઈમ બ્રાન્ચે મોટા ખુલાસા કર્યા છે. પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું હતું કે મેઈલ રશિયન સર્વરથી કરવામાં આવ્યા હતા. જેને લઈ સાઈબર પોલીસ તપાસ કરી રહી હતી. હવે આ કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચના ખુલાસામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. આ ધમકી પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કે આતંકી સંગઠનનું કાવતરુ હોવાની પણ શક્યતા છે.  ઉંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે પાકિસ્તાનના હેકરોએ રશિયન સર્વરનો ઉપયોગ કરી ધમકીભર્યા મેલ મોકલ્યા હતા. ખરેખર તેઓ બોંબ વિસ્ફોટ કરાવવા માગતા હતા કે પછી આ મજાક હતી? તેને લઈને પણ તપાસ ચાલી રહી છે.

ISIના તૌહીદ લિયાકતના નામે આઈડી બનાવી મેઈલ કરવામા આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે થોડા દિવસ પહેલા દિલ્હીની શાળાઓને પણ આ જ પ્રકારે ધમકીભર્યા ઇમેઇલ કરાયા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને દિલ્હી પોલીસ સમગ્ર મામલાની હજું ઉંડી ચપાસ કરી રહી છે.

 

ચૂંટણી પંચે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુનને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આકરી ફટકાર લગાવી છે. અત્યાર સુધી ત્રણ તબક્કામાં થયેલા મતદાનના ડેટાને લઈને ખડગેએ આરોપ લગાવ્યા હતા. એ પત્રને લઈને પંચે કહ્યું હતું કે ખડગેના નિવેદનથી નિષ્પક્ષ ચૂંટણીમાં અડચણ આવે છે. ચૂંટણીની વચ્ચે તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છો અને એવાં નિવેદનોથી મતદાતાઓની ભાગીદારી પર નકારાત્મક અસર પડી શકે છે.

બે દિવસ પહેલાં ખડગેએ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે મતદાનના આંકડા પર સવાલ ઊભા કર્યા હતા. તેમણે પંચ પર આરોપ લગાવ્યો હતો. તેમણે  ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને અપીલ કરી હતી કે બધા મળીને મતદાનના આંકડા પર  સવાલ ઊભા કરો, કેમ કે અમારો ઉદ્દેશ બંધારણની સુરક્ષા અને લોકતંત્રની રક્ષા કરવાનો છે.ખડગેએ પત્રમાં કહ્યું હતું કે આ કોઈ સામાન્ય ચૂંટણી નથી. અમારા લોકતંત્ર અને બંધારણને બચાવવાની લડાઈ છે. લોકતંત્રની રક્ષા માટે અવાજ ઉઠાવવાનો અને પંચને જવાબદેહી બનાવવાનું સામૂહિત કર્તવ્ય છે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે ભાજપ અને RSS ઝેર છે, તે આપણને આપણા અધિકારોથી વંચિત કરી રહ્યા છે. જો લોકસભા ચૂંટણી બાદ મોદી સત્તામાં આવશે તો તાનાશાહી થશે, કોઈ લોકશાહી નહીં હોય અને કોઈ ચૂંટણી નહીં થાય. નીતીશ કુમારના NDAમાં સામેલ થવા પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે એક વ્યક્તિના અલગ થવાથી મહાગઠબંધન નબળું નહીં થાય, આપણે ભાજપને હરાવીશું.

 

 

 

 

 

 

અમદાવાદ એરપોર્ટ-વડોદરા દોડશે GSRTC, જાણો ટાઈમ ટેબલ

વિદેશી મહેમાનો માટે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી સારા સમાચાર મળી રહ્યા છે. અવર નવર ફ્લાયટ મુસાફરી કરનારો લોકોને એક શહેરથી બીજા શહેર જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે હવે GSRTCએ વડોદરાની મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પહોંચવા માટે માર્ગ સરળ બનાવી આપ્યો છે.

GSRTCએ અમદાવાદ એરપોર્ટથી વડોદરા અને વડોદરાથી અમદાવાદ એરપોર્ટ સુધીની એસી વોલ્વો બસ સેવા શરૂ કરી છે. દરરોજ ચાર વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી વડોદરા વચ્ચે અવરજવર કરશે. આ બસ સેવા શરૂ થતાં મુસાફરોને રાહત થઈ છે. આ અગાઉ પણ GSRTC દ્વારા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી બસ સેવા શરૂ કરી હતી.

ત્યારે હવે અમદાવાદ એરપોર્ટથી વડોદરાની GSRTC બસની સેવા શરૂ કરવામાં આવી છે જે અમદાવાદ એરપોર્ટથી સવારે 6 વાગ્યે GSRTCની બસ વડોદરા પહોંચવા માટે રવાના થશે જે સવારે 8:30 કલાકે વડોદરા પહોંચશે. જ્યારે બીજી બસ રાત્રે 11:30 કલાકે અમદાવાદ એરપોર્ટથી રવાના થઈને મોડી રાત્રે 1:30 કલાકે વડોદરા પહોંચશે. જ્યારે વડોદરાથી બપોરે 3:15 કલાકે બસ અમદાવાદ એરપોર્ટ માટે રવાના થશે, જે સાંજે 5:45 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે. જ્યારે અન્ય બસ સાંજે 7:30 કલાકે વડોદરાથી રવાના થશે જે રાત્રે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચાડશે.

આ વોલ્વો બસ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ઓનબોર્ડ મનોરંજન અને ચાર્જિંગ સુવિધાઓ, એર કંડીશન વોલ્વો બસ રહેશે. આ વોલ્વો બસ અમદાવાદ એરપોર્ટથી વાયા શાહીબાગ, કાલુપુર, ગીતામંદિર થઇને એક્સપ્રેસ પરથી વડોદરા પહોંચશે. મુસાફરોએ જીએસઆરટીસીની વેબસાઈટ અથવા ઉપરાંત વિવિધ ટ્રાવેલ પોર્ટલ દ્વારા સીટ ઓનલાઈન બુક કરાવી શકશે.

નરેન્દ્ર દાભોલકર મર્ડર કેસઃ બે આરોપીને આજીવન કેદ

નવી દિલ્હીઃ પુણેની એક કોર્ટે અંધવિશ્વાસની વિરુદ્ધ લડાઈ લડતા કાર્યકર્તા ડો. નરેન્દ્ર દાભોલકરના હત્યાકાંડ સંદર્ભે બે આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. એ સાથે કોર્ટે ત્રણ આરોપીઓને છોડી મૂક્યા છે. દાભોલકરની 20 ઓગસ્ટ, 2013એ પુણેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે બાઇકસવાર હુમલાખોરોએ તેમને ગોળી મારી હતી.  આ હત્યાકાંડની તપાસ પહેલાં પુણે પોલીસ અને ત્યાર બાદ CBIને સોંપવામાં આવી હતી.

દાભોલકર અનેક વર્ષોથી સમિતિ ચલાવી રહ્યા હતા. તેમણે અંધવિશ્વાસ ઉન્મૂલનથી સંબંધિત પુસ્તક પણ વિવિધ પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું અને અને કાર્યશાળાનું પણ આયોજન કર્યું હતું. આ હત્યા પછી ઘણી બબાલ થઈ હતી.દાભોલકર હત્યાકાંડમાં પુણેની કોર્ટે ઘટનાના 11 વર્ષ પછી ચુકાદો આપ્યો છે. પુણેની ખાસ CBI કોર્ટે આરોપી સચિન અંદુરે અને શરદ કાલસ્કરને આ હત્યાકાંડમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને આજીવન કેદની સજા સંભળાવી હતી. દાભોલકરની પુત્રી અને પુત્રએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પોલીસે CBIને કેસ સોંપ્યો હતો.

લગભગ નવ વર્ષ પછી 2021ની 15 ડિસેમ્બરે પૂણે સ્પેશિયલ કોર્ટે દાભોલકર હત્યાકાંડના પાંચેય આરોપીઓ સામે આરોપ નક્કી કરી નાખ્યા હતા. ડો. વીરેન્દ્રસિંહ તાવડે, સચિન અંદુરે, શરદ કળસકર અને વિક્રમ ભાવે પર યુએપીએ હેઠળ હત્યાનો, ગુનાહિત ષડ્યંત્ર રચવાનો તથા શસ્ત્ર અધિનિયમ સંબંધી ધારાઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા, જ્યારે સંજીવ પુનાળેકર પર આઈપીસીની કલમ 201 (પુરાવા નષ્ટ કરવા કે ખોટી માહિતી આપવી) મુજબ આરોપ મૂકવામાં આવ્યા હતા. તેમ છતાં આ પાંચેય આરોપીઓએ કોર્ટમાં ગુનો કબૂલ કરવાનો ઇનકાર કર્યો હતો.પાંચેય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા પછી ખરા અર્થમાં ખટલો 2021માં શરૂ થયો હતો, તેમાં લગભગ 20 સાક્ષીઓનાં નિવેદનો લેવામાં આવ્યાં હતાં.

 

 

 

 

 

 

 

 

એક કોર્પોરેટરનો સાયકલિંગનો અનોખો સંકલ્પ

અમદાવાદ: શહેરના મણીનગર વિસ્તારના કોર્પોરેટર ડો.ચંદ્રકાંત ચૌહાણ જુલાઇ 2022 થી સતત દર શુક્રવારે કોઇપણ કામ હોય તો સાયકલ પર જ પ્રવાસ કરે છે. ચંદ્રકાંત ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના 2021માં ચૂંટાયેલી પાંખના કોર્પોરેટર છે.

શારિરીક શિક્ષણમાં Ph.D.ની પદવી મેળવી ચૂકેલા મ્યુનિસિપલ કોર્પોરેટર ડો. ચંદ્રકાંત ચૌહાણ ચિત્રલેખા.કોમને કહે છે, “વધતી જતી વસ્તી અને પૃથ્વીની ઉપર નીચેથી આડેધડ વપરાતા સંશાધનોથી પર્યાવરણને ખૂબ જ નુકસાન થઇ રહ્યું છે. એટલે આપણે દેશના નાગરિક તરીકે પર્યાવરણને બચાવવા અને કુદરતી સંશાધનો ઓછા વપરાય એવા પ્રયોગો આપણે કરવા જોઇએ એવી મારી દ્રઢ માન્યતા છે. યોગાનુયોગ અમદાવાદ શહેરના તત્કાલિન મ્યુનિસિપલ કમિશનર લોચન શહેરાએ તમામ કોર્પોરેટર અને કર્મચારીઓને ઇકો ફ્રેન્ડલી ફ્રાઇડેનો એક પ્રયોગ આપ્યો છે. સૌને સંકલ્પ કરવાનું કહ્યું કે શુક્રવારે પર્યાવરણ જાગૃતિ, પર્યાવરણના રક્ષણ માટેના કાર્યક્રમના ભાગરૂપે સૌ તમામ કામગીરી સાઇકલિંગથી જ કરે. સૌની તો મને ખબર નથી પણ કમિશનર સાહેબે જ્યારે જેવું ફરમાન કર્યું ત્યારથી અત્યાર સુધી હું દર શુક્રવારે સાઇકલિંગ કરું છું. આ વખતે ચૂંટણીનો પ્રચાર પણ સાયકલ પર કર્યો હતો.”ચંદ્રકાંત ચૌહાણ છેલ્લા સત્તર વર્ષ કરતાં પણ વધારે સમયથી ક્રિકેટ કોચ છે. ગરીબ વિદ્યાર્થીઓ હોય એની ઘર સુધી પરિસ્થિતિને જોયા પછી એમને મફત કોચિંગ આપે છે. એમણે જ્યાં ભણ્યા એ દિવાન બલ્લુભાઇ શાળામાં શારિરીક શિક્ષણના શિક્ષક તરીકે પણ ફરજ બજાવી. હાલ ચંદ્રકાંતભાઇ કોર્પોરેટર તરીકે ચૂંટાયા પછી સમાજ સેવા તો કરે જ છે. આ સાથે એકદમ સામાન્ય પરિવારોમાંથી આવતા બાળકોને ક્રિકેટ કોચિંગ આપે છે. એમના કેમ્પના ઘણાં બાળકો ક્રિકેટમાં જિલ્લા કક્ષાએ, રણજી અને અન્ડર 19 જેવા અનેક સ્તર સુધી પહોંચ્યા છે.ચંદ્રકાંતભાઇ કહે છે, “હું શારીરિક શિક્ષણનો શિક્ષક છું. કોચિંગ કરાવું છું શરીરને ફિટનેસ ખૂબ જ જરૂરી છે. ફિટનેસ પર્યાવરણની જાળવણીના કાર્યક્રમો એક રાજકારણી તરીકે જ્યારે આપણે કરતા હોઇએ ત્યારે આપણે જ સંયમ અને સંકલ્પનો અવશ્ય અમલ કરવો જોઇએ.”

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા અને રથ પૂજન કરાયા

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરેથી અષાઢ સુદ બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને ભાઈ બલરામની રથયાત્રા પહેલાના કાર્યક્રમો પૂજા યાત્રાઓની શરૂઆત થઈ ગઈ છે. 10મી મે, 2024ને શુક્રવારના રોજ વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખાત્રીજના શુભ દિવસે સવારના સમયે ભગવાન જગન્નાથ અને સાથેના રથનું પૂજન કરવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિર સામે રથ મુકવામાં આવ્યા અને પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશિષ્ટ મહાપૂજા કરવામાં આવી હતી. રથોના પૂજન વખતે મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, રાજકીય સામાજિક અગ્રણીઓ, સાધુ સંતો તેમજ ભક્તો ખાસ હાજર રહ્યા હતા.

અક્ષય તૃતિયાએ જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રાનું વિશેષ મહત્વ છે. આ દિવસથી જ રથનું સમારકામ સુશોભન અને જાળવણીનું કામ શરૂ થઈ જાય છે. ચંદન યાત્રા અને રથ પૂજનના કાર્યક્રમ સમયે મંદિરના હાથીઓને વિશેષ શણગાર કરીને તૈયાર કરવામાં આવ્યા હતા.

ત્રણેય રથોને ફૂલો અને અન્ય સામગ્રીથી શુષોભિત કરી આકર્ષક બનાવવામાં આવ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

કેજરીવાલને કોર્ટમાંથી પહેલી જૂન સુધી ‘સુપ્રીમ’ રાહત

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં CM અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટે કેજરીવાલને ચૂંટણીપ્રચાર માટે પહેલી જૂન સુધી જામીન આપ્યા છે. જોકે CM કેજરીવાલને જુલાઈ સુધી જામીનની માગ કરી હતી. EDએ કેજરીવાલના જામીનનો વિરોધ કરતાં ગુરુવારે સોગંદનામું સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યું હતું. એજન્સીએ કહ્યું હતું કે ચૂંટણીપ્રચાર જામીનનો આધાર ના હોઈ શકે. એ ના તો ફન્ડામેન્ટલ હક છે અને કાયદેસરનો અધિકાર છે.

કેજરીવાલ વતી કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં દલીલો કરી હતી. તેમણે એજન્સીની દલીલ પર જવાબ આપતાં કહ્યું હતું કે EDની દલીલ યોગ્ય છે કે ચૂંટણી પ્રચાર કરવો એ મૂળભૂત અધિકાર હેઠળ નથી આવતો. પરંતુ હા, કાયદા અનુસાર જો કોઈને સજા ફટકારાઈ હોય અને કોર્ટ કહે કે અમે તેના પર સ્ટે આપીએ છીએ તો તે ચૂંટણીપ્રચારમાં જોડાઈ શકે છે.

એજન્સી કેજરીવાલને લિકર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગણાવ્યો હતો. બીજી બાજુ, એજન્સી કેજરીવાલ વિરુદ્ધ સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરે એવી શક્યતા છે, જેમાં આપ પાર્ટીને આરોપી બનાવી છે. એવું પડેલી વાર થશે, જેમાં આરોપી તરીકે કોઈ પાર્ટીનું નામ હોય.

કોર્ટનો આ ચુકાદો કેજરીવાલ માટે લોકસભા ચૂંટણી વચ્ચે મોટી રાહત  છે. હવે તેઓ ફરી એક વાર આમ આદમી પાર્ટીમાં પ્રાણ ફૂંકી શકશે. તેઓ બાકીના તબક્કાઓના ચૂંટણીપ્રચારમાં પણ ભાગ લઈ શકશે. તેમને પહેલી જૂન સુધીનો સમય મળી ગયો છે અને બીજી જૂને તેમને ફરી આત્મસમર્પણ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

 

 

 

 

 

 

 

શા માટે આ બાયોપિક જોવી જોઈએ?

  • થોડા સમય પહેલાં વિધુ વિનોદ ચોપરાએ કશાયે આડંબર વિના ‘ટ્વેલ્થ ફેઈલ’ સર્જી, જેની આજેય સિનેમાપ્રેમી ચર્ચા કરે છે. ‘શ્રીકાંત’ પણ ‘ટ્વેલ્થ ફેઈલ’ની પંક્તિમાં બિરાજતી ફિલ્મ છેઃ મેલોડ્રામાથી જોજનો દૂર, સાદી-સરળ, ઈમાનદારીથી બનાવવામાં આવેલી જીવનકથા. દિવ્યાંગોને દયા-કરુણાની નહીં, પણ સમાનતાની જરૂર છે, એમને ઈક્વલિટી આપો એવો સંદેશ આપતી, અશક્ય લાગતી સત્ય કથાને તુષાર હીરાણીનું દિગ્દર્શન, જગદીપ સિધુ-સુમીત પુરોહિતનું ચુસ્ત લેખન, અને રાજકુમાર રાવનો બેનમૂન અભિનય મળ્યાં છે. તુષાર હીરાણી એ સર્જક છે, જેમણે આપણને ‘સાંડ કી આંખ’ તથા વેબસિરીઝ ‘સ્કૅમ 2003-તેલગી સ્ટોરી’ આપી છે.

ફિલ્મ જેમના જીવન પર આધારિત છે એ 33 વર્ષી શ્રીકાંત બોલ્લા આંધ્ર પ્રદેશના મછલીપટ્ટનમાંથી આવતા દષ્ટિવિહીન યુવા ઉદ્યોગ સાહસિક છે. ખેડૂતપરિવારમાં જન્મેલા શ્રીકાંતને એમનું નામ મળ્યું ક્રિકેટર કૃષ્ણમાચારી શ્રીકાંત પરથી. શ્રીકાંતને જન્મથી આંખોનાં તેજ મળ્યાં નહીં. ભણવામાં તેજ શ્રીકાંતને ભારતનો કાયદો સાયન્સના વિષય સાથે 12મું સાયન્સ ભણવાની મંજૂરી આપતો નહોતો એટલે ટ્વેલ્થ વિથ સાયન્સ ભણવા એમણે ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર કેસ કર્યો અને એમને એમની પોતાની જવાબદારી પર વિજ્ઞાન ભણવાની મંજૂરી મળી. 98 ટકા સાથે એ ટૉપમાં આવ્યા. દિવ્યાંગ હોવાના લીધે આઈઆઈટીની તૈયારી કરાવતા કોચિંગ ક્લાસમાં ઍડમિશન ન મળ્યું. ત્યાં બોસ્ટનની વિશ્વવિખ્યાત ‘માસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી’ (‘એમઆઈટી’)એ એમને કહ્યું, “આવો, અમે તમને ઍડમિશન જ નહીં, સ્કોલરશિપ પણ આપીએ છીએ”. આમ એ એમઆઈટીની ‘સ્લોન સ્કૂલ ઑફ મૅનેજમેન્ટ’ના સૌપ્રથમ ઈન્ટરનેશનલ બ્લાઈન્ડ સ્ટુડન્ટ બન્યા. ડિગ્રી મેળવી ભારત પરત આવીને એમણે દિવ્યાંગો માટે એક સેન્ટર શરૂ કર્યું, જ્યાં ભણતરની સાથે રોજગારની તક આપતા હુન્નરની તાલીમ આપવામાં આવે. 2012માં એમણે હૈદરાબાદ નજીક ‘બોલાન્ટ ઈન્ડસ્ટ્રીઝ’ની સ્થાપના કરી, જેમાં એમને રતન તાતાનું આર્થિક યોગદાન મળ્યું. આ કંપનીમાં એ દિવ્યાંગોને નોકરી આપે છે. નગરની મ્યુનિસિપાલિટીના કચરામાંથી ઈકો-ફ્રેન્ડ્લી રિસાઈકલ ચીજવસ્તુ બનાવતી કંપનીની વિશ્વવિખ્યાત આર્થિક સામયિક ‘ફૉર્બ્સે’ નોંધ લીધી છે.

અંધજનો પર આપણે ત્યાં ભાગ્યે જ સારી, સહ્ય ફિલ્મો બની છે. આશરે ચારેક દાયકા પહેલાં સઈ પરાંજપેએ ‘સ્પર્શ’ બનાવેલી તો બેએક દાયકા પહેલાં વિપુલ અમૃતલાલ શાહે ચાર અંધજનો સાથે મળીને બૅન્કલૂંટનો પ્લાન બનાવતા અમિતાભ બચ્ચનને ધ્યાનમાં રાખીને ‘આંખે’ બનાવી. સંજય ગુપ્તાએ યામી ગૌતમ-રિતિક રોશનને લઈને રિવેન્જ ડ્રામા ‘કાબિલ’ 2017માં બનાવી. આ બધાથી વિપરીત ‘શ્રીકાંત’ ચક્ષુવિહીન યુવાનનાં જીવન અને એના જુસ્સા અને એની અચિવમેન્ટનો ઓચ્છવ છે. શ્રીકાંત સાબિત કરે છે કે એના જેવા (વિઝ્યુઅલી ઈમ્પૅર્ડ)નો જન્મ લોકલ ટ્રેનમાં “શિરડી વાલે સાંઈ બાબા” ગાવા માટે જ નથી થયો. બલકે, પિતા પહેલાંથી જ કહેતા હતા કે પુત્ર એમનું નામ દીપાવશે જ એવા મતલબનું ગીત ફિલ્મમાં રાખવામાં આવ્યું છે. ‘કયામત સે કયામત તક’નું “પાપા કેહતે હૈ બડા નામ કરેગા”… તનીષ્ક બાગચીએ રિક્રિએટ કરેલું આ થિમસોંગ ફિલ્મમાં મિસફિટ છે એવું કમસે કમ મને લાગ્યું છે. શું કામ એ કહીશ તો રસક્ષતિ થવાનો ભય છે. તમે જ ફિલ્મ જોઈને નક્કી કરજો.

કમાલના અભિનેતા રાજકુમાર રાવ ઉપરાંત ફિલ્મમાં શ્રીકાંતની ટીચર-માર્ગદર્શકની ભૂમિકામાં જ્યોતિકા (જે છેલ્લે અજય દેવગન સાથે ‘શૈતાન’માં જોવા મળી), અમેરિકામાં ભણતી, શ્રીકાંતની દોસ્ત બનતી મેડિકલ સ્ટુડન્ટ સ્વાતિની ભૂમિકામાં આલિયા ફર્નિચરવાલા, શ્રીકાંતના સ્ટાર્ટઅપમાં ઈન્વેસ્ટમેન્ટ કરનારની ભૂમિકામાં શરદ કેળકર, વગેરે છે.

ઓકે, અમુક સીન્સ કોઈને નાટકીય લાગશે, પણ શ્રીકાંત બોલ્લાના જીવનમાં બન્યું એ જ સર્જકે બતાવ્યું છે. ક્યાંક ક્યાંક એમણે વાર્તા રસપ્રદ બનાવવા છૂટછાટ લીધી હશે. મારા માટે સર્જકની સફળતા એ કે આંધ્ર પ્રદેશના ગામડામાં જન્મેલા આવા એક અસામાન્ય વ્યક્તિત્વને એમણે દેશ સમક્ષ મૂકી આપ્યું. આશરે સવાબે કલાકની ‘શ્રીકાંત’ થિએટરમાં રિલીઝ થઈ છે. બાયોપિકમાં રસ હોય તો નજીકના થિએટરમાં પહોંચી જાઓ.

બાબા કેદારના જયઘોષ સાથે કેદારનાથના ખુલ્યા કપાટ

મહાદેવ ભક્તોની આતુરતા આજે અંત આવ્યો. આજે અક્ષર તૃતિયાના પાવન પર્વના દિવસે ચાર ધામ યાત્રાનો પ્રારંભ થયો છે. વિશ્વ પ્રસિદ્ધ ભગવાન કેદારનાથ મંદિરના દ્વાર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે કેદારનાથના કપાટ રાવળ ભીમાશંકર લિંગ અને મુખ્ય પૂજારી શિવશંકર લિગ દ્વારા ખોલવામાં આવ્યા. બાબા કેદારના જયઘોષ વચ્ચે ભક્તોની હાજરીમાં કપાટ ખોલવામાં આવ્યા હતા. આજે સવારે બરાબર 7:15 કલાકે શુભ મુહૂર્તમાં મંદિરમાં બાબા કેદારની પંચમુખી ડોળીની વિધિ-વિધાન સાથે સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબા કેદારનાથ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.

ચાર ધામમાંથી એક કેદારનાથના કપાટ ખોલતી વખતી ઉત્તરા ખંડના મુખ્યમંત્રી પુષ્કર સિહં ધામી હાજર રહ્યા હતા. જ્યાં તેમને દેશ અને રાજ્યના તમામ લોકોના સુખની મનોકામના કરી હતી. જે બાદ મુખ્યમંત્રીએ ભાવી ભક્તોનું સ્વાગત કર્યું હતું. મંદિર પરિસરમાં આયોજિત ભંડારા કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો. કેદારનાથ ધામની સાથે ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ પણ આજે ખોલવામાં આવ્યા છે. આ રીતે ચાર ધામ માંથી ત્રણ ધામના કપાટ ખુલ્યા છે. જ્યારે બદ્રીનાથ ધામના કપાટ આગામી 12મી મેના રોજ ખુલશે.

નોંધનીય છે કે ચાર ધામનું તાપમાન શૂન્ય ડિગ્રી છે. દિવસ દરમિયાન તાપમાન 0 થી 3 ડિગ્રીની આસપાસ રહે છે અને રાત્રે તાપમાન માઈનસ થઈ જાય છે. તેમ છતાં ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચાર ધામમાં હાલમાં લગભગ 10 હજાર ભક્તો હાજર છે.

10 સગીર બાળકોએ 14 વર્ષીય કિશોરી પર કર્યો ગેન્ગરેપ

નવી દિલ્હીઃ યુરોપિયન દેશ બેલ્જિયમથી હ્દયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 14 વર્ષીય કિશોરની સાથે 10 સગીર યુવકોએ ગેન્ગરેપ કર્યો છે. આ ગેન્ગરેપમાં સામેલ 10માંથી નવ આરોપીઓની વય 11થી 16 વર્ષની વચ્ચે છે, જ્યારે 10મા આરોપીની વય માત્ર 11 વર્ષ છે.

બેલ્જિયમના કોર્ટિજક શહેરમાં થયેલી આ ઘટનામાં આ કિશોરીનો પ્રેમી પણ સામેલ છે. કિશોરીનો પ્રેમી યુવતીના ઘરેની પાસે એક ઝાડીમાં તેને લઈને ગયો હતો. જ્યાં તેના કેટલાક મિત્રો પહેલેથી હાજર હતા. એ દરમ્યાન એ બધા યુવકોએ કિશોરીની સાથે બળાત્કાર કર્યો હતો. આટલું જ નહીં, ઈસ્ટરની રજાઓ દરમ્યાન બીજીથી છઠ્ઠી એપ્રિલની વચ્ચે ત્રણ વાર 10 સગીર યુવકોએ એ યુવતીની સાથે વારાફરતી બળાત્કાર કર્યો હતો. આ બળાત્કારમાં સામેલ 10માંથી છ આરોપીઓને ક્યાંક બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે ચાર આરોપીને નજરકેદ કરી લેવામાં આવ્યા છે.આ ઘટના પછી દરેક જણ કોઈ ને કોઈ ગુસ્સામાં છે. ત્રણ વર્ષ પહેલાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. એ સમયે ભૂતપૂર્વ ફ્લેડર્સના ગેટની ઘટના સામે આવી હતી. જોકે ત્યારે પણ લોકો ભારે ગુસ્સામાં હતા. ન્યાય મંત્રી જુહલ ડેમિર સજાની શરતોને વધારવાનો પ્રસ્તાવ સંસદમાં મૂકયો છે. 14 વર્ષથી ઓછી વયના અપરાધી માટે બે વર્ષ, 14થી 16 વર્ષના અપરાધીઓ માટે પાંસ વર્ષ અને 16 વર્ષથી વધુ વયના અપરાધીઓ માટે સાત વર્ષની સજા હોવી જોઈએ.

આ પહેલાં વર્ષ 2021માં બેલ્જિયમ સરકારે સગીર અપરાધ કાયદામાં સંશોધન કર્યું હતું, જેમાં 12 વર્ષથી ઓછી વયના સગીરોના બળાત્કાર અને ગેન્ગરેપમાં દોષી હોવા પર લાંબા સમય સુધી જેલમાં રાખવાની મંજૂરી મળી હતી.