Home Blog Page 1708

Opinion: પરીક્ષાઓમાં થતી ગેરરીતિ કેમ અટકે?

NEET UG 2024ની પરીક્ષા પ્રશ્નોના વંટોળમાં ફસાઇ છે. સરકાર સહિત NTA પર ઉઠાવાતા પ્રશ્નો વિદ્યાર્થીના વિશ્વાસ પર પાણી ફેરવવા સમાન દેખાઇ રહ્યા છે. પરીક્ષાના નામ ફરે છે, વર્ષ ફરે છે, પણ લાખો વિદ્યાર્થીઓને નસીબના માથે દોષનું પોટલું બાંધી દેવાની સ્થિતિ નથી ફરી રહી. આમ વારંવાર પરીક્ષા તો લેવાય છે. પણ વારંવાર ગેરરીતિ, કૌભાંડ અને ભરતી રોકી રાખવી જેવી પરિસ્થિતિનો સામનો વિદ્યાર્થીઓને કેમ કરવો પડે છે?

સવાલ અનેક છે પણ જવાબ એક જ દેખાઇ રહ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરનાર સિસ્ટમ, શું ફેરફારની જરૂર છે સિસ્ટમમાં?

આ અઠવાડિયાના ઓપિનિયન વિભાગમાં આ મુદ્દાને લઇને જાણો, લોકો શું કહે છે?

યુવરાજસિંહ જાડેજા, વિદ્યાર્થી નેતા

સ્પધાર્ત્મક પરીક્ષા બે સ્તરોમાં વહેંચવામાં નહીં આવે, ત્યાં સુધી આવી ગેરરીતિનો સામનો કરતા રહેવું પડશે. સરકારી પ્રિન્ટીંગ પ્રેસ હોવા છતા પણ પેપર કેમ પ્રાઇવેટ પ્રિંન્ટિગ પ્રેસમાં છપાઈ છે? સરકાર જ્યારે સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં બજેટ પ્રિન્ટ કરે છે જે કોઈ દિવસ લીક થતું નથી. ઓનલાઈન કે ઓફલાઈન સિસ્ટમમાં સુધારો નહીં આવે ત્યાં સુધી કોઈ ફરક પડવાનો નથી. NTA મોટાભાગની પ્રોસેસ આઉટ સોર્સિંગથી કરી રહી છે. જ્યારે આઉટ સોર્સિંગથી કાર્ય કરવું હોય ત્યારે સરકારે પોતાના નામ હટાવી દેવું જોઈએ. જ્યારે એક વખત NTA દ્વારા ગ્રેસિંગ આપવામાં આવ્યું હતું, તો પછી ફરી ગ્રેસિંગ પરત ખેંચવામાં કેમ આવ્યું?  ગ્રેસિંગ માર્કનો બેનિફિટ ન હોવો જોઈએ. આ ઉપરાંત ઓનલાઈન પરીક્ષા પ્રણાલી બદલાવી જોઈએ. ઓનલાઇન પરીક્ષામાં સાયબર ફ્રોડ થવાની શક્યતા વધી જાય છે.

ભાવિક સોલંકી, રાષ્ટ્રીય સંયોજક, NSUI

પરીક્ષામાં સર્જાતી ખામીને લઈ ઓનલાઈન પારદર્શીતા જાળવવી જોઈએ. હવે આગળની પરીક્ષામાં લાખો વિદ્યાર્થીઓને મહેનત નિષ્ફળ નહીં જાય તેવી વિશ્વસનીયતા અપાવવી જોઈએ. પરીક્ષા પ્રણાલી એ રીતે ગોઠવવી જોઈએ, જેથી વચેટિયાઓને પેપર બનવાથી લઈ પેપર ચેકિંગ સુધી કોઈ પણ માહિતી પ્રાપ્ત ન થાય. NEET કૌંભાડ પર સ્પષ્ટ અને અડગ અભિપ્રાય છે. કે NEETની પરીક્ષા ફરીથી લેવી જોઈએ. આ સ્પષ્ટ પણ દેખાઇ રહ્યું છે કે સિસ્ટમમાંથી જ ગેરરીતિ આચરવામાં આવી રહી છે.

સમર્થ ભટ્ટ, પ્રદેશ સચિવ, ABVP ગુજરાત

NTA હેઠળ થતી પરીક્ષાનું સેન્ટર પ્રાઈવેટ કોમ્પ્યુટર લેબમાં આપવામાં આવે છે, તેની જગ્યા પર સરકારી કોલેજ કે સંસ્થામાં સોંપવામાં આવવું જોઈએ. સરકારી પરીક્ષાઓ બ્યૂરોક્રેસીના હાથમાં સોંપી દેવામાં આવી છે. આ તંત્રમાં NEET જેવી પરીક્ષાના અનુભવી લોકોનો સમાવેશ કરવો જોઈએ. NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાના કમ્પ્યુટર હેક થવાની સંભાવના વધી જાય છે. જ્યારે આખા દેશની નજર ચૂંટણી પરિણામ પર હતી, ત્યારે NEET પરીક્ષાના પરિણામ જાહેર કરવાનું શું કારણ? NTA એક સંસ્થા છે, જે પૂર્ણપણે ખોટી નથી, પરંતુ સંસ્થાના અંદર રહેલા દુષણોને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે. જ્યારે આપણી સિસ્ટમ ફૂલ પ્રૂફ ના હોય ત્યાં સુધી MCQ હોય કે વર્ણનાત્મક પરીક્ષા કોઈ મોટો ફરક નથી પડતો.

 

સોનલ પંડયા, કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ વિભાગ (ગુજરાત યુનિવર્સિટી)ના પ્રોફેસર અને હેડ

વિદ્યાર્થીઓના ભવિષ્યની દોરી સરકારે પ્રામાણિક લોકોના હાથમાં મુકવી જોઈએ, કેમ કે વારંવાર પેપર ફૂટે તો પ્રામાણિક અને મહેનતુ વિદ્યાર્થીઓનો વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી જાય. જેથી આપણે પરીક્ષાની પ્રણાલીમાં પ્રમાણિકતા લાવવી જોઈએ. જ્યારે અમે ગુજરાત યુનિવર્સિટી સાથે કાર્યકાળ શરૂ કર્યો હતો. તે સમયમાં યુનિવર્સિટીના પેપર ફૂટવાની કોઈ સંભાવના રહેતી ન નહીં. પેપર યુનિવર્સિટી પ્રેસમાં જ છપાતા. મોટાભાગની પરીક્ષામાં MCQ પ્રશ્નો જ પૂછવાની પ્રથા પણ બદલવાની જરૂર છે.અનિવાર્ય જણાય તે જગ્યા પર વર્ણનાત્મક પ્રશ્નો પુછવા જોઈએ. આ મુદ્દો ગ્રેસ માર્કસ સાથે શરૂ થયો છે. જ્યારે ગ્રેસ માર્કસ પદ્ધતિ રાખવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓને આગોતરી માહિતી આપવી જોઈએ. પરીક્ષાની પ્રક્રિયા પારદર્શી  હોવી જોઈએ. આટલી મહત્વની પરીક્ષા લેવા માટે તટસ્થ નિષ્પક્ષ માળખું  ઊભું કરવું પડે. જે બાહોશ અને પ્રામાણિક માણસ દ્વારા સંચાલિત હોય.

તુષાર પારેખ, ઝોનલ ડાયરેક્ટર, નારાયણ ગ્રુપ ઓફ એજ્યુકેશન

 

આ પ્રકારની પરીક્ષા જરૂરી છે. ત્યાં લગભગ 22-23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની તૈયારી કરતા હોય છે. જેમાંથી લગભગ 75000 જેટલા લોકોને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે. જ્યાં બાકી લોકોને પ્રાઇવેટ કોલેજો વિકલ્પ પસંદ કરવો પડતો હોય છે. અને સરકારી કોલેજમાં એડમિશનની લાલચમાં લોકો ગેરરીતિનો સહારો લેતા હોય છે. ઓનલાઈન સિસ્ટમને કારણે ગેરરીતિ આંશિક ઓછી થશે. સાયબર ફ્રોડ એ જગ્યામાં થાય ત્યાં માનવ નો સમાવેશ થાય છે. જે ટેકનોલોજીમાં માણસનું ઈનપુટ ઓછું હોય ત્યાં ગેરરીતિ ઓછી થવાની સંભાવના હોય છે. આવી સ્પર્ધાતમક પરીક્ષા હંમેશા MCQ મોડમાં જ કરવી જોઈએ, જેથી વિદ્યાર્થીના માર્કસ સાથે કોઈ ચેડાં ન થાય. આ ઉપરાંત પરીક્ષા ને વધુ મુશ્કેલી બનાવવી જોઈએ, જેથી હાથમાં પેપર હોવા છતા પણ જવાબ શોધવો મુશ્કેલ બને.

 

(તેજસ રાજપરા-અમદાવાદ)

અપોલો હોસ્પિટલ્સ દ્વારા યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે અપોલો હોસ્પિટલ્સ અમદાવાદ દ્વારા યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને યોગ અને દવાઓ વચ્ચેના સુમેળને પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

આ ઇવેન્ટ હોસ્પિટલની સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધાને રેખાંકિત કરી, શારીરિક અને માનસિક સુખાકારીને વધારવામાં યોગના ફાયદાઓને દર્શાવે છે.

અપોલો હોસ્પિટલના ગુજરાત રીજનના યુનિટ હેડ અને સીઓઓ શ્રીમાન નીરજ લાલે જણાવ્યું હતું કે, “યોગને આધુનિક દવા સાથે સાંકળવાથી સમગ્ર સુખાકારીમાં વધારો થાય છે અને આરોગ્ય પ્રત્યે સર્વગ્રાહી અભિગમને પ્રોત્સાહન મળે છે. સાથીઓએ આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ભાવનાને મૂર્તમંત કરીને કાયાકલ્પ લાગણી દર્શાવી છે.”

જળયાત્રા સાથે શરૂ થઈ રથયાત્રાની ભવ્ય તૈયારીઓ

અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા જગન્નાથ મંદિરના પ્રાંગણમાંથી રથયાત્રા પહેલાં શનિવારના રોજ જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.   અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં યોજાતા પ્રસંગોની શરૂઆત થઈ ગઈ છે.

22મી જૂન શનિવારની સવારે જગન્નાથ મંદિરથી સાબરમતી નદીના તટ પર આવેલા સોમનાથ ભુદરના આરે જળ ભરવા એક યાત્રા નીકળી હતી. શણગારેલા 108 કળશ સાથે નીકળેલી યાત્રા મંદિરેથી નીકળી નદી કાંઠે ગઈ જ્યાં પૂજન વિધી કરવામાં આવી હતી. રથયાત્રા જેવી જ ધામધૂમથી નીકળેલી જળયાત્રામાં શણગારેલા ગજરાજ, ઘોડા સાથે બગી, કળશ સાથે ભક્તો , ભજન મંડળીઓ જેવા અનેક ‘કલરફુલ’ આકર્ષક દ્રશ્યો પૂજા વિધિમાં જોવા મળ્યા હતા. જળયાત્રામાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સાથે પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલ સહિત અનેક મહાનુભાવો, સાધુ સંતો, ભક્તો જોડાયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

 

પેપર લીક કાયદોઃ 10 વર્ષની સજા, રૂ એક કરોડના દંડની જોગવાઈ

નવી દિલ્હીઃ પેપર લીકનો મુદ્દો હાલનાં કેટલાંક વર્ષોમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જોખમી બની ગયો છે. હાલમાં NEET એક્ઝામનું પેપર લીક અને પરિણામમાં છીંડાં હોવાના વિવાદે ફરી એક વાર વિદ્યાર્થીઓમાં ભારેલો અગ્નિ પ્રવર્તી રહ્યો છે. NEET-UG પરીક્ષા 2024 પેપર લીક મામલે હવે સરકારે નકલ અને પેપર લીક અટકાવવા માટે લોક પરીક્ષા કાનૂન 2024નું નોટિફિકેશન જારી કરી દીધું છે. આ કાયદામાં કડક જોગવાઈ કરવામાં આવી છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરવામાં આવેલા કાયદામાં કેટલીક આકરી જોગવાઈ છે અને એનો ઉદ્દેશ નકલબાજો અને પેપર લાક કરવાવાળા પર આકરી કાર્યવાહી કરવાનો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોક પરીક્ષા બિલને મંજૂરી આપી દીધી છે, જે એક કાયદો બની ગયો છે. કેન્દ્ર સરકાર UPSC, SSC વગેરે ભરતી પરીક્ષાઓ અને NEET, JEE અને CUET જેવી પ્રવેશ પરીક્ષામાં લીક, ગેરરીતિ અટકાવવા માટે જાહેર પરીક્ષા અધિનિયમ, 2024 લાવી હતી.

આ કાયદા હેઠળ નીચે પ્રમામેની જોગવાઈઓ છે.

  • લોક પરીક્ષા વિધેયક 2024 હેઠળ દંડનો પ્રસ્તાવ છે કે અનુચિત સાધનો માટે ત્રણ વર્ષથી પાંચ વર્ષની કેદ અને રૂ. 10 લાખ સુધીના દંડની જોગવાઈ.
  • જો કોઈ વ્યક્તિ, ગ્રુપ કે વ્યક્તિ દ્વારા સંગઠિત ગુનો કરે છે, જેમાં પરીક્ષા ઓથોરિટી, સર્વિસ પ્રોવાઇડર કે અન્ય સંસ્થા સામેલ હશે તો એને લઘુતમ રૂ. એક કરોડના દંડની સાથે પાંચથી 10 વર્ષની કેદની સજા આપવામાં આવશે.
  • ઉત્તરવહી સાથે છેડછાડ કરવાવાળા દોષી થનારા આરોપીને કમસે કમ ત્રણ વર્ષની સજા થશે, જે વધીને મહત્તમ પાંચ વર્ષ કરવામાં આવશે.
  • કાયદો કહે છે કે ડેપ્યુટીન સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ અથવા એસિસ્ટન્ટ પોલીસ કોઈ પણ ફરિયાદની તપાસ માટે જવાબદાર રહેશે.

જો તમે આ કામ કરશો તો તમને થશે સજા

  • પરીક્ષા પહેલા પ્રશ્નપત્ર અથવા આન્સર કી લીક કરવી
  • જો તમે આન્સર કી અથવા પેપર લીકમાં અન્ય લોકો સાથે સંકળાયેલા હોવ તો
  • કોઈ પણ સત્તા વગર પ્રશ્નપત્ર અથવા OMR શીટ જોવી અથવા રાખવી
  • પરીક્ષા દરમિયાન કોઈ પણ અનધિકૃત વ્યક્તિ દ્વારા એક અથવા વધુ પ્રશ્નોના જવાબો આપવા પર
  • ઉમેદવારને કોઈ પણ પરીક્ષામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબો લખવામાં મદદ કરવા માટે
  • જવાબ પત્રક અથવા OMR શીટમાં કોઈ પણ વિસંગતતાના કિસ્સામાં
  • કોઈ પણ સત્તા વિના અથવા બોનાફાયડ એરરના આકારણીમાં કોઈ પણ હેરફેર કરવી
  • કોઈ પણ પરીક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો અને નિયમોનું જાણીજોઈને અવગણના અથવા ઉલ્લંઘનના કિસ્સામાં.

શિક્ષણપ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે પેપર લીકને અટકાવવા અને નકલ ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર લોક પરીક્ષા સંબંધી કાયદો લાવી છે.

 

 

 

 

 

 

સોનાક્ષીએ હાથ પર લગાવી ઝહીરના નામની મહેંદી

મુંબઈ: સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રીના પિતા અને બૉલિવૂડ અભિનેતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહ સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથેના આંતરધર્મી લગ્ન માટે સંમત થઈ ગયા છે. 7 વર્ષના ડેટિંગ બાદ ઝહીર અને સોનાક્ષી તેમના સંબંધને એક નવું નામ આપવા માટે તૈયાર છે. ગુરુવારે શત્રુઘ્ન સિંહા તેની પત્ની પૂનમ સિંહા સાથે સોનાક્ષીના ભાવિ સાસરે એટલે કે ઝહીર ઈકબાલના ઘરે પહોંચ્યા હતા. શત્રુઘ્ન સિન્હાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો, જેમાં તે ઝહીર અને તેના પિતા ઈકબાલ રતનસી સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. તેના માતા-પિતાની સંમતિ મળ્યા બાદ લાગે છે કે સોનાક્ષીની ખુશી બમણી થઈ ગઈ છે. સોનાક્ષીએ ઝહીર ઈકબાલના નામની મહેંદી પોતાના હાથ પર લગાવી દીધી છે. તો બીજી બાજુ આ લગ્ન માટે શત્રુઘ્ન સિન્હાના ઘર ‘રામાયણ’ને પણ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

સોનાક્ષી-ઝહીરની પ્રી-વેડિંગ સેરેમનીની તસવીર
સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં અભિનેત્રીની તસવીરો સામે આવી છે, જેમાં અભિનેત્રી તેના આખા પરિવાર સાથે પોઝ આપી રહી છે. જ્યારે સોનાક્ષી અને ઝહીર એક તસવીરમાં સાથે જોવા મળી રહ્યા છે, તો કેટલાક અન્ય ફોટા પણ સામે આવ્યા છે, જેમાં સોનાક્ષી-ઝહીરના માતા-પિતા એટલે કે શત્રુઘ્ન સિંહા-પૂનમ સિન્હા અને ઈકબાલ રતનસી જોવા મળે છે. ફોટામાં સોનાક્ષી સેલ્ફી ક્લિક કરતી જોઈ શકાય છે. અન્ય તસવીરોમાં સોનાક્ષી તેના ભાવિ પતિ સાથે પોઝ આપતી જોવા મળે છે.

સોનાક્ષી-ઝહીરની મહેંદી સેરેમનીનો ફોટો
ઝહીર-સોનાક્ષીના મિત્ર ઝફર અલી મુનશીએ કપલની મહેંદી સેરેમનીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં ઝહીર-સોનાક્ષી તેમના નજીકના મિત્રો સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે. ફોટામાં ઝહીર-સોનાક્ષીની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે. આ દરમિયાન સોનાક્ષી લાલ બ્રાઉન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે, જ્યારે ઝહીર ફ્લોરલ પ્રિન્ટના કુર્તા-પાયજામામાં જોવા મળી રહ્યો છે. કપલના મિત્રએ આ પોસ્ટ પર કેપ્શનમાં લખ્યું, ‘ખૂબ જ ઉત્સાહિત અને સોનાક્ષી હવે સત્તાવાર રીતે બેન્ડસ્ટેન્ડ બિલ્ડિંગ એ ક્લાનમાં જોડાઈ ગઈ છે.’

સોનાક્ષીના લગ્ન માટે શત્રુઘ્ન સિન્હાએ ઘરને સજાવ્યું
તમને જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે શત્રુઘ્ન સિન્હા તેમની પત્ની પૂનમ સિન્હા સાથે સોનાક્ષીના સાસરિયાનો મળવા પહોંચ્યા હતાં.મીટીંગમાંથી પરત ફર્યા બાદ પીઢ અભિનેતાએ પોતાના મુંબઈના રામાયણના બંગલાને પણ સજાવ્યો છે. અભિનેતાનું ઘર તેની એકમાત્ર પુત્રીના લગ્ન માટે સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે. એટલું જ નહીં તાજેતરમાં જ શત્રુઘ્ન સિંહાએ પણ કબૂલાત કરી હતી કે આ સંબંધની શરૂઆતમાં તેમના પરિવારમાં તણાવ હતો, પરંતુ હવે બધું બરાબર છે.

રાજકોટ અગ્નિકાંડને લઈ SIT એ રિપોર્ટ સોપ્યો, ચોંકાવનારા થયા ખુલાસા

રાજકોટમાં 25મી મેના રોજ થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના જીવ હોમાય ગયા હતા. આ માનવ સર્જીત અગ્નિકાંડ પાછળ ક્યાં અધિકારી કે ક્યા વિભાગની ભાગીદારી હતી, એ જાણવા માટે SITની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે આખરે SITએ ડિટેલ રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગને સોંપ્યો છે. જેમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી શક્યતા છે.

રાજકોટ અગ્નિકાંડને લઈ SIT એ રિપોર્ટ સુપરત કર્યો છે. જેમાં ચાર વિભાગોની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ છે. મળતી માહિતી અનુસાર ટાઉન પ્લાનિંગ, ફાયર, લાઇસન્સ વિભાગ, પોલીસ સ્ટેશનના અમૂક વિભાગ, રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. આગળની તપાસમાં કયા તબક્કે કોનો શું રોલ છે? નક્કી થયા પછી કાર્યવાહી થશે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ અગ્નિકાંડનો પ્રાથમિક રિપોર્ટ 72 કલાકમાં સોંપ્યો હતો. પરંતુ ફાઇનલ રિપોર્ટ સોંપવામાં 672 કલાક લાગ્યા છે. જો કે આમ છતાં મોટી માછલીઓ છટકી જવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે. તેમજ સીટના વડા હજુ કહે છે કે, ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરાશે તો શું આ વચગાળાનો જ રિપોર્ટ છે? અત્રે ઉલ્લેખનીય છે કે 3 જૂન 2024ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે TRP ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોનાં મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે.

ઝારખંડ પછી તેલંગાણામાં ખેડૂતોની રૂ. બે લાખની સુધીની માફીની જાહેરાત  

નવી દિલ્હીઃ ખેડૂતોની આર્થિક સમસ્યાઓને ધ્યાનમાં રાખતાં તેલંગાણામાં CM રેવંત રેડ્ડીની સરકારે દેવાંમાફીનું એલાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે રૂ. બે લાખનું દેવાંમાફી ટૂંક સમયમાં લાગુ થશે. રાજ્ય મંત્રી મંડળની બેઠક પછી પત્રકારો સાથે વાતચીતમાં તેમણે કહ્યું હતું કે 2018થી 2023ની વચ્ચે જે ખેડૂતોએ રૂ. બે લાખ સુધીની લોન લીધી છે, તેમની લોનો માફ કરવામાં આવશે. આ લોનમાફીથી રાજ્યના ખજાના પર આશરે રૂ. 31,000 કરોડનો બોજ પડશે, એમ તેમણે કહ્યું હતું.

CM રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે મંત્રીમંડળે 12 ડિસેમ્બર, 2018થી નવ ડિસેમ્બર, 2023 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલી રૂ. બે લાખની લોન માફ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે પાત્રતાની શરતો સહિત ઋણમાફીનું વિવરણ ટૂંક સમયમાં એક સરકારી આદેશ (GO)માં જાહેર કરવામાં આવશે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે પાછલી BRS સરકારે રૂ. એક લાખની લોનમાફીના પોતાના વચનને ઇમાનદારીથી લાગુ નહીં કરીને ખેડૂતો અને કૃષિને સંકટમાં મૂકી દીધાં હતાં. તેમની સરકાર રૂ. બે લાખના કૃષિ દેવાંમાફીના ચૂંટણી વચન પૂરાં કરી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં ઝારખંડમાં ખેડૂતોને લોનમાફી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યના CM ચંપઈ સોરેને કહ્યું હતું કે તેમની ગઠબંધનની સરકાર ખેડૂતોને રૂ. બે લાખ સુધીની કૃષિ લોન માફ કરશે. એ સાથે મફત વીજ ક્વોટા વધારીને સરકાર 200 યુનિટ કરશે. એ માટે તેમણે કેટલીય બેન્કોથી પ્રસ્તાવ રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા.

 

 

 

 

 

 

 

કુરકુરી પાલક

પાલક તમને ન ભાવતી હોય તો તેનું અલગ રીતનું ક્રિસ્પી, સ્વાદિષ્ટ શાક બનાવી શકો છો. મહેમાન આવ્યા હોય તો જમણવારમાં સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકો છો!

સામગ્રીઃ

  • પાલકના પાન 2-3 પાણીએથી ધોઈને સમારેલા 3-4 કપ
  • કોર્નફ્લોર 4 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ
  • આદુનો ટુકડો 1½ ઈંચ
  • લસણની કળી
  • તેલ તળવા માટે
  • લીલા મરચાં 2-3
  • વાઈટ વિનેગર 1 ટે.સ્પૂન
  • ડાર્ક સોયા સોસ 3 ટે.સ્પૂન
  • ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
  • સફેદ તલ 3 ટે.સ્પૂન

રીતઃ કોર્નફ્લોર પાલકમાં મેળવીને પાલકને કોર્નફ્લોરથી કોટ કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરીને પાલક તળી લો.

લસણ, આદુ તેમજ મરચાંને ઝીણા સમારી લો.

એક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી સમારેલાં આદુ, લસણ તેમજ લીલા મરચાં 2 મિનિટ સુધી સાંતડો. ત્યારબાદ તેમાં વાઈટ વિનેગર, સોયા સોસ ઉમેરીને તળેલી પાલખ પણ તેમાં ઉમેરી દો. તવેથા વડે હળવે હળવે પાલક મિક્સ કરી લો.

હવે તેમાં ચિલી ફ્લેક્સ, સફેદ તલ તેમજ સ્વાદ મુજબ મીઠું પણ મેળવી દો. હળવે હળવે મિક્સ કરીને 2 મિનિટ સાંતળીને ઉતારી લો.

કોલોરાડોથી ‘કેપિટોલ હીલ’ જશે જનકભાઇ?

દેશમાં ચૂંટણી પતી ગઇ છે. નવી સરકાર ય બની ગઇ છે. ખાધું-પીધું ને રાજ કર્યું જેવી સ્થિતિ છે હમણાં એટલે એક નજર હવે અમેરિકાની ચૂંટણી પર નાખીએ. આમેય, આપણી ગુજરાતીઓની અમેરિકા પર બાજનજર તો કાયમ હોય જ છે એટલે અમેરિકાની કોઇપણ વાતમાં આપણને રસ પડવાનો જ પડવાનો.

આજે રસ પડવાનું અને વાત કરવાનું કારણ ય છે. કારણ એ છે કે, આ વખતની ચૂંટણીમાં અમેરિકન કોંગ્રેસ (આપણી લોકસભા જેવું ગૃહ) માટે કોલોરાડો સ્ટેટમાંથી એક ગુજરાતી, નામે ડો. જનક જોષી ચૂંટણી લડી રહ્યા છે. 25 મી જૂને યોજાનારી પ્રાઇમરીમાં જનકભાઇનો કોંગ્રેસ માટેનો પથ નક્કી થશે. અમેરિકામાં આ વખતે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડોમોક્રેટીક પક્ષના જો બાઇડન વચ્ચે પ્રમુખપદ માટે જંગ ખેલાઇ રહ્યો છે એ તો તમે જાણો જ છો. આપણા જનકભાઇ વર્ષોથી રિપબ્લિકન પક્ષના સભ્ય છે અને ગયા માર્ચ મહિનામાં જ એમને કોંગ્રેસનલ એસેમ્બલીમાં રિપબ્લિકન બેલેટ માટે જરૂરી મતો મળી ચૂક્યા છે.

જનકભાઇ કહે છે એમ, રાજકારણ અને કરન્ટ અફેર્સમાં એમને નાનપણથી રસ. એમના પિતાજી અમદાવાદની ન્યૂ એજ્યુકેશન હાઇસ્કૂલમાં શિક્ષક હતા. પરિવારમાં ભાઇઓ પણ શિક્ષક અને બહેન પણ ટિચીંગનું ભણેલી એટલે આખા પરિવારમાં માહોલ વાંચવા-વિચારવાનો. ન્યૂ એજ્યુકેશન હાઇસ્કૂલ અને ભવન્સ કોલેજમાં ભણ્યા પછી જનકભાઇએ એનએચએલ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડીગ્રી મેળવી.

દેશ-દુનિયામાં બનતા બનાવો વિશે જાણવાનો એમનો રસ અને ઉત્કંઠા એટલી પ્રબળ કે, સ્કૂલ-કોલેજ જતી-આવતી વખતે એ દાદાભાઇ નવરોજી લાઇબ્રેરીમાં અચૂક રોકાય. ગણિત-વિજ્ઞાનના વિષયોમાં હોંશિયાર એટલે મેડિકલમાં પ્રવેશ લીધો, પણ નવું નવું જાણવાનો ચસકો એમનો આજેય અકબંધ છે. 1972માં ફેલોશિપ સાથે ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા ગયા અને અમેરિકામાં જ સ્થાયી થયા એને આજે બાવન વર્ષ થયાં, પણ પત્નિ અંજના સાથે એ દુનિયાના સાતેય ખંડમાં એકસોથી વધારે દેશોમાં ફરી ચૂક્યા છે. પ્રવાસ, ગાર્ડનિંગ અને વાંચન એ ત્રણ એમના શોખ.

ચોથો રસ એમનો રાજકારણ. ‘70ના દાયકામાં એ અમેરિકા ગયા, ભણીગણીને અહીં જ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ શરૂ કરી ત્યારે અમેરિકાની આંતરિક હાલત બહુ સારી નહોતી. વિયોતનામ યુધ્ધ હજુ માંડ પૂરું થયેલું ને નિક્સને રાજીનામું આપેલું. બેંકના વ્યાજદરો ઊંચા હતા અને અર્થતંત્રની હાલત બહુ સારી નહોતી. આ માહોલમાં 1982માં અમેરિકન સિટિઝનશીપ મેળવ્યા પછી એમણે સ્થાનિક રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું અને રિપબ્લિકન પક્ષમાં સક્રિય થયા.

1995માં એ પહેલીવાર કોલોરાડો સ્પ્રિંગ્સ સિટી કાઉન્સિલ માટે ચૂંટણી લડ્યા એમાં જીતી ન શક્યા, પણ સ્થાનિક લોકોમાં એમની ઓળખ બની કે, આ માણસ સામાન્ય લોકો માટે વિચારે છે. એમના પર ટેક્સનું ભારણ ન આવે એ માટે એ લડે એવા છે. પોતાની પૂરી રાજકીય કારકિર્દીમાં જનકભાઇ મધ્યમવર્ગ માટે હંમેશા લડતા આવ્યા છે અને એ જ એમની ઓળખ બની છે. વધારે પડતા ટેક્સિસ, વધારે મોટી સરકાર અને વધારે પડતા સરકારી નિયંત્રણો- જનકભાઇ આ ‘વધારા’ સામે કાયમ લડતા રહ્યા છે.

2008માં, ત્રીસ વર્ષની કિડની સ્પેશ્યાલિસ્ટ તરીકેની ધીખતી પ્રેક્ટીસમાંથી નિવૃત્તિ લીધી પછી આ લડત માટે એમને વધારે સમય મળ્યો એટલે આપણે ત્યાં જેમ રાજ્યમાં વિધાનસભા હોય છે એમ કોલોરાડો હાઉસ ઓફ રેપ્રેઝન્ટેટીવ્સની ચૂંટણી લડીને કોલોરાડો ગૃહમાં ચૂંટાનારા સૌ પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા. કોલોરાડોમાં ગાંધીનું સમ્માન કરવાની પહેલ પણ એમની જ હતી. એ પછી તો બીજી બે ટર્મ માટે એ ચૂંટાયા.

અને અમેરિકન જાહરેજીવનનું આ ભાથું લઇને હવે જનકભાઇએ વોશિંગ્ટન (DC)ની અમેરિકન કોંગ્રેસભણી દોટ મૂકી છે. સ્થાનિક રિપબ્લિકન્સમાં પાયાના કાર્યકર તરીકેની એમની ઓળખ છે. મધ્યમવર્ગીય અમેરિકનો, સ્થાનિક ભારતીય સમુદાય અને હિન્દુ-અમેરિકન પોલિટીકલ એક્શન કમિટી એમને મદદ કરી રહી છે. સ્થાનિક ભારતીયો એમને ફંડ ભેગું કરવાથી માંડીને ટેલિફોનિક કેમ્પેઇનમાં પણ મદદ કરી રહ્યા છે.

એ વાત પણ નોંધવા જેવી છે કે, અમેરિકામાં વસતા મોટાભાગના ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસક છે. ભાજપની જમણેરી વિચારધારાના સમર્થક છે, પણ વાત જ્યારે અમેરિકન પ્રમુખની ચૂંટણીની હોય ત્યારે એમાંથી એક બહુ મોટો વર્ગ જમણેરી વિચારધારાની રિપબ્લિકન પાર્ટીના બદલે લિબરલ ગણાતા ડેમોક્રેટીક પક્ષને મત આપે છે!

જનકભાઇના મતે, અમેરિકામાં વસતા લગભગ ચાર મિલિયન ભારતીયોમાંથી ઘણા લોકો અમેરિકન સિસ્ટમમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. ભારતીય બિઝનેસ કમ્યુનિટીનો એક પ્રભાવ છે અમેરિકામાં. આ સંજોગોમાં, ભારત-અમેરિકા વચ્ચે હજુપણ મજબૂત આર્થિક સંબંધોને ઘણો અવકાશ છે. વળી, ચાઇના જે રીતે આગળ વધી રહ્યું છે એ જોતાં બન્ન દેશો વચ્ચે મિલિટરી સહયોગ પણ વધી શકે છે. ભારતમાં તો નવી સરકાર બની ગઇ. હવે અમેરિકામાં આ વર્ષના અંતમાં નવી સરકાર બને એ પછી આ સંબંધો કેવો વળાંક લે છે એ જોવાનું રહેશે.

હા, જો એ કોંગ્રેસમાં ચૂંટાઇને આવશે તો બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બને એ દિશામાં બનતા તમામ પ્રયત્નો કરશે, પણ એનો આધાર હજુ પ્રાઇમરી અને એ પછી જનરલ ઇલેક્શન પર છે. જનકભાઇ જો બન્ને પડાવ પાર કરીને વોશિંગ્ટન (DC) ના ‘કેપિટોલ હીલ’ સુધી પહોંચે છે તો સંભવતઃ પહેલા ગુજરાતી હશે.

વિડીયો માટે અહીં ક્લિક કરો…

 

View this post on Instagram

 

A post shared by Chitralekha (@chitralekha.in)


(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

 

 

 

૨૨ જૂન, ૨૦૨૪