રાજકોટ અગ્નિકાંડને લઈ SIT એ રિપોર્ટ સોપ્યો, ચોંકાવનારા થયા ખુલાસા

રાજકોટમાં 25મી મેના રોજ થયેલા અગ્નિકાંડમાં 27 લોકોના જીવ હોમાય ગયા હતા. આ માનવ સર્જીત અગ્નિકાંડ પાછળ ક્યાં અધિકારી કે ક્યા વિભાગની ભાગીદારી હતી, એ જાણવા માટે SITની રચના કરવામાં આવી હતી. ત્યારે હવે આખરે SITએ ડિટેલ રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગને સોંપ્યો છે. જેમાં ચાર વિભાગની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી શક્યતા છે.

રાજકોટ અગ્નિકાંડને લઈ SIT એ રિપોર્ટ સુપરત કર્યો છે. જેમાં ચાર વિભાગોની બેદરકારી સામે આવી છે. આ રિપોર્ટ આજે સબમિટ થયા બાદ હવે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાય એવી શક્યતા છે. ઉચ્ચ અધિકારીઓના રોલ અંગે હજુ પણ તપાસ ચાલુ છે. મળતી માહિતી અનુસાર ટાઉન પ્લાનિંગ, ફાયર, લાઇસન્સ વિભાગ, પોલીસ સ્ટેશનના અમૂક વિભાગ, રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીઓની બેદરકારી સામે આવી છે. આગળની તપાસમાં કયા તબક્કે કોનો શું રોલ છે? નક્કી થયા પછી કાર્યવાહી થશે.

સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આ અગ્નિકાંડનો પ્રાથમિક રિપોર્ટ 72 કલાકમાં સોંપ્યો હતો. પરંતુ ફાઇનલ રિપોર્ટ સોંપવામાં 672 કલાક લાગ્યા છે. જો કે આમ છતાં મોટી માછલીઓ છટકી જવાની આશંકાઓ સેવવામાં આવી રહી છે. તેમજ સીટના વડા હજુ કહે છે કે, ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ કરાશે તો શું આ વચગાળાનો જ રિપોર્ટ છે? અત્રે ઉલ્લેખનીય છે કે 3 જૂન 2024ના રોજ રાજકોટ TRP ગેમ ઝોન દુર્ઘટના મામલે નિમાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તપાસ અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો. SITએ તેના રિપોર્ટમાં ચોંકાવનારાં તારણો રજૂ કર્યાં હતાં. સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીના રિપોર્ટમાં એવું તારણ રજૂ કરાયું હતું કે TRP ગેમિંગ ઝોનમાં આગથી મૃત્યુ પામેલા 27 લોકોનાં મોત માટે મ્યુનિસિપલ કોર્પોરેશન, પોલીસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગના અધિકારીઓ જવાબદાર છે. ત્રણેય વિભાગની સંયુક્ત બેદરકારી અને મેળાપીપણામાં આ દુર્ઘટના બની છે. TRP ગેમિંગ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે.