Home Blog Page 1707

ભારત, બંગલાદેશ વચ્ચે 10 મોટા સમજૂતી કરાર થયા

નવી દિલ્હીઃ બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીના શુક્રવારથી ભારત યાત્રા પર છે. દેશમાં નવી સરકારની રચના પછી કોઈ વિદેશી નેતાની આ પહેલી દ્વિપક્ષી યાત્રા છે. આ પ્રસંગે બંને દેશોની વચ્ચે કેટલાક મહત્ત્વના સમજૂતી કરાર થયા હતા.

ભારતીય વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ જણાવ્યું હતું કે ભારત, બંગલાદેશ  કોલકાતા અને ચટગાંવની વચ્ચે બસ સેવા શરૂ કરશે. આ સિવાય ભારત અને બંગલાદેશ ગંગા જળ સંધિમાં સુધારાવધારા કરવા માટે સંયુક્ત ટેક્નિકલ સમિતિ બનાવવા પર સહમતી સધાઈ હતી. ભારત તીસ્તા નદીના સંરક્ષણ અને વહીવટ માટે કાર્ય કરશે. બંને દેશો વચ્ચે કુલ 10 સમજૂતી અને સાત ઘોષણાઓ કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું. ભારત અને બંગલાદેશે શનિવારે વ્યાપક આર્થિક ભાગીદારી પર વાટાઘાટ શરૂ કરવા પર સહમતી દર્શાવી હતી. વડા પ્રધાન મોદીએ બંગલાદેશનાં વડા પ્રધાન શેખ હસીનાની સાથે વાતચીત પછી આ માહિતી પત્રકારોને આપી હતી.

વડા પ્રધાને કહ્યું હતું કે બંગલાદેશ ભારતનું સૌથી મોટું વિકાસનું ભાગીદાર છે અને નવી દિલ્હીની સાથે દ્વિપક્ષી સંબંધો માટે સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તેમણે હસીનાની હાજરીમાં કહ્યું હતું કે ભારત-બંગલાદેશની વચ્ચે નવાં ક્ષેત્રોમાં સહયોગ માટે એક ભવિષ્યનું દ્રષ્ટિપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.

બંને પક્ષોએ ડિજિટલ ક્ષેત્ર, સમુદ્રી ક્ષેત્ર અને રેલવે કનેક્ટિવિટી સહિત અન્ય ક્ષેત્રોમાં સંબંધોને આગળ વધારવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા અને ભારત અને બંગલાદેશની વચ્ચે હરિત ભાગીદારી માટે દ્રષ્ટિપત્રને અંતિમ રૂપ આપ્યું હતું. બંને દેશો વચ્ચે સમુદ્રી સહયોગ અને સમુદ્રી અર્થતંત્ર પર સમજૂતીને મહત્ત્વની માનવામાં આવે છે.

ફૂડ એન્ડ સેફ્ટી કમિશ્નરની હોટલ માલિકોને નોટિસ

ગાંધીનગર: જાહેર જનતાનાં આરોગ્યના હિતમાં તૈયાર ખાદ્ય ચીજ વસ્તુઓમાં મળી આવતા જીવ-જતુંઓ માટે તકેદારી રાખવા બાબતે ગુજરાત રાજ્યના ફૂડ એન્ડ સેફ્ટી કમિશનર કમિશનર ડૉ. એચ. જી કોશિયાએ મહત્ત્વની જાણકારી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે.હાલમાં દૈનિક સમાચાર પેપરોમાં “ખાદ્ય ચીજ વસ્તુ/તૈયાર ખોરાકમાં વંદો-દેડકા-ઉંદર તથા અન્ય જીવ જંતુઓ મળી આવે છે તેવા સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. જે સમાચારો બાબતે જણાવવાનું કે, ઉનાળાની સીઝનનાં કારણે જીવ જંતુઓનો ઉપદ્રવ ખુબ જ વધેલ છે. જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ કે ધાબામાં ખોરાક બનાવવાની જગ્યાએ રસોડામાં ખાદ્ય ચીજ વસ્તુઓ બનાવ્યા બાદ યોગ્ય રીતે જાળવણી ન કરવામાં આવે તો અથવા તે બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રો મટીરિયલ્સ (ખાસ કરીને શાકભાજી)ને યોગ્ય રીતે સાફ કે સંગ્રહ ન કરવામાં આવે તો આવા બનાવો બનવાની શક્યતાઓ વધી જાય છે.જે માટે આ તંત્ર ધ્વારા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબાઓને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ, 2006 અને તે અન્વયેના ફુડ સેફ્ટી & સ્ટાન્ડર્ડસ (લાયસન્સીગ & રજીસ્ટ્રેશન) રેગ્યુલેશન,2011ના શિડ્યુલ -IV મુજબની હાયજીન એન્ડ સેનિટેશનની જોગવાઇઓનુ પાલન થાય તે માટે ઇન્સપેકશન કરી જરૂર પડે ઇમ્પ્રુવમેંટ નોટિસ આપવામાં આવે છે. જો આ નોટિસની સૂચનાઓનુ પાલન ન કરવામા આવે તો લાયસન્સ/રજીસ્ટ્રેશન રદ કરી પેઢીને જાહેર હિતમાં બંધ કરાવવામાં આવે છે. ફૂડ સેફ્ટી કાયદાની કલમ-૫૬ હેઠળ રૂ. એક લાખ દંડની જોગવાઇ કાયદામાં કરવામાં આવેલ છે. તૈયાર ખોરાકમાં જીવજંતુઓ ન પડે તેની પ્રાથમિક જવાબદારી ભોજન બનાવી પિરસતા હોટલો-રેસ્ટોરન્ટ-ધાબા-કેંટીન -ભોજનાલયો ચલાવતા વેપારીઓની છે. જે માટે તેઓએ રસોડાની સાફ સફાઇ સતત કરાવવી, બારીઓ અને એક્જોહસ્ટ પંખા પર નેટથી કવર કરવા, દરવાજામાં જીવજંતુઓ પ્રવેશ ન કરે તે માટે કવર કરવા, યોગ્ય જગ્યાએ ફ્લાય કેચર્સ રાખવા, ડ્રેનેજ સીસ્ટમને કવર કરવી, ઓથરાઇજ એજન્સી પાસે સમયાંતરે પેસ્ટ કંટ્રોલ કરાવવી તથા તેનો રેકર્ડ સાચવવો વિગેરે જેવી બાબતોનુ ખાસ તકેદારી રાખવાની રહે છે.ગ્રાહકોએ જમતા પહેલા હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાના રસોડાની સ્વચ્છતા જોઇ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઇએ. આ તંત્ર દ્વારા હાઇજીન રેટીંગ સ્કીમ હેઠળ હોટલ-રેસ્ટોરન્ટ-ધાબાઓને હાઇજીન અને સેનીટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડીટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટલ/રેસ્ટોરન્ટના હાયજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટલની પસંદગી કરી શકે છે. જો કોઇ ગ્રાહકને તેઓને પીરસેલા કોઇ ખોરાકમાં જીવ જંતુઓ મળી આવે તો તેઓએ જેતે કોર્પોરેશન /જીલ્લાની ફુડ વિભાગની ઓફીસનો ફરિયાદ કરી શકાય છે.વધુમા રાજ્ય કક્ષાએ કાર્યરત ફુડ સેફ્ટી હેલ્પડેસ્કના ટોલ ફ્રી નબર: ૧૮૦૦૨૩૩૫૫૦૦, ૧૪૪૩૫ તથા મોબાઇલ નબર ૯૦૯૯૦૧૩૧૧૬, ૯૦૯૯૦૧૨૧૬૬ અથવા હેલ્પ ડેસ્કના ઇ-મેઇલ helpdesk.fdca@gmail.com પર ફરિયાદ નોંધાવી શકાય છે.

કેડિલા ફાર્માસ્યુટિકલ્સની વિવિધ ઓફિસ-પ્લાન્ટમાં યોગ દિવસની ઉજવણી

અમદાવાદ: દવા ઉત્પાદક પ્રતિષ્ઠિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ભાટ, ધોળકા, અંકલેશ્વર અને જમ્મુમાં વિવિધ ઓફિસ અને પ્લાન્ટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓએ આરોગ્ય અને સુખાકારી માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવીને યોગસત્રોમાં ભાગ લીધો હતો.યોગ નિષ્ણાંતો દ્વારા સત્રોનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું અને નિયમિત રીતે યોગ કરવાથી થતા શારીરિક અને માનસિક ફાયદાઓ વિશે સમજાવ્યું હતું.

ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરાયું

ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે. ઉદ્દગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સેક્ટર -૩૦ની સરકારી પ્રાથમિક શાળાના વંચિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીના વિતરણનો  કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં ઉદ્દગમના શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ સ્વાગત પ્રવચનમાં મહાનુભાવને આવકાર્યા. કાર્યક્રમના મેહમાન પદે પધારેલ ગાંધીનગરના મેયર મીરાબેન યોગેશભાઈ પટેલે ઉદ્દગમના સેવાકાર્યોને બિરદાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શિક્ષણને પાયાની જરૂરીયાત માનીને ખુબ કામ કરવામાં આવી રહ્યું છે, તેને ગાંધીનગર મહાનગર પાલિકા સંપૂર્ણ સહયોગ આપશે.

કાર્યક્રમના અતિથિ વિશેષ પદે ગાંધીનગર મહાનગર પાલિકાના પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, વોર્ડ નં. 5ના નગરસેવક પદમસિંહ ચૌહાણ, કૈલાસબેન સુતરીયા, ભાજપ વોર્ડ પ્રમુખ ધવલભાઈ શાહ, મહામંત્રી અરવિંદભાઈ પટેલ અને લાભુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સર્વે મહાનુભાવોના હસ્તે શાળાના વંચિત બાળકોને અભ્યાસ માટે ફુલ સ્કેપ ચોપડા અને પેન્સિલ, રબર, ફુટપટ્ટીની કીટ વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉદ્દગમ ટ્રસ્ટમાં ઇન્ટર્નશિપ કરનાર વિધાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો અંત સંજયભાઈની વાર્તા રમૂજી વાર્તા સાથે કરવામાં આવ્યો હતો.

‘સ્વ અને સમાજ માટે યોગ’ થીમ પર વિસામો કિડ્સ દ્વારા યોગ દિવસની ઉજવણી

અમદાવાદ: 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિસામો કિડ્સ દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ (GSYB)ના સહયોગથી વિવાંત હોટેલ અમદાવાદના CSR બેનર હેઠળ “સ્વ અને સમાજ માટે યોગ” થીમ પર કાર્યક્રમ યોજાયો હતો. વિસામો કિડ્સ અમદાવાદમાં વંચિત બાળકો માટે કાર્યરત સંસ્થા છે.  સંસ્થાના જાણીતા શુભેચ્છકો, દાતાઓ, સ્વયંસેવકો અને સમર્થકોનો સહકાર કાર્યક્રમમાં મળ્યો હતો. ઉદ્યોગસાહસિક, વિસામો કિડ્સમાં ત્રીજી પેઢીના દાતા અને બાળ પ્રયોજક એવા અનન શાહ, વિસામો ટાસ્ક ગ્રૂપના સભ્ય અને સુધા મૂર્તિ, ભદ્રા મહેતા, રાજસી ઠક્કર, સંદ્યા કંડુની પુસ્તકોના જાણીતા અનુવાદક એવા સોનલ મોદી પણ હાજર રહ્યા હતા.

રોટેરિયન્સ અને ISROના નિવૃત્ત વૈજ્ઞાનિક માલવિયા, ખુશવાહા અને સતીશ કટારા હાજર રહ્યા હતા. વાર્તાકાર અને ઉદ્યોગસાહસિક યોગિતા બંસલ આહુજા, સ્વયંમસેવકો અને માર્ગદર્શકો ધર્મિષ્ઠા ગજ્જર, હેતલ સોની, દીપિકા ગુપ્તા અને વંશ ગુપ્તા, નિવૃત્ત ISRO અધિકારી નગીન પ્રજાપતતિ અને GSYBના યુવા સ્વયંસેવકોની ટીમ સાથે  વિવાંતની ટીમે યોગમાં ભાગ લીધો હતો  અને બાળકોને પણ યોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

ચાના ઉત્પાદનમાં ઘટાડાને પગલે ચાની ચુસકી પડશે મોંઘી?

નવી દિલ્હીઃ દેશમાં લોકોનું મનપસંદ પીણું ચા છે અને ચા ઉત્પાદન અને ખપત માટે સૌથી અગ્રણી દેશોમાં ભારતનું નામ છે. ચાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવે છે. વિશ્વમાં આસામ ને દાર્જિલિંગની ચા જગમશહૂર છે. જોકે આ વખતે સવારની ચા કડવી બને એવી વકી છે.

ઉત્તર ભારતીય ચા ઉદ્યોગ પ્રતિકૂળ હવામાનને કારણે ચાલુ પાક વર્ષ જૂન સુધીમાં છ કરોડ કિલો ઉત્પાદનની અછતનો સામનો કરી રહ્યો છે. એક ચા સંસ્થાના જણાવ્યાનુસાર ગયા વર્ષના આ સમયગાળાની તુલનાએ દેશમાં ચાનું ઉત્પાદન ઘટી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે પહેલો અને બીજો પાક વર્ષની સૌથી ઊંચી ગુણવત્તાવાળી ચા પેદા કરે છે. એના નષ્ટ થવાથી ચા ઉત્પાદકોની આવક પર પ્રતિકૂળ અસર પડશે, જેથી ચાની કિંમતો વધે એવી શક્યતા છે.

આસામ અને પશ્ચિમ બંગાળ સહિત ઉત્તર ભારતનાં રાજ્યોમાં ભીષણ ગરમી અને વરસાદની અછતને કારણે ચાના ઉત્પાદનને માઠી અસર પહોંચી છે, જેને પગલે ચાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઇન્ડિયન ટી એસોસિયેશન (TAI)ના અધ્યક્ષ સંદીપ સિંઘાનિયાએ જણાવ્યું હતું ગયા વર્ષની તુલનામાં જૂન સુધી ચાના સંયુક્ત પાકનું નુકસાન છ કરોડ કિલોગ્રામ થાય એવી શક્યતા છે.

આસામ અને પશ્ચિમ બંગાળના ચાના બગીચામાં મે, 2024 દરમ્યાન ગયા વર્ષની તુલનાએ પાકમાં ક્રમશઃ આશરે 20 ટકા અને 40 ટકાની ઘટ રહેવાનો અંદાજ છે.

 

 

 

 

 

 

 

દિલ્હી પબ્લિક સ્કૂલ (પૂર્વ) દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

અમદાવાદ: દિલ્હી પબ્લિક સ્કૂલ, પૂર્વ અમદાવાદ દ્વારા કાંકરિયા વ્યાયામ શાળા ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. નગરપાલિકાના કાઉન્સિલર ઇલાક્ષીબેન શાહ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતા. યોગ ટ્રેનર યજ્ઞેશ પરમારના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ વિવિધ આસનો કર્યા હતા.
વોર્મ અપ એક્સરસાઇઝથી શરૂ કરીને બેસીને અને ઉભા રહીને વિવિધ આસનો કરવામાં આવ્યા. સાથે જ સહભાગીઓને યોગનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.કાર્યક્રમના અંતમાં કેટલીક શ્વસનક્રિયાને લગતી તકનિકો બતાવી અને તમામને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે નિયમિત યોગાસન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દરેક વ્યક્તિએ ખૂબ જ મહેનત અને ઉત્સાહ સાથે યોગ કર્યા હતા.

“મહારાજ” ફિલ્મ પર વિવાદ યથાવત..

મહારાજ ફિલ્મને લઈ વિવાદના વંટોળ થમી રહ્યા નથી. યશરાજ ફિલ્મ્સનું આ મુવી નેટફ્લીક્સ પર રિલીઝ થવાનું હતું. આ ફિલ્મ 14 જૂનના રિલીઝ થવાની હતી. જેનું એક પોસ્ટર રિલીઝ થયું હતું. પોસ્ટર રિલીઝ થયાની સાથે જ વૈષ્ણવ સમાજનો ફિલ્મને લઈ આક્રોસ જોવા મળ્યો. વૈષ્ણવ સમાજનું કહેવું હતું કે, આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાયને લઈ વિવાદીત ટિપ્પણી કરવામાં આવી છે.

ફિલ્મના પોસ્ટરથી શરૂ થયેલો વિવાદ હાઈકોર્ટના દરવાજા સુધી પહોંચ્યો. જે બાદ હાઈકોર્ટ દ્વારા ફિલ્મ પર સ્ટે લગાવવામાં આવ્યો. આ સ્ટે લાગ્યા બાદ સતત ત્રણ દિવસ સુધી હાઈકોર્ટમાં ફિલ્મ મહારાજ પર સુનવાણી ચાલી હતી. હાઈકોર્ટની આ સુનવણીમાં બંને પક્ષો તરફની દલીલ સાંભળ્યા બાદ અને ફિલ્મી જોયા બાદ હાઈકોર્ટે મહારાજ ફિલ્મને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. જ્યારે આ ફિલ્મ પર લગાવેલા સ્ટેને હટાવ્યા બાદ ફિલ્મ નેટફ્લીક્સ પર રિલીઝ કરવામાં આવી  છે.

મહારાજ ફિલ્મનો વિરોધ યથાવત્

ગુજરાત હાઇકોર્ટની લીલીઝંડી બાદ મહારાજ ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. જોકે, તેમ છતા પણ આ ફિલ્મનો વિરોધ જોવા મળી રહ્યો છે.વડોદરા કલ્યાણરાય પુષ્ટિ હવેલીના ષષ્ઠપિઠાધિશ્વર  વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી અમેરિકાના સિલિકોન વેલીમાં આવેલા નેટફ્લિક્સના હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. નેટફ્લિક્સ હેડક્વાર્ટરમાં મહારાજ ફિલ્મ વિરૂદ્ધ પિટિશન દાખલ કરવામાં આવી હતી. દ્વારકેશલાલે આ દરમિયાન કહ્યું કે, આ ફિલ્મમાં ભગવાન કૃષ્ણની ગુરુ પરંપરાનું અપમાન થયું છે. મહારાજ ફિલ્મ સનાતન ધર્મ પર વજ્રઘાત છે.

નુક્કડ નાટક દ્વારા શ્રમિકોને સલામતી વિશે શિક્ષિત કરાયા

મુંબઈ: અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામ સ્થળો પર કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ અભિયાનના ભાગરૂપે, NHSRCLએ સમગ્ર કોરિડોર સાથે 100 વિવિધ વર્ક સ્પોટ પર ‘પ્રયાસ’ નામના શેરી નાટકનું પ્રથમ સત્ર પૂર્ણ કર્યું છે. મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન સુધીના શેરી નાટકો દરમિયાન 6000થી વધુ કામદારો-શ્રમિકોને શિક્ષિત કરવામાં આવ્યા હતા.આ નુક્કડ નાટકના આયોજનનો ઉદ્દેશ્ય કામદારોને બાંધકામ સ્થળો પર સલામતીના મહત્વ વિશે આકર્ષક રીતે જાગૃત કરવાનો અને શિક્ષિત કરવાનો હતો. શેરી નાટકમાં મુખ્ય સુરક્ષા વિષયો જેમ કે સાધનોનો યોગ્ય ઉપયોગ, સલામતી માર્ગદર્શિકાઓનું પાલન, કટોકટી સમયે શું કરવું અને કામના સ્થળે સલામત વાતાવરણ જાળવવાનું મહત્વને આવરી લેવામાં આવ્યા હતા. આ સુરક્ષા કર્મીઓ દેશના વિવિધ રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાંથી આવે છે. દરેકની ભાષાઓ પણ અલગ હોય છે. આથી શેરી નાટકની ભાષા સરળ અને દરેક વ્યક્તિને સમજમાં આવે તેવી રાખવામાં આવી છે.કામદારોનું ધ્યાન આકર્ષિત કરવા અને સલામતી સંદેશાઓને અસરકારક રીતે રજૂ કરવા માટે નાટકમાં કેટલાંક રમૂજી અને સંબંધિત દ્રશ્યો સામેલ કરવામાં આવ્યા છે.આ ઝુંબેશ આગામી છ મહિનાઓ સુધી ચાલુ રહેશે. જેમાં કાસ્ટિંગ યાર્ડ્સ, ટનલ શાફ્ટ, બાંધકામ હેઠળના સ્ટેશનો, ડેપો, પુલ અને વાયડક્ટને આવરી લેવામાં આવે છે.

NHSRCLના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કુમાર ગુપ્તાએ જણાવ્યું કે, “અમારી બાંધકામ સાઇટ્સ દરરોજ હજારો કુશળ અને અકુશળ કામદારોના પ્રયત્નોની સાક્ષી છે. આ ઝુંબેશ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વર્કફોર્સમાં સલામતીની મજબૂત સંસ્કૃતિ કેળવવાનું કામ કરે છે.”

જામનગરમાં દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકોએ યોગ કર્યા

જામનગર: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ઓમ ટ્રેનીંગ સેન્ટરના સહયોગથી જામનગરમાં આંતર્રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં 150 કરતાં વધારે દિવ્યાંગ તથા મનોદિવ્યાંગ બાળકો તથા વાલીઓએ ભાગ લીધો હતો અને યોગાસન તેમજ પ્રાણાયામ કર્યાં હતા. રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં યોજાયેલ આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ વિશિષ્ટ બાળકોની શારીરિક, માનસિક અને ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો હતો.

જામનગરના દિગ્જામ સર્કલ પાસે આવેલ ફ્રેન્ડસ હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વિશિષ્ટ બાળકોની ક્ષમતાઓ અને જરુરિયાતોને ધ્યાનમાં રાખીને પસંદ કરાયેલાં આસનો શહેરના યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ શીખવવામાં આવ્યાં હતાં. માનસિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી ધ્યાન અને પ્રાણાયામની પણ તાલીમ આપવામાં આવી હતી.

આ ઉજવણીમાં વાલીઓને પણ સાંકળી લઈને યોગની પ્રવૃત્તિ બાળકોના રોજિંદા જીવનનો ભાગ બને અને તેનો શારીરિક- માનસિક અપૂર્તતાઓની અસર ઓછી કરવામાં થાય તેવો પ્રયાસ કરાયો હતો. બાળકો ખૂબ ઉલ્લાસભેર આ કાર્યક્રમમાં જોડાયાં હતાં અને વાલીઓએ પોતાના પ્રતિભાવોમાં યોગને પોતાના અને સંતાનોનાં જીવનની કાયમી પ્રવૃત્તિ તરીકે સામેલ કરવાની ખાતરી આપી હતી. સમાજની સર્વાંગી સુખાકારીને પ્રોત્સાહિત કરતા અને વિશિષ્ટ બાળકોનાં શારિરીક- માનસિક સ્વાસ્થ્યમાં ઉપયોગી આ કાર્યક્રમને લાભાર્થીઓએ ઉત્સાહભેર આવકારી અભિનંદન અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકો માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મનોદિવ્યાંગ કન્યાઓને મેડીકલ ટીમની મદદથી મેન્સ્ટ્રુઅલ હાઈજીનની તાલિમ, વિશિષ્ટ બાળકો માટે વિવિધ રમત ગમત, વિશિષ્ટ બાળકોની તાલીમ માટે જરૂરી સાધનો માટે અનુદાન વગેરે પ્રવૃત્તિ સતત ચાલતી રહે છે જેના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.