ગાંધીનગર: લોકસભાની ચૂંટણી બાદ 4 જુલાઇથી બે દિવસીય ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક સાળંગપુર ધામ- બોટાદ ખાતે યોજાનાર છે. ત્યારે આ બેઠકમાં પર સમગ્ર ગુજરાતની નજર છે. આ બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીનો કાર્યક્રમ નકકી કરવા ઉપરાંત પ્રદેશ પ્રમુખનું નામ પણ જાહેર થઇ શકે છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન પહેલા જ તેમની મુદત પુરી થઇ ગઇ હતી ત્યારે નવા પ્રદેશ પ્રમુખની નિમણુંક પૂર્વે પ્રદેશ કારોબારીમાં કાર્યકારી પ્રમુખની નિયુક્તિ કરવામાં આવે તેવી શકયતા દર્શાવાય છે. આ સિવાય લોકસભાની ચુંટણીના પરિણામો અંગે મનોમંથન કરી ભાવી રણનીતિ તેમજ રાજકીય કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવે તેવી શકયતા છે.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગે વિસ્તૃત માહિતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપવામાં આવી. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલે મીડિયાને સમગ્ર માહિતી આપી હતી. આ કારોબારી બેઠકમા કેન્દ્રીયનેતૃત્વ પણ ઉપસ્થિત રહેશે. કારોબારી બેઠકમાં વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપવામાં આવશે. કારોબારી બેઠકમા પ્રદેશના હોદ્દેદારથી મંડળના પ્રમુખ સુઘીના કાર્યકર્તાઓની હાજરી અપેક્ષિત છે. 1300થી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ કારોબારી બેઠકમા ભાગ લેવાના છે.
સૌરાષ્ટ્રાના સાળંગપુર ધામ- બોટાદ ખાતે પુરુષોતમ મંદિરમાં ગુરુવારે બપોરે 3 વાગ્યાથી ભાજપની કારોબારી શરૂ થશે. જે બીજા દિવસે 5 જુલાઈ સુધી ચાલશે. કારોબારીની બેઠક ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ખાસ હાજરી આપશે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ કારોબારીમાં હાજર રહેશે.
ગુજરાત ભાજપની કારોબારી બેઠકમાં 1300થી વધુ લોકો હાજરી આપશે
ICC : હાર્દિક પંડ્યા બન્યો વિશ્વનો નંબર 1 T20 ઓલરાઉન્ડર
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વધુ એક મોટું કારનામું કર્યું છે. આ ખેલાડી વિશ્વનો નંબર 1 T20 ઓલરાઉન્ડર બની ગયો છે. ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી, જેમાં હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરોની યાદીમાં ટોપ પર પહોંચી ગયો. પંડ્યાએ મોહમ્મદ નબી અને વેનેન્દુ હસરંગાને હરાવીને રેન્કિંગમાં એક સ્થાન મેળવ્યું છે. પંડ્યા પહેલા ત્રીજા સ્થાને હતો અને T20 વર્લ્ડ કપમાં તેના શાનદાર પ્રદર્શન બાદ તે નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે.
Hardik Pandya rises to No.1 in the latest ICC Men’s T20I All-rounder Rankings 🔝
How the Rankings look after #T20WorldCup 2024 ⬇️https://t.co/vbOk3XT7C3
— ICC (@ICC) July 3, 2024
T20 વર્લ્ડ કપમાં પંડ્યાનો દબદબો
T20 વર્લ્ડ કપમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે હાર્દિક પંડ્યા નંબર 1 ઓલરાઉન્ડર બની ગયો છે. આ ખેલાડીએ 8 મેચમાં 48ની એવરેજથી 144 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ પણ 150થી વધુ હતો. આ દરમિયાન તેના બેટમાંથી અડધી સદી પણ આવી હતી. આ સિવાય બોલિંગમાં તેણે 8 મેચમાં 11 વિકેટ ઝડપી હતી. ફાઇનલમાં હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં માત્ર 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. મોટી વાત એ છે કે આ ખેલાડીએ હેનરિક ક્લાસેન અને ડેવિડ મિલરને આઉટ કર્યા જે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો ખતરો હતા.
ભારતીય ટીમ આવતીકાલે PM મોદી સાથે કરશે મુલાકાત
ભારતીય ક્રિકેટ ટીમ બાર્બાડોસમાંથી ટાઈટલ જીતીને દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. BCCIએ ટીમ ઈન્ડિયાને લેવા માટે સ્પેશિયલ ફ્લાઈટ મોકલી છે. ખેલાડીઓ તેમના વતન પરત ફરશે એટલે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ટીમ ઈન્ડિયાને મળશે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને યુઝવેન્દ્ર ચહલ સહિતની આખી ટીમ ચક્રવાતી તોફાન બેરીલને કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. જેના કારણે ખેલાડીઓને પરત ફરવામાં વિલંબ થયો હતો. ભારતીય ક્રિકેટ ટીમ પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. ટીમ ઈન્ડિયા ગુરુવારે બાર્બાડોસથી દિલ્હી પહોંચી રહી છે. બીસીસીઆઈએ ખેલાડીઓને લાવવા માટે એર ઈન્ડિયાનું બોઈંગ 777 વિમાન મોકલ્યું હતું. ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી શકે છે. વડાપ્રધાન મોદીને મળ્યા બાદ તેઓ મુંબઈ જવા રવાના થશે.

મુંબઈમાં ટીમ ઈન્ડિયાની ખુલ્લી બસમાં રોડ શો કરશે
ભારતીય ક્રિકેટ ટીમ વડાપ્રધાન મોદીને મળ્યા બાદ મુંબઈ જવા રવાના થશે. અહીં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ લગભગ 1 કિલોમીટર સુધી ખુલ્લી બસમાં વિજય પરેડમાં ભાગ લેશે. આ પરેડ નરીમાન પોઈન્ટ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે થશે. આ પછી ભારતીય ખેલાડીઓને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.

ટીમ ઈન્ડિયા સવારે 11 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદીને મળી શકે છે. આ પછી નાસ્તો પીરસવામાં આવશે. આ બેઠક બાદ ભારતીય ખેલાડીઓ મુંબઈ જવા રવાના થશે. અહીં વિજય પરેડ થશે. આ પછી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહ ઈનામની રકમ આપશે. ટીમ ઈન્ડિયાના સ્વાગત માટે મોટી સંખ્યામાં સમર્થકો પણ એરપોર્ટ પર પહોંચી શકે છે.
મુંબઈમાં 2007ની ઐતિહાસિક ક્ષણનું પુનરાવર્તન થશે
ટીમ ઈન્ડિયાએ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં આ ખિતાબ જીત્યો હતો. આ પછી ધોની સહિત તમામ ખેલાડીઓએ ટ્રોફી સાથે મુંબઈમાં ખુલ્લી બસમાં મુસાફરી કરી હતી. હવે ફરી આવું થવાનું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ સહિત તમામ ખેલાડીઓ તેનો ભાગ બનશે.
બિહારમાં છેલ્લા 15 દિવસમાં પૂલ તૂટવાની સાતમી ઘટના
પટનાઃ બિહારમાં પૂલ પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. બિહારમાં ચોમાસું બેસવાની સાથે ત્રણ પૂલોએ 12 કલાકની અંદર જળ સમાધિ લીધી હતી. થોડા દિવસ પહેલાં અહીં પૂલ ગંડક નદીમાં સમાયો હતો. બુધવારે સિવાનના મહારાજગંજમાં એક જ દિવસમાં અચાનક ત્રણ પૂલો તૂટ્યા હતા. ગંડક નદી પર બનેલા બે પૂલ અને ધમહી નદી પર બનેલો એક પૂલ તૂટી ગયો હતો. ગંડકી નદી પર બનેલા પૂલનો એક હિસ્સો બુધવારે સવારે તૂટી પડ્યો હતો. આ છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં બનેલી આવી સાતમી ઘટના છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગંડકી નદી પરના પૂલનો એક હિસ્સો તૂટ્યો તો વિભાગ દ્વારા વધુપડતી માટી દૂર કરવાનું કારણ જણાવવામાં આવ્યું હતું. જોકે આ પૂલ તૂટવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ કે નથી કોઈ ઇજાગ્રસ્ત થયું.
વરિયા પંચાયત અને તેવથા પંચાયતની વચ્ચે ધમહી નદીનો પૂલ તૂટ્યો હતો. 22 જૂને આ ગંડક નદીની નહેર પર વહેલી સવારે પટેઢા બજાર અને રામગઢા પંચાયતની વચ્ચે બનેલો પૂલ પત્તાંના મહેલની જેમ તૂટી ગયો હતો. બીજી બાજુ. સીતામઢીમાં દુર્ગા મંદિરની સમીપ બાંકે નદીમાં બનેલો પૂલ પાણીના તેજ વહેણને કાણે તૂટી ગયો હતો. છેલ્લા 13 દિવસોમાં 10 પૂલ ક્ષતિગ્રસ્ત થયા છે. 18 જૂને અરરિયામાં નિર્માણાધીન પૂલ તૂટ્યો હતો. રાજ્યમાં ચોમાસું બેસવાની સાથે એક પછી એક પૂલ કે પૂલનો થોડો હિસ્સો ધરાશાયી થઈ રહ્યા છે. સતત પૂલ તૂટવાની ઘટનાઓને લઈને વિપક્ષ સરકાર પર હુમલો કરી રહી છે, જ્યારે બીજી બાજુ, સરકારે પૂલો તૂટવાની તપાસ કરાવવા માટે એક સમિતિની રચના કરી છે.
ગુજરાતમાં થશે કાયમી શિક્ષકોની ભરતી..
શિક્ષકોના ભરતીને લઈ વિરોધોના વંટોળ બાદ આખરે ટેટ 1 અને ટાટ 2 પાસ ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે. રાજ્યમાં કાયમી શિક્ષકોની ભરતીને લઇને સરકારે મહત્વના નિર્ણય કર્યા છે. આ મુદ્દે આજે કેબિનેટની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં 24,700 ખાલી જગ્યાઓ પર કાયમી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને લઇને તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં જ ઉમેદવારો દ્વારા આંદોલન કરાયું હતું, જે બાદ સરકાર શિક્ષકોની ભરતીને લઈ હરકતમાં આવ્યું છે.

અગાઉ ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટેડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે.
જ્યારે ઉચ્ચર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટેડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે. ગુજરાતમાં ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારની ભરતી કરવાની જગ્યાએ સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતાં, રાજ્યમાં વિરોધના વંટોળ ઉઠ્યા હતા. જ્યાં રાજ્ય ભરના TAT-TET ના ઉમેદવારો ગાંધીનગર સહિત રાજ્ય અલગ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. છતાં સરકાર તેમની માગણીઓને સ્વિકારી રહી ન હતી. આ ઉમેદવારોની ભરતી નહીં થતાં તેમની વયમર્યાદાનો પ્રશ્ન ઉભો થયો રહ્યો છે. નોંધનીય છે કે 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એકપણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી.
‘‘કુમાર’’ સામયિકની શતાબ્દીની ઉજવણી, યાદગાર સાંજ
મુંબઈ: ‘‘કુમાર’’ સામયિકની શતાબ્દી નિમિત્તે એક ખાસ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદ, (અમદાવાદ) અને કાંદિવલી, મુંબઈની સંસ્થા સંવિત્તિના સંયુક્ત આયોજનમાં યોજાયો. આ કાર્યક્રમ શનિવાર તા.૨૯ મી જૂનની સાંજે KES (કાંદિવલી એજયુકેશન સોસાયટી) ઇન્ટરનેશનલ સ્કૂલના હોલમાં ઉજવાયો. જેમાં ‘‘કુમાર’’ સામયિકનો ઇતિહાસ, તેની વિષય વિવિધતા, વાંચન સામગ્રીની ઉચ્ચસ્તરતા આદિ વિષે વિસ્તારથી ચર્ચા થઈ હતી. આ સાથે તેની મુદ્રણકલા અને તેના સૌદર્ય વિષે પણ રસપ્રદ વાતો થઈ. એક સામયિકનું શતાબ્દી વર્ષ ઉજવવું એ ત્યારે જ શક્ય બનતું હોય છે જયારે એ સામયિકે વાચકની સંવેદના, જ્ઞાન-જગતના સીમાડા વિસ્તાર્યા હોય.

- કેટલીય પેઢીઓનું ઘડતર કરનાર ‘કુમાર’
ગુજરાતી સાહિત્ય પરિષદના સ્વાધ્યાયપીઠ મંત્રી અને ગુજરાતી સાહિત્યના અધ્યાપિકા સેજલ શાહે ‘‘કુમાર’’ સામયિકના શતાબ્દી વર્ષની ઉજવણીને માત્ર રોમાંચની પળ ઉપરાંત ફરજ અને આનંદની બાબત કહી હતી. તેમણે સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ મોકલાવેલો સંદેશ વાંચી સંભળાવ્યો હતો. જેમાં કહેવાયું હતું કે ‘ ‘‘કુમાર’’ની જન્મશતાબ્દી ઉજવવી એ ગુજરાતના સાંસ્કૃતિક જગતની ફરજમાં આવતી વાત છે. ગુજરાતી સાહિત્ય પરિષદ એમાંથી બાકાત ન રહી શકે, ન રહેવું જોઈએ. આપણી સાહિત્યિક યાત્રાનો નમણો મુકામ એટલે ‘‘કુમાર’’નું પ્રગટ થવું અને હજી સુધી પ્રગટ થતાં રહેવું. રવિશંકર રાવલથી પ્રફુલ્લ રાવલ સુધીની આ ‘કુમાર’યાત્રાએ ગુજરાતની કેટકેટલી પેઢીઓને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે, એનો હિસાબ માંડીએ તો ખ્યાલ આવે કે એક સામયિક કેટલો મોટો પ્રભાવ પાથરી શકે ‘‘કુમાર’’ એ ગઈકાલે પણ પ્રસ્તુત હતું અને આજે પણ પ્રસ્તુત છે.’

- બચુભાઇની કાર્યશૈલીની અજોડ વિશેષતા
કાર્યક્રમના પ્રથમ વક્તા તરીકે ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક, સંપાદક, અનુવાદક, વિવેચક રમણ સોનીએ ‘સ્થપતિ બચુભાઈ રાવત’ આ વિષય પર ત્રણ પગલામાં વાત પ્રસ્તુત કરી. રમણ સોનીએ કહ્યું કે જ્યારે કોઈ સામયિકને સો વર્ષ પૂર્ણ થાય ત્યારે આપણે તેનો મહિમા અને મૂલ્યાંકન બંને કરવું જોઈએ. એ સામયિક શું છાપ છોડીને ગયું છે તે તપાસ થવી જોઈએ. સંપાદક પ્રતિભાની વાત કરતા તેમને મંજુબહેન ઝવેરી, હાજી મહમ્મદ, બચુભાઈને યાદ કર્યા.

કુમારની અનેકવિધ લાક્ષણિકતાની રસપ્રદ પ્રસ્તુતિ
બીજા વક્તા હસિત મહેતાએ ‘‘કુમાર’’નું સાંકળિયુંની વાત કરતા ઉજાગર કર્યું કે બચુભાઈ રાવત આરંભથી જ રવિશંકર રાવળ સાથે જોડાયેલા હતા- રવિશંકર રાવળ, બચુભાઈ રાવત અને ધીરુભાઈ પરીખ આ ત્રણ તબક્કાને ધ્યાનમાં રાખી આપણે જોવું જોઈએ. તેમણે એ સમયે ‘‘કુમાર’’ની આર્થિક બાજુના કેટલાંક પ્રશ્નો, પડકારો, તેના પ્રવાહોની વાત કરી. રવિશંકર રાવળે ‘આવતીકાલના નાગરિકોનું માસિક અને તેમાં બચુભાઈ રાવતે એક શબ્દ ઉમેર્યો ‘આવતીકાલના નાગરિકોનું અગ્રણી માસિક’. ત્યારબાદ ધીરુભાઈ પરીખે ‘પૂરા પરિવારનું સુરુચિપૂર્ણ માસિક’ એમ કહ્યું. આપણું પ્રાચીન ગૌરવ, કલાની રસભરી કૃતિઓ અને વિનોદની વાનગીઓ જેવું બીજું ઘણું ‘‘કુમાર’’માં હતું અને સંપાદકે નક્કી કર્યું હતું કે આ શોધવાનું, સંઘરવાનું અને માંગી આણવાનું કાર્ય કરીને ‘‘કુમાર’’ને ચલાવવું. હસિત મહેતાએ ‘કુમાર’ની અનેક લાક્ષણિક તાસીરને PPTમાં ફોટા રૂપે મૂકીને વાતાવરણને જીવંત બનાવ્યું, તેમણે કેટલાંક પત્રો, લેખ સારાંશ દ્વારા વિવિધતા અને ‘‘કુમાર’’ના પરિવેશનો પરિચય કરાવ્યો.

બચુભાઇ એટલે નેપથ્યમાં રહીને કામ કરનાર સર્જક
ત્રીજા વકતા અને કુમારના વર્તમાન તંત્રી પ્રફુલ્લભાઈ રાવલે ‘‘કુમાર’’ના ઇતિહાસની અનેક રસિક બાબતો ઉજાગર કરી આપી. બચુભાઈના ઘરનું નામ ‘નેપથ્ય’ અને પોતે પણ આજીવન નેપથ્યમાં રહીને કામ કર્યું. ‘‘કુમાર’’માં આવતી પત્રચર્ચાના કેટલાક રસિક પ્રસંગો કહ્યા.
કુમાર માટે કલાતીર્થનું અનોખું કાર્ય
કલાતીર્થ ટ્રસ્ટના રમણીકભાઈ ઝાપડિયાએ ‘કુમાર’ની શતાબ્દી નિમિત્તે “‘કુમાર’ એકસદીની કલાયાત્રા”ના પાંચ ગ્રંથોનું પ્રકાશન કરવાનું નિર્ધાર્યું છે, જેમાંથી ચાર ગ્રંથો તેમણે આ પ્રસંગ નિમિત્તે વિશેષરૂપે શ્રમ લઈને મુંબઈ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. જેથી ‘કુમાર’ના ભાવકો એ ગ્રંથને ત્યાં જોઈ શકે. અનિવાર્ય કામ આવી જતા તેઓ આ પ્રસંગે હાજર ન રહી શક્યા પણ તેમનો સંદેશ વાંચીને સંભળાવવામાં આવ્યો હતો, જેમાં કહેવાયું હતું કે .’કુમાર’નું મુદ્રણ દરેક લોકહૃદયમાં અનેરૂ સ્થાન પામ્યું છે. આવું પ્રભાવશાળી સામયિક આપણી હયાતીમાં 100 વર્ષ પૂરા કરતું હોય અને એનું ગૌરવ એક ગુજરાતી પ્રજા તરીકે આપણે ન કરીએ તો કેમ ચાલે.? ગુજરાતના સુપ્રસિદ્ધ કલાવિવેચક સંશોધક અને સાહિત્ય સર્જક નિસર્ગ આહીર આ ગ્રંથોના સંપાદક છે.
ડો. દિનકર જોષી–કીર્તિ શાહના મનોભાવ
ત્યારબાદ ‘કુમાર’ અને હું’ ને કેન્દ્રમાં રાખીને દિનકરભાઈએ પોતાના સ્મરણો વાગોળ્યા હતા, દિનકરભાઈનો આ સામયિક સાથેનો સંબધ વાંચનને કારણે રહ્યો. એમનો કુમાર સાથે પ્રથમ પરિચય ૧૯૫૪માં ભાવનગરની આલ્ફ્રેડ સ્કુલની લાયબ્રેરીમાં થયો. દિનકરભાઈ ભાનુભાઈ રાવળને મળેલા જે રવિશંકર રાવળના ભત્રીજા હતા, અને એમને રવિશંકર રાવળના ચિત્રોનું આલ્બમ જોવાનો રોમાંચ દિનકરભાઇને આપેલો. ત્યારબાદ સંવિત્તિના સ્થાપક સભ્ય કીર્તિ શાહે પોતાના અંગત પ્રસંગો સહુ સાથે વહેંચ્યા હતા, જેમાં તે સમયે ‘કુમાર’નો વાચક ગુજરાતી ભાષાનો જાણકાર હોય જ એવો વિશેષ આદર ‘કુમાર’ના વાચકને મળતો, જે તેમને મળ્યો હતો તેનું રસપ્રદ વર્ણન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન હિન્દી સાહિત્યના અધ્યાપક અને સંવિત્તિના સભ્ય હાર્દિક ભટ્ટે કર્યુ હતું.
હાજર રહેલા અગ્રણી લેખકો-સાહિત્યકારો
વરસાદની ઋતુમાં મુંબઈના સાહિત્યપ્રેમીઓની હાજરીએ આયોજકોને વધુને વધુ કાર્યક્રમ કરવા બળ પૂરું પાડ્યું. કાર્યક્રમ માટે હાજર રહેલા કેટલાક જાણીતા સાહિત્ય પ્રેમીઓમાં પ્રબોધ પરીખ,ઉદયન ઠક્કર, રમેશ ઓઝા (ભારતીય વિદ્યાભવન), હિરેન મહેતા (ચિત્રલેખા), દીપક સોલિયા, સતીષચંદ્ર જોશી, સતીષ વ્યાસ(મુંબઈ), તરુ કજરીયા,પ્રવીણ પંડ્યા(મુંબઈ), મીતા દિક્ષીત, અમૃત ગંગર, સંધ્યા શાહ, પ્રફુલ્લ પંડ્યા, અશ્વિન મહેતા, સતીશ વ્યાસ, હેમંત ઠક્કર, હરીશ દાસાણી, સંજય પંડ્યા, વગેરે હતા.
કંગનાને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ સામે વધુ એક કાર્યવાહી
ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ કંગના રનૌતને થપ્પડ મારનાર CISF કોન્સ્ટેબલ કુલવિંદર કૌરની બેંગલુરુ બદલી કરવામાં આવી છે. થપ્પડ મારવાની ઘટના બાદ કૌરને સસ્પેન્ડ કરવામાં આવી હતી. પોલીસે તેની સામે અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. કૌરના સસ્પેન્શન અને FIR વિરુદ્ધ ખેડૂત સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું.

આ ઘટના 6 જૂને બની હતી. કંગના રનૌત દિલ્હીમાં બીજેપી સંસદીય દળની બેઠકમાં ભાગ લેવા માટે ચંદીગઢ એરપોર્ટથી દિલ્હીની ફ્લાઈટમાં બેસીને જવાની હતી. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન CIFS મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે તેને થપ્પડ મારી હતી. આ ઘટના બાદ કૌરે કહ્યું હતું કે કંગનાએ ખેડૂતોના આંદોલન પર ટિપ્પણી કરી હતી, જેના કારણે તે દુખી થઈ હતી.
પંજાબના સુલતાનપુર લોધીના રહેવાસી કુલવિંદરે કહ્યું હતું કે તેનો પરિવાર ખેડૂતોના આંદોલન સાથે જોડાયેલો છે. ખેડૂતોના આંદોલનને લઈને કંગનાએ કહ્યું હતું કે ખેડૂતોના આંદોલનમાં મહિલાઓ 100 રૂપિયા લઈને બેઠી છે. શું તે (કંગના) ત્યાં બેઠી હતી? મારી મા ત્યાં બેઠી હતી.
કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બને એવી શક્યતા
વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી રહ્યો છે. આ વર્ષની પાંચ નવેમ્બરે અહીં રાષ્ટ્રપતિ ચૂંટણી થવાની છે. ચૂંટણીથી પહેલાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીઓ તરફથી પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનની વચ્ચે ડિબેટ થઈ હતી. આ ડિબેટમાં બાઇડન પર ટ્રમ્પ ભારે પડ્યા હતા. આ ડિબેટ પછી ચર્ચા છે કે જો બાઇડને રાષ્ટ્રપતિપદની દોડમાંથી હટી જવું જોઈએ.
વળી, એક સર્વેક્ષણમાં જણાવા મળ્યું હતું કે ભારતીય-આફ્રિકી મૂળનાં અમેરિકી ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ જો રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઊભાં રહેશે તો જો બાઇડનની તુલનામાં તેમની જીતની સંભાવના વધુ છે. બાઇડન (81)ની દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકેની સ્વીકૃતતિના રેટિંગમાં ટ્રમ્પ સામે થયેલા વાદવિવાદમાં નિરાશાજનક દેખાવ પછી ઘટ્યું છે.
અમેરિકી રાજકારણના વિશ્લેષક અને લેખક ટકર કાર્લસને દાવો કર્યો હતો કે રાષ્ટ્રપતિ જો બાઇડનને ડિમેન્શિયાની બીમારી છે. તેમણે મેઇનસ્ટ્રીમ મિડિયા પર દેશમાં એ સત્ય છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે એ પણ દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં ડેમોક્રેટ કમલા હેરિસને રાષ્ટ્રપતિ બનાવી શકે છે.
તેમણે X પર દાવો કર્યો હતો કે ડેમોક્રેટિક પાર્ટીના અનેક નેતાઓએ સૂચન કર્યું છે કે તેમનું માનસિક સંતુલન ઠીક નથી, તેમને દૂર કરવા જોઈએ. તેમણે બહુ જલદી નિર્ણય લેવો જોઈએ.
Biden is done. Bet on it. Too many prominent Democrats have suggested he’s brain damaged. They can’t walk that back. They have to remove him, and they will. The only question is when. If they’re smart, they’ll do it immediately. If Kamala’s going to be the nominee, she might as…
— Tucker Carlson (@TuckerCarlson) July 2, 2024
એક સર્વે અનુસાર ટ્રમ્પ લોકપ્રિયતાને મામલે બાઇડનથી છ પોઇન્ટ આગળ છે. આ સર્વેમાં 47 ટકા રજિસ્ટર્ડ મતદાતાઓએ ટ્રમ્પને ટેકો આપ્યો હતો, જ્યારે 45 ટકા હેરિસના સમર્થક છે. જેથી તેમને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવવામાં આવે તો તેઓ ટ્રમ્પને જોરદાર ટક્કર આપશે.
CM કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવાઈ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે (3 જુલાઈ) ન્યાયિક કસ્ટડીનો સમયગાળો વધાર્યો હતો. એક્સાઇઝ પોલિસી કેસમાં EDએ 21 માર્ચ 2024ના રોજ તેની ધરપકડ કરી હતી. આ સાથે, કોર્ટે સીએમ કેજરીવાલની અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો જેમાં તેણે માંગ કરી છે કે મેડિકલ બોર્ડ સાથેની પરામર્શ દરમિયાન તેમની પત્નીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવાની મંજૂરી આપવામાં આવે. કોર્ટ 6 જુલાઈએ પોતાનો નિર્ણય આપશે.
સીબીઆઈએ મને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યો – વકીલ
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની ED અને CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈ સાથે જોડાયેલા કેસમાં જામીન આપવા માટે સીએમ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે આ અંગે ઝડપી સુનાવણીની માંગ કરી છે. આ મામલે શુક્રવારે સુનાવણી થવાની છે. વકીલ રજત ભારદ્વાજે કહ્યું કે સીએમ કેજરીવાલને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને કાયદાનું પાલન કરવામાં આવ્યું નથી.



