Home Blog Page 1644

બજેટ સત્રમાં સરકારને ઘેરવા કોંગ્રેસનો એક્શન પ્લાન

કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીનો એક્શન પ્લાન બજેટ સત્રમાં સરકારને ઘેરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધીનું ફોકસ યુવાનો, ખેડૂતો-મજૂરો, સૈનિકોની સાથે સામાન્ય લોકો અને ગરીબો પર રહેશે. 22 જુલાઈથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરવા માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત સામાન્ય ગરીબ લોકો, વધતી જતી મોંઘવારી અને ઘટતી કમાણી, યુવા બેરોજગારી અને NEET પેપર લીક, ખેડૂત-એમએસપી ગેરંટી, ટેકાના ભાવ અને સ્વામિનાથન સમિતિની ભલામણોના આધારે લોન માફી જેવા મુદ્દા ઉઠાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

તેમજ વિપક્ષ આ મુદ્દે પ્રાઈવેટ મેમ્બર બિલ લાવીને સરકારને અલગ કરવાનો પ્રયાસ કરશે. કોંગ્રેસ લોકસભામાં સત્ર દરમિયાન કામદારોનું લઘુત્તમ વેતન વધારીને 400 રૂપિયા કરવાની માંગ કરશે. સાથે જ કોંગ્રેસ સૈનિકો માટેની અગ્નિવીર યોજના બંધ કરવાની પણ ગૃહમાં માંગ કરશે. કોંગ્રેસ સતત આ મુદ્દો ઉઠાવી રહી છે અને સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે.

બજેટ સત્રમાં સરકારને ઘેરવાની તૈયારીઓ

આ સિવાય કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓને ટાંકીને સેનાના જવાનોની શહાદતનો મુદ્દો પણ ઉઠાવશે અને સરકારની નીતિઓને નિષ્ફળ ગણાવશે. સાથે જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને ચૂંટણી કરાવવાને બદલે એલજીની સત્તા વધારવામાં આવે તો પણ સરકારને ઘેરવાની તૈયારીઓ ચાલી રહી છે. હકીકતમાં સરકારની નીતિઓને નિષ્ફળ ગણાવીને ભારતીય ગઠબંધન સાથે મળીને જમ્મુ-કાશ્મીર પર હુમલો કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

મણિપુર અને ત્રિપુરામાં હિંસાનો મુદ્દો ઉઠાવશે

મણિપુર, ત્રિપુરામાં હિંસા અને ચીનના અતિક્રમણનો મુદ્દો ઉઠાવીને સરકારને રાષ્ટ્રવાદના મુદ્દે બેકફૂટ પર મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ મણિપુરના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને શરણાર્થી શિબિરોમાં આશરો લઈ રહેલા લોકોને મળ્યા હતા. હવે કોંગ્રેસ આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહી છે.

એકંદરે, રાહુલ ગાંધીએ આવા મુદ્દાઓ દ્વારા સમાજના વિવિધ વર્ગોને અપીલ કરીને સરકારને આડે હાથ લેવાની તૈયારી કરી છે, જ્યારે સરકાર પણ ડેટા સાથે વળતો પ્રહાર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આવી સ્થિતિમાં છેલ્લા સત્રની જેમ બજેટ સત્રમાં પણ શાસક પક્ષ અને વિપક્ષનું આક્રમક વલણ ચાલુ રહે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

T20Iના કેપ્ટનને લઈને જય અને ગૌતમ વચ્ચે ‘ગંભીર’ મતભેદ?

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો આગામી T20 કેપ્ન કોણ હશે? હાલ એ ક્રિકેટ જગતનો સૌથી ગરમ મુદ્દો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ ગઈ કાલે ટીમોની ઘોષણા કરવાનું હતું, પણ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવમાંથી કેપ્ટન કોણ બનશે? એ વાતે સહમતી નહીં સધાતાં જાહેરાત એક દિવસ ટાળી દેવામાં આવી હતી. કેટલાય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2024 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની જગ્યા લેશે, પણ જે સમાચાર આવ્યા એ આશ્ચર્યચકિત કરનારા છે. બીજા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સૂર્યકુમાર યાદવ નવા કેપ્ટન બનવા માટે સૌથી મોટો દાવેદાર છે.

ગંભીર અને જય શાહ વચ્ચે મતભેદ

બોર્ડના સેક્રેટરી જય શાહ ઇચ્છે છે કે હાર્દિક પંડ્યા T20 ટીમનું સુકાન સંભાળે. જોકે ગૌતમ ગંભીર એના માટે તૈયાર નથી. ગંભીર ઇચ્છે છે કે T20 ટીમની કેપ્ટનશિપ સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવે.આમ બંને વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. હાર્દિક વાંરવાર ઇજાગ્રસ્ત થાય છે અને વર્કલોડ મેનેજમેન્ટને કારણે ગંભીર નથી ઇચ્છતો હાર્દિક પંડ્યા કેપ્ટન બને, એમ રિપોર્ટ કહે છે.

ગંભીર ઇચ્છે છે કે સૂર્યાને કેપ્ટન બનાવવામાં આવે, જ્યારે શાહ હાર્દિકનું સમર્થન કરે છે. આજે શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનું એલાન થાય એવી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે કેપ્ટન મુદ્દે શાહની  ઇચ્છા મુજબ નિર્ણય લેવામાં આવે છે કે નવા કોચ ગંભીરની જીત થાય છે.

T20 વિશ્વ કપ પછી રાહુલ દ્રવિડની જગ્યા લીધા પછી ગંભીરને શ્રીલંકા પ્રવાસમાં મુખ્ય કોચ તરીકે પહેલું એસાઇમેન્ટ હશે. આ શ્રીલંકા પ્રવાસ 27 જુલાઈએ ત્રણ મેચોની T20 સિરીઝની પહેલી મેચ સાથે શરૂ થશે.

આ જાળી અમદાવાદની ઓળખ છે…

અમદાવાદ હવે તો હેરિટેજની યાદીમાં સ્થાન મેળવી ચૂક્યું છે. અમદાવાદને આ દરજ્જો અપાવવામાં જે કેટલાક મહત્વના હેરીટેજ સ્મારકોનો ફાળો છે એમાં એક છે વિશ્વપ્રસિધ્ધ સીદી સઇદની જાળી. આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિધ્ધ કલાનો આ અદભુત નમૂનાવાળી જાળી શહેરના લાલ દરવાજા પાસે એક મસ્જિદમાં કોતરાયેલી છે.

સીદી સઈદની જાળીનો કુલ વિસ્તાર 1078.25 ચો.મીટર છે. તેનું બાંધકામ અધૂરું રહેલું જણાય છે. એની દક્ષિણ અને પશ્ચિમ તરફની દીવાલોમાં કમાનાકાર મોટી ગવાક્ષાકાર બારીઓમાં સુંદર જાળીકામ કરેલું છે. પશ્ચિમ બાજુના ત્રણ કમાનાકાર ગવાક્ષ ખાલી છે. આ મસ્જિદની રચનાપદ્ધતિ અમદાવાદની સારંગપુરની મસ્જિદ સાથે ઘણી મળતી આવે છે. આ મસ્જિદ 157-273 દરમિયાન શેખ સઈદ સુલતાની નામના ઉમરાવે મુઝફ્ફર ત્રીજા(156-173 A.D.)ના સમયમાં બાંધી હતી. અંદરથી મસ્જિદનો વિસ્તાર 20.73 મી.  10.97 મી.નો છે. લિવાનમાં આઠ સ્તંભો છે. દક્ષિણની દીવાલની જાળીઓમાં ભૌમિતિક આકૃતિઓનું પ્રાધાન્ય છે. જ્યારે પશ્ચિમની દીવાલમાં વનસ્પતિજન્ય (floral) આકૃતિઓ છે. તેમાં ખજૂરીના વૃક્ષ અને ફૂલવેલનું સંયોજન આકર્ષક છે. સાદા રેતિયા પથ્થરમાં સૂક્ષ્મ કોતરકામ પ્રશંસનીય છે. લિવાનની બંને બાજુના મિનારા બુરજ જેવા લાગે છે. કમાનની રચના અને છતની રચના જોતાં તે 16મી સદીના મધ્યની લાગે છે.

એ સમયમાં આ કલાત્મક જાળીનું કામ અધુરું રહેતા એક જગ્યાએ જાળીના સ્થાને પત્થરો મૂકવામાં આવ્યા છે. અમદાવાદ શહેરને આર્કિટેક્ટર, ઐતિહાસિક રીતે જોવા આવેલા લોકો સીદી સઇદની જાળીની મુલાકાત લઇ અવશ્ય અભિભૂત થઇ જાય છે. વિદ્યાવાચસ્પતિ કે. કા. શાસ્ત્રીજીને પણ આ ઐતિહાસિક સ્થળની વારંવાર મુલાકાત લેવાનું ગમતું હતું. જાપાનના વડાપ્રધાન શીંજો આબે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને આ જાળી બતાવવા લઇ આવેલા.

શહેરની આઇ.આઇ.એમ સહિત અનેક સંસ્થાઓએ પોતાના લોગો-સિમ્બોલમાં સીદી સઇદની મસ્જિદની જાળીને સ્થાન આપ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

રીલ્સ બનાવવાના ચક્કરમાં મુંબઈની ટ્રાવેલ ઈન્ફ્લુએન્સરનું મોત

મુંબઈ: ઇન્સ્ટાગ્રામ પર પોતાની ટ્રાવેલ પોસ્ટ માટે સમાચારમાં રહેતી આન્વી કામદારનું અવસાન થયું છે. મુંબઈ નજીક રાયગઢમાં ધોધમાં પડી જતાં આન્વીનું મોત થયું હતું. આન્વીને ફરવાનો શોખ હતો. તેણે આ ઝનૂનને પોતાની કારકિર્દી બનાવી લીધી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રાયગઢના કુંભે ધોધની સુંદરતાને કેમેરામાં કેદ કરતી વખતે આન્વીનો અકસ્માત થયો હતો. જેમાં તેનું મોત થયું હતું. આન્વી કામદારના ઈન્સ્ટાગ્રામ પર બે લાખ 54 હજારથી વધુ ફોલોઅર્સ હતા. આન્વીએ સીએનો અભ્યાસ કર્યો હતો અને થોડો સમય ડેલોઈટ નામની કંપનીમાં પણ કામ કર્યું હતું. મુંબઈના મલાડમાં રહેતી આન્વી કામદાર ચોમાસા દરમિયાન ધોધનું શૂટિંગ કરવા ગઈ હતી.

300 ફૂટ ઊંડી ખાઈમાં પડી જવાથી મોત

અધિકારીઓએ જણાવ્યું કે આન્વી કામદાર રીલ શૂટ કરતી વખતે 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ દુર્ઘટના રાયગઢ નજીક કુંભે ધોધમાં થઈ હતી. આન્વી 16 જુલાઈના રોજ સાત મિત્રો સાથે ધોધ પર ફરવા ગઈ હતી. એવામાં અચાનક આજે ખબર મળી કે આન્વી વીડિયો શૂટ કરતી વખતે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી. સ્થાનિક અધિકારીઓએ તાત્કાલિક કટોકટીની પ્રતિક્રિયા આપી અને એક બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી. કોસ્ટ ગાર્ડ દળોની સાથે મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત બોર્ડના કર્મચારીઓ પાસેથી વધારાની મદદ માંગવામાં આવી હતી પરંતુ આન્વીને બચાવી શકાઈ ન હતી. ઇન્સ્ટાગ્રામ પર તેના બાયોમાં પોતાનો પરિચય આપતાં આન્વીએ લખ્યું છે ‘ટ્રાવેલ ડિટેક્ટીવ’. આન્વીને ફરવાનો અને સારી જગ્યાઓ વિશે માહિતી આપવાનો શોખ હતો.

EDના રૂ. 1300 કરોડના કૌભાંડના કેસમાં કોંગ્રેસના MLAના ઘરે દરોડા

નવી દિલ્હીઃ EDએ બેન્ક છેતરપિંડી મામલે હરિયાણામાં કોંગ્રેસ વિધાનસભ્ય અને અન્યોનાં સ્થાનો પર દરોડા પાડ્યા છે. આશરે રૂ. 1392 કરોડના બેન્ક કૌભાંડથી જોડાયેલા મામલે દિલ્હી, ઝારખંડ, હરિયાણાનાં કુલ 15 સ્થળો પર સર્ચ ઓપરેશન જારી છે. આ સર્ચ ઓપરેશન દરમ્યાન હરિયાણાથી કોંગ્રેસ વિધાનસભ્ય રાવ દાન સિંહના ઘરે પણ સર્ચ ઓપરેશનની કાર્યવાહી થઈ રહી છે. આ સર્ચ ઓપરેશન દરમ્યાન કેટલાક મહત્ત્વના પુરાવા અને દસ્તવેજ મળ્યા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

કેન્દ્રીય એજન્સીના અધિકારીઓએ હરિયાણાના મહેન્દ્રગઢ, બહાદુરગઢ અને ગુરુગ્રામ તથા દિલ્હી અને જમશેદપુર સહિત આશરે 15 સ્થાનો પર તપાસ કરી હતી. જે લોકોની સ્થાનો પર તપાસ કરવામાં આવી હતી, એમાં મહેન્દ્રગઢ વિસ્તારના 65 વર્ષીય વિધાનસભ્ય સિંહ, તેમનો પુત્ર અક્ષત સિંહ, એલાઇડ સ્ટ્રિપ્સ લિ. (ASL) કંપની તેના તેના પ્રમોટર મોહિન્દર અગ્રવાલ, ગૌરવ અગ્રવાલ અને અન્ય લોકો સામેલ છે. ASL સ્ટીલ ઉત્પાદક કંપની છે.

આ કંપની પર રૂ. 1392 કરોડનું બેન્ક કૌભાંડ કરવાનો આરોપ છે. CBIએ પણ વર્ષ 2022માં કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એવો આરોપ છે કે રાવ દાન સિંહના પરિવાર અને તેમની કંપનીઓએ ASL પાસેથી લોન લીધી હતી, પણ ક્યારેય પરત કરી નહોતી. ત્યાર બાદ આ લોનને NPA ખાતામાં નાખી દીધી હતી. કોંગ્રેસના ભિવાની મહેન્દ્રગઢથી રાવ દાન સિંહને આ લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી હતી. અહીંથી કિરણ ચૌધરીની પુત્રી શ્રુતિ ચૌધરીની ટિકિટ કાપી હતી. જોકે બંને જૂથોમાં આપસી મતભેદોને કારણે કિરણ ચૌધરી ભાજપમાં સામેલ થયા હતા.

રાજ્યના 41 તાલુકાઓમાં નોંધાયો વરસાદ..

રાજ્યમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે હવામાન વિભાગની આગાહી પગલે રાજ્યમાં નોંધપાત્ર વરસાદ નોંધાય રહ્યો છે. મળતી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ત્યારે આજે સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં આ વર્ષે લલનીનો કારણે વધુ વરસાદની થવાની આગાહી વ્યક્ત કરવામાં આ છે. ત્યારે હાલ સુધીમાં ગુજરાતમાં સિઝનનો એવરેજ 33.51 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો 42.98 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ 43.78 ટકા, દક્ષિણ ગુજરાતમાં 37.93 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 23.86 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 22.86 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 41 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છના લખતરમાં 27 mm, ગીર સોમનાથના તાલાલામાં 13 mm, રાજકોટના કોટડા સંગાણીમાં 13 mm, વલસાડમાં 12 mm, ખેડાના નડિયાદમાં 12 mm આ ઉપરાંત રાજ્યના 36 તાલુકમાં 1 થી 10 mm વચ્ચે વરસાદ નોંધવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો, આજે દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત કચ્છ, સુરેન્દ્રનગર, બોટદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં અતિભારે અને બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે તારીખ 19 અને 20 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસામાં પક્ષીઓ અને જીવજંતુની ફોટોગ્રાફી માટે આ વિસ્તાર સ્વર્ગ સમાન

આમતો ચોમાસાના આગમન સાથે ગીર અને કાળીયાર અભ્યારણ્યમાં સફારી બંધ થઈ જાય પણ દેવાળીયા સફારી પાર્કમાં અને ગીરમાં સફારી થાય. સફારી સીવાય જો કોઈ ગીર કે કાળીયાર અભ્યારણ્ય આસપાસ ચોમાસામાં મુલાકાત લે તો એટલું આહલાદક વાતાવરણ અને કુદરતી સૌંદર્ય હોય કે લોકો હિલસ્ટેશન પણ ભૂલી જાય. પણ હા આ બંને અભ્યારણ્યમાં અસલી મજાતો અહીં ચોમાસામાં આવતા યાયાવર (માઈગ્રેટરી) અને સ્થાનિક પક્ષીઓની ફોટોગ્રાફી તેમજ વિવિધ જીવજંતુઓની મેક્રો ફોટોગ્રાફીની પડે.

ગીર અને વેળાવદર આસપાસના ખેતરો તથા આંબાવાડીઓમાં આવા પક્ષીઓ અને વિવિધ કરોળીયા, જીવજંતુ, પતંગીયા અને ફુદ્દાઓની ઘણી બધી જાતો જોવા મળે. ચોમાસામાં 3-4 દિવસ અહીં રહીને પૂર્ણ સમય ફોટોગ્રાફીને ફોકસ કરો અને ફરો તો એક સારું ફોટો પ્રદર્શન થઈ જાય.

ગુજરાતમાં ચોમાસાના આ ઓછા જાણીતા પાસાને આપણે ગુજરાતીઓ એ એકવાર તો અનુભવવું અને માણવું જ જોઈએ.

અખિલેશની મૌર્યને મોન્સુન ઓફરઃ ‘સો લાવો, સરકાર બનાવો’

લખનૌઃ ઉત્તર પ્રદેશ ભાજપમાં જારી ઘમસાણની વચ્ચે SP પ્રમુખ અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને કહ્યું છે કે મોન્સુન ઓફરઃ 100 લાઓ, સરકાર બનાવો. તેમણે આ પોસ્ટમાં કોઈ પણ ભાજપના નેતાનું નામ નથી લીધું, પણ તેમની આ પોસ્ટ કેશવ પ્રસાદ મૌર્ય માટે છે. કેશવ મૌર્ય લોકસભા ચૂંટણી પરિણામ પછી અનેક વાર દિલ્હીના ચક્કર લગાવી ચૂક્યા છે. તેમની અને CM યોગીની વચ્ચે મતભેદો બહુ વધી ચૂક્યા છે.

આ પહેલાં યાદવે X પોસ્ટ પર કહ્યું હતું કે UP ભાજપમાં ખુરશીની ખેંચતાણ ચાલી રહી છે. એને કારણે રાજ્યમાં વહીવટ કોરાણે મુકાયો છે. તોડફોડનું રાજકારણ જે કામ ભાજપ અન્ય પક્ષોમાં કરે છે, હવે પક્ષમાં અંદર કરી રહ્યો છે. એટલા ભાજપ આંતરિહ કલહના કળણમાં ધસી રહ્યો છે. રાજ્યની જનતા વિશે વિચારવાળું ભાજપમાં કોઈ નથી.

આ પહેલાં કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે દેશ અને પ્રદેશ—ંને જગ્યાએ ભાજપની મજબૂત સંગઠન અને સરકાર છે. તેમણે દાવો કર્યો હતો કે UPમાં SPના ગુડારાજની વાપસી અસંભવ છે અને ભાજપ 2027 વિધાનસભા ચૂંટણીમાં 2017નું પરિણામ લાવશે.

મોર્યની આ પોસ્ટ પર SPના સિનિયર નેતા અને અખિલેશ યાદવના કાકા શિવપાલ સિંહ યાદવે કહ્યું હતું કે PDA સામાજિક ન્યાયના વિસ્તારની ગેરન્ટી છે. PDA દરેક દલિત, અલ્પસંખ્યક, વંચિત અને પછાતના અધિકારની ગેરન્ટી છે.

જોકે ભાજપનું ફોકસ હવે રાજ્યમાં થનારી 10 વિધાનસભાની સીટોની પેટા ચૂંટણી પર છે. પાર્ટી એની તૈયારીમાં લાગી ગઈ છે.

 

 

 

 

 

 

સોનાક્ષીએ તેના અને ઝહીર વચ્ચેના ભેદનો કર્યો ખુલાસો

મુંબઈ: બોલીવુડના દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પુત્રી અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ અભિનેતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. સોનાક્ષી અને ઝહીરના લગ્ન સતત ચર્ચામાં રહ્યા. અભિનેત્રી અને તેના અભિનેતા પિતા તથા રાજકારણી શત્રુઘ્ન સિન્હા આ લગ્નને લઈને સતત ટ્રોલના નિશાના પર હતા, જેનું એક કારણ સોનાક્ષી અને ઝહીર અલગ-અલગ ધર્મના હોવાનું હતું. સોનાક્ષીએ સાત વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ ઝહીર સાથે લગ્ન કર્યા. અભિનેત્રી લગ્ન પછી તેના બેસ્ટ તબક્કામાં છે અને આ દિવસોમાં તેનું બીજું હનીમૂન માણી રહી છે. સોનાક્ષી અને ઝહીર ફિલિપાઈન્સમાં તેમનું બીજું હનીમૂન માણી રહ્યા છે. આ દરમિયાન સોનાક્ષીએ તેના અને તેના પતિ ઝહીર વચ્ચેના સૌથી મોટા તફાવતનો ખુલાસો કર્યો છે.

(Photo:Sanjay Tiwari/IANS)

સોનાક્ષીએ પોતાની અને ઝહીર વચ્ચેનો તફાવત જણાવ્યો

સોનાક્ષી સિંહાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા પોતાની અને તેના પતિ ઝહીર વચ્ચેનો તફાવત જાહેર કર્યો છે. તેણે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં તેનો અને ઝહીરનો વર્કઆઉટ વીડિયો શેર કર્યો છે, જેમાં અભિનેત્રીને ઇન્ડોર જીમમાં પરસેવો પાડતી જોઈ શકાય છે, જ્યારે ઝહીર બહાર જોગિંગ કરી રહ્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે સોનાક્ષીએ કેપ્શનમાં લખ્યું- ‘ઇન્ડોર વર્સિસ આઉટડોર લોકો’. પોસ્ટ પરથી સ્પષ્ટ થાય છે કે કપલ હનીમૂન પર હોવા છતાં સાથે સમય વિતાવતા તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

હનીમૂન પર ઝહીર-સોનાક્ષી

સોનાક્ષીએ તેના પતિ ઝહીર સાથે હેંગ આઉટ કરતી વખતે તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં બંને સાથે હેંગઆઉટ કરતા જોઈ શકાય છે. સોનાક્ષી અને ઝહીરે હનીમૂન પર ડેટ નાઈટ એન્જોય કરી હતી. ઝહીરે તેની ઈન્સ્ટા સ્ટોરી પર સોનાક્ષીની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે, જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે – ‘મારી છોકરી સાથે ડેટ નાઈટ.’ સોનાક્ષી અને ઝહીર સતત સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે સુંદર દૃશ્યોની ઝલક શેર કરી રહ્યાં છે.

અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં સોનાક્ષી-ઝહીરે હાજરી આપી હતી

સોનાક્ષી અને ઝહીર તેમના લગ્ન બાદથી સતત સમાચારોમાં રહે છે. તાજેતરમાં જ સોનાક્ષીએ અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં પણ હાજરી આપી હતી અને આ દરમિયાન તેનો પતિ ઝહીર ઈકબાલ પણ તેની સાથે હતો. સોનાક્ષી અને ઝહીર અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારંભમાં સામેલ થયા હતાં. લગ્ન પછી આ પહેલીવાર હતું જ્યારે બંને પાર્ટીમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન સોનાક્ષીએ તેના કપાળ પર લાલ સિંદૂર લગાવ્યું હતું અને કપાળ પર લાલ બિંદી પણ લગાવી હતી. તેણે અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહ માટે સુંદર અનારકલી સૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ અનંત-રાધિકાને તેમના નવા જીવન માટે શુભકામનાઓ પણ પાઠવી હતી.

મનનું ઘડતર

દ્રૌપદીના સ્વયંવરમાં અતિ કઠીન કસોટીમાં અર્જુન ઉત્તીર્ણ થયા. ત્રાજવાંનાં બે પલ્લામાં પગ સ્થિર કરી પાણીમાં પડતું પ્રતિબિંબ જોઈને એમણે મત્સ્યવેધ કર્યો. મનની આવી અસીમ એકાગ્રતાને વરેલા અર્જુને પણ શ્રીકૃષ્ણને કહયું હતું: મારું મન ભમે છે. હું મારા ચંચળ મનને સ્થિર કરી શકતો નથી. આ વેદના પાંચ હજાર વર્ષ પૂર્વેના એક પાર્થની જ નહીં, પણ પૃથ્વી પર વસતા પ્રત્યેક પાર્થની છે.

 માણસની અપાર શક્તિ અને સામર્થ્યની વંદના કરતાં કહેવામાં આવ્યું છે કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. હજારો માણસોને ખોળામાં સમાવી લે તેવા વિમાન બનાવી આભને આંબતો થઈ ગયો તો આકાશને આંબતા આવાસ બનાવી ગગનમાં વિહરતો થઈ ગયો. હજારો ટન સામગ્રી સાથે સમંદર પર સરકવા લાગ્યો તો પવન સાથે બાથ ભીડે તેવી બુલેટ ટ્રેનમાં મહાલવા લાગ્યો, દુનિયાઆખીને મુઠ્ઠીભર મોબાઈલમાં માણતો થઈ ગયો તો પળવારમાં પરિવર્તન કરે તેવાં મશીનોની માયાજાળ ગૂંથતો થઈ ગયો.

આટલી સિદ્ધિઓ પછી પણ માણસ પોતાના મન સામે કેમ માયકાંગલો પુરવાર થાય છે? જંગલી પશુઓને આંગળીના ઈશારે નચાવનારો માણસ આજે પોતાના મન આગળ કેમ નાચવા લાગે છે? ભૂકંપે અડીખમ રહે તેવા નિવાસો રચનારો માણસ, મનના એક ઝપાટે કેમ ભોંયભેંગો થઈ જાય છે? આજના વિશ્વની સમસ્યા અસ્થિર અર્થતંત્ર નહીં, પણ અસ્થિર માનસતંત્ર છે.

સવારે વહેલા ઊઠવાનું કે નિરામય ને મિત્ત આહાર લેવાનું, નિત્ય કસરત કે વૉકિંગ કરવાનું નક્કી કરું છું, પણ મન રોજ મને રમાડી જાય છે આવા સંવાદ આપણે અવારનવાર સાંભળીએ છીએ. સાયન્સ લેવું કે કૉમર્સ, દેશમાં ભણવું કે વિદેશ જવું, નોકરી કરવી કે ધંધો કરવો… મન કોઈ નિર્ણય જ કરી શકતું નથી. ખરાબ વિચારો કે વ્યસનો સામે, કુટેવો કે ક્રોધી સ્વભાવ સામે મારું મન હંમેશાં હિંમત હારી જાય છે. અભ્યાસ કે સ્પૉર્ટ્સમાં મળેલી નિષ્ફળતાને અને પ્રેમ કે પરિવારમાં થયેલા કટુ અનુભવને મારું મન ભૂલી જ શકતું નથી. હા, કોઈનું મન સાવ ભાંગી ગયું છે તો કોઈનું સાવ થાકી ગયું છે. એટલે જ તો આજે મનોચિકિત્સકોના દરવાજે મોટી લાઈનો લાગે છે. ડિપ્રેશનની ગર્તામાં ધકેલાઈ જવું આજે સામાન્ય થઈ પડ્યું છે.

શરીરને દુરસ્ત રાખવા માટે આપણે ઘણું બધું કરીએ છીએ પણ વધારે અગત્યનું એ છે કે આપણું મન પણ દુરસ્ત રહે. કહેવાયું છે કે મનઃ એવ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયોઃ અર્થાત્ મન જ મનુષ્યનાં બંધન અને મોક્ષનું કારણ છે.

સર્વ સુખ કે દુઃખનું કારણ એવા અશાંત અને અસ્થિર મનને વશ કરવાનો ઉપાય બતાવતાં શ્રીકૃષ્ણ ભગવદ ગીતામાં કહે છે: મન ચંચળ છે, અને વશ કરવું મુશ્કેલ છે, પણ અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરાય છે.

શાનો અભ્યાસ? મનને વશ કરવાનો અભ્યાસ. એવા અભ્યાસની પાઠશાળા એટલે આપણાં મંદિરો, શાસ્ત્રો અને પવિત્ર સંતો. એટલું નિશ્ચિત છે કે સનાતન પ્રશ્નોના ઉત્તર આધ્યાત્મિક જગતમાંથી મળવાના છે, અન્યથા માનવીના અસ્તિત્વનો હેતુ સમજવો જ અશક્ય છે.

માનવમનની શુદ્ધિ, સંવૃદ્ધિ, સ્થિરતા અને સલામતી માટે આધ્યાત્મિકતા જરૂરી છે અને આધ્યાત્મિકતાની સર્વાંગ સંપૂર્ણ સિદ્ધિ થાય તે માટે મંદિરો. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે મનને સ્થિર કરે તે મંદિર, ઉચ્ચ જીવનની પ્રેરણા આપે તે મંદિર. માટે જ પ્રમુખસ્વામી મહારાજે મંદિરોનું માત્ર મહિમામંડન ન કરતાં વિશ્વભરમાં 1100 થી વધુ મંદિરો સર્જ્યાં. સાથે સાથે પોતાના સંતો દ્વારા શાસ્ત્રજ્ઞાનની સરવાણી વહાવી શાસ્ત્રોને અનુમોદન આપ્યું. એમનો હેતુ એક જ હતોઃ લોકો જ્ઞાન પામી મનને સ્થિર રાખી શકે.

ચાલો, આપણે આપણાં મનને અસ્થિર કરનારાં અનિષ્ટોથી દૂર રહી મનને મજબૂત કરે તેવાં મંદિરો અને સ્થિર કરે તેવા ગુણિયલ સંતો તથા શાસ્ત્રોના સંગમાં રહી મનનું ઘડતર કરીએ, મનને મજબૂત બનાવવા કમર કસીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)