Home Blog Page 1643

વાઘના બે ઘાયલ બચ્ચાને બચાવવા રેલવેએ સ્પેશિયલ ટ્રેન દોડાવી

ભોપાલ: મધ્યપ્રદેશમાં રેલવેએ એક ડબ્બાની વિશેષ ટ્રેન બે વાઘના બચ્ચાને બચાવવા માટે દોડાવી. જેના માટે રેલવેના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર લોકો ભારતીય રેલવેના આ પગલાના દિલથી  આવકારી રહ્યાં છે. બંને બચ્ચા 14-15 જુલાઈની રાત્રે બુધની નજીક જંગલ વિસ્તારમાં ટ્રેનની ટક્કર બાદ ઘાયલ થયા હતાં. બંનેને સ્પેશિયલ ટ્રેનથી ભોપાલ લાવવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી. અધિકારીઓના જણાવ્યા મુજબ રવિવારે રાત્રે ટ્રેનની ચપેટમાં આવવાથી એક બચ્ચાનું મોત નીપજ્યું, જ્યારે બે ઘાયલ થઈ ગયા હતાં. બંને રેલવે ટ્રેકના કિનારે નાળામાં ફસાઈ ગયા હતાં. ઘટના સ્થળ બે સુરંગોની વચ્ચે હતું. જેના કારણે ઘટના સ્થળે કોઈ વાહનને લઈ જવુ શક્ય નહોતું. બપોરે ભોપાલથી વિશેષ ટ્રેન ઘટના સ્થળ પર મોકલવામાં આવી. ટ્રેનથી 132 કિલોમીટરનું અંતર કાપીને બચાવ દળ ઘટના સ્થળે પહોંચ્યુ તો બચ્ચાની માતા ત્યાં હાજર હતી. દરમિયાન બચાવ અભિયાન રોકવું પડ્યુ. મંગળવારે સવારે અભિયાન ફરીથી શરૂ કરવામાં આવ્યુ અને ઈજાગ્રસ્ત બચ્ચાને ટ્રેનમાં ચઢાવાયા. ત્યાંથી તેને ભોપાલ પહોંચાડવામાં આવ્યા. આ અભિયાન 3.20 કલાક ચાલ્યુ. બંને બચ્ચા હવે ખતરાથી બહાર છે.

મુખ્યમંત્રી મોહન યાદવે આ મુદ્દે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, મધ્યપ્રદેશ સરકારની તત્પરતા અને સંવેદનશીલતાથી રેલવે ટ્રેક પર ઘાયલ થયેલા વાઘણના બે બચ્ચાને સમયસર સારવાર મળવી પ્રશંસનીય છે. સીહોરના બુધનીમાં મિડઘાટ રેલવે ટ્રેક પર થયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશ સરકાર અને રેલવે મંત્રાલયે સમન્વયની સાથે ખૂબ ઓછા સમયમાં એક ડબ્બાની સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરીને, બંને બચ્ચાની શ્રેષ્ઠ સારવાર માટે ભોપાલ લાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભગવાનને બંને બચ્ચા ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના.

હરિયાણામાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ?

નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ભાજપથી માંડીને કોંગ્રેસ, JJP અને INLD સુધી બધા રાજકીય પક્ષ આક્રમકતાની સાથે ચૂંટણીની તૈયારીમાં લાગેલા છે. અમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં માટે એલાન કર્યું છે કે પક્ષ રાજ્યની બધી વિધાનસભામાં બધી બેઠકો પર ઉમેદવાર ઉતારશે. અત્યાર સુધી રાજ્યમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસની વચ્ચે થયો હતો, પણ આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ થવાની શક્યતા છે.

રાજ્યમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચંડીગઢમાં આપ પાર્ટીની પત્રકાર પરિષદમાં પંજાબના CM ભગવંત માને કહ્યું હતું કે આ વખતે હરિયાણામાં પાર્ટી બધી વિધાનસભા બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે.આમ આદમી પાર્ટી એક દાયકાની અંદર રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે. અમે બે રાજ્યો –દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહ્યા છે. અમે કોઈ પણ રાજકીય પક્ષ સાથે કોઈ ગઠબંધન નહીં કરીએ. હરિયાણા એક એવું રાજ્ય છે, જેણે બધા પક્ષોને તક આપી છે, પરંતુ કોઈ પણ અહીંના લોકોની આશા પર ખરું નથી ઊતર્યું.

CM કેજરીવાલ હરિયાણાના છે. આવામાં અમારી બહુબધી અપેક્ષાઓ છે. પંજાબ અને હરિયાણાની વચ્ચે બહુબધી સમાનતાઓ છે. અડધું હરિયાણા પંજાબ બોલે છે. પક્ષ 20 જુલાઈએ હરિયાણા માટે કેજરીવાલની ગેરન્ટી જારી કરશે. આ પ્રસંગે કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલ પણ હાજર રહેશે, એમ તેમણે કહ્યું હતું.

લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં આપ અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધ થયું હતું, પણ હવે વિધાનસભા ચૂંટણીમાં બંને પાર્ટી વચ્ચે ગઠબંધન નહીં પણ સીધી ટક્કર થશે.

 

51.2 MMT કાર્ગોનું સંચાલન કરનાર મુંદ્રા પ્રથમ પોર્ટ

અમદાવાદ: અદાણી પોર્ટ મુન્દ્રા અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી ઉત્તરોત્તર પ્રગતિનાં શિખરો સર કરી રહ્યું છે. જૂન, 2024માં કંપનીએ વિવિધ વિક્રમોની વણજાર સર્જી છે. કાર્ગો હેન્ડલિંગ, કન્ટેનર રેક હેન્ડલિંગ, અને મરીન ઓપરેશન્સમાં અભૂતપૂર્વ સીમાચિહ્નો હાંસલ કરનાર મુંદ્રા પોર્ટ ભારતનું એકમાત્ર પોર્ટ બની ગયું છે.

જૂન, 2024માં અદાણી પોર્ટ્સ મુન્દ્રાએ સૌથી વધુ 1594 કન્ટેનર ટ્રેન (1.68 લાખ કન્ટેનર) હેન્ડલ કરીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. આ અસાધારણ કામગીરીમાં કુલ 33 ટ્રેનો દ્વારા સંચાલિત 3954 TEUs સાથે એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યામાં આઉટવર્ડ (આયાત) TEUનું હેન્ડલિંગ પણ સામેલ છે.

મુંદ્રા પોર્ટે FY25ના Q1માં 51.2 મિલિયન મેટ્રિક ટન (MMT) ઐતિહાસિક કાર્ગો હેન્ડલિંગ કરી નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે. ભારતમાં એક ક્વાર્ટરમાં આટલો કાર્ગો હેન્ડલ કરનાર પ્રથમ પોર્ટ. તે દેશના લોજિસ્ટિક્સ અને વેપાર ક્ષેત્રોમાં મુન્દ્રા પોર્ટની મુખ્ય ભૂમિકા દર્શાવે છે.

અદાણી પોર્ટ્સની મરીન ટીમે એક જ દિવસમાં 45 જહાજોનું સંચાલન કરીને એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. મુંદ્રા પોર્ટ દ્વારા એક જ દિવસમાં હેન્ડલ કરાયેલાં જહાજોની આ સૌથી વધુ સંખ્યા છે. પોર્ટના મરીન ઓપરેન્શે અગાઉ 17-18 ડિસેમ્બર, 2023એ 43 જહાજ હેન્ડલિંગનો વિક્રમ સર્જ્યો હતો. 24-કલાકના સમયગાળામાં બંદરે જટિલ દરિયાઈ કામગીરીનું સુરક્ષિત સંકલન કરી કાર્યક્ષમતાને ઉજાગર કરી છે.

APSEZ ના પ્રવક્તાએ આ સીમાચિહ્નો હાંસલ કરવા અંગે જણાવ્યું હતું કે આ સિદ્ધિઓ અમારી ટીમના અવિરત સમર્પણ, નવીન અભિગમ અને પોર્ટ ઓપરેશનમાં નવા માપદંડો સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. ભારતની લોજિસ્ટિક્સ ક્ષમતાઓમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ અમને ગર્વ છે. અમારા તમામ પ્રયાસોમાં વૃદ્ધિ અને શ્રેષ્ઠતા બરકરાર રાખવા અમે પ્રતિબદ્ધ છીએ.

ભારતની સૌથી મોટી પોર્ટ ઓપરેટર કંપની અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) વ્યૂહાત્મક પહેલ, અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ એક્સેલન્સમાં ઉદ્યોગનું નેતૃત્વ કરી રહી છે. બ્લુમબર્ગમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, અદાણી ગ્રુપ વિયેતનામમાં ચોથું આંતરરાષ્ટ્રીય પોર્ટ બનાવશે. અગાઉ કંપનીએ ઇઝરાયેલમાં હાઇફા, શ્રીલંકાના કોલંબો અને તાન્ઝાનિયાના દાર એ સલામમાં પોર્ટ મેળવ્યા છે. વિદેશમાં અદાણી પોર્ટના વધતા નેટવર્કથી ભારતની આસપાસ વ્યાપાર માળખું વિકસાવવામાં વધુ મદદ મળશે.

4 ગુજરાત NCC બટાલિયનનો વાર્ષિક ટ્રેનિંગ કેમ્પ યોજાયો

અમદાવાદ: વલ્લભ વિદ્યાનગરમાં આવેલા NCC ગ્રુપના હેડક્વાર્ટર ખાતે 4 ગુજરાત બટાલિયનનો સંયુક્ત વાર્ષિક ટ્રેનિંગ કેમ્પ યોજાયો. આ શિબિર 7મી જુલાઈ, 2024થી 16મી જુલાઈ 2024 સુધી થમણા ગામ ખાતે યોજાઈ. જેમાં આર્મી સિનિયર ડિવિઝન અને જુનિયર ડિવિઝન બંનેના થઈને 550 NCC કેડેટ્સે ભાગ લીધો હતો. શિબિરનો ઉદ્દેશ્ય કેડેટ્સને ‘રેજીમેન્ટેડ વે ઓફ લાઈફ’નો પરિચય કરાવવાનો હતો. જેનાથી તેમનામાં મિત્રતા, ટીમ વર્ક, નેતૃત્વની ગુણવત્તા, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને શ્રમના મહત્વનો વિકાસ થાય. શિબિર દરમિયાન આ કેડેટ્સને રેન્જ ડ્રીલ, ફાયરિંગ અને વિશિષ્ટ તાલીમનો મહત્તમ અભ્યાસ કરાવવામાં આવ્યો. સાથે જ સામૂહિક જીવન, શિસ્ત, ચારિત્ર્ય, આત્મવિશ્વાસ નિર્માણ અને પ્રાથમિક સારવારની તાલીમ પણ આપવામાં આવી હતી. ભૂતપૂર્વ NCC કેડેટ્સના જૂથ EXPA (એક્સચેન્જ પાર્ટિસિપન્ટ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા)ની ટીમે શિબિરની મુલાકાત લીધી હતી. તેમણે ભારતના આ યુવાનોને વધુ સારા કુશળ અને જવાબદાર નાગરિક બનવા તરફ વિકાસ કરવાના ઉદ્દેશ્યો પર ભાર મૂક્યો હતો. આ NCC કેડેટ્સ શિબિરમાં મેળવેલા જ્ઞાન અને પ્રેક્ટિકલ ટ્રેનિંગનો વાસ્તવમાં ઉપયોગ કરવા માટે ખુબ જ ઉત્સાહિત છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 31 કેસ નોંધાતા હડકંપ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર મચી જવા પામ્યો છે. વાયરસના સંક્રમણથી વધી રહેલા દર્દીઓની સંખ્યાથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. અત્યાર સુધી આ વાઇરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળ‌તી હતી પણ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ જોવા મળી રહી છે.આજે રાજકોટમાં 3 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મૃત્યુ થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 31 થઈ છે. જ્યારે મૃત્યુઆંક વધીને 19 થયો છે.

રાજકોટમાં વધુ ત્રણ બાળકોના મૃત્યુ થયા

રાજકોટમાં જ 5 શંકાસ્પદ દર્દીના મૃત્યુ થઈ ગયા છે. મોરબીની બાળકીનું 14 જુલાઈએ, પડધરીના હડમતીયાના 2 વર્ષીય બાળકનું 15 જુલાઈએ, જેતપુરના પેઢીયા ગામના 8 વર્ષના બાળકનું 16 જુલાઈએ મૃત્યુ થયું હતું. મધ્યપ્રદેશના 13 વર્ષીય સુજાકુમાર ધનકને 16 જુલાઈ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મૃત્યુ થયું હતું. 3 વર્ષીય રિતિક રાજારામ મુખીયા 14-7-2024ના રોજ દાખલ થયો હતો અને 17 જુલાઈના રોજ મૃત્યુ થયું હતું. ગત 6 જુલાઈના રોજ પંચમહાલના ઘોઘંબાના લાલપુરી ગામે 4 વર્ષીય બાળકી મૃત્યુ પામી હતી. આ બાળકીનું ચાંદીપુરા વાઇરસના સંક્રમણથી મૃત્યુ થયું હોવાની ચર્ચાઓ હતી.

રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ

આજે જિલ્લા આરોગ્યની ટીમ તેમજ ડીડીઓ સહિતના આરોગ્યના કર્મચારીઓ કોટડા ગામે આવી પહોંચ્યા હતા. જે વાઈરસના કારણે બાળકીનું મોત થયું હતું તે મકાનમાં જરૂરી દવાનો છંટકાવ કર્યો હતો. ત્યારબાદ પંચમહાલ જિલ્લાના ડીડીઓ દ્વારા તમામ ઘરની મુલાકાત લેવાઈ હતી.ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા રોગથી નાના બાળકોનાં મૃત્યું થયા છે. રાજ્ય કક્ષાની રેપીડ રિસ્પોન્સ ટીમે અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાની મુલાકાત લીધી છે. ચાંદીપુરાનાં શંકાસ્પદ 31 કેસ રાજ્યભરમાં નોંધાયા છે. અમદાવાદ,ગાંધીનગર સહિત 13 જીલ્લામાં કેસ નોંધાયા છે. રાજ્યભરનાં 10 હજાર 181 ઘરોમાં 51 હજાર 726 લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ છે.

આજે આરોગ્ય વિભાગની બેઠક યોજાશે

ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં ભાટ પાસે ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. તે ઉપરાંત જામનગરના જામજોધપુર તેમજ ધ્રોલ તાલુકામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ મળી આવતા આરોગ્ય તંત્ર બન્યું સજાગ છે. કેબિનેટ મંત્રી રાધવજી પટેલ,ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જિલ્લા ના આરોગ્ય અધિકારીઓ સાથે ગુરુ ગોવિંદ સિંગ સિવિલ હોસ્પિટલમાં કરી ઉચ્ચસ્તરીય બેઠક કરી છે. તે ઉપરાંત આરોગ્ય વિભાગની આજે બપોરે મહત્વની સમીક્ષા બેઠક યોજાશે. જેમાં રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરના આરોગ્ય અધિકારીઓ તેમજ સિવિલ હોસ્પિટલના તબીબો સાથે આરોગ્ય મંત્રી સ્થિતિની સમીક્ષા કરશે.

રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર! 5 બાળકોના શંકાસ્પદ મોત

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. એક બાજુ ચોમાસાને લઈ પાણી જન્ય રોગાચાળામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજું ચાંદીપુરા વાયરસનો પણ ગુજરાતમાં પગપેસારો થતો નોંધાય રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા પાંચ દીર્દી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં પાંચે બાળકોના મૃત્યુ થયા છે. આ દર્દીઓ ચાંદીપુરા વાયરસથી ગ્રસ્ત હોવાની આશંકા છે. ત્યારે વાયરસના લક્ષણોના આધારે પાંચે બાળકોના જરૂરી સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે પૂર્ણે મોકલવામાં આવ્યા છે.

આ સાથે રાજકોટ સહિત ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી થનારા મોતનો આંકડો ધીરેધીરે વધી રહ્યો છે. મળતી માહિતી અનુસાર હાલ સુધીમાં લગભગ 19 જેટલા બાળકોએ ચાંદીપુરા વાયરસથી પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં જ 5 શંકાસ્પદ દર્દીના મોત થઈ ગયા છે. જેમાં મોરબીના રાશિ પ્રદીપ સાહરીયાને 12 જુલાઈએ રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી. જેનું 14 જુલાઈએ મોત થઈ ગયું છે. પડધરીના હડમતીયાનો 2 વર્ષીય પ્રદીપ ગોવિંદભાઈ રાઠોડને 9 જુલાઈએ દાખલ કરવામાં આવ્યો હતો અને તેનું 15 જુલાઈએ મોત થઈ ગયું છે. જેતપુરના પેઢીયા ગામનો 8 વર્ષના કાળુ ચંપુલાલને 15 જુલાઈએ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. તેમજ મધ્યપ્રદેશના 13 વર્ષીય સુજાકુમાર ધનકને 16 જુલાઈ દાખલ કરવામાં આવ્યો અને તેનું એ જ દિવસે મોત થઈ ગયું હતું. જ્યારે 3 વર્ષીય રિતિક રાજારામ મુખીયા 14-7-2024ના રોજ દાખલ થયો હતો અને 17 જુલાઈના રોજ તેનું મોત થઈ ગયું હતું.

શું છે ચાંદીપુરા વાઈરસ?

આ કોઈ નવો વાઈરસ નથી. એનો પહેલો કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં સામે આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર, ગુજરાત અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તાર આ વાઈરસથી પ્રભાવિત છે. આ એક આરએનએ વાઈરસ છે. એના સંક્રમણથી દર્દી મગજનો તાવ (એન્સેફ્લાઇટિસ)નો શિકાર થઈ જાય છે. એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી ફેલાય છે.

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં ભાવનગર તથા ગીર સોમનાથ, બોટાદ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તથા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કલ્યાણપુર અને મુંદ્રામાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. જેમાં પોરબંદર, લોધિકા, લાલપુરમાં 2-2 ઇંચ વરસાદ આવ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લા અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગીર સોમનાથના વેરાવળમાં 5.25 ઈંચ વરસાદ નોંધાયો હતો.

સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાત પર બનેલી સિસ્ટમોને કારણે રાજ્યમાં અતિભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. જે બાદના બે દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડવાની આગાહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં ગાજવીજની સાથે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આપેલા 18મી તારીખના મેપ પ્રમાણે, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, જામનગર, રાજકોટ, ભરૂચ, નર્મદા,છોટાઉદેપુર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તેમજ જૂનાગઢ, પોરબંદર, દ્વારકામાં રેડ એલર્ટ સાથે રાજકોટ, જામનગરમાં રેડ એલર્ટ અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર તથા ગીર સોમનાથ, બોટાદ, ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. અમરેલી, વલસાડ, નવસારીમાં ઓરેન્જ એલર્ટ તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તથા બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં યલો એલર્ટ છે. તેમજ અરવલ્લી, તાપી, સુરતમાં હળવા વરસાદની આગાહી છે. તેમજ ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુરમાં વરસાદની આગાહી સાથે અમદાવાદ, ગાંધીનગર, આણંદ,ખેડામાં પણ વરસાદની આગાહી છે.

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી

માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ હવે આગળ વધીને ઓડિશા પહોંચી ગઈ છે અને તે વધારે મજબૂત બની છે એટલે કે તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે.

જાહ્નવી કપૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

જાહ્નવી કપૂરનું નામ હાલમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સ સાથે જોડાઈ રહ્યું છે. આ વર્ષે તેની એક ફિલ્મ આવી છે – મિસ્ટર એન્ડ મિસિસ માહી, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. તે ટૂંક સમયમાં સાઉથ અને બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળવાની છે. શૂટિંગ ઉપરાંત આગામી ફિલ્મોના પ્રમોશન અને ઇવેન્ટ્સને કારણે તેનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. તે કામ પૂરું કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન જાણકારી મળી હતી કે જાન્હવી કપૂર હોસ્પિટલમાં દાખલ છે.


જાહ્નવી કપૂર પાસે અત્યારે ઘણું કામ છે. અહીં બીજી ફિલ્મનું પ્રમોશન શરૂ થાય તે પહેલાં એક ફિલ્મનું શૂટિંગ પૂરું પણ થતું નથી. આ સિવાય તે તાજેતરમાં રાધિકા-અનંત અંબાણીના લગ્નમાં પણ હાજરી આપી હતી. જો કે, ભારે કામ અને સામાજિક દિનચર્યાએ તેમના સ્વાસ્થ્યને અસર કરી છે. જેના કારણે અભિનેત્રીની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

જાહ્નવી કપૂર હોસ્પિટલમાં દાખલ

જાહ્નવી કપૂરના નજીકના મિત્રએ તેમને જણાવ્યું કે જાહ્નવી કપૂરને ફૂડ પોઈઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એવું જાણવા મળ્યું હતું કે 17 જુલાઈના રોજ, અભિનેત્રીની તબિયત નોંધપાત્ર રીતે બગડી હતી. જે બાદ તેણે પોતાની તમામ એપોઇન્ટમેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ તે ઘરે આરામ કરી રહી હતી. જોકે, સ્થિતિ સુધરવાને બદલે બીજા દિવસે એટલે કે ગુરુવારે વધુ વણસી ગઈ. આ પછી તેના પરિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કર્યો.

 

સેન્સેક્સ સૌપ્રથમ વાર 81,000, નિફ્ટી 24,800ને પાર

અમદાવાદઃ નિફ્ટી વીકલી એક્સપાયરીને દિવસે બજારમાં તેજી થઈ હતી. સેન્સેક્સમાં સતત ચોથા દિવસે તેજી થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટી નવા શિખરે બંધ થયા હતા. ઇન્ફોસિસનાં પ્રોત્સાહક પરિણામો આવતાં IT શેરોની આગેવાનીમાં ધૂમ તેજી થઈ હતી. FMCG, બેન્કિંગ અને ઓટો ઇન્ડેક્સ વધીને બંધ થયા હતા, જ્યારે PSE, મેટલ અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જેથી રોકાણકારોના રૂ. 1.02 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

બજારના ટ્રેડિંગ સેશન દરમ્યાન સેન્સેક્સે 81,522નો નવો ઓલટાઇમ હાઇ બનાવ્યો હતો, જ્યારે નિફ્ટીએ 24,838નો નવો ઓલટાઇમ હાઇ બનાવ્યો હતો. ટ્રેડિંગ સેશનને અંતે નિફ્ટી 188 પોઇન્ટની તેજી સાથે 24,801ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 627 પોઇન્ટ ઊછળી 81,343.46ના મથાળે બંધ રહ્યો હતો. નિફ્ટી 224 પોઇન્ટની તેજી સાથે 52,621ના સ્તરે બંધ થયો હતો. લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 454.22 લાખ કરોડ થયું હતું.

બજારમાં સવારના ટ્રેડિંગ સેશન પહેલાં શેરોમાં વેચવાલી ફરી વળી હતી, પણ IT ક્ષેત્રની બીજા ક્રમાંકની કંપની ઇન્ફોસિસનાં જૂન ત્રિમાસિકનાં પરિણામો બજારની અપેક્ષા કરતાં વધુ સારા આવતાં બજાર બંધ થતાં પહેલાં IT શેરોની આગેવાની હેઠળ તેજી થઈ હતી.

બજારમાં હાલમાં બેતરફી વધઘટ જોવા મળે છે. આવતા સપ્તાહે નાણાપ્રધાન મોદી સરકારનું પહેલું બજેટ રજૂ કરવાના છે, જેને લઈને બજારને ઘણીબધી અપેક્ષા છે. સરકાર રાજકોષીય ખાધને કાબૂમાં લેવા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્સ પર કેટલો ખર્ચ કરે એના પર બજારની નજર છે. આ સાથે બજારમાં હાલ ત્રિમાસિક પરિણામોની મોસમ ચાલી રહી છે, જેથી બજારમાં સ્ટોક સ્પેસિફિક કામકાજ જોવા મળે છે.BSE પર કુલ 4016 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1425 શેરોમાં તેજી સાથે બંધ થયા હતા અને 2500 શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે 91 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 239 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 25 શેરો 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા.

 

UP માં મોટી ટ્રેન દુર્ઘટના, ડિબ્રુગઢ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી

ઉત્તર પ્રદેશના ગોંડામાં એક મોટો ટ્રેન અકસ્માત થયો. ડિબ્રુગઢ એક્સપ્રેસના કેટલાય ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેમાં 4 લોકોના મોતની પુષ્ટિ યુપીના આરોગ્ય મંત્રી બ્રિજેશ પાઠકે કરી હતી. જો કે હજુ સુધી ઘાયલોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી. આ મામલે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને દુર્ઘટના સ્થળ પર પહોંચવાના નિર્દેશ આપ્યા છે. ભારતીય રેલ્વેએ આ માહિતી આપી છે.

એક નિવેદન જારી કરીને રેલ્વેએ કહ્યું કે ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના ગોંડા નજીક બપોરે લગભગ 2:35 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ.સીએમ યોગી આદિત્યનાથે ટ્રેન દુર્ઘટના વિશે માહિતી લીધી અને અધિકારીઓને દુર્ઘટના સ્થળ પર પહોંચવા સૂચના આપી. આ દરમિયાન રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ ઘણા કોચ પાટા પરથી ઉતરી ગયા છે. ગોંડા નજીક એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિ અંગે કોઈ માહિતી સામે આવી નથી.

જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન નંબર 15904 ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસના કેટલાક કોચ ગોંડામાં પલટી ગયા. ગોંડા-ઝિલાહી વચ્ચે પિકૌરા પાસે આ અકસ્માત થયો હતો. કેટલા લોકો ઘાયલ થયા છે તેની હજુ સુધી કોઈ માહિતી નથી. પ્રશાસને ગોંડાથી બચાવ ટીમ મોકલી છે. ચાર એસી કોચ અકસ્માતનો ભોગ બન્યા હોવાનું કહેવાય છે.

4 થી 5 કોચ પાટા પરથી ઉતરી ગયા

ડિબ્રુગઢ-ચંદીગઢ એક્સપ્રેસના પાટા પરથી ઉતરી જવાની ઘટના પર ઉત્તર પૂર્વ રેલવેના સીપીઆરઓ પંકજ સિંહે કહ્યું, “રેલ્વેની મેડિકલ વાન ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. આ ઘટના બપોરના સમયે બની હતી.” આ ઘટના બપોરે 2.37 વાગ્યાની આસપાસ બની હતી, પ્રાથમિક માહિતી અનુસાર 4-5 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.