Home Blog Page 1641

ગંભીર નહીં પણ રોહિત શર્માને કારણે રમાયું રાજકારણ?

નવી દિલ્હીઃ શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનું એલાન થઈ ગયું છે. કેટલાક ક્રિકેટરોનાં નસીબ ચમક્યાં છે, જ્યારે કેટલાક સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. નવા હેડ કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળની આ પહેલી સિલેક્શન મીટિંગ હતી અને એ પછી બબાલ થઈ છે  અને આંગળીઓ તો વનડે કેપ્ટન રોહિત શર્મા પર પણ ઊઠી રહી છે.

ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ, એમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે હાર્દિક પંડ્યાને T20 કેપ્ટનશિપ ના મળી. એ સાથે તેને વાઇસ કેપ્ટનમાંથી પણ હટાવવામાં આવ્યો અને તેની જગ્યાએ શુભમન ગિલને વનડે-T20નો વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એ સાથે ઋતુરાજ ગાયકવાડ વનડે –T20 ટીમમાંથી બહાર થઈ ગયો છે.

સંજુ સેમસને પણ સદી ફટકારી હોવા છતાં વનડે ટીમમાં જગ્યા નથી મળી. આ નિર્ણયો પછી લોકોએ નવા હેડ કોચ ગૌતમ ગંભીર પર સવાલ ઉઠાવ્યા છે, પરંતુ અહેવાલ મુજબ આ નિર્ણયો પાછળ ક્યાંક ને ક્યાંક રોહિત શર્માનો પણ હાથ છે.

ગૌતમ ગંભીર હેડ કોચ તો બન્યો, પરંતુ તે આવતા જ આટલા મોટા નિર્ણય એકલો ના નહીં લઈ શકે. ટીમની દશા અને દિશા નક્કી કરવામાં મુખ્ય પસંદગીગાર અજિત આગરકર અને વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માનો પણ હાથ છે. આમ પણ શર્મા ઘણા લાંબા સમયથી ટીમની સાથે છે. તેની સલાહ આ સિલેક્શનમાં મહત્ત્વની રહી હશે.

વળી, હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન પદેથી પણ દૂર કરવામાં આવતાં રોહિત શર્માની વિરુદ્ધ ભારતીય ફેન્સે મોરચો ખોલી દીધો છે. લોકોનું માનવું છે કે આ બધું રોહિત શર્માનું કર્યુકારવ્યું છે. ફેન્સનું તો એમ પણ કહેવું છે કે પંડ્યા અને કેએલ રાહુલ સાથે રાજકારણ ખેલાયું છે. ગાયકવાડ પણ ઝિમ્બાબ્વેમાં સારો દેખાવ છતાં T20 ટીમમાંથી બહાર થયો છે.

 

 

આખરે કોંગ્રેસના કાર્યકર્તાઓને હાઈકોર્ટે આપી રાહત..

થોડા સમય પહેલા અમદાવાદ કોંગ્રેસ કાર્યલય ખાતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણને લઈ એલસબ્રિજ પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પાંચ કોંગ્રેસના કાર્યકર્તાઓને જેલના હવાલે કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ કોંગ્રેસ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. ત્યારે આ કેસને લઈ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.

આ અગાઉ કોંગ્રેસના કાર્યકર્તાઓની જામીન માટે અરજી કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાની અરજીના મંજૂર કરવામાં આવી હતી. ત્યારે હવે કોંગ્રેસના પાંચ કાર્યકર્તાઓને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. જેલમાં બંધ પાંચેય કોંગ્રેસના કાર્યકર્તાઓના જામીન મંજૂર કર્યા છે. રૂપિયા 10 હજારના બોન્ડ પર ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. વધુ તપાસની જરૂર ન હોવાથી બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યારે હાઈકોર્ટે તમામના જામીન મંજૂર કર્યા છે. પોલીસ દ્વારા મુદ્દામાલ પણ રિકવર કરી લેવામાં આવ્યો છે.

શું આખો મામલો?

વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સાંસદમાં હિન્દુઓ પર વિવાદત ટીપ્પણી કરી હતી. જેના પડધા ગુજરાત સહિત દેશમાં પડ્યા હતા. ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દર કાર્યકર્તા દ્વારા કોંગ્રેસના કાર્યલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ બીજા દિવસ કોંગ્રેસના કાર્યલય બહાર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા વિરોધ પ્રદર્શ કરવા પહોંચ્યા હતા. જ્યાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા. આ પરિસ્થિતિ વચ્ચે પોલીસને ડેમેજ કંટ્રોલ કરવું મુશ્કેલ બન્યું હતું. કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. તો આ ઘટનામાં પથ્થરમારામાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો.

 

મુંબઈ: મુલુંડ ખાતે ઉમાશંકર જોશી સ્મૃતિ વંદના કાર્યક્રમનું આયોજન

મુંબઈ: 1911માં જન્મેલા કવિ ઉમાશંકર જોશી ગુજરાતી ભાષાના મોટા ગજાના સર્જક! ગાંધીયુગના આ સર્જકે કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, નવલકથા, અનુવાદ, સંપાદન એમ વિવિધ ક્ષેત્રે દાયકાઓ સુધી યાદ રહે એવું યોગદાન આપ્યું છે. 21 જૂલાઈના રોજ કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતિ છે.

ઉમાશંકર જોશીના જન્મને 113 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. જેની ઉજવણીના ભાગરૂપે 21 જુલાઈ રવિવારે સાંજે પાંચ વાગ્યે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ બારિશી નેટવર્કના સહયોગથી “ઉમાશંકર જોશી સ્મૃતિ વંદના” નામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ આ કાર્યક્રમમાં ટૂંકી વાર્તાનું વાચિકમ કરશે. જાણીતા સંગીતકાર તથા ગાયક સુરેશ જોષી તથા શ્રદ્ધા શ્રીધરાણી ઉમાશંકર જોશીનાં ગીતોનું ગાન કરશે. કવિ વાર્તાકાર સતીશ વ્યાસ કાવ્યો રજૂ કરશે. કવયિત્રી મીતા ગોર મેવાડા ઉમાશંકર જોશીની વાર્તા આધારિત સતીશ વ્યાસ લિખિત એકોક્તિ રજૂ કરશે. વિદ્યાવિહારની કે.જે.સોમૈયા કૉલેજની વિદ્યાર્થીનીઓ ભારતી હાથિયાણી, ભક્તિ લોડાયા, ત્રિશા નંદા,વૃત્તિકા ઝાલા અને પંક્તિ જોશી એક એકાંકીની ભજવણી કરશે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.પ્રો.હિતેશ પંડ્યા કરશે.

આ કાર્યક્રમ આઈયા બૅન્કવેટ હૉલ, શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, મુલુંડ વેસ્ટ ખાતે યોજાશે. કાર્યક્રમનું સંકલન અકાદમી વતી કવિ સંજય પંડ્યાએ કર્યું છે અને પરિકલ્પના અકાદમીના સભ્ય નિરંજન પંડ્યાની છે. આયોજન માટે સહયોગ ગિરીશ સોમનાથ ભટ્ટ તથા દિનેશ ચુનીલાલ ત્રિવેદીએ આપ્યો છે તથા સહયોગી સંસ્થા વતી રાકેશ જોષી અને લાલજી સર કાર્યભાર સંભાળી રહ્યા છે. સાહિત્યના સહુ ચાહકો આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે.

બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમનો બે દોષિતોની જામીન અરજી સાંભળવાનો ઈન્કાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં બે દોષિતોની વચગાળાની જામીન અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો છે. આરોપી રાધાશ્યામ ભગવાનદાસ અને રાજુભાઈ બાબુલાલ સોનીએ વચગાળાના જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે આ ખોટી રીતે તૈયાર કરવામાં આવેલી અરજી છે.સુપ્રીમ કોર્ટે અરજી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે આ કેવી રીતે સ્વીકાર્ય છે? આ બિલકુલ ખોટું છે. અમે પી.આઈ.એલ.માં અપીલ પર કેવી રીતે બેસી શકીએ? જાહેર હિતની અરજી કરવામાં આવી હોય ત્યારે તેના વિરોધમાં સુનાવણી કરવી બિલકુલ યોગ્ય નથી. અરજદારોએ માંગ કરી હતી કે જ્યાં સુધી તેમની સજા માફ કરવા અંગે નવો નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી તેમને વચગાળાના જામીન આપવામાં આવે.આ મામલામાં ગત જાન્યુઆરી મહિનામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા બધાં જ 11 આરોપીઓને સજામાં છૂટછૂાટ આપવામાં આવી હતી. તેમની આજીવન કારાવાસની સજા પૂરી થાય તે પહેલાં જ તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જાન્યુઆરીમાં આપવામાં આવેલા આ નિર્ણયને ચેલેન્જ કરવામાં આવ્યો છે. હાલમાં તમામ આરોપીઓ ફરી જેલમાં બંધ છે. ત્યારે કોર્ટે કહ્યું કે આ કેસમાં બે નિર્ણયો છે તેમાંથી બીજો નિર્ણય હાલ માન્ય રહેશે.

અનામતનો વિરોધઃ બંગલાદેશમાં સતત વધતી હિંસા, 39નાં મોત

ઢાકાઃ બંગલાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતની વિરુદ્ધ પ્રદર્શન દરમ્યાન 39 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ગુરુવારે દેશના અનેક ભાગોમાં હિંસા થઈ હતી. ઢાકા સહિત દેશમાં વિવિધ ઠેકાણે પોલીસ અને દેખાવકારોની વચ્ચે અથડામણ થઈ હતી. વિદ્યાર્થીઓ ટ્રેન અને બસોને રોકવા માટે પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસે દેખાવકારોને વિખેરી કાઢવા માટે ટિયર ગેસના  ટોટા ફોડ્યા હતા અને રબરની ગોળીઓ ચલાવી હતી, જેનાથી સેંકડો લોકો ઘાયલ થયા હતા, જેને વાહનો, પોલીસ ચોકીઓ અને અન્ય પ્રતિષ્ઠાનોમાં આગ લગાવી દીધી હતી.  આ દેખાવો હાઇકોર્ટે પાંચ જૂને અનામતને મંજૂર કર્યા પછી શરૂ થયા હતા. વિદ્યાર્થીઓએ બંગલાદેશનું બંધનુંએલાન કર્યું હતું.ગુરુવારે હિસક વિરોધ પ્રદર્શનો પછી શુક્રવારે બંગલાદેશના ઢાકામાં રસ્તા સૂમસામ હતા અને અજંપાભરી શાંતિ પ્રવર્તતી હતી. સરકારે થોડો સમય માટે ઇન્ટરનેટ પણ બંધ કર્યું હતું. સરકારે મોબાઇલ સેવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ગુરુવારે વિદ્યાર્થી દેખાવકારોએ સરકારી કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગને આગ લગાડી દીધી હતી. કેટલીય પોલીસ ચોકીઓ, વાહનો અને અન્ય સંસ્થાઓનાં બિલ્ડિંગોમાં પણ આગ લગાડી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ અવામી લીગ અધિકારીઓ પર પણ હુમલો કર્યો હતો.

બંગલાદેશની કોર્ટે બધી અનામતો –ખાસ કરીને સ્વતંત્ર સેનાનીઓના ક્વોટાના આદેશને પલટવાનો આદેશ આપ્યો હતો. આ વિરોધ હવે દેશમાં મોટે પાયે થઈ રહ્યો છે અને આ વિરોધ એટો વધ્યો છે કે દેશમાં 29 લોકોનાં મોત થયાં છે.

મોનસૂન સ્પેશિયલ વાનગી આરોગવાના હેલ્ધી નુસખા

ચોમાસું બરાબર જામી ગયું છે. વરસતા વરસાદમાં પાચન મંદ પડે છે એવું માનવામાં આવે છે. જો કે એ વાત પણ ચોક્કસ છે કે વરસાદ વરસતો હોય ત્યારે ભૂખ પણ એવી જ ઊઘડે છે. જેવો વરસાદ ચાલુ થાય એની સાથે જ ગરમાગરમ ભજિયાં, સમોસાં, દાળવડાં, મેથીના ગોટા, બાફેલી મકાઈ જેવી મોનસૂન સ્પેશિયલ વરાઈટીની દુકાનો-હાથલારીઓમાં નાસ્તો કરવા માટે લોકોની લાઈન લાગે છે.

જીભના ચટકા તો કંઈ પણ કહે, ચોમાસામાં પાચનશક્તિ મંદ પડતી હોય તો ભજિયાં જેવી પેટ માટે સામાન્ય રીતે ભારે ગણાતી ચીજ આ સીઝનમાં ખાવી જોઈએ?

ગુજરાતમાં ખાસ કરીને ચોમાસામાં આવા પ્રકારની વાનગીની માગ બહુ વધે છે. તો પ્રશ્ર્ન એ છે કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આવાં તળેલાં ખાદ્યો લેવાં કેટલાં હિતાવહ છે? અને અગર આપણે તળેલા ખાદ્ય પદાર્થો કે બીજી વાનગી લઈ રહ્યાં છીએ તો એને લીધે સ્વાસ્થ્યને નુકસાન ન થાય એનું કઈ રીતે ધ્યાન રાખી શકાય? કઈ ખાદ્ય સામગ્રીનો ઉપયોગ ચોમાસામાં ન કરવો જોઈએ? અથવા તો નિયંત્રિત માત્રામાં કરવો જોઈએ?

આપણે ત્યાં મેથી, બટેટા, ડુંગળી (કાંદા), મરચાં એમ અલગ અલગ પ્રકારનાં ભજિયાં બનાવવામાં આવે છે. ઘણાં ઘરોમાં તો ટમેટા, કેળાનાં તેમ જ અજમાના પાનનાં પણ ભજિયાં બને છે. આ ઉપરાંત, દાળવડાં કે ઘારવડાંને તો કઈ રીતે ભૂલી શકાય? તરેહ તરેહનાં પકોડાં, ભજિયાં કે સમોસાં એ હાઈ કૅલરી-હાઈ પ્રોટીન-હાઈ ફૅટ ખાદ્ય છે. આથી જ વજન ઘટાડવાની સલાહ આપતા નિષ્ણાતો અને તબીબો પણ તમને આ પ્રકારની વાનગી ન લેવાની સૂચના આપે છે અથવા તો હવે ઍર ફ્રાઈ  જેવી નવા પ્રકારની રસોઈની પદ્ધતિથી તળેલાં ખાદ્યોનો ઉપયોગ કરવાની સલાહ આપે છે.

જો કે સવાલ એ છે કે અગર આ સીઝનમાં ભજિયાં-પકોડાં ન ખાઈએ તો ક્યારે ખાઈશું? બજારમાં મળતાં આ પ્રકારનાં તળેલાં ખાદ્યોનો ઉપયોગ ટાળવાનું આહારશાસ્ત્રીઓ દ્વારા તેમ જ ડૉક્ટર્સ દ્વારા સૂચવવામાં આવે છે. એની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે અગર આવાં ખાદ્યોની બનાવટમાં સ્વચ્છતા ન જળવાઈ હોય તો એ પાચનમાં તકલીફ કરી શકે છે.

આ ઉપરાંત, બહારની મોટા ભાગની વાનગી એક જ તેલમાં તળીને બનાવવામાં આવે એટલે કે એકના એક તેલનો વારંવાર તળવામાં ઉપયોગ કરવામાં આવે તો એ ખાદ્ય તેલની રચના બદલાઈ જાય છે, જેને કારણે એ તેલમાં હાનિકારક તત્ત્વો ઉત્પ્ન્ન થાય છે, જેનો વધુપડતો ઉપયોગ હૃદય માટે જોખમ ઊભાં કરે છે. આ ઉપરાંત, વારંવાર ઉપયોગમાં લેવાયેલા ખાદ્ય તેલમાંથી એક્રોલિન નામનું ઝેરી તત્ત્વ ઉત્પ્ન્ન થાય છે, જે સંભવત: કૅન્સર ઉદ્ભવી શકે એવાં કાર્સિનોજેનિક કેમિકલ ઉત્પ્ન્ન કરે છે.

આથી જ શક્ય હોય ત્યાં સુધી એવી જગ્યાએથી તળેલાં ખાદ્યો કે ફરસાણ ખરીદવાં, જ્યાં નિયમિત એક વખત તળાયા બાદ તેલ બદલાવી નાખવામાં આવતું હોય. આનો સારામાં સારો વિકલ્પ એ છે કે તળેલા ખાદ્ય પદાર્થ ઘરે જ બનાવવાનો આગ્રહ રાખવો અને એ પણ અવારનવાર નહીં. અતિરેક ભલેને બહુ ભાવતાં ભજિયાંનો હોય, એ નડે જ છે.

હવે ભજિયાં-પકોડાં ખાવાની વાત આવે ત્યારે એ અગર ઘરે બનાવવાનાં હોય તો લોકોને એ પણ પ્રશ્ર્ન હોય છે કે ભજિયાં તળવા માટે કયા પ્રકારનું તેલ વાપરી શકાય? એનો સરળ ઉપાય છે કે તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં જે તેલીબિયાં વધુ ઉપલબ્ધ થાય છે એ તેલનો ઉપયોગ તમે કરી શકો, જેમ કે ભારતના પશ્ર્ચિમ વિસ્તારમાં રહો છો તો સીંગતેલ, દક્ષિણ તરફના એટલે કેરળ, કર્ણાટક કે તામિલનાડુમાં  છો તો કોકોનટનું તેલ અને ઉત્તર ભારતમાં કે પૂર્વીય વિસ્તારમાં છો તો રાઈના તેલ (મસ્ટર્ડ ઑઈલ)નો વપરાશ કરી શકાય, કારણ કે વિસ્તાર બદલાતાં ત્યાંનાં ખાદ્યોનો મૂળ સ્વાદ એના તેલના લીધે જળવાઈ રહે છે.

અત્યારની ફાસ્ટ લાઈફમાં રેડી ટુ ઈટ  ખાદ્ય પદાર્થોનો વપરાશ વધવા લાગ્યો છે. ઘણી વાનગી હાફ કૂક્ડ  પ્રકારે બજારમાં ઉપલબ્ધ છે. એવી જ રીતે અલગ અલગ પ્રકારની વાનગી માટે તૈયાર ખીરાં પણ બજારમાં સહેલાઈથી મળી રહે છે. ઢોસા, ઈડલી, ઢોકળાં, દાળવડાં, મેંદુવડાં, વગેરેનાં તૈયાર ખીરાં દ્વારા તમે આવી ચીજ પણ સહેલાઈથી બનાવી શકો છો. ચોમાસામાં તો દાળવડાંના ખીરાની ખરીદી માટે પણ લાંબી લાઈન લાગે છે. આ ખીરા દ્વારા તળેલી વાનગી ઘરે બનાવી લો તો તમે વારંવાર ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલનાં જોખમોથી બચી શકો છો.

ચોમાસામાં સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા આહાર કઈ રીતે અને કેટલા પ્રમાણમાં લેવો એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ જ સીઝન એવી છે કે જ્યારે ફરવાની પણ ખૂબ મજા આવે અને ભૂખ પણ વધુ લાગે. જો કે એય હકીકત છે કે સાથે સાથે બીમારી પણ આખા વર્ષમાં સૌથી વધુ આ સીઝનમાં ફેલાય છે.

(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)

માઈક્રોસોફ્ટમાં ખામી : વિશ્વભરમાં એરલાઈન્સ સેવાને અસર

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીને કારણે ઉડાન સેવાઓ પ્રભાવિત થઈ છે. દુનિયાભરની એરલાઇન્સને લગતા સર્વરમાં મોટી ખામીના અહેવાલ સામે આવ્યા છે. ટેક્નિકલ ખામીને કારણે વિમાનોના સંચાલનમાં તકલીફ ઊભી થઈ છે. ભારત અને અમેરિકા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ વિમાન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે.દુનિયાભરમાં તમામ લોકોની વિન્ડોઝ સિસ્ટમ પર બ્લૂ સ્ક્રીનની ખામી દેખાઈ રહી છે. માઈક્રોસોફ્ટના સર્વર ઠપ થવાને કારણે આખી દુનિયામાં બેન્કોથી માંડીને એરલાઇન્સ સુધીની સર્વિસિઝને અસર થઇ છે. કંપનીના ફોર્મ પર પિન મેસેજ અનુસાર ઘણાં વિન્ડોઝ યૂઝરને બ્લૂ સ્ક્રીન ઓફ ડેટ (BSOD) એરર દેખાઈ રહી છે.આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી છે. તેમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. શુક્રવારે સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઇ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.માઈક્રોસોફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં મધ્ય અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયામાં ઘણી કંપનીઓના કોમ્પ્યુટર અને લેપટોપ આપોઆપ બંધ થઈ ગયા હતા. બપોરે 12 વાગ્યે અનેક કર્મચારીઓએ ફરિયાદ કરી હતી કે, તેમના લેપટોપ અને કોમ્પ્યુટર આપમેળે બંધ થઈ ગયા છે. જેના લીધે બેન્કોથી માંડી સ્ટોક એક્સચેન્જ, એરલાઈન્સના કામકાજ પર અસર થઈ છે. મુસાફરો ચેક-ઈન કે ચેક આઉટ કરવા અસમર્થ બન્યા છે.માઈક્રોસોફ્ટમાં આવેલી ખામીઓને કારણે કંપનીની લગભગ તમામ સેવાઓ પ્રભાવિત થઈ છે. યુઝર્સને માઇક્રોસોફ્ટ 360, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ ટીમ, માઇક્રોસોફ્ટ એઝ્યુર, માઇક્રોસોફ્ટ સ્ટોર અને માઇક્રોસોફ્ટ ક્લાઉડ-સંચાલિત સેવાઓમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ ખામીની અસર ભારતમાં પણ વ્યાપકપણે જોવા મળી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામમાં આવેલી વિવિધ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની સિસ્ટમ પર અચાનક બ્લ્યૂ સ્ક્રીન દેખાવા લાગી હતી સ્ક્રીન પર એક મેસેજ પણ લખાયેલો હતો. જેમાં લખ્યું હતું કે તમારી સિસ્ટમને રિસ્ટાર્ટ કરવાની જરૂર છે. બ્લ્યૂ સ્ક્રીન એરર, જેને બ્લેક સ્ક્રીન એરર અથવા STOP કોડ એરર પણ કહેવાય છે, ત્યારે આવી શકે છે જ્યારે વિન્ડોઝમાં ગંભીર સમસ્યા સર્જાઈ હોય અને તે અચાનક કામ કરતી બંધ થઈ જાય.

વીસરાઈ ગયેલો સુપરસ્ટાર

18 જુલાઈ એટલે હિંદી સિનેમાના પહેલા સુપરસ્ટારની 12મી પુણ્યતિથિ.

સદાબહાર સ્ટાર દેવ આનંદ પછી ફિલ્મપ્રેમી જેમને જોઈને રીતસરના દીવાના બની જતા એ રાજેશ ખન્ના. આજના સુપરસ્ટાર, મહાનાયક અમિતાભ બચ્ચન 1960ના દાયકાના અંતકાળથી 1970ના દાયકામાં એટલા માટે જાણીતા હતા, કેમ કે એમણે રાજેશ ખન્ના જેવા સુપરસ્ટાર સાથે કામ કર્યું.

-પણ રાજેશ ખન્ના કદાચ એકલવાયા સુપરસ્ટાર હતા. જો કે છેલ્લા દિવસોમાં પત્ની ડિમ્પલ, પુત્રી ટ્વિન્કલ-રિન્કી તથા જમાઈ અક્ષયકુમાર સતત એમની પડખે હતાં.

જતિન ખન્ના ઉર્ફે રાજેશ ખન્નાનો જન્મ 1942ની 29 ડિસેમ્બરે અમૃતસરમાં બાળપણ, યુવાની વીતી મુંબઈના ગિરગામમાં. કાકા-કાકીએ એમને દત્તક લીધેલા. કિશોરાવસ્થાથી અભનિયનો એરુ આભડી ગયેલો. નવા કલાકારની ખોજની એક કમ્પિટિશનમાં વિનોદ મેહરાને હરાવીને જતિન ખન્ના પહેલા આવ્યા. નિર્માતા જી. પી. સિપ્પીએ એમને ‘રાઝ’ (1967) માટે સાઈન કરી એમનું પુનઃ નામકરણ કર્યું: રાજેશ ખન્ના.

પહેલી ફિલ્મ એમણે સાઈન કરી રાઝ, પરંતુ રિલીઝ થઈ ચેતન આનંદની ‘આખરી ખત’. ‘રાઝ’ પછી આવી. વગેરે. બે ફિલ્મ બાદ કોઈએ એમની નોંધ લીધી નહીં. 1967માં એ ‘બહારો કે સપનેં’નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે શૂટિંગ જોવા આવેલા લોકો એમની સામે જોવા તૈયાર નહોતા. એમની ઘોર અવગણના કરીને સૌ આશા પારેખના ઑટોગ્રાફ લેવા ધસી ગયેલા.

વરિષ્ઠ ફિલ્મપત્રકાર સ્વ. અલી પીટર જોને નોંધેલું કે “એક સમયે ભારતના સિનેમાપ્રેમીઓ રાજેશ ખન્નાને ભગવાન માનતા. રાજેશ ખન્ના પોતે પણ પોતાને ભગવાન માનવા લાગ્યા ત્યાંથી મુશ્કેલી શરૂ થઈ”.

રાજેશ ખન્ના કારકિર્દીના શિખરે બિરાજતા હતા ત્યારે ભયંકર અહં રાખતા. ક્યારેય પોતાના સહકલાકારો વિશે બે સારા શબ્દ ન બોલતા, ચમચાઓને લઈને દરબાર ભરતા, સેટ પર મરજી થાય ત્યારે આવતા. ટૂંકમાં એક સુપરસ્ટારને હોવી જોઈએ એ બધી જ કુટેવ એમનામાં હતી.

1973માં બીબીસીએ રાજેશ ખન્ના પર એક ડૉક્યુમેન્ટરી બનાવેલી, જેનું શીર્ષક હતું- ‘બૉમ્બે સુપરસ્ટાર’. ફિલ્મમાં એમનું વર્ણન મહા-અહંવાદી એવું કરવામાં આવેલું. આ દસ્તાવેજી ચિત્રપટ માટે રાજેશ ખન્નાનો ઈન્ટરવ્યુ લેનારા રિપોર્ટર જેક પિઝીએ વર્ષો બાદ કહેલું કે “રાજેશ ખન્ના એટલે રુડોલ્ફ વેલેન્તિનો જેવો જાદુ અને નેપોલિયન બોનાપાર્ટની જેમ મગજમાં રાઈ ભરીને જીવતો સ્ટાર”.

આ જેકભાઈને રાજેશ ખન્નાએ ઈન્ટરવ્યુ માટે ખૂબ લબડાવેલા. અનેક વાર ઍપોઈન્ટમેન્ટ આપીને કૅન્સલ કરી નાખેલી. તે વખતની ટોચનાં ફિલ્મપત્રકાર સ્વર્ગસ્થ દેવયાની ચોબલે આ ડૉક્યુમેન્ટરીમાં જેક પિઝીને કહેલું કે રાજેશ ખન્ના ભયંકર ઈન્સિક્યોર છે, એનું વ્યક્તિત્વ અકળ છે. આ જ દેવયાની ચોબલે નવોદિત રાજેશ ખન્નાને એના શરૂઆતના, સંઘર્ષના દિવસોમાં કહેલું કે “લખી રાખજે, એક દિવસ તું હિંદી સિનેમાનો ટોપનો સ્ટાર બનીશ”.

– અને એ દિવસો આવ્યા. દિવસો નહીં, એક જમાનો, એક યુગ આવ્યો. એક પછી એક સુપરહિટ ફિલ્મો, દિલડોલ ગીતો, નાટ્યાત્મક વળાંકવાળી વાર્તા પાવરફુલ કૅરેક્ટરાઈઝેશન એટલે રાજેશ ખન્ના. સહેજ ગરદન ઝુકાવીને, મીઠું મલકીને એ હાથ ઊંચો કરતા ને છોકરીઓ પાગલ બની જતી. રક્તમાં પેન ઝબકોળીને એમને પત્રો લખતી, રાજેશ ખન્ના નહીં તો એમની કારને ચુંબન કરતી, એમની એક ઝલક મેળવવા ઘરની બહાર કલાકો બેસી રહેતી.

એ અરસામાં, જ્યારે રાજેશ ખન્ના રીતસરના શિખર પર બિરાજતા હતા ત્યારનો આ કિસ્સો. તમિળ ફિલ્મના સર્જક, પ્રાણીપ્રેમી ચિન્નપ્પા દેવર એમને સાઈન કરવા મુંબઈ આવેલા. સફેદ લુંગીવાળા મદ્રાસી નિર્માતાને ટાળી દેવા રાજેશ ખન્નાએ બહુ મોટી રકમ માગી ત્યારે ચિન્નપ્પા દેવરે બ્રીફકેસ ખોલીને કહ્યું:

“વોક્કે. આય્યેમ રેડ્ડી, યે લો પૈસા”…

આઘાતની કળ વળતાં રાજેશે વાર્તા સંભળાવવા કહ્યું ત્યારે દેવરજીએ કહ્યું: “દેકો… ફિલિમ મેં તુમારા ચાર એલિફન્ટ હૈ- તૂમ સરકસ કા માલિક… બાદ મેં તૂમ ઝૂ (પ્રાણીબાગ)કા ઓનર”…

વિષય સાંભળી કપાળ કૂટતાં રાજેશે પૈસા સ્વીકાર્યા. પૈસાની જરૂર હતી. એમની પ્રાઈસ કરતી ડબલથી વધુ મળ્યા એટલે કામ તો કરવું હતું, દેવરની સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બનશે તો ડૂબી જશે એવી ખાતરી થતાં એમણે સલીમ-જાવેદને વિનંતી કરી કે “તમે નવેસરથી લખો”. સલીમ-જાવેદે ચાર હાથીની આસપાસ ફરતી મૂળ વાર્તા રાખીને આખી સ્ક્રિપ્ટ બદલી નાખી. એ ફિલ્મ ‘હાથી મેરે સાથી’એ ટિકિટબારી પર ટંકશાળ પાડેલી.

દોમદોમ સાહ્યબીના એ દૌરમાં એમણે આલીશાન ઘરનું સપનું સાકાર કર્યું. મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં કાર્ટર રોડ પર આવેલા ‘ડિમ્પલ’ નામના બંગલાની ખરીદી. એ બંગલો રાજેન્દ્રકુમારનો હતો. બંગલો તો ખરીદ્યો, પણ રાજેન્દ્રકુમારની કન્ડિશન હતી કે ‘ડિમ્પલ’ નામ નહીં રાખી શકાય એટલે કચવાતા મને ‘આશીર્વાદ’ રાખ્યું.

એ એવો દૌર હતો, જ્યારે એ જે કરતા, જે બોલતા, જે પહેરતા એનું પ્રશંસકો આંધળું અનુકરણ કરતા. ‘હાથી મેરે સાથી’માં એ અમીરમાંથી ગરીબ બને છે અને દાઢી વધારી કુરતું પૅન્ટ પહેરે છે. કૉલરવાળું એ કુરતું ગુરુ શર્ટ તરીકે પ્રખ્યાત થઈ ગયેલું ને યુવાનોએ પહેરવા માંડ્યા. દુલાલ ગુહાની ‘દુશ્મન’માં કપાળ પર ઘા થતાં ચોકડીવાળો રૂમાલ બાંધેલો તો લોકો એવો રૂમાલ બાંધીને ફરવા માંડ્યા. સ્કાર્ફ, ગુરખાટોપી, મોજડી જેવાં બૂટ-કમ-ચંપલ, કાંડા પર ચામડાંનું બ્રેસલેટ, બે પોકેવાળું શર્ટ, સિલ્કનું કુરતું-લુંગી, જેવી કંઈકેટલી ફૅશન એમણે રજૂ કરેલી.

-પછી સદાકાળ સુપરસ્ટાર રહેવાની મથામણમાં એ પોતાની વિશ્વાસાર્હતા સાથે સમાધાન કરવા માંડ્યા, તત્ક્ષણ, વગરવિચાર્યે નિર્ણય લેવા લાગ્યા. એ અરસામાં એક દિવસ એમણે પત્રકાર દેવયાની ચૌબલને ફોન કરીને કહ્યું કે “મળવા આવ, જીવનભર યાદ રહી જાય એવું સ્કૂપ (માહિતી) આપીશ”. રાજેશ ખન્ના લગ્ન કરે છે એનાથી વધારે મોટું સ્કૂપ, બ્રેકિંગ ન્યુસ બીજા કયા હોઈ શકે, ભલા? સમાચાર વાંચીને દેશભરમાં અનેક કુંવારી કન્યાએ આત્મહત્યાના પ્રયાસ કરેલા. જો કે મૂળ ચોરવાડના ચુનીભાઈ કાપડિયાની પુત્રી ડિમ્પલ સાથેનાં લગ્ન પણ ઉતાવળે લીધેલો નિર્ણય હતો. બીબીસીની ડૉક્યુમેન્ટરીમાં એમણે આનો એકરાર કર્યો છેઃ “ઈટ વૉઝ અ પબ્લિસિટી મૅરેજ”.

1980ના દાયકા બાદ એક સમય એવો આવ્યો કે જે ફિલ્મરસિકો એ જે કંઈ કરે એને આંખમાથા પર ચડાવતા એ જ પ્રેક્ષકો એમનું કંઈ પણ ચલાવવા માગતા નહોતા. પછી 1983માં મોહનકુમારની અવતાર અને સાવનકુમાર ટાંકની ‘સૌતન’ સુપરહિટ થઈ ને ફરી થોડા સમય માટે એમનો જમાનો આવ્યો, ગોવિંદા સાથે સ્વર્ગ આવી પણ એ ઝટ વીતી ગયો. ‘છૈલા બાબુ’, ‘ બાંયે હાથ કા ખેલ’, ‘ફિફ્ટી ફિફ્ટી’ જેવી અનેક ફિલ્મોએ એમને જાકારો આપ્યો. રાજેશ ખન્નાનું મોજું ઓસરવા માંડયું. ધૂમધડાકા સાથે એનાઉન્સ થયેલી એક ડઝનથી વધુ ફિલ્મો અભરાઈ પર ચડી ગઈ, આમાંની અમુકના એ પોતે નિર્માતા હતા.

1990ના દાયકામાં કૉન્ગ્રેસની ટિકિટ મેળવી, લોક સભામાં ગયા. 2008માં વિવાદાસ્પદ અભિનેત્રી લૈલા ખાન સાથે એમની છેલ્લી ફિલ્મ આવીઃ ‘વફા’.

રાજેશ ખન્ના જેટલું જીવ્યા ભરપૂર જીવ્યા, અમીરીમાં જીવ્યા. છેલ્લા દિવસો સુધી એ બાદશાહી રહેણીકરણી ગઈ નહોતી. કડક સ્ટાર્ચવાળાં સફેદ કુરતાં-પાયજામામાં સજ્જ રહેતા, ઈમ્પોર્ટેડ કાર, ઑફિસ, સ્ટાફ બધું યથાવત્ હતું. ટિયર્સને એ હેટ કરતા (“પુષ્પા, આઈ હેટ ટિયર્સ”). પુણ્યતિથિએ એમની સુપરહિટ ફિલ્મો ફરી ફરી જોઈને એમને યાદ કરવા એ જ એમને સાચી અંજલિ. હમણાં જ મેં ‘કટી પતંગ’ પૂરી કરી.

મહારાજ વિવાદ પર ડિરેક્ટરે તોડ્યું મૌન, કહ્યું-આ ફિલ્મ ધર્મ વિરોધી નથી

મુંબઈ: આમિર ખાનના દીકરા જુનૈદ ખાનની ફિલ્મ ‘મહારાજા’ વિવાદનો શિકાર થઈ એ સૌ કોઈ જાણે છે. હવે આ ફિલ્મના વિવાદને લઈ ડિરેક્ટરે નિવેદન આપ્યું છે. ‘વી આર ફેમિલી’ અને ‘હિચકી’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર દિગ્દર્શક સિદ્ધાર્થ પી મલ્હોત્રાની ફિલ્મ ‘મહારાજ’ને OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા આમિર ખાનના પુત્ર જુનૈદ ખાને ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ઘણા વિવાદોમાં રહી હતી.

(જુનૈદ ખાન, ડિરેક્ટર સિદ્ધાર્થ પી મલ્હોત્રા અને જયદીપ અહલાવત)

દૈનિક ભાસ્કર સાથે વાત કરતા સિદ્ધાર્થે કહ્યું હતું કે જાણ્યા વગર લોકોએ ફિલ્મને ધર્મ વિરોધી ગણાવી. જ્યારે આ ફિલ્મ માનવતા દર્શાવે છે. હું ખૂબ જ હળવાશ અનુભવું છું. આ ફિલ્મની સફર ઘણી લાંબી છે. જ્યારે આપણે વાર્તા કહીએ છીએ, ત્યારે અમે મનોરંજનની સાથે સંદેશ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે કોઈ વિવાદ માટે ફિલ્મો નથી બનાવતા. પૂરા જોશ અને દિલથી બનાવેલ છે.

ફિલ્મ બનાવવામાં જેટલો સમય લાગ્યો તે કંઈ જ નહોતું. પરંતુ તે પછી જે ઉતાર-ચઢાવ આવે છે તે બીજા કોઈ સાથે ન થવું જોઈએ. આ ફિલ્મ ટીઝર અને ટ્રેલર લૉન્ચ કર્યા વિના જ રિલીઝ કરવામાં આવી છે.

રિલીઝ વખતે ફિલ્મનું કોઈ પ્રમોશન નહોતું?

લોકો નેપોટિઝમ વિશે વાત કરતા હતા કે આમિર ખાન ફિલ્મનું પ્રમોશન કરશે. તેથી મેં તેના પુત્ર જુનૈદને ફિલ્મમાં કાસ્ટ કર્યો છે, પરંતુ આમિર ફિલ્મના પ્રમોશન માટે આવ્યો નથી. યશ રાજ અને નેટફ્લિક્સે પણ ફિલ્મનું પ્રમોશન કર્યું નથી. આ ફિલ્મ માટે અમે અમારી ટીમ સાથે તમામ મહેનત કરી છે. તે ફિલ્મ દ્વારા દેખાઈ રહી છે. આ અમારી સૌથી મોટી જીત છે.

આ ફિલ્મના પ્રમોશન માટે પણ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. 40 પાનાની માર્કેટિંગ યોજના કરવામાં આવી હતી. એક પાનું પણ પૂરું થઈ શક્યું નથી. જ્યારે ફિલ્મનું પોસ્ટર આવ્યું ત્યાં જ તેના પર હોબાળો મચી ગયો હતો. ફિલ્મ જોયા વિના પણ લોકોએ માની લીધું કે આ ફિલ્મ ધર્મની વિરુદ્ધ છે. જ્યારે અમે ફિલ્મ લખવાનું શરૂ કર્યું ત્યારે અમને લાગ્યું કે આ ફિલ્મ ધર્મની વિરુદ્ધ નહીં પરંતુ ધર્મ અને માનવતાના હિતમાં બનાવીશું.

આ ફિલ્મ ધર્મ વિશે નથી પરંતુ પત્રકાર કરસનદાસ મૂળજી વિશે છે. જેઓ સતી પ્રથા વિરુદ્ધ અને વિધવા પુનર્લગ્ન અને બીજી ઘણી બાબતો માટે સમાજ સુધારક હતા.

માઇક્રોસોફ્ટની બધી સર્વિસ બંધ થતાં વિશ્વનાં લેપટોપ ઠપ

નવી દિલ્હીઃ માઇક્રોસોફ્ટની સર્વિસ બંધ પડી ગઈ છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ લેપટોપથી માંડીને, માઇક્રોસોફ્ટ 360થી માંડીને એરલાઇન્સ પર એની પ્રતિકૂળ અસર પડી છે. માઇક્રોસોફ્ટનું સર્વર ઠપ થવાને કારણ વિશ્વભરનાં વિન્ડોઝ લેપટોપ કામ નથી કરી રહ્યાં. એને લઈને સોશિયલ મિડિયા પર યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે. યુઝર્સનું કહેવું છે કે તેમનું લેપટોપ સાઇબર અટેકનો શિકાર થઈ ગયું છે.

માઇક્રોસોફટની બધી મુખ્ય સર્વિસ ઠપ થઈ છે. યુઝર્સને માઇક્રોસોફ્ટ 360, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ ટીમ, માઇક્રોસોફ્ટ એઝુર, માઇક્રોસોફ્ટ સ્ટોર અને માઇક્રોસોફ્ટ ક્લાઉડ-પાવર્ડ સર્વિસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટેક્નિકલ ખામી શોધનાર પ્લેટફોર્મ ડાઉન ડિટેક્ટરે પણ વર્લ્ડ વાઇડ આઉટેજની પુષ્ટિ કરી છે. માઇક્રોસોફ્ટ 365માં ખામીની 900થી વધુ રિપોર્ટ છે. 74 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટ સ્ટોરમાં લોગિન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે 36 ટકા યુઝર્સને એપમાં મુશ્કેલીઓ પડી રહી છે.

અહેવાલ મુજબ કંપનીના ફોરમ પર કરવામાં આવેલા મેસેજ અનુસાર હાલમાં ક્રાઉડસ્ટ્રાઇક અપડેટ પછી અનેક વિન્ડોઝ યુઝર્સને બ્લુ સ્ક્રીન ઓફ ડેથનો (BAOD) એરરનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ગરબડની અસર ભારતમાં પણ વ્યાપક જોવા મળી હતી. દિલ્હી, મુંબઈ, બેંગલુરુ અને ગુરુગ્રામ સ્થિત વિવિધ કંપનીઓમાં કામ કરી રહેલા કર્મચારીઓની સિસ્ટમ પર એકાએક એક બ્લુ સ્ક્રીન દેખાવા લાગી. સ્ક્રીન પર એક મેસજ પણ લખેલો હતો, જેમાં લખ્યું હતું કે તમારી સિસ્ટમને રિસ્ટાર્ટ કરવાની જરૂર છે. બ્લુ સ્ક્રીન એરર, જેને બ્લેક સ્ક્રીન એરર અથવા STOP કોડ એરર પણ કહેવામાં આવે છે.